Opinion Magazine
Number of visits: 9451842
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલચિત્ર-વિતરણનું ચિત્ર : ‘ધાડ’ નિમિત્તે

પરેશ નાયક|Opinion - Opinion|19 January 2018

કેતન મહેતાની ગુજરાતી ફિલ્મ ‘ભવની ભવાઈ’ અમદાવાદના એડવાન્સ સિનેમામાં ઓગણીસસો એક્યાશીની સાલમાં રજૂ થયેલી. ત્યારે એડવાન્સ સિનેમાનાં માલિક રમોનાબહેને પોતાની નાજુક તબિયત છતાં અંગત રસ લઈને હિંમતભેર એનું વિતરણ કરવાનું બીડું ઝડપેલું. ફિલ્મ માંડ એક અઠવાડિયું પૂરું કરી શકેલી. મોટી ફિલ્મો અને મુંબઈના વિતરકો-નિર્માતાઓ પ્રયોગાત્મક ફિલ્મો વિશે ત્યારે જે ભેદભાવભર્યો વ્યવહાર રાખતા, તેના સાક્ષી થવાનું બનેલું.

ત્યાર પછી રૂપાલી સિનેમામાં ‘મિર્ચમસાલા’ રજૂ થયું, ત્યારે પણ પરિસ્થિતિ એવી જ હતી. એ પછી બાણુની સાલમાં મારી પટકથા પર આધારિત સંજીવ શાહની ફિલ્મ ‘હું હુંશી હુંશીલાલ’ રજૂ કરવા અમે પ્રયાસો કરેલા. પણ ‘ભવની ભવાઈ કે મિર્ચમસાલા’ની જેમ કૉસ્મેિટક રિલીઝની સંભાવના પણ ઊભી થઈ શકેલી નહીં.

આ લખું છું ત્યારે ‘ધાડ’ ફિલ્મને બીજા સપ્તાહમાં લઈ જવા માટે અમે મથી રહ્યાં છીએ. ખબર નથી આવતા શુક્રવારે ફિલ્મની પરિસ્થિતિ શું હશે. આયરની એ છે કે મર્યાદિત બજેટમાં પબ્લિસિટી થઈ હોવાને લીધે હવે જ્યારે પ્રેક્ષકો ‘ધાડ’ ફિલ્મ જોવા માટે ટિકિટો બુક કરાવી રહ્યા છે, ત્યારે થિયેટર-માલિકો ફિલ્મને બંધ કરવા વિશે મન મનાવી લઈ ચૂક્યા હોય એમ વરતાય છે.

*   *   *

‘ધાડ’ની વિતરણ-પ્રક્રિયામાં, કલાત્મક સિનેમા માટેના પોતાના અંગત પેશનને લીધે છેલ્લા કેટલાક મહિનાઓથી અમારી સાથે રિલીઝ – પાર્ટનર તરીકે સઘન રીતે જોડાયેલા વંદન શાહ જૂના રૂપમ સિનેમાના માલિક છે. ઓગણીસસો બાવનની સાલમાં બંધાયેલું રૂપમ થિયેટર અમદાવાદના પહેલવહેલાં સિનેમાઘરોમાંનું એક હતું. સંભવતઃ પહેલું. વંદન શાહના દાદાજી બિહારીભાઈ પોપટલાલ શાહ ગાંધીવાદી હતા અને સ્વાતંત્ર્ય સંગ્રામના લડવૈયા હતા, જેમણે આઝાદી પછીના તરતના ગાળામાં એ સમયમાં અજાણ્યે ને આધુનિક કહેવાય તેવો ફિલ્મ-વિતરણનો વ્યવસાય અપનાવેલો. એમના પુત્ર યોગેશભાઈ બિહારીલાલે રૂપમ થિયેટરમાં ન્યૂ ફિલ્મ સોસાયટીની ફિલ્મોને પણ પ્રોત્સાહન આપેલું. કેતન મહેતાની ‘સરદાર’ ફિલ્મ એમણે નહીં નફો નહીં નુકસાનની રાહે પચ્ચીસ સપ્તાહ ચલાવેલી અને માત્ર બે રૂપિયાના દરે ગુજરાતની નિશાળોના વિદ્યાર્થીઓને પોતાની પહેલથી આ ફિલ્મ બતાવેલી. બિહારીલાલ શાહની પરંપરાને જાળવી રાખીને વંદન શાહે આજે ‘ધાડ’ ફિલ્મને પડદા સુધી પહોંચાડવામાં નિમિત્તરૂપ ભૂમિકા ભજવી છે.

*   *   *

કલાપક્ષની મારી ઑફિસમાં અત્યારે અમે શાળા-કૉલેજોના વિદ્યાર્થીઓને ‘ધાડ’ ફિલ્મ બતાવવા મથામણ કરી રહ્યા છીએે, પરંતુ થિયેટરના માલિકોનો અભિગમ ઉપેક્ષાભર્યો છે. એડવાન્સમાં ભાડું લીધા પછી પણ મોટા ભાગનાં સિનેમાઘરો નિર્માતા-વિતરકને કશી જ જાણ કર્યા વિના મુનસફી પ્રમાણે શોના ટાઇમિંગમાં ફેરફાર કરી નાખે છે અને ફાવે ત્યારે શો કૅન્સલ કરી દે છે. બુક-માય-શો જેવી વચેટ એજન્સીની કાર્યપદ્ધતિ પણ એવી જ ઉપેક્ષાપૂર્ણ છે.

હું એ તારણ પર આવી રહ્યો છું કે નાના નિર્માતાઓ કે સમાંતર સિનેમાના દિગ્દર્શકો માટે એમના નિશ્ચિત પ્રેક્ષકવર્ગ સુધી ફિલ્મોને પહોંચાડવાનો રસ્તો પણ હજી આઠમા-નવમા દસકની જેમ જ અનેક અડચણોથી ભરેલો છે. સરકારે આમાં તાકીદે દખલગીરી કરવી જોઈએ.

*   *   *

સાંભળ્યું છે કે મુંબઈનાં સિનેમાઘરોમાં ફક્ત એક જ પ્રેક્ષક હોય, તો પણ ફિલ્મ બતાડવાનો મહારાષ્ટ્ર સરકારનો નિયમ પાળવામાં આવે છે. ઓગણીસમી જાન્યુઆરીએ ‘ધાડ’ મુંબઈમાં રિલીઝ કરવા અમે અને વંદન શાહ કટિબદ્ધ છીએ. આશા રાખીએ કે ફક્ત એ બે જ પ્રેક્ષકો હોય એવો મોળો પ્રતિસાદ ન મળે, અને જો એમ થાય તો પણ એ એકલદોકલ પ્રેક્ષકો માટે શો ચાલુ રાખવામાં આવે.

*   *   *

‘ધાડ’ની નિર્માણપ્રક્રિયા

બે હજારની સાલમાં ‘ધાડ’નું મોટા ભાગનું શૂટિંગ પૂરું થયેલું. અને બે હજાર ત્રણ સુધીમાં ઍડિટિંગનું નેવું ટકા કામ પૂરું થઈ ગયું હતું. એ પછીનો પોસ્ટ-પ્રોડક્શનથી વિતરણ સુધીનો અંતિમ તબક્કો બે હજાર ત્રણથી બે હજાર સત્તર અકલ્પ્ય રીતે લાંબો ચાલ્યો. એ પછી પણ આખરે ફિલ્મ રિલીઝ થઈ શકી છે, એનું આશ્ચર્ય બીજા બધાની જેમ મને પણ છે.

ભાગ્યે જ કોઈ ફિલ્મની નિર્માણપ્રક્રિયાનો અંતિમ તબક્કો ‘ધાડ’ ફિલ્મ જેટલો પ્રલંબ, પીડાદાયક, મુશ્કેલીઓભર્યો ને તો ય દિલચસ્પ અને રોમાંચક રહ્યો હશે. દિગ્દર્શક તરીકે મારે છેક ફિલ્મની રિલીઝની કામગીરી સુધી સીધેસીધા એમાં અગ્રેસર રહેવાનું બન્યું, એનો વિગતસર વૃત્તાંત મારા આગામી પુસ્તક ‘ફિલ્લમફેરી’માં દર્જ હશે. બે હજાર ઓગણીસના જાન્યુઆરીમાં આ પુસ્તક પ્રગટ કરવા માટેનું આયોજન છે.

ત્રણની સાલમાં ફિલ્મનો એક સળંગ કટ તૈયાર થયેલો, પણ ત્યાં સુધી ફાઇનાન્સની સ્થિતિ ડામાડોળ જ હતી. ક્રૅડિટ, વચનો અને ઉમેદના આધારે અમે આગળ ધપ્યે જતા હતા. દરમિયાન નિર્માતા કીર્તિ ખત્રી અને હું, આ અંગે જ્યાંજ્યાંથી બિનશરતી લોન કે અનુદાન મળે તે માટે ફિલ્મના અન્ગ્રેડેડ રફકટના અંશો બતાવી પ્રયાસ કરતા હતા. લોકભાગીદારીની રાહે આમાં ટીપેટીપે મદદ મળતી હતી તેમતેમ ધીમેધીમે કામ આગળ વધતું હતું.

દરમિયાન બે હજાર નવની સાલમાં ફિલ્મનિર્માણ સાથે સંકળાયેલા કેટલાક વધુ અનુભવી ફિલ્મકારોની સલાહથી મને કમને આ ફિલ્મ પેલી અન્ગ્રેડેડ પ્રિન્ટ વડે જ કીર્તિભાઈએ સેન્સર કરાવી દીધેલી. એમને આશા હતી કે સરકારી સબસિડી મળશે તો નૅગેટિવનું ગ્રેન્ડિંગ ને કલર-કરેકશન કરાવી આખરી પ્રિન્ટ તૈયાર કરાવી વિતરણ કરી શકીશું.

પરંતુ સરકારી દફ્તરોમાં તે વર્ષોમાં વિધિસર સબસિડી મેળવવાની પ્રક્રિયા અત્યંત કપરી અને મારા તેમ જ કીર્તિભાઈના સિદ્ધાંતોને અનુકૂળ નહોતી. અમને સમજાયું કે અમે મોટી ભૂલ કરી કે ફિલ્મ વહેલી સેન્સર કરાવી લીધી. કેમ કે અંતિમ ને આખરી સુધારાવધારા સાથેની સબટાઇટલવાળી પ્રિન્ટ ન હોવાને લીધે હવે ફિલ્મ-ફૅસ્ટિવલ્સમાં મોકલીને એને વિતરણ સુધી દોરી જવાની પેલી સમાંતર દિશા પણ એથી ધૂંધળી થઈ ગઈ.

આ તબક્કે હું સંપૂર્ણ હતાશ હતો આ ફિલ્મના ભાવિ વિશે. મન વાળી લઈ રહ્યો હતો કે દસકાની મહેનત એળે ગઈ.

પણ નવથી સત્તર દરમિયાનનાં વર્ષોમાં કીર્તિ ખત્રી ઉપરાંત લાલ રાંભિયાના અથાગ પ્રયાસોને કારણે અને શેમારુવાળા બુદ્ધિચંદ મારુ અને ઍડલૅબના વીસનજી મેમણિયાના અંગત ઇન્ટર્વેન્શનને પગલે ઍડ લૅબમાંથી લેબનાં વર્ષોના દેવા છતાં ફિલ્મની નૅગેટિવ આખરે ઍડ- લૅબમાંથી શેમારુની ફિલ્મલૅબમાં અમે લાવી શક્યા. દરમિયાન અદાણી ગ્રૂપ ઑવ ઇન્ડસ્ટ્રી પણ મદદે આવી. આશાનું નવું કિરણ ફૂટ્‌યું. કલર-કરેક્ટેડ પ્રિન્ટ દોઢ દસકા પછી મેં જોઈ.

શેમારુએ એમના ઍડિટિંગ સ્ટુડિયોમાં સબટાઇટલ પ્રિન્ટ તૈયાર કરવાની વ્યવસ્થા કરી આપી. મેં મુંબઈ જઈ એ આખી પ્રક્રિયા શેમારુના એડિટરોની મદદથી પૂરી કરી. ત્યાર બાદ ફરી ઉત્સાહભેર સોશિયલ મીડિયા ઉપર ફિલ્મનું પ્રમોશન શરૂ કર્યું.

રૂપમ ઍન્ટર્‌ટેઇનમૅન્ટના વંદન શાહે ફિલ્મને રિલીઝ કરવા માટે રિલીઝ-પાર્ટનર તરીકે જોડાવામાં રસ દાખવ્યો. મારા એડિટરમિત્ર જયેશ ડેલીવાલા એમના ઇન્દુ પ્રોડક્શન્સના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે મદદે આવ્યા. ચેતન ચૌહાણ તેમના પ્રમોશન્સ રીડિફાઇન્ડ વડે સહયોગમાં જોડાયા. એ પછી કીર્તિભાઈ અને હું ફરી કટીબદ્ધ બન્યા કે હવે તો ફિલ્મ રિલીઝ કરીશું જ. એમણે મારી સંસ્થા કલાપક્ષ વડે એને રિલીઝ કરવા માટેના તમામ હકકો મને આપ્યા. એ પછી, જયંત ખત્રી ફિલ્મ્સ-ફાઉન્ડેશન પાસે બચેલી સીલકમાં મારા પરિવારના સહયોગથી રિલીઝ માટેનું ફાઇનાન્સ જોડી પચ્ચીસ લાખ ઊભા કર્યા.

ગુજરાતમાં ચાળીસ થિયેટર્સ ભાડે રાખી મુંબઈની ત્રણ રિલીઝ એજન્સીઝ – યુએફઓ, સ્ક્રેબલ તથા ક્યૂબ સાથે કરારો કરી સ્થાનિક એજન્સીઝ સાથે પબ્લિસિટીની વ્યવસ્થા ગોઠવી આખરે પાંચ જાન્યુઆરી બે હજાર અઢારે ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં ને ઓગણીસ જાન્યુઆરીએ મુંબઈમાં તથા ત્યાર પછીના મહિનાઓમાં ચેન્નાઈ, બૅંગાલુરુ, પૂણે, કોલકાતા વગેરે જ્યાં-જ્યાં વસે ગુજરાતી ત્યાં ફિલ્મને રિલીઝ કરવા માટેનો એક વ્યાપક પ્લાન તૈયાર થઈ શક્યો. ત્યાર બાદ સંભવતઃ યુ.કે., અમેરિકા અને ઑસ્ટ્રેલિયાની રિલીઝ માટે પણ ટીમ ‘ધાડ’ના અમે સૌ સભ્યો આશાવંત છીએ અને એ આશાના જોરે ગુજરાતના થિયેટર – માલિકોની હાલની મનસ્વી વિતરણલીલાને સાક્ષીભાવે જોઈ રહ્યા છીએ.

E-mail : naikparesh@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2018; પૃ. 12-13 

Loading

19 January 2018 admin
← નફરતનું વાવેતર અને રાષ્ટ્રધ્વજનું અપમાન
ભયગ્રસ્ત માનસિકતાની આપકમાઈ →

Search by

Opinion

  • મસાણ અને મોક્ષની મોકાણમાં જીવતા વારાણસીના દલિત ડોમ
  • એકલતાની કમાણી
  • સમાજવાદની 90 વર્ષની સફર: વર્ગથી વર્ણ સુધી
  • શ્રીધરાણી(16 સપ્ટેમ્બર 1911 થી 23 જુલાઈ 1960)ની  શબ્દસૃષ્ટિ
  • एक और जगदीप ! 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved