Opinion Magazine
Number of visits: 9447211
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મનને રમત અને ગમત આપનારી વારતાઓ

દીપક મહેતા|Opinion - Literature|12 March 2019

કાળચક્રની ફેરીએ

એવણનું નામ પેશતનજી કાવશજી રબાડી. ઠામ, બોમ્બે કહેતાં મુંબઈ. કામ? મુંબઈના અખબાર ‘જામે જમશેદ’માં રિપોર્ટર. જનમ ૧૮૨૨. પાંસઠ વરસની વયે ૧૮૮૭ના ઓક્ટોબરની બીજી તારીખે બેહસ્તનશીન થયા. આજે તેમને યાદ કર્યા છે તે તો તેમનાં કથા-વારતાનાં ત્રણ પુસ્તકોને કારણે. ૧૮૬૫ના એપ્રિલ મહિનાની ૨૯મી તારીખે પહેલું પુસ્તક ‘કેહવત મુલ’ પરતાવ્યું. તેની બીજી આવૃત્તિ ૧૮૬૮માં, ત્રીજી ૧૮૮૧માં. ૧૮૭૨ના ડિસેમ્બરની ૨૬મી તારીખે બીજું પુસ્તક ‘મનોરંજક કથા.’ ૧૮૮૪ના જુલાઈની ૩૧મી તારીખે ત્રીજું પુસ્તક ‘મનુશ પરેમી.’ ત્રણે પુસ્તક કથાનાં, વારતાનાં, કહાણીનાં. ટૂંકી વાર્તાનાં પુસ્તક તરીકે ન ઓળખાવીએ તો વાંધો નહિ. પણ આપણા મૂળની કથા અને અંગ્રેજી કૂળની વાર્તા – સ્ટોરી – એ બંનેની મિલાવટ તેમની વારતાઓમાં જોવા મળે. ભાષા, શૈલી, રજૂઆત, વગેરેનો ખ્યાલ આવે એટલે એક વાર્તાનો ઠીક ઠીક લાંબો ઉતારો: (ઉતારામાં અને અવતરણ ચિહ્નોમાં બધે ભાષા-જોડણી મૂળ પ્રમાણે)

હા, જી. કથનરીતિ સીધી-સાદી છે. ભાષાના શણગારનો ઠઠારો નથી. પણ જરા ધ્યાનથી વાંચીએ તો કેટલીક બાબત નોંધપાત્ર લાગશે. લેખક પોતે પારસી છે, પણ અહીં વાત કરે છે એક બ્રાહ્મણ કુટુંબની. એ સમાજના રીતરિવાજોથી લેખક પરિચિત છે. બાળલગ્નોના જમાનામાં વહુ ઉમ્મરલાયક થાય એટલે આણું કરવાનો રિવાજ હતો તેનાથી લેખક પરિચિત. પારસી બોલચાલમાં સાધારણ રીતે ન વપરાય તેવા શબ્દોનો – જેમ કે ‘બાએડી’ – ઉપયોગ લેખક કરી જાણે છે. આગળ જતાં પીછોડી, મોહલો, ભરથાર, જેવા શબ્દો લેખક યોજે છે. “ઓહો જમના વહુ આ શું થીઉંરે” એવી પોક એક પાત્ર પાસે મૂકાવે છે, એટલું જ નહિ, બૈરાંઓ પાસે મરશિયાની લીટીઓ પણ ગવડાવે છે. લેખક બિન-પારસી સાહિત્યથી પણ સારા એવા માહિતગાર હોવા જોઈએ. કારણ દરેક વાર્તા પૂરી થયા પછી, તેમણે એ વાર્તાને અનુરૂપ કાવ્યો મૂક્યાં છે. તેમાં શામળ ભટ્ટ જેવા મધ્યકાલીન કવિઓ ઉપરાંત સમકાલીન દલપતરામ વગેરેની કૃતિઓ પણ જોવા મળે છે. તો સાથોસાથ કથામાં વચમાં વચમાં ટિપિકલ પારસી હ્યુમર પણ જોવા મળે છે.

પુસ્તકનું નામ આજે થોડી ગેરસમજ ઊભી કરે એવું છે. અહીં ‘કેહવત મુલ’ કહેતાં કહેવતોના મૂળમાં રહેલી કથાઓ એવું સમજવાનું નથી. પણ દરેક કથાને અંતે કોઈ એક કહેવત સાથે સાંકળી લીધી છે. આ પ્રકારનું આ પહેલું જ પુસ્તક છે એમ તેના ‘બનાવનાર’ રબાડીએ દિબાચામાં કહ્યું છે:

૨૦૬ પાનાંનું આ પુસ્તક મુંબઈના દફતર આશકારા પ્રેસમાં છપાયું હતું અને સોરાબજી જમશેદજી જીજીભાઈને અર્પણ થયું હતું. અર્પણ-પત્ર અંગ્રેજીમાં છાપ્યું છે, જ્યારે પુસ્તકનું ટાઈટલ પેજ ગુજરાતીમાં છાપ્યું છે. પુસ્તકમાં ક્યાં ય તેની કિંમત છાપી નથી.

રબાડીનું બીજું પુસ્તક ‘મનોરંજક કથા’ મુંબઈના ‘જામે જમશેદ’ના છાપખાનામાં છપાઈને ૧૮૭૨માં પ્રગટ થયું હતું. ૪૧૯ પાનાંનું આ પુસ્તક ‘નેક નામદાર શેઠજી સાહેબ શેઠ બેહરાંમજી જીજીભાઈ’ને અર્પણ કર્યું છે. અર્પણ પત્રિકા અંગ્રેજી અને ગુજરાતીમાં જુદા જુદા પાના પર છાપી છે. આ પુસ્તકમાં કુલ ૬૨ વાર્તાઓ છે. તેમાંની ઘણી મૌલિક નથી. પણ ઘણી વાર્તાઓમાં પાત્રો-પ્રસંગો ગુજરાતી હિંદુ સમાજનાં છે, પારસી સમાજનાં નહિ. કેટલીક વાર્તાનાં નામ જ જોઈએ: ‘માણેકચંદનું તપીલું,’ હરીભાઇની શેરડી,’ ‘ભવઈઆ બનેલા વાણીઆઓ,’ ‘લલીતા નામે છોડીની ચંચલાઈ.’ ‘પરશતાવના’માં પુસ્તકના બનાવનાર રબાડી કહે છે: “એ કેતાબને મનોરંજક કથા કહીને નાંમ આપેઆમાં આવીઉં છે, જેની અંદર દીલને રમૂજ આપનારી વારતાઓનો શમાશ કીધો છે… કેટલેક ઠેકાણેથી જુદી જુદી રશીલી અને મનને રમત અને ગમત આપનારી વારતાઓનો શંઘરહ કરેઓ છે.”

હવે ત્રીજા પુસ્તક ‘મનુશ પરેમી’ વિષે થોડી વાત. ૧૮૮૪માં પ્રગટ થયેલું આ પુસ્તક ‘અંગ્રેજી તથા ગુજરાતી જાબ પ્રીંટીંગ પ્રેસ’માં છપાયું હતું, અને તેની કિંમત દોઢ રૂપિયો હતી. ટાઈટલ પેજ પર લેખક પોતાને ‘જામે જમશેદનો આગલો રીપોરટર’ તરીકે ઓળખાવે છે, એટલે ૧૮૮૪ પહેલાં ક્યારેક તેમનો એ અખબાર સાથેનો સંબંધ પૂરો થયો હોવો જોઈએ. આ પુસ્તકમાં ટાઈટલ પેજ અને અર્પણ-પત્ર બંને, ગુજરાતી તથા અંગ્રેજીમાં અલગ અલગ પાના પર છાપ્યાં છે. પુસ્તક દીનશાહજી માણેકજી પીટીટને અર્પણ કર્યું છે. પ્રસ્તાવનામાં પુસ્તક વિષે રબાડી લખે છે: “એને મનુશ પરેમી કરીને નાંમ આપીઆમાં આવીઉં છે, અને જેની અંદર દીલને રમૂજ આપનારી, અને દીલપશંદ વારતાઓનો શંઘરહ કીધામાં આવીઓ છે.” ૨૧૪ પાનાંના આ પુસ્તકમાં કુલ ૪૧ વાર્તા સંઘરાઈ છે. કેટલીક વાર્તાનાં માત્ર નામ જોઈએ: (સરળતા ખાતર નામ આજની ભાષા-જોડણી પ્રમાણે અહીં આપ્યાં છે.) શુકન લઇ જનારો માછી, પંડિતોએ આપેલું રાજ, માગેલી મુરાદ પૂરી પાડનારી દેવી, એક કાબેલ, પણ અપંગ બ્રાહ્મણ, સાચું બોલનાર વાણિયો, એક દયાળુ પાદશાહ, ચોર સોદાગર, જાનવરની બોલી જાણનાર રાજા, મિત્રોની મજા, વગેરે.

અહીં એક વાતનો ખુલાસો કરવો જરૂરી છે. આ ત્રણે પુસ્તકોમાં જે કૃતિઓ છે તેમાંની બહુ ઓછીમાં ટૂંકી વાર્તાનો ઘાટ ઘડાતો જોવા મળે છે. પરંપરાગત કથાની જેમ વાત સીધી લીટીમાં કહેવાય છે. ઘણોખરો ઝોક ઘટનાના કથન તરફનો છે. પાત્ર, સ્થળ-કાળ, વાતાવરણ, વગેરેના સભાન આલેખનનો લગભગ અભાવ છે. સંવાદો બોલચાલના છે. પણ સાથોસાથ એ પણ યાદ રાખવું ઘટે કે એ સમય અંગ્રેજી સાહિત્યના ગદ્ય પ્રકારોને આપણી ભાષામાં લાવવાની મથામણનો હતો. આપણી પરંપરાની કથામાંથી અંગ્રેજી પરંપરાની ટૂંકી વાર્તા નીપજાવવાની મથામણનો હતો. બીજું, આજે આપણે મૌલિક, અનુવાદ, રૂપાંતર, ‘પ્રેરિત’ કૃતિઓને અલગ અલગ તારવવાનો જેટલો આગ્રહ રાખીએ છીએ તેટલો એ વખતે રખાતો નહોતો. એટલે બનવા જોગ છે, કે આ પુસ્તકોમાંની ઘણી કૃતિ પૂરેપૂરી ‘મૌલિક’ ન પણ હોય. પણ આવી કૃતિઓને ટૂંકી વાર્તાનું નહિ, તો ટૂંકી વાર્તાના છડીદારનું સ્થાન અને માન તો આપવું ઘટે.

હકીકતમાં ગુજરાતી ટૂંકી વાર્તાનું પગેરું શોધવા માટે આપણે ઝાઝી મહેનત કરી જ નથી. દાયકાઓ સુધી તો કનૈયાલાલ મુનશી અને ધનસુખલાલ મહેતાની વાર્તાઓની ઉપેક્ષા કરીને મલયાનિલની ‘ગોવાલણી’ને જ પહેલી વાર્તા ગણાવતા રહ્યા. (આજે પણ એવું માનનારા-કહેનારા છે) પણ ટૂંકી વાર્તાનું પગેરું શોધવા માટે માત્ર પુસ્તકોનો આશરો લીધે ન ચાલે. ૧૮૪૦માં મુંબઈથી નવરોજી ફરદુનજીએ ‘વિદ્યાસાગર’ શરૂ કર્યું તે આપણી ભાષાનું પહેલું ‘ચોપાનિયું’ કહેતાં સામયિક. તે પછી તો ૧૯મી સદીમાં કેટલાં બધાં સામયિકો આવ્યાં અને ગયાં. એ બધાંને વાર્તા છાપ્યા વગર ચાલ્યું હશે? ગદ્યના બીજા પ્રકારોની જેમ વાર્તા-લેખનમાં પણ પારસીઓએ પહેલ કરી હોય એવું ન બને? પણ ખાટલે મોટી ખોડ એ કે ૧૯મી સદીનાં (અને ૨૦મી સદીનાં સુધ્ધાં) સામયિકોની સળંગ ફાઈલો આપણે ત્યાં ક્યાં ય એક સાથે સચવાઈ જ નથી. ક્યારેક હાથવગાં પાંચ-દસ સામયિકોમાંથી તારવીને ટૂંકી વાર્તાનાં સંપાદન થયાં છે. બીજી ખોટ એ કે સાહિત્યમાં અર્વાચીનતાની શરૂઆત નર્મદ-દલપતથી જ થઇ એવા હઠાગ્રહમાંથી હજી આપણા ઘણાખરા વિવેચક-સંશોધક-સંપાદક બહાર આવી શક્યા નથી. એટલે એ બંનેની પહેલાં, સાથોસાથ, અને પછી, પારસીઓ, પાદરીઓ અને પરદેશીઓને હાથે જે કામ થયું તે તરફ નજર નાખવાની જરૂર પણ ભાગ્યે જ જણાઈ છે. બાકી બીજી કેટલીક ભાષાઓમાં તો ‘કેહવત મુલ’ ‘મનોરંજક કથા’ કે મનુશ પરેમી’ જેવાં પુસ્તકો આખેઆખાં ફરી છપાય છે. અને છાપવાં ન હોય, તો હવે તો ડિજિટલ – ઇબુકનો રસ્તો પણ સસ્તો અને સારો છે. ભલું થજો મુંબઈની ‘ફાર્બસ ગુજરાતી સભા’નું કે તેણે ૧૯મી સદીનાં ૧૦૦ પુસ્તક સીડી પર સુલભ કરી આપ્યાં છે, તેમાં ‘કેહવત મુલ’ અને ‘મનુશ પરેમી’નો પણ સમાવેશ થાય છે. પણ આ સો પુસ્તક એ તો પાશેરામાં પહેલી પૂણી જેવાં છે. હજી તો ૧૯મી સદીનાં કેટકેટલાં પુસ્તકો, સામયિકો, દસ્તાવેજો આપણી રાહ જોઈ રહ્યાં છે. આપણામાંથી કોક તો જાગે! જાગશે? સાચું કહું તો બહુ આશા નથી.

xxx xxx xxx

[‘શબ્દસૃષ્ટિ'નાં ફેબ્રુઆરી ૨૦૧૯ના અંકમાં પ્રગટ થયેલો લેખ]

https://www.facebook.com/deepak.b.mehta.1/posts/10214485903797753

Loading

12 March 2019 admin
← બેબી
એક હાસ્યાસ્પદ કાળો કાયદો એટલે ઓફિશિયલ સિક્રેટ એક્ટ …! →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved