દેશની સૌથી મોટી ખાનગી બેંક આઈ.સી.આઈ.સી.આઈ.નાં મેનેજિંગ ડિરેક્ટર અને સી.ઈ.ઓ. ચંદા કોચર સામે ‘બેંક અધિકારીઓ માટેની આચારસંહિતા નહીં પાળવા’ વિષે આવેલી ફરિયાદની તપાસ કરવામાં આવશે એવો નિર્ણય બેંકના સંચાલક મંડળે લીધો છે.
સારું. આ કૌભાંડ તો ૨૯મી માર્ચે બહાર આવ્યું હતું તો તપાસ કરાવવામાં બે મહિના કેમ લીધા? બીજું, આ એ જ સંચાલક મંડળ છે જેણે બે મહિના પહેલા કૌભાંડની વિગતો બહાર આવી હતી ત્યારે ચંદા કોચરને ક્લીન ચીટ આપી દીધી હતી. આ વિષેનો ખુલાસો બેન્કના સંચાલક મંડળે બહાર પાડેલા નિવેદનમાંથી મળે છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કોઈ નનામી ધ્યાન ખેંચનારાએ (વ્હીસલ બ્લોઅર) ચંદા કોચર સામે નવા આરોપ કર્યા છે એને ધ્યાનમાં રાખીને તપાસ યોજવામાં આવી રહી છે. અહીં જ એક ખુલાસો કરી લેવો જોઈએ. એ ધ્યાન ખેંચનાર માણસ નનામી નથી. એ ધ્યાન ખેંચનારાનું નામ અરવિદ ગુપ્તા છે અને તેમણે પોતાની સહી સાથે વડા પ્રધાનને બીજો પત્ર લખ્યો છે જેમાં ચંદા કોચર સામે નવા આરોપ કરવામાં આવ્યા છે.
અરવિંદ ગુપ્તાએ ઇન્ડિયન ઇન્વેસ્ટર્સ પ્રોટેક્શન કાઉન્સિલની સ્થાપના કરી છે અને તેઓ તેના સ્થાપક ટ્રસ્ટી છે. અરવિંદ ગુપ્તાએ આ પહેલાં પણ કેટલાંક કૌભાંડો બહાર પાડ્યા છે જેમાં એસ્કોર્ટ હાર્ટ ઇન્સ્ટિટયુટ એન્ડ રિસર્ચ સેન્ટરને ટ્રસ્ટમાંથી કંપનીમાં ફેરવી નાખવામાં આવ્યું એ મુખ્ય છે. આરોગ્ય સેવાના નામે મફતના ભાવે સરકારી જમીન લીધી અને એ રીતે અબજો રૂપિયાની એસેટ ઊભી કરી અને પછી તેને નફો-નુકસાન કરતી ખાનગી કંપનીમાં ફેરવી નાખી. અરવિંદ ગુપ્તા પાંચસો લિસ્ટેડ કંપનીઓ પર નજર રાખવાનું કામ કરે છે. આવતીકાલે અરવિંદ ગુપ્તાની હત્યા કરવામાં આવે તો આશ્ચર્ય નહીં થાય. દેશમાં જ્યારે અબજોની લૂંટ ચાલતી હોય અને લૂંટ સામે જેમણે પગલાં લેવા જોઈએ, એ લોકો મોઢું ફેરવી લેતા હોય, ત્યારે નિહથ્થા માણસો કારણ વિના વચ્ચે મોઢું ઘુસાડે એ કેમ ચાલે. આ પાછા એવા લોકો છે જે ખરીદી ન શકાય એટલા મોંઘા અને તાકાતવાન છે અને રાજકીય વગ વિનાના દુર્બળ છે. સ્થાપિત હિતો ખુદ્દાર નાગરિકની દુર્બળતાનો લાભ લઈને હત્યાઓ કરે છે. અરવિંદ ગુપ્તાનું નામ યાદ રાખજો. ક્યારેક માઠા સમાચાર સાંભળવા મળી શકે એમ છે. આ દેશ આવા સામાન્ય લોકો થકી મહાન છે અને હજુ ટક્યો છે.
પણ સંચાલક મંડળ તો કહે છે કે કોઈ નનામા માણસે નવા આરોપ કર્યા છે એટલે તપાસ યોજવામાં આવી રહી છે. જો ધ્યાન ખેંચનારા માણસની અને તેના દ્વારા ચલાવવામાં આવતી જેહાદની ઓળખ આપવામાં આવે તો ધ્યાન ખેંચનારાઓ તરફ લોકોનું ધ્યાન જાય. લોકોનું ધ્યાન જાય તો પારકી છઠ્ઠીના જાગતલ જેવા અરવિંદ ગુપ્તાઓના હાથ મજબૂત થાય અને તેમની જેહાદને વેગ મળે. જો જાહેરહિતના રખેવાળોની સંખ્યા અને તાકાત વધવા માંડે તો તેમને ડરાવી ન શકાય અને જરૂર પડ્યે કાસળ ન કાઢી શકાય. આ તો આ બૈલ મુઝે માર જેવું થયું. આજે ચંદા કોચર છીંડે ચડેલાં છે, કાલે આપણે પણ હોઈએ.
માટે ચંદા કોચર સામેના આરોપને કોઈ અજાણ્યા-નનામા માણસના નામે ઉધારવામાં આવ્યા છે. ચારે બાજુ બહુ મોટી રમત રમાઈ રહી છે, પણ ભોળિયા ભક્તો દેશપ્રેમના નશામાં છે અને બીકાઉ મીડિયા ભોળિયા ભક્તોને ખોળામાં બેસાડીને અમલ પીવડાવી રહ્યા છે. જો ભરોસો ન બેસતો હોય તો તમારી જાતને એક સવાલ પૂછો: તમે આજ પહેલાં અરવિંદ ગુપ્તાનું નામ સાંભળ્યું હતું? ઇન્ડિયન ઇન્વેસ્ટર્સ પ્રોટેક્શન કાઉન્સિલ જેવી કોઈ સંસ્થા છે એની જાણ હતી? બે-ચાર અપવાદ છોડીને આની જાણ તમને નહીં જ હોય એની મને ખાતરી છે. ન જ હોય. કાલ્પનિક દેશદ્રોહીઓ સામેની આભાસી લડાઈમાં તમને ઉત્તેજિત રાખવામાં આવે છે કે જેથી પગ-માથા વાળા હાલતા ચાલતા વાસ્તવિક દેશદ્રોહીઓને બચાવી શકાય. જે લોકો સાચા દેશપ્રેમી છે અને જાનના જોખમે દેશદ્રોહીઓ સામે સાચકલી લડાઈ લડી રહ્યા છે તેનાં નામ અને કામથી તમને અજાણ રાખવામાં આવે છે.
હવે બીજો મુદ્દો. પહેલીવાર વીડિયોકોન કૌભાંડમાં જયારે ચંદા કોચર સામે આરોપ થયો ત્યારે બેન્કના બોર્ડે ચંદા કોચરને ક્લીન ચીટ આપી દીધી હતી, પરંતુ અખબારોમાં આવેલા અહેવાલ મુજબ સી.બી.આઈ. અને ડાયરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટે વીડિયોકોન કૌભાંડની પ્રાથમિક તપાસ કરી હતી. આ તપાસનો આદેશ કોણે આપ્યો હતો? બેન્કના સંચાલકોને સરકારી એજન્સીઓને તપાસ કરવાનો આદેશ આપવાનો કોઈ અધિકાર નથી. તો પછી એ આદેશ આપ્યો હતો કોણે અને પ્રાથમિક તપાસમાંથી શું બહાર આવ્યું? ચંદાબહેને એસ્સાર રુઈયાઓ સાથે મળીને એ જ રીતે પૈસા રોટેટ કરીને ૪૫૩ કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું એ વિગતો સી.બી.આઈ. અને ડાયરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટને હાથ નહોતી લાગી? કોઈ પણ પ્રકારની સત્તા નહીં ધરાવતી ખાનગી વ્યક્તિ જે શોધી શકે એ સી.બી.આઈ. અને ડાયરેક્ટોરેટ ન શોધી શકે?
હવે કેન્દ્ર સરકાર કહે છે કે આઈ.સી.આઈ.સી.આઈ. કૌભાંડમાં કેન્દ્ર સરકાર કોઈ પણ પ્રકારની દરમ્યાનગીરી નહીં કરે. દેખાવ એવો કરે છે કે કાયદો કાયદાનું કામ કરશે અને અમે તેની વચ્ચે નહીં આવીએ. સારી વાત છે, પરંતુ એ પહેલાં કેન્દ્ર સરકાર એક વાતનો ખુલાસો કરે: સી.બી.આઈ. અને ડિરેક્ટોરેટને પ્રાથમિક તપાસનો આદેશ કોણે આપ્યો હતો અને તેમાંથી શું હાથ લાગ્યું હતું, કારણ કે આ બન્ને એજન્સીઓ કેન્દ્ર સરકારની છે. કેન્દ્ર સરકાર કોઈ પણ પ્રકારની દરમ્યાનગીરી નહીં કરે એમ જ્યારે કહેવામાં આવે છે ત્યારે તેનો અર્થ તો એટલો જ થાય કે કેન્દ્ર સરકારે સી.બી.આઈ. અને ડાયરેક્ટોરેટને તપાસ થંભાવી દેવાનો આદેશ આપ્યો છે અથવા કેન્દ્ર સરકારની શક્તિશાળી એજન્સીઓને પ્રાથમિક તપાસમાં એ તથ્યો હાથ લાગ્યાં નહીં જે એક અદના નાગરિકને લાગ્યા. બસ, કેન્દ્ર સરકાર આટલો એક નાનકડો ખુલાસો કરી દે કે સરકાર દરમ્યાનગીરી નહીં કરે એનો અર્થ તપાસ થંભાવી દેવામાં આવી છે એમ કરવાનો? બાકી જે કૌભાંડ નિહથ્થા માણસને હાથ લાગે એ શક્તિશાળી એજન્સીઓને હાથ ન લાગે એવું તો બને જ નહીં.
ત્રીજો મુદ્દો. બેન્કના સંચાલકોએ કહ્યું છે કે ચંદા કોચર સામેના આરોપોની તપાસ ભરોસો બેસે એવી રીતે કરવામાં આવશે. એ તપાસ કરનારા કોણ હશે એ વિષે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. સંચાલકોએ પણ સી.બી.આઈ. અને ડાયરેક્ટોરેટની તપાસ ચાલી રહી છે કે આટોપી લેવામાં આવી છે એ વિષે કોઈ ખુલાસો કર્યો નથી. સેબીએ જારી કરેલી નોટીસનું શું થયું એ વિષે કોઈ ખુલાસો નથી. હા, એટલું કહેવામાં આવ્યું છે કે તપાસ દરમ્યાન ચંદા કોચરે બેન્કમાંથી રાજીનામું આપવાની જરૂર નથી. તપાસ યોજતા પહેલાં જ બેન્કના સંચાલકો એવા તારણ પર આવ્યા છે કે પરસ્પર વિરુદ્ધ હિત(કોન્ફ્લીક્ટ ઓફ ઇન્ટરેસ્ટ)નો કોઈ કેસ ચંદાબહેન સામે બનતો નથી.
નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી મીડિયાથી ભાગતા ફરવાની તેમની અંગત બીમારી હવે રાષ્ટ્રીય બીમારી બની ગઈ છે. જે કહેવું હોય એ ટ્વીટ કરીને કે નિવેદન બહાર પાડીને કહેવાનું. મોઢામોઢ થવાનું જ નહીં કે જેથી કોઈ વળતો સવાલ પૂછે અથવા ચહેરાના હાવભાવ વાંચે. નિવેદનનું અર્થઘટન કરીને કોઈ પત્રકાર વળી મોબાઈલ, ઈ મેઈલ, ટ્વીટર કે બીજાં માધ્યમો દ્વારા ક્વેરી મોકલે તો જવાબ આપવાનો નહીં. તમે અંગ્રેજી અખબારોમાં વાંચતા હશો કે સંબંધિત વ્યક્તિએ ઈ મેઈલ જેવાં માધ્યમો દ્વારા મોકલવામાં આવેલી કવેરીનો જવાબ આપ્યો નહોતો. દેશના વડા પ્રધાને પેદા કરેલું અને દેશને ભેટ આપેલું આ રાષ્ટ્રીય દૂષણ છે. સલામત અંતરેથી બોલવાનું પણ મોઢામોઢ નહીં થવાનું. ટી.ટી. કૃષ્ણમાચારીથી લઈને લાલુપ્રસાદ યાદવ સુધીનાં કૌભાંડો યાદ કરો: દેશની જનતાથી ભાગતા ફરવાની આવી આઝાદી કોઈએ ભોગવી હતી? એન.ડી. તિવારીના કહેવાતા સેક્સ સ્કેન્ડલમાં તેઓ મૂંગા રહીને ભાગી શક્યા હતા? વ્હાઈટ હાઉસમાં સેક્સ સ્કેન્ડલ કરનારા અમેરિકન પ્રમુખ બીલ ક્લીન્ટને મીડિયાની હાજરીમાં ગુનો કબૂલ કરીને દેશની માફી માગવી પડી હતી એ યાદ હશે. એ વીડિયો જોવો હોય તો યુટ્યુબ પર જોઈ શકાશે. આપણા ૫૬ ઈંચની છાતી ધરાવતા સાહેબે મોઢામોઢ નહીં થવાના અને ભાગતા ફરવાની બીકણ નીતિને રાષ્ટ્રીય નીતિ બનાવી મૂકી છે.
તો પછી અહીં ઉપસ્થિત કરવામાં આવેલા સવાલોના જવાબ કોણ આપશે? અરવિંદ ગુપ્તાઓ. તેઓ જોખમ લઈને ભાગતા ફરનારાઓને બે કાનેથી પકડે છે. એ માટે તેમને ગાળો દેવામાં આવે છે, ચારિત્ર્યહનન કરવામાં આવે છે, ભાડૂતી ટ્રોલ્સ ટ્રોલીંગ કરે છે, દેશદ્રોહી ઠરાવવામાં આવે છે અને ક્યારે ય જરૂર પડ્યે હત્યાઓ પણ કરવામાં આવે છે.
કાંઈ સમજાય છે કે પછી અમલના કેફની મસ્તી માણવાની મઝા આવે છે? જો સમજવામાં આવે તો કર્તવ્ય નામની એક ચીજ બહુ ત્રાસ આપે નહીં?
સૌજન્ય : ‘કારણ તારણ’ નામે લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 05 જૂન 2018