Opinion Magazine
Number of visits: 9449053
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસ : ભવ્ય ઇતિહાસ છતાં …

દિલીપ સતાશિયા|Opinion - Opinion|2 March 2019

ભારતીય વિજ્ઞાન (ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસ – I.S.C.) દર વર્ષે યોજાતી દેશની એક બહુ જ પ્રતિષ્ઠિત ઘટના છે, જેમાં દેશના અને વિદેશના નોબલ પ્રાઇઝવિજેતા સહિતના અનેક વૈજ્ઞાનિકો ભાગ લેતા હોય છે. આ વર્ષની ૧૦૬મી ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસ તા. ૩થી ૭ જાન્યુઆરી, ૨૦૧૯ દરમિયાન પંજાબની લવલી પ્રૉફેશનલ યુનિવર્સિટીમાં યોજાઈ હતી.

છેલ્લાં થોડાંક વર્ષો(૨૦૧૫)થી આ વિજ્ઞાન-પરિષદ વધુ ને વધુ ચર્ચામાં આવી રહી છે. જો કે આ એક જાહેર સંસ્થા હોવાથી તેની પ્રવૃત્તિ અને કાર્યોની જાહેર ચર્ચા થાય તે સારી બાબત છે. એમાં ય વિજ્ઞાનની વાત હોય, ત્યારે જાહેર ચર્ચા અને તંદુરસ્ત વાદ-પ્રતિવાદ થાય એ ખૂબ જરૂરી માનવામાં આવે છે. કારણ કે એમાંથી જ વિજ્ઞાનનું સત્ય પ્રગટે છે. પરંતુ ઉત્તરોત્તર આ વિજ્ઞાન પરિષદ વધુ ને વધુ હાસ્યાસ્પદ અને વિવાદાસ્પદ બની રહી છે, તે ચિંતાનો વિષય છે. વિજ્ઞાનના આ જાહેરમંચ પરથી કેટલાંક વૈજ્ઞાનિકોએ એવા અવૈજ્ઞાનિક દાવાઓ કર્યા છે કે જેનાથી સમગ્ર દેશ અને દુનિયાના વૈજ્ઞાનિકોને આંચકો લાગ્યો છે. આ જાણતાં પહેલાં આઈ.એ.સી.નો થોડોક ઇતિહાસ જાણવો જરૂરી છે.

ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસનો ભવ્ય ઇતિહાસ

ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસ દર વર્ષે જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસ એસોસિઍશન (I.S.C.A.) દ્વારા યોજવામાં આવે છે. ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસ એસોસિઍશનની સ્થાપના ઈ.સ. ૧૯૧૪માં  કલકત્તા [અત્યારનું કોલકાતા] ખાતે કરવામાં આવી હતી. તેની સ્થાપનાનો મૂળ વિચાર બે બ્રિટિશ રસાયણશાસ્ત્રીઓ પ્રો. જે.એલ. સાયમન સેન કોલકાતા અને પ્રો. પી.એસ. મેકમોહનનો હતો. ત્યાર બાદ પ્રખર ગણિતશાસ્ત્રી અને કલકત્તા યુનિવર્સિટીના તત્કાલીન કુલપતિ સર આશુતોષ મુખરજીના વિશેષ રસ અને મહેનત તથા અન્ય વિજ્ઞાનપ્રેમી લોકોના સહયોગથી ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસ એસોસિયેશનની સ્થાપના શક્ય બની હતી.

ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસ એસોસિયેશનના મુખ્ય હેતુઓ આ પ્રમાણે હતા :

* ભારતમાં સંશોધન કરતા યુવાનોને એક મંચ પૂરો પાડવો.

* મૂળભૂત વિજ્ઞાનનાં સંશોધનોને પ્રોત્સાહન આપવું.

* વિજ્ઞાન અને સમાજનું એકીકરણ કરવું.

આવા ઉમદા ધ્યેય સાથે ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસ એસોસિયેશનની સ્થાપના કરવામાં આવી હતી. ઈ.સ. ૧૯૧૪માં કલકત્તા ખાતે યોજાયેલી પ્રથમ વિજ્ઞાન-પરિષદના પ્રમુખપદેથી સર આશુતોષ મુખરજીએ તેમના વક્તવ્યમાં કહ્યું હતું. “… આપણા દેશની જનતા અને આખી માનવજાતની સુખાકારી માટે સમર્પિત અને શિસ્તબદ્ધ રીતે વિજ્ઞાનનું કાર્ય કરી શકે એવા વૈજ્ઞાનિકોની ફોજ તૈયાર કરવાના ઉદ્દેશને ધ્યાનમાં રાખીને ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસ એસોસિયેશનની સ્થાપના કરવામાં આવી છે…’

ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસ એસોસિયેશનનો ઇતિહાસ જોઈએ તો ખ્યાલ આવે છે કે તેના વિકાસમાં અનેક વૈજ્ઞાનિકોએ યોગદાન આપ્યું છે અને ભારતમાં આધુનિક વિજ્ઞાનનો પાયો નાંખવામાં ખૂબ જહેમત ઉઠાવી છે. ભારતીય રસાયણવિજ્ઞાનના પિતામહ આચાર્ય પ્રફુલ્લચંદ્ર રૉય, જગદીશચંદ્ર બોઝ, સત્યેન્દ્રનાથ બોઝ, નોબલ પ્રાઇઝવિજેતા સી.વી. રામન, રાષ્ટ્રીય ઍન્જિનિયર એમ. વિશ્વશ્વરૈયા, પ્રો. યશપાલ, પ્રો. યુ.આર. રાવ વગેરે જેવા અનેક વૈજ્ઞાનિકો ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસના પ્રમુખપદે રહી ચૂક્યા છે. ગુજરાતે ગૌરવ લેવું હોય, તો એ રીતે કે ૧૯૪૨માં ૨૯મી વિજ્ઞાન-પરિષદ વડોદરા ખાતે અને ૬૫મી ૧૯૭૮માં અમદાવાદ ખાતે યોજાઈ હતી. વિશ્વસ્તરે જાણીતા આવા ગણિતશાસ્ત્રી અને વિજ્ઞાનીઓ થકી સ્થપાયેલી અને વિકસેલી ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસની ૧૦૬ની પરિષદમાં થયેલા પરિષદમાં થયેલા દાવાઓ તપાસીએ.

ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસમાં થયેલા વૈજ્ઞાનિક દાવાઓ

મંચ પરથી કેટલાક વૈજ્ઞાનિકોએ પુરાણો અને શાસ્ત્રોની વાતોને વિજ્ઞાન ગણાવીને એવા વિચિત્ર દાવાઓ કર્યા છે કે જેનાથી આધુનિક વિજ્ઞાન અને પૌરાણિક સાહિત્ય બંને અપમાનજનક સ્થિતિમાં મુકાયાં છે.

આંધ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી જી. નાગેશ્વર રાવ, તામિલનાડુના વૈજ્ઞાનિક ડૉ. કે.જે. ક્રિષ્નન અને પંજાબ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક પ્રો. આશુ ખોસલાએ જે દાવાઓ કર્યા છે, તે નીચે મુજબ છે:

* કૌરવો ટેસ્ટટ્યૂબ બેબી હતા.

* રાવણની પાસે ૨૪ પ્રકારનાં વિમાનો હતાં.

* રામની પાસે ગાઇડેડ મિસાઇલો હતી.

* બ્રહ્માને ડાયનોસોર વિશે પહેલાથી જ જાણકારી હતી.

* ન્યૂટન, આઇન્સ્ટાઇન અને સ્ટીફન હોકિંગનું સંશોધન ખોટું છે.

પ્રો. કે.જે. ક્રિષ્નને ન્યૂટન અને આઇન્સ્ટાઇનના સંશોધનને નકારતા કહ્યું કે મારી શોધમાં ભૌતિકવિજ્ઞાનના તમામ પ્રશ્નોના જવાબ છે અને મારું સંશોધન જ સાચું છે. તેમણે ગુરુત્વીય તરંગોને ‘નરેન્દ્ર મોદી તરંગ’ અને ગુરુત્વીય લેન્સિંગ ઇફેક્ટને ‘હર્ષવર્ધન ઇફેક્ટ’ એવાં નામ આપવાની પણ જાહેરાત કરી હતી. વિજ્ઞાન પુરાવો માંગે છે, પરંતુ પ્રો. ક્રિષ્નને કોઈ પુરાવા રજૂ કર્યા નહોતા.

સાચો વૈજ્ઞાનિક તો કોઈ પણ બાબતને સંશયની નજરે જ જુએ છે અને પોતાની થિયરીને પ્રયોગ દ્વારા તપાસે છે. જો એકસરખું સાતત્યસભર પરિણામ મળે, તો અને તો જ તે વૈજ્ઞાનિક બાબત સિદ્ધ થાય છે. પરંતુ પ્રો. રાવ પાસે જ્યારે તેમના કથન બદલ પુરાવા માંગવામાં આવ્યા, ત્યારે તેમણે ઉડાઉ જવાબ આપતા કહ્યું કે, ઇતિહાસ જ તેનો પુરાવો છે. એક પત્રકારે ડૉ. ક્રિષ્નને સવાલ પૂછ્યો કે તમારા આ દાવાનો કોઈ વૈજ્ઞાનિક આધાર છે ખરો? જવાબમાં પ્રો. ક્રિષ્નને કહ્યું કે, એ તો બાળકોને વિજ્ઞાનમાં રસ પડે એટલે એવી વાતો કરી હતી. લો બોલો! વિજ્ઞાનમાં રસ કેળવવા અવૈજ્ઞાનિક વાતો! એટલે કે સત્યની ખોજ માટે અસત્યનો સહારો લેવાની વાત થઈ.

સૌથી ચિંતાની બાબત એ છે કે આ પ્રકારના દાવાઓ અને અવૈજ્ઞાનિક વાતો દેશભરમાંથી હાજર રહેલાં શાળાનાં બાળકોની સામે કરવામાં આવ્યા છે. આપણે જાણીએ છીએ કે બાળકો તર્કબદ્ધ વિચાર કરીને સાચી-ખોટી વાતને નક્કી કરી શકતાં નથી. તેઓ ‘મોટા’ લોકોએ કહેલી વાતને જ મોટા ભાગે સાચી માની લેતા હોય છે. હા, પૌરાણિક કથાઓમાં કહેવાયેલી વાતો આસ્થાનો વિષય હોઈ શકે છે અને તેનું ગૌરવ હોવું એ સ્વાભાવિક છે, પરંતુ તેને વિજ્ઞાન સાથે જોડવાની બાબત તદ્દન ખોટી છે, અને આવા દાવાઓ દેશના મંત્રીશ્રીઓ અને વૈજ્ઞાનિક કક્ષાના લોકો દ્વારા કરવામાં આવે, ત્યારે તે વધારે ભયંકર બાબત બની રહે છે.

વિજ્ઞાન-પરિષદ અંગે દેશ-વિદેશના વૈજ્ઞાનિકોનાં મંતવ્યો

ભારતના વડાપ્રધાન કાર્યાલયના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર, જાણીતા વૈજ્ઞાનિક અને પદ્મશ્રી ડૉ. કે. વિજય રાઘવન લંડનની રોયલ સોસાયટીના ફેલો છે. તેમણે આ વિજ્ઞાન-પરિષદમાં કરવામાં આવેલા દાવાઓ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, વૈજ્ઞાનિક આધાર ન હોય, તેવી વાતો ન કરવી જોઈએ. અને કહ્યું કે વિજ્ઞાન-પરિષદ રાજ્યની નીતિ(State-Policy)નો ભોગ બની જશે, તો આગળ જતાં વિજ્ઞાન અને દેશને મોટું નુકસાન ભોગવવું પડશે.

ભારતના વડાપ્રધાન કાર્યાલયના ભૂતપૂર્વ મુખ્ય સલાહકાર અને ભારતરત્ન, પદ્મવિભૂષણ, પ્રો. સી.એન.આર. રાવે આ વિજ્ઞાન પરિષદનો રીતસરનો બહિષ્કાર કર્યો છે. તેમણે કહ્યું કે ‘જ્યારથી ભારતીય વિજ્ઞાન-પરિષદમાં અવૈજ્ઞાનિક દાવાઓ કરવાનું શરૂ થયું છે, ત્યારથી મેં તેમાં ભાગ લેવાનું બંધ કરી દીધું છે.” તેમણે એમ પણ કહ્યું કે, “ભારતે મિથ્યાભિમાનમાંથી બહાર આવીને સંશોધન અને એની ગુણવત્તા પર ધ્યાન આપવાની જરૂર છે.”

આ વિજ્ઞાન-પરિષદમાં હાજર હતા એવા પૂણેના પ્રો. સુમેએ મંચ પરથી કરવામાં આવેલા બધા અવૈજ્ઞાનિક દાવાઓનું તર્કબદ્ધ ખંડન કર્યું છે. તેઓ કહે છે કે, “આવી સંકુલ ટેક્‌નોલૉજી માટે કેટલીક પ્રાથમિક ટેક્‌નોલૉજી અનિવાર્ય છે. ઝડપથી પંખા ફેરવી શકે, એવી વીજળીની શોધ વગર વિમાનો કેવી રીતે ઊડી શકે? અને ટેલિવિઝન પણ કેવી રીતે શક્ય હોઈ શકે?”

વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિક પ્રો. જયંત નારલીકર સહિતના દેશભરના ૩૭ જેટલા વૈજ્ઞાનિકો (ગુજરાતના બે)એ વિજ્ઞાન પરિષદના પ્રમુખશ્રીને સંયુક્ત રીતે એક આવેદનપત્ર આપ્યું છે, જેમાં તેમણે વિજ્ઞાન પરિષદના મંચ પરથી અવૈજ્ઞાનિક દાવાઓ ન કરવા માટે અપીલ કરી છે. આવેદનપત્રમાં વૈજ્ઞાનિકોએ ચિંતા વ્યક્ત કરી છે કે આવા નિરાધાર અને ધડમાથા વિનાના દાવાઓથી પ્રાચીન ભારતની ચિકિત્સા, ધાતુકર્મ અને ગણિતની વાસ્તવિક વૈજ્ઞાનિક સિદ્ધિઓની ચમક ઝાંખી પડી જાય છે.

દુનિયાના અન્ય દેશોના વૈજ્ઞાનિકોએ પણ અવૈજ્ઞાનિક દાવાઓની સામે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. સાથે સાથે દુનિયાના લગભગ મોટા ભાગના દેશોનાં માધ્યમોએ આ ઘટનાની આકરી ટીકાઓ કરી છે.

જેને કારણે ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસના પ્રમખુ ડૉ. મનોજ ચક્રવર્તીએ જાહેરાત કરવી પડી કે એવા દાવાઓને ભૂલી જજો. તેમણે વિજ્ઞાન – પરિષદમાં ભાગ લેનાર તમામ સભ્યોની સામે જાહેરાત કરવી પડી કે “તમે આધુનિક વિજ્ઞાન અંગેની રામાયણ, મહાભારતની જે વાર્તાઓ સાંભળી છે અને તેમાં જે દાવાઓ કરવામાં આવ્યા છે તે સાચા નથી.” આ ઉપરાંત વિજ્ઞાન-પરિષદના છેલ્લા દિવસે એટલે કે તા. ૭મી જાન્યુઆરીએ, ભવિષ્યમાં આવા અવૈજ્ઞાનિક દાવાઓને રોકવા અંગેના બે ઠરાવો પણ પસાર કરવામાં આવ્યા હતા.

બૅકથ્રુ સાયન્સ સોસાયટીના એક પ્રતિનિધિમંડળ દ્વારા વિજ્ઞાન પરિષદના પ્રમુખશ્રીને રૂબરૂમાં મળીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેના જવાબ રૂપે પ્રમુખશ્રીએ પત્ર લખીને વિજ્ઞાનજગતનો આભાર માનીને જાહેર માફી માંગી છે અને ભવિષ્યમાં વિજ્ઞાનપરિષદના મંચ પરથી આવા અવૈજ્ઞાનિક દાવાઓ ન થાય તે અંગે ખાતરી આપી છે.

ઈ.સ. ૨૦૧૫માં મુંબઈ ખાતે યોજાયેલી ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસમાં પણ આવા અવૈજ્ઞાનિક દાવાઓ કરવામાં આવ્યા હતા. આ વિજ્ઞાન પરિષદમાં ભારતીય મૂળના, વડોદરાની મ.સ. યુનિવર્સિટીમાંથી ગ્રૅજ્યુએટ થયેલા એવા બ્રિટિશ વૈજ્ઞાનિક (જેઓ આજે રૉયલ સોસાયટીના પ્રમુખ છે) અને નોબલ પ્રાઈઝ (૨૦૦૯) વિજેતા ડૉ. વેંકટરામને હાજરી આપી હતી, પરંતુ તેમાં કરવામાં આવેલા અવૈજ્ઞાનિક દાવાઓના વિરોધમાં તેમણે ઊભા થઈ જઈને વિજ્ઞાન-પરિષદનો બહિષ્કાર કર્યો હતો. તેમણે ભારતીય વિજ્ઞાન-પરિષદને ‘ભારતીય સર્કસ’ ગણાવીને કહ્યું હતું કે, હવે પછી ક્યારે ય તેઓ આવી વિજ્ઞાન પરિષદમાં ભાગ લેશે નહીં. તેમણે ‘ધ હિન્દુ’ને ઇન્ટરવ્યૂ આપતાં કહ્યું હતું કે ‘વિજ્ઞાન સત્ય હકીકતો અને પ્રયોગો પર આધાર રાખે છે, તેથી રાજકારણ, વ્યક્તિગત માન્યતાઓ અને ધાર્મિક વિચારસરણીને વિજ્ઞાન સાથે જોડવી જોઈએ નહીં.’

નોબલપ્રાઇઝ વિજેતા વૈજ્ઞાનિક ડૉ. સ્ટીવન વેઇનબર્ગે પણ ૨૦૧૫ની ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસમાં કરવામાં આવેલા દાવાઓ અંગે ‘ટાઈમ્સ ઑફ ઇન્ડિયા’ને ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘Nonsense to say modern science existed in ancient Greece or India.’

ભારતીય મૂળના અમેરિકન ગણિતશાસ્ત્રી પ્રો. મંજુલ ભાર્ગવ કે જેમના માટે ગણિતના સૌથી માનવવાચક એવા ‘ફિલ્ડઝ મેડલ’ મેળવનાર પ્રથમ ભારતીય ગણિતશાસ્ત્રી તરીકે આપણે વારંવાર ગૌરવ લઈએ છીએ, તેમણે તે પણ ૨૦૧૫ની ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસમાં કરવામાં આવેલા અવૈજ્ઞાનિક દાવાઓનો તર્કબદ્ધ દલીલો સાથે જબરદસ્ત વિરોધ કર્યો હતો. ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના પ્રાચીન ભારતમાં ‘પ્લાસ્ટિક સર્જરી’ અને કેન્દ્રિય મંત્રીશ્રી ડૉ. હર્ષવર્ધનના પાયથાગોરસની થિયરી અંગેના પાયાવિહોણા દાવાઓનો પણ પ્રો. ભાર્ગવે વિરોધ નોંધાવ્યો હતો. ૨૦૧૪માં પ્રો. જયંત નારલીકરે પણ વડાપ્રધાનશ્રીને એક પત્ર લખીને આવા તર્કહીન દાવાઓ ન કરવા માટે ખાસ આગ્રહ કર્યો હતો.

પ્રાચીન ભારતમાં વિજ્ઞાનનો સમૃદ્ધ વારસોની વાતો કેટલી ખરી?

આપણા માટે ખરેખર ગૌરવની વાત છે કે પ્રાચીન ભારતમાં વિજ્ઞાન હતું અને ગણિત, ખગોળવિજ્ઞાન, રસાયણવિજ્ઞાન જેવાં ક્ષેત્રોમાં તો આખી દુનિયાનું ધ્યાન આપણા તરફ ખેંચાયું હતું. આપણી મહાન ફિલોસૉફી – સાંખ્ય, મીમાંસા, લોકાયત્ત વગેરેમાં પણ વૈજ્ઞાનિક વિચારોની સાબિતી મળે છે. કેમ કે, સાંખ્યમાં ‘શૂન્યમાંથી કોઈ પણ વસ્તુનું સર્જન શક્ય નથી’, મીમાંસામાં ‘બ્રહ્માંડને કોઈ શરૂઆત કે અંત નથી, તે અનંત છે’, લોકાયત્તમાં ‘આ બ્રહ્માંડ એક ભૌતિક જગત છે, જેને કોઈ અલૌકિક શક્તિ કાબૂમાં રાખતી નથી.’

ઈ.સ. ૧૯૩૪માં યોજાયેલી ૨૧મી ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસના પ્રમુખપદે આપણા મહાન વૈજ્ઞાનિક ડૉ. મેઘનાદ સાહા રહી ચૂક્યા છે. તેમણે સૂર્ય અને ગ્રહોની પ્રાકૃતિક સ્થિતિને આયનન સિદ્ધાંતના માધ્યમથી કેવી રીતે સમજી શકાય, તે અંગે સંશોધન કર્યું છે, જેને ‘સાહા ઇક્વેશન’ તરીકે ઓળખવામાં આવે છે. આ સંશોધન પછી મેઘનાદ સાહા વિશ્વકક્ષાએ પ્રસિદ્ધ વૈજ્ઞાનિક બની ચૂક્યા હતા. ત્યારે દેશના એક પ્રતિષ્ઠિત વકીલે ડૉ. સાહાના સંશોધન અંગે સવાલ ઉઠાવ્યો કે, ‘એમાં નવી વાત શું છે? આ બધું વેદોમાં છે જ.’ મેઘનાદ સાહાએ કયા વેદમાં અને કઈ જગ્યાએ આ સંશોધનનો ઉલ્લેખ છે, તેની જાણકારી માંગી તો વકીલ સાહેબે જવાબમાં કહ્યું કે, ‘વેદ તો મેં પોતે વાંચ્યા નથી, પરંતુ હું દૃઢપણે માનું છું કે બધું વેદમાં લખેલું જ છે.’ (!)

આના જવાબ રૂપે મેઘનાદ સાહાએ તમામ વેદ, ઉપનિષદ, પુરાણો, તમામ હિંદુશાસ્ત્રો ઉપરાંત જ્યોતિશાસ્ત્ર સંબંધી તમામ સાહિત્યનો ગહન અભ્યાસ કર્યો. આ અભ્યાસ માટે તેમણે ૨૦ વર્ષ (પૂરેપૂરાં વીસ)નો સમય લીધો. અને ત્યાર બાદ તેમણે જાહેર કર્યું કે પોતાની શોધ એ પોતે કરેલી મૌલિક શોધ છે અને તેનું વર્ણન કોઈ પણ વેદમાં ક્યાં ય છે નહીં. સૌથી મોટી વાત એ થઈ કે મેઘનાદ સાહાને સમજાયું કે પોતે જે સવાલોનો સામનો કરવો પડ્યો છે, તેવો ભાવિ યુવાપેઢીને કરવો ન પડે એટલા માટે તેમણે ‘શાસ્ત્રોમાં બધું જ છે’, એવા અવૈજ્ઞાનિક દાવાઓની સામે અનેક લેખો અને વક્તવ્યો આપીને રીતસરની એક ઝુંબેશ ચલાવી હતી. તેમની આ ઝુંબેશના ભાગ રૂપે તેમણે ‘સાયન્સ ઍન્ડ કલ્ચર’ નામનું એક મૅગેઝિન પણ શરૂ કર્યું હતું.

વિજ્ઞાનની આ સ્થિતિ માટે જાતિપ્રથા જવાબદાર?

ભારતીય રસાયણવિજ્ઞાનના પિતામહ આચાર્ય પ્રફુલ્લચંદ્ર રાયે પણ હિંદુધર્મનાં તમામ પૌરાણિક સાહિત્યનો ગહન અભ્યાસ કર્યો હતો. આ સાથે તેમણે વિશ્વની અન્ય ભાષાઓ શીખીને દુનિયાની અન્ય પ્રાચીન સંસ્કૃતિના સાહિત્યનો વિગતે અભ્યાસ કરીને સાબિત કર્યું હતું કે વિશ્વના તમામ દેશોની પ્રાચીન સંસ્કૃતિમાં બ્રહ્માંડ વિશેની અલગઅલગ માન્યતાઓ પ્રચલિત હતી. પરંતુ આધુનિક વિજ્ઞાનનો વિકાસ પરંપરાગત ધાર્મિક જડતા, કુરિવાજો અને અંધવિશ્વાસની સામે નવજાગરણ થકી જ શક્ય બન્યો છે. આચાર્ય પ્રફુલ્લચંદ્ર રાયે તેમના પુસ્તક ‘ધ હિસ્ટરી ઑફ હિન્દુ કૅમેસ્ટ્રી’માં પ્રાચીન ભારતમાં રસાયણવિજ્ઞાનનું સમૃદ્ધપણું અને પછી તેનું પતન કેવી રીતે થયું, તેની વિગતવાર ચર્ચા કરી છે. ભારતમાં વિજ્ઞાનના પતનને તેઓ જાતિભેદપ્રથાને મુખ્ય રૂપે જવાબદાર ગણાવે છે. તેઓ લખે છે કે, ‘માનસિક શ્રમ (દિમાગ) અને શારીરિક શ્રમ(શરીર)ને જાતિભેદપ્રથાએ જુદા પાડી દીધા, ત્યારથી ભારતમાં વિજ્ઞાનનું પતન શરૂ થયું અને છેવટે ભારત અંધકારયુગમાં ડૂબી ગયું.”

પછાતપણાનું અન્ય કારણ અને તેનો ઉકેલ

આપણા દેશની ઘણી બધી સમસ્યાઓનું કારણ વૈજ્ઞાનિક અભિગમનો અભાવ છે. દેશના બંધારણમાં કલમ નં. ૫૧/એ અંતર્ગત વૈજ્ઞાનિક અભિગમ કેળવવાને દરેક નાગરિકની ફરજ ગણાવવામાં આવી છે. આમ છતાં વૈજ્ઞાનિક અને મંત્રી કક્ષાના લોકો જ વિજ્ઞાન વિરોધી દાવાઓ કરવામાં અગ્રેસર ભૂમિકા ભજવી રહ્યા છે.

આ બધાનું મૂળ કારણ વિજ્ઞાનને માત્ર ટેક્‌નોલૉજીના પર્યાય તરીકે જોવામાં આવી રહ્યું છે એ છે. માત્ર ટેક્‌નોલૉજીના વિકાસને જ વિજ્ઞાનનો વિકાસ ગણવામાં આવી રહ્યો છે, વિજ્ઞાન અને ટેક્‌નોલૉજીનો મૂળ પાયો એટલે કે મૂળભૂત વિજ્ઞાન વૈજ્ઞાનિક અભિગમ અને વિજ્ઞાનની ફિલસૂફીની બાદબાકી કરી દેવામાં આવી છે. વિજ્ઞાનના સત્ય માટે બ્રુનો જેવા કેટલા ય લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા, કેટલા ય વૈજ્ઞાનિકોએ ભૂખમરો-કારાવાસ વેઠવો પડ્યો, કેટલાયે વૈજ્ઞાનિકોને ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા અને કેટલા ય લોકોએ ભૂખ-તરસ વેઠીને રાત-દિવસ કામ કરીને વિજ્ઞાનના સત્યને શોધ્યું છે, ત્યારે આજે આપણે એનાં મીઠાં ફળ ભોગવી રહ્યા છીએ.

આમ, વિજ્ઞાનનો માર્ગ એ સમગ્ર માનવજાતનો સહિયારો અને કઠિન સંઘર્ષ છે, જેને અમુક લોકો અવૈજ્ઞાનિક દાવાઓ દ્વારા માત્ર ચમત્કાર ગણાવી રહ્યા છે તથા વિજ્ઞાનની શોધોને પોતાના નામે અંકિત કરવાના દાવાઓ કરીને માત્ર પોતાના દેશનાં ખોટાં વખાણ કરી રહ્યા છે, જે વિજ્ઞાનની મૂળ ભાવનાની વિરુદ્ધની વાત છે.

વિજ્ઞાનમાં આપણા પછાતપણાનું કારણ અને તેનો સાચો ઉકેલ શું હોઈ શકે, એ બાબતે પ્રફુલ્લચંદ્ર રૉયે છેક ૧૯૨૦માં વાત કરી હતી, જે આજની પરિસ્થિતિમાં પણ આપણને રાહ ચીંધે છે.

૧૯૨૦માં નાગપુર ખાતે યાજોયેલી સાતમી ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસના પ્રમુખપદેથી વક્તવ્ય આપતા રૉયે કહ્યું હતું કે “… વિજ્ઞાનનો અભ્યાસ આપણી ભૌતિક પ્રગતિ માટે અગત્યનો છે. આપણા ભારતીય યુવાનો માટે એ ખૂબ અગત્યનો વિષય ગણાવો જોઈએ. ઘણા લાંબા સમયથી બૌદ્ધિક સ્થગિતતાનો કારણે, આપણામાં શાસ્ત્રો પર આધાર રાખવાની ટેવ કેળવાઈ ગઈ છે. બ્રિટિશ રાજની શરૂઆત પહેલાંનાં એક હજાર વરસ દરમિયાન, આપણે કોઈ પણ વૈજ્ઞાનિક સિદ્ધિ હાંસલ કરી શક્યા નથી. વિજ્ઞાન, કોઈપણ જાતની શ્રદ્ધા ઉપર આધાર રાખતું નથી. તે તો સર્વ પ્રકારની સંશોધનની પદ્ધતિઓ ને ટીકાઓ પર જ નિર્ભર રહે છે. આવો વૈજ્ઞાનિક આત્મા આપણામાં જાગૃત થાય, એમ હું ઇચ્છું છું. તેથી આપણા દેશમાં બુદ્ધિ સ્વતંત્ર રીતે કામ કરતી થશે … વિજ્ઞાનનો વિષય, આત્મશરણાગતિનો સદ્‌ગુણ માંગે છે. આપણે રહસ્ય-ઘટનાઓ અને બનાવોનું ધીરજથી અવલોકન કરતા રહેવું જોઈએ. વિજ્ઞાનના ક્ષેત્રમાં આગળથી અનુમાન બાંધવાની બાબતને બિલકુલ સ્થાન નથી.”

E-mail : dilipsatashiya@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2019; પૃ. 11 – 13

Loading

2 March 2019 admin
← કારુણિકા એક જ્યોર્જ નામે
આ રહેંટ →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved