‘ધર્માંધોનો કોઈ ધર્મ હોતો નથી’.
– સ્વામી વિવેકાનંદ
વિવેકાનંદ મારા પ્રિય સંન્યાસી છે. સ્વામીજીનું બીજું વાક્ય છે, ‘વેદાંત કોઈને વિશેષ અધિકાર આપતું નથી'. આવું બધું યાદ આવે છે કારણ સર્વોચ્ચ અદાલતે કેરળના સબમરીમાલાના વિખ્યાત ભગવાન અયપ્પાના મંદિરમાં તમામ ઉંમરની મહિલાઓને પ્રવેશ-અધિકાર આપતો ચુકાદો આપ્યો છે. ગત નવરાત્રિના આગમનટાણે જ આ ચુકાદો હતો. આમ તો શિવની એક રાત્રિ તે શિવરાત્રી, પરંતુ ભારતીય મનીષાએ સ્ત્રીને-શક્તિને સર્વોચ્ચ સન્માન આપીને નવનવ રાતથી બિરદાવી છે. એ નવરાત્રિમાં સમગ્ર ભારતમાં આસામ બંગાળથી લઈને ગુજરાત સુધી શક્તિની આરાધના થતી હતી, ત્યારે દેશમાં સૌથી વધુ સાક્ષરતાદર ધરાવતા કેરળના શબરીમાલામાં માહોલ જુદો હતો. સર્વોચ્ચ અદાલતે આપેલો અધિકાર ઈશ્વરે સ્ત્રીને આપેલા અધિકાર ઉપર મંજૂરીની મહોર સમાન છે. અને એ રીતે અદાલતે સ્ત્રીનું જ નહીં, ઈશ્વરનું પણ સન્માન કર્યું છે.
પરંતુ ૨૧નું સદીનું અને હિન્દુધર્મનું દુર્ભાગ્ય! આ ચુકાદા સામે દેશના ખૂણેખૂણેથી પ્રચંડ વિરોધ શરૂ થયો. અદાલતના આદેશ સામે મા-શક્તિઓ પણ પડી! તેઓ સાથે બીજા ય ભળ્યા. દેશના બે મોટા રાજકીય પક્ષોને માતૃશક્તિ કરતાં ‘વોટશક્તિ’માં વજૂદ દેખાયું. અહો વૈચિત્ર્યમ્! દુનિયાની આઠમી અજાયબી જેવી ઘટના બની. સર્વોચ્ચ અદાલતના આદેશની સામે કેરળમાં ભા.જ.પ. અને કૉંગ્રેસ જાણે એક થયા. આને કહેવાય ‘ધર્મનું સામર્થ્ય’! વિરોધીઓને પણ ધર્મ એક મંચ ઉપર લાવે છે!
જેની સરકાર છે, એના રાજકીય પક્ષના આગેવાન કેરળમાં શ્રદ્ધાળુઓનાં સમર્થનમાં, હજારો સમર્થેકો સાથે શક્તિપ્રદર્શન કરતાં જોવાં મળ્યાં. એક મંત્રી, વળી તે મહિલામંત્રીએ તમામ ઉંમરની મહિલાપ્રવેશના વિરોધમાં પવિત્રતા અંગે શિખામણ આપી. (આ સ્મૃતિના આધારે લખું છું.) અર્થાત્ અમુક ઉંમરની અપવિત્ર મહિલાઓએ મંદિરમાં પ્રવેશ કરવાના બદલે દૂરથી મંદિરના કે ધજાના દર્શન કરી લેવા? દલિતો આ રીતે માત્ર ધજાના દર્શન કરીને ભગવાનના દર્શન કરી લેતા હતા! એ ભૂતકાળ ભયાવહ હતો.
કેરળની સામ્યવાદી સરકારે આદેશના અમલ માટે નિર્ણય કર્યો છે, પરંતુ અહીં પણ દિલચોરી છે. છેલ્લા સમાચાર મુજબ વ્યવસ્થા માટે મંદિરની અંદર જે મહિલા-પોલીસનો બંદોબસ્ત ગોઠવ્યો છે, તેઓ પચાસ વર્ષોથી ઉપરની મહિલા-પોલીસ હોય છે.
એક ત્રીજું દૃશ્ય બહાદુર લૅડી, તૃપ્તિ દેસાઈનું છે. શબરીમાલા જેવા જ એસોર્ટ ઉપર એ ઊતરી હતી એ એસોર્ટ સશસ્ત્રધારી હજારો પોલીસકર્મીઓથી ઘેરાયેલું હ ઉપરાંત વિરોધીઓ પણ ખરા. એ બિચારીને પરત ફરવું પડ્યું. સરકારને હાશ થઈ અને અંધશ્રદ્ધાળુઓને થયું, ધર્મનો જય થયો! ઉભય હેતુ સર્યા અમને વોટદેવ વર્યા! ‘કન્યાપૂજન’ અને માતૃવંદના’ની ધજ્જિયાં ઊડી ગઈ છે. શીરા માટે (વોટ માટે) શ્રાવક થનારી સરકારો કેન્દ્રમાં હોય કે કેરળમાં, ખુલ્લી પડી ગઈ છે.
દુઃખની વાત એ છે કે આવા પ્રસંગોએ આપણા પ્રખ્યાત કથાકારો, લેખકો, લબ્ધપ્રતિષ્ઠિત સર્જકો, ચિંતકો, મહિલાસંસ્થાઓ, સમાજસેવકોનું મૌન અકળાવે છે. મહિલા-અધિકારની મીણબત્તીઓ ક્યાં ય દેખાતી નથી. સર્વત્ર અંધકાર છે. એકલી ઝઝૂમનાર તૃપ્તિ દેસાઈ અને તેની ટીમને સલામ.
હિંદુધર્મ અને આસ્થા ઉપર જે આકાશ તૂટી પડ્યું છે, તેના રક્ષણ માટે બધા મેદાનમાં આવી ગયા છે, પોતાની રૂઢિગત માનસિકતાને શાસ્ત્રોનો બૌદ્ધિક આધાર આપવામાં આવી રહ્યો છે. પરંતુ મહાન હિન્દુ-ધર્મને આકાશ તૂટવાની નવાઈ નથી. રાજા રામમોહન રૉયે સતીપ્રથાનો વિરોધ કરીને ઝુંબેશ ચલાવી, ત્યારે પણ હિન્દુધર્મ ઉપર આવું આકાશ તૂટી પડ્યું હતું. વિધવાવિવાહના સમર્થકો વખતે પણ આકાશ તૂટી પડ્યું હતું. સ્વામી દયાનંદથી લઈ મહાત્મા ગાંધી જેવા અનેક મહાપુરુષોએ હિન્દુધર્મના કલંક અસ્પૃશ્યતાનો વિરોધ કર્યો, ત્યારે પણ આકાશ તૂટી પડ્યું હતું. તેઓના મતે સનાતન ધર્મ રસાતાળે ગયો હતો.
પરંતુ ગાંધીજીનું વિધાન માનવતાની છડી પોકારે છે. ‘અસ્પૃશ્યતાનો ઉલ્લેખ જો શાસ્ત્રોમાં હશે, તો એ શાસ્ત્રો પણ મને મંજૂર નથી!’
કાકાસાહેબ કાલેલકરે કહ્યું છે, હિંદુધર્મમાં સનાતન એટલે નિત્યનૂતન.
ઉપર્યુક્ત સમગ્ર દૃશ્યમાં લાગે છે, ક્યાં આપણે ખાબોચિયાને જ ‘સનાતન ધર્મ’ માનીએ છીએ અથવા બધું જાણતા હોવા છતાં ‘રાજકારણના ખાબોચિયામાં મજા માણી રહ્યા છીએ. પરંતુ આ બેઉ ખાબોચિયાં ધર્મ અને સમાજને અધોગતિ જ તરફ લઈ જનાર છે. ઝનૂનની હરીફાઈ ચાલી રહી છે. હમ કિસીસે કમ નહીં હૈં!’
સર્વોચ્ચ અદાલતે તીન તલાકના વિરોધમાં ચુકાદો આપ્યો, ત્યારે તેના વિરોધમાં ઘણા મુલ્લાઓ મેદાનમાં આવી ગયા હતા. પરંતુ તલાકમુદ્દે સર્વોચ્ચ અદાલતના ચુકાદાના અક્ષરશઃ અમલ માટે સરકારશ્રીમાં તથા પક્ષમાં ગજબનો ઉત્સાહ અને થનગનાટ હતો. બિચારી શોષિત ઉપેક્ષિત અન્યાયગ્રસ્ત, પીડિત મુસ્લિમ મહિલાઓનાં આંસુઓનાં દર્દને સરકારશ્રી જોઈ શકતી નહોતી. ભા.જ.પ. મુસ્લિમ મહિલાઓનું દર્દ જોઈ શકતું નહોતું. એને મુસ્લિમ મહિલાઓ માટે અશ્રુપાત નહીં, અશ્રુપ્રપાત થતો હતો! પંરતુ હવે પગ નીચે રેલો આવ્યો છે. સામે કેરળનું મેદાન ખાલી પડ્યું છે.
છતાં રાજકીય પક્ષોને દોષ દેવાનો અર્થ નથી. તેઓને હું નિર્દોષ માનું છું, કારણ તેઓનો મુખ્ય વ્યવસાય રાજકારણ હોય છે. માત્ર સત્તાલક્ષી રાજકારણ જે સરકારમાં હોય છે, તેઓને સરકાર ટકાવવાની હોય અને જે વિપક્ષમાં હોય છે તેઓને સત્તા પ્રાપ્ત કરવાની હોય છે. કેરળમાં આ સિવાય બીજું કંઈ નથી.
આજે રાજા રામમોહન રૉય હયાત હોત તો? કલ્પના કરીએ. સુપ્રીમ કોર્ટે સતીપ્રથાના વિરોધમાં ચુકાદો આપ્યો હોત તો ? કદાચ આ પ્રજાએ જ રાજા રામમોહન રૉયની નનામી કાઢીને શક્તિપ્રદર્શન કર્યું હોત! બિચારી બાપડી સરકારે સનાતન ધર્મના રક્ષણ કાજે સતીપ્રથાના સમર્થનમાં વટહુકમ પાડ્યો હોત! કારણ પ્રશ્ન આસ્થાનો હોત.
અહીં સુપ્રીમ કોર્ટની અવમાનના કરતા સ્ત્રીના સ્વમાનને સન્માન આપવાની સુપ્રીમ કોર્ટની ભાવના લક્ષ્યમાં રાખવી રહી. ખરેખર સુપ્રીમ કોર્ટે મંદિરોમાં મહિલાપ્રવેશ મુદ્દે અલગ અલગ પ્રસંગે ચુકાદાઓ આપવાના બદલે એક જ ચુકાદો બધા મંદિરોમાં લાગુ પાડી દેવો જોઈએ. જેથી સમય, શક્તિ અને નાણાંનો બગાડ ના રહે. સ્ત્રીથી એક દેવતા અભડાય અને બીજા દેવતાને કોર્ટના આદેશની પ્રતિક્ષા કરવી પડે, એ વિચિત્ર લાગે છે.
હિંદુમાં ‘ધર્મ’ની વિભાવના એટલી વ્યાપક છે કે મોટા ભાગની બહેનો માસિક અવસ્થાને ‘માસિકધર્મ’ કહેતી હોય છે.
મોટાભાગની હિન્દુ મહિલાઓ આ દરમિયાન દેવસ્થાનમાં જતી નથી. આ એક સ્વૈચ્છિક અનુશાસન છે. પરંતુ શબરીમાલા મંદિરમાં આવા થોડી દિવસોનું અનુશાસન કે પ્રતિબંધ નથી, પરંતુ આ ઉંમરની તમામ બહેનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ છે. આ બારીક તફાવત સમજવા જેવો છે.
એક ચૅનલના ઍંકર તો એટલા ધર્મમય અને ભક્તિમય થયા હતા કે એક વિરોધીને પૂછી બેઠા કે ‘શું તમે ચપ્પલ પહેરીને મંદિરમાં પ્રવેશ કરશો?’ એ ઍંકરને ચપ્પલ અને સ્ત્રી વચ્ચે કોઈ તફાવત દેખાયો નહીં!
થોડું બ્રહ્મચર્ય વિશે : વિવાદનું મૂળ કારણ ભગવાન અયપ્પાનું બ્રહ્મચર્ય છે, પરંતુ આ ભગવાન એકલા બ્રહ્મચારી નથી, હનુમાનજી પણ બાળબ્રહ્મચારી છે.
‘બ્રહ્મચર્ય’ શબ્દએ ઘણી ગેરસમજ ઊભી કરી છે. આ પ્રાચીન વ્યવસ્થાનો ગરિમાપૂર્ણ શબ્દ છે. વિદ્યાર્થી ગુરુકુળમાં જઈને વેદાદિશાસ્ત્રોનો અભ્યાસ કરે એ કાળ બ્રહ્મચર્યાશ્રમ. આ વ્રત પછીથી આધ્યાત્મિક સાધનામાં મહત્ત્વપૂર્ણ બન્યો હશે. ‘બ્રાહ્મીસ્થિતિ’ અંતિમ સોપાન હતું, જેમાં બ્રહ્મચર્ય સહજસાધ્ય હતું. વિનોબાજીના મતે જે બ્રહ્મમાં વિચરે, તે બ્રહ્મચારી, આ સહજતા ના હોય, ત્યારે બ્રહ્મચર્ય કષ્ટસાધ્ય બને છે. અને બ્રહ્મચારીના જીવનમાં ખાનગી અકસ્માતો થતા રહે છે. કાળક્રમે બ્રહ્મચર્યના વિકૃત ગૌરવે સ્ત્રીને પાપનો અને નર્કનો દરજ્જો આપી દીધો. સ્ત્રીનું મોઢું જોવું પાપ થઈ ગયું. ‘વૃંદાવનમાં કૃષ્ણ સિવાય બીજો કોણ પુરુષ?’ એમ કહીને મીરાંએ સંન્યાસીનો કેફ ઉતારેલો. નદીકિનારે સ્નાન કરી રહેલી મુક્તાબાઈઓ જ્ઞાની અને તાંત્રિક ચાંગદેવને સ્ત્રી અને પુરુષના અભેદનું બ્રહ્મજ્ઞાન આપેલું. હિન્દુધર્મે દેવતાઓમાં સ્ત્રીને પ્રથમ સ્થાન આપેલું છે. રામ પહેલાં સીતા, કૃષ્ણ પહેલાં રાધા શંકર પહેલાં ઉમા (ઉમાપતિ). અપપ્પા પણ માતાનું સંતાન હતા.
સૃષ્ટિનું સર્જન કરીને ઈશ્વર થાકી ગયો હશે, ત્યારે સર્જનનો એ વિશેષ અધિકાર (પાવર ઑફ ઍટર્ની) એણે સ્ત્રીને આપ્યો હશે. દુર્ગાતાઈ ભાગવત લખે છે, સ્ત્રીનું માતૃસ્વરૂપ સ્ત્રીને ઈશ્વરની લગોલગ પહોંચાડી દે છે. આપણા મોટા ભાગના ઋષિઓ સપત્નીક હતા. નાનક કહે છે, ‘જે સમ્રાટોને, સંતોને, જ્ઞાનિઓને, ઋષિઓને જન્મ આપે છે, એ નટક કે અસ્પૃશ્ય કઈ રીતે હોય? સ્ત્રીથી પુરુષ જન્મે છે. સ્ત્રીથી સ્ત્રી જન્મે છે. સ્ત્રીથી સંસાર ચાલે છે.’
સરકારો આવશે અને જશે. રાજકીય પક્ષો અને નેતાઓનાં સમીકરણો હોય છે. તેઓ ક્રોધના નહીં, અસલી કરુણાના અધિકારી છે, પરંતુ પ્રજાજીવનમાં પ્રજાએ ક્યારેક સર્વોચ્ચ ડહાપણ બતાવવાનો સમય આવે છે. દરેક ધર્મ અને સમાજમાં જામી પડેલી રૂઢિઓને બદલવાનો સમયનો તકાજો હોય છે. આવા સમયે બુદ્ધિમાન, જ્ઞાની અને ધર્મપુરુષોનો વિવેક કસોટીએ ચડે છે.
સમાજની કોઈ પણ વ્યક્તિને એક નાગરિક તરીકે જોવી જોઈએ. એથી આગળ વધીને તેને એક મનુષ્ય તરીકે જુઓ, ત્યારે તમે કોઈ પક્ષના, પંથના કે ધર્મના રહેતા નથી.
ધર્મમાં નશો નથી હોતો. ધર્મમાં વિવેક હોય છે. ધર્મનો ખોટો કેફ ધર્મ અને મનુષ્ય બંનેનાં આરોગ્ય માટે હાનિકારક છે. માનવતાને જફા પહોંચાડનારી ધાર્મિક રૂઢિઓ અંગે શાણા લોકોએ પુનર્વિચાર કરવો પડે. જેઓ શોરબકોર કરી મૂકે છે, તેઓ ધર્મનું નહીં, પોતાનું રક્ષણ કરતા હોય છે.
આ લખાઈ રહ્યું છે, ત્યાં સુધી ‘બહેનને’ શબરીમાલ મંદિરમાં પ્રવેશ મળ્યો નથી. પક્ષકારો સુપ્રીમમાં પહોંચ્યા છે. પુનર્વિચારણા જે થાય એ, પરંતુ ‘વ્યક્તિ’ને ‘મનુષ્ય’ તરીકે માપવાની ફૂટપટ્ટી નાની ના હોવી જોઈએ.
ગુરુકુળ, અમદાવાદ
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2018; પૃ. 12-13