શબ્દ, સૂર ને રંગ-રેખા સિવાય જીવનનાં દારુણ દુ:ખોમાંથી આપણને કોણ ઉગારી શકે એમ છે…

વ્યથિત છું. જિજ્ઞેશ બ્રહ્મભટ્ટનું અવસાન થયું છે. જન્મ ૫-૫-૧૯૭૨, અવસાન ૧૨-૧૦-૨૦૧૮. ઍમ.એ.માં મારો વિદ્યાર્થી હતો. વાર્તાકાર. ચિત્રકાર. સહજાનન્દ કૉલેજમાં ગુજરાતી સાહિત્યનો અધ્યાપક. એની પત્ની શ્રદ્ધાને, પંખી-પરી દીકરીઓને કે મમ્મી કાન્તાબહેનને એમના આ દોહ્યલા સમયમાં રૂ-બ-રૂ નહીં મળ્યાનો મને વસવસો છે. અમેરિકા જેટલે દૂરનો વિદેશવસવાટ કારમો થઇ પડ્યો છે.
૪૬-૪૭ની ઉમ્મર કંઇ મરવા માટેની ન ગણાય. એને અસાધ્ય રોગ લાગુ પડેલો – જેમાં, ક્રમે ક્રમે બધાં અંગ લકવાગ્રસ્ત થઇ જતાં હોય છે. પાંચેક વર્ષ જિજ્ઞેશ અને સ્વજનો એની સામે ઝઝૂમ્યાં. જમણા હાથની હથેળીથી શરૂઆત થયેલી – જે હાથે એ સુન્દર ચિત્રો કરતો'તો, વાર્તાઓ લખતો'તો. ધીમેધીમે બોલવાનું અશક્યવત્ થઇ ગયેલું – જે મુખેથી એ વાર્તાપઠન કરતો'તો, વાર્તાઓનાં વાચિકમ્ અને વ્યાખ્યાનો કરતો'તો. છેલ્લે તો માત્ર સાંભળી શકતો'તો. એનાથી બોલાય નહીં પણ વાર્તાની બે સારી વાત સાંભળે એટલે મલકી પડે. અનોખી શૈલીના ચિત્રકાર તરીકે તેમ જ આસ્વાદ્ય પદ્ધતિના વાર્તાકાર તરીકે જિજ્ઞેશ સદા સ્મરણીય ગણાશે. એના અવસાનથી એક સાચા સર્જકનો વિલય થયો છે. એના પ્રથમ વાર્તાસંગ્રહ 'મહોરાં-ની વાર્તાકલા વિશે થોડીક વાતો કરીને હું જિજ્ઞેશને શ્રદ્ધાંજલિ અર્પું છું.
'મહોરાં'-માં એણે વાંદરાભાઇનું વિલક્ષણ પાત્ર સરજયું છે. એને કેન્દ્રમાં રાખીને પાંચ વાર્તાઓ લખી છે. આપણને લુચ્ચા શિયાળની કે ફુલણજી કાગડાની બોધકથાઓની ખબર છે. આ વાંદરાભાઇ પણ એવા જ છે. માણસની જેમ જ વર્તે છે. પણ કશો બોધ આપવા નથી આવ્યા. વાર્તા કહેનારા કથકની વાતો કરવા આવ્યા છે. કથકના અન્તરંગ મિત્ર છે. આમ તો, આ કથક તે આપણા દરેકનો 'હું' અને વાંદરાભાઈ તે આપણી અંદર બેઠેલો એક બીજો 'હું' જે આપણને હરદમ જોતો રહેતો હોય છે. પહેલા હું-નો સાક્ષી. ચુકાદા સુણાવ્યા કરતો જજ પણ ખરો. વાર્તાઓ આવું બધું ચિન્તનાત્મક નથી કહેતી. જિજ્ઞેશ આપણને વાર્તાકલાના સૌન્દર્યનો નિર્વ્યાજ આનન્દાનુભવ કરાવે છે.
જરા ડોકિયું કરીએ : મેં કહ્યું કે વાંદરાભાઈ માણસની જેમ જ વર્તે છે. પણ કેવી રીતે? સાંભળો : 'મહોરાં' નામની વાર્તામાં એઓશ્રી એક ચિત્રકાર છે. સ્થિતિસંજોગ પ્રમાણેના કથકને ચહેરા બનાવી આપે છે. બીમાર ચહેરો. ભોળો માસૂમ ચહેરો. કથક ડરતો હોય, કથકને હિમ્મત બતાવવાની કે ખોટો રૉફ છાંટવાની કે હસવાનો ડૉળ કરવાની જરૂરતો પડી હોય – એવા કોઇ પણ પ્રસંગે વાંદરાભાઈ સેવાતત્પર. કથક એ ચહેરાઓને પોતાનાં મહોરાં રૂપે વાપરી શકે. 'ભ્રાન્તિ'-માં વાંદરાભાઈ ખલનાયક છે. મીનાક્ષી અને ઉલ્લાસના પ્રેમ-પરિણયમાં દખલગીરી કરે છે. 'નગરચર્યા'-માં રૂપાળા મહારાજશ્રી છે ને 'રાજા રાજા' રમે છે. 'સુન્દરીલોકમાં !'-માં બ્યૂિટ-કૉન્ટેસ્ટના સૂત્રધાર છે. સુન્દરીઓના ઍન્ટ્રન્સ-ટેસ્ટ લે છે. જ્યૂરર પણ ખરા. એક શીર્ષક વિનાની વાર્તામાં એઓ રંગમંચ – કાર્યોના આસિસ્ટન્ટ છે, પરદા બાંધે છે. એમાં, બધી લીલા પોતે નથી કરતા, કથક પાસે કરાવે છે, નેપથ્યમાં સરકી ગયેલા મુત્સદ્દી લાગે છે. વગેરે.
જુઓ, દરેક મનુષ્યની અંદર એક વાંદરો વસે જ છે. અંદરની કોઇ ડાળે બેઠેલો જ છે. કરો ઈશારો, હૂપ્ કરતોક હાજર થશે. જિજ્ઞેશના વાંદરાભાઈ વાર્તા કહેવાની એક જુક્તિ રૂપે રજૂ થયા છે, કથાજુક્તિ – નૅરેટિવ ડિવાઈસ. હકીકતે, એ આપણા મન-મર્કટના સગાસ્નેહી છે અને આપણી નાનીમોટી બનાવટો માટેનું મહોરું પણ છે. સાહિત્યની કલા આમે ય એક મહોરું જ છે. મહોરું પ્હૅરી લઇએ ને જેમ આનન્દ આવે એમ કલાનો અનુભવ મેળવીએ એટલે પણ આનન્દ આવે. પણ મહોરું હટાવી લઇએ એટલે જી-વ-નની અસલિયતનો પણ એટલો જ તીવ્ર અહેસાસ થાય.
આ વાર્તાસંગ્રહમાં મનુષ્યના વિવિધ ચહેરાઓનાં જિજ્ઞેશે પોતે દોરેલાં ચિત્રોની પ્રિન્ટ્સ મૂકી છે. પાંચ વાર્તાઓની શ્રેણી અને આ ચિત્રશ્રેણી એકબીજાંની પૂરક છે. ચિત્રો કશી રૂપાળી વ્યક્તિઓના સ્કૅચીસ નથી. જીવનસંઘર્ષમાં તરડાઈ-મરડાઈને વિકૃત થઇ ગયેલા મનુષ્ય-ચહેરાઓ છે, જે એમનાં મહોરાં બની ગયાં છે. જોવાથી જ ખ્યાલ આવે. વાચકો કથક અને વાંદરાભાઈનો મેળ પાડવાની મજા લઇ શકે છે એ રીતે ચિત્રો જોનારાઓ આ બન્ને શ્રેણી વિશે મજાની મથામણ કરી શકે છે. મને યાદ છે, એ ચિત્રો જિજ્ઞેશે પૅકિન્ગમાં વપરાતાં રફ ટૅક્ષચરવાળાં પૂંઠાં પર દોરેલાં. મેં પૂછેલું : આ જળવાશે શી રીતે? પૂંઠાં તો બટકાઈ જાય : તો કહે : ભલે ને, સર; આમે ય ચિત્રોને આપણે ત્યાં કોણ સાચવે છે ! : એ ચિત્રોનું એણે ઍક્ઝિબિશન પણ કરેલું .. એક જ શૈલી એક જ પ્રકાર અને એક જ ઉપાદાનથી ઊભી થયેલી એ ચિત્રશ્રેણી જિજ્ઞેશની કારકિર્દી સંદર્ભે ઘણી નોંધપાત્ર હતી. મને કલ્પના આવે છે કે એને સ્વાસ્થ્યભર્યું જીવવા મળ્યું હોત તો સાર્થક પ્રયોગોના ચિત્રકાર રૂપે એ કેટલો બધો વિકસી આવ્યો હોત.
આશ્વાસન એ છે કે બન્ને દીકરીઓ, પંખી ૧૬-ની અને પરી ૧૪-ની, ચિત્રકાર છે, ગાયક છે. પંખીએ Exalted અને પરીએ The War of Darakof નવલકથાઓ અંગ્રેજીમાં લખી છે, પ્રકાશિત છે. વિદેશી ગીતો પણ ગાય છે. લાગે જ નહીં કે કોઇ ભારતીય-ગુજરાતી છોકરી ગાઇ રહી છે. YouTube પર પરીને Free me… ગાતી સાંભળો (Sia – cover by Pari, from Lyrebirds). જિજ્ઞેશની જીવનસંગિની શ્રદ્ધા નૃત્યાંગના પણ છે. એણે અહોરાત એની પારાવારની સેવા કરી છે. જિજ્ઞેશનું ન-જેવું બોલ્યું ય સમજી શકતી. એટલે મેં એને જિજ્ઞેશની આત્મકથા લખવા કહેલું. હવે એમ કહું છું કે શ્રદ્ધા એમના દામ્પત્યજીવનની સ્મૃિતકથા લખે. પત્ની અને પુત્રીઓ વડે જિજ્ઞેશનું કલાસ્વપ્ન સમ્પન્ન થશે. શબ્દ, સૂર ને રંગ-રેખા સિવાય જીવનનાં દારુણ દુ:ખોમાંથી આપણને કોણ ઉગારી શકે એમ છે…
જિજ્ઞેશની અન્ય વાર્તાઓનું કે 'કંઇ પણ બની શકે' સંગ્રહની બદલાયેલી વાર્તાસૃષ્ટિનું તેમ જ એના સમગ્ર વિશ્વનું મૂલ્યાંકન કરી શકાય એવી એમાં ક્ષમતા છે. જિજ્ઞેશે ટ્રૅકિન્ગ કે બર્ડવૉચિન્ગ નિમિત્તે ત્રણ સ્થળોએ ડાયરી લખી છે – ડેલહાઉસી, આબુ અને કુલુમનાલી. એમાં ચિત્રો છે, શબ્દો છે. જિજ્ઞેશનાં ચિત્રો ઘણું 'કહે' છે; શબ્દો ઘણું 'દેખાડે' છે. વાર્તાઓને એની ચિત્રકલાનો લાભ મળ્યો છે, સાથોસાથ, વાર્તાકલાને ભાષાભવનમાં એ ભણતો'તો એ દરમ્યાનના આધુનિક વિશ્વસાહિત્યનો પણ લાભ મળેલો છે. મને એણે એક વાર કહેલું : સર, કંટાળાજનક વર્ગવ્યાખ્યાન વખતે હું સ્કૅચીસ કરતો રહું છું : હું ધારું છું કે મારાં વ્યાખ્યાનોમાં એને એમ કરવાની જરૂર નહીં પડી હોય. એને એટલે સ્તો મારી પાસે સુરેશ જોષીની કલ્પનસૃષ્ટિ વિશે પીએચ.ડી. કરવાનો મનસૂબો જાગેલો. ઘણી બધી નોંધો કરી લાવેલો. પણ શી ખબર, દિશા બદલાઇ હશે કે શું તે દેખાય નહીં એટલે દૂર જતો રહેલો. જો કે વર્ષો પછી પાછો ફરેલો. "સુરેશ જોષી સાહિત્યવિચાર ફૉરમ"-માં જોડાઇને એણે એક સશક્ત વાર્તાસર્જક રૂપે ગજું કાઢેલું. હવે કદ્દીયે પાછા ફરાય નહીં એટલે દૂર ચાલી ગયો છે ત્યારે આપણે તો એની કલાસૃષ્ટિની સન્નિકટ રહી જ શકીએ છીએ…
===
૧૯/૧૦/૨૦૧૮ના રોજ ‘નવગુજરાત સમય' દૈનિકમાં પ્રકાશિત લેખ, પ્રેસના સૌજન્યથી, અહીં મૂક્યો છે.
https://www.facebook.com/suman.shah.94/posts/2164950110202557
![]()

