Opinion Magazine
Number of visits: 9448996
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દેશ-વિદેશની સદ્ગુણી સ્ત્રીઓ

દીપક મહેતા|Opinion - Literature|14 January 2019

કાળચક્રની ફેરીએ

લગભગ સાડા ચારસો પાનાંનું પુસ્તક. મુંબઈના દફતર આશકારા પ્રેસમાં છપાઈને ૧૮૬૦માં બહાર પડેલું. કિંમત હતી, એ જમાનામાં પણ ઘણી ઓછી ગણાય તેટલી, રૂપિયા બે. પુસ્તકનું નામ ‘સદગુણી સ્ત્રીઓ’ (અવતરણ ચિહ્નોમાં બધે ભાષા-જોડણી મૂળ પ્રમાણે). આજે પણ સ્ત્રીઓ વિશેનું આવું દળદાર પુસ્તક આપણી ભાષામાં ભાગ્યે જ પ્રગટ થાય. પુસ્તકમાં ક્યાં ય તેના ‘બનાવનાર’(લેખક)નું નામ છાપ્યું નથી. પણ આટલી ઓછી કિંમતનું કારણ પ્રસ્તાવનામાં આપ્યું છે. આવું પુસ્તક બનાવ્યું હોય તો સ્ત્રીઓને તો ખરું જ, પણ પુરુષોને પણ ઘણું ઉપયોગી થાય એમ એક પારસી બાનુને લાગ્યું એટલું જ નહિ, એવું પુસ્તક તૈયાર કરી છાપવા માટે સારી એવી રકમની સખાવત પણ તેમણે કરી. પણ જેમ પુસ્તકના લેખકનું નામ છાપ્યું નથી, તેમ આ સખાવતી પારસી બાનુનું નામ પણ ક્યાં ય છાપ્યું નથી. ફક્ત તેમનો આભાર દીબાચામાં માન્યો છે.

પુસ્તકના નામ પરથી રખે માનતા કે સ્ત્રીઓએ કેળવવા કે મેળવવા જેવા સદ્ગુણોનો કોથળો તેમાં ઠાલવ્યો હશે. સીધો ઉપદેશ સૌથી ઓછો અસરકારક હોય છે તે વાત દાતા અને લેખક બંને જાણતા હતા. એટલે તેમણે આપણા દેશ સહિત અનેક દેશોની જાણીતી ૧૦૫ સ્ત્રીઓનાં જીવનચિત્રો આ પુસ્તકમાં આપ્યાં છે. સ્ત્રીની સમાનતા કે સશક્તિકરણનું નામ પણ આપણા દેશમાં જ્યારે કોઈએ સાંભળ્યું નહોતું ત્યારે સ્ત્રીઓનાં જીવનચિત્રોનું આવું દળદાર પુસ્તક પ્રગટ કરવા પાછળનો માયનો ? દીબાચામાં કહ્યું છે:

૧૯મી સદીમાં ગુજરાતમાં જ નહિ, આખા દેશમાં અંગ્રેજ હકૂમત માટે પ્રેમાદર ધરાવનારો ઠીક ઠીક મોટો વર્ગ હતો. પારસીઓ તેમાં અગ્રણી હતા. એટલે આ પુસ્તકમાં પહેલું ચરિત્ર મહારાણી વિક્ટોરિયાનું આપ્યું છે અને પુસ્તકની શરૂઆતમાં તેમનો સ્કેચ પણ મૂક્યો છે. એટલું જ નહિ, પહેલાં ૨૫ જીવનચિત્રો પણ બ્રિટનના રાજઘરાણાની સ્ત્રીઓનાં કે બીજી બ્રિટીશ સ્ત્રીઓનાં આપ્યાં છે. ત્યારબાદ આપણા દેશની સ્ત્રીઓનો વારો આવે છે. તેમાં પહેલું ચરિત્ર ભગવાન બુદ્ધના શિષ્ય સારીપુત્રની માતા સારિકાનું આપ્યું છે. પછી તારાબાઈ, દુર્ગાવતી, પદ્મિની, દેવળદેવી, રઝિયા બેગમ, મીરાંબાઈ, જસમા, પન્ના, મીનળદેવી, ચાંદબીબી, અહલ્યાબાઈ વગેરે સ્ત્રીઓનાં ચરિત્રો આપ્યાં છે. તે પછી લેખક પાછા બીજા દેશોની સ્ત્રીઓનાં ચરિત્રો તરફ વળે છે. તેમાં ઇતિહાસ ઉપરાંત દંતકથા કે સાહિત્યમાં જાણીતી હોય તેવી સ્ત્રીઓનો પણ સમાવેશ કર્યો છે. ગ્રીસ, રોમ અને યુરોપના બીજા કેટલાક દેશોની સ્ત્રીઓ વિષે પણ અહીં વાત કરી છે. છેલ્લું ચિત્ર એક અનામી અમેરિકન સ્ત્રીનું આપ્યું છે. હા, આજે આપણને લાગે કે આવડા મોટા પુસ્તકમાં હિન્દુસ્તાનની સ્ત્રીઓનાં જીવનચિત્રો તો પ્રમાણમાં ઓછાં છે. પણ ૧૮૬૦માં ગૂગલદેવતા તો હતા નહિ, અને આપણા દેશની સ્ત્રીઓ વિશેની મુદ્રિત સંદર્ભ સામગ્રી પણ નજીવી. અને આવી સામગ્રી વગર લખવું શી રીતે? એટલે આપણા દેશની વધુ સ્ત્રીઓનો સમાવેશ અહીં ન થયો હોય તો તે સમજી શકાય. તો સાથોસાથ એ પણ નોંધવું જોઈએ કે લેખક-દાતા બન્ને પારસી હોવા છતાં અહીં એક પણ પારસી સ્ત્રીનું જીવનચિત્ર આપવાનો લોભ રખાયો નથી.

પુસ્તકમાં તેના લેખક કે દાતા બાનુનું નામ છાપ્યું નથી એટલે આપણે તો શું કરી શકીએ એમ વિચારી હાથ જોડીને બેસી રહેવાય નહિ. એ શોધવા માટે ખાંખાખોળાં કરવાં પડે. કર્યાં. હંમેશની જેમ ‘પારસી પ્રકાશ’ પુસ્તક વહારે ધાયું. તેમાં જણાવ્યા પ્રમાણે આ પુસ્તકના લેખકનું નામ બેહરામજી ખરશેદજી ગાંધી. અને સખાવતી બાનુનું નામ બાઈ ભીખાઈજી તે શેઠ ડોશાભાઈ ફરામજી કામાજીનાં ધણિયાણી. (પારસી પ્રકાશ, દફતર ૧, પા. ૮૧૯) નામ મળ્યાં એટલે કામ પૂરું? ના, કામ શરૂ.

પહેલાં ત્રણ દફતરનાં સાંકળિયાં (સૂચિ) ઝીણી આંખે તપાસી. ઢગલો માહિતી મળી. બેહરામજી ખરશેદજી ગાંધી વિષે પહેલાં વાત: ૧૮૨૯માં જન્મ. ૧૮૮૬ના એપ્રિલની ૨૫મી તારીખે બેહસ્તનશીન  થયા. મુંબઈની એલ્ફિન્સ્ટન ઇન્સ્ટીટ્યૂશન(કોલેજ)માંથી ૧૮૪૮માં ‘વેસ્ટ સ્કોલર’ બની પાસ થયા અને ત્યાં જ શિક્ષક તરીકે જોડાયા. એ જ વર્ષે બે અંગ્રેજ અધ્યાપકો એ.એમ. પેટન અને આર.ટી. રીડની દોરવણી હેઠળ સ્થપાયેલી સ્ટુડન્ટસ લિટરરી એન્ડ સાયન્ટિફિક સોસાયટીની પહેલી કારોબારીના બેહરામજી એક સભ્ય હતા. ૧૮૪૯માં આ સોસાયટીની એક બેઠકમાં એવણે સ્ત્રી કેળવણી પર એક ‘રીસાલો’ (નિબંધ) વાંચ્યો તેની એટલી અસર થઈ કે સોસાયટીએ તાબડતોબ મુંબઈમાં કન્યાશાળાઓ શરૂ કરવાનું નક્કી કર્યું. ૧૮૪૯ના ઓક્ટોબરની ૨૧મી તારીખથી છોકરીઓ માટેની બે મરાઠી અને ચાર ગુજરાતી નિશાળો શરૂ કરી. તેમાં કોટની ગુજરાતી નિશાળમાં બેહરામજીએ એક પાઈ પણ લીધા વિના શીખવવાનું શરૂ કર્યું. ૧૮૫૧ના સપ્ટેમ્બરથી એવણે ‘ચીતર જ્ઞાન દરપણ’ નામનું સામયિક શરૂ કર્યું હતું અને તેના અધિપતિ (તંત્રી) બન્યા હતા. પણ તેમાં લઘુમતી કોમની લાગણી દૂભાય એવું એક લખાણ પ્રગટ થયું છે એમ કેટલાકને લાગતાં મુંબઈમાં પારસી-મુસ્લિમ હુલ્લડ ફાટી નીકળ્યું હતું.

૧૮૫૪માં બેહરામજીને સુપ્રીમ કોર્ટ (આજની બોમ્બે હાઈકોર્ટની પુરોગામી કોર્ટ)માં દુભાષિયાની નોકરી મળી. આ ઉપરાંત તેઓ મુંબઈ સમાચાર, સમાચાર દરપણ, જામે જમશેદ તથા સ્ત્રીબોધના તંત્રી પણ બન્યા હતા. ૧૮૫૯માં તેમણે ચાઈના મર્કન્ટાઈલ નેવિગેશન કંપની અને ૧૮૬૦માં ચાઈના મર્ચન્ટ્સ ઇન્સ્યુરન્સ કંપની સ્થાપી હતી. ૧૮૭૪થી ૧૮૭૬ સુધી તેઓ બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનના સભ્ય રહ્યા હતા. ‘કૈસરે હિન્દ’ના ૨ મે, ૧૮૮૬ના અંકમાં જણાવ્યા પ્રમાણે “બોમ્બે ક્રોનિકલ નામનું અંગ્રેજી અઠવાડિયાનું પત્ર “આજ સુમારે સાત વરસ થયાં તેમણે પ્રવર્તાવવા માંડ્યું હતું.” સદગુણી સ્ત્રીઓ સિવાયનું બીજું કોઈ પુસ્તક તેમણે લખ્યું હોય એવી માહિતી મળતી નથી.

બાઈ ભીખાઈજીના ધણી ડોશાભાઈ ફરાંમજી કામાજી ૬૯ વર્ષની ઉંમરે ૧૮૯૨ના જાન્યુઆરીની ૨૫મી તારીખે બેહસ્તનશીન થયા હતા. તેઓ મુંબઈના જાણીતા વેપારી તો હતા જ, પણ સાથોસાથ સુધારાની પ્રવૃત્તિના સબળ ટેકેદાર પણ હતા. સમાજ સુધારો, કેળવણી અને પારસી ધર્મને લગતી સંસ્થાઓને તેમણે વખતોવખત દાન આપ્યાં હતાં. ધીમે ધીમે તેમણે પોતાનો વેપાર કલકત્તા, કેન્ટોન, શાંઘાઈ સુધી વિસ્તાર્યો હતો. તે માટે તેમણે ચીન, યુરોપ અને અમેરિકાની મુસાફરી કરી હતી. સ્ત્રીબોધ માસિક શરૂ થયું ત્યારે પહેલાં બે વર્ષ તેમણે તેને દર વર્ષે ૧૨૦૦ રૂપિયાની આર્થિક મદદ કરી હતી. તો દસ વર્ષ સુધી પોતાને ખર્ચે ‘રાસ્ત ગોફતાર’ સામયિક ચલાવી દસ હજાર રૂપિયાની ખોટ ખમી ખાધી હતી. જો કે ૧૮૬૫માં શેરબજાર ભાંગ્યું ત્યારે બીજા ઘણાની જેમ એવણ પણ મંદીમાં સપડાયા હતા.   

છેલ્લે, બાઈ ભીખાઈજીના ધણી ડોશાભાઈ ફરાંમજી કામાજી વિષે એક મહત્ત્વની વાત: ૧૯મી સદીમાં જ નહિ, આજ સુધીમાં આપણી ભાષામાં પ્રગટ થયેલાં પ્રવાસ વર્ણનનાં પુસ્તકોમાં નોખી ભાત પાડતું એક પુસ્તક તે ૧૮૬૪માં પ્રગટ થયેલું ‘અમેરીકાની મુસાફરી.’ ૧૮૬૨માં બે પારસી મિત્રોએ ઇન્ગ્લંડથી અમેરિકાની મુસાફરી કરી હતી તેનું આ વર્ણન છે. પણ પુસ્તકમાં ક્યાં ય નથી તો તેના લેખકનું નામ છાપ્યું, કે નથી તેના મિત્ર વિષે કશી માહિતી આપી. પણ પારસી પ્રકાશને આધારે આપણે જાણી શક્યા છીએ કે પુસ્તક લખનાર હતા શેઠ પીરોજશાહ પેશતનજી મહેરહોમજી અને પ્રવાસમાં સાથે રહેલા તેમના મિત્ર હતા ડોશાભાઈ ફરાંમજી કામાજી. હા, જી. આ ડોશાભાઈ તે બાઈ ભીખાઈજીના ધણી.

એ જમાનાના મોટા પારસી વેપારીઓમાં તેમની ગણના થતી. તેમની સરખામણીમાં પીરોજશાહ એવી મોટી હસ્તી નહિ. ડોસાભાઈની કંપનીમાં આસિસ્ટંટ તરીકે તેઓ કામ કરતા. બોમ્બે ગેઝેટમાં જણાવ્યા પ્રમાણે ૧૮૫૮ના મે મહિનાની ૯મી તારીખે મેલ સ્ટીમર ‘ગેન્જીસ’ દ્વારા મુંબઈથી ઇન્ગ્લન્ડ જવા ચાર પારસીઓ નીકળ્યા: મંચેરજી હોરમજજી કામાજી, કાવસજી એદલજી ખંભાતા, અરદેશર કાવસજી મોદી, અને પીરોજશાહ. જો કે વખત જતાં ડોશાભાઈ અને પીરોજશાહ શેઠ અને નોકર કરતાં મિત્રો જેવા વધુ બન્યા. પીરોજશાહ જેવા નોકરિયાત માણસ માટે એ જમાનામાં અમેરિકાની મુસાફરી કરવાનું મુશ્કેલ. એટલે મુસાફરીનો ખર્ચ ડોશાભાઈએ જ ઉપાડ્યો હોય. આમ, અમેરિકાના પ્રવાસમાં મુખ્ય મુસાફર ડોશાભાઈ હતા, અને પીરોજશાહ હતા તેમના સાથી સફરી. પુસ્તકમાં અમેરિકાની મોંઘી હોટેલોમાં રહ્યાની વાત છે, અમેરિકાની વિસ્તૃત મુલાકાતની વાત છે, સરકારી, લશ્કરી, વૈદકીય, મોટી વેપારી સંસ્થાઓની મુલાકાતની વાત છે, અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકનની મુલાકાતની વાત છે. આ બધું પીરોજશાહ જેવા એક નોકરિયાત માટે ગજા બહારની વાત ગણાય. એટલે ડોશાભાઈને કારણે જ એ બધું શક્ય બન્યું હોય. પણ પુસ્તક લખાયું છે એવી રીતે કે પીરોજશાહ મુખ્ય મુસાફર હોય, અને ડોશાભાઈ તેમની સાથે ગયા હોય એમ લાગે. ખરું જોતાં ડોશાભાઈની સાથે પીરોજશાહ ગયા હતા તેમ કહેવું વધારે વાજબી ગણાય.

પણ પીરોજશાહ અને ડોશાભાઈ વચ્ચેનો સંબંધ બહુ લાંબો નહિ ચાલ્યો હોય તેમ લાગે છે. કારણ ૧૮૬૩માં પીરોજશાહ મુંબઈ પાછા આવ્યા તે પછી ડોશાભાઈ સાથેના તેમના સંબંધ અંગે કશું જાણવા મળતું નથી. પણ ૧૮૭૨માં ધનજીભાઈ રતનાગર એન્ડ કંપનીમાં પીરોજશાહ એક ભાગીદાર બન્યા એમ જાણવા મળે છે. ૧૮૭૭ના માર્ચ મહિનાની ત્રીજી તારીખે પીરોજશાહે મુંબઈના દાદર વિસ્તારમાં ઈનેમલનાં વાસણો બનાવવાનું પોતાનું કારખાનું શરૂ કર્યું હતું, પીરોજશાહ પોટરી વર્કસ. તેમાં બીજા બે ભાગીદારો હતા ધનજીભાઈ ખરશેદજી રતનાગર અને બરજોરજી ખોદાદાદ ઈરાની. કચ્છના મહારાવના આમંત્રણથી પીરોજશાહ ૧૮૭૮માં માંડવી ગયા હતા અને ત્યાં પણ એનેમલનું કારખાનું શરૂ કરી આપ્યું હતું. ૧૯૦૪ના જૂન મહિનાની ૭મી તારીખે પીરોજશાહનું અવસાન થયું.

આપણે વાત શરૂ કરી હતી ૧૮૬૦માં પ્રગટ થયેલ પુસ્તક ‘સદગુણી સ્ત્રીઓ’થી. અને છેવટે ક્યાંના ક્યા પહોંચી ગયા! છેક ૧૯૦૪ સુધી. અને વચમાં ‘અમેરિકાની મુસાફરી’ પણ કરી લીધી. ૧૯મી સદીનાં પુસ્તકો, લેખકો, સંસ્થાઓ, સામયિકો અંગે વાત કરવી એ અમદાવાદની પોળોમાં લટાર મારવા જેવું છે. તમે ચાલતા રહો તો ક્યાંના ક્યાં નીકળી જાવ તેની ખબર પણ ન પડે!

સંદર્ભ: ૧. પારસી પ્રકાશ, દફતર ૧-૩

          ૨. પારસી મરત્યુકો, ભાગ ૩. સંપાદક બહમનજી બેહરામજી પટેલ 

          ૩. અમેરીકાની મુસાફરી

xxx xxx xxx

[પ્રગટ : “શબ્દસૃષ્ટિ”, જાન્યુઆરી 2019]

Flat No. 2, Fulrani, Sahitya Sahavas, Madhusudan Kalelkar Marg, Kalanagar, Bandra (E), Mumbai 400 051

Email: deepakbmehta@gmail.com

Loading

14 January 2019 admin
← ભા.જ.પ.ના આત્મવિશ્વાસમાં ઓટ
વિપક્ષી એકતા ૨૦૧૯ની વાસ્તવિકતા, નીતિન ગડકરી થયા સક્રિય →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved