વરિષ્ઠ પત્રકાર કુલદીપ નાયરનું ૨૩ ઓગસ્ટ, ૨૦૧૮ના રોજ ૯૫ વર્ષની ઉંમરમાં નિધન થઇ ગયું. કારકિર્દીના શરૂઆતના દિવસોમાં તેઓ એક ઉર્દૂ પ્રેસના રિપોર્ટર હતા, તેઓ દિલ્હીના સમાચાર પત્ર ધ સ્ટેટ્સમેનના સંપાદક હતા અને તેમની ભારતમાં લાદવામાં આવેલ કટોકટી (૧૯૭૫-૭૭)ના અંતમાં ધરપકડ કરવામાં આવી હતી. તેઓ એક માનવીય અધિકાર કાર્યકર્તા અને શાંતિ કાર્યકર્તા પણ રહી ચૂક્યા છે. વર્ષ ૧૯૯૦માં તેઓને ગ્રેટ બ્રિટનમાં ઉચ્ચાયુક્ત તરીકે નીમવામાં આવ્યા હતા, તેઓ વર્ષ ૧૯૯૬માં સંયુક્ત રાષ્ટ્ર માટે ભારતના પ્રતિનિધિમંડળના સભ્ય હતા. ઓગસ્ટ ૧૯૯૭માં રાજ્યસભા માટે તેમનું નામાંકન કરવામાં આવ્યું હતું. તેઓ ધ ઇન્ડિયન એક્સપ્રેસ, ડેક્કન હેરાલ્ડ (બેંગલુરુ), ધ ડેઈલી સ્ટાર, ધ સંડે ગાર્જિયન, ધ ન્યૂઝ, ધ સ્ટેટ્સમેન, ધ એક્સપ્રેસ ટ્રીબ્યુન પાકિસ્તાન, ડોન પાકિસ્તાન સહિત ૮૦થી વધુ સમાચારપત્ર માટે કોલમ અને એપ-એડ લખતા રહ્યા. કુલદીપ નાયરે તેમની આત્મકથા ‘Beyond the lines’માં લખ્યું છે કે હું મિર્ઝા ગાલિબની પંક્તિ ‘શમા હર રંગ મેં જલતી હૈ સહર હોને તક’માં વિશ્વાસ ધરાવું છું. પંજાબ કેસરીમાં પ્રકાશિત થયેલ તેમના અંતિમ લેખનો અનુવાદ અહીં પ્રસ્તુત છે.
ગેરકાયદેસર પરદેસીઓનો મુદ્દો કે પછી વોટબેંક!
(કુલદીપ નાયર, પંજાબ કેસરી, ૨૨ ઓગસ્ટ, ૨૦૧૮)
ભારતીય જનતા પાર્ટી પૂર્વોત્તરના સાત પૈકી છ રાજ્યોમાં પોતાનું સ્થાન જમાવી ચૂકી છે. દેશના વિભાજન સમયે જે ચર્ચાઓ થઇ રહી હતી તે સમયે પણ કોઈએ આ પ્રકારની કલ્પના નહોતી કરી તેવી આ ઘટના છે. તે સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતા ફખરુદ્દીન અલી અહમદે એક વખત એ વાતનો સ્વીકાર કર્યો હતો કે ‘વોટ માટે’ પાડોશી, જેમ કે પૂર્વ પાકિસ્તાન, જે હવે બાંગ્લાદેશ છે, ત્યાંથી મુસ્લિમોને આસામ લાવવામાં આવ્યા હતા. તેઓએ વધુમાં કહ્યું હતું કે આ કોંગ્રેસનું જાણીજોઈને લેવામાં આવેલું પગલું હતું કે જે થકી તેઓ આસામને પોતાની સાથે રાખવા માંગતા હતા. રાજ્યનાં લોકો માટે આ નિર્ણયના કારણે ગંભીર સમસ્યા પેદા થઇ હતી. તે સમયે પૂર્વોત્તર અને તેમાં પણ ખાસ કરીને આસામમાં ઘૂસણખોરી બહુ મોટો ચિંતાનો વિષય બની ગયો હતો. ગેરકાયદેસર સ્થળાંતરણને રોકવાની પ્રક્રિયા કે જે બ્રિટિશ શાસનના સમયમાં શરૂ થઇ હતી, રાષ્ટ્રીય અને રાજ્યસ્તરે ઘણાં પ્રયાસો બાદ પણ અધૂરી રહી ગઈ. જેના પરિણામે મોટાપ્રમાણમાં થયેલાં સ્થળાંતરણના કારણે સામાજિક, આર્થિક, રાજનૈતિક અને પર્યાવરણ સંબંધિત અસર પડી અને પૂર્વોત્તરના લોકો ચિંતા વ્યક્ત કરવા લાગ્યા. જ્યારે વર્ષ ૧૯૫૦માં પ્રવાસી (આસામમાંથી દૂર કરવાનો) કાયદો પસાર થયો, જે હેઠળ માત્ર તે લોકોને જ રહેવાની અનુમતિ છે કે જેઓ પૂર્વ પાકિસ્તાનમાં લોકોનાં ઉપદ્રવના કારણે વિસ્થાપિત થયા હતા, ત્યારે લોકોને નીકાળવા બાબતે પશ્ચિમ પાકિસ્તાનમાં ખૂબ વિરોધ થયો. આ બાદ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુ અને લિયાકતઅલી ખાન વચ્ચે સમાધાન થયું. તે હેઠળ વર્ષ ૧૯૫૦માં દેશમાંથી નીકાળેલા લોકોને પરત આવવા દીધાં.
વર્ષ ૧૯૬૨માં ભારત-ચીનના યુદ્ધ દરમિયાન સરહદ પર પાકિસ્તાનના ઝંડા લઈને ઊભેલા કેટલાંક ઘૂસણખોરો જોવા મળ્યાં. આ કારણે કેન્દ્ર સરકારે વર્ષ ૧૯૬૪માં આસામ પ્લાન બનાવ્યો પરંતુ, ૧૯૭૦ના દાયકામાં પૂર્વ પાકિસ્તાનમાં ચાલી રહેલાં અત્યાચારના કારણે મોટી સંખ્યામાં શરણાર્થીઓ બેરોકટોક આવી પહોંચ્યાં. ઇન્દિરા ગાંધી અને મુજ્જ્બીર રહમાન વચ્ચે વર્ષ ૧૯૭૨માં થયેલાં સમાધાનના કારણે ગેરકાયદેસર પરદેશીઓને ફરી પરિભાષિત કર્યા. આ હેઠળ વર્ષ ૧૯૭૧ પહેલાં આવેલા લોકોને બિનબાંગ્લાદેશી જાહેર કરવામાં આવ્યા. અસમિયા લોકોએ આ નિર્ણયનો વિરોધ કર્યો અને આંદોલનો કરવા લાગ્યા. આ કારણે વર્ષ ૧૯૮૩માં ગેરકાયદેસર પરદેશી કાયદો લાગૂ થયો. આ કાયદાનો હેતુ ટ્રીબ્યુનલ દ્વારા ગેરકાયદેસર પરદેશીઓની ઓળખ અને તેઓને દેશની બહાર નીકાળવાનો હતો. પરંતુ, આ કાયદા થકી પણ પૂર્વોત્તરમાં વર્ષોથી ચાલી આવી રહેલી આ સમસ્યાનો ઉકેલ આવી શક્યો નહિ. વર્ષ ૧૯૮૫માં આસામ સમાધાન પછી તરત જ ગેરકાયદેસર પરદેશીઓની ઓળખ માટેની અંતિમ તારીખ ૨૫ માર્ચ, ૧૯૭૧ નક્કી કરવામાં આવી, કે જે દિવસે બાંગ્લાદેશનો જન્મ થયો હતો.
આ સમાધાનમાં કહેવામાં આવ્યું હતું કે જે લોકો ૨૫ માર્ચ, ૧૯૭૧ કે તે પહેલાં અહીં આવીને વસ્યાં છે તેઓને નાગરિક માની લેવામાં આવશે અને જે ગેરકાયદેસર પરદેશીઓ આ ચોક્કસ તારીખ બાદ આવ્યા છે તેમને પરત મોકલી દેવામાં આવશે. વિદ્રોહી સમૂહોએ આ નિર્ણયનો વિરોધ કરવા માટે આંદોલનો શરૂ કર્યા અને એ પ્રકારની માંગણી કરી કે આ સમાધાનને રદ કરી દેવામાં આવે અને પરદેશીઓ કોઈ પણ તારીખે કેમ ના આવ્યા હોય પણ તે તમામ પરદેશીઓને પરત મોકલવામાં આવે. પરંતુ, આંદોલનો થકી પણ સ્થાનિક લોકોને કોઈ રાહત મળી નહિ કારણ કે આ પરદેશીઓને છૂપી રીતે રાશન કાર્ડ આપવામાં આવ્યા હતા અને તેમનાં નામની નોંધણી વોટર્સ લિસ્ટમાં કરી દેવામાં આવી હતી. બાંગ્લાદેશી પરદેશીઓના વધતાં પ્રભાવના કારણે આસામની પરિસ્થિતિઓ વધુ વણસી. એક રિપોર્ટ પ્રમાણે આ ક્ષેત્રમાં મુસ્લિમોની આબાદી લગભગ ૪૦ ટકા જેટલી પહોંચી ગઈ છે. અંતમાં, આ મુદ્દે સુપ્રિમ કોર્ટને દખલગીરી કરવી પડી અને આ કાયદાને વર્ષ ૨૦૦૫માં રદ કરવામાં આવ્યો. સુપ્રિમ કોર્ટે કહ્યું કે ‘આ કાયદાએ સૌથી મોટી સમસ્યા ઊભી કરી છે અને ગેરકાયદેસર પરદેશીઓને પરત મોકલવામાં આ એક મોટી સમસ્યા છે’.
પરંતુ, બાંગ્લાદેશમાંથી ઘૂસણખોરી તો ચાલુ જ રહી અને ગેરકાયદેસર પરદેશીઓની ઘટના એ એક સંવેદનશીલ મુદ્દો સાબિત થયો કે જેનો ઉપયોગ રાજનૈતિક સ્વાર્થી તત્ત્વો કરવા લાગ્યા. પૂર્વોત્તરના વિદ્રોહી સમૂહો, શાંતિપૂર્ણ અને હિંસક એમ બંને પ્રકારે આંદોલનો કરતા રહ્યા, પરંતુ તેઓને કોઈ ચોક્કસ સફળતા પ્રાપ્ત થઇ નહિ. દુર્ભાગ્યે ભા.જ.પા. સરકાર ૧૯૫૫ના કાયદામાં એ પ્રકારનાં બદલાવ લાવવા ઈચ્છે છે કે જે હેઠળ ધાર્મિકતાના આધારે સતાવવામાં આવેલા પરદેશીઓને નાગરિકતા આપવામાં આવે, એટલે કે સાંપ્રદાયિકતાના આધારે તેમનાં વચ્ચે ભેદ ઊભો કરવામાં આવે. આસામના મહત્તમ લોકો આ માંગની વિરુદ્ધ છે કારણ કે સમાધાન અનુસાર ૨૫ માર્ચ, ૧૯૭૧ બાદ બાંગ્લાદેશથી આવેલા તમામ ગેરકાયદેસર પરદેશીઓને પરત મોકલવાનું નક્કી થયું હતું. આ મુદ્દાની જગ્યાએ કેન્દ્રએ પૂર્વોત્તર રાજ્યોના સીમા વિવાદિત લાંબા ચાલતાં આવી રહેલાં વિવાદોનો ઉકેલ લાવવાના પ્રયત્નો કરવા જોઈએ. ત્યાં અરુણાચલ પ્રદેશને બાદ કરતાં બાકીનાં રાજ્યો આસામમાંથી જ અલગ થયેલાં છે. આ હેઠળ, મણિપુરનો નાગાલેન્ડ તથા મિઝોરમની સાથે પણ સીમા વિવાદ છે. પરંતુ, તે આસામની જેમ તરત જ દેખાઈ નથી આવતા. આમ છતાં, ક્ષેત્રના લોકો દેશની રાજધાની દિલ્હી સહિત દેશનાં અન્ય રાજ્યોમાં પૂર્વોત્તરના લોકોને અને તેમાં પણ ખાસ કરીને વિધાર્થીઓને જે રીતે હેરાન કરવામાં આવે છે તે મુદ્દે તો સહુ સાથે જ છે. તેઓને લાગે છે કે કેન્દ્રની ઉપેક્ષા અને તેમની ગંભીરતાનો અભાવ રાજ્યમાં આ સ્થિતિ માટે જવાબદાર છે. તેઓ ક્ષેત્રના વિકાસમાં વધુ ભાગીદારી ઈચ્છી રહ્યાં છે. ભા.જ.પા. પાર્ટીએ ત્યાં વિકાસના ઘણાં કાર્યો કર્યા છે અને ત્યાંના લોકોની સાથે ભાવનાત્મક જોડાણના પ્રયાસો પણ સાધી રહી છે. પરંતુ, આર્મ્ડ ફોર્સીસ સ્પેિશયલ પાવર એક્ટ (આફસ્પા) જ અસુવિધાજનક બિંદુ રહ્યું છે. ઘણાં વિસ્તારોમાંથી તે ઉઠાવી લેવામાં આવ્યો છે, પણ, જમીનીસ્તરે સ્થિતિ સુધરી છે જેના કારણે કેન્દ્ર વધુ પ્રયત્ન કરી શકે તેમ છે. જો ગેરકાયદેસર પરદેશીઓની યોગ્ય ઓળખ નહિ કરવામાં આવે અને તેમને પરત મોકલતા સમયે જરૂરી ઉપાય નહિ વિચારવામાં આવે તો આ મુદ્દો દેશની સુરક્ષા માટે એક પડકાર સાબિત થશે. સત્તાધારી ભા.જ.પા.એ એ વાતનું ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ કે હિન્દી પ્રદેશથી વિપરીત પૂર્વોત્તરનો સમાજ વૈવિધ્યસભર છે, જ્યાં સાંપ્રદાયિક હિંસાને કોઈ સ્થાન નથી. માટે કેન્દ્ર સરકારે હિન્દુત્વના દર્શન ફેલાવવાની જગ્યાએ સુશાસન અને વિકાસ પર ધ્યાન આપવું જોઈએ. આગામી વર્ષે યોજાનાર લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતા ભા.જ.પા. પૂર્વોત્તરની સમસ્યાઓને નકારી શકશે નહિ. આસામમાં પૂર્વોત્તરની સૌથી વધુ 14 સીટો છે. હાલમાં ઉપચૂંટણીમાં ખરાબ પ્રદર્શન અને મહત્તમ ક્ષેત્રિય પાર્ટીઓની અલગ ચૂંટણી લડવાની સંભાવનાને ધ્યાનમાં લેતાં પ્રધાનમંત્રી માટે ત્યાંની દરેક સીટ જીતવી મહત્ત્વપૂર્ણ છે. આખરે, પ્રધાનમંત્રી અને તેમની પાર્ટીને એ વાતનો ખ્યાલ છે કે પૂર્વોત્તરમાં લોકો સરળતાથી પાર્ટી બદલી શકે તેમ છે.
[અનુવાદ – નિલય ભાવસાર]