છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામો ભા.જ.પ.ને સ્પષ્ટ નકાર સાથે લાંબા સમયથી કેન્દ્ર સરકારે અપનાવેલી પ્રજાવિરોધી નીતિઓ સામે વધતી જતી અસંતોષની સ્પષ્ટ અભિવ્યક્તિ છે. જો કે, ભા.જ.પ.ના સ્પિન-ડૉક્ટરો અને અપોલૉજિસ્ટો એવી દલીલ કરવાની કોશિશ કરે છે કે રાજ્ય સ્તરનાં પરિબળોને લીધે પ્રજાએ ચૂંટણીમાં જાકારો આપ્યો છે, રાષ્ટ્રીય રાજકારણ માટે તેની અસરો સ્પષ્ટ છે. આ પરિબળોમાં ખેડૂતોનો અસંતોષ, બેરોજગારી અને આજીવિકા ઘટવા-ગુમાવવાની સમસ્યાઓનાં મૂળ કેન્દ્ર એવી સરકારની નીતિઓ જેવી કે નોટબંધી, જી.એસ.ટી. અને કૃષિની સંપૂર્ણ ઉપેક્ષા વગેરેમાં પડ્યાં છે. આ રાજ્યોમાં ભા.જ.પ. સરકારોનાં સતત કુશાસન હોવાનો ઇન્કાર પણ નથી કરી શકાતો. જો કે તેમ છતાં કેન્દ્રની આ નીતિઓએ તે તીવ્રતામાં વધારો કર્યો છે. આ અશાંતિ અને જનતાને રાહત આપવાની તેમની અસમર્થતાને ધ્યાનમાં રાખીને, ભા.જ.પ. અને સંઘપરિવારે ચૂંટણીપ્રચારમાં નફરત અને ધ્રુવીકરણના તેમના સ્ટૉક એજન્ડાને આગળ ધપાવ્યો હતો. યોગી આદિત્યનાથ દ્વારા થયેલા બિકૃષ્ટ કક્ષાનાં ભારે પ્રચારમાં અને વિભાજનકારી ભાષણો પણ આ પરિણામનું એક મહત્ત્વપૂર્ણ કારણ હતું, જોકે, તે એકલહેતુથી મત આપનારા લોકોના મનને કળવામાં નિષ્ફળ ગયા. આદિત્યનાથની રેલીઓ યોજાઈ, તે મોટા ભાગના મતવિસ્તારમાં બી.જે.પી.નું પ્રદર્શન બહુ ખરાબ રહ્યું છે. રાજસ્થાનના અલવર પ્રદેશમાં, છેલ્લાં ચાર વર્ષ દરમિયાન ગૌરક્ષક ગુંડાઓની ટોળીઓને ઢીલ મળી હતી, ત્યાં ભા.જ.પ.ને ભૂંડી રીતે હાર મળી છે. તેલંગણામાં પણ, જ્યાં આદિત્યનાથે કટ્ટર કોમવાદની તર્જ પર અભિયાન ચલાવ્યું હતું, તે બેઠકોમાં ઘણો ઘટાડો થયો છે. નરેન્દ્ર મોદીએ કરેલાં તોફાની ભાષણો પણ મતદારને તરફેણમાં લાવી શક્યાં નહીં, અને તે વધતા જતા અસંતોષના સંકેત છે.
અંધારપછેડો નાખવાની તેમની લાક્ષણિક યુક્તિમાં સંઘપરિવાર અને ભા.જ.પે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં નજીકની સ્પર્ધા આપીને આ નુકસાનને ઓછું કરવાનો પ્રયાસ કર્યો છે. પણ મતદાનના સંદર્ભમાં, મધ્ય પ્રદેશની ચૂંટણીઓમાં અગાઉની ચૂંટણીની જેમ નજીકની સ્પર્ધા હતી અને અગાઉની ચૂંટણીમાં કૉંગ્રેસ અને ભા.જ.પ. વચ્ચેના તફાવતને ધ્યાનમાં રાખતા ભા.જ.પ.ને ઘણું નુકસાન થયું છે. ભા.જ.પ.ના ઍન્ટિ-ઇન્કમબન્સી સહિતની આવી તમામ સ્પષ્ટતા પછી પણ હકીકત એ છે કે કૉંગ્રેસે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ બંનેમાં ભા.જ.પ. સરકારનાં ૧૫ વર્ષનાં શાસનને ઉખાડી નાખ્યું છે, અને રાજસ્થાનમાં ભારે અંતર કાપ્યું છે. કૉંગ્રેસે ૨૦૧૪ની લોકસભામાં રાજસ્થાનમાં ૬૫ બેઠકોમાંથી ૬૨ બેઠકો પર જીત મેળવનાર ભા.જ.પ. માટે એક મોટો પડકાર ઊભો કર્યો છે. ભા.જ.પે. શહેરી વિસ્તારોમાં પણ નુકસાન સહેવું પડ્યું છે. હકીકતમાં ગ્રામીણ કરતાં શહેરી મતવિસ્તારોમાં થયેલું ધોવાણ વધુ નોંધપાત્ર છે. તે બેરોજગારીને લઈને નિરાશા અને નાના વ્યવસાયો પર જી.એસ.ટી.ની વિપરીત અસરનો સ્પષ્ટ સંકેત છે. એવું માનવામાં આવે છે કે શહેરી ભારતમાં મોદી અને ભા.જ.પ.ને ઘણું સમર્થન છે, પરંતુ આ ચૂંટણીઓએ આ ધારણાને પણ હલાવી દીધી છે.
જો કે, અસંતોષ અને દુદર્શાની મર્યાદાને ધ્યાનમાં લેતાં કૉંગ્રેસે વધુ માર્જિન સાથે વિજય મેળવવો જોઈતો હતો. છત્તીસગઢમાં કૉંગ્રેસે માત્ર બે-તૃતીયાંશથી નજીકની બહુમતીથી જીતીને ભા.જ.પ.ને હાર આપી છે. શિવરાજસિંહ ચૌહાણની લોકપ્રિયતાના બનાવટી ખુલાસાઓ અને રાજસ્થાનમાં મોદીના આખરી સમયના આક્રમણે કૉંગ્રેસને ખાળી છે. કૉંગ્રેસ પાર્ટીની અધૂકડી સફળતા તેની સંગઠનાત્મક નબળાઈઓને અને લોકોના જીવન અને આજીવિકાના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની અક્ષમતાને આભારી છે. કૉંગ્રેસ છત્તીસગઢની સફળતામાંથી પાઠો શીખી શકે છે, જ્યાં તેનું કેમ્પેઈન લોકોની તકલીફો પર સતત ધ્યાન કેન્દ્રિત રહ્યું હતું. રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં, ડાબેરી સંસ્થાઓ અને લોકોની મૂવમેન્ટ હેઠળના ખેડૂતોના વિરોધમાં કૉંગ્રેસને ફાયદો થયો છે કારણ કે તે ત્યાં દ્વિપક્ષી સ્પર્ધામાં કૉંગ્રેસને ડિફોલ્ટ-પસંદગી તરીકે જોવામાં આવે છે.
મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ભા.જ.પ.ના મતહિસ્સા અને સામાજિક આધારને પુનઃપ્રાપ્ત કરવાના અવકાશને છોડીને કૉંગ્રેસને ફક્ત ડિફોલ્ટ – પસંદગી તરીકે જોવી યોગ્ય નથી. તે લોકોના જીવનની સ્થિતિ સુધારવા અને સામાજિક સ્થિરતાને સુનિશ્ચિત કરવા માટેની વૈકલ્પિક નીતિના વચન તરીકે જોવાવી જોઈએ. ગ્રામીણ તકલીફોને ધ્યાન પર લેવાની સાથે તેને કહેવાતા ગૌરક્ષકો અને સંઘપરિવારની ઠગપ્રવૃત્તિઓને ખાળવાના મત તરીકે જોવું જોઈએ. સંઘપરિવાર અને બી.જે.પી. દ્વારા વિભાજિત સાંપ્રદાયિક ઝુંબેશ ચૂંટણીમાં વેગ પકડે છે, તે ધ્યાનમાં લેવાનું વધુ મહત્ત્વપૂર્ણ છે. લોકસભા – ચૂંટણીઓ સુધીના ટૂંકા ગાળામાં, ત્રણ રાજ્યોમાં કૉંગ્રેસ સરકારની સ્થાપના આ પરિણામો દ્વારા પ્રાપ્ત થતી ગતિને જાળવી રાખવા માટે આ પ્રકારની નીતિઓની રૂપરેખા પ્રદાન કરશે, તેવી અપેક્ષા છે. આ મતદાન પરિણામોના મુખ્ય સંદેશાને સતત વળગી રહેવામાં આવે, તો વિરોધપક્ષની તરફેણમાં આ પરિવર્તન ટકાવી શકાય છે, જેમાં ‘લોકો’ ફરી રાજનીતિના મંચના કેન્દ્રમાં પાછા આવે છે. જાહેર સંવાદનું કેન્દ્ર નેતાની નીતિઓ પર હોવું જોઈએ અને નેતાના વ્યક્તિત્વ પર નહીં. આવનારી લોકસભા – ચૂંટણીઓમાં રાજકીય પક્ષોના સહસંબંધમાં નિર્ણાયક બદલાવ માટે આવાં પરિવર્તન આવશ્યક છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2019; પૃ. 07