Opinion Magazine
Number of visits: 9448996
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

થરૂરનું શબ્દ ભંડોળઃ લાલોચેઝિયા, વેબકૂફ અને રોડોમોન્ટેડ

વિશાલ શાહ|Opinion - Opinion|3 May 2018

શશી થરૂરની ટ્વિટમાં ફરી એક નવો શબ્દ વાંચવા મળ્યો. Lalochezia – લાલોચેઝિયા. એટલે શું? કોઈ વ્યક્તિ પીડા ભૂલવા, તણાવ દૂર કરવા કે હલકોફૂલકો થવા બિભત્સ શબ્દોનો ઉપયોગ કરે – ગાળાગાળી કરે તેને ‘લાલોચેઝિયા’ કહેવાય. થરૂરે એ મતલબની ટ્વિટ કરી હતી કે, ''ટ્વિટર પર રોજેરોજ મને લાલોચેઝિયાથી પીડાતા લોકો ભટકાય છે. આ લોકો હંમેશાં મારા અને મારા વિચારો સાથે સહમત હોય એવા લોકો પર પોતાનો રોષ ઠાલવે છે…''

એ ટ્વિટ પછી હંમેશાંની જેમ ટ્વિટર પર ફની વન લાઇનર્સ અને મીમ ઠલવાયા. કોઈએ કહ્યું કે, તમારે ટ્વિટર પર 'વર્ડ ઓફ ધ ડે' શરૂ કરવું જોઈએ, તો કોઇએ એ મતલબની કમેન્ટ પણ કરી કે, નેવુંના દાયકાના બાપુજી શબ્દ ભંડોળ વધારવા ડિક્શનરીમાંથી રોજ એક શબ્દ મોઢે કરવાનું કહેતા, જ્યારે આજે ટ્વિટર પર શશી થરૂરને ફોલો કરવાની સલાહ અપાય છે…

થરૂરની અંગ્રેજી ભાષા પરની પકડ અને શબ્દ ભંડોળ બ્રિટિશરોને પણ લઘુતાગ્રંથિ થાય એવું છે. શું છે એનું રહસ્ય? આ સવાલનો ટૂંકો જવાબ છે, 'રીડર્સ ડાઇજેસ્ટ'.

***

થરૂરને નાનપણમાં 'રીડર્સ ડાઇજેસ્ટ' જેવું ઉત્તમ મેગેઝિન વાંચવાનું વ્યસન હતું. આ મેગેઝિન તેની તાજા અને વૈવિધ્યસભર વિષયો પરની કોલમ્સ, ઈન્ટરવ્યૂઝ, સત્ય ઘટનાઓ અને જોક્સની સાથે અંગ્રેજી ભાષાના વ્યાકરણ અને શબ્દોને લગતી માહિતી માટે આજે પણ દુનિયાભરમાં લોકપ્રિય છે. આશરે ૯૬ વર્ષ પહેલાં પાંચમી ફેબ્રુઆરી, ૧૯૨૨ના રોજ ડે-વિટ વૉલેસ અને લીલા એચિસન વૉલેસ નામનાં અમેરિકન દંપતીએ 'રીડર્સ ડાઇજેસ્ટ'નો પહેલો અંક બહાર પાડ્યો હતો. મેગેઝિનની દુનિયામાં દાયકાઓ સુધી એકહથ્થું શાસન ભોગવનારું 'રીડર્સ ડાઇજેસ્ટ' એક સમયે ૨૧ ભાષામાં, ૪૯ આવૃત્તિ થકી, ૭૦ દેશના કરોડો વાચકો પર રાજ કરતું. અનેક ઊતારચઢાવ પછી આ મેગેઝિન આજે ય ૧૯ ભાષામાં, ૪૮ આવૃત્તિ થકી, ૬૦ દેશના, દસ કરોડ વાચકો સુધી પહોંચી રહ્યું છે.

‘રીડર્સ ડાઇજેસ્ટ’ શરૂ કરનારું દંપતી ડે-વિટ વૉલેસ અને લીલા એચિસન વૉલેસ

શશી થરૂર

વૈશ્વિક લોકચાહના મેળવનારા આ મેગેઝિનની ભારતીય આવૃત્તિ શરૂ કરવાનું શ્રેય થરૂર પરમેશ્વરનને જાય છે. થરૂર પરમેશ્વરન્‌ એટલે શશી થરૂરના પિતા ચંદ્રન થરૂરના મોટા ભાઈ. ભારતમાં 'રીડર્સ ડાઇજેસ્ટ'ની આવૃત્તિ શરૂ કર્યા પછી થરૂર પરમેશ્વરને વર્ષો સુધી તેના તંત્રી, પ્રકાશક અને મેનેજિંગ ડિરેક્ટરની ભૂમિકા બખૂબી ભજવી. આઝાદી પછીના ભારતમાં 'રીડર્સ ડાઇજેસ્ટ'ની શરૂઆતથી જ ૪૦ હજાર જેટલી નકલો ખપી જતી. ૨૦૦૮માં કરાયેલા સર્વે પ્રમાણે, ભારતમાં રીડર્સ ડાઇજેસ્ટનો માસિક ફેલાવો છ લાખ નકલનો હતો, જ્યારે ઈન્ડિયન રીડરશિપ સર્વે મુજબ, ૨૦૦૯માં 'રીડર્સ ડાઇજેસ્ટ'ની રીડરશિપ ચાળીસ લાખથી પણ વધુની હતી.

થરૂર પરમેશ્વરન્‌ને નિવૃત્તિ લીધા પછી શશી થરૂરના પિતા ચંદ્રન થરૂરે પાંચ વર્ષ સુધી (૧૯૮૦-૮૫ ) 'રીડર્સ ડાઇજેસ્ટ'ના એડવર્ટાઇઝિંગ ડિરેક્ટર તરીકે ફરજ બજાવી. રસપ્રદ વાત એ છે કે, થરૂર પરિવારમાં આ મેગેઝિનની એક પણ નકલ ફ્રીમાં નહોતી આવતી. થરૂર બંધુઓ સિદ્ધાંતવાદી હતા. ચંદ્રન થરૂરે પણ 'રીડર્સ ડાઇજેસ્ટ'નું લવાજમ ભરવું પડ્યું હતું, પરંતુ તેનો સૌથી વધારે લાભ કદાચ નાનકડા શશીએ લીધો હતો. શશી થરૂર નાનપણથી અસ્થમાનો ભોગ બન્યા હોવાથી ઘર બહાર રમવા બહુ જતા નહીં, અને, તેમનો આખો દિવસ ચાર દીવાલો વચ્ચે વીતી જતો. એટલે કંટાળો દૂર કરવા તેમની પાસે ફક્ત એક જ ઉપાય હતો, વાંચન. શશી થરૂર કહે છે કે, 'એ વખતે કમ્પ્યુટર, વીડિયો ગેમ્સ અને સ્માર્ટફોન હતા નહીં. મારી પાસે ફક્ત એક જ વસ્તુ હતી, પુસ્તકો. અને હું એ ખૂબ ઝડપથી વાંચી કાઢતો. એ પછી કંઈક નવું શીખવા-સમજવા અથવા ચેન્જ કે મનોરંજન માટે મારા પાસે એક જ સ્રોત બચતો, મેગેઝિન્સ …'

ચંદ્રન થરૂર અને બાજુમાં તેઓ પત્ની લીલી સાથે

https://www.youtube.com/watch?time_continue=2&v=8URP-jIU5nU

થરૂર તેમની ટ્વિટમાં નવા શબ્દનો ઉપયોગ કરે પછી ગૂગલ પર તેના વિશે વિશે સર્ચ કરનારાની સંખ્યામાં અચાનક વધારો થઈ જાય છે. જો કે, આ વખતે તેમણે પોતે જ 'લાલોચેઝિયા' શબ્દનો અર્થ શું થાય એ વિશે સ્ક્રીન શોટ મૂક્યો હતો. શશી થરૂરનાં પત્ની સુનંદા પુષ્કરના મૃત્યુ પછી જાણીતા પત્રકાર અર્નબ ગોસ્વામી  તેમના પર 'કંઈક છુપાવવાનો' આરોપ મૂકતા હતા. આ આક્ષેપબાજીનો જવાબ આપતા થરૂરે ટ્વિટ કરી હતી કે, “Exasperating farrago of distortions, misrepresentations & outright lies being broadcast by an unprincipled showman masquerading as a journalist.”

આ ટ્વિટ પછી સ્વાભાવિક રીતે જ ટ્વિટર પર મસ્તીભરી ટ્વિટ્સ અને મીમનું વાવાઝોડું ફૂંકાયું. આ ટ્વિટમાં થરૂર શું કહેવા માંગે છે એ સમજવા પહેલાં તેમણે વાપરેલા અંગ્રેજી શબ્દોનો અર્થ જોઈએ. ' Exasperating – ઇક્ઝાસ્પરેટિંગ' એટલે ખૂબ તીવ્રતાપૂર્વક ચીડવવું. ‘Farrago – ફરાગો' એટલે મૂંઝવણ થાય એવી ભેળસેળ, જ્યારે  ‘Masquerading – માસ્કરેડિંગ એટલે કંઈક હોવાનો ડોળ કરવો. આ ટ્વિટમાં થરૂર અર્નબ ગોસ્વામીને 'પત્રકાર હોવાનો ડોળ કરતો સિદ્ધાંતવિહોણા શૉમેન' કહ્યા હતા. બાકીની ટ્વિટમાં થરૂર શું કહેવા માંગે છે, એ જાતે સમજી લેજો, પ્લીઝ. 

ટેલિવિઝન કે ઇન્ટરનેટ મીડિયા પર આવતી બધી માહિતીને સાચી માની લેતા લોકો માટે એક શબ્દ છે, ‘Webaqoof – વેબકૂફ'. 'બેવકૂફ' પરથી જ 'વેબકૂફ'. આ શબ્દ પણ ટ્વિટર જગતમાં થરૂરે જ ઈન્ટ્રોડ્યુસ કર્યો હતો. સોશિયલ મીડિયામાં વાંચવા મળતી તમામ માહિતીને સાચી માનીને ટ્રોલ (ઝૂડી કાઢવું) કરતા લોકો માટે થરૂરે આ શબ્દનો ઉપયોગ કર્યો હતો. આવા શબ્દોને અંગ્રેજીમાં ‘Slang – સ્લેન્ગ' કહેવાય. 'સ્લેન્ગ' એટલે સામાન્ય રીતે ફક્ત બોલચાલની ભાષામાં વપરાતા અશિષ્ટ શબ્દો. આવા શબ્દો ડિક્શનરીમાં ના પણ હોય. અંગ્રેજી સહિતની દરેક ભાષામાં આ પ્રકારના શબ્દો હોય છે. જેમ કે, ગુજરાતીમાં 'સમજ્યા હવે' અથવા 'હમજ્યા હવે'. 'જો બકા' એ પણ એક સ્લેન્ગ છે.

જો બકા, આ પ્રકારના શબ્દોનો બીજી ભાષામાં અનુવાદ શક્ય નથી, અને, મારી-મચડીને કરીએ તો તેમાં રહેલો ભાવ ખતમ થઈ જાય છે. થરૂર આવા અંગ્રેજી સ્લેન્ગ પર પણ જબરી પકડ ધરાવે છે. થોડા સમય પહેલાં થરૂરે 'વર્ડ ઓફ ધ ડે' ટ્વિટ કરીને એક અંગ્રેજી સ્લેન્ગનો પરિચય કરાવ્યો હતો, ‘Snollygoster – સ્નોલીગોસ્ટર'. અમેરિકામાં સિદ્ધાંતવિહોણા, લુચ્ચા રાજકારણીઓ માટે આ શબ્દનો ઉપયોગ કરાય છે. એવું કહેવાય છે કે, થરૂરે નીતીશકુમારને ધ્યાનમાં રાખીને એ ટ્વિટ કરી હતી. જો કે, અઘરા શબ્દોનો ઉપયોગ કરવા બદલ થરૂરને સોશિયલ મીડિયામાં દર વખતે આવકાર નથી મળતો. ઊલટાનું અનેક લોકો તેમને ‘Boastful – બોસ્ટફૂલ' એટલે કે 'ડંફાસિયા' કહીને ટ્રોલ પણ કરે છે.

આ મુદ્દે થરૂરે ટ્વિટ કરીને જવાબ આપ્યો હતો કે, 'મારા લખવાનો કે બોલવાનો હેતુ કોમ્યુિનકેશનમાં ‘Precision – પ્રિસિસન'  રાખવાનો હોય છે, હું મારા વિચારોને સારામાં સારી રીતે અભિવ્યક્ત કરવા અમુક શબ્દોનો ઉપયોગ કરું છું. એ બધા શબ્દો ‘Obscure – અબસ્ક્યોર' નથી હોતા અને ‘Rodomontade – રોડોમોન્ટેડ'ના હેતુથી પણ તેનો ઉપયોગ નથી કરાયો હોતો.' ઉફ્ફ, એ ટ્વિટ પછી ગૂગલ પર આ ત્રણેય શબ્દોના સર્ચમાં અચાનક જ વધારો થઇ ગયો. 'પ્રિસિસન' એટલે કોઈ પણ બાબતમાં સંપૂર્ણપણે ચોક્સાઈ રાખવી તે, 'અબસ્ક્યોર' એટલે સરળતાથી સમજાય નહીં એવું અસ્પષ્ટ, જ્યારે 'રોડોમોન્ટેડ'નો અર્થ થાય બડાઈ હાંકવી, ડંફાશ મારવી વગેરે. આ ટ્વિટ પછી કોઇએ મસ્તીભરી ટ્વિટ કરતા કહ્યું હતું કે, 'થરૂર ઓક્સફર્ડ અંગ્રેજી ડિક્શનરીના સિક્રેટ એજન્ટ છે, તેની સી.બી.આઈ. તપાસ થવી જોઈએ.' તો ઓમર અબ્દુલ્લાએ પણ હળવી ટ્વિટ કરલા લખ્યું હતું કે, 'અંગ્રેજી શીખી રહ્યા હોવ તો મારા મિત્ર શશી થરૂરને ફોલો કરો. તમને જેના અસ્તિત્વની જ જાણ નથી એવા નવા શબ્દો જાણવા મળશે તેમ જ વાક્યમાં તેનો ઉપયોગ કરવા પણ તમારે મહેનત કરવી પડશે …'  

થરૂરે સાબિત કરી દીધું હતું કે, ટ્રોલિંગમાં પણ તેઓ 'ક્લાસ અપાર્ટ' છે. અંગ્રેજી બોલતા-લખતા લોકો પણ રોજબરોજના જીવનમાં જે શબ્દોનો ઉપયોગ ના કરતા હોય, એવા શબ્દોનો થરૂર સહજતાથી ઉપયોગ કરે છે. ગયા અઠવાડિયે જ થરૂરે ટ્વિટર પર વધુ એક 'વર્ડ ઓફ ધ ડે' પોસ્ટ કર્યો, ‘Roorback – રોરબેક' અર્થાત્‌ 'રાજકીય લાભ ખાટવા પ્રકાશિત કરાતું-ફેલાવાતું જૂઠ'. આ શબ્દના કેપ્શનમાં થરૂરે લખ્યું હતું કે, ‘I’ve had to put up with a lot of roorbacks in the last few years!’ આ ટ્વિટ પછી કોઈએ મજાકમાં લખ્યું પણ ખરું કે, આ શબ્દનું વિરોધી થાય, ‘Tharoorback – થરૂરબેક'.

***

નાનપણથી જ ઉત્તમ પ્રકારનું અગાધ વાચન, કૌટુંબિક વાતાવરણ અને પિતાની ટ્રાન્સફરેબલ જોબના કારણે થરૂરનું ઘડતર વિશિષ્ટ રીતે થયું છે. તેમના પિતા ચંદ્રન થરૂરે એડવર્ટાઇઝિંગ ક્ષેત્રમાં મુંબઇ, દિલ્હી, કોલકાતા અને લંડનમાં વિવિધ હોદ્દા પર વર્ષો સુધી ફરજ બજાવી હતી, જેમાં 'ધ સ્ટેટ્સમેન' અખબારનો પણ સમાવેશ થાય છે. ચંદ્રન થરૂર અને તેમનાં પત્ની લીલી થરૂર લંડનમાં હતાં ત્યારે શશીનો જન્મ થયો હતો. એ પછી ભારતમાં જ તેમનું સ્કૂલિંગ અને કોલેજનું શિક્ષણ થયું. ત્યાર પછી થરૂરે અમેરિકા જઇને ટફ્સ યુનિવર્સિટીમાંથી 'લૉ એન્ડ ડિપ્લોમસી'માં માસ્ટર્સ કર્યું, બેસ્ટ સ્ટુડન્ટનો એવોર્ડ મેળવ્યો અને ૨૨ વર્ષની ઉંમરે પી.એચડી. પણ પૂરું કર્યું અને એ જ વર્ષે યુ.એન. હાઇ કમિશનર ફોર રેફ્યૂજીના સ્ટાફ મેમ્બર તરીકે જોડાઈને સ્વિત્ઝર્લેન્ડ જતા રહ્યા.

યુ.એન.માં બે દાયકા કામ કરીને થરૂર કોમ્યુિનકેશન એન્ડ પબ્લિક ઇન્ફોર્મેશનના અન્ડર સેક્રેટરી જનરલના હોદ્દા સુધી પહોંચ્યા, અને, ૨૦૦૬ની સેક્રેટરી જનરલની ચૂંટણીમાં બાન કી મૂન સામે ઝંપલાવ્યું. થરૂર સેક્રેટરી જનરલ બની ન શક્યા, પરંતુ બાન કી મૂન પછી સૌથી વધુ મત મેળવનારા ઉમેદવાર જાહેર થયા. થરૂરની હાર પછી બહાર પણ આવ્યું કે, અમેરિકાને કોફી અન્નાન જેવા મજબૂત અને સ્વતંત્ર દિમાગ ધરાવતા સેક્રેટરી જનરલ નહોતા જોઈતા. એટલે તેમણે વિટો વાપરીને થરૂરને હટાવી દીધા.

યુ.એન.માં ડિરેક્ટર ફોર એક્સર્ટનલ અફેર્સના સ્પેિશયલ આસિસ્ટન્ટ તરીકે થરૂર

આફ્રિકા અને દક્ષિણ-પૂર્વ એશિયામાં ૧૯૭૯માં રેફ્યુજી ક્રાઈસીસ સર્જાઈ ત્યારે શશી થરૂર ચુનંદા પત્રકારો સાથે વિવિધ દેશોના પ્રવાસે

જો કે, બાન કી મૂને થરૂરને યુ.એન.માં વિવિધ પ્રોજેક્ટ માટે આવકાર્યા, પરંતુ થરૂરે મર્યાદા જાળવીને ચૂપચાપ યુ.એન.ને અલવિદા કહી દીધી. ભારતમાં બે વાર સાંસદ તરીકે ચૂંટાયેલા થરૂર 'ન્યૂયોર્ક ટાઇમ્સ', 'વૉશિંગ્ટન પોસ્ટ' અને 'ટાઈમ' મેગેઝિન સહિત દેશના અનેક અગ્રણી અખબારોમાં કોલમ લખે છે. થરૂરનાં નામે ચાર ફિક્શન, ૧૧ નોન-ફિક્શન અને બે ઇલસ્ટ્રેટેડ પુસ્તકો પણ બોલે છે. આ કોઈ પણ પુસ્તકમાંથી પસાર થતી વખતે વાચકને સતત થરૂરના ઇતિહાસ વિશેના અગાધ જ્ઞાન, વિચારોની સ્પષ્ટતા, શબ્દ ભંડોળ અને દૂરંદેશિતાનો પરિચય મળ્યા કરે છે. હમણાં જ પ્રકાશિત થયેલું તેમનું 'વાય આઈ એમ અ હિંદુ' થરૂરના ઉત્તમ પુસ્તકોમાંનું એક છે. 

***

ભારતમાં ૨૦૦૯માં ટ્વિટર આજના જેવું લોકપ્રિય ન હતું, પરંતુ થરૂર અત્યારની જેમ ત્યારે પણ ટ્વિટર પર સક્રિય હતા. એ વખતે તેમની 'ટ્વિટર મિનિસ્ટર' કહીને મજાક ઊડાવાતી. આ અંગે એક ઈન્ટરવ્યૂમાં થરૂરે કહ્યું હતું કે, 'આજે ટ્વિટ કરવા બદલ બધા જ મને ભાંડી રહ્યા છે, પણ મારા પર વિશ્વાસ કરો. દસેક વર્ષમાં ભારતનો દરેક નેતા ટ્વિટર પર હશે …'

થરૂરની આ વાત સાચી પડવામાં દસ વર્ષ પણ ના લાગ્યા. આ ભવિષ્ય ભાખ્યાના ચાર જ વર્ષમાં વડાપ્રધાન મોદીના ફોલોઅર્સ થરૂર કરતાં અનેકગણા વધારે હતા!

——

સૌજન્યઃ “ગુજરાત સમાચાર”, ‘શતદલ’ પૂર્તિ, ‘ફ્રેન્કલી સ્પીકિંગ’

http://vishnubharatiya.blogspot.co.uk/2018/05/blog-post.html

Loading

3 May 2018 admin
← મુદામય સમાધિ ભણી
ભારત-ચીન મૈત્રીની વસંતનાં મૃગજળ →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved