Opinion Magazine
Number of visits: 9448702
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સળીઅો

અનિલ વ્યાસ|Opinion - Literature|14 June 2013

(નિબંધ)

પડ્યા કપાઈને બે હાથ તો ય આંગળીઓ,
વીણ્યા કરે છે હજી આસપાસની સળીઓ.

સવારે આંખ ઉઘડે ત્યારે માંડ માંડ કશું વરતાય એવા ઝાંખા અજવાળાના દિવસોમાં કાગડા ગામ પહેલાં ઊઠીને કૂકડા સામે વટે ચડ્યા હોય. વાતાવરણમાં ઠરેલી ઠારની ભીનાશ ચાટવા મથતી અમારી ચાંદરી ભેંસ દોરડું તૂટી જાય એટલી લંબાય … એ જોતી એની પાડી માંજરી અસમંજસમાં સ્થિર થઈ ગઈ છે. અવાજ ના થાય એમ તબડકું ખેસવી લઈ ફળિયું વટાવતી બાનો અણસાર આવતાં જ ચાંદરી ચામડી થથરાવતી ભોંયે ખરીઓ ઘસવા માંડે, માંજરી ચારે ય પગે ઠેકતી આરડે એટલે બા હડફડ ચાલે નજીક જઈ એની પીઠ અને માથું પંપાળે. માંજરી બેય ભેંસો સામે વિજેતાની નજરે જોઈ બાને ચાટવા માંડે. મને એ દ્રશ્યની કાયમ ઈર્ષ્યા આવતી. બાએ કોઈ દિવસ આ પાડીની જેમ મને વ્હાલ કર્યું નથી. જ્યારે જુઓ ત્યારે ભઈ આ કર ને પેલું કર ! લૉ, અમે ડોબાથી ય ગયા ? રમેશ લાડવાને જરા વાત કરી તો એ દાંત દેખાડવા માંડ્યો. ‘આ લે .. લે .. આને તો ભઈ ડોબાનું  ય ઝેર ? ફદલ એ ય ફદલ …’ મેં એના મોઢા પર હાથ દાબી દીધો. મૂંગો મર હાળા ઝંડ .. મૂંગો … જો કે ઘડીભર એ મોં બંધ રાખે પણ વાત અમારી ટોળકીમાં ફેલાવાની એ નક્કી. મારી વાત થાય એમાં મને કશી પીડા નહિ, પણ વાત વાતમાં જો કોઈ બા માટે આડું તેડું બોલે એ કંઈ સાંખી લેવાય ? પછી ઝઘડો પાક્કો ! ઝઘડાથી કોણ ડરે ? પણ બપોરનો પોગરામ પડી ભાંગે એની હોળીમાં લાડવાની કેટલી ય મનવર કરવી પડી. ગઈ સાલ અમારી ટોળકીએ વટ પાડી દીધેલો. આખી ય બ્રહ્મપોળમાં સહુથી વધારે ગંઠા અમે બાંધેલા. પાંદડે પાંદડું ચાવળી ચાવળીને તોડેલું. ના સડેલું ના વળેલું કે ના ખાબડિયું. દાદા રાજી રાજી થઈ ગયેલા, 'કે'જે તારી બાને દહકું આલશ્યે ગોળો ખાવા, ખાખરાનાં પાનની ભારીઓ બાંધતા બાંધતા દિનુ ટુનટુન પાંદડાં ભેગાં કરી ફુલ્લીનો એક્કો બનાવતો કે તૂટેલું પાંદડું દેખાડી 'લ્યા જો, લગડું આયું' કહી પાંદડું જમીન પર દોડાવતો,નીલેશ છત્રી ખાખરાની સુંવાળી બરડ ડાળી આંગળા વચ્ચે અવળી સરકાવી ઊભા રૂવાંની ભાત ઉપસાવવા મથતો, ભારીઓ બંધાય એટલે પછી છાપરે સૂકવવા નાંખવી પડે, પતરાં ગરમ લાય જેવા થઈ ગયા હોય ત્યારે ભારીઓ ઉથલાવવા ફદલ (કિરીટ) છાપરાં પર કૂદતો બંને હાથમાં ભારીઓ વિંઝોળતો, બળતા પગે સંતુલન જાળવવા દોડતો પગ ઠેબવતો. બહુ દઝાય ત્યારે ભારી પગ નીચે દબાવી પોરો ખાતો, એની ઠેકાઠેકથી માંડ માંડ જંપેલા શાંતાબા ઊઠી જતાં. ‘મૂઆ નખ્ખોદિયા કંઈ કામ ધંધો છે કે નહિ?’ની હાક જગવતા ખસી ગયેલો સાલ્લો સરખો પહેરતાં પહેરતાં જ બહાર આવતાં. ‘કિયો છે ઈની માનો ધણી ?’ આ ટાંણાંની રાહ જોતો બેઠો હોય, એમ રમેશ લાડવો બીલ્લી સદૃશ પ્રગટ થતો, કોઈને વઢ ખાતાં જોઈ એના મુખ પર કોઈ અનેરી કાંતિ છવાતી. ભારીઓ દિવસમાં બેથી ત્રણ વાર ઉથલાવવી પડે. પાંદડાં વધારે તડકામાં રહે ને લીલાશ ઓછી થઈ જાય, તો પતરાળું બરાબર ના લાગે એટલે સુકવણી ધ્યાનબદ્ધ કરવી પડે. એમાં ફદલ સિવાય કોઈનું કામ નહિ. એ ગરોળીની જેમ છાપરે ચડી જાય પણ સાચેસાચ ગરોળી જોઈ જાય તો રાડ પાડી ને નાસે. જો કે  અમારા  પાનાંની સુકવણી વખણાતી હોય તો એના લીધે. પાનખર ચારેકોર વેરાયેલી ઝાડ પાન ખેરવવા મંડેલા ને લીમડા તો ઝપટાવા માંડેલા. બા કે' ‘લ્યા બધા તાપમાં રખડી ખાવ છો તો થોડી સળીઓ ભેગી કરી લાવો તો કૉમમાં આવે. હવે નવા ગંઠા છોડવા પડશે ભઈ’. લાલો ઉછળીને કહે, 'બા ત્રણ ઠેકાણે લીમડાના વન છે. અમે કાલ ને કાલ ઉશેટી લાઈશું'. બોલે બંધાયા પછી ડગલું ભર્યું કે ના હટવું ના હટવું. પણ આ લાડવો હખણો નહીં મરે ને ડોબા વળી વાત વહેતી મૂકી દેશે તો ગરબડ ! મારા ભાગનો દહકો આપીશ એવી ધારણ આલી એટલે જીભ ઝાલી રહી. બપોરના જમણનો ઓડકાર આવે એ પહેલાં અમે ભાગોળે ભેગા થઈ ગયા હોઈએ. લાડવો કે' ‘પેલ્લા ધકાના માઢ પાછળ જઈએ.’ ધનજી કાનજી ઝીઝાંનો જુનો ડે’લો હવે ધકાના માઢથી ઓળખાતો. માઢ પાછળના વાડામાં લગભગ વીસેક મોટા લીમડા ફાલેલા, એના છાંયડે પતરાની પાટીવાળા પલંગ ને ખાટલા ઢાળી ઢાળી ઝુડીવાળા બેસે. સુપડા જેવા પાતરમાં અડધે સુધી તમાકુ ભરી હોય બાકીના અડધા ભાગમાં ટીમરુનાં જરાક લંબ-ચોરસ કાપેલાં પાન ને લાલ અને કાળી દોરીના પીલ્લાં. બાજુમાં પલાળીને નીચોવેલા ધોતિયાના કકડામાં ટીમરુનાં પાન બાંધ્યાં હોય. સુકાં પાન વાળીને બીડી બનાવાય નહીં ને પાણી છાંટી ને પાન કાળું પડાય નહિ એટલે ભીના કકડામાં હવા ખવડાવવી પડે. હવાયેલાં પાન કાપવાં-વાળવાં સહેલા પડે. ધનજીમામા, કા'ભૈ દાદા, ત્રંબક ઢોચકોને તળશી અદા …. આ ટોળીમાં તળશી અદા બીડીઓ વાળવામાં એક્કા ને એવી જ એમની અદા ! કલાકારની લચકથી કાતર ચલાવે. એક પાદડાંમાંથી બે પાન કતરાય એની કાળજી લે. સાંજે ઊભા થતાં ચારેબાજુ પડેલી બધી કતરણ ભેગી કરી લે ને ઘેર લાવી પતરાના ડબામાં ઠાલવે 'તેવડ તીજો ભઈ શું ? હવારે બંબો સળગાવવા કામ લાગે.’ ભગુમામા એમની ફીરકી લે' આ તેવડે તારું નખ્ખોદ કાઢ્યું, ફાડ્યા ! પણ સાંભળે એ બીજા. ત્રાંસી હથેળીએ તમાકુ વાળી ઢગલી સરખી કરતાં ડાબા હાથનો અંગુઠો અને બીજી આંગળીથી પત્તું દબાવે. તરત  પહેલી આંગળી પત્તાનો ખૂણો વાળી લે. સ્હેજ જ હથેળી હવામાં ઘૂમે ને પેલું પત્તું હથેળી પર ગોઠવાઈ જાય.  અંગુઠાથી એક ખૂણો અને બે આંગળીઓ વચ્ચે વાળેલો ખૂણો …. બાકીનું પત્તું વધેલી આંગળીઓ પર ઠેરવાયું હોય. તમાકુ ઠલવાતાં જ ટચલી આંગળી પત્તું નીચેની તરફ વાળી વળાંક બનાવે ને બીજા હાથનો અંગુઠો અને આંગળી છેડો અંદર દબાવતાંક ભૂંગળી વાળી લે. વળેલો ચપટો છેડો ચપ્પાની અણીથી અંદર દબાવી લાલ દોરાના   બે ત્રણ આટાં લપેટી દોરો તોડી વળ ચડાવ્યો કે બીડી તૈયાર! જો કે, બીડી વાળવાની ધનજીમામાની ઝડપને કોઈ ના પહોંચે. સાંજ પડ્યે એમની બાજુમાં ગડીઓનો ગંજ ખડકાયો હોય. મોટા ભાગે જાડી બીડી બનાવવા લાલ દોરો પાતળી બીડી વાળવા કાળા દોરાની વપરાશ થતી. વળતી જતી બીડીઓ સાથે કેટલીય વાતો વીંટાતી-ઉકેલાતી. કેટલીય વાર થડ ઓથે કે ચોતરા નીચે સંતાઈ એમની વાતો સાંભળી મોટાઓની ખાનગી વાતો જાણવાનો અમે પોરસ કરતા. પણ એ વાત કહીયે ત્યારે અમને કોઈ ખાસ ગણતું નહિ, એટલે અમારો પોરસ પાનખરમાં લીમડાની સળીઓ ગરે એમ ગરી પડતો. ઉકળતા ઉનાળે લીમડાની છાયામાં ઝૂડીવાળા સિવાય, ઠાકોરવાસના કેરમ રમવાવાળા, સાત કુકરી રમવાવાળા  ને ગંજીપાવાળાના ચોરા જામતા. જુગાર રમનારા એટલે ટકેલા કે પીવાના પાણીની કોઠીઓ ભરાવવાનો ખર્ચો દરેક બાજીના ભાગમાંથી નીકળતો. આ જુગારી ગેંગ બે ધારી તલવાર જેવી. બે-ત્રણ બાજી કોઈ જીતી જાય તો હારેલો ગાળ બોલીને કાઢે ને નજીક જઈએ ને કોઈ બાજી ગુમાવે તો,' અટિયા લગાવછ હાળા ? ઊભું થા અહીંથી'. બોલતા તગેડે. એવી દાઝ ચડે ! કાચી કટ્ટ લીંબોળી લીંબોળીએ ફટકારવા જોઈએ. લાલો કે'  'આ લોકોના નાસ્તામાં લીમડાનો  મૉર ભભરાઈ દેવો છે?' દિનુ અકળાય, ‘મૉર તો મ્હેકે ડફોળ, એવા આઈડિયા ના ચાલે. હા, એમની પપૈયાની ચટણીમાં થોડી લીંબોળીઓ છીણીને નાંખી દઇએ.'  બધા ખડખડ હસી પડે. નીલેશ આખી ય ટોળીને થુંકા થુંક કરતી જોતો હોય એમ વર્ણન માંડે. એ તો આડ વાત પણ મૉર મ્હૉરે ત્યારે આખો ય વાડો મધમધી ઊઠે. એ વખતે એ સુગંધ સમજાતી નહિ પણ કડવી મીઠી ફોરમથી મન ધરાતું નહિ. કોઠીના મોંએ બાંધેલા ટાટ (કંતાન) પર ગરેલા મૉરની સુગંધવાળું પાણી પી ઊંડો શ્વાસ લેવાની હરીફાઈમાં ભલે દિનુ ટુનટુન લાંબો શ્વાસ તાણે, પણ સુખડી ખાવાની લાલચે એની હાર વણલખી રહેતી. ચૈત્ર વૈશાખના વાયરા વરતાય એ પહેલાં ખાખરાના ગંઠા માળીએ ચડે, લીમડા મ્હોરી  ઊઠે. એવે બા નકોરડા ઉપવાસ કરતી. આસો મહિનાના નવરાત ભલે ઘેરઘેર ઉજવાય પણ બાને મહિમા તો આ ચૈતરના મોટા નોરતાનો. દાદા અંબાજીના ભગત ને કુટુંબમાં માતાજીનું કરવઠું એટલે ઘેર ગરબો લેવાતો. જો કે દીવો પૂજા બા કરતી, ‘એમને વખા પડે બચાડા જીવને.’ બદલામાં દાદા શરીર નરવું રાખવા લીમડાનો મૉર પીતા. ‘આ મૉર પીએ એટલે માતાજી પરસન્ન!’ સૂરજનો તડકો અડે ને મૉર ગરે એ પહેલાં તોડી લાવવાનું કામ અમારું. અમે મૉર લાવીએ પછી દાદા ફૂલડી ય ન ગરે એમ જાળવીને જાડી ડાંખળીઓ તોડી મૉર ધુએ. લાંબા ખરલ પર પાથરી એમાં મીઠાનો ગાંગડો ને કાળાં મરી ઉમેરી બરાબર લસોટે. મૉર લસોટતાં ય એમની નજર અમારા પર જ હોય. લ્યા છોકરોં નાહતા નહિ. એવો મેઠો મૉર બનવાનો …. બોલતાં પીત્તળની પવાલીમાં મૉરનો લચકો નાંખી તમામનાં નામ ગણી ગણી પાણી ઉમેરતાં જાય. રમેશ લાડવો કે ફદલ કોક આવી જાય તો છટકી શકાય પણ …. હું, લાલો અને નિલેશ તો ઘરનાં એટલે ઉબકા આવે તો ય  કાઢો પી જવો પડે. મોઢું બગાડીએ તો બા કે’ ‘પી લે ભઈ, લીમડો કડવો પણ નરવો બહુ. હેંડ પછી સુખડી આલું.’

આ ધોળી ફૂલડીઓ ક્યારે લીલી બની લીંબોળી બંધાય એનું ધ્યાન રાખવાનુ નક્કી કરીએ પણ વધેલા વાયરે ચડેલી ધૂળના તોફાન ભેગું સઘળું વહી જાય. કાચી લીંબોળી તોડી એમાંથી ઉઝતું દૂધ જોવાની, એના કરતાં ય લીમડાના થડનું છોડિયું ઊખાડ્યા બાદ ધારોમાં જામતો ગુંદર ખોતરીને ભેગો કરવાની વળી જુદી જ મજા ! કોઈ મોતી જેવા દાણા, કોઈ પારદર્શક પરપોટીઓ ને ભરભર ભૂકો  તો નરી સોનેરી ખાંડ. દિનુની મા રશિયન પત્રિકાઓની કોથળીઓ બનાવે છે. એનો જાડો લીસો કાગળ ગાલે ફેરવવાની મજા તો કંઈઈ … ભગુમામા જાંગિયા બોડીસમાં નાચતી છોકરીના ફોટા કાતરીને ગાદલા નીચે સંતાડતા. ‘રાતે ગરમાટો રૅ જરા, બીજુ શું?’ કહી ધનજીમામાની તાળી લે. પણ નવા મેગૅઝિનથી સાચવવું પડે. લીસા કાગળની ધાર ટેરવું ચીરી નાંખે એવી તીખ્ખેવાર ! શારદામાસીનાં ટેરવું બે ત્રણ વાર કરપાઈ ગયેલું. કરપ એવી મખમલી કે કોથળી કે ગુંદરની પીંછી લોહીવાળી થાય ત્યારે ખબર પડે કે આંગળી કપાણી ! લાલો ઉમેરે, ‘નવી સરકારી નોટો ય આવી કરામતી હોય છે, હું જાણું ને.’ સાંભળી ફદલ પૂછે : ‘કેમ બીક લાગે છે સરકારની ?’ ઊંહું … કહેતા લાલો પગ ઉતાવળે ઉપાડે.

દાની વડ, મોટી સડક ને નેળયું વટાવી ફેદરા જવાના રસ્તે આગળ વધીએ ત્યાં ગોચર પડખે નર્યા લીમડા છે. વન વિભાગવાળા આવી દર વરસે એકે એક લીમડાના થડને અડધા મૂળમાંથી ગેરુ અને ઉપર ચૂનાનો પટ્ટો ચોપડી જાય છે. એ લીમડા વનની પાસેની નદી પર આગલા ગામે આડબંધ બંધાયા પછી પાણીનો સાવ નાનો રેલો વહે છે. એ છીછરા રેલામાં પેલા ચીકટા કાગળની હોડીઓ બનાવી તરતી મૂકવાની ને છેક લગી પલટી ખાધા વિના કોની હોડી આગળ નીકળે એ રમવાનું ચાલે. ત્યાં ઘણી સળીઓ ખરી હોય. લીમડાની દાતણ જેવી બે ડાળીઓ તોડી, બે ડાળી આંગળીમા ફસાવી દંતાળી બનાવી સળીઓ વાળી લેવાની. આ સળીઓ વાળતાં સાચવવું પડે. ગરેલાં પાંદડા ને સળીઓના થર નીચે ઠંડક ખાવા લાલ ઝેમેલો અને મંકોડા જંપ્યા હોય કે રાફડા બનતા હોય. દંતાળી ને બદલે જો આંગળીએ વળગે તો ડોકું તૂટી જાય તો ય આંકુડિયો ના છોડે એવા જિદ્દીડા હોય છે. સળીઓ ભેગી કરી કઠણ ભોંય પર ઢગલો કરતા જવાનું. ખાસ્સો ઢગલો થાય એટલે સહુ પોતપોતાના ઢગલે બેઠક જમાવે. સળીઓના પાંદડા સેરવી ભારીઓ કરવાની. આંગળી ને અંગૂઠામાં સમાય એવડી ભારી બાંધતા જવાનું, બાવળ કે ગુંદાની છાલથી ગાંઠ બરાબર વળે. એ ભારીઓ લઈ રસ્તે કૂવેચથી બચતા બચતા ચણોઠી વીણતા, કેરીઓ તફડાવતા ઘર ભણી વળીએ. ધકાના ડેલામાં ચોખ્ખાઈ બહુ એટલે સળીઓ હાથથી ય ભેગી કરાય ને ઝપાટાબંધ કામ થઈ જાય. ધનજીમામા નાકની દાંડીએ ઠરેલાં ચશ્માં ઉપરથી તાકી રે’. તળશી અદા હોઠમાં બીડી દબાવી ધુમાડો કાઢતાં, હળવેથી બીડી હોઠના એક ખૂણેથી બીજા ખૂણે ફેરવે ને થોડાક આનંદ ને થોડી રમૂજથી ડોકું હલાવે. રવિશંકરમામા ઊભા થઈ ઘટક ઘટક પાણી પીવે ને અમારી બાજુ તાકી બોલે,‘ વીણો તમતમારે વીણો ભઈ. આ કાંકરે કાંકરે જીવણલાલે હાત છોડીઓ પયણાઈ બાકી.’ તળશી અદા ટપ કરતી બીડી ચપટીમાં દબાવી કે’,‘તેવડ, લ્યા તેવડ તીજો ભઈ, શું.’ ને ચપટી સોતી બીડી હોઠે અડાડી ગોળ હોઠે ઊંડો કશ ખેંચે. અમે નીકળીએ ત્યારે એ તો કહેવાના જ, ‘આવજો, ભૈ.’

અમે સળીઓ  આંગણામાં નાંખી ખાવા દોડીએ. બા બધી ય સળીઓ ગમાણના પતરે મેલે, ‘સુકાશે પડી પડી.’ ઘરમાં આવી દસ પૈસાનો સિક્કો દેખાડતાં કહે, ‘બરફ ના ખાવાનો હોય તો જ આપું. ગોળા ખઈ ખઈને કાકડા પકવો છો. બોલો કબૂલ ? હું ને લાલો એક સાથે બોલીએ, ‘કબૂલ.’

*   *   *

ઘણાં વરસો પછી ફરીથી મોસાળ પાસેથી પસાર થવાનું બનેલું. થયું, ચાલો નાના બની જઈએ.

અમે જ્યાં ધીંગામસ્તી કરી ખાતા એ ફળિયું પથ્થરોથી મઢાઈ ગયું હતું. છાણા થેપેલી દિવાલો સુવિચારના રંગો પાછળ ચાલી ગયેલી. નકશીદાર ટોડલા ને પરસાળમાં ઝૂલતા હિંચકા ને બદલે તસોતસ જગા બોટી લેતી દિવાલો. આખી ય જાળીવાળી ઓસરીથી સાવ નોખું તરતું અમારું ઘર આરસ મઢ્યા ચોસલાં પાછળ ગારદ. ગમાણમાં મેડીબંધ મકાન ને લાંબુ પહોળું આંગણું જાણે નવેરી !

કોઈ અણસાર પારખે એવું ય નહિ, નહિ મારો અણસારો આપતી ધૂળ. ક્યાં હશે મારી પિલુડીની તીખાશ. કઈ રવેશમાં સંતાયું હશે બચપણ ? સ્હેજ આગળ જઈ જોવાની, ટેકરો વળોટી શરુ થતું વાઘું ઉતરવાની ઇચ્છા જ ન થઈ. પાછલા પગલે  પેલો કાયમ જીતતો એ ઊંડો શ્વાસ લીધો. ક્યાંય થી ય કહોવાયેલા ઘાસ અને પલળેલા પોદળાની સુગંધ ના આવી. સાવ અજાણ્યો એક છોકરો બહુ જાણીતી નજરથી જોતો નજીક આવ્યો.

‘કોને શોધો છો ?’

થયું કહું, તને જ.

પણ પેલી જાણીતી લાગતી નજરની શેહમાં પાછા વળી જવાયું.

(શીર્ષક પંક્તિ : ભરત વિઝુંડા)

16, Eton Court, Eton Avenue, Wembley, Middlesex HA0 3BB [U.B.]

Loading

14 June 2013 admin
← ભારતનું ભાવિ આ યુવા પેઢીના હાથમાં ?
દરિયો. વિશાળ, દરિયો. →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved