ચાર્લ્સ ડાર્વિને ૧૮૫૯માં ‘ઓન ધ ઓરિજિન ઓફ સ્પેસીસ’ પુસ્તક પ્રગટ કર્યું ત્યારથી, ‘માણસની ઉત્ક્રાંતિ બંદરમાંથી થઈ છે’ એ થિયરી રૂઢિવાદીઓના નિશાન ઉપર રહી છે. પ્રકૃતિ ક્રમિક-પરિવર્તન દ્વારા પોતાનો વિકાસ કરતી રહે છે, અને અન્ય જીવોની જેમ, આપણા સૌના પૂર્વજ એક જ હતા, પણ ભૌગોલિક પરિસ્થિતિઓ પ્રમાણે જીવતા રહેવાના સંઘર્ષના કારણે રચનાઓમાં બદલાવ આવતો ગયો, અને (ઝાડની ડાળીઓની જેમ) અલગ અલગ પ્રજાતિમાં તબદીલ થઈને પેઢી-દર-પેઢી આગળ વધતા ગયા.
ડાર્વિનનો આ વિચાર એટલો પાવરફુલ હતો કે, તે સમયના (સંસારનું સર્જન ઈશ્વરે કર્યું છે, અને મનુષ્ય દેવનો દીધેલ છે, એવું માનતા) ધર્મપંથીઓમાં હાહાકાર મચી ગયો હતો, અને ‘આટલી સરળ વાત આપણને કેમ સમજમાં ના આવી?’ એવી ભાવના સાથે સમકાલીન વૈજ્ઞાનિકો જબ્બર ઉત્સાહમાં આવી ગયા હતા.
એટલે કેન્દ્રીય મંત્રી સત્યપાલ સિંહે હમણાં ગયા સપ્તાહે ચાર્લ્સ ડાર્વિનનો સિદ્ધાંત ‘વૈજ્ઞાનિક રૂપે ગલત છે’ કહીને એને સ્કૂલ-કોલેજના અભ્યાસક્રમમાંથી હટાવી દેવાની હિમાયત કરી ત્યારે, એક રીતે તો એ સદીઓથી ચાલી આવતી રૂઢિચુસ્ત પરંપરાની જ ભાષા બોલી રહ્યા હતા, પણ આશ્ચર્ય એ વાતનું હતું કે, મૂળ આ વિવાદ પશ્ચિમનો છે, અને ભારતમાં એને લઈને, એકેડમિક રસ સિવાય, કોઈ ચર્ચા થઈ નથી. સત્યપાલ પહેલા મંત્રી છે, જેમણે આ વિવાદને આયાત કર્યો છે. તેમણે એવો (બહુ જૂનો અને જાણીતો) તર્ક કર્યો છે કે, ‘આપણા પૂર્વજોએ ક્યારે ય કોઈ બંદરને ઇન્સાન બનતાં જોયો નથી, કે ન તો એવો કોઈ ઉલ્લેખ કર્યો છે.
ઇન્સાન તો હંમેશાંથી પૃથ્વી ઉપર જોવા મળ્યો છે.’ વર્ષો અગાઉ પંજાબ યુનિવર્સિટીમાં નૃવંશશાસ્ત્રની એક કોન્ફરન્સમાં જ્ઞાની ઝૈલસિંહે એવો સવાલ કરેલો કે, માણસ જો બંદરમાંથી આવ્યો હોય તો, તોતા (પોપટ) ક્યાંથી આવ્યો?, પણ એને ‘જ્ઞાની’ મજાક ગણીને લોકોએ હસી કાઢેલું.
યુરોપમાં તો હવે ઓછું, પણ અમેરિકામાં સૃષ્ટિવાદ (ક્રિએશનિઝમ) અને ઉત્ક્રાંતિવાદનું યુદ્ધ હજુ પણ લડાઈ રહ્યું છે. ૧૯૬૮માં આ વિવાદ સુપ્રીમ કોર્ટમાં ગયો હતો, અને કોર્ટે (ઈશ્વરે વિવિધતા સભર જીવસૃષ્ટિનું સર્જન કર્યું હતું તેવા) સૃષ્ટિવાદને સ્કૂલ-કોલેજમાં ભણાવા મંજૂરી આપી હતી.
એ પછી ઘણાં રાજ્યોએ કાનૂન બનાવીને એને અભ્યાસક્રમ સામેલ કર્યો હતો. આજે પણ ત્યાં ઘણી સ્કૂલોમાં ઉત્ક્રાંતિના સિદ્ધાંતના સ્થાને બુક ઓફ જેનેસિસ (બાઈબલનો પહેલો ખંડ) ભણવામાં આવે છે. આ લોકો ડાર્વિનના ક્રમિક-વિકાસમાં માનવા નથી પ્રેરાતા એનું એક કારણ એ છે કે, સમયની ધારામાં એક જીવની અંદર આ વિકાસ એટલો ધીમો હોય છે કે, કરોડો વર્ષો અને હજારો પેઢીઓ પછી એ બદલાવ નજર આવે છે. એટલે એમાં માનનારી વ્યક્તિ પણ એને પુરવાર કરી શકે તેમ નથી.
બીજું કારણ એ છે કે, ઉત્ક્રાંતિવાદથી ઈશ્વરનો છેદ ઊડી જાય છે, અને રૂઢિચુસ્ત લોકોને એ મંજૂર નથી. ડાર્વિનને ઈશ્વરનો કાતિલ કહેવામાં આવે છે. એના સમયમાં પણ એની સામે સવાલો થયા હતા. ૧૮૭૯માં એક જર્મન વિદ્યાર્થી પરના પત્રમાં ડાર્વિને લખ્યું હતું, ‘હું ઘરડો અને બીમાર માણસ છું. મારે બહુ કામ કરવાનાં બાકી છે. તારા બધા સવાલોના જવાબ આપવાનું સંભવ નથી, અને મારી પાસે સમય પણ નથી. વિજ્ઞાનને (જિસસ) ક્રાઈસ્ટ સાથે કોઈ લેવાદેવા નથી. મને નથી લાગતું કે, ઈશ્વરે પ્રકૃતિ અને મનુષ્યની રચના પાછળનો એનો ઉદ્દેશ કોઈને ય કહ્યો હોય.’
સંસારની રચનામાં મનુષ્યના (બીજા જીવો કરતાં) ચડિયાતા હોવાનો (ખોટો) ખયાલ જોડાયેલો હોવાથી સંસારની રચના પાછળ ઈશ્વરનું હોવું અનિવાર્ય થઇ ગયું છે, અને એટલે જ સૃષ્ટિવાદ અને ઉત્ક્રાંતિવાદની તકરાર શ્રદ્ધા વિરુદ્ધ બુદ્ધિની લડાઈ બની ગઈ છે. યુરોપમાં વિજ્ઞાનનો વિકાસ થયો ત્યારે ધાર્મિક લોકોએ વિજ્ઞાનિકોને ધર્મભ્રષ્ટ કહીને વિરોધ કર્યો હતો, જ્યારે વિજ્ઞાનિકોએ એમને પાખંડી અને અંધવિશ્વાસુ ગણીને મજાક ઉડાવી હતી.
ભારતમાં સ્વતંત્રતાની ચેતના પ્રગટ થઈ ત્યારે એક બીજી ભાવના પણ મજબૂત થવા લાગી કે, ભારત એટલાં વર્ષો સુધી ગુલામ રહ્યું છે એનું એક કારણ ભારતીય સમાજમાં રહેલું પછાતપણું છે. ૧૯મી સદીમાં ભારતમાં જે સુધારાવાદી ચળવળ શરૂ થઈ, તેમાં ભારતીય સંસ્કૃિતને વિજ્ઞાન અને વિવેકબુદ્ધિની બુનિયાદ ઉપર વ્યાખ્યાઈત કરવામાં આવી. એમાં જ, ધાર્મિક માન્યતાઓને (કે ગેરમાન્યતાઓ) હાંસિયામાં ધકેલાઈ ગઈ. આજે બૌદ્ધિકોને ‘લેફ્ટવાળા’ કહીને જે ગાળ આપવામાં આવે છે, તે આ સુધારાવાદી સોચના પ્રતિ-આઘાતમાંથી આવે છે. હવે તો ઘણા સમયથી વૈજ્ઞાનિક સોચને ‘વિદેશી સંસ્કાર’ના આક્રમણ તરીકે પણ ગણવાનું શરૂ થયું છે.
વિજ્ઞાનની સમજ આવી તે પહેલાંના ભારતમાં પૂજારીઓ-પુરોહિતો જે ભણાવે તેણે સત્ય માની લેવાતું હતું. આઝાદી પછી ભારત પશ્ચિમની વૈજ્ઞાનિક દુનિયાના સંપર્કમાં આવ્યું પછી, સત્યના પુરાવા માગવા લાગ્યું. ભારતમાં વૈજ્ઞાનિક અભિગમ (ઈસાઈ કે ઇસ્લામિક સમાજની સરખામણીમાં) વધુ સરળતાથી સ્વીકારાયો એનું કારણ એ કે, હિંદુ ધર્મમાં એક જ ઈશ્વર, એક જ સત્ય, અને એક જ શાસ્ત્રની ધારણા નથી. અહીં બહુવિધ (સર્વગ્રાહી) ધર્મગ્રંથો છે, અને એમાં સંસારની બહુવિધ કહાનીઓ છે. બાઈબલ અને કુરાનમાં જગત વિષે એક નિશ્ચિત ધારણા છે, જે બધાયે અનુસરવાની છે.
હિંદુ પરંપરામાં વેદ, મહાકાવ્યો અને પુરાણોમાં ઉત્પત્તિની અલગ અલગ કહાની છે અને બધાનો સરવાળો એમ કહે છે કે, ભ્રહ્માંડ એક નથી અને અંતિમ નથી. ગંગામાં જેટલી બુંદ છે તેટલાં ભ્રહ્માંડ છે. બ્રહ્માંડ સર્જન અને વિર્સજનની સતત ચાલતી સાઈકલ છે, ના અંત છે, ના આરંભ છે. ઘણા લોકો દશાવતારની કહાનીને ડાર્વિનના ઉત્ક્રાંતિના સિદ્ધાંત સાથે સરખાવે છે, જેમાં વિષ્ણુનો પહેલો અવતાર માછલી તરીકે છે. હિંદુઓ એમ પણ માને છે કે, વિવિધ દેવોમાં વિવિધ પ્રાણીઓનાં ‘ફીચર’ એ ખયાલનો દ્યોતક છે કે, મનુષ્ય પશુ યોનિમાંથી આવે છે અને પુનઃ પ્રાણી યોનિમાં જન્મે છે.
હિંદુ વિચારમાં સમય ચક્રાકાર છે, અને (ઋગ્વેદના પુરુષ સૂક્ત કહે છે તેમ) પુરુષ (આદિ અસ્તિત્વ) અગાઉથી જ અસ્તિત્વમાં છે, અને કાયમ અસ્તિત્વમાં રહેશે. જીવન અસીમ છે, અને જીવ અસીમ વખત જીવન જીવે છે. આ વિચાર હિંદુ પરંપરામાં કેન્દ્ર સ્થાને છે.
જજમેન્ટ ડે, અંતિમ દિવસ, એ ઈસાઈ કલ્પના છે. ઇસ્લામમાં કયામત છે. એ સમયની રેખિક (લિનિયર, સીધી લીટી) સોચ છે. બ્રહ્માંડ એક બિંદુ પરથી શરૂ થયું હતું, અને બીજા બિંદુ પર ખતમ થશે. જીવ પણ જન્મીને મૃત્યુમાં અંત પામે છે. ધ એન્ડ. પછી કશું નહીં. એટલે ઈસાઈ અને ઇસ્લામમાં, સંસારનો કે મનુષ્યનો, પુનર્જન્મ નથી. હિંદુ પ્રલય એ કયામત કે અંત નથી, એ સંસારનો વિલય છે, જ્યાંથી ફરી સર્જન થાય છે.
પશ્ચિમની રેખિક સોચમાં સ્ટાર્ટ ટુ ફિનિશ છે, એટલે એનો ઇતિહાસ પણ છે. હિંદુઓની ચક્રાકાર માન્યતામાં સમયને એક લીટીમાં બાંધવો એ મૂર્ખામી છે, એટલે ઇતિહાસ એ એક પડાવથી વિશેષ કંઈ નથી. વિજ્ઞાન પણ આવી જ રીતે વર્તે છે. વિજ્ઞાનમાં કશું અંતિમ અને નિશ્ચિત નથી. જીવન એટલું વિશાળ અને સંકુલ છે કે, એમાં નિરંતર નવાં સત્ય ઉજાગર થતાં રહે છે. વિજ્ઞાન સંભાવનાઓની વિદ્યા છે.
સત્યપાલની જેમ વિચારનારાઓએ યાદ રાખવું જોઈએ કે, ડાર્વિને કોઈ અંતિમ સત્ય નથી ઉચાર્યું. આવનારા સમયમાં નવી શોધ ડાર્વિનને ખારીજ કરી શકે છે, તેમ છતાં, વિજ્ઞાનનાં પુસ્તકોમાં ડાર્વિનની જગ્યા બનેલી રહેશે. એને વિજ્ઞાનના ક્રમિક-વિકાસમાં એક પડાવ તરીકે ભણતા રહેવું જોઈએ. વિજ્ઞાન ‘કોર્પોરેશન’ નું એક એવું બોર્ડ છે, જેના ઉપર લખેલું છે- આગળ કામ ચાલુ છે.
સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્ડે ભાસ્કર”, 04 ફેબ્રુઆરી 2018