Opinion Magazine
Number of visits: 9448194
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શોષિતોના શૂળનું મૂળ શોધનાર મનીષી : કાર્લ માર્કસ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|8 May 2018

અવસર

પુસ્તકો, સામયિકો અને ચોપાનિયાથી છવાઈ ગયેલા અસ્તવ્યસ્ત ઓરડામાં તેલનો દીવો ઝાંખો પ્રકાશ પાથરી રહ્યો છે. એ દીવા પાસે સ્થિર ચિત્તે મેલાંઘેલાં વસ્ત્રોવાળો જુવાન,લાંબા ઝુલ્ફાંની રઝળતી લટો પર હાથ પસવારતો બેઠો બેઠો વાંચી રહ્યો છે, ક્યારેક એ હોઠ ભીંસે છે, તો ક્યારેક એના નેત્રો વિસ્ફારિત થઈ ઊઠે છે,તો વળી ક્યારેક એ આનંદની ચિચિયારી પાડી ઊઠે છે. એ ડાયરીમાં સતત નોંધો ટપકાવ્યા કરે છે. એણે ખાધું હશે કે કેમ એ તો ખબર નથી પણ હાથ અડકી શકે એટલો નજીક પડેલો કોફીનો પ્યાલો ઠરીને ઠીકરું થઈ ગયેલો દેખાય છે ….. છતાં એ જુવાન તો એકધારી નિષ્ઠાથી પોતાના અભ્યાસમાં રત છે. જર્મન તત્ત્વચિંતક હેગેલનું ચિંતન એને સતાવ્યા કરે છે, દુનિયામાં વ્યાપ્ત દમન, શોષણ અને દુ:ખ-દર્દ એને બેચેન કરી મૂકે છે.

હા, આ યુવાન તે કાર્લ હેનરીચ માર્કસ. ગત પાંચમી મે ના રોજ એમના જન્મને બસો વરસ થયાં. સોવિયેત રશિયાના વિઘટન પૂર્વે જેના વિચારોના પ્રભાવ તળે સ્થાયેલી રાજવ્યવસ્થા હેઠળ દુનિયાની અડધો અડધ માનવ વસ્તી શ્વસતી હતી, જેનો પ્રભાવ યુગ પ્રવર્તક છે તે કાર્લ માર્કસે, જિંદગીના ત્રણ દાયકા પણ પૂરા કર્યા નહોતા ત્યારે ‘મેગ્નાકાર્ટા’ કે’ અમેરિકન ડેકલેરેશન ઓફ ઈન્ડિપેન્ડેસ’ની બરોબરી કરી શકે તેવો ‘કમ્યુિનસ્ટ મેનિફેસ્ટૉ” ઘડીને ગોલીક કૂકડાનો રણકાર ગાજતો કર્યો હતો. જગતના કરોડો મહેનતકશો જેમને પોતાના મુક્તિદાતા માને છે, એ વિચાર અને કાર્યના સમન્વયધારી આ મહામાનવ માર્ક્સના વિચારો એમના જન્મનાં બસો વરસે ય પ્રસ્તુત છે.

ઈ.સ.૧૮૧૮ની પાંચમી મેના રોજ જર્મન રહાનલેન્ડમાં, રહાઈન નદીને તીરે આવેલા ટ્રીઅર નામના શહેરમાં, કાર્લ માર્ક્સનો જન્મ થયો હતો.  એમના પિતા હેનરિચ માર્કસ જાણીતા ધારાશાસ્ત્રી હતા અને માતા હેનરિએટાનું કાર્લ બીજું સંતાન હતા. શાળાકીય અભ્યાસકાળ દરમિયાન તેમને સારી સગવડો મળી રહેલી અને તેઓ અભ્યાસમાં ખૂબ તેજસ્વી પણ હતા. શાળાંત અભ્યાસના અંતે “વ્યવસાયની પસંદગી અંગેના એક યુવાનના વિચારો” એ વિશેના નિબંધમાં “માનવજાતના કલ્યાણ માટે જાતને સમર્પિત કરવાની” ઈચ્છા પ્રદર્શિત કરીને, વિદ્યાર્થી માર્ક્સે પોતાના ભાવિના એંધાણ આપ્યા હતા.

પિતાના આગ્રહથી કાનૂનવિદ્યાનો અભ્યાસ કરવા, ૧૮૩૫ના ઓકટોબરમાં કાર્લ માર્ક્સ બોન યુનિવર્સિટીમાં જોડાયા. આ સમયે તેઓ પાડોશમાં રહેતી જેનીના પ્રેમમાં હતા. એટલે અવારનવાર એને પત્રો લખતા. ૧૮૩૬માં માર્કસ, પ્રુશિયન રાજાશાહીના પાટનગર બર્લિનમાં અભ્યાસ અર્થે પહોંચ્યા, ત્યારે તેમનું સગપણ થઈ ગયું હતું. બર્લિન યુનિવર્સિટીમાં આંરભે તેઓ જે કાયદાના અભ્યાસ માટે આવેલા, તે છોડીને તત્ત્વજ્ઞાન અને ઇતિહાસનો અભ્યાસ પસંદ કર્યો. “તત્ત્વજ્ઞાન વિના આગળ વધવાનો કોઈ જ માર્ગ નથી”, એમ પિતા પરના પત્રમાં લખનાર માર્ક્સે ન્યાયશાસ્ત્ર, સાહિત્ય અને કળાઓનો પણ અભ્યાસ કર્યો. ૧૮૩૭ સુધીમાં તો તેઓ હેગેલના વિચારોથી પૂરેપૂરા આકર્ષાઈ ચૂક્યા હતા. મિત્રો પર એક સારા ચર્ચક તરીકેનો પ્રભાવ ઊભો કરી શક્યા હતા, તો નાસ્તિકવાદનો પણ પાશ લાગી ચૂક્યો હતો. હેગેલનું તત્ત્વજ્ઞાન એમને “અટકળિયા સ્વરૂપ”નું કે “વિચિત્ર બરછટ ગીત” જેવું લાગેલું. એમાંથી જ પ્રેરણા મેળવીને તત્ત્વજ્ઞાનના દરિયામાંથી સાચાં મોતી મેળવવા એ પ્રેરાયા હતા. આ સમય દરમિયાન આવેલી માંદગીમાં એમણે હેગેલિયન સાહિત્યનો ઊંડો અભ્યાસ કર્યો.

“પ્રિયજનના વિયોગની અંગત પીડા કરતાં સમગ્ર માનવજાતના પીડનનું મૂળ શોધવા ગમે તે સહન કરવા” તત્પર, કાર્લ માર્કસ માંદગીમાંથી બેઠા થયા, તે પછી અને તે પૂર્વે પણ હેગેલના વિચારોથી પ્રભાવિત યુવાનોની મંડળીમાં જતા હતા. એમાંથી જૂનવાણી અને યંગ હેગેલવાદીઓ એવા બે જૂથ પડ્યા. સ્વાભાવિક રીતે જ કાર્લ માર્કસ યંગ હેગિલિયનોના જૂથમાં હતા, ને તેના નેતા પણ બન્યા. “કાર્લ”માંથી “કાર્લ માર્ક્સ”નું આદરભર્યું સંબોધન પણ એ વખતે જ એમને મળ્યું હતું. ૧૮૩૮ની ૧૦મી મેના રોજ પિતાના અવસાનનો અંગત આઘાત એમને સહન કરવો પડ્યો.

બે ગ્રીક તત્ત્વ ચિંતકો ડેમોક્રિટસ અને એપિક્યુરસ પર લખાયેલા – “નેચરલ ફિલોસોફી ઓફ ડેમોક્રિટસ એન્ડ એપિક્યુરસ” એ મહાનિબંધને, ૧૮૪૧માં જેના યુનિવર્સિટીમાં રજૂ કરી માર્ક્સે ડોકટરેટ મેળવી હતી.  આ પદવી મેળવીને તેમણે અધ્યાપક  થવાનું નક્કી કરેલું, પણ પ્રુશિયન યુનિવર્સિટીઓમાં વાણી અને વિચાર સ્વાતંત્ર્ય પર એ જમાનામાં ભારે દાબ હતો. એટલે માર્કસ પત્રકારત્વ તરફ વળ્યા. કોલોનથી પ્રસિદ્ધ થતા, હીનીશ ઝાઈટુંગ (Rheinische Zeitung) અખબારમાં લખવાનું શરું કર્યું. એક બાહોશ અને અનિવાર્ય કટારચીનું સ્થાન મેળવી લીધું. ત્યાર બાદ, ૨૪ વરસની વયે, એ જ અખબારના એ તંત્રી બન્યા. એમણે સામાજિક આર્થિક પ્રશ્નોની નિર્ભીકતાથી અને ક્રાંતિકારી દ્રષ્ટિકોણથી ચર્ચાઓ કરતાં લેખો લખવા માંડ્યા. ગરીબ અને શોષિત માનવ સમુદાયનો અવાજ તેમનું અખબાર બન્યું ને અખબારના વેચાણમાં મોટો વધારો નોંધાયો. માર્કસના તેજાબી લખાણોથી દાઝેલા પ્રુશિયન સતાવાળાઓની કરડી નજર આ અખબાર પર પડી, ને કડક સેન્સરશિપ લાદવામાં આવી. માર્કસે તેનો વિરોધ કરતા લખ્યું કે, “સેન્સરની અણીદાર કલમનો ઉપયોગ અખબારોની આંખો ફોડી નાંખવા માટે થાય છે. સેન્સરશિપ રોજે રોજ ચિંતનશીલ અને વિચારશીલ લોકોનાં માંસને કાપી નાંખે છે. અને તાબેદાર આજ્ઞાંકિત પત્રકારોને જ લખવા દેવામાં આવે છે.”

ડોકટરેટ મેળવી માદરે વતન પરત આવેલા માર્કસને પોતાની પ્યારી માતૃભૂમિ છોડવી પડી. એમણે પેરિસ પર નજર ઠેરવી. એ પૂર્વે ક્રુઝનાકમાં જેની સાથે લગ્નથી જોડાઈને રાજકીય હિજરતીઓ તરીકે પેરિસ આવ્યા. માર્કસ સાથેના સહજીવન દરમિયાન અત્યંત ધનાઢ્ય કુટુંબની જેનીએ પાર વગરનાં દુ:ખો સહન કરેલાં. જેનીના મૃત્યુ વખતે એંજલ્સે કહેલું કે : “આ મહિલાનું જીવન જે સ્વપ્નદર્શી અને વિવેકયુક્ત મનની, અચૂક રાજકીય સૂઝની, ઉત્સાહભરી શક્તિની, મહાન સ્વભોગોની સાક્ષી પૂરે છે …. જો કોઈ મહિલાએ બીજાઓને સુખી કરવામાં પોતાનું સુખ માન્યું હોય તો તે જેની જ હતી.” માર્ક્સના જીવનમાં એમનું પ્રસન્ન દામ્પત્ય ખૂબ મહત્ત્વનું છે.

પેરિસમાં આવીને માર્કસે અભ્યાસમાં અને જર્મન કામદારોના સંગઠનમાં દિલ પરોવ્યું. “લીગ ઓફ જસ્ટ” નામની સંસ્થામાં જોડાયા. હેગેલની ફિલોસોફીનો ગહન અભ્યાસ કરતાં કરતાં, ઈ.સ. ૧૮૪૩માં, “જર્મન-ફ્રેન્ચ ઈયર બુક્સ’નું સંપાદન કર્યું. એ નિમિત્તે એન્જલ્સનો પરિચય થયો ને એ દોસ્તી એટલી તો ગાઢ બની કે ખુદ લેનિને લખ્યું છે કે : “યુરોપિયન કામદાર વર્ગ એમ કહી શકે કે તેનું વિજ્ઞાન એવા બે વિદ્વાનો અને લડવૈયાઓએ સર્જ્યું હતું કે જેમની વચ્ચેનો સંબંધ માનવ મૈત્રી વિશેની પ્રાચીન કાળની અત્યંત હૃદયસ્પર્શી કથાઓથી પણ આગળ જાય છે.”

માર્કસને પેરિસનિવાસ ઘણો ઉપયોગી નીવડ્યો. અહીં જ એમના મનમાં ઇતિહાસના ભૌતિકવાદી અર્થઘટન અને વર્ગ સિદ્ધાંતના બીજ વવાયાં –અંકુરિત થયાં. “ઈકોનોમિક એન્ડ ફિલોસોફિકલ મેન્યુસ્ક્રીપ્ટસ” અને એન્જલ્સ સાથે “જર્મન આઈડિયોલોજી” જેવા બે મહત્ત્વના ગ્રંથો લખ્યા. ઈયર બુક્ની નકલો પ્રુશિયન સરકારે જપ્ત કરી, માર્કસ સામે નોટિસ કાઢી ને આખરે પેરિસ છોડવું પડ્યું. રઝળપાટનું એક વધુ ચરણ શરૂ થયું ને કોઈપણ રાજકીય પ્રવૃત્તિમાં ભાગ નહિ લેવાની શરતે, બ્રસેલ્સમાં આશ્રય લીધો. પણ ત્યાં ય માર્કસ પ્રવૃત્તિ વિના શાના રહી શકે. “કમ્યુિનસ્ટ કોરસપોન્ડસ કમિટી” રચીને એમણે સંઘર્ષ ચાલુ રાખ્યો. “લીગ ઓફ જસ્ટ”ના સભ્યો સાથેનો નાતો ગાઢ બનતા, ૧૮૪૭માં, લંડનમાં એનું પ્રથમ અધિવેશન મળ્યું. જ્યાં એન્જલ્સના મંત્રીપદે “કમ્યુિનસ્ટ લીગ”ની સ્થાપના કરવામાં આવી. આ સંસ્થાના સિદ્ધાંતો અને ઉદ્દેશોનો મુસદ્દો ઘડવાનું કામ માર્કસ અને એન્જલ્સને સોંપવામાં આવ્યું. “કમ્યુિનસ્ટ મેનિફેસ્ટો” તરીકે જાણીતો, ૪૦ પાનાંનો આ મહાન ઐતિહાસિક દસ્તાવેજ, ઈ.સ. ૧૮૪૮ના ફેબ્રુઆરીમાં લંડનથી પ્રગટ થયો. “બધી જ સત્તાઓ હવે સામ્યવાદને ખુદને એક સત્તા તરીકે સ્વીકારે છે. તેથી, તેને વિશેના કપોળકલ્પિત ગપાટાઓને ખતમ કરવા અહીં તેનું જાહેરનામું બહાર પાડવામાં આવે છે.” એવા શબ્દોથી શરૂ થતો આ મેનિફેસ્ટો આજે જગતની તમામ ભાષાઓમાં અનૂદિત થઈ ચૂક્યો છે. બટ્રાન્ડ રસેલે આ મેનિફેસ્ટોને, “જગતનાં પ્રચંડ પરિબળો, તેમની વચ્ચેના તુમુલ યુદ્ધ અને તેની અનિવાર્ય પરિણિતિને સંક્ષેપમાં પણ આશ્ચર્યકારક રીતે ઓજસ્વી અને વિર્યવાન શૈલીમાં રજૂ” કરનાર ગણાવ્યો હતો.

આ કમ્યુિનસ્ટ મેનિફેસ્ટોએ યુરોપભરમાં ભારે ધમાસાણ મચાવી મૂક્યું. ”સામ્યવાદી ક્રાંતિથી શાસક વર્ગો ભલે ધ્રૂજે – કામદાર વર્ગોએ તો પોતાની જંજીરો સિવાય કશું જ ગુમાવવાનું નથી અને આખું જગત જીતવાનું છે.” એવી ઘોષણા કરતાં માર્ક્સવાદના પ્રથમ કાર્યક્રમ દસ્તાવેજ જેવા આ જાહેરનામાથી ફ્રાંસ, જર્મની, ઓસ્ટ્રિયા, હંગેરી, પોલેન્ડ, ચેક પ્રદેશો અને ઈટાલિયન રિયાસતોમાં ખળભળાટ મચી ગયો. કામદારો અને શાસકો સામસામે આવી ગયા તથા ભારે ખૂનખરાબો થયો. જો કે ગણતરીના મહિનાઓમાં જ આ ક્રાંતિ નિષ્ફળ ગઈ. માર્ક્સને પહેલાં ગિરફતારી ને પછી દેશનિકાલની સજા થઈ. ફરી માર્કસ પેરિસમાં આવ્યા. ન્યૂ રહેનિશ ગેઝેટ નામના એક સામયિકમાં કામ કર્યું. ફરી ધરપકડ થતાં ફ્રાન્સમાં આવ્યા. પછી ફ્રાન્સ પણ છોડવું પડ્યું. ૨૪ ઓગસ્ટ ૧૮૪૯ના રોજ લંડનમાં આવ્યા અને મૃત્યુ પર્યંત ત્યાં જ રહ્યા.

લંડન નિવાસ દરમિયાન માર્ક્સે ક્રાંતિની નિષ્ફળતાનાં કારણો શોધ્યા. ક્રાંતિ કોઈ વ્યક્તિની મૂર્ખતાના કારણે નહીં, પણ ઐતિહાસિક પરિબળોને કારણે નિષ્ફળ ગઈ હતી એવું સ્થાપિત કર્યું. માર્કસનો આ લંડનવાસ અત્યંત કારમી ગરીબીમાં વીત્યો. થોડાક લેખોનો પુરસ્કાર, હમદર્દોની મદદ અને એન્જલ્સનાં વર્ષાસનથી માંડમાંડ ગુજારો ચાલતો હતો. વિશ્વની સોનેરી નગરી લંડનમાં, “મૂડી” નામના મહાગ્રંથના લેખક માર્ક્સે જે યાતનાઓ વેઠી છે તે આજે ય કમકમાટી ઉપજાવે છે. જ્યારે માર્ક્સનું એક બાળક લોહીની ઊલટી કરતાં કરતાં મરણને શરણ થઈ રહ્યું હતું, એ જ વખતે ચડત ભાડાની વસૂલાત માટે એની ઘરવખરીની હરાજી થતી હતી અને તેમાંથી બાળકોનાં રમકડાં કે પારણું સુધ્ધાં બાકાત નહોતાં રહ્યાં. પોતાનો એક લેખ તંત્રીને મોકલવા માર્ક્સને બૂટ ગીરવે મૂકવા પડેલા, તો લખવાના કાગળો માટે કોટ વેચવો પડેલો. વહાલસોયી દીકરીના દફન માટે કફન ન હોય તેવી અવસ્થામાં પણ “મૂડીવાદી સમાજમાં પૈસો કમાનાર યંત્ર ન બની જવાય” એ માટે માર્ક્સ સજાગ રહ્યા. જો કે એકવાર રેલવેના ટિકિટ ક્લાર્કની નોકરી માટે માર્ક્સે પ્રયત્ન કરેલો પણ જગતના શ્રમિકોના સદનસીબે એમના ગરબડિયા અક્ષરો તેમને આ નોકરીથી વંચિત રાખવામાં નિમિત્ત બનેલા.

માર્ક્સનો જીવનકાળ એટલે મૂડીવાદનો મધ્યાન્હ. જેમાં શ્રમિકોનું બેરહેમ શોષણ થતું હતું. અને તેમનું મૂલ્ય પશુ જેવું હતું. ઔદ્યોગિક ક્રાંતિના એ આરંભકાળમાં મજૂરોનું શોષણ વધતું અને વકરતું રહ્યું. ગુલામો તથા વેઠિયાઓ વધતા રહ્યા અને અમીરોની અમીરી અને શોષણ હદ વટાવી ગયા. આ અસમાનતાના મૂળ શોધી, માર્ક્સે એનું નિદાન કર્યું હતું.

“અમારે મન ખાનગી માલિકીને બદલવાનો નહીં પણ તેને મીટાવવાનો સવાલ છે. વર્ગ વિરોધોને ઢાંકી રાખવાનો નહીં, પણ વર્ગોને નાબૂદ કરવાનો સવાલ છે. આજની સમાજરચનાને સુધારવાનો નહીં પણ નવી સમાજરચના શોધવાનો સવાલ છે.” એમ કહેનાર માર્ક્સે પોતે શું નવું શોધ્યું  છે તે વિશે કહ્યું છે, “ઉત્પાદન પ્રક્રિયાના વિકાસના અમુક ચોક્કસ તબક્કાઓ સાથે જ વર્ગવિગ્રહ અનિવાર્ય રીતે શ્રમજીવી વર્ગની રાજસત્તામાં પરિણમે છે અને આ રાજસત્તા પણ વર્ગોની નાબૂદી અને વર્ગવિહીન સમાજની રચના તરફના પ્રયાણમાં એક વચગાળાનો સંક્રાંતિકાળ જ છે, કાયમની નથી.”

મૂડીવાદને ઉથલાવી પાડવા માટે કામદાર વર્ગની  સરમુખ્ત્યારી ઝંખતા માર્કસ, બ્રિટિશ મ્યુિઝયમની લાઈબ્રેરીમાં બેસી, પોતાના મહાન ગ્રંથ “કેપિટલ” (મૂડી) માટેની સામગ્રી એકઠી કરવા લાગ્યા. મૂડીવાદી ઉત્પાદનનું આલોચનાત્મક વિષ્લેષણ કરતા મહા ગ્રંથ “મૂડી”નો પ્રથમ ભાગ ૧૮૬૭માં પ્રસિદ્ધ થયો હતો. સમાજવાદી લેખક ચિંતક હિંમત ઝવેરીએ તેને “જીવતા મનુષ્યોને સિદ્ધાંતની વાડમાં મૂકવાનો પુરુષાર્થ “ કહી બિરદાવ્યો હતો.

માર્કસ “મૂડી”નું લેખન કરતાં હતાં તે દરમિયાન “ફર્સ્ટ ઈન્ટરનેશનલ”ની સ્થાપના કરવામાં આવી હતી. ઈ.સ. ૧૮૫૧ થી ૧૮૬૦ લગી, અમેરિકાના “ન્યૂયોર્ક ટ્રિબ્યુન”ના સંવાદદાતા તરીકે કામ કરી, આંતરરાષ્ટૃીય ખ્યાતિને વરેલા માર્કસને “ફર્સ્ટ ઈન્ટરનેશનલ”ના સપ્ટેમ્બર ૧૮૬૪માં લંડનમાં યોજાયેલા પહેલા અધિવેશનમાં વ્યાપક આવકાર મળ્યો હતો. જનરલ કાઉન્સિલમાં તે વરાયા. પોતાના ઉદ્દઘાટન પ્રવચનમાં એમણે ઈંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિથી કામદારોની જે હાલત થઈ છે તેનો ચિતાર આપી, કામદારોના દિલ જીતી લીધાં અને સાથે સાથે રાજકીય સત્તા કબજે કરવાની પણ હાકલ કરી હતી. આ અધિવેશનની સફળતા અને ‘કેપિટલ”ના લેખન-પ્રકાશન બાદ માર્ક્સ આ યુનિયનને આંતરરાષ્ટૃીય કક્ષાનું બનાવવા ભારે જહેમત ઉઠાવતા હતા.

જિંદગીના અંતિમ વરસો માર્ક્સે આર્થિક સગવડો વચ્ચે અભ્યાસ-ચિંતન-મનનમાં ગાળ્યાં હતાં. પરંતુ આરંભની ગરીબીએ તેમને પાછોતરા વરસોમાં વહેલા વૃદ્ધ બનાવી મૂક્યા. પત્ની અને પુત્રીનાં અવસાન પછી, એ ઝાઝું જીવી ન શક્યા. ઈ.સ. ૧૮૮૩ની ૧૪મી માર્ચે , ચોસઠ વરસની વયે, લંડનમાં એમનું અવસાન થયું. એમને અંજલિ આપતાં પ્રિય સાથી ફેડરિક એન્જલ્સે કહ્યું હતું, “આજે જગતનો મહાન વિચારક વિચાર કરતા થંભી ગયો છે. મનુષ્ય જાતિ એક મસ્તિષ્ક જેટલી ઊણી થઈ છે. પણ એ મસ્તિષ્ક આપણા જમાનાનું સૌથી મહાન મસ્તિષ્ક હતું. સજીવ પ્રકૃતિની ઉત્ક્રાંતિનો નિયમ જેવી રીતે ડાર્વિને શોધી કાઢ્યો, તેવી રીતે માર્ક્સે માનવ ઇતિહાસનો ઉત્ક્રાંતિમૂલક સિદ્ધાંત શોધી કાઢ્યો. એક સીધી હકીકત જે અત્યાર સુધી વૈચારિક ઢગલાઓ હેઠળ દબાયેલી રહી હતી કે માણસો રાજકારણ, વિજ્ઞાન, કલા, ધર્મ કે એવી બીજી બાબત પ્રત્યે ધ્યાન આપે તે પહેલાં તેમને ખાવાને ખોરાક, પીવાને પાણી, પહેરવાંને વસ્ત્ર અને માથે છાપરું – આટલાં વાનાં તો હોવાં જ જોઈએ, એ હકીકત બહાર આણવાનું  મહત્ત્વનું કાર્ય આ ચિર નિદ્રામાં પોઢેલ મહાપુરુષે કર્યું છે. “

અનેક પ્રથિતયશ ગ્રંથોના રચયિતા કાર્લ માર્કસ જગતના કામદારોના, શોષિતોના દુ:ખદર્દનું ખરું કારણ શોધનાર પ્રથમ સમાજવિજ્ઞાની અને અર્થશાસ્ત્રી હતા. મૂડીવાદનું ફરજંદ કામદારવર્ગ મૂડીવાદનો જ ઉચ્છેદક બનશે, એવું વૈજ્ઞાનિક રીતે સ્થાપિત કરનાર માર્કસના વૈજ્ઞાનિક સમાજવાદનો આધારસ્તંભ વર્ગ સંઘર્ષનો સિદ્ધાંત છે. ઇતિહાસની ભૌતિકવાદી વ્યાખ્યા અને અધિશેષ મૂલ્ય(સરપ્લસ વેલ્યુ)નો સિદ્ધાંત સહિતના માર્કસના વિચારો માત્ર પોથી પંડિતાઈ ન રહેતા વાસ્તવની ધરાતલ પર પાર ઊતરેલાં છે. ભારતના સંદર્ભે પણ માર્ક્સે વિચાર્યું હતું. પરંતુ “બધા જ રાષ્ટ્રોમાં ક્રાંતિની પદ્ધતિ એક સરખી હોય એ જરૂરી નથી. ક્યા દેશમાં ક્રાંતિની કઈ પદ્ધતિ અનુકૂળ આવશે, તેનો નિર્ણય લેતાં અગાઉ જે તે દેશની પોતાની પરિસ્થિતિનો વિચાર કરવો જોઈએ.” એવા માર્ક્સના સ્પષ્ટ કથનને ભૂલીને માત્ર વર્ગની વાત કર્યા કરતા અને વર્ણને ઝાઝું મહત્ત્વ ન આપતા ભારતીય માર્કસવાદીઓ માર્ક્સના વિચારોના આંધળા અનુયાયીઓ છે.

સોવિયેત રશિયાના વિઘટન અને નવી અર્થ વ્યવસ્થા (ગ્લોબલાઈઝેશન, લિબરાઈઝેશન અને પ્રાઈવેટાઈઝેશન) છતાં જ્યાં સુધી જગતમાં ગરીબી, અભાવો, શોષણ અને અસમાનતા રહેશે અને તેની સામેનો આમ આદમીનો સંઘર્ષ જારી રહેશે, ત્યાં સુધી માર્કસ અને તેમના વિચારો જીવંત રહેવાના જ. જિંદગીભર દુ:ખો અને યાતનાઓ વેઠીને પણ લોકોને શોષણમાંથી મુક્ત કરાવવા માંગતા ગ્રીક વીર પ્રોમીથિયસને પોતાનો આદર્શ માનનારા કાર્લ માર્કસના જન્મની દ્વિશતાબ્દીએ, માર્ક્સની આ પંક્તિઓ જ આપણો માર્ગ કંડારે છે : “કદી ય હું આરામથી જીવી નહીં શકું. સતત સંગ્રામ જ મારે તો ખેલવો રહ્યો. એટલે ચલો, સૌ સાહસ કાર્યો જ કરીએ, ન આરામ, ન થાક, નીચી મૂંડીએ કદી ન બોલીએ. આશા-આકાંક્ષા સદા સેવીએ, ખિન્ન નિરાશા નહીં, દુ:ખની ધૂંસરી નીચે દબાઈએ નહીં, ઝંખીએ અને ઝઝુમીએ, જે બાકી છે તે કાર્યો માટે.”

•

નવા યુગની શરૂઆત

“મૂડીવાદના નાશથી માણસ જાતનું ભાવિ વધુ ઉજળું બનાવી શકાશે એ વૈજ્ઞાનિક સમજ રજૂ કરીને માર્કસે માનવજાતની અપૂર્વ અને અમૂલ્ય સેવા કરી છે. માર્ક્સના વિચારોની રજૂઆતથી  માનવસમાજમાં અને વિચારસૃષ્ટિમાં  એક નવા યુગની શરૂઆત થઈ હતી.”

− દિનકર મહેતા, ચંદ્રભાઈ ભટ્ટ

•

સૌજન્ય : “દલિત અધિકાર” (પાક્ષિક), 01 મે 2018; પૃ. 01-03

Loading

8 May 2018 admin
← ભારતના વિભાજન માટે જેટલા મોહમ્મદઅલી જિન્નાહ જવાબદાર છે, પરંતુ એનાથીયે વધુ જવાબદાર છે વિનાયક દામોદર સાવરકર
ગોખલે અને માતૃભાષા →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved