Opinion Magazine
Number of visits: 9504456
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સૈલન મન્ના : બૂટબોલ નહીં, ફૂટબોલના મહારથી

વિશાલ શાહ|Opinion - Opinion|22 July 2018


ફૂટબોલની રમત નિયમિત રીતે પ્લેબોય, સેલિબ્રિટી, રેસિસ્ટ, બિલિયોનેર્સ, ફેશન મોડેલ્સ અને બગડી ગયેલા યુવાનો પેદા કરે છે, પરંતુ આ રમત ક્યારે ય સંતપુરુષનું સર્જન નથી કરતી. જો કે, તેમાં એક અપવાદ છે, શૈલેન્દ્રનાથ મન્ના. તેઓ કોલકાતામાં મૃત્યુ પામ્યા, ત્યારે હુગલી નદીના કિનારે આવેલા કિઓરતાલા સ્મશાન ઘાટ સુધી જઈ રહેલી સ્મશાન યાત્રામાં બે હજાર લોકો ઊમટ્યા હતા. એ લોકોએ એક ઉત્તમ ફૂટબોલરથી ઘણું વધારે ગુમાવ્યું હતું …

૨૭મી ડિસેમ્બર, ૨૦૧૨ના રોજ ભારતીય ફૂટબોલર શૈલેન્દ્રનાથ મન્નાનું મૃત્યુ થયું, ત્યારે બ્રિટનથી પ્રકાશિત થતાં 'ધ ઇકોનોમિસ્ટ' સામયિકે તેમને શ્રદ્ધાંજલિ આપતા લેખમાં આ શબ્દો લખ્યા હતા. બંગાળી લેખક રોનોજોય સેને 'નેશન એટ પ્લે: એ હિસ્ટરી ઓફ સ્પોર્ટ્સ ઈન ઇન્ડિયા' પુસ્તકમાં એક પ્રકરણ લખ્યું છે, 'ફ્રિડમ ગેમ્સ: ધ ફર્સ્ટ ટુ ડિકેડ્સ ઓફ ઇન્ડિપેન્ડન્સ'. આ પ્રકરણમાં તેઓ નોંધે (પાના નં. ૧૯૧) છે કે, આજ સુધી ભારતના કોઈ ફૂટબોલરને આવું સન્માન મળ્યું નથી.

ગયા અઠવાડિયે આપણે ભારતીય ફૂટબોલના સુવર્ણ દિવસોને યાદ કરવાના બહાને ગોસ્થા પાલની વાત કરી. આજે શૈલેન્દ્રનાથ મન્ના ઉર્ફ સૈલન મન્ના ઉર્ફ મન્ના દાને યાદ કરવાના બહાને બીજી થોડી વાત.

***

ગોસ્થા પાલની જેમ મન્ના દાએ પણ ભારતીય ફૂટબોલ ટીમને આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવા લાયક બનાવી હતી. ૧૯૪૮માં લંડન ઓલિમ્પિકમાં ભારતીય ફૂટબોલ ટીમે ભારતની સરખામણીમાં ઘણી મજબૂત ગણાતી ફ્રાંસની ટીમને હંફાવી હતી. એ મેચ ફ્રાંસે ૨-૧થી જીતી હતી, પરંતુ સૈલન મન્નાની કપ્તાની હેઠળ ભારતીય ફૂટબોલ ટીમે ફ્રાંસ સામે કરેલા ડિફેન્સની દુનિયાએ નોંધ લેવી પડી હતી. આ એ દિવસોની વાત છે, જ્યારે યુરોપની ફૂટબોલ ટીમો ફિટનેસ અને ફૂટબોલની વૈજ્ઞાનિક પદ્ધતિથી તાલીમ લઈને મેદાનમાં ઊતરતી અને ભારતને બ્રિટિશરોથી આઝાદી મળ્યાને માંડ એક વર્ષ થયું હતું. દેશ અરાજકતામાંથી પસાર થઈ રહ્યો હતો. બ્રિટિશ રાજની દાયકાઓ સુધી ગુલામી ભોગવનારા ભારતીયો માટે 'ગોરા સાહેબોની રમત'માં ભારતીય ખેલાડીઓ ગોરા ખેલાડીઓને જ હરાવે એ ખૂબ મોટી વાત હતી.

‘નેશન એટ પ્લે’ પુસ્તકની અનુક્રમણિકા

ફ્રાંસ સામેની મેચમાં ઉત્તમ દેખાવ કર્યા પછી લંડન ઓલિમ્પિકનું ઉદ્ઘાટન કરનારા કિંગ જ્યોર્જ ચોથા અને પ્રિન્સેસ માર્ગારેટે ભારતીય ફૂટબોલ ટીમને પણ બકિંગહામ પેલેસની પાર્ટીમાં આમંત્રિત કર્યા હતા. એ વખતે પ્રિન્સેસે મન્ના દાને પૂછ્યું કે, ખુલ્લા પગે ફૂટબોલ રમતા ડર નથી લાગતો? ત્યારે મન્ના દાએ જવાબ આપ્યો હતો કે, 'ખુલ્લા પગે ફૂટબોલને કાબૂમાં રાખવામાં ઘણું સરળ રહે છે.' એ સમયે ભારતના મોટા ભાગના ખેલાડીઓને ખુલ્લા પગે (અથવા ફક્ત મોજાં કે એન્કલેટ) રમતા જોઈને મજાકમાં એવું પણ કહેવાતું કે, 'અસલી ફૂટબોલ તો ભારતમાં રમાય છે, બીજે બધે તો બૂટબોલ રમાય છે.'

અહીં બીજી પણ એક વાત સમજવા જેવી છે. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કોલકાતામાં થાણું ઊભું કર્યું હોવાથી ઉત્તર-પૂર્વ ભારત (આજના બાંગ્લાદેશ સહિત) ફૂટબોલ અને ક્રિકેટના ગાઢ પરિચયમાં આવ્યું હતું. આ દરમિયાન ભારતીયોએ પણ આ બંને રમત રમવાનું શરૂ કર્યું, પરંતુ ત્યાંના ગરીબ વિસ્તારોમાં ફૂટબોલનો ખાસ્સો વિકાસ થયો કારણ કે, ફૂટબોલમાં કોઈ ખર્ચ ન હતો. ભારતીય યુવકોને શૂઝનો ખર્ચ પોસાતો નહીં હોવાથી તેઓ ખુલ્લા પગે ફૂટબોલ રમતા, જ્યારે ક્રિકેટ રમવા વધુ ખેલાડીઓ અને બીજાં મોંઘાં સાધનોની જરૂર પડતી. આજે ય દુનિયાભરમાં ક્રિકેટ કરતાં ફૂટબોલ અનેકગણી વધુ લોકપ્રિય છે, અને, વિશ્વની અનેક ફૂટબોલ ટીમોમાં ઝૂંપડપટ્ટીમાં ઉછરેલા યુવકોની બોલબાલા છે, એનું એક કારણ આ પણ છે.

સૈલન મન્ના


ફૂટબોલ મનોરંજન અને પ્રેક્ટિસ માટે એકલા રમી શકાય એવી 'સામાન્ય' માણસના ઝનૂનની રમત હતી, બલકે છે, જ્યારે ક્રિકેટ શરૂઆતથી ધનવાનોની રમત હતી. બ્રિટનમાં ક્રિકેટ 'જેન્ટલમેન' રમતા અને જોવા પણ એવા જ લોકો આવતા. એ જ બ્રિટિશ રોયલ માનસિકતા ભારતમાં પણ આવી. અહીં પણ ક્રિકેટને મહારાજાઓ અને ધનવાન પારસીઓનું પ્રોત્સાહન મળ્યું, જેના કારણે પશ્ચિમ ભારતના રાજવી પરિવારોનું પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં ક્રિકેટ ખાસ્સી વિકસી. ટૂંકમાં, ભારતીય ફૂટબોલરોની તાલીમ શરૂઆતથી જ ખુલ્લા પગે થઈ અને આંતરરાષ્ટ્રીય મેચોમાં પણ કોઈ કડક નિયમો નહીં હોવાથી 'બૂટબોલ'ના બદલે 'ફૂટબોલ' ચાલી ગયું.


ઓલિમ્પિકમાં સૈલન મન્નાની આગેવાનીમાં ઉત્તમ દેખાવ કર્યા પછી ભારતીય ફૂટબોલ ટીમને ૧૯૫૦માં બ્રાઝિલમાં આયોજિત ફૂટબોલ વિશ્વકપમાં પણ આમંત્રણ મળ્યું હતું. જો કે, ભારતીય ટીમ બ્રાઝિલ ના ગઇ. એ પછી એવું તૂત ચાલ્યું કે, ભારતીય ફૂટબોલરો શૂઝ પહેર્યા વિના રમવા માંગતા હોવાથી તેમને મંજૂરી ના અપાઈ. તો કોઈએ ત્યાં સુધી અફવા ફેલાવી કે, ભારતીય ફૂટબોલ ટીમ પાસે શૂઝ ખરીદવાના પૈસા ન હતા તેથી તેઓ બ્રાઝિલ જઇ ના શક્યા. આ બંને વાત ખોટી છે.


હાવડા મ્યુિનસિપલ સ્ટેિડયમ, જે હવે મન્ના દા સ્ટેિડયમ તરીકે ઓળખાય છે

વાત એમ હતી કે, દ્વિતીય વિશ્વ યુદ્ધ પછી ૧૯૫૦માં બ્રાઝિલમાં પહેલો ફૂટબોલ વિશ્વ કપ યોજાયો ત્યારે વિશ્વના અનેક દેશો આર્થિક સંકડામણ અને અરાજકતાના માહોલમાંથી પસાર થઇ રહ્યા હતા. એ સ્થિતિમાં અનેક ફૂટબોલ ટીમોએ ઉમેદવારી પાછી ખેંચી લીધી, જેથી બ્રાઝિલ ફૂટબોલ વિશ્વ કપમાં કુલ ટીમની સંખ્યા ફક્ત ૧૩ રહી ગઈ. કદાચ એટલે જ ભારતીય ફૂટબોલ ટીમ સહેલાઇથી ક્વૉલફાઈ થઇ હતી, એ વાતને પણ નજરઅંદાજ ના કરી શકાય. આ દરમિયાન બ્રાઝિલ ફૂટબોલ ફેડરેશને ઑલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન સમક્ષ ભારતીય ફૂટબોલ ટીમની મુસાફરીનો ખર્ચ ઉઠાવવાની પણ તૈયારી બતાવી હતી, પરંતુ ઑલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશને ભારતીય ટીમને બ્રાઝિલ ના મોકલી અને ઉમેદવારી પણ પાછી ના ખેંચી.

નિયમ પ્રમાણે, ફૂટબોલ રમવા શૂઝ પહેરવાં ફરજિયાત હતા એ વાત ખરી પણ એ મુદ્દો જ ન હતો. ઑલ ઇન્ડિયા ફૂટલોલ ફેડરેશને બ્રાઝિલ વિશ્વકપમાં ફૂટબોલ ટીમ નહીં મોકલવાના અનેક કારણ આપ્યા હતા, જેમાં વિશ્વ કપ માટે બ્રાઝિલ જવાનો જંગી ખર્ચ, પ્રેક્ટિસ ટાઈમનો અભાવ, વિદેશી હુંડિયામણની અછત અને લાંબી દરિયાઈ મુસાફરી માટે ભારતીય ફૂટબોલરો તૈયાર નથી એવું પણ એક કારણ સામેલ હતું. એ પછી કોઈએ પેલું શૂઝવાળું તૂત ચલાવ્યું અને કેટલાક ઇતિહાસકારોએ પણ તેની નોંધ લઈ લીધી. એકવાર સૈલન મન્નાએ જ કહ્યું હતું કે, ભારત સરકાર બ્રાઝિલ ફૂટબોલ વિશ્વ કપ માટે ઓલિમ્પિક જેટલી ગંભીર ન હતી …

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ એમ.કે. નારાયણન અને મુખ્ય મંત્રી મમતા બેનરજીએ મન્ના દાને ‘બંગવિભૂષણ’ પુરસ્કારથી સન્માનિત કર્યા ત્યારે

ભારતીય ફૂટબોલ ટીમ ૧૯૫૧ની એશિયન ગેમ્સમાં પહેલો આંતરરાષ્ટ્રીય સુવર્ણ ચંદ્રક પણ મન્ના દાની કપ્તાની હેઠળ જ જીતી હતી. એક ઉત્તમ કપ્તાન તરીકે મન્ના દાએ અનેક ફૂટબોલર તૈયાર કર્યા અને એક કપ્તાનમાં કેવા ગુણો હોવા જોઈએ તેનું ઉદાહરણ પણ પૂરું પાડ્યું. ઇંગ્લિશ ફૂટબોલ એસોસિયેશને ૧૯૫૩માં મન્ના દાને વિશ્વના દસ સર્વશ્રેષ્ઠ ફૂટબોલ કપ્તાનોમાં સ્થાન આપ્યું હતું. આ પ્રકારનું સન્માન મેળવનારા તેઓ એકમાત્ર એશિયન ફૂટબોલર હતા. આંતરરાષ્ટ્રીય ફૂટબોલની વીસ વર્ષની કારકિર્દીમાં મન્ના દાએ એક પણ વાર ફાઉલ નહોતું કર્યું અને કોઈ ગોરા રેફરીએ તેમને યલો કાર્ડ પણ નહોતું બતાવ્યું. ફૂટબોલરો અને તેના ચાહકોમાં પણ મન્ના દાને 'સંત' જેવું સન્માન મેળવ્યું હતું.

એકવાર ડુરાન્ડ ફૂટબોલ કપની સેમી ફાઈનલમાં મન્ના દાની મોહન બાગાન અને બોર્ડર સિક્યોરિટી ફોર્સની ટીમ વચ્ચે જોરદાર ટક્કર થઇ. એ મેચ ડ્રો રહી, પરંતુ બંને ટીમના ખેલાડીઓ જબરદસ્ત આક્રમક રીતે રમ્યા હોવાથી મોહન બાગાનના મોટા ભાગના ખેલાડીઓ ઇજાગ્રસ્ત થયા. એ સ્થિતિમાં એવું નક્કી થયું કે, ફાઈનલમાં મોહન બાગાન નહીં પણ બી.એસ.એફ. ટીમ રમશે. એ મેચ જોવા આવેલા મોહન બાગાનના વીસેક હજાર ચાહકોને ખબર પડતાં જ તેમણે જોરદાર હોબાળો કર્યો. ત્યારે પણ મન્ના દાએ જ સમજાવટથી ટોળાંને શાંત પાડ્યું હતું અને બી.એસ.એફ.ની ટીમને ફાઇનલ માટે અભિનંદન આપીને બાજી સંભાળી લીધી હતી. મન્ના દાની આગેવાનીમાં ભારતીય ફૂટબોલ ટીમ થોડા તો થોડા સમય માટે અત્યંત મજબૂત ફૂટબોલ ટીમ તરીકે ઊભરી હતી.

***

મન્ના દાનો જન્મ પહેલી સપ્ટેમ્બર, ૧૯૨૪ના રોજ પશ્ચિમ બંગાળના હાવડામાં થયો હતો. હાવડા યુનિયનથી ફૂટબોલ કારકિર્દી શરૂ કરનારા મન્ના દા ૧૮ વર્ષની ઉંમરે જ મોહન બાગાન ક્લબમાં જોડાયા હતા. ત્યાર પછી તેઓ સળંગ ૧૯ વર્ષ આ ક્લબ વતી રમ્યા. ૧૯૫૦થી ૫૫ દરમિયાન તેમણે મોહન બાગાન ફૂટબોલ ક્લબની કપ્તાની પણ સંભાળી. આ ૧૯ વર્ષના ગાળામાં મન્ના દાએ ફૂટબોલમાંથી ફક્ત રૂ. ૧૯ની કમાણી કરી હતી. આ વાત ખુદ મન્ના દાએ કબૂલી હતી. જો કે, મન્ના દાનું ગુજરાન જિયોગ્રાફિકલ સર્વે ઓફ ઇન્ડિયાની નોકરીમાંથી ચાલતું. કમાણીને લઈને મન્ના દાને જીવનમાં ક્યારે ય ફરિયાદ નહોતી કરી.

એસિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ મળ્યા પછી જવાહરલાલ નહેરુએ મન્ના દાનું ગોલ્ડ મેડેલિયન આપીને સન્માન કર્યું હતું. એ પણ તેમણે ભારત સરકારને સ્મૃિત તરીકે ભેટમાં આપી દીધો હતો. મન્ના દાએ પોતાની ફૂટબોલ ટીમના બ્લેઝર-ટાઇની ચેરિટી માટે નિલામી કરી દીધી હતી. બે દાયકા ફૂટબોલ રમ્યા પછી મન્ના દા કોચ અને આસિસ્ટન્ટ સેક્રેટરી તરીકે બીજા ત્રીસેક વર્ષ મોહન બાગાન સાથે સંકળાયેલા રહ્યા.

ભારત સરકારે ૧૯૭૧માં તેમનું પદ્મશ્રી આપીને સન્માન કર્યું, ત્યારે તેઓ ગોસ્થા પાલ પછી પદ્મ પુરસ્કારથી સન્માનિત બીજા ફૂટબોલર બન્યા. કોલકાતામાં ૮૭ વર્ષની વયે મન્ના દાનું અવસાન થયું ત્યારે બંગાળના જ નહીં, દેશના અનેક અખબારોએ તેમના મૃત્યુને 'ફૂટબોલમાં એક યુગનો અંત' કહીને અંજલિ આપી હતી.

સૌજન્યઃ ગુજરાત સમાચાર, શતદલ પૂર્તિ, ફ્રેન્કલી સ્પીકિંગ, વિશાલ શાહ

http://vishnubharatiya.blogspot.com/2018/07/blog-post_13.html

Loading

22 July 2018 admin
← ‘કેળવણી શબ્દ મારે મન ધર્મનો ઘરગથ્થુ પર્યાય છે’ એમ લખનાર ઉમાશંકર શિક્ષણચિંતક પણ હતા
Their own persons →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved