Opinion Magazine
Number of visits: 9448692
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

मज़हब यही सिखाता आपस में प्यार करना इंसां हैं हम मज़हब है इंसानियत हमारा

અાશા બૂચ|Opinion - Opinion|15 May 2013

આમ જુઓ તો દરેક દેશમાં એકથી વધુ ધર્મ પાળતા નાગરિકો વસતા જોવા મળે છે, અને તેઓ હળી મળીને પ્યારથી સહજીવન વ્યતીત કરતા હોય છે. ભારત ભૂમિને ખોળે દ્રવિડ સંસ્કૃિત ફૂલીફાલી, તે પછી આર્યોનું આગમન થયું અને હિંદુ ધર્મનાં પગરણ થયાં. તે પછી આ ધરાએ ક્રિશ્ચિયાનિટી, ઇસ્લામ, જુડાઈઝમ, બુદ્ધ, જૈન, જરાથોસ્ત્ર અને શીખ જેવા વિશ્વના મુખ્ય ધર્મોને કાળક્રમે પનાહ દીધી છે. આજે હિંદુ-મુસ્લિમ વચ્ચે જે વૈમનસ્ય ઉભરતું જોવા મળે છે, એની પશ્ચાદભૂમાં ઉપરોક્ત પંક્તિ સાબિત કરવાની મારી કોશિશ રહેશે. 

ઇતિહાસને પન્ને નોંધાયેલું છે કે ૮થી ૧૧મી સદી દરમ્યાન આરબો સાથે ભારતને સાહિત્યિક અને સાંસ્કૃિતક સંબંધ હતો. ત્યાંથી સૂફી, સંત અને ફકીરો આવ્યા. એટલે કે ઇસ્લામ સાથે હિંદુ પ્રજાને પહેલો સાંસ્કૃિતક અને સાહિત્યિક નાતો જોડાયો. તે પછી સામ્રાજ્ય વિસ્તારના ભૂખ્યા રાજાઓની ચડાઈ થઈ અને તેઓ ભારતમાં સ્થાયી થયા. ભારતમાં જેમ શક, હુણ અને કુષાણ આવેલા તેમ જ મોગલો આવ્યા. શિવાજી મોગલો સામે પોતે હિંદુ હતા માટે નહિ પણ બીજા રાજાએ પોતાના રાજ્ય પર હલ્લો કર્યો માટે લડ્યા હતા. મોગલો મુસ્લિમ હતા તેથી ભારત પર ચડી આવ્યા કે એમની સત્તા વિસ્તારની લાલસા એમને આ ફળદ્રુપ જમીન ભણી દોરી લાવી ? એમ તો ગુપ્ત, મૌર્ય અને ચાલુક્ય વંશના રાજાઓ હિંદુ હતા છતાં સામ્રાજ્ય વિસ્તારની એષણા સંતોષવા એમણે તો ઘણા જંગ ખેલેલા. અશોકે બુદ્ધ ધર્મ અંગીકાર ન કર્યો હોત તો તે એક સામ્રાજ્યવાદી અને હિંસા આચરનાર રાજા તરીકે પંકાયો હોત. કહેવાનો મતલબ એ છે કે રાજ્યો અને મહારાજ્યોના વિસ્તારની મહત્ત્વાકાંક્ષા સંતોષવા ઉપરોક્ત લડાઈઓ થયેલી, તેમાં ધર્મનું પરિબળ મુખ્ય ચાલક હોય તેમ સાબિત નથી થતું.

મોગલ સામ્રાજ્યની સ્થાપના પછી, હિંદુ-મુસ્લિમ પ્રજા અમનથી સાથે રહેતી રહેતી. તેઓ એક બીજાના રીત રિવાજ, રહેણી-કરણી અને તહેવારો અપનાવતા થયા. એ ગાળામાં કોમી હુલ્લડો નહોતા થયા. ૧૮૫૭માં અંગ્રેજી સલ્તનતને હાંકી કાઢવા માટે પણ એ બે ધર્મના લોકો એક થઈને લડેલા. ઇતિહાસને તટસ્થ નજરે જોવાથી ખ્યાલ આવશે કે મોગલ રાજ્યના શાસનકાળમાં આપણે એમના ગુલામ નહોતા થયા. તેઓ ભારતમાં આવ્યા અને રહ્યા. એમ તો છેક વેદિક સમયમાં સંસ્થાનવાદનાં મૂળિયાના સગડ મળે છે. અગત્સ્ય મુનિએ ઉત્તર ભારતથી છેક મલેશિયા જઈને વસાહતો ઊભી કરેલી, એ રીતે એમને આપણે પહેલા સંસ્થાનવાદી ગણી શકીએ. મોગલો માત્ર રાજ્યકર્તા તરીકે આવ્યા એ ખરું, પણ અહીં તેમનો વસવાટ સ્થાયી બન્યો. અકબર શહેનશાહના શાસન દરમ્યાન હિંદુ ધર્મના પવિત્ર ગ્રંથોનું ઉર્દૂમાં ભાષાંતર થયું તે શું પરસ્પરની વેર ભાવનાથી શક્ય બન્યું હોત ? મોગલોએ પોતાના શાસનકાળ દરમ્યાન ભારતનાં શિલ્પ, સ્થાપત્ય, સંગીત અને કળામાં સિંહ ફાળો આપ્યો, જેની અસર હજુ ટકી રહેવા પામી છે, જે તે પછીના શાસકો નથી કરી શક્યા. એ હકીકત સર્વવિદિત છે કે કોઈ પણ પ્રજા સાહિત્ય, કળા અને સંસ્કૃિતમાં ત્યારે જ પ્રગતિ કરી શકે જો એ દેશની સીમાઓ સુરક્ષિત હોય, પ્રજાની મૂળભૂત જરૂરિયાતો સંતોષાતી હોય અને એકતાની ભાવના વિકસી હોય. ભારતનું નાણું, તેની કારીગરી કે સ્વાભિમાન મોગલ શાસન દરમ્યાન બહાર ધસડાઈ ન ગયું, પણ દેશમાં રહીને ફૂલ્યું ફાલ્યું. હકીકતે તેના પછીને શાસન દરમ્યાન ૨૦મી સદીમાં વિદેશ ઉસેડાઈ ગયું એ પણ આપણે જાણીએ છીએ. કોઈ રાજા તેની પ્રજાને અન્યાય કરે, જુલમ કરે તો તેની પાછળ તેની અંગત સત્તા લાલસા, એકાધીકારનો મોહ અને અન્ય બળિયા કે સંગઠિત રાજાઓનો ભય કારણભૂત હોય છે. અને એટલે જ તો દુનિયાના ઇતિહાસમાં સમયે સમયે જુલમ કરનારા રજાઓ દરેક ધર્મમાં પાક્યા છે. એનો અર્થ એ કે અન્યાયી અને શોષણખોર રાજ્ય માટે ધર્મને કેમ જવાબદાર ઠેરવાય ?

આજના શિક્ષિત નાગરિકોએ આ હકીકત સ્વીકારવા જેવી છે કે ભૂમિનો પ્રતાપ ઘણો હોય છે. એ માણસોને સાંકળે છે. કોઈ પણ દેશની ખેતી, વેપાર, ધંધા, હુન્નર, કળા વગેરે બધું જ એ પ્રદેશની આબોહવા, ભૌગોલિક સ્થિતિ અને કુદરતી સ્રોત પર આધારિત હોય છે. આ માનવ શક્તિની બહારનું અસરકારક પરિબળ છે એટલે એક ભૂભાગ પર વસનારા લોકો જુદા જુદા ધર્મ પાળે, જુદી જુદી ભાષા બોલે છતાં ય સરખું ખાય-પીએ, સરખાં કપડાં પહેરે અને તેમનો વેપાર-વાણિજ્ય, કળા-શિલ્પ, સાહિત્ય બધું જ સહિયારું બને છે. એ બતાવે છે કે જે વસ્તુઓ પર કુદરતનો પ્રભાવ છે તે બધાને સાંકળે છે અને માનવ સર્જિત સંગઠનો જેવા કે ધર્મ, પંથ, વાડા અને ભાષાઓ આપણને વિભાજીત કરે છે. શાળાના વિદ્યાર્થીઓને લીબિયામાં ક્રિશ્ચિયન ધર્મ પાળતા લોકો રહે, ભારતમાં મુસ્લિમ ધર્મ અનુસરતા લોકો સુખેથી જીવે અને પાકિસ્તાનમાં હિંદુઓ પોતાનું વતન બનાવીને રહે એ સમજવું અઘરું પડતું હતું. ત્યારે એ બાળકોને દેશ, ધર્મ, ભાષા, વંશીય જાતિ અને સંસ્કૃિતની વ્યાખ્યાઓ સમજાવતી. દાખલા તરીકે ગુજરાતમાં હિંદુઓ બહુમતી પ્રજા છે, પણ મુસ્લિમ, ક્રિશ્ચિયન, પારસી, જૈન વગેરે લઘુમતી કોમ પણ વસવાટ કરે છે. તેમની ભાષા ગુજરાતી છે અને ધર્મો જુદા છે. એમનો ખોરાક, પહેરવેશ અને રહેણી-કરણી ત્યાંની આબોહવા, કુદરતી સાધનોની ઉપલબ્ધિ ઉપર આધારિત એટલે મોટે ભાગે સરખી હોય છે. વળી એ રાજ્યની કુદરતી પેદાશ ઉપર આધારિત ખેત પેદાશ અને ઉદ્યોગ-ધંધા, વેપાર-વાણિજ્યમાં પણ જુદી જુદી કોમના લોકો કામ કરે જ છે. ગુજરાતી સાહિત્ય સમ્મેલન, કળા સમારોહ વગેરેમાં જુદા જુદા ધર્મના લોકોનું પ્રતિનિધિત્વ આ બાબતની સાક્ષી પૂરે છે. તેથી જ કહું છું मज़हब यही सिखाता … બ્રિટનમાં રહેનારનો પહેવેશ અને રહેણી-કારણી એ જ દેશમાં રહેનાર યુક્રેનિયનને જેટલી મળતી આવે તેટલી વડોદરાના તેમનાજ કુટુંબીને મળતી ન આવે તે ખરું ને ?

‘ધર્મને નામે લડાઈ થાય છે’ એવું વિધાન કરનારા જરા વિચારે કે ભૌગોલિક સીમાઓ જોઈ શકાય, તેના પર આક્રમણ કરી શકાય, જયારે ધર્મ એવી સ્થૂળ વસ્તુ નથી એટલે ધર્મને નામે લડાઈ જાહેર કરાય પણ તેનો નિર્ણય રાજકારણીય સત્તાધારીઓ જ લે છે. રાજાઓ પોતાની સત્તા જમાવવા, ટકાવવા, બચાવવા અને વધારવા લડતા. હવે લોકશાહી અને સરમુખત્યારશાહીના જમાનામાં ધર્મની ઢાલ અને તલવાર રાજકારણની એવો તાલ હોય છે. જરા ભૂતકાળમાં ડોકિયું કરીએ, ભારતના ભાગલા ધર્મને કારણે થયા કે રાજકારણને કારણે ? હિંદુ ધર્મ પ્રવર્તકો કે મુસ્લિમ પયગંબરોને ક્રિશ્ચિયન મસીહાઓએ આજ્ઞા આપી કે તમે એક ભૂમિના સંતાનો હતાં, હવે જુદા પડો અને તેને માટે જોઈએ તો એક બીજાનું લોહી રેડો ? સામાન્ય પ્રજા તો જુદા જુદા ધર્મો પાળીને સંપથી રહેતી હતી, રાજકારણે તેમાં મેળવણ નાખ્યું ‘ને લોક જુદા ફંટાયા. ભારતમાં આદિવાસીઓ અને હરિજનો ધર્મે હિંદુ છે છતાં ઉજળિયાત લોકોના દવલા હોવાને કારણે ભયંકર અન્યાયનો ભોગ બને છે તેમ જ અન્ય દેશોમાં મોટાભાગની વસતી મુસ્લિમ હોવા છતાં શિયા-સુન્ની, બલૌચ-સિંધીનાં ભેદભાવ હોવાને કારણે જે બળિયા છે તે નબળાને દોજખમાં ધકેલી દે છે. જો ધર્મની વિવિધતા જ સર્વ સંતાપોનું મૂળ કારણ હોય તો એક ધર્મના લોકો એક દેશમાં સુખેથી રહી શકે એવું સાબિત ક્યાં થયું ? સાચો ધર્મ તો અંદરોઅંદર અને બીજા ધર્મીઓ સાથે સુમેળથી રહેવાનું જ શીખવે છે. આઝાદીની ચળવળમાં ૧૯૨૦-૨૧, ’૩૦ અને ‘૪૨ના આંદોલનો બધી કોમ એક સાથે મળીને લડી શકી તેની પાછળ અખંડ ભારતને બ્રિટિશરોથી મુક્ત કરવાનો જ હેતુ હતો ને ? તો એ એકતાનું બાષ્પીભવન કેવી રીતે થયું ?

એક એવી ગલતફેમી છે કે વિભાજનનો વિરોધ ગાંધીજી અને કેટલાક હિન્દુઓએ જ કરેલો, પણ એ ખરી હકીકત નથી. ઘણા મુસ્લિમ નેતાઓએ તેનો વિરોધ કરેલો અને શહાદત પણ વહોરી તેની નોંધ ઇતિહાસે લીધી છે ખરી ? જો આવી નોંધની જાણ ભારત-પાકિસ્તાનની આમ જનતાને થાય તો બે દેશો વચ્ચે અને ભારતમાં પણ બે કોમ વચ્ચે કોમી વૈમનસ્ય ઓછું થાય. મુસ્લિમ લીગની અલગ પાકિસ્તાનની માંગણી સામે આઝાદ મુસ્લિમ પરિષદે એ માંગણી અવાસ્તવિક અને મુસ્લિમો માટે ખાસ હાનીકારક છે એવું બુલંદ અવાજે કહ્યું તેથી તેમનો ખાત્મો બોલાવી દેવાયો એ વાતની કેટલાકને જાણ હશે ?

જેમ બ્રિટિશ શાસનકાળ દરમ્યાન રાજકારણે ધર્મને આધારે પ્રજાના વિઘટનનું હિચકારું કૃત્ય કર્યું તેમ આઝાદી પછી પણ આપણા સ્વાર્થપટુ રાજ્યકર્તાઓ લઘુમતી કોમની ઘોર અવજ્ઞા કરી તેમને વિકાસની તકોથી વંચિત રાખીને કોમી એખલાસ માટેના બારણાં બંધ કરીને બહુ મોટું ગુનાહિત આચરણ કરી રહ્યા છે. માત્ર એક વંશીય કે ધર્મને અનુસરનારી પ્રજાવાળું રાષ્ટ્ર ન કદી ભૂતકાળમાં હતું, નથી વર્તમાન કાળમાં અસ્તિત્વ ધરાવતું કે ન કદી ભવિષ્યમાં સંભવ બનવાનું, એ સ્વીકારીને (હિટલર તેમ કરવામાં નિષ્ફળ ગયો, પરશુરામની નક્ષત્રી દુનિયા ન ટકી) દરેક દેશની સરકારો સર્વસમાવિષ્ટ નીતિનો અમલ કરે એમાં જ ડહાપણ છે, એવું નથી લાગતું ?

ભારતે ‘અંગ્રેજોએ હિંદુ-મુસ્લિમ વચ્ચે વેર-ઝેરના બી વાવ્યાં’ એ જૂની રેકોર્ડ વગાડવી બંધ કરીને પોતે બે રાષ્ટ્રો બ્રિટિશરોએ કરેલી ભૂલોને સુધારી પોતાના લાભમાં સંબંધો કેવી રીતે સુધારી શકે એ વિચારવું અનિવાર્ય બની ગયું છે. દરેક શોષિત, પીડિત અને વંચિત સમાજ પોતે જ પોતાના બળથી સ્વતંત્રતા, ન્યાય અને સમાનતા હાંસલ કરી શકે એમ માનવ ઇતિહાસ બતાવે છે. આથી ભારતમાં વસતી મુસ્લિમ પ્રજા પોતાની કોમમાં પ્રવર્તતી અજ્ઞાનતા, રુઢિચુસ્તતા, ધર્માન્ધતા અને કોમી વિખવાદના વલણો દૂર ફગાવ્યા બાદ જ બહુમતી સમાજ પાસેથી ઐક્યની ભાવનાની માંગણી કરી શકશે. કોમી વિખવાદના કડવાં ફળો ચાખ્યા પછી ભારતમાં વસતી તમામ બહુમતી અને લઘુમતી કોમ એખલાસનો માર્ગ અપનાવશે એવી આશા. બે જુદા ધર્મોના મૂળ તત્ત્વોમાં સામ્ય હોય છે એટલું સામ્ય બે ભાષાઓ વચ્ચે નથી હોતું, પણ કોઈ પંજાબી શીખને ‘હું ગુજરાતી છું’ એમ કહું તો છરો ઉછળતા નહીં જુઓ, પણ જો કોઈ કહે કે ‘હું પંજાબી મુસ્લિમ છું’ તો છરો ભોંકે ! હું ગુજરાતી, હિંદુ, ભારતીય અને સ્ત્રી હોવા છતાં મેક્સિકોમાં સલામત રહી શકું. પણ આ બધું જ હોવા છતાં મારા ગુજરાતમાં મુસ્લિમો વચ્ચે સલામત નહીં ?! શા માટે ? વિનોબાજી કહે છે તેમ ધર્મનું નામ પડતાં બોમ્બ પડ્યો હોય તેમ બધા જુદી જુદી દિશામાં ભાગવા માંડે છે. 

પાકિસ્તાનની પ્રજાએ પોતાનો લોકશાહીમાં વિશ્વાસ સાબિત કરી બતાવ્યો છે. હવે ભારતમાં ૨૦૧૪માં સામાન્ય ચૂંટણી આવશે ત્યારે રાજ્ય અને કેન્દ્ર કક્ષાએ ભાષા, પ્રાંત અને ધર્મના વાડાઓને દેશનિકાલ કરી પાડોશી દેશો સાથે સુમેળ કરીએ અને આંતરિક ભેદભાવો, વિખવાદો મિટાવીએ એવી અપેક્ષા અસ્થાને નથી. કેમ કે ૨૧મી સદીની ઉગતી પેઢીને આપણે સમજાવવાનું છે કે मज़हब यही सिखाता आपसमें प्यार करना; इंसां हैं हम मज़हब है इंसानियत हमारा

e.mail : 71abuch@gmail.com

Loading

15 May 2013 admin
← Reflections of a Crusader
Striving for Peace and Amity →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved