Opinion Magazine
Number of visits: 9449348
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સંઘ દર્શન : બાંયેદાહિને, આગેપીછે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|8 October 2018

અંશતઃ જનપથ અને ઠીક ઠીક પ્રમાણમાં રાજપથને ધોરણે લુટિયનના ટીંબે (નવી દિલ્હીમાં) સુપ્રતિષ્ઠ વિજ્ઞાન ભવનમાં, સ્વામી વિવેકાનંદના સુકીર્તિત શિકાગો સંબોધનની એકસો પચીસમી જયંતીના માહોલમાં, સરસંઘચાલક મોહન ભાગવતના ત્રિદિવસીય વ્યાખ્યાન સત્રને કેવી રીતે જોશું, વારુ? સંઘ પરિવારનાં વડેરાં મુખપત્રો – અંગ્રેજીમાં ‘ઑર્ગેનાઇઝર’, હિંદીમાં ‘પાંચજન્ય’ – એને વર્તમાન રાજકીય સંદર્ભમાં શબ્દફેરે વિવેકાનંદની ધારામાં સમોવડ લેખે છે, અને સંઘના સિદ્ધાંતકોવિદ લેખે ચેનલ-સિક્કો ધરાવતા રાકેશ સિંહા (હવે રાજ્યસભામાં નિયુક્તિથી સમુત્ક્રાન્ત) કહે છે કે આ તો એક નવા વિમર્શનાં મંડાણ છે. ગમે તેમ પણ, પૂર્વરાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નાગપુર સંબોધન તેમ જ તે સમયના ભાગવતનાં પ્રાસ્તાવિક સાથે એક મૃગયાનો પ્રયાસ જરૂર હાથ ધરાયો છે. આ મૃગયા, સંઘપરિવારની સ્વીકૃતિના ઉત્તરોત્તર વિસ્તારની દૃષ્ટિએ છે. એક રીતે, લુટિયનનો ટીંબો ફતેહ કર્યા પછી સુદૃઢીકરણની તેમ આગામી ચૂંટણીમાં સંભવિત ઘટના અવેજની જરૂરત જોતાં આ વ્યાયામ વિપળવાર પણ વહેલો નથી : જોવાનું જો કે એ રહે છે કે ભાગવતવચનો તે કોઈ પી.આર. એક્સરસાઈઝ માત્ર છે કે એથી આગળ વધીને તે ખુલ્લાપણા સમેતનાં નવઉઘાડ (સોવિયેત સંદર્ભમાં વપરાતા પ્રયોગો સંભારીએ તો ‘થૉ’ અને ‘ગ્લોસનોસ્ત’) છે કે કેમ. હર ગ્લાસનોસ્તને પેરેસ્ત્રોઇકા કહેતાં નવરચનાની (નવ્ય સંરચનાની) અવિનાભાવ જેવી આવશ્યકતા હોય છે, એવું કાંઈ અહીં આયોજનમાં છે કે કેમ.

આરંભે જરી એ જોઈ લઈએ કે ભાગવતે એવું તો શું કમાલનું કીધું છે ? પહેલાં, તો એમણે સ્વાતંત્ર્યસંગ્રામની મુખ્ય ધારા સાથે સલામત બલકે ખાસા અંતરની (વણબોલ્યે, કેટલીક વાર તો ૩૬ના સંબંધની) છાપ ભૂંસવાની બળુકી ચેષ્ટા કરી છે; અને મુખ્ય ધારામાં (કૉંગ્રેસમાં) પ્રેરક નેતૃત્વની નક્ષત્રમાળા હોવાનું કહ્યું છે. સ્થાપક સરસંઘચાલક ડૉ. હેડ્ગેવારે કૉંગ્રેસની હાકલવશ એક વરસનો જેલવાસ પણ વહોરેલો એ વિગત આ માટે એમને ઠીક ખપમાં આવી છે. પછી એમણે હિંદુત્વ એક સર્વસમાવેશી (ઇન્ક્લુઝિવ) ખયાલ હોવાનું જણાવી એમાં મુસ્લિમદ્વેષ અસ્થાને છે એમ કહ્યું છે, અને વળતું કીધું છે કે જેમનો ધાર્મિક કે વૈચારિક ઉદ્ગમ દેશ બહારનો છે – ખ્રિસ્તી, મુસ્લિમ, સામ્યવાદી – એ સૌ આજ દેશનાં સંતાન છે. વળી ઉમેર્યું છે કે હિંદુત્વની તો વાત જ વિવિધતામાં એકતા(યુનિટી ઇન ડાઈવર્સિટી)ની છે જે આપણા બંધારણની પણ ભૂમિકા છે. બંધારણના આમુખમાં જે કહેવાયું છે એની સાથે કટોકટીમાં સુધારા વાટે ઉમેરાયેલ સમાજવાદ અને બિનસાંપ્રદાયિકતા સુદ્ધાં સાથે અમે સંમત છીએ. અમે હિંદુત્વ પર ભાર મૂકીએ છીએ એનો અર્થ એ નથી કે અમે બીજાઓનું ધર્માંતર કરવા ઇચ્છીએ છીએ. અમે તો માત્ર અમારો દૃષ્ટિકોણ મૂકીએ છીએ અને વિવિધતાઓના સ્વીકારપૂર્વક ચાલીએ છીએ. ભાગવતે અનામતના સ્વીકારની પણ વાત કરી છે.

દેખીતી રીતે જ, છેક ૧૯૨૫થી હેડગેવારના ‘યવનસર્પ’ જેવા ઉદ્ગારોથી માંડીને દ્વિતીય સરસંઘચાલક ગોળવલકરના ‘વી ઑર અવર નેશનહુડ ડિફાઈન્ડ’ (‘આમ્હીં કોણ’) એ સંઘી બાઇઅલ/ કુરાન/ ગીતા જેવું ત્રણ દસકાથી વધુ સતત સેવાતું રહેલું પુસ્તક કે પછી એમના નિધનોત્તર અધિકૃતપણે સંપાદિત ‘બન્ચ ઑફ થૉટ્સ’માં અને છેલ્લાં વર્ષોમાં ખુદ મોહન ભાગવતનાં સરસંઘચાલકીય વક્તવ્યોમાં જે બધું કહેવાતું રહ્યું છે એના કરતાં મૂળગતપણે જુદા જેવી લાગતી વાતો આ બધી છે.

‘વી’માં જો તેઓ હિંદુ જીવનશૈલી ન સ્વીકારે તો અહીં મુસ્લિમોને નાગરિક અધિકાર કેવા ને વાત કેવી, એવો અસંદિગ્ધ અભિગમ છે. આમ તો, નાગરિકના અધિકાર ન હોવા એ આધુનિક રાજ્યમાં તમને માણસમાં નહીં ગણવા જેવી (વગર હત્યાએ મોત જેવી) વાત છે. આ વલણ ક્યાં લગી જઈ શકે તે ગોળવલકરની આ જ કિતાબમાંથી તરત પકડાય છે, કેમ કે એમણે રાષ્ટ્રનિર્માણની દૃષ્ટિએ હિટલરની કાર્યભૂમિકાની સરાહના કરી છે. ભાગવતે, મારા ખ્યાલ પ્રમાણે ગોળવલકરની આ કિતાબનો ઉલ્લેખ નથી કર્યો અને ‘બન્ચ ઑફ થૉટ્સ’ની જ માત્ર જિકર કરી છે. એમણે કહ્યું છે કે એમાં પણ ઘણું કાલબાહ્ય છે એ જતું કરીને અમે ‘ગુરુજી : વિઝન ઍન્ડ મિશન’ તૈયાર કર્યું છે.

કોઈક અભ્યાસીએ ‘વી’, ‘બન્ચ’ વગેરેમાંથી શું પડતું મુકાયું અને ‘વિઝન’માં શું રખાયું એનો તુલનાત્મક સ્વાધ્યાય કરવો જોઈએ. ખુદ ભાગવતે ૨૦૧૪માં ‘ઘરવાપસી’ના સમર્થનમાં અને તે પછી ૨૦૧૫માં બિહાર વિધાનસભા ચૂંટણીના અરસામાં અનામત વિશે પુનર્વિચારની રીતે જે વાતો કરી હતી એના કરતાં પણ સપ્ટેમ્બર ૨૦૧૮ની વિજ્ઞાનભવન માંડણી આમ જુદી પડે છે. બને કે આગામી વિજયાદશમી વ્યાખ્યાનમાં ભાગવત હજુ પરિષ્કૃત માંડણીની તેમ જ હાલના ઊહાપોહની દૃષ્ટિએ સમજૂત અને સમાધનની તક ઝડપે. મુશ્કેલી એ છે કે ‘વી’થી ‘વિઝન’ લગીની કાટછાંટ, લેમૂક નાગપુરથી નીચેના સ્તરે શિબિરોમાં ને સંઘસ્થાનોમાં કોઈ વ્યાપક ને મૂળગામી ચર્ચાપ્રક્રિયાનો હિસ્સો હોવાનું આપણે જાણતા નથી. બને કે આ કિસ્સો બહુધા શીર્ષસ્તરે વ્યૂહાત્મક કે પ્રયુક્તિગત ‘વિન્ડો ડ્રેસિંગ’થી વિશેષ ન હોય. બલકે, એમ પણ બની શકે કે આ ફેરફાર કરનારા પૈકી કેટલાકની પ્રામાણિક સમજ પાકેલી હોય, પણ વચલા બધા દાયકાઓમાં સંગઠનમાં નીચેના સ્તર સુધી તે સમજ ઝમી શકે એવા જોગસંજોગનું કોઈ આયોજન જ ન હોય. પરિણામે કથિત ‘પેરેડાઈમ શિફ્ટ’ શીર્ષ લીપાપોતી ઉર્ફે ‘મેઈક શિફ્ટ’થી ઝાઝી ભોં વાસ્તવમાં ભાંગી પણ ન શકે. અહીં ‘આછરતે અટલ અહોધ્વનિએ’ એ આલોચનાત્મક અંજલિનોંધમાં આ પૂર્વે સૂચવવાનું પણ બન્યું છે કે તેર દિવસની સરકારને અંતે રાજીનામું આપતાં સંસદમાં (કેમ કે તે ટેલિવાઈઝ થઈ રહ્યું હતું એ અર્થમાં રાષ્ટ્રજોગ) વ્યકત કરેલા વિચારોમાં એવા પણ અંશો હોઈ શકે જેને સારું સંઘસ્થાનોમાં સત્તાવાર અવકાશ નયે હોય. જનતા પક્ષના ભંગાણના સંજોગોમાં વાજપેયીએ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના સાઇન્ડ આર્ટિકલમાં કેટલુંક જરૂર કહ્યું હતું, પણ સંઘની કાર્યશૈલીમાં ઓપન ફોરમને એવો અવકાશ નથી કે આ પ્રકારે વિશેષ ચર્ચા ચાલી શકે.

એક બીજો દાખલો આપું. ગુજરાતમાં એંશીના દાયકાના પૂર્વાર્ધમાં જે અનામતવિરોધી ઉત્પાત જોયો એને વિશે સંઘની ભૂમિકા શું હતી? દેશભરના પ્રતિનિધિઓ નાગપુરમાં મળ્યા અને અનામતના સમર્થનમાં ઠરાવ કરવાની વાત આવી ત્યારે ગુજરાતના સંઘ પ્રતિનિધિઓએ આવો ઠરાવ કરવાના મુદ્દે આનાકાની પ્રગટ કરી હતી. રમેશ પતંગેએ નોંધ્યું છે કે ગુજરાતના પ્રતિનિધિઓને એ વાતે થડકો હતો કે આપણા ટેકેદારો અને શુભેચ્છકોને આ નહીં ગમે. ગુજરાતમાં સંઘકાર્યના ચાર દાયકા પછી, ‘આપણે સૌ હિંદુઓ એક’ના અહોરાત્ર રટણને અંતે, આ દુર્દૈવ વાસ્તવ હતું. સંઘસ્થાનોમાંથી પક્ષપરિવારમાં રાજ્યસ્તરની ઊંચી પાયરીએ ચડી તાજેતરમાં છૂટા થયેલા મૂળચંદ રાણાની ફરિયાદ એમના પ્રત્યક્ષનિકટ કાર્યસંબંધને છેડે એ જ રહી કે યથાર્થમાં દલિત સ્વીકૃતિ અને સમતાની ભૂમિકા હિંદુત્વ રાજનીતિ કને નથી. શાખાઓમાં ને શિબિરોમાં સહવાસ, સહભોજનમાં સહજસરળ દલિત સામેલગીરીથી ગાંધી-આંબેડકર રાજી (અને પ્રભાવિત) થયાનું સંઘપત્રિકાઓની સામગ્રીમાં પ્રસંગોપાત જોવા મળે છે. પણ તપાસનો મુદ્દો એ છે કે આ સહજસરળ સામેલગીરી પછી અને છતાં સ્થાપનાના સાડા છ દાયકે એવું શું અનુભવાયું કે મહારાષ્ટ્રમાં ઇ. દાતે વગેરેને અડવાણીની રથયાત્રા પેઠે, લગભગ એક જ અરસામાં, ફૂલે-આંબેડકર યાત્રા જરૂરી લાગી ? પતંગેએ નિખાલસ સવાલ પણ એક તબક્કે કરેલો છે કે એવું કેમ છે કે આપણી બધી ચર્ચાઓનો છેડો અંતે ‘મુસ્લિમ’ લગી જ પહોંચે છે. (પતંગેએ, જો કે, પછીનાં વર્ષોમાં લખેલા લેખોના છેડા પણ વખતોવખત એવા જ દિશાબોધમાં વિરમતા જણાતા રહ્યા છે.)

વસ્તુતઃ મારી સાંભરણમાં આ કંઈ નહીં તો પણ ત્રીજો મોટો પ્રસંગ છે જ્યારે સંઘ પરિવારે પોતાની છાપ છે તેના કરતાં (અથવા તો બીજાઓ અને બહારનાઓને જે લાગે છે એના કરતાં) વિધાયકપણે જુદી હોવાની અગર ઉપસાવવાની કોશિશ કરી છે. પહેલો, આજથી પાંચેક દાયકા પર (૧૯૬૭ના સંયુક્ત વિધાયક દળના દોરની થોડા પહેલાં) દીનદયાલ ઉપાધ્યાયે એકાત્મ માનવવાદની જે માંડણી કરી એ પ્રયાસ હતો. ભા.જ.પ.ના જનતાપૂર્વ અવતાર જનસંઘ પાસે કોઈ વૈચારિક દર્શન નથી એવું નથી તે ઉપસાવવાની એમની અભ્યાસમંડિત કોશિશ હતી. ધર્મરાજ્ય એટલે ‘રુલ ઑફ લૉ’ એવા યુગાનુકૂલ (અને બિનસાંપ્રદાયિક હોઈ શકતાં) અર્થઘટન તેઓ આ દોરમાં કરતા. તે સાથે એકાત્મ માનવવાદ રૂપ રિપેકેજિંગ વાટે હિંદુરાષ્ટ્રવાદને જાળવી લેવાનો ખયાલ અલબત્ત હતો જ હતો. તે પછીના દાયકામાં જેપી આંદોલન સાથે જોડાવાને કારણે એવો એક બીજો મોટો પ્રયાસ શક્ય બન્યો હતો જેનો દોર આગળ ચાલતાં જનતા પક્ષ સાથે જનસંઘના ભળવામાં જોવા મળ્યો હતો. જ્યારે જનતા પક્ષથી છૂટા પડવાનું થયું, ૧૯૮૦માં, ત્યારે પાછા જનસંઘ નહીં બનતાં ભારતીય જનતા પક્ષના નવા નામ સાથે તેમ જનતાસંધાનની ભેટઓળખરૂપ ગાંધીવાદી સમાજવાદ અને સકારાત્મક બિનસાંપ્રદાયિકતા જેવા સિદ્ધાંતોને ધોરણે આ પક્ષે આગળ વધવાનું વલણ લીધું હતું. બેશક, પોતીકી તરેહનો રાષ્ટ્રવાદ છાયાફેરે બરકરાર હશે.

પરંતુ, ઇંદિરા ગાંધીની હત્યા સાથે હિંદુ બૅકલૅશ અને સહાનુભૂતિ મોજાએ રાજીવ ગાંધીને સૂંડલામોઢે બેઠકો અપાવી તે પછાડ પછી વાજપેયીને બદલે અડવાણી સંઘશ્રેષ્ઠીઓમાં અદકેરા ચહેતા થઈ ગયા હતા. અયોધ્યા રાજનીતિની અડવાણી પહેલે આગલા બંને પ્રયાસોની સર્જનાત્મક સંભાવનાઓને અને એમાં રહેલ પી.આર. ગુંજાશને તહસનહસ કરી નાખી હતી. ૨૦૦૨ એ આ તબક્કાનું વરવામાં વરવું રૂપ હતું, અને એ અંગે સંઘશ્રેષ્ઠીઓમાં વાજપેયી જેવાઓના ક્ષીણદુર્બળ વિરોધસૂર બાદ કરતાં કોઈ અંતરખોજ અને પુનર્વિચાર નજીકના ઇતિહાસમાં દર્જ નથી.

સર્વસમાવેશી અનુભવાય એવા હિંદુત્વ રિપેકેજિંગની કોશિશમાં ભાગવતે પોતાની ચર્ચામાં રવીન્દ્રનાથ જેવાઓનીયે વૈચારિક દૃષ્ટાંતસહાય લીધી છે. એમણે રવીન્દ્રનાથના ‘સ્વદેશી સમાજ’ એ પ્રબંધનું સ્મરણ કીધું છે અને એમાં પરંપરાનો આદર કેવો પ્રબોધ્યો છે એવું કૌતુક પ્રગટ કર્યું છે. જે વાત ભાગવત ચૂકી જાય છે તે એ છે કે ‘સ્વદેશી સમાજ’માં રાષ્ટ્રરાજ્યની એ યુરોપીય અવધારણા નથી જેના આદ્ય સરસંઘચાલક સહિતના સૌ સંઘશ્રેષ્ઠીઓ હેવાયા છે. આ મંડળી સંસ્થાનવાદની ટીકાકાર છે – અને હોવું જ જોઈએ- પણ એને એ સમજાતું નથી કે રવીન્દ્રનાથે અને બીજાઓએ ભારતની જે વિશેષતા ઉપસાવી છે તે રાષ્ટ્રવાદની સાંસ્થાનિક કાળમાં ખીલેલી સમજ કરતાં એક દેશજ અભિગમથી ચાલે છે. યુરોપીય રાષ્ટ્રવાદનાં ભયસ્થાનો રવીન્દ્રનાથે વિગતે ચર્ચેલાં છે. એ ભયાવહ સંભાવનાઓ હિટલરના જર્મનીમાં અને મુસોલિનીના ઇટલીમાં પ્રકાશિત થઈ હતી – અને રાજ્ય સંડોવણી સહિતનો એનો કિંચિત્સાક્ષાત્કાર ૨૦૦૨ના ગુજરાતને થયેલો છે.

ગાંધીનેહરુપટેલ એકંદરમતીમાં જેપીલોહિયા જેવા સંવાદીવિસંવાદી સૂરો વચ્ચે આ લખનારનું ભાવજગત ઘડાયું છે. કિશોરાવસ્થા અને તારુણ્યના પૌગંડ (એડોલેસન્ટ) વચગાળામાં વર્ગશિક્ષક હરિશ્ચંદ્ર પટેલ(પછીથી ગુજરાત વિધાનસભાના સ્પીકર)ના સંપર્કે થોડોએક સંઘસંનિકટ ગાળો પણ રહ્યો છે. પણ પાછળ જોઉં છું તો વિધિવત સ્નાતક થતે થતે હું કોઈ નૉનફિક્શન ત્રયીમાં ઠર્યો હોઉં તો તે ‘સ્વદેશી સમાજ’ (રવીન્દ્રનાથ), ‘હિંદસ્વરાજ’ (ગાંધી) અને ‘હિંદુ વ્યૂ ઑફ લાઇફ’ (રાધાકૃષ્ણન) એ હતી. ‘સ્વદેશી સમાજે’ દાયકાઓ પહેલાં મને હિંદુરાષ્ટ્રવાદ જેવી મતિમૂઢ અવધારણા અંગે આલોચનાવિવેક કેળવવામાં સહાય કરી છે. ભેગાભેગી, ‘હિંદુ વ્યૂ ઑફ લાઇફ’ વિશે પણ વાત કરી લઉં? એક વાર મને એ વાંચતો જોઈ, પછીથી રાષ્ટ્રીય સ્તરે સંઘરચનામાં અગ્રપદે પહોંચેલા તત્કાલીન ગુજરાત પ્રાંત પ્રચારક વકીલસાહેબે (લક્ષ્મણરાવ ઇનામદારે) કહ્યું કે રાધાકૃષ્ણનના આ પુસ્તકમાં બધું છે પણ હિંદુ રાષ્ટ્ર નથી. ‘સ્વદેશી સમાજ’ અને ‘હિંદુ વ્યૂ ઑફ લાઈફ’ની વ્યાપક દૃષ્ટિ સંકુચિત ને આક્રમક રાષ્ટ્રવાદ કરતાં ન્યારીનિરાળી છે તે સૂચવવા પૂરતો આટલો નિર્દેશ એટલા માટે કે ભાગવત રિપેકેજિંગમાં રવીન્દ્રનાથને ખેંચી લાવે એથી પ્રશ્ન ખડો થાય છે : કાં તો તમે રવીન્દ્રસંપર્કે ભૂમાથી મોટું કોઈ સુખ નથી એ ઉપનિષદવચનોથી વિપરીત એવા સંકુચિત રાષ્ટ્રવાદમાંથી બહાર આવી રહ્યા છો – જો એમ હોય તો તે સુચિહ્ન છે. કે પછી, જ્યારે જે પણ વરખવચનો મોંવગાં / હાથવગાં હોય એ પ્રયોજીને હેડ્ગેવાર પરંપરા આગળ વધારો છો. જો મોડે મોડે પણ ગાંધીરવીન્દ્ર આદિના સેવને પેલી મૂઠ ઊતરતી હોય તો આપણે રાજી. પણ, સિવાય કે, રિપેકેજિંગ નહીં એવું આ રિથિંકિંગ સંઘસ્થાનોમાં દિલખુલાસ બહસ સાથે ઝમવાનું હોય, વિજ્ઞાન ભવન વ્યાખ્યાનો ઠાલાં બની રહેશે.

જ્યાં સુધી પરંપરાનો આદર છે, નેહરુનું હિંદનું દર્શન જુઓ. સંકુચિત રાષ્ટ્રવાદ ઉર્ફે કોમવાદથી ઉફરાટે ખુલ્લા દિલે એ કેવું ચાલે છે! વિજ્ઞાન ભવનમાં રવીન્દ્રનાથની સાખે પરંપરા સમાદરની જિકર થતી હશે એ જ અરસામાં એન્જિનિયરિંગની સત્તાવાર કિતાબ રાષ્ટ્રીય સ્તરે વૈજ્ઞાનિક થપ્પા સાથે બહાર આવે છે કે રાઇટ બ્રધર્સે વિમાન શોધ્યું એ ‘મિથ’ છે અને હજારો વરસ પહેલાંનું પુષ્પક વિમાન એ ‘રિયાલીટી’ છે. સન્માન્ય વડાપ્રધાને ગણેશની સૂંઢઘટનામાં પ્લાસ્ટિક સર્જરીની પ્રાચીન ભારતીય સિદ્ધિ જોઈ હતી. આ બાબતમાં પ્રશ્નો ઉઠાવવા બદલ જે પણ ઉપાલંભ મળવાનો હોય, સંઘ શ્રેષ્ઠીઓ જો ખરે જ પુનર્વિચાર કરવા ઇચ્છતા હોય તો, તે વેઠીને પણ એક સાથી ભારતીય નાગરિક તરીકે આટલું કહેવું એ ધર્મ સમજું છું.

ઘણું બધું કહી શકાય હજુ. પણ છેલ્લે એક જ મુદ્દો ઉતાવળે નોંધીને અટકું કે ખુલ્લાણ કહેતાં ગ્લાસનોસ્તની પ્રક્રિયાની જોડાજોડ પેરેસ્ત્રોઇકા અનિવાર્ય છે. પોતાની સંગઠન-સંરચના વિશે સંઘ નવેસર વિચારી શકશે ? મધોકે જવું પડ્યું (એમનામાં હિંદુત્વની તો કોઈ ખોટ નહોતી) ત્યારે એમણે પક્ષમાં સંઘનીમ્યા સંગઠન મંત્રીઓની ફાસિસ્ટ પકડ વિશે પ્રગટપણે ફરિયાદ કરી હતી. પછી મૌલિચંદ્ર શર્માનું પણ એમ જ થયું. વાજપેયી શીર્ષ સત્તાસ્થાને પહોંચ્યા અને ગરજના માર્યા ચલાવી લેવાયા, પણ વચલાં વરસોમાં એમને પણ સાઈડલાઈનમાં મુકાવાનો સુખાનુભવ થયો જ હતો. અડવાણીએ આત્મકથામાં કહ્યું છે કે વાજપેયી અને મારી વચ્ચે મતભેદના પ્રસંગો અત્યંત ઓછા અને સહયોગના સતત સવિશેષ, એવો સંબંધ રહ્યો. પણ એ લિબરલ અને હું હાર્ડલાઇનર એવી છાપ ઉભરી. પછી જો કે મને મિત્રોએ કહ્યું અને હું સમજ્યો પણ ખરો કે બે અલગ છાપ પક્ષની તરફેણમાં છે. એકને કારણે પક્ષની સ્વીકૃતિ વધે છે તો બીજાને કારણે પરંપરાગત મતસમર્થનનુું દૃઢીકરણ થાય છે. આ જ અડવાણીને એમના ઝીણાયન પછી હોદ્દેથી ઢાંકી કઢાયા ત્યારે એમની વેદના કે ફરિયાદ મધોક કરતાં તત્ત્વતઃ જુદી નહોતી. શબ્દો જો કે સંયત હતા : RSS is calling shots એવો સંદેશ બહાર જાય તે પક્ષના હિતમાં નથી.

ગમે તેમ પણ, દિલખુલાસ બહસ અને નવી સંરચના બેઉ સાથેલગાં જવાં જોઈએ. એન.ડી.એ.-૧ ઠીક ચાલ્યું પણ ફિલગુડ ફટાકડે ગયું. તે પછી દસે વરસે મે ૨૦૧૪માં નમોનું દિલ્હી પ્રસ્થાન (એન.ડી.એ.-૨) હિંદુત્વ વત્તા વિકાસના નવા નેરેટિવ સાથે શક્ય બન્યું. હવે કૉૅંગ્રેસ વત્તા ગાયનું રાજકારણ સત્તાના છેલ્લા મહિનાઓમાં લડખડી રહ્યું છે ત્યારે વિચિત્રવીર્ય વાસ્તે કન્યાહરણ સારુ સંચરેલા ભીષ્મના જોસ્સાથી ભાગવત આ બધું કરી રહ્યા છે કે એમને ખરેખર જ પુનર્વિચાર અને નવચિંતનનો વીંછુડો ડંખ્યો છે ? થોભો અને રાહ જુઓ.

૨૮ સપ્ટેમ્બર, ૨૦૧૮

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉક્ટોબર 2018; પૃ. 03, 04 અને 15

Loading

8 October 2018 admin
← આહોનાં શહેર
માલિનીબહેન ગયાં →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved