Opinion Magazine
Number of visits: 9449347
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સોળવરસીએ થોડુંએક સહચિંતન

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|1 March 2018

ગોધરા-અનુગોધરા સોળવરસીના પૂર્વદિવસોમાં હું સર્વ સેવા સંઘ અને સર્વોદય સમાજ નિમિત્તે સેવાગ્રામ હતો. સેવાગ્રામ પરત્વે સ્વાભાવિક જ એક યાત્રાખેંચાણ રહેતું હોય છે, અને કલ્યાણગ્રામથી સેવાગ્રામની વિશ્વગુજરાતી મજલના ખયાલે હૃદય હંમેશ ઉભરાતું હોય છે. આ ખેંચાણ વળી રૉય-જેપી-લોહિયા-આંબેડકર કૃપાએ કંઈક ઊંજણ પણ ખાસ એકે નિંભાડાના નહીં એવા મને મળી રહેતું હોય છે.

એક રીતે જુઓ તો તારીખનો જોગાનુજોગ બાદ કરતાં ગોધરા-અનુગોધરા એ કોઈ તત્કાળ ચર્ચાનિમિત્ત કદાચ નયે લાગે. પણ એને અંગેનો વિચારધક્કો પરંધામ પવનાર અને સેવાગ્રામના એ કલાકોમાં જે ધર્મસ્પંદ અનુભવાયો એથી લાગેલો છે. આમ તો, વડાપ્રધાન વાજપેયીએ મુખ્યમંત્રી મોદીને પ્રબોધેલ ‘રાજધર્મ’ માંહેલો ધર્મ તો શાસનમાત્રને વાસ્તે ચિરપ્રસ્તુત છે. પણ સેવાગ્રામ પ્રહરોમાં સમજાતો ધર્મ માત્ર એટલો તો ક્યાંથી હોઈ શકે. અહીં સભારંભે, સત્રાન્તે (જૈન તીર્થોમાં વાગતાં ચોઘડિયાં પેઠે) સર્વધર્મ પ્રાર્થનાના શ્રવણ અને સહભાગિતાનું સુખ મળતું હતું. શું સરસ વ્યાખ્યા કરી છે વિનોબાએ સુખ અને દુઃખની કે ‘ખ’ કહેતાં આકાશનું જોવું અનુભવવું તે સુખ અને તેનું ન મળવું તે દુઃખ. વસ્તુતઃ આકાશ કહેતાં થતો બોધ વ્યાપકતાનો છે. સર્વધર્મપ્રાર્થના થકી સરજાતા વાયુમંડળમાં આવો આકાશબોધ અને ગંગાસ્નાન બેઉ આનંદ કેમ જાણે એક સાથે અનુભવાવાં કરતાં હતાં. આ ગંગાસ્નાન અલબત્ત શુદ્ધિ પ્રકલ્પની સહસ્રાબ્દીઓ પૂર્વે ‘ભાયાં રતઃ ઇતિ ભારતઃ’ (‘ભા’ કહેતાં જ્ઞાનના પ્રકાશમાં રત તે ભારત) કહેવાતું હશે એ સમયના અનાવિલ આનંદનું છે. વારાણસીમાં ગંગા સમીપે સ્થિત માલવિયાજીની કોઠીની ટોચે ઊભા સૂર્યદર્શન સાથે પચાસેકના ગાંધીએ ગાયત્રીમંત્રનો જે હૃદ્ય અનુભવ કીધો હશે, એના અનુસંધાનનું છે.

ધર્મમાત્રનો, રિપીટ, ધર્મમાત્રનો સ્વીકાર અને સમાદર તે ગાંધીનો સહૃદય ભાવવિશેષ હતો. આશ્રમજીવનમાં સૌ સાથીઓમાં, પછી તો, એવી ધર્મરાગિતા પણ જોવા મળતી હતી જ્યારે ‘વૈષ્ણવજન’ને સ્થાને ‘પારસી જન’ કે ‘મુસ્લિમજન’ તેને રે કહીએ, પણ ગાયની પૂંઠે વાછડા પેઠે (કે વાછડાની પૂંઠે ગાય પેઠે) ચાલી આવતું. સર્વધર્મસમભાવનો આ સનાતન (સનાતની નહીં પણ સનાતન) સંસ્કાર હિંદુ ગાંધીને સૌના ગાંધી બનાવી શક્યો હતો. અને એ જ પરંપરાએ આગળ  ચાલતાં આપણે જો બાઈબલનો વર્ગ લેતા ગાંધીજીને જોયા તો જેમાં જ્ઞાન, ભક્તિ અને કર્મ એકાકાર વરતાયાં તે વિનોબા પ્રણિત સર્વધર્મસાર સંચયનોયે સુખાનુભવ કીધો. સ્વદેશ આગમનના પહેલા જ વરસમાં કોચરબ દિવસોમાં ગાંધીની એક આરતભરી ટહેલ ગુજરાતના સાક્ષરોની સેવામાં ‘લીડ કાઇન્ડલી લાઈટ’ એ કાર્ડિનલ ન્યૂમેનના પદના અનુવાદની હતી. દક્ષિણ આફ્રિકામાં હુમલાનો ભોગ બનેલ ગાંધીને રેવરંડ ડૉક પોતાને ત્યાં સારવાર માટે લઈ આવેલા. ડૉકના કુટુંબની એક દીકરી ગાંધીકીધે આ પદ ગાતી, અને ગાંધીના ભાવજગતમાં રામબાણશો ઔષધઅનુભવ થતો. શું સરસ સૂઝ્‌યું ઉમાશંકર જોશીને કે અમદાવાદમાં સેન્ટ ઝેવિયર્સ પરિવારના મિત્રો શિક્ષાર્થી સાધુજન માટેનો નિવાસ ‘કાર્ડિનલ ન્યૂમેન હૉલ’ બાંધતા હતા ત્યારે એમણે એનું નામ ‘પ્રેમળ જ્યોત’ રાખવાનું સૂચવ્યું હતું. ગાંધીપ્રિય ન્યૂમેનપદની નભોદિ-દીધ એ આંતરધર્મી, આંતરદેશી, ખરું જોતાં સાર્વભૌમ નવાજેશ હતી.

પણ વાત આપણે વિનોબાના સર્વધર્મસારની કરતા હતા. ૨૦૦૨ના વિસ્ફોટ આગમચ ખાસાં દસપંદર વરસ ‘ગર્વ સે કહો હમ હિંદુ હૈ’ના ગર્જનતર્જનની ઉગ્ર રાજનીતિનાં હતાં. પણ વિસ્ફોટ આવ્યો ત્યારે ગુજરાતી સમસંવેદનાને, અક્ષર-અને-ભાવ-જગતની રીતે, જડી રહેલા બે સહૃદય ઉપચારો પૈકી એક, એકોએક ધર્મના ગૌરવાસ્પદ વિચારોને વિનોબાદૃષ્ટિએ મૂકી આપતી પુસ્તિકાઓનો હતો. ભૂમિપુત્ર-ખ્યાત કાન્તિ શાહે જે તે ધર્મનાં ઉજમાળાં પાસાં ઉપસાવતી વિનોબાવાણીને સ્ફૂિર્તથી સર્વજનસુલભ કરી હતી. પરંપરાગત ધર્મભાવનાને કાલવીને સેક્યુલર ભૂમિકા ભણી લઈ જઈ શકતી એ એક દિલી પહેલ હતી.

બીજા સહૃદય અક્ષરોપચારની જિકર કરું તે પહેલાં જરી હટીને ૧૯૯૨ પછીની એક કિતાબ સંભારી લઉં? ગિરિલાલ જૈને એ ગાળામાં લખેલા લેખો, પછીથી, ‘ધ હિંદુ ફિનોમિનન’ એ શીર્ષકે સંપાદિત’ મરણોત્તર ગ્રંથસ્થ થયા છે. અયોધ્યા ઘટનામાં એક તબક્કે એમને હિંદુ અસ્મિતાનો ઘોષ સંભળાયો હતો એ રીતે ગિરિલાલના વિચારોનો જાડો સાર ઉભડક ઉપલક આપી શકાય. અલબત્ત, એમના ચિંતનમાં યથાપ્રસંગ ન્યુઆન્સ્ડ અવકાશ પણ નહોતો એમ નથી. અહીં એની કોઈ લાંબીચોડી ચર્ચામાં ગયા વગર આપણે માત્ર એ એક જ નિર્દેશ કરીશું કે કૉંગ્રેસ હસ્તક સેક્યુલરિઝમના અમલનાં ટીકાસ્થાનો દર્શાવતે છતે ગિરિલાલે જવાહરલાલ નેહરુની એ એક વાતે ચોક્કસ જ કદર કીધી હતી કે એમની રજૂઆતમાં એક ભાવનાત્મક સમજૂતની ગુંજાશ ચોક્કસ હતી જે સર્વધર્મસમભાવની ભૂમિકાએથી સેક્યુલર સમજ તરફ લઈ જઈ શકે. અલીગઢ યુનિવર્સિટીમાં ૧૯૪૮માં સંબોધન કરતાં નેહરુએ વ્યક્ત કરેલા વિચારો એમણે ટાંકેલા જે વાંચતા કાયલ થયા વિના આરો નહોતો.

ખેર. હમણાં જેમ ‘ગર્વ સે કહો’ શ્રેણીની પુસ્તિકાઓની વાત કરી તેમ કરવા જોગ બીજો ઉલ્લેખ મહેન્દ્ર મેઘાણીએ આપણા સમયના કદાચ સૌથી મોટા ધર્મપુરુષ ગાંધીના જીવનના છેલ્લા પંદરસત્તર મહિના ‘આંસુ લૂછવા’ની યાત્રારૂપે મૂકી આપ્યા હતા તેનો છે. ગાંધીજીવનના કરુણભવ્ય અંતિમ પર્વમાં ભારતજનમાત્રને (પછી તે બંગાળના મુસ્લિમો હોય કે બિહારના હિંદુઓ હોય, સૌને) વારતા, વાળતા ને ઠમઠોરતા સત્યાગ્રહીની સક્રિય કરુણાનો હૃદ્‌ તંત્રીને બેકાબૂપણે ઝંકૃત કરી મેલતો એ એક અનુભવ હતો. પ્રકારાન્તરે, ગંગાસ્નાન જ કહો ને.

પણ આ બધું કહ્યાનોંધ્યા અને જોયા પછીયે પેલો લાખ રૂપિયાનો સવાલ કમબખ્ત કેડો મેલતો નથીઃ સર્વધર્મ સમભાવને છાજતી-અરે, કંઈ નહીં તો એક સાથી નાગરિકની મનોભૂમિકાએ ઊભી  આપણે જે ન બનવાનું બની ગયું, ૨૦૦૨માં, એને અંગે ભલે વણબોલી પણ માનસિક અનુમોદનાથી કંઈકે હટી શક્યા છીએ ખરા ?

આ લખું છું ત્યારે મને પોલીસ વડા ગિલના એ ચિંત્ય ઉદ્‌ગારોનું સ્મરણ  થઈ આવે છે કે જ્યાં પણ રમખાણોત્તર શાંતિસ્થાપન માટે મારે જવાનું થયું ત્યાં જોયું છે કે તોફાનોના દસવીસ દિવસ પછી જવાબદાર તત્ત્વોમાં અને એમના સક્રિય-નિષ્ક્રિય ટેકેદારોમાં એક પ્રકારે ‘કલિંગ ઇફેક્ટ’નો સંચાર થાય છે. કલિંગના ભીષણ યુદ્ધ પછી વિજેતા અશોકને જાગેલી તીવ્ર લાગણી એ હતી કે આ શું થઈ ગયું. ઉદાત્ત અને ધોરણસરના ‘રુક-જાવ’થી માંડી સમ્યક્‌ પુનર્વિચાર ભણી દોરી જતી એ પુણ્ય પ્રતિક્રિયા હતી. ધર્મભાવને જગવતી આવી કોઈ કલિંગ ઈફેક્ટ, ગિલને ગુજરાતની જવાબદારી સ્વીકારતાં અનુભવાઈ નહીં. આવું કેમ છે, ગુજરાતના વિશાળ પ્રજાવર્ગને અને, ખાસ તો, રાજકીય-શાસકીય અગ્રવર્ગને, તે કેમ નહીં વરતાતી હોય, એ પ્રશ્ન આમ તો ગુજરાતના સંતમહંત સાધુમહત્માઓને થવો જોઈતો હતો … હશે, છેવટે પોલીસવડાને ય થયો તો ખરો! પણ, કથિત શાંતિસ્થાપન પછી ગિલ જ્યારે વિધિવત્‌ વિદાય લઈ રહ્યા હતા ત્યારે નાગરિક સંગઠને યોજેલા મિલનમાં મારા સીધા સવાલનો સાફ જવાબ આપતાં એમણે કહ્યું હતું કે ભલે શાંતિ સ્થપાઈ હોય પણ હજુ હું અહીં કોઈ કલિંગબોધ જોતો નથી. જે વસ્તુ જાહેર જીવનના જણ સૌને સમજાવી જોઈતી હતી, એ બીજા કોઈને ય નહીં અને જેમની યશઃકાય એક એન્કાઉન્ટરમાર્તંડની છે એમને સમજાઈ તેમાં રંજ વાંચવો કે રાજીપો, એ વાચકો પર છોડું છું.

મારે એક વસવસો ખચિત નોંધવો જોઈએ. જેમ બીજી કેટલીક બાબતોમાં તેમ કલિંગબોધને મુદ્દે પણ આપણા આ પોસ્ટ-ટ્રુથ સમયમાં હું જોઉં છું કે કંઈક હાંસી કે ઉપહાસ જેવો પ્રતિભાવ જોવા મળે છે. (સ્વાયત્તતાની ચર્ચાને જેમ હાસ્યલેખનું માન અપાયું હતું, એમ.) આ દિવસોમાં મળેલી એે ઇ-મેલ નમૂના દાખલ ઉતારું છું.

Culling Effect or कलिंगबोध  !!!

Feb 2

Dear PrakashJi

Title of your article is culling Effect meaning – reduce the population of (a wild animal) by selective slaughter.

When KPS GILL told you about culling Effect, he talked about reducing the population of Khalistan seeking terrorists and not the कलिंगबोध that u are talking about.

I wonder how on earth can the editor of DB let you misinterpret culling effect and कलिंगबोध altogether.

Your OP-ED doesn’t make sense as you have mistakenly used two words ‘CULLING’ and कलिंगबोध having radical difference in their meanings without knowing the meaning of the earlier.

And, we have celebrated मातृभाषा दिवस just a few days back…

What a joke!!!!! Instead it should rather be called.

कलिंगबोध culling?) दिवस।

Jai Hind & Regards

Petty officer … Veteran

વારુ. હિંદુ કે મુસ્લિમ કે અન્ય કોઈ પણ છેડેથી હિંસ્ર કાંડ ખેલાય તો તેની સાથે કાયદાના શાસનને ધોરણે સવેળા ને સાધિકાર કામ પાડવું જોઈએ એ સીધોસાદો શાસનવિવેક છે. ગોધરાના કલેક્ટર જયંતી રવિએ, ઘટનાની વાંસોવાંસ નિવૃત્ત પોલીસ વડા રિબેરોને માર્ગદર્શન માટે ફોન કર્યો હતો, એવા હેવાલો છે. એમની વચ્ચેની તંતોતંત વાતચીત તો આપણે ક્યાંથી જાણી શકવાના હતા. પણ રિબેરોએ એમને શો જવાબ આપ્યો હશે તે કલ્પી શકાય છે, કેમ કે ગુજરાતમાં આ પૂર્વે અનામતવિરોધી ઉત્પાતના એક તબક્કે જાણે કે એમણે ચાંપ દાબી ને તોફાન બંધ થઈ ગયાં એવી સાક્ષાત્કારક કામગીરી એમની હતી. આ ચમત્કાર કેમ થયો એનો ખુલાસો એમણે ‘ઍલિમેન્ટરી, માય ડિયર વૉટ્‌સન’ એવી આસાએશથી આપેલો છે – એસ.ઓ.પી. કહેતાં સ્ટૅન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર. તોફાની તત્ત્વોની યાદી લગભગ તૈયાર જ હોય છે. તમે એમને ટપાક બંધ કરી દો એટલે સટાક શાંતિ સ્થપાઈ જાય છે. તોફાની તત્ત્વોના રાજકીય આકાઓની આવે વખતે શેહ ન નડવી જોઈએ, એ પાયાની વાત છે. પણ ગુજરાતમાં ૨૦૦૨માં જે સરકાર અને સત્તાપક્ષ આરૂઢ હતાં એમને અભિમત યુ.એસ.પી. અને આ એસ.ઓ.પી. વચ્ચે છત્રીસનો સંબંધ હતો, એનું શું.

એસ.ઓ.પી., આમ તો, કાયદાના શાસનનો ચટ મંગની પટ બ્યાહ જેવો દાખલો છે. અને આટલા સીધાસાદા શાસનવિવેક સારુ કોઈ બાઈબલ કે ગીતા કે કુરાન કશાની જરૂર નથી. છેક બંધારણ સુધી લાંબા ન થાઓ તો પીનલ કોડ પણ પૂરતો થઈ પડે છે. એ રીતે જોતાં પ્રશ્ન તત્ત્વતઃ ધર્મભાવના કે ધર્મતત્ત્વનો કદાચ છે પણ નહીં. અલબત્ત, સર્વધર્મ સમભાવ કેળવવાની વાત સંસ્કારિતાની દૃષ્ટિએ, પ્રગતિશીલ માનવતાની દૃષ્ટિએ એક હદે ઠીક જ છે. તેમ છતાં, આ બધાં પર ભાર મૂકવા છતાં, કલિંગ ઇફેક્ટ જોગ પીચ નથી બની તે નથી બની. કદાચ, એવું તો નથી ને કે આપણે અમસ્તા જ ધર્મ છેેડેથી મંડી પડતા હોઈએ છીએ? સાચદિલ છતાં એ સરળભોળી ભૂમિકા છે. ધર્મપ્રવણ ભારતીય માનસને ખરું જોતાં એ પકડાવું જોઈએ કે ગોધરા-અનુગોધરા ઘટનાક્રમ, જેમ ઝીણાને સારુ પાકિસ્તાન એક કહેવાતો ધાર્મિક છતાં રાજનૈતિક પ્રશ્ન હતો તેમ, હિંદુ ધર્મનો નહીં એટલો હિંદુત્વ રાજનીતિનો હતો. સંઘ પરિવાર જે રાજકારણ ખેડે છે એ હિંદુ ધર્મને નામે વસ્તુતઃ હિંદુત્વ નામની રાજકીય વિચારધારાનું રાજકારણ છે. ક્યારેક ‘ઇસ્લામ ખતરે મેં હૈ’ એવી અપીલ વિશે સંભળાતું હતું તેમ હવે એના હિંદુ અડધિયા જેવું ચાલે છે. ધર્મકોમને નામે રાષ્ટ્રની વ્યાખ્યા આ માનસિકતાના મૂળમાં પડેલી છે. હિંસાચાર અને હત્યાચારને આ માનસિકતા વાટે અનુમોદના મળે છે. કોમી ઘટનાક્રમની આપણે ત્યાં કમભાગ્યે નવાઈ નથી. પણ ૨૦૦૨માં જે બન્યું તે જુદું એ વાતે હતું કે એની પૂંઠે રાજકીય વિચારધારાવશ શાસકીય સમર્થન પડેલું હતું. આવી વિચારધારાવશ, પછીથી, કલિંગબોધને અવકાશ ક્યાંથી રહે.

હમણાં પાકિસ્તાન ભણી દોરી ગયેલી ‘ઇસ્લામ ખતરે મેં’ મનોદશાની જિકર કરી. જો કે હિંદુરાષ્ટ્ર સ્કૂલને ય એ ખયાલ ભાગ્યે જ આવે છે કે આપણે ધર્મકોમી ધોરણે રાષ્ટ્રની વ્યાખ્યા કરીએ ત્યારે વળતી એવી જ વ્યાખ્યાને અવકાશ રહે છે. પરિણામે, બધો વખત ભાગલા ન પડે તો પણ ઘણો ખરો વખત પરસ્પરસ્પર્ધી કોમવાદને ભરપૂર અવકાશ રહે છે, અને દેશ એટલો પાછળ પડે છે.

જરી ઉતાવળે પણ અત્યાચારના વિશ્વચિત્રને અનુલક્ષીને આ સંદર્ભમાં પરિપ્રેક્ષ્ય દાખલ એક મુદ્દો નોંધી લેવો જોઈએ. ૨૦૧૭માં જ પંકજ મિશ્રાનું પુસ્તક ‘Age of Anger :A History of the Present’ બહાર પડ્યું છે. મિશ્રા, સુજ્ઞ વાચકોને ખ્યાલ હોય જ કે એડવર્ડ સઈદની પરંપરામાં ઓરિએન્ટલ મોરચો સંભાળનારા બૌદ્ધિકો પૈકી લેખાય છે. ૨૦૧૪માં  પોતે સામ્પ્રતની આ તવારીખ માંડી ત્યારે વિશ્વ સામેનો પડકાર શો હતો એની જિકર કરતાં એમણે કહ્યું છે કે એક પા ઇસ્લામી સ્ટેટ તો બીજી પા નમો-ટ્રમ્પ ઘાટીએ સાંકડા ને ઉગ્ર રાષ્ટ્રવાદનો ઉપાડો તરત ધ્યાનમાં આવે છે. ૨૦૦૨માં આપણે ત્યાં જે બન્યું તે સમય ‘ઇસ્લામી સ્ટેટ’નો નહોતો. ૨૭મી ફેબ્રુઆરી ૨૦૦૨માં તરતના કલાકોમાં સ્નિફર શ્વાનશૈલીએ સત્તાવાર ટિપ્પણી ગુજરાતમાં શીર્ષ સત્તાસ્તરેથી પરબારી એ હતી કે આ એક આતંકવાદી ઘટના છે. આ ટિપ્પણીએ ત્યારે સૈંયા ભયે કોતવાલ એ તરજ પર બળતામાં ઘી પણ હોમ્યું તો હશે જ. પણ ખુદગોઠવ્યા નાણાવટી પંચ સમક્ષ સત્તાવાર રજૂઆતમાં આતંકવાદનો મુદ્દો ગાયબ છે! પણ આજે એકબીજાને હવા આપતાં બે પરિબળો (એક હદે જુદાં, પણ માનસિકતામાં સાથે) આપણી સામે છે. વંચિતતાના વિવર્ધનમાં માહેર વૈશ્વિકીકરણ સાથે કામ પાડવા અસમર્થ પરિબળોને મૂળ મુદ્દા ચાતરી આક્રમક મુદ્રા ફાવતી આવે છે. ગમે તેમ પણ, ‘ઇસ્લામી સ્ટેટ’ની (જેને ન જ ચલાવી શકાય, એની) સામે ધોરણસરની કારવાઈને બદલે ઘરઆંગણે ઉગ્ર રાષ્ટ્રવાદની  ધરાર રાજનીતિ ખેલાવાની હોય તો તે ભલે ‘ઇસ્લામી સ્ટેટ’ની જેમ આતંકી ખેલ ન હોય, નિરામય નવી દુનિયા ભણીની મજલને સારુ એ અસ્વસ્થકારી અમંગળ એંધાણ તો છે જ.

વાતનો બંધ વાળતાં સાંભરે છે કે ૨૦૦૨માં દેશભરમાં બલકે વિશ્વવ્યાપી ધોરણે ગુજરાતમાંથી બે તસવીરો ખૂબ ઊંચકાઈ હતી. એપ્રિલ ૨૦૦૨માં પ્રેસ ઇન્સ્ટિટ્યૂટમાં મળવાનું થયું ત્યારે અજીત ભટ્ટાચાર્યે કહ્યું હતું કે આ બે તસવીરો પછી વૃત્તાંતનિવેદકોએ અને વૃત્તવિવેચકોએ કદાચ કશું જ કહેવાનું રહેતું નથી. એક, ત્યારે ‘વિશ્વ હિંદુ પરિષદ’, બજરંગ દળ સંઘાડાના અશોક પરમારની હતી નાગી તલવારે આક્રમક મુદ્રામાં, બિલકુલ ઈન ઍક્શન. બીજી અનસારીની હતી – હાથ જોડીને વિનવણી કરતી, એક ભયસંત્રસ્ત દયામણી સ્થિતિમાં. અશોક ને અનસારી ત્યારે એક રીતે બે અંતિમોને પ્રતિનિધિત કરતા હતા. આજે કોણ માનશે, બંને મુદતે મુદતે કોરટમાં મળે છે; અને અન્યથા પણ એકબીજાની કાળજીભરી પૃચ્છા કરે છે.

અશોક પરમાર નામે આતંકી ચહેરો ક્યારેક હશે તો હશે. અનસારી નામે આતંકિત ચહેરો ક્યારેક હશે તો હશે. પણ એમની હમણેનાં વરસોની દોસ્તાના તાસીરમાં કલિંગ ઇફેક્ટ ભણી જતું આશાચિહ્‌ન વાંચી શકાય? સેવાગ્રામ ઈફેક્ટ જેવું કાંક હશે કે કેમ પણ મને હમણાં તો એમ જ માનવું ગમે છે.

આ અગ્રલેખ છપાવા જઈ રહ્યો છે ત્યારે ટોકેથોન-ખ્યાત મોદીને સુરતથી સુરખીઓમાં (રન ફોર ન્યૂ ઇન્ડિયા નાઈટ મેરેથોનને ફ્લેગ ઑફ આપતાં) જોઉં છું કે તે ‘ક્વિટ ઇન્ડિયા’ની જેમ પાંચ વરસમાં ન્યૂ ઇન્ડિયા બનાવવાના સંકલ્પની વાત કરે છે. ભાઈ, શરત માત્ર એટલી જ છે કે ઇતિહાસબોજ અને ઇતિહાસબોધ વચ્ચેનું અંતર કાપવું રહે છે. તેવી કોશિશ થાય તો, સંભવ છે, સોળે સાનની શરૂઆત થઈ પણ શકે.

ફેબ્રુઆરી ૨૬, ૨૦૧૮

સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2018; પૃ. 01-04 

Loading

1 March 2018 admin
← Ram Rajya Rath Yatra: Road to Power
એ બસ ફરવા આવ્યા હતા →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved