Opinion Magazine
Number of visits: 9450165
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કેનેડાની કુદરતનું કામણ : ચરણ બીજું

આશા બૂચ|Opinion - Opinion|22 October 2018

ચરણ બીજું : વાનકુંવર, વિસલર અને બુશાર્ટ ગાર્ડન્સ

કેનેડાને આભને આંબતા પર્વતો, તેની ખીણોમાં શાંત નિદ્રામાં પોઢતાં સરોવરો અને વિવિધ પ્રકારના ગગનચુંબી વૃક્ષોનું વરદાન મળ્યું છે, અને એ બધાંની જાળવણી કેમ કરવી તે કેનેડિયન્સ સુપેરે જાણે છે. આવું અવર્ણીય સૌંદર્ય ઠેકઠેકાણે વેરેલું જોવાં મળ્યું. બે એક અઠવાડિયા જેટલો સમય અમારે વડીલ પરિવારજન સાથે રહેવાનો અને નાનેરાં કુટુંબીઓની આંગળી પકડીને વાનકુંવરની આસપાસનાં જોવાલાયક સ્થળોની યાત્રા કરવાનો લ્હાવ મળ્યો. આમ તો એકાંતરે બે દિવસે જેટલી જગ્યાઓ જોઈ તેની યાદી અને વર્ણ કરું તો ખાસ્સું મોટું પ્રવાસ વર્ણન થાય, તેથી નોંધપાત્ર સ્થળોનો માત્ર ઉલ્લેખ કરીશ. એક દિવસ Buntzen lake ગયાં, જ્યાં હાઈડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ પણ છે, જો કે અમે તો તેની પ્રાકૃતિક શોભા જ નિહાળી. Alluoette lake ઊંચા-નીચા પર્વતો અને લીલાં છમ્મ શંકુ આકારનાં વૃક્ષો વચ્ચે ઢબુરાઇને સૂતું છે, તેને ય સલામ કરી. તે ઉપરાંત, બેલકારા અને લાફાર્જ તળાવો જોયાં અને થયું કે રોજ રોજ જુદાં જુદાં સ્થળે ઉજાણી કરવાં જઈએ તો પણ ખૂટે નહીં તેટલાં ફરવાનાં સ્થળો છે, અહીં તો. એક દિવસ અમે ઉત્તર વાનકુંવરમાં આવેલ Lynn canyonમાં ગાળ્યો, જ્યાં લિન નદી પર ઝૂલતો પૂલ અને તોતિંગ વૃક્ષરાજી પ્રવાસીઓને ખુશ કરી દેતી નિહાળી. કેટલાંક ઝાડ તો બસો – પાંચ સો વર્ષથી ત્યાંના ત્યાં જ ઊભાં છે. ઝરણાં અને વનરાજી સંતાકૂકડી રમે અને સહેલાણીઓ નાનાં બાળકોની માફક નિર્ભેળ આનંદ માણે, તે જોઈને ધન્ય થયાં. બીજો એક નેશનલ ફોરેસ્ટ રિઝર્વ પાર્ક – સ્ટેનલી પાર્ક, જે 8 કિલોમીટરના ઘેરાવામાં પથરાયેલો છે તે જોયો. તેનો એક છેડો છેક પ્રશાંત મહાસાગરને અડે છે.

એક દિવસ યુનિવર્સિટી ઓફ કોલંબિયાના ભૂતપૂર્વ પ્રોફેસર મિ. જ્હોન વુડ – કે જે અમારા પરિવારના છેલ્લાં પચાસ વર્ષથી પરમ મિત્ર રહ્યા છે, તેમની સાથે વાર્તાલાપ કરવામાં ગાળ્યો. તેમણે પોતાની કર્મભૂમિનાં દર્શન કરાવ્યાં અને જ્યાં એશિયન પોલિટિકલ સાયન્સના અભ્યાસના પાયા નંખાયા, તે અને બીજી અનેક વિદ્યાશાખાઓનો વિગતવાર પરિચય આપ્યો. ત્યાંથી વળતાં કેનેડાનો એક ધનિક વિસ્તાર પોઇન્ટ ગ્રે તરીકે પ્રખ્યાત છે, તે અને જેરીકો બીચ પણ જોયાં. તેમણે આપેલ માહિતી મુજબ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ચીન અને અન્ય દેશોના ધનિકોએ આ વિસ્તારમાં મિલકતો ખરીદી છે, જેથી તેમના જેવા લોકોના સંતાનોને પોતાનું ઘર ખરીદવું પોસાય તેવું નથી રહ્યું. મને કેનેડાની પરિસ્થિતિમાં અને બ્રિટનની સાંપ્રત હાલતમાં આ બાબત થોડું સામ્ય લાગ્યું.      

Whistlerમાં 2010ની સાલમાં શિયાળુ ઓલિમ્પિક્સ રમતો રમાઈ હતી. ત્યાં જતાં માર્ગમાં Shannon falls જોવા રોકાયાં. શાનન ધોધનું મૂળ Habrich અને Sky Pilot નામના પર્વતોમાં.335 મીટરની ઊંચાઇએથી ધરતીને મળવા આવતો પાણીનો ધોધ જોયો. ત્યાં સહેલાણીઓ માટે એ ધોધની શોભા નિરાંતે માણવા એક પાર્ક પણ છે. ત્યાંથી અમારી સફર આગળ ચાલી. Whistler ગામની તળેટીથી અમે એક ગોન્ડોલા રાઈડ લીધી, જે અમને Whistler પહાડની ચોટી પર લઇ ગઈ, જ્યાંથી જાણે બ્રિટિશ કોલંબિયાના છાપરે ચડીને 360 ડિગ્રીનું દ્રશ્ય જોતાં હોઈએ તેવું લાગતું હતું. એ મજબૂત દોરડાંઓ પર સરકતી કેબિનમાંથી સેંકડો ફૂટ નીચે જોતાં 50 કિલોમીટર જેટલી પહોળી પગદંડી અને હાઈકિન્ગનો માર્ગ એ આલ્પાઈન પર્વત પર દેખાયો. ત્યાંના વ્યૂઇંગ ડેક પર આસપાસના પર્વતો જે હજુ જૂનમાં પણ આછા બરફ છવાયેલા હતા, તે અને ખીણો, વૃક્ષો અને કેડીઓ મન ભરીને જોયાં.

વન એટલું તો ગીચ, પર્વતો એટલા તો ઊંચા અને એ પર્વતમાળાનો ઘેરાવો એટલો વિશાળ કે તે વિશેના આંકડાઓ વાંચીને તેનું માપ કાઢવાને બદલે બસ, કુદરતની એ લીલા અને માનવ સાથેનો તેનો નાતો જોવાનો લ્હાવ લીધો. 2010માં ઓલિમ્પિક રમતો યોજાઈ, તે પહેલાં સ્કી કરનારાઓ પહેલી  ટુક પર ગોન્ડોલામાં જાય, ત્યાંથી સ્કી કરીને તળેટીમાં આવે અને પછી બીજી ટુક પર એ જ રીતે બીજી ગોન્ડોલામાં ચડીને તેના પરથી સ્કી કરતા, જેમાં સમય અને શક્તિનો વ્યય ઠીક ઠીક પ્રમાણમાં થતો. આથી peak2peakની એક ઝૂલતી રોપ વે – ગોન્ડોલા રાઈડ શરૂ કરી, જેથી ઓલિમ્પિકમાં ભાગ લેનારાઓને સુવિધા રહે. Whistler પહાડ પરથી Blackcombe-2440 મીટર અથવા 8,000 ફૂટ ઊંચા પહાડ સુધી જતી ગોંડોલા લીધી. પહાડોની તળેટીથી 436 મીટર ઊંચે એ ગોંડોલા ઝૂલતી જાય અને 4.4 કિલોમીટરની સફર દરમ્યાન આશરે 8,171 એકરમાં પથરાયેલ પર્વતો, ખીણો અને મહાકાય વૃક્ષોનો ભૂ-પ્રદેશ આંખ આગળથી સરકતો જાય. વહેતાં ઝરણાં અને ગાઢ જંગલની શોભા જોઈ. કુદરતની મહાનતાથી મહાત થઇ, આંખોને પોતાનું કામ કરવા દીધું, વાણીને આરામ આપ્યો. ત્યાંથી હજુ એક ટુક પર જવાનું હતું જે વધુ રોમાંચક સાબિત થયું. અત્યાર સુધી કાચની બંધ બારણાં વાળી ગોન્ડોલામાં સફર કરી, જ્યારે આ હતી ખુલ્લી ગોન્ડોલા, જે પવનમાં હિલ્લોળા લેતી ખૂબ ઝડપે સીધાં ચઢાણ ચડીને સાતમા આસમાને લઇ ગઈ.

આમ તો એબ્રાહમિક ફેઈથ – એટલે  જ્યુડાઇઝમ, ક્રીશ્ચિયાનિટી અને ઇસ્લામમાં સેવન હેવનની કલ્પના કરાઈ છે, એવી જ વાતો હિન્દુ અને જૈન   ધર્મમાં પણ છે. ઇસ્લામના શાસ્ત્રોમાં તેની વ્યાખ્યા કઇંક આવી છે: Jannatul Naeem જેનો અર્થ થાય છે, garden of bliss. શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો, જ્યાં સચ્ચિદાનંદનો અનુભવ થાય તેવું સ્થળ. હિન્દુ ધર્મમાં પણ એવી વાર્તા છે કે ભગવાન વિષ્ણુ એક મૃતાત્માને સાતમા આસમાને લઇ ગયા, જ્યાં એક અસ્તિત્વનું ચક્ર હતું કે જેના પર સમગ્ર સૃષ્ટિ ફરતી હતી, અને તેની પાર કઇં જ નહોતું; એ અંતિમ આસમાન હતું જાણે કે બ્રહ્મ શિખર. વિસલર પર્વત પરના Seventh Heavenની ચોટી પર ઉતર્યાં, ત્યારે કૈંક અંશે એવો જ અનુભવ  થયો. ચારે તરફ આંખ પહોંચે ત્યાં સુધી બસ વાદળ સાથે વાત કરતાં બરફાચ્છાદિત પર્વતો, ગાઢા હરિયાળા જંગલો સિવાય કશું ન દેખાય. ત્યાં વિશુદ્ધ હવાને શ્વાસમાં ભરીને પરમ શાંતિનો અનુભવ કર્યો. માણસને સ્વર્ગની કલ્પના કોઈ આવા સ્થાને ગયાં પછી જ આવી હશે.

ઓલિમ્પિક રમતોનો લોગો પથ્થરનો બનેલ Ilannaq the Inukshuk અહીં અડગ ઊભો બધાંને પ્રભાવિત કરે છે.

વિસલરનો કેફ હજુ ઊતર્યો નહોતો, તેવામાં વાનકુંવરથી કાર ફેરીની પોણા કલાકની સફર કરી વિક્ટોરિયા ટાપુ પર આવેલ Butchart gardensની મુલાકાત લીધી. ચૂનાના પથ્થરોની 55 એકરમાં પથરાયેલી ખાણ ધણીધોરી વિનાની નકામી પડી હતી. તેને જેનિન બુશાર્ટ નામની મહિલાએ 1904માં એક અદ્દભુત વનસ્પતિ સૃષ્ટિમાં પરિવર્તિત કરવાનું આરંભ્યું. તેમણે વિશ્વનો પ્રવાસ ખેડીને દુર્લભ એવા છોડ અને ફળ-ફૂલનાં રોપા એકઠા કર્યાં. તળેટીમાં વિશ્રામ લેતું Sunken ગાર્ડન, જાપાનીઝ, રોઝ, ઇટાલિયન અને ભૂમધ્ય પ્રદેશના ગાર્ડન્સ જોતાં, લગભગ ત્રણેક કલાક થયા. કુદરતે વનસ્પતિમાં ઠાંસી ઠાંસીને વૈવિધ્ય ભર્યું છે, તો વળી માનવે તેના પર અવનવા પ્રયોગો કરીને તેને વધુ લોભામણું બનાવ્યું. કોઈ રાજા મહારાજા કે દેવ-દેવીઓના નસીબમાં હોય તેવાં નજાકત ભર્યાં પુષ્પો અને વેલીઓના મંડપ નીચેથી પસાર થઈને ‘અધધધ!’ ઉદ્ગાર સરી પડે. ગણ્યાં ગણાય નહીં તેવાં અસંખ્ય પ્રકારનાં ગુલાબના બાગમાં પ્રવેશ કરવાની તક આપણાં જેવાં સહુ પ્રવાસીઓને મળે એ કેવું  સદ્ભાગ્ય!

Canada place જોયા વિના જાણે વાનકુંવરની સફર અધૂરી ગણાય. કેનેડા પ્લેસ વોટર ફ્રન્ટ પર આવેલ એક જબરદસ્ત બારું છે, જ્યાંથી અલાસ્કા જતી ક્રુઝ રવાના થાય છે. તેના ગુંબજ અને કન્વેનશન સેન્ટરનો વિભાગ અત્યંત કલાત્મક છે, જે દૂર દૂરથી જોતાં ય મનભાવન લાગે. અહીં મોટી હોટેલ અને વર્લ્ડ ટ્રેઇડ સેન્ટર છે. અહીંથી સી-પ્લેઇન ચડે-ઊતરે તે જોવાનો આનંદ લીધો. બાજુના નાના ટાપુઓ પર પાણીમાંના રનવે પરથી નાનકડું પ્લેઇન ઊડે અને બીજું એ જ રીતે હવામાંથી ઊડતું આવીને પાણીની સપાટી પર અટકે.

કેનેડા પ્લેસમાં જ એક બીજું આકર્ષણ છે. Flyover Canada. એ શૉ ખૂબ રસપ્રદ નીવડ્યો. પ્રવાસીઓ પોતાની ખુરશીમાં આરામ ફરમાવે અને નજર સામે સારાયે કેનેડાની સંપદા સમાન ગગનચુંબી પર્વતોની ટોચ, ગગનવિહારી પંખીઓની ઉડાન, પાણીના ધોધ, જગ વિખ્યાત નોર્ધન લાઇટ્સ અને રાજાશાહી ઠાઠવાળા આઇસબર્ગ પસાર થાય. 20 મીટર પહોળા અને ચાર માળના  મકાન જેટલા ઊંચા પડદા પર આખું દ્રશ્ય દેખાય અને સાથે સાથે ઝાકળની શિકરો ઊડે, પવનની લહેરી આવે, સુગંધનો અનુભવ થાય એ રીતે ધ્વનિ-પ્રકાશનો પાંચ પરિમાણીય ઉપયોગ કરીને એક અદ્વિતીય શૉ લોકોને ભેટ ધર્યો છે. ટેક્નોલોજીનો ઉત્તમ વિનિયોગ કરીને જ્ઞાન સાથે ગમ્મતનો અનુભવ પાંચ વર્ષનાથી માંડીને પંચાણું વર્ષનાં સહુ માણી શકે એની ઝાંખી ફ્લાયઓવર કેનેડા શૉમાં કરી. અહીં એક અંગત વાત ઉમેરું, આ આકર્ષણ વિશેની વિગતો દુનિયાની અન્ય  ભાષાઓમાં અપાયેલ જેમાં હિન્દીમાં લખેલ સૂચનાપત્ર જોઈ દિલ ખુશ થયું, અને તેમાં ય તેમાં વપરાયેલ શુદ્ધ હિન્દી ભાષાના પ્રયોગથી તો છાતી ગજ ગજ ફૂલી.

e.mail : 71abuch@gmail.com

•••••

Loading

22 October 2018 admin
← પ્રિયતમ સખે ચંદુભાઈ મટાણી
નાસિર કાઝમી →

Search by

Opinion

  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved