Opinion Magazine
Number of visits: 9451277
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ડો.બાબાસાહેબ આંબેડકર : દલિત નેતા કે રાષ્ટ્રનેતા ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|26 December 2018

દર વરસે ૬ઠ્ઠી ડિસેમ્બરનો ડો. આંબેડકર નિર્વાણદિન આમ મુંબઈગરાઓ માટે ભારે અચરજનો હોય છે. દેશની આર્થિક રાજધાની એવા મહાનગર મુંબઈના દાદર વિસ્તારમાં, અરબી સમુદ્રના કિનારે, જ્યાં આંબેડકરના અંતિમ સંસ્કાર થયેલા એ ચૈત્યભૂમિ પર, દેશભરમાંથી લાખો દલિતો સ્વયંભૂ  ઉમટે છે. યાદ રહે ૬ઠ્ઠી ડિસેમ્બર ૧૯૫૬ના રોજ નિર્વાણ પામેલ ડો. આંબેડકરનું આ નિર્વાણ સ્મારક દલિતોએ ખુદના પૈસે ૧૯૬૫માં ખડું કર્યું હતું. પ્રતિ વરસ પોતાના પ્યારા બાબા અને મસીહાને સ્મરવા ચીંથરેહાલથી સૂટેડબૂટેડ દલિતો અહીં આવીને પોતાનો આદર, પ્રેમ અને ઓશિંગણભાવ વ્યક્ત કરે છે.

ભારતીય બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની એક જાણીતી ઓળખ તો દલિત નેતા તરીકેની છે. ભારતની જાતિપ્રથા અને ઉચ્ચનીચના ભેદનો એમને ખુદને અનુભવ હતો. એટલે અમેરિકા, બ્રિટન તથા જર્મનીના ઉચ્ચાભ્યાસ અને પિતાની “છાંયડે બેસીને થાય તેવું કામ” કરવાની સલાહને અવગણીને તેમણે દલિત મુક્તિનો અઘરો માર્ગ પસંદ કર્યો હતો. બૌદ્ધિકતા અને કર્મશીલતાનો સમન્વય સાધીને ડો. આંબેડકરે આઝાદી આંદોલન દરમિયાન ગાંધીજી જેવી વિરાટ પ્રતિભા સામે બાથ ભીડાવીને દલિત મુક્તિનો માર્ગ કંડાર્યો હતો. દાંડીકૂચના જમાનામાં એમણે દલિતોના પીવાના પાણીના અધિકાર માટે મહાડનો જળ સત્યાગ્રહ અને કાલારામ મંદિર સત્યાગ્રહ કરીને સ્વતંત્રતા સાથે સમાનતા અને સ્વરાજ સાથે જ ન્યાયની આહલેક જગવી હતી.

“દલિતોના અધિકારોના રક્ષણ માટે જ હું બંધારણસભામાં આવ્યો હતો. આ સિવાય મારા મનમાં બીજો કોઈ વિચાર નહોતો.” એમ સ્પષ્ટ કહેનાર ડો. આંબેડકરે ભારતના બંધારણમાં દલિતોના અધિકારો આમેજ કરાવ્યા હતા. બંધારણ દ્વારા અસ્પૃશ્યતાની સંપૂર્ણ નાબૂદી તથા શિક્ષણ, રોજગાર અને વિધાનગૃહોમાં અનામતની જોગવાઈ એ ડો. આંબેડકરનું મોટું પ્રદાન છે. ચૂંટણીમાં તમામ પુખ્ત નાગરિકને મતનો સમાન અધિકાર સમાનતાવાદી ડો. આંબેડકરની દેન છે. એટલે સ્વાભાવિક રીતે જ તેઓનું દલિતોના દિલમાં અનન્ય સ્થાન છે અને દલિત મસીહા ગણાય છે.

જો કે ડો. આંબેડકરનું ધ્યેય દલિતોને થોડાક અધિકારો અપાવવાનું જ નહોતું. તેઓ અસ્પૃશ્ય ગણાતા દલિતોને દેશના બરાબરીના નાગરિક બનાવવા માંગતા હતા. તે હિંદુધર્મની વર્ણવ્યવસ્થા કે જાતિપ્રથાની નાબૂદી સિવાય શક્ય નહોતું. એટલે ડો. આંબેડકરનું એકમાત્ર જીવન ધ્યેય જાતિનું નિર્મૂલન હતું. તે માટે “હું હિંદુ તરીકે મરીશ નહીં’-નો સંકલ્પ પાર પાડી, અવસાનના થોડાક મહિના પહેલાં જ ધર્મપરિવર્તન કરી બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો.

શિક્ષણ, સંગઠન અને સંઘર્ષના આંબેડકરી ત્રિમંત્રમાં શિક્ષણને તેમણે આપેલું પ્રાધાન્ય આજે દેશમાં દલિતોની શૈક્ષણિક પ્રગતિમાં જોવા મળે છે. પરંતુ ડો. આંબેડકરને શિક્ષિત કે નોકરિયાત દલિતોથી જ ધરવ નહોતો. તેઓ  વર્ણવિહીન, વર્ગવિહીન સમતામૂલક સમાજ  ચાહતા હતા. ૧૬મી સપ્ટેમ્બર ૧૯૫૪ના રોજ રાજ્યસભામાં ‘અસ્પૃશ્યતા અપરાધ વિધેયક” પરની ચર્ચામાં એમણે વિધેયકમાં પ્રયોજાયેલ અસ્પૃશ્ય શબ્દ સામે જ વાંધો લીધો હતો. બાબાસાહેબે કહ્યું હતું કે સ્વતંત્ર અને પ્રજાસત્તાક દેશમાં ન કોઈ સ્પૃશ્ય છે કે ન કોઈ અસ્પૃશ્ય. હવે આ દેશમાં સૌ નાગરિક છે. સમાન નાગરિક .એટલે આભડછેટનું આચરણ ડો. આંબેડકરને નાગરિક હકનું હનન  લાગતું હતું અને આ કાનૂનનું નામ તેમણે “નાગરિક હક સંરક્ષણ કાનૂન’ રાખવા સૂચવ્યું હતું.

નાગરિક માત્રની સમાનતા જેમનો જીવનમંત્ર હતો એવા ડો. આંબેડકરને દલિતનેતા તરીકે ખતવી દેવા શું યોગ્ય છે ? જો કે બાબાસાહેબને એવા લેબલની કશી ફિકર નહોતી. તેમણે કહેલું, “મેં ક્યારે ય એવો દાવો કર્યો નથી કે હું સમગ્ર પીડિત સમુદાયનો નેતા છું. મારી સીમિત ક્ષમતા માટે માત્ર દલિત સમસ્યા જ પર્યાપ્ત છે. મેં ક્યારેય દલિતોની મુક્તિથી વિશેષ વિચાર્યું નથી.” આ ડો. આંબેડકરની  વિનમ્રતા કે દલિત પ્રતિબદ્ધતા જ હતી. કેમ કે ભારતના જાહેરજીવનના લગભગ તમામ ક્ષેત્રોમાં તેમનું પ્રદાન છે. મુંબઈની ચાલીની નાનકડી ખોલીમાં જીવેલા ડો. આંબેડકરને ‘સમગ્ર પીડિત માનવતાની પીડા’નો સહજ ખ્યાલ હતો. મુંબઈની ધારાસભાના સભ્ય તરીકે તેમણે ખેડૂતો પાસેથી બળજબરીથી કૃષિકર વસૂલવાની “ખોતીપ્રથા” અને મહારોની ગુલામગીરી જેવી “વતનદારી પદ્ધતિ” નાબૂદ કરવાના પ્રસ્તાવો વિધાનસભામાં મૂક્યા હતા. કામદારોના હડતાળના હકને છીનવવાના પ્રયાસોનો તેમણે વિરોધ કર્યો હતો.

૧૯૪૨ થી ૧૯૪૬ સુધી ડો. આંબેડકર વાઈસરોયની કારોબારીમાં શ્રમ, સિંચાઈ અને વીજળી વિભાગના મંત્રી હતા. એ સમયે તેમણે કામદાર કલ્યાણના અનેક કાયદાઓ કરાવ્યા હતા. સ્ત્રી-પુરુષને સમાન કામ માટે સમાન વેતન, કામના કલાકોમાં ઘટાડો, સ્ત્રી કામદારોને પૂરા પગારે પ્રસૂતિની રજા, પ્રોવિડન્ટ ફંડ, લઘુતમ વેતન, હકરજા તથા અન્ય રજાના અધિકારો, અકસ્માતમાં વળતર, ખાણ કામદારોની સલામતીનાં પગલાં, સ્ત્રીકામદારના બાળકો માટે ઘોડિયાઘર, કામદારોની દાકતરી તપાસ તથા તેમના બાળકોના શિક્ષણની વ્યવસ્થા જેવા કાયદાઓ બાબાસાહેબના પ્રયત્નોનું ફળ છે. ડો. આંબેડકરે વાઈસરોયની કારોબારીના મંત્રી તરીકે જળ, સિંચાઈ અને વીજળી ક્ષેત્રે પાયાના કામો કર્યા હતા. બાબાસાહેબના જન્મશતાબ્દી વરસે એમના આ ક્ષેત્રના પ્રદાન અંગે સંશોધનો થયાં હતાં અને હકીકતો પ્રગટ થઈ હતી. જાણીતા અર્થશાસ્ત્રી ડો. સુખદેવ થોરાટના માર્ગદર્શનમાં ભારત સરકારે ૧૯૯૩માં “જળ સંશાધન વિકાસમાં ડો. આંબેડકરનું પ્રદાન” એ નામે અભ્યાસ પ્રગટ કરતાં બાબાસાહેબના મોટા બંધો સહિતના ક્ષેત્રે કરેલા કામો ઉજાગર થયાં હતાં.

દલિતો પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા સ્પષ્ટ શબ્દોમાં વ્યકત કરનાર ડો. આંબેડકરના જાહેર કાર્યો અને વિચારો કોઈ એક વર્ગ કે વર્ણ પૂરતા નહોતા. ડો. આંબેડકરે જે પાંચ સામયિકો (મૂક નાયક, બહિષ્કૃત ભારત, જનતા, સમતા અને પ્રબુદ્ધ ભારત) પ્રગટ કર્યા હતા તેનાં નામોમાં કે તેમણે સ્થાપેલી સામાજિક-શૈક્ષણિક-રાજકીય સંસ્થાઓના નામોમાં ક્યાં ય જાતિવાદની ગંધ આવે છે ખરી? ૧૯૨૪માં ભારત આવેલા ક્રિપ્સ મિશને દલિતોના અધિકારોની રજૂઆત “સ્વતંત્ર મજૂર પક્ષ” (ઇન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી) કઈ રીતે કરી શકે એવો વાંધો લીધો ત્યારે જ ડો. આંબેડકરને “શિડ્યુલ્ડ કાસ્ટ ફેડરેશન”ની રચના કરવી પડેલી. જેનું તેઓ “રિપબ્લિકન પાર્ટી”માં રૂપાંતર કરવા માંગતા હતા. બાબાસાહેબના નિર્વાણ પછી તેમના અનુયાયીઓએ ૩જી ઓકટોબર ૧૯૫૭ના રોજ “શિડ્યુલ્ડ કાસ્ટ ફેડરેશન”નું વિસર્જન કરી “રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા”ની સ્થાપના કરી હતી. આઝાદ ભારતના પ્રથમ કાયદા પ્રધાન આંબેડકરે કોઈ દલિત મુદ્દે નહીં પણ હિંદુ સ્ત્રીઓને અધિકારો આપતું હિંદુ કોડ બિલ સનાતની હિંદુઓના વિરોધને કારણે પસાર ન થઈ શકતાં રાજીનામુ આપ્યું હતું. આમ ડો. આંબેડકરના યુગકાર્યને ઉચિત પરિપેક્ષ્યમાં ખુલ્લા દિલે સમજીએ તો જ તેમના પ્રદાનને મૂલવી શકાશે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

26 December 2018 admin
← મજબૂત સરકાર, મજબૂર સરકાર
…. ને હું રહી ગઈ કુમારી →

Search by

Opinion

  • મસાણ અને મોક્ષની મોકાણમાં જીવતા વારાણસીના દલિત ડોમ
  • એકલતાની કમાણી
  • સમાજવાદની 90 વર્ષની સફર: વર્ગથી વર્ણ સુધી
  • શ્રીધરાણી(16 સપ્ટેમ્બર 1911 થી 23 જુલાઈ 1960)ની  શબ્દસૃષ્ટિ
  • एक और जगदीप ! 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved