Opinion Magazine
Number of visits: 9483415
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સળગતું જંગલ, માઓવાદ અને રાજ્ય

ઘનશ્યામ શાહ|Opinion - Opinion|22 September 2018

નંદિની સુંદરના અંગ્રેજી પુસ્તક ‘The Burning Forest : India’s War in Bastar’ પરથી તૈયાર કરેલ પરિચય-પુસ્તક ‘વિકાસની વિકરાળતા અને આદિવાસીની કરુણ દાસ્તાન’નું આમુખ

વંચિત-શોષિત આદિવાસીઓના હક્કોની માંગણી માટેનો સંઘર્ષ, નક્લસવાદી, માઓવાદીઓની આદિવાસીઓ તરફી હિંસક લડત અને પ્રજાસત્તાક રાજ્યની ભૂમિકા આ પુસ્તકના વિષયવસ્તુમાં કેન્દ્ર સ્થાને છે.

રાજ્યની જવાબદારી સંસાધનોની ન્યાયી વહેંચણી કરી સૌની સુખાકારી જોવાની છે. પણ જ્યારે જ્યારે વંચિતો એમના અધિકાર અને ન્યાયની માંગણી કરે છે, સંઘર્ષ કરે છે ત્યારે રાજ્ય તેમની લડતને ફક્ત કાયદો અને વ્યવસ્થાના સંદર્ભમાં જ જુએ છે. રાજ્ય એવું વલણ રાખે છે કે “અમે આપીશું, અમે તમારું ભલું ઇચ્છીએ છીએ, પણ તમે માંગનાર કોણ?” આદિવાસીઓની માંગણીઓને લોકશાહી રાજ્ય સામ-દામ-દંડ અને ભેદથી કચડી નાખે છે. આ પરિસ્થિતિથી ગુંગળામણ, નિઃસહાયતા અનુભવતાં સંવેદનશીલ, સમાજશાસ્ત્રી નંદિની સુંદર પોતાની અકળામણ આપણી સાથે શેર કરે છે.

૧૯૪૬ના ડિસેમ્બરમાં ભારતની બંધારણ સભામાં બંધારણના ઉદ્દેશ અંગેના ઠરાવ પર લગભગ એક અઠવાડિયું ચર્ચા ચાલી. આ ઠરાવમાં સૌને ન્યાય, સામાજિક-આર્થિક-રાજકીય સમાનતાની સાથે “લઘુમતીઓને, પછાત આદિવાસી વિસ્તારોને અને પછાત-કચડાયેલા વર્ગોને પૂરતું રક્ષણ આપવાની ગેરન્ટી આપવામાં આવી.” આ વખતે બધા જ જુદી જુદી વિચારસરણીના આગેવાનો – નેહરુ, આંબેડકર, સરદાર પટેલ, મસાણી, શ્યામપ્રસાદ મુખરજી વગેરે પછી છેલ્લે આદિવાસી આગેવાન જયપાલ સિંઘ બોલવા ઊભા થયા. એમણે પોતાના વાત શરૂ કરી કે ‘એક જંગલી, એક આદિવાસી તરીકે આ ઠરાવના કાયદાની પરિભાષા મને ન સમજાઈ શકે તેવું માની શકાય. પણ મારી સામાન્ય બુદ્ધિ મને કહે છે કે હવે આપણે બધા ભેગા થઈને આ સ્વતંત્ર ભારતની રચનાના સંઘર્ષમાં કામ કરીશું. ભારતના સમગ્ર ઇતિહાસમાં પ્રાચીનકાળથી કોઈપણ સમુદાય સાથે ખરાબમાં ખરાબ વર્તન રાખવામાં આવ્યું હોય તો તે અમારા સમાજ પ્રત્યે … અમારા સમુદાયનો ઇતિહાસ બિન-આદિવાસીઓ દ્વારા સતત શોષણ, અમારાં સંસાધનો છીનવી લેવાનો અને તેની સામે અમે અવારનવાર કરેલા બળવાઓનો છે. આમ છતાં ય આજે હું જવાહરલાલ નેહરુ અને આપ સૌની વાતનો સ્વીકાર કરું છું કે આપણે નવા પ્રકરણની શરૂઆત કરીએ કે જેમાં સૌને સમાન તરોક મળે અને કોઈને પણ અવગણવામાં ન આવે …'

આજે આપણી સૌએ આપણી જાતને અને રાજ્યને સવાલ પૂછવાનો છે કે આઝાદીના સાત દાયકાઓ પછી બંધારણે આપણા બિન-આદિવાસી આગેવાનોએ આપેલ ગેરન્ટીનું / વચનનું શું થયું? શું આપણે નાગરિક તરીકે, અને રાજ્યએ આદિવાસીઓ અંગે અભિગમ બદલ્યો છે? આ પુસ્તકે આ અવસ્થા કરતો સવાલ આપણા સૌ સમક્ષ ઊભો કર્યો છે. આ માટે નંદિની સુંદરના ‘ધ બર્નિંગ ફોરેસ્ટ’ પુસ્તકનું ગુજરાતીમાં, સરળ ભાષામાં પ્રકાશન કરવા માટે ભૂમિપુત્ર – યજ્ઞ પ્રકાશન અને રજનીભાઈ દવેને અભિનંદન.

દેશની કુલ વસ્તીના આઠ ટકા આદિવાસીની વસ્તી છે. તેમાંના નેવુ ટકા ગામડામાં જંગલ કે ટેકરીઓ-પહાડો પર વસે છે. જંગલ-પહાડો-પશુ-પ્રાણીઓ તેમની આજિવિકાનું સાધન છે. પરદેશી બ્રિટિશ સલ્તનને પોતાની જરૂરિયાતો ઉદ્યોગો, યુદ્ધ અને એશઆરામની જિંદગી માટે જંગલો પર કબ્જો મેળવ્યો. ૧૮૬૫થી જંગલની પેદાશ પર કાબૂ મેળવવા, અને સ્થાનિક લોકોને એમાંથી બાકાત રાખવાના કાયદા બનાવવાની, આદિવાસીઓને એમના પરંપરાગત કુદરતી હક્કોમાંથી વંચિત કરવાની પ્રક્રિયા શરૂ કરી. ૧૯૪૭ પછી આ પ્રક્રિયા ચાલુ જ રહી એટલું જ નહીં પણ એણે વેગ પકડ્યો. વિકાસના નામે, પ્રગતિના નામે. આપણા ઉદ્યોગો, શહેરો, સિંચાઈ અને પાવર માટેના વિશાળ બંધો, ન્યુિક્લયર પાવર પ્લાન્ટ વગેરે માટે જે લોકો વિસ્થાપિત થયા તેમાંના ત્રીજા ભાગના આદિવાસીઓ છે. તેમની જમીન પર બંધ બંધાયા પણ તેમને પીવા કે ખેતી માટે પાણી ન મળ્યું. એમની જમીનો પર ઉદ્યોગ થયા, થઈ રહ્યા છે અને તેમને બહાર ધકેલી મૂકવામાં આવે છે. તેઓ વેરવિખેર થઈ જાય છે અને રોજગારી માટે દૂર દૂર ભટકે છે. ૧૯૮૨માં એ.કે. રોય નોંધે છે : “ઝારખંડના અજવાળામાં અંધારુ છે … બોકારો, રૂરકેલા, જમશેદપુર, દામોદરવેલી પ્રોજેક્ટ અને ઓરિસ્સાના હિરાકુંડ બંધના પાવર પ્રોજેક્ટ્‌સ – અહીં વિકાસની કંઈ જ ખોટ નથી, પણ આ બધું સ્થાનિક રહેવાસીઓને ભોગે. ઉદ્યોગ તેમને બહાર ધકેલે છે. બંધ તેમને ડુબાડે છે અને નષ્ટ થતાં જંગલો તેમને ભૂખ્યા રાખે છે …”

છેલ્લા સાત દાયકામાં દેશમાં જે કંઈ ભૌતિક પ્રગતિ-વિકાસ થયો છે તેમાં સૌથી વધારેમાં વધારે આજિવિકાના સાધનો જેમણે ગુમાવ્યાં હોય તો તે આદિવાસીઓ છે. આ કહેવાતા વિકાસનો સૌથી ઓછો લાભ-શિક્ષણ, આરોગ્ય, કામ ધંધા-નોકરી-કોઈને મળ્યો હોય તો તે આદિવાસીને. એક બાજુએ આદિવાસીઓ પોતાનાં નૈસર્ગિક અને ભૌતિક સાધનો ગુમાવે છે. અને સાથેસાથે એમના પ્રદેશમાં ઊભા થતા મોટા ઉદ્યોગો, બંધો, થર્મલ પાવર અને બિનઆદિવાસી અધિકારીઓ અને ધંધાદારીઓથી ઊભરાતાં શહેરો આદિવાસીઓને તુચ્છકારી એમની પરંપરાગત સંસ્કૃિત પર આક્રમણ કરી એમનો બધી જ રીતે ગેરલાભ ઉઠાવે છે. આ અજંપામાંથી ઉદ્‌ભવે છે ગુસ્સો, વિપ્લવ અને આક્રમકતા, જે નક્સલબારી વિચારસરણી અને કાર્ય પદ્ધતિને પોષે છે. નક્સલબારી વિચારસરણીનો પક્ષ માઓવાદી તરીકે ઓળખાય છે. તેઓ માને છે કે આજનું રાજ્ય સામાન્ય લોકોના કલ્યાણ અને વિકાસ માટે નથી. તે છે પૂંજીપતિ કોર્પોરેટ હાઉસીસનાં હિતો માટેનું આ રાજ્ય જુદી જુદી રીતે સીધી કે આડકતરી રીતે હિંસાનો ઉપયોગ લોકો પર કરે છે. આ પ્રકારના રાજ્ય સામે – રાજ્યની માળખાગત (સતત અન્યાય, સાધનોની છીનવણી અને બીક) અને ખુલ્લેઆમ રોજબરોજ પોલીસ, જંગલખાતા અને બીજા અધિકારી દ્વારા આચરાતી હિંસા સામે શાસ્ત્રોનો ઉપયોગ કરે છે. તેઓ હિંસક ક્રાંતિ દ્વારા લોકોના રાજ્યની રચના માટે હિમાયત કરે છે, લડે છે.

માઓવાદી અને રાજ્યની હિંસા વચ્ચે ભીંસાતા આદિવાસીઓની વિવશતાને લેખક અહીં રજૂ કરે છે. છત્તીસગઢનાં – બસ્તરનાં આદિવાસી ગામોમાં લેખકે વારંવાર જે સાંભળ્યું, જોયું, અને અનુભવ્યું તે પરથી લેખકને માઓવાદીઓનાં બલિદાન માટે માન ઊપજે છે. પણ તે સાથે તેઓ તેમના હિંસાના માર્ગને વખોડે છે. તેઓ ભારપૂર્વક કહે છે કે અન્યાય સામેની હિંસક લડત પણ વિકૃત, ઘાતકી અને ભ્રષ્ટાચારનું સ્વરૂપ લઈ શકે છે. સૈદ્ધાંતિક રીતે માઓવાદીઓના શસ્ત્ર ક્રાંતિ દ્વારા સામાજિક પરિવર્તનના ખ્યાલ અને માર્ગને તેઓ નકારે છે. તે સાથે લોકશાહીમાં બંધારણ દ્વારા આપેલ વચનોને અવગણી, આદિવાસીઓના પ્રશ્નો અને માંગણીને પૂરી કરવાને બદલે રાજ્ય આદિવાસીઓ પર જુલમ આચરે છે. જેની મૂળભૂત જવાબદારી જનતાને ન્યાય આપવાની છે, તે રાજ્ય પોતે જ લોકશાહી વિરુદ્ધ આચરણ કરીને માનવ અધિકારનું બંધારણનું ખંડન કરે છે તેનો પણ લેખક વિરોધ કરે છે.

આઝાદી પછી જેમ જેમ આદિવાસીઓ પોતાની આજિવિકાનાં સંસાધનો વધુ ઝડપથી ગુમાવતા ગયા તેમ તેમ તેમનામાં અજંપો વધતો ગયો. તેમને વધુને વધુ લાગવા માંડ્યું કે આ રાજ્ય-વ્યવસ્થામાં તેમનો અવાજ નથી. એમનાં હિત અને સુખાકારીને સ્થાન નથી. ૧૯૮૦ના દાયકાથી છત્તીસગઢ, ઝારખંડના આદિવાસી માઓવાદી વિચારસરણી તરફ વળતા ગયા. ધીમેધીમે નક્સલવાદીઓની વગ અને વિસ્તાર વધ્યાં. એમના તાબાના વિસ્તારમાં માઓવાદી જનતા સરકારની રચના થવા લાગી. એમની સાથે વધુ ને વધુ આદિવાસીઓ જોડાયા કારણ કે એમને શાંતિ અને સ્વમાનભેર જીવવું છે. તેઓએ રચેલી એક કાવ્ય પંક્તિ એમની વાત કહે છેઃ હું ચાહું છું શાંતિ, નહીં કે યુદ્ધ; નથી જોવા મારે ભૂખ્યાં બાળકો, દુબળી સ્ત્રીઓ કે મૂક થઈ ગયેલા પુરુષો; તેથી તો મેં ચાલુ રાખ્યો છે સંઘર્ષ …

રાજ્ય આ સંઘર્ષને ઠારવા આદિવાસીઓના પ્રશ્નો ઉકેલવાને બદલે, અને વિકાસમાં ભાગીદાર બનાવવાને બદલે, એમની સામે બેફામ હિંસાનો ઉપયોગ કરે છે. આદિવાસીઓને અંદરોઅંદર વિભાજિત કરીને લડાવે છે. ૨૦૦૫માં રાજ્યે માઓવાદીની સામે સ્થાનિક આદિવાસીઓની અર્ધલશ્કરી ટુકડીઓ એને સલવાજુડુમ કહેવામાં આવે છે તેની રચના કરી. જે ગામોના આદિવાસીઓ આ સલવાજુડુમમાં જોડાવાની આનીકાની કરે તેમની પર રાજ્યે જુલમ શરૂ કર્યો, સળગાવી દીધા, સ્ત્રીઓ પર પોલીસ અને અર્ધસરકારી બળોએ બળાત્કાર કર્યા. આ જુલમથી ત્રાસી લગભગ એક લાખ આદિવાસીઓ આંધ્રપ્રદેશમાં જતા રહ્યા. સુપ્રિમ કોર્ટે સલવાજુડુમને ગેરકાયદેસર ઠેરવી અને વિખેરવાનો આદેશ આપ્યો. એટલે રાજ્યે ઓપરેશન ગ્રીન હન્ટ શરૂ કર્યું. કેટલાક આદિવાસીઓને લલચાવી ‘સ્પેિશયલ પોલીસ ઓફિસર’(SPO)ની ટુકડીઓ રચી. આ આખી પ્રક્રિયામાં જે આદિવાસીઓ રાજ્યને ટેકો આપતા ન હોય તે સૌને નકલસવાદીઓ ગણી મારવામાં આવ્યા, જેલમાં પૂર્યા. સામે પક્ષે જે આદિવાસીઓ પોતે નક્સલવાદીઓ નથી એવું કહેવડાવતા હોય તેમને નક્સલવાદીઓએ રાજ્યના એજન્ટ ગણ્યા અને એમને શિક્ષા કરવા માંડી, એમની પર હિંસક હુમલા કર્યા. પરિણામે સામાન્ય આદિવાસી લોકો રાજ્ય અને માઓવાદીઓની હિંસા વચ્ચે ભીંસાય છે. પ્રસ્તુત પુસ્તક આ ચિંતા આપણી સમક્ષ રજૂ કરે છે. અને લોકશાહીમાં રાજ્યની ભૂમિકા અંગે સવાલ પણ ઊભાં કરે છે.

આઝાદ ભારતમાં આદિવાસીઓને લઈ રહેલ અન્યાયને કોઈ પણ સંવેદનશીલ નાગરિક, ખાસ કરીને અહિંસક સમાજ ઇચ્છતો નાગરિક સ્વીકારી ન શકે. અન્યાયના, શોષણના પાયા પર રચાયેલ સમાજ અહિંસક ન હોઈ શકે. તે સાથે હિંસાના માર્ગે ન્યાયમૂલક સમાજ રચી ન શકાય. લેખક કહે છે કે માઓવાદીઓ શસ્ત્રની તાકાતમાં એક અંધવિશ્વાસભર્યું વલણ ધરાવે છે.

રાજ્ય થોડાક ઉદ્યોગપતિઓનાં હિતોને સાચવવા હિંસા કરે છે અને આદિવાસીઓને અન્યાય કરે છે. એટલું જ નહીં, જેઓ રાજ્યની આ હિંસાને ટેકો નથી આપતા, વંચિતોના ન્યાયને પ્રાદ્યાન્ય આપે છે તેઓને દેશવિરોધી, માઓવાદી ગણી હેરાન કરે છે. એમને ચૂપ કરવાનો પ્રયત્ન કરે છે. આ પુસ્તકનાં લેખક નંદિની સુંદર, બેલા ભાટિયા, ડૉક્ટર સેન, હિમાંશુકુમાર જેઓ આ વિસ્તારમાં ગરીબ આદિવાસીઓને મદદ કરવા, શાંતિ માટે પ્રયત્ને કરે છે તે સૌને રાજ્ય દુશ્મન, માઓવાદી તરીકે ખપાવી હેરાન કરે છે, જેલમાં પૂરે છે. સર્વોદય કાર્યકર હિમાંશુકુમારને લાગે છે કે જે રીતે રાજ્ય વર્તી રહ્યું છે તે જોતાં તો જો આજે ગાંધીજી જીવતા હોત તો તે પણ જેલમાં હોત.

આ પુસ્તક વાંચતાં આપણે હચમચી જઈએ છીએ અને આપણી જાત સાથે, અંતરાત્મા સામે ઘણા સવાલો ઊભા થાય છે. ભૂમિપૂત્ર – યજ્ઞ પ્રકાશન અને રજનીભાઈને આ પુસ્તક ગુજરાતી વાચકો સમક્ષ મૂકવા બદલ અભિનંદન. આ પુસ્તક પર વધુ ખુલ્લા મને ચર્ચા થાય તો રજનીભાઈ મહેનત સફળ થશે.

અમદાવાદ

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2018; પૃ. 03-04 

Loading

22 September 2018 admin
← દલિતો-આદિવાસીઓના વિકાસ માટેના કરોડો રૂપિયા સરકારી જાહેરખબરોમાં અને અન્યત્ર ખરચાય છે
ભારત, હિન્દુ સમાજ અને ભારતીય ઇસ્લામ →

Search by

Opinion

  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved