સ્વાધીનતા તથા ત્યાર પછીના બેએક દશકાના જાહેરજીવન અને નેતૃત્વની સાથે વર્તમાનને સરખાવતાં વિષાદયોગમાં સરી પડાય છે. નેતૃત્વ તથા જાહેરજીવનમાં એવાં તે કેવાં આચરણ, મૂલ્યો અને વ્યવહારોને આપણે ઉત્તેજન આપ્યું કે એખલાસ, મૂલ્યનિષ્ઠા, પ્રામાણિકતા, સેવાવૃત્તિ, પ્રજાના યોગક્ષેમ માટેની ચિંતા તથા તે માટે ઝઝૂમવાની સક્રિયતા લોપાતી ગઈ અને ધિક્કાર, ભેદભાવ, સત્તા માટેની તડજોડ, ભ્રષ્ટાચાર, પ્રજાના યોગક્ષેમની અવજ્ઞા, વ્યક્તિગત સ્વાર્થની સાધના માટે જાહેરજીવનનો ઉપયોગ, ગુંડાગીરી, બેફામ જુઠાણાં તથા વચનો દ્વારા પ્રજા સાથે છેતરપિંડી વ્યાપક બન્યાં છે?
જાહેરજીવનનાં વિચાર-આચારનાં મૂલ્યોના ઘડતરમાં તથા તેનાં ઉર્ધ્વીકરણમાં પ્રબુદ્ધ-વિચારશીલ અગ્રવર્ગના આચાર-વિચાર નિર્ણાયક ભૂમિકા ભજવે છે. તદુપરાંત, માર્ક્સે દર્શાવ્યા મુજબ, આર્થિક-ભૌતિક ઉત્પાદકીય પરિબળો પણ અસરકારક છે. છેલ્લા દશકાઓ દરમિયાન રાષ્ટ્રના જાહેરજીવનના આચાર-વિચાર ઉપર સત્તાની દોડમાં ગળાડૂબ રાજકારણીઓએ આ બંને પરિબળો પર કબજો જમાવ્યો હોય તેમ લાગે છે. પરિણામે પ્રબુદ્ધ વિચારશીલતા નષ્ટ પામી છે કે હાંસિયામાં ધકેલાઈ ગઈ છે અને સત્તા આર્થિક સમૃદ્ધિ એકત્ર કરવાનું સાધન બની રહી છે. એટલે કે, સ્વસ્થ જાહેરજીવનની પુનઃસ્થાપના માટે, પ્રજાકીય જાગૃતિ દ્વારા સત્તાના રાજકારણ સામે મોરચો માંડવો રહ્યો, સંઘર્ષ કરવો રહ્યો.
આમ પ્રજા જાહેરજીવનમાં મૂલ્યોના મહત્ત્વને સમજે છે. વિચારશીલોનું કામ આ મૂલ્યોને વ્યાખ્યાબદ્ધ કરી, પ્રજાને સંગઠિત કરી, તે માટે આગ્રહ સેવતા કરવાનું છે. આ માટે એ જરૂરી છે કે બંને વચ્ચે સંબંધસેતુ રચાય. આવો સેતુ રચવા માટે પ્રજાની મૂળભુત આવશ્યક્તાઓની માંગોના ઉકેલ માટે તેમને સાથ-સહકાર આપી તેમ જ, સાથેસાથે, મૂલ્યો માટેની જાગૃતિ અને આગ્રહને સાંકળી લેવાનું કાર્ય હાથ ધરવું જોઈએ. મૂલ્યો માટેની જાગૃતિ અને આગ્રહ સિવાયની આર્થિક સમૃદ્ધિ કે વિકાસ પૂરતાં નથી. ઠેરઠેર આવાં વૈચારિક તથા સંઘર્ષનાં કેન્દ્રો વિકસાવવાની તાતી જરૂર છે. આ કેન્દ્રો લોકશાહીના સમર્થક, પ્રામાણિક, પ્રજાને જવાબદાર ઉમેદવારો ચૂંટાય તથા તેમના કાર્યો ઉપર નજર રાખે તેવું પણ બને. એટલે કે, વૈચારિક અને રચનાત્મક-સંઘર્ષાત્મક પ્રવૃત્તિએ હાથમાં હાથ મિલાવી ચાલવું રહ્યું.
આપણી લડત માનવીય મૂલ્યોના વિરોધી, લોકશાહી વ્યવસ્થા અને જીવનશૈલીનાં ધારાધોરણોની અવજ્ઞા કરતાં, સમાજ તથા રાષ્ટ્રને વિભાજીત કરતાં, આડો-ઊભો વેતરી નાંખતાં ભેદભાવ અને ધિક્કારને પોષતાં અને ફેલાવતાં, હિંસા-હત્યા-દમનને પ્રેરતાં, ફાસીવાદી પરિબળો સામે છે.
ભારતમાં છેલ્લા નવેક દાયકાથી ફાસીવાદી વિચારધારાનું સમર્થક આંદોલન વિકસતું રહ્યું છે. માનવીય મૂલ્યો અને વિચારશક્તિને કુંઠિત કરતાં પ્રચાર કેન્દ્રો દ્વારા તેણે ચાવીથી ચાલતાં રમકડાં જેવા રોબોપેથો (રોબોટ-યંત્રમાનવ-જેવી માનસિકતા ધરાવતા) સર્જ્યા છે. આક્રમક-રાષ્ટ્રવાદી ઉન્માદ, મૂડીવાદી પરિબળો, જુઠાણાં અને લલચાવનારાં વચનો, ધાકધમકી તથા ચાલબાજીઓ (ઈ.વી.એમ. સાથે ચેડાં કરી તથા વિપક્ષના વિધાયકોને ફોડી) અજમાવી સત્તા ઉપર કબજો જમાવ્યો છે. આ પાંચેક વર્ષમાં તો તેનું શેતાની સ્વરૂપ પ્રગટ થઈ ચૂક્યું છે. તેની સામેની લડત આંતરવિગ્રહ જેવી કપરી, લોહિયાળ, વિનાશક અને પીડાદાયક ના બને તેવી આશા રાખીએ. આવી આશા રાખી શકાય તેવાં કારણો પણ છે. આ ખોફનાક વાદળોનો ઘટાટોપ વિખરાશે અને ભારતમાં માનવીય મૂલ્યો, લોકશાહી વ્યવસ્થા અને જીવનશૈલી, એખલાસ, અમન અને શાંતિનો માહોલ પ્રસરશે તેવી આશા રાખવા પ્રેરે તેવાં પરિબળો પણ છે.
પ્રથમ તો, બહુમતી જનતા હજી આ ફાસીવાદી રંગે રંગાઈ નથી. એવી વ્યક્તિઓ, સંગઠનો અને પક્ષો છે જે લોકશાહીની રક્ષા માટે સચિંત અને કાર્યરત છે. ચૂંટણીઓ દ્વારા અહિંસક માર્ગે શાસક પક્ષને બદલવાની શક્યતા સુલભ છે. કેટલાંક રાજ્યોમાં બેત્રણ પક્ષો વચ્ચે સમજૂતી સાધી, વિરોધી મતો વહેંચાઈ જાય નહીં તેવી ગોઠવણ થઈ રહી છે, પરંતુ ઇન્દિરાઈ કટોકટી સમયે જેમ બધા વિરોધપક્ષોએ એક થઈ જનતા મોરચો રચ્યો હતો તેવી સમજૂતી સર્જવી રહી. આવી સમજૂતી દ્વારા સાઠ ટકા ઉપરાંત મતો એકત્ર થઈ શકે અને સત્તાપક્ષને દૂર કરી શકાય.
અલબત્ત, ફાસીવાદીઓને માત્ર સત્તાસ્થાનેથી દૂર કરવા પૂરતું નથી. મહત્ત્વની લડત તો ફાસીવાદી વિચારશૈલી તથા માન્યતાઓની સફાઈ કરવા માટે વ્યાપક વૈચારિક આંદોલન કરવાની તથા તે માટેની તાલીમ શિબિરોના આયોજન દ્વારા માનવીય મૂલ્યો, લોકશાહી વ્યવસ્થા અને જીવનશૈલી તથા વિચારશૈલી, અભિવ્યક્તિની સ્વતંત્રતા, રેશનલ અને સેક્યુલર વલણ તથા વૈજ્ઞાનિક અભિગમ કેળવવા ઉપર પણ ધ્યાન આપવું રહ્યું. આમ, સંગઠન તથા વૈચારિક એમ બંન્ને મોરચે લડત આપવાનો પડકાર ઉપાડવાનો છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2019; પૃ. 03