Opinion Magazine
Number of visits: 9509334
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાતી સાહિત્યકાર વ્યક્તિ આવા માહોલમાં લખે તો કેવું લખે?

સુમન શાહ|Opinion - Opinion|15 July 2018

આમ્સ્ટર્ડામની યાદો

પ્હૅરેલે કપડે થતી નાગાઇનું શું? યુવતીઓની સરેઆમ છેડતીથી માંડીને દુષ્કર્મ લગીનાં ઘોર અપમાન થતાં હોય એ સમાજને કેવો કહેવો?

વળી પાછો હું ટ્રમ્પના રાજમાં અમેરિકા પહોંચી ગયો છું. આમ્સ્ટર્ડામ યાદ આવે છે. ત્યાં હતો ત્યારે અમદાવાદ ને અમદાવાદ હતો ત્યારે ડભોઇ-વડોદરા યાદ આવતાં'તાં. યાદોના કૂવાને તળિયું નથી હોતું. ઊંડેથી ઊંડે લઇ જાય. પણ તાજી યાદોને શબ્દોમાં ઠારી લઉં તો બને કે થોડા સમય પૂરતી સ્ટૉપ થઇ જાય.

આમ્સ્ટર્ડામના શીફોલ ઍરપોર્ટ પર ફ્લાઇટના ગેટ લગી લઇ જતા પૅસેજીસ બહુ જ લાંબા હોય એટલે હું વ્હીલચૅરની આસિસ્ટન્સ માગી લઉં છું. એમ લઇ જનાર માટે કરુણા થાય એટલે નામ પૂછું. એ વ્હીલચૅર-છોકરીનું નામ 'જયદા' હતું. મેં એને કહ્યું – તારા નામનો અર્થ છે, યુ આરા પર્સન હુ બ્રિન્ગસ વિક્ટરી ટુ અધર્સ. એ ખુશ થઇ ગઇ. મને કહે – માય ગ્રેટગ્રાન્ડ પૅરન્ટ્સ વૅર ફ્રૉમ ઈન્ડિયા. હું પણ ખુશ થઇ ગયેલો.

આમસ્ટર્ડામ જેનું બિઝનેસ કૅપિટલ ગણાય છે એ 'ધ નેધરલૅન્ડ્ઝ'-ના પ્રાઈમ મિનિસ્ટર માર્ક રૂત્ત તાજેતરમાં ઇન્ડિયા આવી ગયા ને આપણા પ્રાઇમ મિનિસ્ટરને સાઈકલ ભેટ આપી ગયા. પણ એમાં શી નવાઇ ! આ તો સાઈકલોનો દેશ છે. આમ્સ્ટર્ડામમાં નાનામોટા સૌ સાઈકલ તો રાખે જ રાખે. ઑફિસેથી ટૉયોટોમાં ઘરે પહોંચેલો સી.ઈ.ઓ. પણ જમ્યા પછી પોતાની સાઈકલ પર શ્હૅરમાં આંટો મારી આવે. હું જાણતો નથી કે એમણે આપી એ સાઇકલ કેટલી મૉંઘી હતી.

એક વાર કુતૂહલવશ હું સાઈકલોની દુકાનમાં ગયેલો. મેં એકદમ રૂપાળી તરફ આંગળી કરી તો મને જણાવાયું કે – એ મૉંઘી છે ને એની કિમ્મત ૪૦૦૦ યુરો છે. ૧ યુરો = લગભગ ૮૦ રૂપિયા. એટલે આપણા ૩,૨૦,૦૦૦ની થઇ ! સસ્તામાં સસ્તી ૧૫૦-૬૦ યુરોમાં ય મળે. સાંકળો સાથેનાં તાળાં માર્યાં હોય. સાંકળ સાથેનું એક તાળું આશરે બે કિલોનું હશે ને મૉંઘામાં મૉંઘું ૧૨૦ થી ૧૪૦ યુરોનું આવે છે. છતાં સાઇકલો બહુ જ ચોરાય છે ને ચોરબજારમાં મળે છે પણ ખરી – સાઈકલોનું રિસાઇકલિન્ગ …

આપણે દ્વિચક્રી કહીએ છીએ પણ અહીં મેં ચતુર્ચક્રી પણ જોઇ, બે જણાં ચલાવે ને તે ય એ રીતે કે રિક્ષા ચલાવતાં હોય. કોઇ એવી કે આગલા વ્હીલ પછી બે બાય અઢી ફીટનું કૂંડી જેવું બૉક્સ હોય. એમાં બાળક સૂતું હોય ને નાનોમોટો સામાન પણ દબાવી રાખ્યો હોય. કોઇ એવી કે એકની પાછળ બીજીને જોડી દીધી હોય. બે-બે પૅડલ હોય, આગળપાછળ બેઠેલાં બન્ને જણાં ચલાવે. સૂતાં સૂતાં ચલાવાય એવી અને એવીને ચલાવનારા ય જોયા. આરામખુરશીથી પણ વધારે ઢળેલી પર એ સૂતો હોય ને મૉજથી પૅડલ મારતો જતો હોય. કોઇ એવી કે બન્ને હાથને થાય એટલા ઊંચા કરો ત્યાર પછી હૅન્ડલ હાથ આવે. પણ દોડાવતો હોય – કોઇ હઠયોગી જ જોઇ લો ! અરે, એક ફૂટ ડાયામીટરનાં વ્હીલ હોય ને એ પર ઊંચી ફ્રેમ બેસાડી હોય. મને થાય, નાના વ્હીલ પર આટલો જોરજુલમ શાને …વળી, સાંભળો, અહીં સાઇકલોનાં થીમ – વિષયવસ્તુ – હોય એવી ઘણી ચીજો મળે – આખા શર્ટ પર ઝીણી ઝીણી રંગરંગીન સાઇકલો છાપી હોય. લાગે જાણે તમે સાઇકલોના જંગલને ઓઢ્યું છે.

આમ્સ્ટર્ડામમાં સાઇકલ, સ્કૂટર, મૉટરબાઇક, ટ્રામ, મૅટ્રો, કાર, બસ અને બોટ એમ સર્વ પ્રકારનાં વાહનો છે. પહેલાં ફૂટપાથ. પછી મૅલા તાંબાના રંગનો અલગ અપવર્ડ સાઈકલટ્રૅક. પછી કાર અને સ્કૂટર કે મૉટરબાઇકને માટેની અપ-લેન. પછી ટ્રામટ્રૅક. વળી કાર સ્કૂટર મૉટરબાઈકની ડાઉન-લેન. વળી, મૅલા તાંબાના રંગનો ડાઉનવર્ડ સાઈકલ ટ્રૅક. અને પાછો, ફૂટપાથ. કોઇ કોઇનાંમાં કદી પણ ઘૂસે નહીં. પોતાના ટ્રૅક પર રહેવાની સૌમાં મને અપાર ધીરજ જોવા મળી, જે આપણે ત્યાં છે જ નહીં. માત્રએક પૅસેન્જરની જગ્યાવાળી canta અને smart નામની કપલ-કાર તેમ જ એવી જ ટૅક્સી-કાર મને મજાની લાગેલી. લૅડિ-પૅસેન્જર જોડે ડ્રાઇવર વાતો કરતો ચલાવતો હોય ને એ બહેન પણ હસતાં રહેતાં હોય. આમ્સ્ટર્ડામમાં આપણે ત્યાં છે એવી કારો ભાગ્યે જ છે, યુરોપિયન કારો વધારે છે. અત્યન્ત સુન્દર અત્યન્ત સ્વચ્છ. કાર જેવી જ અહીંની નાર છે. ગ્રીક અને રોમન લિટરેચરમાં વાંચેલી અને શિલ્પોમાં જોયેલી એવી આરસવર્ણી સ્ત્રીઓ. નાક ન તીણું, ન બૂચું. હોઠ ન જાડા, ન પાતળા. સુવર્ણકેશી ગૌર સૌષ્ઠવી દેહ-રૂપની જીવલેણ સુપિરિયોરિટી. જોયા વિના નહીં સમજાય …

બે માસના નિવાસ દરમ્યાન સમર હતો. સાંજ તો ૧૦.૩૦ લગી ચાલે, પછી રાત પડી કહેવાય. તડકાવાળા સનિ-ડેઝ જોવા મળેલા. અમારું ઘર, ઉપર વર્ણવ્યા મુજબનો ટ્રાફિક ધરાવતા રોડ પર છે. રોડ પછી સામે આમ્સ્ટેલ રીવર છે. સફેદ-ભૂખરી ડોકવાળાં કાળાં ડક્સ નદીના કિનારા પાસે તરતાં હોય. સીગલ તરાપ મારતાં ઊતરે ને ખોરાકને ઝડપી લે. ઉપર આકાશમાં જેટ ગયાના લાંઆબાઆ લીસોટા દોરાયા હોય. હશે આમ્સ્ટેલનો પટ ૨૦૦-૨૫૦ ફીટનો. અમારા કિનારાની સામેના કિનારે પ્હૉંચવા આડો બ્રિજ લેવો પડે. હું અમારા ઘરથી કુલ ચાર બ્રિજનું ચક્કર લગાવી ઘરે પાછો ફરતો. મને બેનાં નામ યાદ છે – બૅરલાર્ગબ્રુગ અને ક્રૅમરબ્રુગ. 'બ્રિજ'-ને 'બ્રુગ' કહે છે; 'સ્ટ્રીટ'-ને 'સ્ટ્રાટ'.

બે બ્રિજ વટાવું પછી નદીકિનારે ટૅનિન્ગ માટેનો ફૂટપાથ આવે. સંખ્યાબંધ યુવતીઓ પ્રૌઢાઓ તડકામાં શરીરને શેકતાં પડ્યાં હોય. માત્ર બિકિનીમાં હોય. યુવાનો માત્ર ચડ્ડામાં હોય. નદીમાં ધુબાકા સાથે ન્હાઇ લીધા પછી બધાં ચત્તાં સૂતાં હોય. કોઇ કોઇ ઊંધાં પણ ખરાં. વાતો કરતાં હોય, વાંચતાં હોય, ખાતાં હોય. પરિદૃશ્ય જોઇને પહેલે જ દિવસે મેં પૂછી લીધેલું : ઇઝિટા પ્રાઇવેટ એરિયા -? : નો-નો ! ધિસ ફૂટપાથ ઇઝ ઓપન ફૉર ઍવરિવન. હું નીચા મસ્તકે નીકળી જતો, તો ય નજર તો થઇ જ જતી. આટલું લખી શકાયું તે એટલું જોવાયું હતું એને કારણે. આપણી દૃષ્ટિએ તો બધાં 'નાગાં' જ કહેવાય. એટલે એમાં શરમાવાનું તો પ્હૅરેલાએ જ ને ! પણ મને સવાલો થતા : પ્હૅરેલે કપડે થતી આપણે ત્યાંની નરી નાગાઇનું શું? યુવતીઓની સરેઆમ છેડતીથી માંડીને દુષ્કર્મ લગીનાં ઘોર અપમાન થતાં હોય એ સમાજને કેવો કહેવો? એ આમ તો પૂરો ઉત્તેજક એરિયા, પણ એમાં મને સૅક્સ્યુઅલ બીહેવીઅર તો નહીં જ નહીં પણ જરા જેટલા ય જાતીય વિકાર વિનાની સહજ કુદરતી નગ્નતા જ જોવા મળી છે. આમ્સ્ટર્ડામ સર્વ પ્રકારે મુક્ત શહેર છે. પ્રવાસીઓ આના ફ્રૅન્ક હાઉસ કે વાન ગોઘ અને રાઇક્સ મ્યુિઝયમની ટૂર લેવા તો જાય જ જાય પણ આમ્સ્ટર્ડામનો રેડ-લાઇટ ઍરિયા જોવા પણ જાય. ત્યાં દારૂડિયા રખડતા હોય કે ભડવાઓ ભટકતા હોય એવું કદ્દી પણ બને જ નહીં. કહેવાય છે કે વિશ્વનો એ સ્વચ્છતમ રેડ-લાઇટ ઍરિયા છે. આવું બધું જોયાજાણ્યા પછી સંસ્કૃિત એટલે શું કે સભ્ય હોવું એટલે કેવા હોવું એ પ્રશ્નો પાસે મગજ મારું ઠપ્પ થઇ જાય છે.

આવી તો ઘણી વાતો છે. સવાલ એ છે કે ગુજરાતી સાહિત્યકાર વ્યક્તિ આવા માહોલમાં લખે તો કેવું લખે. એની વાત કોઇ બીજા શનિવારે.

= = =

[૧૪/૭/૨૦૧૮ના “નવગુજરાત સમય” દૈનિકમાં પ્રકાશિત લેખ અહીં સૌજન્યસહ મૂક્યો છે]

https://www.facebook.com/suman.shah.94/posts/2006795776017992 

Loading

15 July 2018 admin
← મહાન છતાં ય છેતરામણો સર્જક !
પાકિસ્તાનની રાષ્ટ્રીય ધારાસભામાં ૩૪૨માંથી પંજાબની ૧૮૩ બેઠકો હોય ત્યારે જેલમાં રહીને પણ ચૂંટણી જીતી શકાય છે એ નવાઝ જાણે છે, પરંતુ છે મોટો જુગાર →

Search by

Opinion

  • દિવાળીમાં ફટાકડાનું પ્રદૂષણ : જોખમ પર આનંદ કેમ ભારે પડી જાય છે?
  • ખાલી ચણો વાગે ઘણો –
  • પ્રેમનું નગર
  • આપણા શ્રેષ્ઠ યોદ્ધાઓના નાયક
  • પીયૂષ પાંડેનું સૌથી મોટું યોગદાન હતું ‘મિલે સૂર મેરા તુમ્હારા’

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved