હૈયાને દરબાર
આ ગીતમાં ગૂઢ વિષયાસક્તિ, સૌંદર્યમંડિત કામુકતા છે, પરંતુ એ જે રીતે અભિવ્યક્ત થઈ છે
વનગરની કોલેજમાં ગુજરાતી વિષયના પ્રાધ્યાપક, ઉમાશંકર જોશી એવૉર્ડ સહિત અનેક એવૉર્ડ્ઝ જેમને મળેલા છે એ તથા આ લખાઈ રહ્યું છે ત્યારે જ કલાપી એવૉર્ડ આ વર્ષે (2018) જેમના નામે જાહેર થયો એ કવિ વિનોદ જોશી સાથે ગોષ્ઠિ તથા એમનાં ગીતોની પ્રસ્તુિતનો એક સુંદર, ઔચિત્યપૂર્ણ કાર્યક્રમ ગયા મહિને ભારતીય વિદ્યાભવનમાં યોજાઈ ગયો. કલાપી એવૉર્ડની જાહેરાતને પગલે અનાયાસે આ લેખ પણ પ્રસ્તુત બની ગયો એટલે સૌપ્રથમ તો કવિને આપણા સૌ તરફથી અઢળક શુભેચ્છાઓ.
વાત કરીએ કાર્યક્રમની તથા વિનોદ જોશીનાં ગીતોની. શ્રદ્ધા શ્રીધરાણી અને જાહ્નવી શ્રીમાંકર દ્વારા વિનોદ જોશીનાં ગીતોની પ્રસ્તુિત કરવામાં આવી હતી. જાહ્નવીને કંઠે પહેલી જ પ્રસ્તુિત થઈ કારેલું કારેલું મોતીડે વઘારેલું ગીતની. પહેલી નજરે રમતિયાળ લાગતા આ ગીતને ધ્યાનપૂર્વક સાંભળ્યું તો એના એક એક પડમાંથી જુદા જુદા અર્થ પ્રગટવા લાગ્યા હતા. કાર્યક્રમ દરમ્યાન પછી તો વિનોદભાઈની રસપ્રચૂર વાતો અને તેમનાં ગીતોમાં દર્શકો ભીંજાતા ગયા. ફક્ત બે જ ઈન્સ્ટ્રુમેન્ટ સાથે ‘અનપ્લગ્ડ’ કહી શકાય એ પ્રકારનો કાર્યક્રમ કરવાનો સરસ વિચાર કમલેશ મોતાનો હતો. યુવા પેઢીને આકર્ષવા આવા પ્રયોગો આવકાર્ય છે, ખાસ તો સાહિત્યિક મૂલ્ય ધરાવતા કાર્યક્રમોમાં. સાહિત્યિક કાર્યક્રમની ગરિમા જળવાય એવી સુંદર રજૂઆત હતી.
વિનોદ જોશીની સાચી ઓળખ છે એમની કવિતા, એમનાં ગીતો. એમનાં લગભગ દરેક ગીતમાં નારી સંવેદના બહુ સૂક્ષ્મ રીતે પ્રગટે છે. ભાવનગરના આ કવિ ખરા અર્થમાં ‘ભાવ’ના કવિ છે. એમનો ભાવ બધી રીતે ઊંચો છે એમ કહીએ તો પણ અતિશયોક્તિ નહીં જ કહેવાય. વિનોદ જોશીનાં ગીતો સાંભળવામાં તો કર્ણપ્રિય છે જ પણ તમે એ ગીતને અડકી શકો, તાદૃશ જોઈ શકો એટલાં સહજ-સ્વાભાવિક-સુરેખ છે. ગતાંકમાં આપણે જેની વાત કરી હતી એ ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી … ગીત કેટલું બધુ મુખર, લાઉડ હતું જ્યારે આજના ગીતમાં પણ ગુલાબજાંબુ અને કારેલાં જેવી વાનગીની વાત આવે છે પણ બન્ને ગીતોનાં ભાવસંવેદનમાં આસમાન-જમીનનો ફરક છે. કારેલું … ગીતમાં ગૂઢ વિષયાસક્તિ, સૌંદર્યમંડિત કામુકતા છે, પરંતુ એ જે રીતે અભિવ્યક્ત થઈ છે એ માટે કવિને સલામ કરવી પડે. આ ગીતમાં નાયિકાની નજાકત તો જુઓ! આંજું રે હું આંજું, ટચલી આંગળીએ દખ આંજું, નખમાં ઝીણાં ઝાકળ લઇને હથેળિયુંને માંજું …! કાવ્યનાયિકા કેવી નાજુક-નમણી રમણી છે, જે નખમાં ઝીણાં ઝાકળબિંદુ લઈને હથેળીને માંજી શકે છે!
આ એ કવિ છે જે આંસુને શણગારી શકે છે ને શણગારેલા આંસુને સારી પણ નાખે છે. કવિતા પોતે બહુ મોટી ચેલેન્જ છે. ભાષાના માધ્યમથી એ આપણી પાસે આવે છે. કવિએ એને બરાબર સેવી છે. તો જ આવા હૃદયસ્પર્શી શબ્દો ઊતરી આવેને! ઋષિ કવિ રાજેન્દ્ર શુક્લની પંક્તિઓ અહીં યાદ આવે છે. સુખડ જેમ શબ્દો ઊતરતા રહે છે, તિલક કોઈ આવીને કરશે અચાનક …! કવિની કલમથી ઊતરતાં કાવ્યને તિલક કરવાનું કામ કરે છે સંગીતકાર. ગીતને સુંદર વાઘાં પહેરાવીને, શણગાર સજાવીને સ્વરકાર મેનીક્વિન એટલે કે ગીતને ડિસ્પ્લે કરનાર ગાયક કલાકારને પહેરાવે છે, સમર્પિત કરી દે છે પછી એ ગીત ગાયકનું બની જઈને આપણા સૌ સુધી પહોંચે છે.
કારેલું .. .ગીતને સંગીતના સૂર દ્વારા તિલક કરનાર સંગીતકાર-ગાયક સુરેશ જોશી આ ગીત વિશે સરસ વાત કરે છે. તેઓ કહે છે, "લગભગ વીસેક વર્ષ પહેલાં આ ગીત મેં સ્વરબદ્ધ કર્યું હતું. એ જ સમયગાળામાં વિનોદ જોશીનાં મેં કમ્પોઝ કરેલાં અન્ય બે ગીતો રે વણઝારા … અને કાચી સોપારીનો કટ્ટકો … ખાસ્સાં લોકપ્રિય થયાં હતાં. દરમ્યાન આ ગીત મારા હાથમાં આવ્યું અને પહેલી નજરે ગમી ગયું. સ્ત્રી-પુરુષના નાજુક સંબંધોની વાત આ ગીતમાં નજાકતપૂર્વક થઈ છે. ગુલાબજાંબુ જેવું ગમતું પાત્ર ધારેલું ન નીકળે ત્યારે એ કારેલું બની જાય છે. નાયિકાની ફરિયાદ છે કે એને તો સોના વાટકડીમાં સરવરિયાં પિરસવાનાં ઓરતાં હતાં પણ કશુંક બન્યું એવું કે ડૂમો આંસુ થઈને વરસી ગયો ને સોના વાટકડીમાં આંસુ જ પિરસાયાં. પ્રિયતમ તરફથી જોઈએ એવો પ્રતિભાવ ન મળતાં નાયિકાની અતૃપ્તિની પરાકાષ્ઠા છેલ્લા અંતરામાં આવે છે : આંધણ ઓરું અવળાં સવળાં, બળતણમાં ઝળઝળિયાં, અડખે પડખે ભીના ભડકા, અધવચ કોરાં તળિયાં …!
પહેલાં મોઘમ બોલતી નાયિકા છેલ્લે ખુલી જાય છે છતાં એની ભીતરમાં તો ઘણું ભંડારેલું જ છે એ દર્શાવીને કવિએ કમાલ કરી છે. આજ ગીત પર વધારે કામ કરીને રેખા ત્રિવેદીના ‘સખીરી’ આલબમમાં અમે સમાવ્યું. રેખાબહેને પણ ખૂબ સરસ રીતે બહેલાવ્યું છે આ ગીતને. આમ, ધીમે ધીમે લોકપ્રિય થઈ રહેલું આ ગીત હવે તો બીજા ઘણા કલાકારો ગાય છે. "ભવન્સમાં આ ગીત જાહ્નવી શ્રીમાંકરે એની આગવી શૈલીમાં સુંદર રીતે પ્રસ્તુત કરીને સરસ સમા બાંધી દીધો હતો. કવિતાનાં શબ્દે શબ્દે નારી સંવેદનાનાં રહસ્યો પ્રગટતાં જાય એવી લાજવાબ અભિવ્યક્તિ છે. કારેલું અને ગુલાબજાંબુ વિશે પહેલેથી જ કંઈ ધારી લો અને ગીતના હાર્દ સુધી પહોંચો નહીં તો એક સ-રસ ગીત સાંભળવાની તક તમે ગુમાવી દો. સંગીતકાર-ગાયક આશિત દેસાઈએ પણ આ ગીત સ્વરબધ્ધ કર્યું છે. બેમાંથી જે સ્વરાંકન મળે એ સાંભળી લેવા જેવું છે.
http://gujaratigazal.com/?p=2846
ભવન્સ કાર્યક્રમમાં સ્પર્શી ગયેલું અન્ય ગીત હતું, રે વણઝારા …! વિનોદ જોશીના શબ્દ, સુરેશ જોશીનું સ્વરાંકન અને શ્રદ્ધા શ્રીધરાણીનો મધુર કંઠ. ગ્રામ્ય પરિવેશ ધરાવતા સુંદર બેકડ્રોપ સાથેના માહોલમાં રેગિસ્તાનનું ચિત્ર ઊપસી રહ્યું હતું. સુંદર-લાંબા કેશ ધરાવતી નાયિકાનો એક સોનેરી વાળ તૂટી ગયો ત્યારે વણઝારાના સંદર્ભે પોતાના નાયકને સંબોધીને નાયિકા મીઠી ફરિયાદ કરે છે કે તારી કાંગસીએ તોડ્યો મારો સોનેરી વાળ, મને બદલામાં વેણી લઈ આપ, રે વણઝારા …!
સંગીતકાર સુરેશ જોશીએ સ્વરબદ્ધ કરેલાં ગીતો સરળ, સહજ, મધુર અને પ્રસન્નકર હોય છે. ભાવનગરના વિનોદ જોશી જેમ ભાવના કવિ છે એમ સ્વરકાર સુરેશ જોશી ભાવોર્મિના સંગીતકાર છે. લાગણીની ભીનાશ એમનાં સ્વરાંકિત ગીતોમાં હંમેશાં અનુભવાય. રે વણઝારા … ગીતમાં સ્ત્રીની ઊર્મિ પરાકાષ્ઠાએ છે. હળવે હળવે એક એક ઈચ્છા, અભિપ્સા વ્યક્ત કરતી નાયિકા છેવટે પ્રિયતમ પાસેથી સર્વસ્વ ઝંખે છે. સ્ત્રી પોતાનું સમગ્ર અસ્તિત્વ એના પુરુષને સોંપી દે તો પુરુષ તરફથી શા માટે ઓછું પામવાનું? એટલે જ નાયિકા એક સ્થાને કહે છે :
પાથરણા આપું તને, આપું પરવાળા,
પૂનમ ઘોળીને પછી આપું અજવાળાં …
તારા ટેરવે તણાયા મારા કમખાના ઢાળ,
મને બદલામાં ટહુકો લઇ આપ … જેવી પંક્તિઓમાં ગર્ભિત ઈરોટીઝમ છે પણ એ ક્રૂડ નથી લાગતું. છેવટે તો સ્ત્રીની માતૃત્વની ઝંખના જ અહીં અભિપ્રેત હોય એવું લાગે છે.
https://www.youtube.com/watch?v=Ta6iGBUcCxg
સૌથી પહેલાં મીનાક્ષી શર્મા સાથે સુરેશ જોશીએ આ ગીત રેકોર્ડ કર્યું હતું એ પછી પુરુષોત્તમ ઉપાધ્યાયના એક આલબમમાં એમની દીકરીઓ વિરાજ-બીજલે પણ ગાયું.
કવિ પોતે પોતાની રચનાઓ સંદર્ભે કંઈ કહેવાનું મુનાસિબ નથી માનતા. એમણે તો કવિતા આપણને સમર્પી દીધી છે. ઈચ્છો એવું અર્થઘટન કરી શકો. આ બન્ને ગીતો હવે અમે તમને આપી દીધાં. યુ ટ્યુબ પર સાંભળવાનું ચૂકતા નહીં. અને હા, વિનોદ જોશીની કવિતાનો કેફ મન પર સવાર જ છે. આવતા અંકે એમના અન્ય એક અદ્દભુત ગીત સાથે ફરી મળીશું.
સૌજન્ય “: ‘લાડલી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 12 જુલાઈ 2018
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=414120