તે સાંજે પીયૂષ પારાશર્યનો ફોન આવ્યો કે દક્ષાબહેન (દક્ષા પટણી) આપણી વચ્ચે નથી, કે થઈ આવેલું પહેલું સ્મરણ ૧૯૭૧-’૭૨ની મારી ભાવનગર મુલાકાત વખતના પહેલા પહેલા પરિચયનું હતું. આગલે દિવસે જયેન્દ્ર ત્રિવેદીની કૉલેજમાં તો વળતે દિવસે જ્યાં વિનોદ વ્યાસ અર્થશાસ્ત્ર શીખવતા હતા, એ કૉલેજમાં બોલવાનું થયેલું અને બાંગલાદેશ ઘટનાની પિછવાઈ પર (તેમ એના ઉજાસમાં) મેં મારા વિચારો રમતા મૂકેલા. બીજે દિવસે, હું ધારું છું, સ્ટાફ રૂમમાં ચા પીતે પીતે દક્ષાબહેનની ટિપ્પણી આવી પડી : કાલે તમે બોલ્યા એમાં ‘સમાચાર’ હતા, આજે બોલ્યા એમાં ‘વિચાર’ છે. જો કે હું દિલખુલાસ કહી શક્યો હોત કે આગલે દિવસે જે માંડણી કરી એમાંથી સ્તો વિચાર વાસ્તે ભોંય બની હતી, પણ નવોસવો પરિચય હતો જે!
આગળ ચાલતાં અંતરાલે અંતરાલે પણ તે નિકટ જેવો થયો અને એ એક અચ્છા ગાંધીઅભ્યાસી તરીકે કોળ્યાં એનો આનંદ, કંઈક વિચારબાંધવી, મારો સ્થાયી ભાવ રહ્યો. એમના અભ્યાસની વિસ્તરતી ક્ષિતિજોની ભાળ, એમની પટેલસાહેબ (ચી.ના) સાથેની સ્વાધ્યાયબેઠકોમાંથી તેમ નારાયણભાઈ (નારાયણ દેસાઈ) સાથેના પ્રસંગોપાત સંપર્કોમાંથી મળતી રહેતી. નારાયણભાઈ બૃહદ્ ગાંધીચરિત્ર લખતા હતા ત્યારે ચાલુ લેખને સહવિચારની ભૂમિકાએ એમને વેડછીમાં દિવસો ગાળવા બરક્યાં, એ દક્ષાબહેનને જીવનકાળમાં મળેલાં મોટાં માન પૈકી અગ્રક્રમે હશે તેમ પાછળ જોતાં કહેવાનું મન થાય છે.
નારાયણભાઈએ આ સ્વાધ્યાયસોબત દરમિયાન દક્ષાબહેનને soulmate તરીકે ઓળખ્યાં ને પોંખ્યાં, એથી મોટું પ્રમાણપત્ર મારે મન બીજું નથી. એમ તો વિશ્વકોશ વ્યાખ્યાનમાં દક્ષાબહેને કર્યું હતું એવું નારાયણભાઈનું બીજું મૂલ્યાંકન પણ આ ક્ષણે મારી સ્મૃતિમાં નથી. (નારાયણભાઈ અને દક્ષાબહેનની ગાંધીપર્યેષણાથી અલગ રીતે ચી.ના. પટેલે એરિક્સન પરની શકવર્તી ટિપ્પણી સાથે ગાંધીના નવેસર અભ્યાસની જે દિશા ખોલી એના પરનું કામ તો ઠીક, ધોરણસરની કદરબૂજ પણ – હવે જયન્ત કોઠારી વગરના દિવસોમાં અને તે પણ ચી.ના શતાબ્દીવર્ષમાં – રાહ જુએ છે એ અળગતની વાત છે.)
દરમ્યાન, દક્ષાબહેનને વિદાયવંદના સાથે વાચક મિત્રોને એટલી એક જાણ કે એમને વિશે વિગતે પણ મુખતેસર અંજલિનોંધ મારી જાહેર રોકાણસરની પહેલી પહેલી ભાવનગર મુલાકાતોના અને એ રીતે એક અર્થમાં દક્ષાબહેન સાથેના પરિચયના પણ સંપર્કસૂત્ર શા મિત્ર અજય પાઠક લખશે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2019; પૃ. 15