Opinion Magazine
Number of visits: 9449642
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘સમ્યક્‌ સાહિત્ય’ સેમિનાર

નટુભાઈ પરમાર|Opinion - Opinion|8 March 2019

ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી, અમદાવાદ સંચાલિત સમ્યક – સાહિત્ય અધ્યાપક સંઘ અને વિખ્યાત ઘનશ્યામ શૈક્ષણિક સંકુલ, મુકામ અંબાવ, તાલુકા ગળતેશ્વર(જિલ્લા ખેડા)ના ઉપક્રમે ‘સમ્યક્‌ સાહિત્ય ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય અને અવધારણા’ વિષય પરનો એકદિવસીય રાષ્ટ્રીય સેમિનાર, આ સંસ્થાના અંબાવ પરિસરમાં તારીખ ત્રીજી ફેબ્રુઆરી, ૨૦૧૯ના રોજ યોજાયો હતો.

રાજ્યના અધિક મુખ્ય સચિવ અને રાજ્યના મુખ્ય સેલ્સટૅક્સ કમિશનર ડૉ. પી.ડી. વાઘેલા, આઈ.એ.એસ.ના અધ્યક્ષ પદે અને અંબાવ સંસ્થાના મોવડી ડૉ. જિતુભાઈ માહ્યાવંશીના વિશેષ અતિથિ પદે યોજાયેલા આ સેમિનારમાં પ્રસિદ્ધ મરાઠી વિવેચક ડૉ. આર.બી. કામ્બલે, વિખ્યાત બંગાળી કવયિત્રી સુશ્રી મંદાકિની ભટ્ટાચાર્ય સહિત સર્વશ્રી પ્રવીણ ગઢવી (અધ્યક્ષ-ગુજરાતી દલિતસાહિત્ય અકાદમી) હરીશ મંગલમ્‌ (સંસ્થાપક – ગુજરાતી દલિતસાહિત્ય અકાદમી), ડૉ. પથિક પરમાર, ડૉ. રતિલાલ રોહિત, મરાઠી દલિતકવિ અને ચિત્રકાર પ્રો. સુનિલ અભિમાન અવચાર, ડૉ. વિનોદ ગાંધી, ડૉ. ધીરજ વણકર અને સંસ્થાના યોગેશભાઈ માહ્યાવંશીની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

સેમિનારના પ્રારંભે સૌ આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં સંસ્થાના જિતુભાઈ માહ્યાવંશી અને ડૉ. પી.ડી. વાઘેલાએ ડૉ. બાબાસાહેબ આંબેડકરની તસ્વીર સમક્ષ દીપ પ્રકટાવીને સેમિનારનો પ્રારંભ કરાવ્યો હતો.

‘દેશમાં શું થઈ રહ્યું છે અને તે સામે શું કહી શકાય, એનું આલેખન કરીને જનજન સુધી તેને પહોંચાડવાનું દાયિત્વ દલિત-સમ્યક્‌ સર્જકોનું છે એવો મત વ્યક્ત કરી પોતાના અધ્યક્ષીય પ્રવચનમાં ડૉ. પી.ડી. વાઘેલાએ જણાવ્યું કે, સમાજમાં પણ બે વર્ગો છે, એક જેઓ પીડા-દુઃખ વેઠે છે અને બીજો જે પીડા વેઠતો નથી પણ પીડા આપે છે. આ સ્થિતિમાં દલિત-સમ્યક્‌ સાહિત્યકારોનું એ કર્તવ્ય છે કે, એવી પીડાને તેઓ ઓળખી કાઢે અને તેના નિવારણના ઉપાયો પણ સૂચવે તથા પીડિતોને તેમની પીડાનો અહેસાસ કરાવી તેમને જાગૃત કરે.

‘સમાજના પીડિત વર્ગ પર સદીઓથી જે અન્યાયો થોપી દેવામાં આવ્યા છે, તેમને પણ તે જાણે અને સામે પક્ષે પીડા આપનારા વર્ગને તો સમતા-સમાનતા લાવવી જ નથી, આ સ્થિતિ ઘણી ભયાનક છે,’ એવો મત વ્યક્ત કરી ડૉ. વાઘેલાએ થિયરી ઑફ ઑપરેશનના વૈશ્વિક વિચાર પર પ્રકાશ પાડતાં કહ્યું કે, મીડિયા, ન્યાયતંત્ર અને વહીવટીતંત્રને પણ જ્યારે પીડિતોની પીડાનો અહેસાસ નથી થતો, ત્યારે સ્થિતિ વધારે ગંભીર બને છે, કારણ કે, આવા લોકો ‘ઇન્ડોક્ટ્રિનેશન’ના ભોગ બનેલા છે.

વિદૂષી લેખિકા ગીતા મહેતાને ટાંકીને ડૉ. વાઘેલાએ એમ પણ કહ્યું કે, શોષિતો-પીડિતો પર લખીને જે લોકો મોટા – ખ્યાતિપ્રાપ્ત લેખકો બન્યા છે, તેમના મનમાં પણ અસમાનતાને પ્રેરતા જાતિવાદને દૂર કરવાની કોઈ ખેવના નથી હોતી!

સર્જકોએ લેખનકાર્યની સાથે શોષિત-પીડિત-વંચિત સમાજની વચ્ચે પણ જઈને તેમનાં દુઃખ દરદ જાણી તેમને યથાયોગ્ય મદદ કરવી જોઈએ, એવો અનુરોધ કરી ડૉ. વાઘેલાએ ગુજરાતી દલિતસાહિત્ય અકાદમી દ્વારા ‘અન્નધમ્મ યોજના’ના સફળ અમલ દ્વારા આ દિશામાં જે ઠોસ કદમ ઉઠાવાયાં છે, તેની ભારોબાર પ્રશંસા કરી હતી. જ્યાં સુધી જ્ઞાતિવાદ રહેશે. ત્યાં સુધી આ દેશ ક્યારે ય મહાન બની શકશે નહીં, તેમ તેમણે કહ્યું હતું. ડૉ. વાઘેલાએ દલિતસર્જકો સાથે ઓ.બી.સી. સર્જકોના સાયુજ્યની સલાહ પણ આપી હતી અને કહ્યું હતું કે જડ ધાર્મિક વિચારધારાની અસર હેઠળ માણસ સાચી રીતે – સાચી દિશામાં વિચારવાની ક્ષમતા પણ ગુમાવી દેતો હોય છે.

ભગવાન બુદ્ધની સમ્યક-વિચારધારાથી પ્રેરિત સમ્યક્‌ સાહિત્યની વિભાવના પર મનનીય વિચારો વ્યક્ત કરતા, આ સેમિનારમાં પોતાનું બીજવક્તવ્ય રજૂ કરતા વિખ્યાત મરાઠી દલિતવિવેચક આર.બી. કામ્બ્લેએ કહ્યું કે, સમ્યક્‌ સાહિત્ય એ છે કે જે પીડિતોની પીડા-વ્યથાને આલેખે છે. પદ્ધતિસર અને તે પણ કાયદાનો આશરો લઈને જર્મનીથી લઈ સીરિયા સુધી વિશ્વમાં માનવજાતની કેટલી મોટી કતલ થઈ છે અને હાલ પણ થઈ રહી છે. આ પીડા અને યાતના કલાકારો – સાહિત્યકારોના સર્જનમાં જો ન આવે, તો એવા સાહિત્યને સમ્યક્‌ સાહિત્ય કહી શકાય નહીં.

‘તમારા દુઃખનું કારણ હું છું, તમારા દુઃખ માટે હું જવાબદાર છું.’ – એવા ભાવ સાથે તથા આફ્રિકન નિગ્રો-હબસીઓને કાયદેસર ગુલામ બનાવીને સદીઓથી જે શોષણ થયું. તે સામે પીડાને અનુભવીને જે સાહિત્ય વૈશ્વિક સ્તરે રચાય છે. તે જ સમ્યક્‌ સાહિત્ય છે, કારણ અહીં, યાતના ખરેખર વેઠે છે તેની પીડા સાચો સર્જક આપોઆપ પોતે પણ અનુભવે છે. આ જ સાચું સાહિત્ય છે, એવાં મર્મભેદી બયાનો સાથે ડૉ. આર.બી. કામ્બલેએ એમ પણ કહ્યું કે, અન્યાય સામે જો તમે પ્રતિકાર કરો છો તો તે તમારી જીત છે. અને એવા અન્યાયમાંથી જો તમે બહાર આવો છો, તો જ તમારો સમાજ એ સમ્યક્‌ સમાજ છે, એમ કહેવાય.

નોર્મલાઇઝેશન ઑફ પેઇન – પીડાનું પણ સામાન્યીકરણ કરી દેવામાં આવ્યું છે. મતલબ કે માનવ સમાજનો અમુક વર્ગ એટલે એમણે તો અત્યાચારો – અપમાનો – યાતનાઓ વેઠવાનાં છે હોય, એવી સમાજમાં જે સર્વસામાન્ય અવધારણા બની ચૂકી છે તેના વેધક પ્રકાશ પાથરતાં ડૉ. કામ્બલેએ કહ્યું કે, જે દરદ તમે વેઠો છો, એ ક્યાંથી આવ્યું તે પણ સમજવું જોઈએ.

સર્જક જ્યાં સુધી બીજાનું દરદ નહિ સમજે, ત્યાં સુધી એના સર્જનમાં અસર નહીં આવે, તેવો મત વ્યક્ત કરી ડૉ. કામ્બલેએ કહ્યું કે સમાજનો અમુક વર્ગ તો અત્યાચારો વેઠવા માટે જ છે. શોષિતો-પીડિતો-વંચિતોને એવું ઠસાવી દેવામાં આવ્યું છે કે આ કામ તો તમારે જ કરવાનું છે અને આ કચડાયેલા સમાજના લોકોએ, કશા ય હિચકિચાટ વગર એ દુઃખને સ્વીકારી લીધુ છે. પૉતાનું કરી લીધું છે. આમ, પીડાને પોતીકી માની લીધી જે મહાયાતનામાં પરિણમી અને પેલા પીડા થોપનાર સમાજે એને ‘પેઇન ઇઝ નૉર્મલ કન્ડિશન ઑફ લાઇફ’ ગણી. એવું માનતો આ સમાજ, દલિત સર્જકો માટે એક બહુ મોટો પડકાર છે, ત્યારે સમાજના એક વર્ગની પીડાના નિમિત્ત અને કારણ બનેલાઓને ઓળખી કાઢી. તેમને ઉઘાડા કરવાનું કામ સમ્યક્‌ સાહિત્યકારોએ કરવાનું છે.

આ સંદર્ભમાં દેશના સફાઈ-કામદારોની યાતનાઓનો ઉલ્લેખ કરતાં ડૉ. કામ્બલેએ કહ્યું કે, મળ-મૂત્ર-ગટર સાફ કરનારો આ દેશનો સફાઈ કામદાર માત્ર ૪૦ વર્ષનું આયુષ્ય જ ભોગવે છે અને દર સપ્તાહે બે સફાઈ કામદારો આ ગંદી કામગીરી કરતા મોતને ભેટે છે, જ્યારે કે તે આખી જિંદગી તેને પીડા આપનારાઓના મળ-મૂત્રને ઉઠાવે છે. એક જ્વલંત ઉદાહરણ આપતાં જણાવ્યું કે, ગટર સાફ કરતા આવા સફાઈ- કામદારનું ચિત્ર લોકોની જાગૃતિ અર્થે મેં મારી કચેરીના બોર્ડ પર મૂક્યું, પરંતુ આજ પર્યંત કોઈ વિદ્યાર્થીએ એ તરફ જોવાની પણ તસ્દી લીધી નથી!

ઇચ્છાથી કે બળપૂર્વક કમાટીપુરા (મુંબઈ) સહિતના ભારતભરના વિસ્તારોમાં વેશ્યાવૃત્તિ કરતી કમનસીબ યુવતીઓનાં દોઝખભર્યા જીવન પર પ્રકાશ પાથરતાં ડૉ. કામ્બલેએ કહ્યું કે, સજી-ધજીને શૃંગાર કરીને હારબંધ ઊભેલી આ યુવતીઓને જોઈને કોઈને પણ લાગે કે તેઓ ખૂબ રૂપિયા કમાતી હશે, પણ ના, એવું નથી. એ રૂપજીવિની જ્યાં વ્યવસાય કરે છે, તે ઘરનો માલિક, ત્યાંનો હોટલવાળો, વેઇટર, પાનબીડી વેચનારો ગલ્લાવાળો, ત્યાંના ડૉક્ટરો, ત્યાંના રિક્સાવાળાઓ અને ત્યાં સુધી કે ત્યાં આવેલાં મંદિરો સુધ્ધાં તગડી કમાણી કરી લે છે. વ્યવસાય આ રૂપજીવિઓનાં નામે ચાલે છે, પણ બહુ નજીવી રકમ તેના પરિવારના ભાગે આવે છે. ‘રૂપજીવિઓને તો માન હોય જ નહીં,’ એવો રૂઢ બનેલો ખ્યાલ એ પણ નૉર્મલાઇઝેશન ઑફ પેઇનનો જ હિસ્સો છે.

બંગાળથી આવેલાં કવયિત્રી મંદાકિની ભટ્ટાચાર્યે ‘એ કૉલ ટુ આર્મ્સ ઍન્ડ એમર : રીડિંગ વીમેન પોએટ્‌સ ઇન ધ ઇન્ટરનેશનલ કૉન્ટેક્સ’-આંતરરાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યમાં દલિત મહિલા કવયિત્રીઓ વિષય પરના પોતાના પાવરપૉઇન્ટ પ્રેઝન્ટેશનમાં અમેરિકન બ્લૅક લિટરેચર સહિત વિશ્વકક્ષાએ પીડિતો-વ્યથિતોની વેદનાઓને વાચા આપતી મહિલા કવયિત્રીઓ પરનું પોતાનું વિહંગાવલોકન રજૂ કરી, દુનિયાના કોઈ ખૂણે મહિલાઓનું શરીર પોતે જ એક અવિચારનું કારણ બન્યું છે અને વિશ્વમાં સર્વત્ર મહિલાઓની ગૂંગળામણ એકસમાન છે. તેમનાં દુઃખ અને વેદનાઓ વત્તેઓછે એકસમાન છે. મંદાકિની ભટ્ટાચાર્યને એ વાતની પીડા હતી કે, ભારતમાં-દલિત મહિલાઓ લેખન ક્ષેત્રે બહુ અગ્રિમ નથી અને હજુ ય આપણો સમાજ પુરુષપ્રધાન સમાજ બની રહ્યો છે.

લલિત અને દલિતવિવેચન ક્ષેત્રે બહુ ખ્યાતિ ધરાવતા, કાવ્યશાસ્ત્રના જાણતલ એવા ડૉ. પથિક પરમારે, એ જ પરંપરાગત કલ્પનો-પુરાકલ્પનોમાં રચતા કવિ વિનોદ જોશીના કાવ્યસર્જનમાં રહેલી આંખ ઉઘાડનારી ત્રુટિઓ રજૂ કરીને સ્થળ-કાળ-સમય સમૂળગાં બદલાઈ ગયાં હોવા છતાં રમમાણ રહેતા કવિની કવિતાઓ આ સમકાલીન યુગમાં કેવી અપ્રસ્તુત કરે છે, તેને સોદાહરણ રજૂ કરીને, સભામાંના સૌની ભારે દાદ મેળવી હતી.

‘હું તો પ્રેમનાં જ ગીતો લખીશ’, એવું કહેનારા એ કવિનું જાત્યભિમાન ખરેખર તો કવિની સંવેદનશીલતા સામે પણ પ્રશ્નો ખડા કરે છે, તેમ નોંધીને આવો વૈભવ એક દલિત કવિને ન જ પરવડે, તેમ જણાવ્યું હતું.

ઘનશ્યામ શૈક્ષણિક સંકુલના સૂત્રધાર અને આ સેમિનારના યજમાન શ્રી જિતુભાઈ માહ્યાવંશીએ, સરકારની કોઈ સહાય વિના વણપથ સંઘર્ષ બાદ અસ્તિત્વમાં આવેલા આ સંકુલનો ઇતિહાસ રજૂ કરી, સૌ સર્જકો, ભાવકોને સંસ્થાના આંગણે આવકાર્યા હતા.

ગુજરાતી દલિતસાહિત્ય અકાદમીના અધ્યક્ષ પ્રવીણ ગઢવીએ ૧૯૯૭માં આવિષ્કાર પામેલી ગુજરાતી દલિતસાહિત્ય અકાદમી અને સામયિક ‘હયાતી’ના બહુમૂલ્ય પ્રદાન માટે તેના સંસ્થાપક હરીશ મંગલમ્‌ની ભૂમિકાને બિરદાવીને, આ અકાદમી દ્વારા દલિતસાહિત્યની સેવામાં ૧૧૫ જેટલાં પુસ્તકો આટલા ટૂંકાગાળામાં પ્રકાશિત થયાં છે, તે ભારતભરની આવી (દલિત વર્ગની) અકાદમીઓમાં એક અને અજોડ ઘટના છે, તેમ જણાવ્યું હતું.

ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી સંચાલિત ‘સમ્યક્‌ સાહિત્ય અધ્યાપકસંઘ’ના અધ્યક્ષ અને મુંબઈ યુનિવર્સિટીના પ્રાધ્યાપક ડૉ. રતિલાલ રોહિતે ભેદભાવની દૃષ્ટિ ત્યજીને સૌના શ્રેયની ભાવના જે રાખે છે, તે સમ્યક્‌ સાહિત્ય છે, એમ જણાવી સેમિનારની ભૂમિકા રજૂ કરી હતી, મનુષ્યને મનુષ્ય તરીકે જોવાય અને દ્વેષ, પીડા, ઉત્પીડન, અવમાનના નાબૂદ થાય અને બુદ્ધે પ્રેરેલી સમ્યક્‌ ભાવનાનો પ્રાદુર્ભાવ થાય તે જ સમ્યક્‌ સાહિત્યનો આદર્શ હોવાનું તેમણે જણાવ્યું હતું.

પ્રિ. અભય પરમારની હિન્દી ભાષામાં પ્રથમ દલિતઆત્મકથા (ગુજરાતમાં) ‘डेथ कान्ट स्टोप’ વિશે ડૉ. સુશીલા વ્યાસે અભ્યાસપૂર્ણ વક્તવ્ય રજૂ કર્યું હતું. તદુઉપરાંત, પીએચ.ડી. કરતા વિદ્યાર્થીઓએ પોતાનાં શોધપત્રો રજૂ કર્યાં હતાં.

કાર્યક્રમની શરૂઆતમાં, ગુજરાતી દલિત સાહિત્ય અકાદમીના મહામંત્રી હરીશ મંગલમે સૌ મહેમાનોને આવકાર્યા હતા અને ‘અન્નધમ્મ – યોજના’નાં પ્રેરકબળ સમા – સદાયના સાથી એવા ડૉ. પી.ડી. વાઘેલાના યોગદાનની યશોચિત નોંધ લીધી હતી. મુખ્ય સંયોજક ડૉ. વિનોદ ગાંધીએ સેમિનારના ઉદ્ધઘાટનનું સુંદર સંકલન કર્યું હતું. સમગ્ર સેમિનારનું સુંદર સંચાલન ડૉ. આશા ગોહિલે કર્યું હતું.

આ સ્થળે મુંબઈ યુનિવર્સિટીના પ્રાધ્યાપક શ્રી સુનિલ અભિમાન અવચારનાં દલિત ચિત્રોનું પ્રદર્શન ખુલ્લું મૂક્યું હતું.

આ સેમિનારમાં અરવિંદ વેગડા, મધુકાન્ત કલ્પિત, ડૉ. રાજેશ મકવાણાં, ડૉ. ધીરજ વણકર, ડૉ. મોહન ચાવડા, ડૉ. અમિત પટેલ, ડૉ. હર્ષદ પરમાર, ડૉ. અમૃત પરમાર, ડૉ. જિતેન્દ્રકુમાર ચૌધરી, ડૉ. ઇન્તાજ મલેક, હિતેશ ચૌહાણ, ડૉ. દિનુ ભદ્રેસરિયા, નટુભાઈ પરમાર, ડૉ. કાંતિ માલસતર, ભરત દેવમણી, ડૉ. મનુભાઈ મકવાણા, ડૉ. દિલીપ મેહરા, ડૉ. ગિરીશ રોહિત, શિવપ્રસાદ શુક્લ, પ્રો. શંકરભાઈ પ્રજાપતિ, ડૉ. રાજેન્દ્ર રોહિત, પ્રો. રાજશ્રી જોશી વગેરે નામી-અનામી સાહિત્યકારો, ભાવકો, પ્રાધ્યાપકો તેમ જ પીએચ.ડી.ના વિદ્યાર્થીઓ અને સંતરામપુર આદિવાસી આટ્‌ર્સ કૉલેજના વિદ્યાર્થીઓની હાજરી પ્રેરકરૂપ બની રહી. અંતે, વેલિડિક્ટરી સેશનમાં પ્રિ. અભય પરમાર, ડૉ. હર્ષદ પરમાર, ડૉ. વિનોદ ગાંધી અને હરીશ મંગલમ્‌ના સચોટ અભિપ્રાયો સહસંસ્થાના પુનઃ આભાર સાથે સેમિનાર સંપન્ન થયો.

સૌજન્ય  : “નિરીક્ષક”, 01 માર્ચ 2019; પૃ. 13 – 15

Loading

8 March 2019 admin
← રાજકીય વંશવાદનો લોકશાહી પર પડછાયો
ફિલ્મ ‘ગ્રીન બુક’ અને અમેરિકન ‘વ્હાઈટ સેવિયર નેરેટિવ’ ટૂલની સામે ‘ધ હેટ યુ ગિવ’નો આક્રોશ →

Search by

Opinion

  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved