ઉત્તર કોરિયાનાં અણુશસ્ત્રો બાબત તેની અમેરિકા જોડે જૂન મહિને શિખર સ્તરે મંત્રણા થઈ. તેમાં નિર્ણય શું થયા તે તો તુરત બહાર નથી આવ્યું. પરંતુ તેના પૂર્વાપર સંદર્ભ રસભર્યા છે. સામસામાં ઘૂરકિયાં કરતાં બે નેતા કિમ જોંગ ઉન અને ડોનાલ્ડ ટ્રમ્પ મળ્યા એ જ મોટી વાત. જેમ આ મંત્રણા થશે કે નહીં થાય તેવાં બે અંતિમ વચ્ચે ઝોલાં ખાતી હતી, તેવો જ ઇતિહાસ ઉત્તર કોરિયા અને આંતરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા સંસ્થા (IAEA) વચ્ચેના સંબંધોનો રહ્યો છે. ક્યારેક એ નમીને ચાલે. માફી માગે તો ક્યારેક આક્રમક બની અણુ પરીક્ષણ કરી નાખે. આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા જોડેના તેના સંબંધો ઉપર નીચે થતા રહ્યા છે, કારણ કે ત્યાંના સમ્મુખત્યાર પિતા-પુત્ર કંઈક અંશે તરંગી લાગે છે. તેમાં એક કારણ અમેરિકા જ છે.
૧૯૮૬માં ઘડાયેલી પરમાણુ અપ્રસાર સંધિ(NPT)માં સહી ન કરનારા અને કર્યા પછી પણ પરમાણુ શસ્ત્ર બનાવવાની ઇચ્છા ધરાવતા ૬-૭ દેશો છે. રાષ્ટ્રપતિ બુશે જેને ‘રોગ’ (ગુંડા) દેશો ગણાવ્યા તેમાં આપણે પણ એક છીએ. પરંતુ આ બધા સાથે અમેરિકાનો વ્યવહાર એક સમાન નથી. આ બધા દેશો એશિયા-આફ્રિકામાં છે, પરંતુ માત્ર ઉત્તર કોરિયા ભૌગોલિક રીતે અમેરિકાની નજીક છે. વળી એની પાસે શક્તિશાળી મિસાઈલો પણ છે. આથી તેના પરમાણુ બૉંબથી અમેરિકાને વાસ્તવિક ભય છે, અને તેથી તેની વિરુદ્ધની ઝુંબેશમાં અમેરિકા આગળ રહે છે.વાર્તાનો આરંભ છેક ૧૯૮૫થી થાય છે. કોરિયાએ ત્યારે એન.પી.ટી.માં સહી કરવાનું નક્કી કર્યું એ વખત તેની પાસે રશિયાની દીધેલી સંશોધન માટેની એક નાની અણુભઠ્ઠી હતી. તેનાં વપરાયેલાં બળતણમાંથી પ્લુટોનિયમ કાઢવાના પ્રયોગો પણ તેણે કર્યા હતા. પ્લુટોનિયમ કુદરતમાં મળતું નથી. વપરાયેલાં અણુઇંધનનાં રિપ્રોસેસીંગમાં એ મળે છે. નવા નિયમો મુજબ એન.પી.એ.માં સહી કરનારા દેશોએ પોતાના અણુકાર્યક્રમની વિગતો આપવાની રહે છે. ‘સેઈફગાર્ડ એગ્રીમેન્ટ’ નામે કરારનામાથી દેશ પોતાની પ્રયોગશાળાઓ અને અણુભઠ્ઠીઓનું ઇન્સ્પેકશન કરવાની અણુ ઊર્જા સંસ્થાને સત્તા આપે છે. ૧૯૯૨માં આ રીતે ઉત્તર કોરિયાએ સાત સ્થાનો નિરીક્ષણ માટે સોંપ્યા. IAEA(તેને અહીં ‘એજન્સી’ કહીશું.)ના નિષ્ણાતો પહેલી મુલાકાતમાં સ્વેચ્છાએ આપેલ માહિતીની સત્યતા તપાસે તેની ગોઠવણ છે.
આ ટીમ ઉત્તર કોરિયા જાય તે અગાઉ અમેરિકા પોતા તરફથી યોંગબ્યોંગ પરમાણુ કેન્દ્રમાંનાં બે બિલ્ડિંગોનાં નામ એજન્સીને આપે છે, જેનું ઇન્સ્પેક્શન તેને જરૂરી લાગે છે. ઉપગ્રહોથી મેળવાયેલ આ માહિતી હોવાથી IAEAને તેનો ઉપયોગ પણ હતો જ. પરંતુ આ પગલું એક રીતે ચાડી ખાવાની પ્રક્રિયા હતી, જેનાથી ૨૫ વર્ષની દુશ્મનીનાં બીજ રોપાયાં. વૈજ્ઞાનિકોને પણ લાગ્યું કે આમાંથી એક બિલ્ડિંગને જમીન નીચે એક માળ હશે, જે દાટી દેવાયો છે ! બગીચાથી તેનું સુશોભિત કરી દેવાથી રજ પણ ભય નહીં; પરંતુ રેડિયોધર્મી રસાયણ પ્રયોગશાળામાંથી બે નાળીઓ તેમાં દાખલ થતી હતી. એટલે દટાયેલો માળ કિરણોત્સર્ગ કચરાને સંઘરવા માટે વપરાતો હોય તેની શક્યતા હતી. અણુકેન્દ્રો અણુ ભઠ્ઠીઓના કિરણોત્સર્ગી કચરાને સામાન્ય ગટરમાં મેળવવાની મનાઈ છે. તેને જુદો સાચવવાનો હોય છે.
જો આ શંકા ખરી હોય તો ઉત્તર કોરિયા માહિતી છૂપાવવાનું ગુનેગાર બનતું હતું. નિરીક્ષકદળને ધાર્યું કામ ન કરવા દેવા તેણે બાધાઓ નાંખી પણ એજન્સીને ખાતરી થઈ ગઈ હતી કે ઉત્તર કોરિયાએ પોતા પાસે જેટલું પ્લુટોનિયમ હોવાની જાહેરાત કરી હતી તે કરતાં ઘણું વધારે પ્લુટોનિયમ તેની પાસે હતું. આ પદાર્થ પરમાણુ ભઠ્ઠીનાં ઇંધણ તરીકે તેમ જ પરમાણુ બૉમ્બ બનાવવામાં ઉપયોગી છે. આથી તેના સ્ટોક બાબત એજન્સી સંવેદનશીલ છે. તેણે એવી ટેકનીક વિકસાવી છે કે પ્લુટોનિયમ વપરાયું હોય તે ઓરડાની દીવાલ ઉપર શાહીચૂસનો કાગળ ઘસીને અતિ સૂક્ષ્મ માત્રામાં સેમ્પલ લેવાય તો પણ ખબર પડી જાય કે ભૂતકાળમાં અહીં એ પદાર્થ હતો!
એટલું જ નહીં, એ પ્લુટોનિયમ કેટલા વખત પહેલાં ઇંધણથી મેળવાયેલું હતું તે પણ ખબર પડે. ઉત્તર કોરિયાને આ ક્ષમતાનો ખ્યાલ ન હતો. નિરીક્ષકોએ તારવ્યું કે ભૂતકાળમાં ત્રણ જુદે જુદે વખતે બળતણનું રિપ્રોસેસીંગ થયું હતું … તો અત્યારે એ બધું પ્લુટોનિયમ ક્યાં છે?
ઉત્તર કોરિયાએ આ પ્રશ્નનો ઉત્તર ટાળ્યા કર્યો. ચીન, અમેરિકા અને યુનો એ બધાંની એક વરસની માથાકૂટ પછી એટલો તોડ નીકળ્યો કે એ હવે બળતણનું રિપ્રોસેસીંગ નહીં કરે. એ અણુભઠ્ઠી તો બંધ જ કરી કરી દેશે. તેની ઊર્જાને નફરત માટે અમેરિકા એને બે નવી ૧૦૦૦ મૅગાવૉટ્સની ભઠ્ઠીઓ આપશે; તેના સંચાલનથી મળતાં પ્લુટોનિયમ ઉપર નજર રખાશે અને હિસાબ રખાશે. વધારામાં દર વરસે પાંચ લાખ ટન ખનીજ તેલ તેને મળશે. જેથી ઉર્જાનું બહાનું આગળ ન કરે. આ સંધિને ૧૯૯૪નું ‘ફ્રેમવર્ક એગ્રીમેન્ટ’ કહેવાય છે. પરંતુ તેની વર્તણૂંક સુધરી ન હોવાથી નવી અણુભઠ્ઠીઓ તેને હજુ મળી નથી.
છૂપો અણુકાર્યક્રમ :
આ કરારથી પહેલાં જ ઉત્તર કોરિયાએ પ્લુટોનિયમનો વિકલ્પ શોધ્યો હતો. અણુબૉમ્બ બે પદાર્થોમાંથી બની શકે, પ્લુટોનિયા અને સમૃદ્ધ કરેલ (Enriched) યુરેનિયમ. યુરેનિયમને સમૃદ્ધ કરવાની ટેક્નોલોજી સહેલાઈથી મળતી નથી. પરંતુ પાકિસ્તાની વૈજ્ઞાનિક અબ્દુલ કાદર ખાને એ હોલેન્ડથી ચોરીછૂપી મેળવેલી. પાકિસ્તાની લશ્કર અને સરકારના આશીર્વાદથી આ જ્ઞાન તેમણે ઉત્તર કોરિયા, ઈરાન અને લિબિયાને ધોરણસર વેચ્યું હતું. ૨૦૧૧માં બહાર આવેલી રહસ્ય મુજબ ઉત્તર કોરિયાએ આ માટે ૩૦ લાખ ડૉલરની લાંચ લશ્કરના વડા જહાંગીર કરામતને હતી. અમુક સંયંત્રો ગોઠવાયાં પણ હતાં. આશ્ચર્યની વાત છે કે આ બધાં છતાં ઉત્તર કોરિયાએ પછીથી જે બૉમ્બ બનાવ્યા તે પ્લુટોનિયમના જ હતા.
નવા કરાર હેઠળ એજન્સીને ઉત્તર કોરિયાના કાર્યક્રમ પર નજર રાખવાનો અધિકાર હતો. તેનાથી ત્રાસી જઈને તેણે એ બંધન તોડવાનું નક્કી કર્યું. ડિસેમ્બર ૨૦૦૨માં કીમ જોંગ ઈલ અણુકેન્દ્રમાં ગોઠવાયેલા કેમેરા અને બીજાં યંત્રો હઠાવી દીધાં. થોડા દિવસો પછી જાન્યુઆરી ૨૦૦૩માં તેણે પરમાણુ અપ્રસાર સંધિ(NPT)માંથી બહાર નીકળી જવાની જાહેરાત કરી ! યુનો અને આંતરરાષ્ટ્રીય સમાજ માટે આ મોટો ધક્કો હતો. ૩૫ વર્ષ જૂની આ સંધિમાં સભ્યપદ સમાપ્ત કરવા બાબત ચર્ચા જ નથી. અને એવું પગલું કોઈએ લીધું પણ નહોતું. ઉત્તર કોરિયાએ જ્યારે જાહેરાત કરી કે એવાં પરમાણુ સંયંત્રો હવે અગાઉ પ્રમાણે કામ કરવા લાગશે ત્યારે તેનો જવાબ શું હોઈ શકે તે વિશ્વને ખબર નહોતી. IAEAએ આ મુદ્દો યુનોની સલામતી સમિતિમાં મૂક્યો. તેના જવાબમાં પ્યોંગયોંગે મિસાઈલનાં બે ઉપરાઉપરી પરીક્ષણ કરી નાંખ્યાં!
અણુપરીક્ષણ :
ચીને અમેરિકા અને ઉત્તર કોરિયાની બેઠક પોતાને ત્યાં બોલાવી. ત્યાં કોરિયાએ જણાવ્યું કે પહેલું પરમાણુ શસ્ત્ર તૈયાર થઈને પડ્યું છે. અણુ કાર્યક્રમ બંધ કરવાના બદલામાં નાણાંકીય મદદ માગી! વિશ્વનાં દબાણ અને આર્થિક પ્રતિબંધોની ભીંસ છતાં તેણે એ પ્રવૃત્તિ છોડી નહીં. રિઍક્ટરનાં વપરાયેલાં ઇંધનો ૮૦૦૦ સમસ્યાઓનું રિપ્રોસેસિંગ કરી પ્લુટોનિયમ કાઢી લીધું. એજન્સીએ ૨૦૦૫માં ગણતરી કરી કે કોરિયા પાસે પાંચ કે છ અણુબૉંબ માટે પ્લુટોનિયમ જમા હતું. ખરેખર જ ૨૦૦૬ના ઑક્ટોબરની દશ તારીખે તેણે પોતાનું પ્રથમ અણુપરીક્ષણ કર્યાની જાહેરાત કરી.
એ શસ્ત્રની ક્ષમતા બહુ ઓછી હતી અને પરીક્ષણના કારણે ઉત્પન્ન થયેલ ભૂકંપનાં મોરી દુર્બળ હતાં. નિષ્ણાતોને શંકા હતી કે કાં તો બૉંબ બરાબર ફૂટ્યો નહોતો અથવા તેણે ગંજાવર જથ્થામાં કાયનેનાઈટ ફોડીને અમથો જ ભય ફેલાવ્યો હતો. જે હો તે, પરંતુ રાજકીય મોજાં બહુ તીવ્ર હતાં. ભારત અને પાકિસ્તાને આ પહેલાં આનાં પરીક્ષણ તો કરેલાં. પણ તે બંને NPTના સભ્ય નહોતાં. તેમ છતાં બંનેએ ડરીડરીને, છાને છપને પરીક્ષણ કરેલાં. તે સામે આ દેશ હતો જે પરીક્ષણ કરવાના સ્પષ્ટ ઉદ્દેશ સાથે સંધિમાંથી બહાર જાય છે અને ગાઈવગાડીને પરીક્ષણ કરે છે. તો એ સંધિનું વજૂદ શું રહ્યું, અને કેવું એનું ભવિષ્ય? સ્વાભાવિકપણે ઉત્તર કોરિયા પરના પ્રતિબંધ વધુ કડક બન્યા. દક્ષિણ કોરિયા મારફત આવતા સમાચારો મુજબ મૂંગી પ્રજાની હાલત ગરીબીને કારણે વધુ દયનીય થઈ હતી.
આ પરિસ્થિતિમાં તેણે પોતાની અણુભઠ્ઠીને નકામી કરી નાંખવાની જાહેરાત કરી. જુલાઈ ૨૦૦૮માં એના ફોટા પણ પ્રકાશિત કર્યા. પણ કોઈ કન્સેશન મળતું ન દેખાતાં બીજું અણુપરીક્ષણ ૨૦૦૯ મે મહિને કર્યું. ભઠ્ઠી ભલે ન ચાલે, પણ પહેલાં જ પ્લુટોનિયમ તો સંઘરી જ લીધેલું.
૨૦૧૧માં સરમુખત્યારના અવસાન બાદ તેનો પુત્ર (અત્યારનો ચેરમેન) કિંમ જોંગ ઉન આવ્યો. તેણે ઝડપથી મિસાઈલ પરીક્ષણો કરવા માંડ્યા. પહેલીવાર એવું મિસાઈલ બન્યું જે અમેરિકા લગી પહોંચી શકે. જાપાનના માથાં પરથી પસાર કરી તેણે પૂર્વ દરિયામાં જાય તે રીતે મિસાઈલ છોડી શબ્દશઃ ડર ફેલાવ્યો. ૨૦૧૩માં ત્રીજો અણુબૉંબ પ્રયોગ કર્યો. ૨૦૧૬નાં બે પરીક્ષણમાંથી એક તો હાઈડ્રોજન બૉંબ હોય તેવી શંકા વૈજ્ઞાનિકોને થઈ. ક્રમશઃ એનાં શસ્ત્રોની ક્ષમતા વધતી ગઈ હતી. ગયે વર્ષે (છઠ્ઠું પરીક્ષણ) જે સ્ફોટ કર્યો તેનો ક્યાસ ૭૦થી ૨૮૦ કિલો ટનનો છે. જે સૂચવે છે કે આ હાઈટ્રોજન બૉંબ હતો. (હિરોસીમા ૧૨ કિલો ટન) આ પરીક્ષણ એટલું પ્રચંડ હતું કે દિવસો સુધી ધરતીકંપના ‘આફ્ટર શૉક’ આવતા રહ્યા અને છેવટે પહાડની અંદર ધરતી ઘસી ગઈ પરિક્ષણ સ્થળને કાયમી નુકસાન થયું.
આ પરીક્ષણથી સાથે તેણે ICBM કક્ષાનું મિસાઈલ પણ ચકાસ્યું જેની રેન્જ છેક વૉશિંગ્ટન સુધી લંબાતી હતી! બૉંબ અને મિસાઈલનાં સંયોજનને ગંભીરતાથી લીધે જ છૂટકો હતો. પ્રતિબંધોને કારણે પ્રજાની તકલીફોની જેને ચિંતા નથી તેવા તાનાશાહનાં ગાંડપણનો સામનો કરવાના રસ્તા દુનિયાને સુઝ્યા નહીં. છેવટે સુલેહનો માર્ગ અપનાવવો પડ્યો. ૩૫ કરોડની વસતિવાળી લોકશાહી મહાસત્તાનો રાષ્ટ્રપતિ સામે ચાલીને અઢી કરોડના દેશના નેતાને મળવા ગયો. અણુશાસ્ત્રની તાકાતનું આ અનિચ્છનીય પાસું છે જેનો ઉકેલ દુનિયાએ શોધવો જ પડશે. એની લશ્કરી તાકાત તો સદીમાં એકવાર વપરાય, પરંતુ રાજકીય તાકાત સચોટ છે. આથી જ જેમ દેશ નાનો તેમ તેનો સાપેક્ષ ફાયદો વધારે મોટો. તેને કારણે જ દેશો આ શસ્ત્ર માટે ખુવાર થવા માટે પણ તૈયાર છે. બીજી ચિંતા છે આ સાધનની બ્લૅકમેઈલમાં વપરાવાની ક્ષમતા. જો એ આતંકવાદી સંગઠનના હાથમાં આવી જાય તો શું શું કરાવી શકે. સંપૂર્ણ પરમાણુ નિઃશસ્ત્રીકરણ ન થાય ત્યાં સુધી આ ચિંતાઓ રહેવાની જ છે. અને જેમ તેના ફાયદા મોટા તેમ નિઃશસ્ત્રીકરણની તકો ઓછી. જેમ આતંકવાદ સામે જગત એક અવાજે વાત કરે છે, તે રીતે પરમાણુશસ્ત્રો બાબત પણ એક મત થઈ શકે તો જ ખરી શાંતિ પ્રસરી શકે.
તા.ક. :
ઉપરોક્ત લેખ લખાયા પછી જૂન મહિનાના અંતમાં ઉપગ્રહોએ લીધેલ ફોટા બતાવે છે કે ઉત્તર કોરિયા નવી પ્રવૃત્તિ શરૂ કરી રહ્યું છે. સંધિની શાહી સુકાય તે પહેલાં જ કદાચ તેણે વધુ ઇંધણ રિપ્રોસેસ કરવા ધાર્યું હોય. ઉત્તર કોરિયાનો ભૂતકાળ જોતાં આ પ્રકારની ગુલાંટો તેના માટે નવી નથી. ઈરાનને તસુ પણ જમીન ના આપનાર ટ્રમ્પ અહીં શું કરે છે તે જોવાનું રહે.
E-mail: pr_vaidya@yahoo.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉગસ્ટ 2018; પૃ. 05-06