એક સમયે એના માટે કબીલાનો સરદાર હતો, મંદિરનો ભગવાન હતો, હવે રાજનેતા છે
અમેરિકાના ફ્લોરિડામાં એક સ્કૂલમાં 17 છોકરાઓને ગોળીએ દેવામાં આવ્યા તેના માટે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે હત્યારાના પાડોશીઓ અને સહાધ્યાયીને અપરાધી ઠેરવ્યા, તે પછી ડેઇલી બીસ્ટ નામના સમાચારપત્રમાં એક લેખકે ‘ખાલી વાસણ’ મથાળા હેઠળ આવું લખ્યું હતું:
“પાર્કલેન્ડ હત્યાકાંડ પછી મેં અને મારી ટીમે પ્રેસિડેન્ટનું રાષ્ટ્રને નામ સંબોધન ટીવી પર સાંભળ્યું. એમના મોંઢામાંથી આવતા શબ્દો બેઅસર હતા. ન તો એમાં કોઈ ગુંજ હતી ન તો રૂમમાં એકેય માણસ દ્રવિત થયો. એ શું બોલે છે એનો કોઈ જ અર્થ ન હતો. ટ્રમ્પ એક ખાલી વાસણથી વિશેષ કંઈ નથી. એમનું રાજ નૈતિક અધિકાર ગુમાવી ચૂક્યું છે. થિયરી પ્રમાણે એ વ્હાઇટ હાઉસમાં રહે છે, પણ એ અમેરિકાના પ્રેસિડેન્ટ નથી. એ રશિયાની કઠપૂતળી છે અને પુતિનની જેમ જ બિનગોરાઓની ઘૃણા કરે છે. એમની પાર્ટી અમેરિકન ઓછી અને પુતિનશાઈ વધારે છે. આપણે અમેરિકાના અંધકાર-યુગમાં ઘૂસી ગયા છીએ. દેશની એક પ્રમુખ પાર્ટીમાં સડો પેઠો છે. એની ઉપર અતિવાદીઓ ચડી બેઠા છે અને જાતિવાદ, કબીલાઈવાદ, લાલચ, પરદેશીઓ પ્રત્યે ઘૃણા (ઝેનોફોબિયા) અને વસ્તીના આતંકમાં ઘેરાઈ ગઈ છે. એમનો પ્રેસિડેન્ટ આપણો પ્રેસિડેન્ટ નથી. એમની અસલિયત અને આચરણ સંદેહના ઘેરામાં છે. સવાલ એટલો જ છે કે આ નવા-નાઝીઓ, નફરત-પરસ્તો અને ડરના વેપારીઓને તગેડી મૂકવા માટે બહુમતી લોકો એમના આક્રોશને સંગઠિત રાખી શકશે?’
ખાસ્સા કઠોર શબ્દો કહેવાય. એનું કારણ છે. અમેરિકા દુનિયાનો અને ઇતિહાસનો સૌથી ઉદાર દેશ રહ્યો છે. અમેરિકન સમાજમાં સામાજિક, ધાર્મિક અને વ્યક્તિગત આઝાદી સંસારમાં બેમિસાલ છે. અમેરિકન સંસ્કૃિત એ જગતની પહેલી સંસ્કૃિત છે, જેણે માણસને જેવો છે તેવો સ્વીકાર્યો છે. ન તો એને અંકુશમાં રાખ્યો છે, ન તો એમાં સુધારનો આગ્રહ રાખ્યો છે. બીજા દેશો માટે આ ઉદારવાદ આદર્શ રહ્યો છે. ચાહે જીવન જીવવાની રીત હોય, નોકરી-વ્યવસાય હોય, બિઝનેસ હોય, ટેક્નોલોજી-વિજ્ઞાન હોય, શાસનવ્યવસ્થા હોય, કાનૂની રસમ હોય કે પછી ધાર્મિક માન્યતાઓ હોય, બહુ બધા સમાજોએ અમેરિકામાંથી પ્રેરણા લઈને એમના પછાતપણાને સુધાર્યું છે. 2 લાખ વર્ષ સુધી માણસ નાના-નાના શિકારી સમુદાયોમાં દરબદર ભટકતો રહ્યો હતો. એ આક્રમણોનો જંગલી સમાજ હતો. પાછલી કેટલીક સદીઓથી માણસ ડાહ્યો થયો અને કબીલાઈ સંસ્કૃિતના સ્થાને નિયમવાળું, શિસ્તબદ્ધ, ઉસૂલોવાળું જીવન જીવતો થયો. અર્થવ્યવસ્થા સંગઠિત કરવા બજારો આવ્યાં, રાજનીતિમાં શિસ્ત લાવવા ચૂંટણી આવી અને જ્ઞાનની ભૂખ સંતોષવા વિજ્ઞાન આવ્યું. આપણે કબીલાના સરદારને બદલે સંવિધાનના ચરણસ્પર્શ કરતા થયા અને વર્ણના અભિમાનને બદલે વ્યવસાયની ઇજ્જત કરતા થયા. આનું પરિણામ માણસની ચકાચૌંધ સંભાવનાઓમાં આવ્યું.
આ બધું બદલાઈ રહ્યું છે, અમેરિકા અને બીજે બધે. ઉદારતા ઘટી રહી છે, સરહદો સીલ થઈ રહી છે, રોજગારી અને વ્યવસાય પર અંકુશો વધી રહ્યા છે, પરધર્મી કે પરદેશીઓ પ્રત્યે ઘૃણા વધી રહી છે. અમેરિકાના બુદ્ધિજીવીઓ કહે છે કે, અમેરિકા પાછો કબીલાઈ બની રહ્યો છે. રિપબ્લિક અને ડેમોક્રેટ પાર્ટી કબીલાની જેમ વર્તી રહી છે. અમેરિકના ડાહ્યા માણસો આ જોઈને કકળાટ કરી રહ્યા છે. આ શું થવા બેઠું છે? ‘ધ ટાઇમ્સ’ સમાચારપત્ર શ્લેષમાં લખે છે, ‘અમેરિકામાં અધિકૃત રીતે 567 જાતિઓ છે, પણ અનધિકૃત રીતે બે છે: રિપબ્લિક અને ડેમોક્રેટ. આ બે જાતિઓ અમેરિકાના ફાડચા કરી રહી છે.’ અમેરિકા ફર્સ્ટ એ હકીકતમાં નવો જાતિવાદ છે, જેમાં તમે તમારા સમુદાય શ્રેષ્ઠ ગણો છો અને બીજા સમુદાયને કનિષ્ઠ, એમ પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બિલ ક્લિન્ટને હમણાં કહ્યું હતું.
અમુક લોકો કહે છે તેમ, દુનિયામાં રાષ્ટ્રવાદનો પવન ફૂંકાયો છે એમ નહીં, આપણે પાછા કબીલાઈ સમાજમાં ધકેલાઈ રહ્યા છીએ. કબીલાઈ વિચાર-વ્યવહારમાં લોકો એમના દોસ્તો, એમના દેશ અથવા અન્ય સામાજિક સમુદાયની તુલનામાં એમની જનજાતિ માટે વફાદાર રહેવાનું પસંદ કરે છે. માણસ જ્યારે પહેલીવાર સંગઠિત થયો ત્યારે તેણે જંગલમાં ‘એના જેવા’ લોકો સાથે રહેવાનું શરૂ કર્યું હતું. ધાર્મિક ઓળખ તો બહુ પછી આવી, એ પહેલાંથી આપણે ‘આપણી જાત’ના લોકોથી સામાજિક પહેચાન બનાવતા હતા.
માણસ બુનિયાદી રીતે ટ્રાઇબલ છે, આદિવાસી છે, કબીલાઈ છે. ગ્રૂપ આઇડેન્ટિટીનો એ મોહતાજ છે. આપણા ઘણા બધા વ્યવહાર કબીલાઈ સોચમાંથી આવે છે. મંદિરોમાં જઈને સમૂહભક્તિ કરવી કે સરહદ પર યુદ્ધો કરવાં, પોતાની ટેરેટરીના સોગંધ ખાવા કે એના રક્ષણ માટે સરદાર નીમવો, આ બધું કબીલાઈ વર્તન છે. આપણે સામાજિક પ્રાણી છીએ અને આપણે આપણી સાલમતી માટે આપણી ‘ટ્રાઇબ’ પર આધાર રાખીએ છીએ. એને જાતિ કહો, પરિવાર કહો, ગોત્ર કહો કે નેટવર્ક કહો, એમાં ઊંચા માર્ક્સ લાવવા કે નોબેલ પારિતોષિક જીતવા કરતાં ય વધુ તો સર્વાઇવલનો હેતુ હોય છે.
ડાબેરી રાજનીતિ કહો કે જમણેરી ઝુકાવ કહો, રાજનૈતિક વિચારોનું પોલરાઇઝેશન (ધ્રુવીકરણ) કબીલાઈ પહેચાનમાંથી આવે છે. એક જમાનામાં કૉંગ્રેસના કારણે અમારો કપરો સમય સારો થયો અથવા ભાજપના કારણે સારો સમય ખરાબ થયો, એ બંને પોલરાઇઝેશન જ છે. આપણને ક્યાંક માથું ટેકવવા જગ્યા જોઈએ, એક સમયે એના માટે કબીલાનો સરદાર હતો, મંદિરનો ભગવાન હતો, હવે રાજનેતા છે. હું તમને સ્વર્ગમાં જવાનો માર્ગ બતાવીશ અથવા હું તમારા સુખના દા’ડા લાવીશ, એ બંને વિધાનો આમ તો સરખાં જ છે. પહેલાં પૂજારી બોલતો હતો, હવે પ્રાઇમ મિનિસ્ટર.
પશ્ચિમના ધર્મો કબીલાઈ જ છે, જ્યાં એ ઈશ્વરની પૂરી તાબેદારી સ્વીકારો તો જ સ્વર્ગ મળે છે અને એના માટે નિશ્ચિત આચારસંહિતા – code of conduct પણ છે. રાજા, પ્રેસિડેન્ટ, વડાપ્રધાન (કે તાનાશાહ) એ ભગવાનનું જ આધુનિક સ્વરૂપ છે. ક્યારેક ત્યાં શાસ્ત્રો અને ધર્મગ્રંથો હતા, હવે પીનલ કોડ અને સંવિધાન છે. યુ.જી. કૃષ્ણમૂર્તિ નામના ધૂંઆધાર વિચારક કહેતા હતા કે, તમામ રાજનૈતિક વિચારધારાઓ અને કાનૂન વ્યવસ્થાઓ એ માણસના ધાર્મિક વિચારોમાંથી જ આવ્યા છે. ધર્મો પણ સ્વર્ગની, સુખની અને સજાનું ચિંતન કરતા હતા, સંસદ અને ન્યાયાલયોમાં પણ એ જ વાતો થાય છે. પાપ કરશો તો નર્કમાં જશો, એવું શાસ્ત્રમાં લખ્યું છે અને ગુનો કરશો તો જેલમાં, એવું ઇન્ડિયન પીનલ કોડમાં.
ગુફામાં બેઠેલો કબીલાનો સરદાર ઈશ્વરના કોપાયમાન થવાની અને દંડ કરવાની ધમકી આપતો હતો અને આપણે ત્યારે પણ માથું ઝુકાવીને એ માનતા હતા.
જે માથું નમાવે તે ‘આપણો’ (in group) અને ન નમાવે તે ‘બહાર’નો (out group) અથવા દેશદ્રોહી. આમાં નાતબહાર મૂકો, ગામબહાર મૂકો, હુક્કા-પાણી બંધ કરો, તડીપાર કરો કે દેશનિકાલ કરો એ એ જ છે, જે જંગલમાં, ગુફાના સમાજમાં હતું. ફર્ક એટલો જ હતો કે, માણસે મહેનત કરીને, નિયમ અને માણસાઈને મહત્ત્વ આપીને કબીલાઈ વ્યવહારને સંસ્કારી બનાવ્યો તો તેમાં બીજાની સામેલગીરી અને સત્કાર થયો. એ આદર્શ સંસાર માટેનું કદમ હતું, પણ એમાં પેલી ‘કાઢી મુકાવાની’ વૃત્તિ જતી કરવાની શર્ત હતી. એ કેટલું અઘરું છે! તે રાષ્ટ્રવાદના નવા સ્વરૂપમાં જોવા મળી રહ્યું છે. એને ડિગ્લોબલાઇઝેશન પણ કહેવાય અને કબીલાઈશાહી પણ.
સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્ડે ભાસ્કર”, 25 ફેબ્રુઆરી 2018