૧૯૮૫ પછી, ભારતનાં રાજકીય વિમર્શમાં એક શબ્દ સંભળાવા લાગ્યો, સ્યુડો સેક્યુલરિઝમ. સ્યુડો સેક્યુલરિઝમ એટલે છદ્મ સેક્યુલરિઝમ, નકલી સેક્યુલરિઝમ અથવા સ્પષ્ટ ભાષામાં કહીએ તો પક્ષપાતી સેક્યુલરિઝમ. પક્ષપાત કોનો? તો કહે લઘુમતી કોમોનો. લઘુમતી કોમના મત હાંસલ કરવા માટે કૉન્ગ્રેસ અને બીજા પક્ષો તેમને છૂટછાટ આપે છે, લાડ લડાવે છે અને તેમને ઇશારે કાયદાઓ પણ બદલે છે. કહેવાતા સેક્યુલર પક્ષો લઘુમતી કોમના કોમવાદ સામે આંખ આડા કાન કરે છે. હિન્દુ બહુમતી દેશમાં જન્મે હિન્દુ શાસકો હિન્દુઓની ઉપેક્ષા કરે છે, હિન્દુઓના મત તો મળવાના જ છે, એમ સમજીને હિન્દુઓને ખિસ્સામાં રાખીને ફરે છે, તેમની ધાર્મિક માન્યતાઓ અને રિવાજોની નિંદા કરે છે અને ઇસ્લામ વિષે ચૂપ રહે છે, વગેરે વગેરે.
આવો આરોપ કરનારાઓએ આ લખનાર જેવા સેક્યુલર-લિબરલો(ઉદારમતવાદીઓ)ને પણ છોડ્યા નહોતા. સેક્યુલર-લિબરલો લઘુમતી કોમની ભેર તાણીને તેમના પક્ષે ઊભા રહે છે, પરંતુ તેમણે હિન્દુઓની લાગણીની ક્યારે ય પરવા કરી નથી. ટૂંકમાં ગેર-બી.જે.પી. સેક્યુલર પક્ષો અને સેક્યુલર લિબરલો પક્ષપાતી છે એટલે તેઓ સ્યુડો સેક્યુલર છે અને માટે હિન્દુ વિરોધી છે એવી દલીલો ત્યારે કરવામાં આવતી હતી.
તેમની દલીલો સાવ ખોટી નહોતી. એ વાત જુદી છે કે સેક્યુલર પક્ષો લઘુમતી કોમનાં થાબડભાણાં નહોતા કરતા, પરંતુ તેમના નેતાઓના અને મૌલવીઓના કરતા હતા. પાંચ દાયકાના એકચક્રી કૉન્ગ્રેસ રાજમાં આમ મુસલમાનોને ફાયદો કરાવી આપવામાં આવ્યો હોય એવું ભાગ્યે જ જોવા મળ્યું હતું. રહી વાત સેક્યુલર લિબરલોની તો તેઓ એમ માનતા હતા કે લઘુમતી કોમ લઘુમતીમાં હોવાનાં કારણે સ્વાભાવિકપણે અસલામતી અનુભવે છે એટલે તેઓ ધર્મની ઓળખનો આશ્રય લઈને કેટલીક માગણીઓ કરતા રહે છે અને આગ્રહો સેવતા રહે છે. તેમનો આગ્રહ ઓળખ ગુમાવી નહીં દેવા માટેનો હોય છે. આ કારણે લઘુમતી કોમમાં જોવા મળતો કોમવાદ કોમવાદ હોવા છતાં ક્ષમ્ય છે, પરંતુ બહુમતી કોમવાદ સામે આંખ આડા કાન ન કરી શકાય, કારણ કે તે સમાજને ફાસીવાદ તરફ દોરી જાય છે. ટૂંકમાં બહુમતી કોમવાદ બહુમતી કોમને જ નુકસાન પહોંચાડનારો હોય છે.
એ સમયે સેક્યુલર-લિબરલોની દલીલ કાને ધરવામાં આવી નહોતી. તેમને ખોટો બચાવકર્તા ઍપોલોજિસ્ટ) તરીકે ઓળખાવવામાં આવતા હતા. સરેરાશ હિન્દુને એમ લાગવા માંડ્યું હતું કે સંઘપરિવારવાળાઓ જે કહે છે એમાં દમ છે. હિન્દુ બહુમતી દેશમાં હિન્દુઓ સાથે ખિસ્સામાં રાખવામાં આવેલા પરચૂરણ જેવો વહેવાર કરવામાં આવે છે. સંઘપરિવારવાળાઓ આટલેથી અટક્યા નહોતા. તેઓ કહેતા હતા કે દેશને સાચા સેક્યુલરિઝમની જરૂર છે. સાચું સેક્યુલરિઝમ એટલે એવું સેકયુલરિઝમ જે કોઈનો પણ પક્ષપાત ન કરતું હોય. ન લઘુમતી કોમનું કે ન બહુમતી કોમનું. ‘અપીઝમેન્ટ (તુષ્ટિકરણ) ટુ નન’ એવો શબ્દપ્રયોગ ત્યારે વાપરવામાં આવતો હતો.
તમારાંમાંના કેટલાક વાચક એ સમયે (૧૯૮૫-૨૦૧૪નાં વર્ષોમાં) બી.જે.પી.ના તરફદાર બન્યા હશે. જ્યારે બન્યા, ત્યારે તમે તમારી જાતને કહ્યું હશે કે તમે સાચા સેક્યુલરિસ્ટ છો અને તમને પક્ષપાતી સ્યુડો સેકયુલરિઝમ માટે નફરત છે. તમને તમારાં સેક્યુલર હોવા વિષે રજમાત્ર શંકા નહીં ગઈ હોય; પરંતુ કૉન્ગ્રેસ, બીજા રાજકીય પક્ષો અને સેક્યુલર-લિબરલોની સેક્યુલરિઝમ પરની નિષ્ઠાને શંકાથી જોઈ હશે. તમે તમારી જાતને ટકોરાબંધ સેક્યુલર તરીકે જોઈ હશે અને બીજાને બોદા સેક્યુલર તરીકે.
આગળ વાંચતાં પહેલાં પોતાની જાતને પૂછી જુઓ કે તમે આવા વિચારમંથનમાંથી પસાર થયા હતાં કે નહીં? હવે આગળ વાચો:
અત્યારે બી.જે.પી. લોકસભામાં સ્પષ્ટ બહુમતી ધરાવે છે. આજે બી.જે.પી. ભારતનાં ૨૯ રાજ્યો અને સાત કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી ૨૧માં રાજ કરે છે. ભારતની ૭૦ ટકા પ્રજા બી.જે.પી. શાસિત છે. આજે બી.જે.પી. બાવીસ કરોડની વસતી ધરાવતા ઉત્તર પ્રદેશમાં બે-તૃતીયાંશ બહુમતી ધરાવે છે અને લોકસભામાં ૮૦માંથી ૭૧ બેઠકો ધરાવે છે. લોકસભા, ઉત્તર પ્રદેશની વિધાનસભામાં, અન્ય બી.જે.પી. શાસિત રાજ્યોની વિધાનસભાઓમાં મુસ્લિમ સભ્યોની સંખ્યા ઇતિહાસમાં ક્યારે ય જોવા મળી નથી એટલી ઓછી છે. કેન્દ્ર સરકારમાં મુસ્લિમ પ્રધાનો નામનાં છે. આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશ્વનું સૌથી શક્તિશાળી અને મોટું સંગઠન હોવાનો દાવો કરે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૫૬ ઈંચની છાતી ધરાવે છે અને કોઈની સાડીબારી રાખતા નથી એવી ઈમેજ ધરાવે છે. આર્થિક રીતે સૌથી વધુ સાધન-સંપન્ન પક્ષ બી.જે.પી. છે અને મીડિયા અને પત્રકારો અનુકૂળ બનીને રહે છે.
આટઆટલી અનુકૂળતા છે અને આત્મવિશ્વાસ આસમાને છે ત્યારે સ્વાભાવિકપણે સાચા સેક્યુલરિઝમની ખોજમાં નીકળેલા ભારતના નાગરિકે પોતાની જાતને સવાલ કરવો જોઈએ કે દેશમાં અત્યારે જે બની રહ્યું છે, એ પક્ષપાત વિનાનું સાચું સેક્યુલરિઝમ છે? ઢંઢોળી જુઓ પોતાની જાતને અને પૂછો; કે દસ, વીસ કે ત્રીસ વરસ પહેલાં તમારી કૉન્ગ્રેસી સેક્યુલરિઝમ પરની શ્રદ્ધા ઊઠી ગઈ હતી અને તમે જ્યારે વટલાયા હતા એ અત્યારે જેવું રાજ્ય જોવા મળે છે એને માટે? અત્યારે જે દેશમાં બની રહ્યું છે એની સામે તમારે કાંઈ પણ કહેવાનું ન હોય તો એનો અર્થ એ થાય કે તમે સાચા સેક્યુલરિસ્ટ નહોતા, કોમવાદી હતા. તમે તમારી જાતને છેતરતા હતા, એટલે સંઘપરિવારની વાતમાં આવી ગયા હતા. તમે જ્યારે સેક્યુલર-લિબરલો સામે સ્યુડો સેક્યુલરિઝમનો આરોપ કરતા હતા, ત્યારે તમે તમારાં કોમવાદી ચહેરાને છુપાવતા હતા. જો તમે હિન્દુ કોમવાદી નથી અને સાચા સેક્યુલરિસ્ટ છો અને છતાં મૂંગાં છો અથવા જે બની રહ્યું છે તેનો બચાવ કરતા હો તો તમે મૂર્ખ અને કાયર છો. શક્યતા માત્ર બે જ છે; કાં તમે હિન્દુ કોમવાદી હતા એટલે સમય વર્તીને વટલાયા હતા, અથવા સત્યના પક્ષે ઊભા રહેવાની હિંમતનો અભાવ છે.
ઉત્તર પ્રદેશના બુલંશહરમાં હિન્દુ પોલીસ ઓફિસર સુબોધ કુમાર સિંહની હત્યાની ઘટના નિર્દોષ ઘટના નથી. સુબોધ કુમાર દાદરીમાં ગૌરક્ષકોએ મહમ્મદ અખલકની હત્યા કરી તેની તપાસ કરતા હતા. અખલકના ઘરના ફ્રીજમાંથી ગાયનું માંસ હતું તેવો આરોપ કરીને ગૌરક્ષકોએ કાયદો હાથમાં લીધો હતો. એ ઘટનાની તપાસ કરનારા સુબોધ કુમાર એવાં તારણ પર આવ્યા હતા કે અખલકના ઘરમાં ગોમાંસ નહોતું અને ગૌરક્ષકોએ કાયદો હાથમાં લઈને ગુનો કર્યો હતો. સુબોધ કુમારની હત્યાનું કારણ આ હતું. અમે જ્યારે સાચા હિન્દુઓ કહીએ કે અખલકના ઘરમાં ગોમાંસ હતું એટલે હતું, નહોતું એવું કહેનાર પોલીસ ઇન્સ્પેકટર કોણ?
આનો અર્થ એ થયો કે તમારી કલ્પનાના સાચા સેક્યુલર રાજ્યમાં મુસલમાન નિર્દોષ હોય તો પણ તરફદારી કરવાની નહીં. જો કોઈ સત્યનો પક્ષ લેશે તો તેના હાલ સુબોધ કુમાર જેવા કરવામાં આવશે એવો આમાં સંકેત છે. આ કાયદો અને વ્યવસ્થા જોનારાઓને આપવામાં આવેલો સંદેશો છે. હવે પછી આવો સંદેશો અદાલતના કોઈ જજને, સત્યનો પક્ષ લેનારા પત્રકારને અને કર્મશીલને આપવામાં આવશે અને એ સાથે ભયનું વર્તુળ પૂરું થઈ જશે. શું તમે આવા સાચા સેક્યુલરિઝમની તલાશમાં વટલાયા હતા? મુસ્લિમ વિશ્વમાં રોજ સોએક જેટલી હત્યાઓ થાય છે. ૯૯.૯૯ ટકા કેસમાં મારનાર પણ મુસ્લિમ અને મરનાર પણ મુસ્લિમ. બુલંદશહેરમાં મરનાર અને મારનાર બન્ને હિન્દુ છે.
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 07 ડિસેમ્બર 2018