Opinion Magazine
Number of visits: 9447223
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લોથલ : મિત્રમંડળી પહોંચી મરેલાના ટેકરાની મુલાકાતે!

ઈશાન ભાવસાર|Opinion - Opinion|26 December 2017

લોથલ. અમદાવાદથી ૮૫ કિલોમીટર દૂર આવેલું હડપ્પન સંસ્કૃિતનું બંદરગાહ. અમદાવાદ નજીક એક દિવસનાં પ્રવાસ માટેનું સારું સ્થળ. મારા મિત્રો – યતીનભાઈ અને હિરેન વિચારતા હતા ક્યાં જઈશું પ્રવાસમાં અને આ રવિવારે (24 ડિસેમ્બર 2017) અમારે લોથલ જવું એવું નક્કી કર્યું. યતીનભાઈ જોડે એમનો વિદ્યાર્થી હેમેન પણ આ પ્રવાસમાં જોડાયો. યતીનભાઈ અને હિરેનની પાછી આ પહેલી મુલાકાત. સવારના ૮:૩૦ વાગે હિરેનભાઈને ત્યાં ગરમાગરમ ગોટાનો નાસ્તો કરીને અમે એમની ગાડીમાં ઉપડ્યા.

જી.પી.એસ.માં રસ્તો જોતાં સૌથી પહેલાં પહોંચ્યા ધોળકા. અહીં કલીકુંડ નામનું પ્રાચીન દેરાસર પ્રસિદ્ધ છે. આમ તો ધોળકા પોતે જ પ્રાચીન નગરી કહેવાય છે. કહે છે કે મહાભારતમાં જે વિરાટનગરનો ઉલ્લેખ છે એ જ આજનું ધોળકા. દેરાસરની મુલાકાત લીધી. પાર્શ્વનાથનાં મુખ્ય દેરા સિવાય આજુબાજુમાં અનેક ગભારા આવેલા છે, જેમાં અન્ય તીર્થંકરોની નાની નાની પ્રતિમાઓ છે. દેરાસરના વિશાળ પરિસરમાં ઘણી ધર્મશાળાઓ છે – ઝવેરી ધર્મશાળા, દોશી ધર્મશાળા, વગેરે. અહીં દેરાસરની બાજુમાં એક કલ્પવૃક્ષ પણ છે જે અદ્દલ રૂખડાનાં વૃક્ષને મળતું આવે છે. ફોટોગ્રાફી કરીને અમે બહાર નીકળ્યા.

પછી દેરાસરથી રસ્તો પૂછતાં પૂછતાં પહોંચ્યા ધોળકાનાં પ્રસિદ્ધ એવા મલાવ તળાવ. પાર્કિંગમાં જીપડા પડ્યા હતા અને પારાવાર ગંદકીએ અમારું સ્વાગત કર્યું. ઝાંપામાં થઈને તળાવનાં ઘાટે પહોંચ્યા તો અરર … પોલિથીનની કોથળીઓ, દીવાસળીનાં ખાલી ખોખા, પાન-પડીકીઓ, વધેરાયેલા શ્રીફળનાં કાચલાં જેવી ગંદકીઓએ ઘાટ ભરી મૂક્યો હતો. ઘાટ પર ધોબણ સ્ત્રીઓ હાથથી કપડાં ધોઈ રહી હતી અને શબ્દોથી પોતાનાં દુઃખ અને રોષ. અને અહીં મૂકેલા સોલંકીકાળનાં એક ઐતિહાસિક પથ્થર પર કપડાં નીતરવા મૂકી દીધાં હતાં.

ઘાટનાં થાળા પરથી તળાવનો આખો વ્યૂ જોઈ શકાતો હતો. કાંકરિયામાં જેમ તળાવની વચ્ચે નગીનાવાડી છે એમ અહીં પણ તળાવની વચ્ચે ‘ટાપુ’ જેવું બનાવવામાં આવ્યું છે. પણ ત્યાં જવાનો માર્ગ જરા જોખમી. કાજિયા અને ટીટોડી બેઠાં હતાં. અચાનક કિંગફિશર આવીને ઘાટ પર બેઠું. પાણીમાંથી માછલું પકડી લાવ્યું હતું અને એને ગળવાની પ્રક્રિયામાં ગુંથાયેલું હતું. દૂરબીનમાંથી સરસ રીતે જોવાં મળ્યું. પછી તો બીજાં ય એક-બે કિંગફિશર આવીને એવા તો નજીક બેઠાં જાણે અહીં કપડાં ધોતી સ્ત્રીઓની રામકહાણીઓમાં એમને રસ ન પડી ગયો હોય! તળાવનાં ઘાટમાં એક ખાંચો છે. અહીં સિમેન્ટનો તદ્દન સામાન્ય પાળિયો બનાવવામાં આવ્યો છે. એની તકતીમાં લખ્યું છે: ‘મીનળદેવીનો ન્યાય જોવો જોય તો મલાવ તળાવ જુઓ’. તકતીનાં લખાણનો રંગ ક્યારનો ય ઊડી ગયો છે.

ફોટોગ્રાફી કરીને અમે તો ઉપડ્યા દદુસર. ગુજરાતમાં દદુસર બાજુના વેટલેન્ડમાં સૌથી વધુ સારસ જોવાં મળે છે એવું યતીનભાઈ જાણી લાવ્યા હતા. એ અંગે વધુ રસપ્રદ માહિતી આપતાં તેઓ કહે, આ સારસને હિંદુ ધર્મગ્રંથ ‘રામાયણ’ સાથે વિશિષ્ટ સંબંધ છે. સારસ એ જ ક્રૌંચ પક્ષી. વાલ્મીકિ ઋષિ પારધીને ક્રૌંચ પક્ષીયુગલમાંથી એકનો વધ કરતા જુએ છે. એકની પાછળ બીજું ય વિલાપ કરતું તત્ક્ષણ પ્રાણ ત્યજે છે. આ જોઈને વાલ્મીકિ ઋષિને વિષાદ થાય છે અને એ વિષાદમાંથી ફૂટેલું મહાકાવ્ય એટલે રામાયણ. રામાયણની શરૂઆતમાં જ શ્લોક છે ને: ‘મા નિષાદ પ્રતિષ્ઠામ્ …’

તો આવી સરસ માહિતીને મમળાવતા દદુસર જવાનાં રસ્તે જતા હતા ત્યાં જ રસ્તામાં નાળામાં બેઠેલો ફાટીચાંચ જોયો. રોડ પર દિવાળીઘોડો કહેવાતાં ખંજન પક્ષી રમતાં હતાં. ઇઝરાયલનું રાષ્ટ્રીય પક્ષી કહેવાતો ઘંટીટાંકણો ય જોવાં મળ્યો. હવે દદુસરનાં ખેતરો શરુ થયાં. પતરંગા ઊડી રહ્યાં હતાં. એક ખેતરમાં સફેદ ઢોંક જોયું. એનું ગળું જુઓ તો માખણ જેવું મુલાયમ સફેદ. નજીકમાં નીલી મુર્ગાબી/પર્પલ મુરહેન પણ જોવાં મળી.

રસ્તામાં ગાડી ધીમી કરીને ‘સારસ જોવાં હોય તો?’ એવું રસ્તામાં બજાજ CT-100 લઈને જતાં સુરેશભાઈને પૂછ્યું તો એમણે પહેલાં તો માવો થૂંકી નાખ્યો. કોઈ અજાણ્યો માણસ મોંમાંથી માવો થૂંકી નાખે તો એનો અર્થ એ માણસ માટે માવા કરતાં આપણી વાત વધુ અગત્યની છે એ અનુભવજ્ઞાન મેં ઈશાનોપનિષદ માટે નોંધી લીધી! સુરેશભાઈએ લાલજીભાઈનો બોર પહોંચી જવા કહ્યું. બે બોર છે એમાંથી થડવાળો બોર છે, ત્યાં જઈને જગદીશભાઈને મળવાનું કહ્યું. દેશળપગી કરીને પક્ષીવિદ્દ આ વિસ્તારના છે. સુરેશભાઈએ અમને પૂછ્યું કે તમે એમના મિત્રો છો? અમે ના કહી. પણ હા, અહીં સામાન્ય ઢોર ચરાવનાર ચરવૈયા પણ દેશળપગીને ઓળખતા હતા એ અમે જોયું.

સુરેશભાઈને રામરામ કરીને અમે તો પહોંચી ગયાં બોર પર. અહીં આરામ ફરમાવી રહેલાં અલમસ્ત કાળાંડિબાંગ ગલુડિયાં અમને જોઈને કુતૂહલ પામ્યાં. આવાં જાડાંપાડાં ગલુડિયાંને સૌરાષ્ટ્રમાં ‘રાભડા’ કહેવાય છે, એમ કહીને યતીનભાઈએ મને જાણે-અજાણે એક નવા શબ્દ સાથે પરિચય કરાવી દીધો.

અહીં તારોડિયા ખેતરમાં ઊડાઊડ કરી રહ્યાં હતાં. જગદીશભાઈ તો નહિ પણ એમના ભાઈ હતા. એમણે કહ્યું ગાડી પાર્ક કરી આગળ ખેતરોમાં સારસ જોતાં આવો. પાર્ક કરીને ખેતરોમાં ગયા. ૧૧:૩૦ વાગ્યા હતા. સૌથી પહેલું પક્ષી જોવાં મળ્યું એ હતું ચાસ/ ઇન્ડિયન રોલર બર્ડ. યતીનભાઈ કહે કે ચાસ પક્ષી ઊડે તો જાણે ઊડે રંગનો ફૂવારો! અને એવું જ હતું. બેઠું હોય ત્યારે એની રંગભવ્યતાનો અંદાજ ન આવે. નજીક જાઓ એટલે એ ઊડે અને ઊડે એટલે જ એની પાંખોનો ભવ્ય વાદળી રંગ આપણી આંખ આગળ અનાવૃત થાય. દૂરબીનથી બરોબર નિહાળીને આગળ ચાલ્યા.

આગળ ડાંગરનાં ખેતરોમાં યોગીની જેમ એક સફેદ પક્ષી એક પગે ઊભેલું હતું. યતીનભાઈ કહે, “જુઓ, એ પક્ષી ગજપાઉં કહેવાય છે. પગ મોટા મોટા. સાંઠીકડા જેવા. એનું આવી જગ્યાઓએ જોવા મળવું બહુ સામાન્ય છે”. હવે શેઢા પર ચાલતા ચાલતા અમે આગળ વધ્યા. અહીં શેઢા પર વોક કરતા સેલ્ફી લીધાં, જેનાં માટે મને નવો શબ્દ સૂઝ્યો – શેઢફી – શેઢા પર ખેંચેલી સેલ્ફી!

ખેતરમાં મેંદિયો પીદ્દો/સ્ટોન ચેટ, લહેરિયો ગંદમ, શ્યામશીર ગંદમ, અને લટોરો/બુચર બર્ડ જોવાં મળ્યાં. સારી એવી વાર સુધી દૂરબીનથી એમનું નિરીક્ષણ કર્યાં કર્યું. સારસ તો અમને ન જોવાં મળ્યાં પણ આટઆટલાં પક્ષીઓ જોવાં મળ્યાં એ કંઈ કમ વાત હતી? વધુ પક્ષીદર્શન કરવું હતું, પણ પછી લોથલ પણ જવાનું હતું. એટલે અમે પાછા વળ્યા. એક જગ્યાએ શેઢા પાસે ભોરિંગનું દર હતું. સૌથી આગળ ચાલતા હિરેનભાઈ ત્યાંથી પસાર થતા ત્યાં ધામણે કોણ આવ્યું એ જોવાં મોં ઊંચું કર્યું! જરા ચમકીને હિરેનભાઈ સાઈડમાં ખસી ગયા. અને અમને બધાને જરીક વાર દર્શન આપીને સાપદાદા પાછા દરમાં સરકી ગયા. યતીનભાઈ કહે, પેલી કહેવત છે ને, “ફૂત્કારો લેકિન કાટો મત”.

દદુસરથી લોથલ જતાં રસ્તામાં આવ્યું ગણેશપુરા. અહીં જમણી સૂંઢવાળા ગણેશજી હોઈ એમનો બહુ મહિમા છે. પાર્કિંગમાં છોકરાની ભારે દાદાગીરી. કહે, પૈસા આપો તો જ પાર્ક કરવાં દઉં! ગણેશજીનાં દર્શન કર્યા, મંદિરની બહાર બનતી લાઈવ વેફરની સોડમથી નાક તરબતર કરી, પાર્કિંગના ‘દાદા’ને ૨૦/- આપી આગળની સફરે વધ્યા.

હવે આવ્યું અરણેજ. હિરેનભાઈ કહે, “લોથલમાં તો કશું ખાવા-પીવાં નહિ મળે. અહીં અરણેજમાં જ એ કામ કરી લેવું પડશે.” અમે એમની વાતમાં હામી ભરી. અહીં અરણેજ આગળ બની રહેલાં એક ફ્લાયઓવરનાં પીલર પર વાંચ્યું: દાલબાટી મળશે. એનો એરો પણ બતાવેલો હતો. અમે એરોથી આગળ નીકળી ગયા. જરા ચિંતિત કે ‘દાલબાટી મળશે.’ કે ‘દાલબાટી મળશે?’ – શું થશે! ને એવું જ થયું. રસ્તા પર સાવ ઝૂંપડી જેવી દુકાન અને જમનારા કોઈ નહિ. અમારા ચાર લોકોની ભૂખ ભાંગી શકે એટલી દાલબાટી એની પાસે હોય એવું લાગ્યું નહિ એટલે અમે આગળ ચાલ્યા. બુટભવાની રેસ્ટોરન્ટ છે ત્યાં મળશે એવું એક પાઉંભાજીવાળાએ બતાવ્યું એટલે ત્યાં પહોંચી ગયા. અહીં ૮૦/- માં ગુજરાતી થાળી મળી. સેવ-ટામેટાંનું શાક અને રીંગણનું શાક. છાશ ખાટી હતી. ના ના, જમવાનું સારું નહોતું એવું નહિ પણ અમને ભોજનમાં પીરસાયેલી છાશ ખાટી હતી. પણ અહીં ખાટી કે મીઠી કરવાનો વિકલ્પ નહોતો. એટલે જે મળ્યા એ મહાદેવ એમ સમજીને ચલાવ્યું.

લોથલ પહોંચ્યા ત્યારે ૩:૦૦ વાગ્યા હતા. પહેલાં મ્યુિઝયમ જોવા ગયા. આંગણામાં પીલુડીનાં ઝાડ. નાનકડું બચાડું મ્યુિઝયમ. વચ્ચે લોથલ આખાનું મિનીએચર મોડલ કાચમાં મૂકેલું પણ ક્યાં શું છે એની કોઈ વિગતો કે માર્કિંગ નહિ – સમજાય તો સમજવાનું નહિ તો આંધળાનાં હાથી જેવું! મ્યુિઝયમમાં લોથલમાંથી ઉત્ખન્ન દરમ્યાન પ્રાપ્ત થયેલ ચીજો મૂકવામાં આવી હતી. ઓજારો, રમકડાં, ઈંટો, માટીનાં વાસણો – જેનાં માટે મૃદભાંડ જેવો વિશિષ્ટ શબ્દ હિંદીમાં વપરાય છે! અહીં ઉત્ખન્ન દરમ્યાન જે અસ્થિકંકાલ મળી આવ્યાં એમાં એક યુગલકંકાલ વિશિષ્ટ હતું – અભ્યાસીઓનાં મતે એ સમયે યુગલ દફનવિધિ/ જોઇન્ટ બરિયલ થતી હોઈ શકે જે લોથલની જ ખાસિયત છે. અને આ હડપ્પીય લિપિ – સ્ત્રીનાં મન જેટલી સંકુલ છે! હજી સુધી કોઈ માઈનો લાલ એને ઉકલી શક્યો નથી! તોલમાપ માટે જાતભાતનાં વજનિયાં પણ અહીં જોવાં મૂકેલાં છે. એ સમયના વેપારીઓ અત્યારના વેપારીઓની જેમ તોલમાપમાં ગોલમાલ કરનારા હશે કે કેમ એ તો હવે કેમ જાણી શકાય?

મ્યુિઝયમની બાજુમાં જ આવેલી ‘સાઈટ’ પર પ્રવેશ કરીએ એટલે સૌથી પહેલું બંદર/ડોકયાર્ડ જોવાં મળે. અહીં ડોકયાર્ડ, એક્રોપોલિસ/મહેલ, લોઅર ટાઉન/સામાન્ય વસાહત, મણકા ગાળવાની ભઠ્ઠીઓ, સિમેન્ટરી/કબ્રસ્તાન જોવાનું છે. ડોકયાર્ડ જોયું તો નવાઈ લાગી. આ બંદર છે કે કેમ એ પણ પ્રશ્ન થાય! ૪૦ મીટર લંબાઈનું આ બંદર નહિ પણ મોટો હોજ વધુ લાગતો હતો. બાજુમાં જ ઊંચા થાળા પર કોઠાર હતું. જેની પર અહીં બંદરમાં વહાણોએ લાવેલ સામાન ઉતારવામાં આવતો. બધું કલ્પનાથી વિચારી લેવાનું. એક્રોપોલિસમાં કૂવો પણ હતો. નગરની ગટરરચના પણ જોઈ શકાતી હતી – આ પ્રજા તનનો મેલ તો ધોઈ કાઢતી હશે પણ મનનાં મેલનું શું કરતી હશે એવું થાય. ભગવાન બુદ્ધ કે મહાવીર સ્વામી, શંકરાચાર્ય કે કાલિદાસ થઇ ગયા, એનાં વર્ષો પૂર્વે અહીં માટીનાં હાલ્લાં પર આંધણ ચડતાં હશે, એ વાત જ કેવો રોમાંચ જગાડનારી છે!

કોઈક વાર ધણી-ધણિયાણી વચ્ચે લોથલની સડક પર હાલ્લાંકુસ્તી પણ થતી હશે ખરું? રાજા બહુપત્નીત્વ ધરાવતો હશે કે એકપત્નીત્વ? એ વખતે અકીકનાં આભૂષણો પહેરેલી સ્ત્રી કેવી દેખાતી હશે? માટીનાં રમકડાંથી ગલીમાં ખેલતાં લોથલનાં પોયરાં કેવાં હશે? મોટા થઈને એન્જિિનયરીંગની કઈ બ્રાન્ચમાં એડમિશન લેવું એની ચિંતા એમને તો નહિ જ હોય ને? અને પોયરાની એન્જિિનયરીંગની ફી કેમની કાઢશુંની ચિંતા કરતા બાપુનું કોઠારને પગથિયે લમણે હાથ દઈને બેઠેલા તો નહિ જ જોવાં મળતા હોય ને? એ વખતનાં આંસુનો સ્વાદ ખારો જ હશે ને? …

અહીં સાઈટ પર ફક્ત સાઈનપોસ્ટિંગ છે – ‘એક્રોપોલિસ’, ‘લોઅર ટાઉન’, ‘વેલ’ એવી. પણ એ અંગેની માહિતી શૂન્ય. કોઈ હોમવર્ક કર્યા વગર અહીં આવે તો ચકરાઈ જાય. યોગેશભાઈ નામના ગાર્ડે અમને એને ખબર હતી એટલી માહિતી આપી. પછી સિમેન્ટ્રી આગળ જઈને અમે બેઠા. કોઈ સ્કૂલપ્રવાસી છોકરાઓ આવ્યા હતા. લોથલ જોઈને કંટાળી ગયા હતા – ‘કુછ દેખને જેસા નહિ’ એવું કાને સંભળાઈ જતું હતું.

અમે અહીં સામે પીલુડીનાં ઝાડ પર બેઠેલું સફેદ નેણ બુલબુલ જોયું. મરેલાનાં ટેકરે યતીનભાઈ અને હિરેન વચ્ચે ભૌતિકશાસ્ત્રની રસપ્રદ ચર્ચા થઇ – સોલીડ સ્ટેટ ફીઝીક્સ એટલે શું? રબરનો દડો દીવાલે અફળાય તો પાછો આવે પણ પથરો કેમ નહિ? હૂકનો નિયમ શું છે? એસી/ડીસી કરંટ કેમ જનરેટ થાય? – હિરેનભાઈએ બડી દક્ષતાથી એનાં ઉત્તર આપ્યા. સાંજના ૫:૧૫ થયા હતા. થોડેક દૂર નીચે ભોંયચકલીનું યુગલ ધૂળસ્નાન કરી રહ્યું હતું. ગાડીમાં ગોઠવાયા. રસ્તામાં ટેલિફોના કહેવાતું કપાસી પક્ષી અને રંગીન ઢોંક/પેઈન્ટેડ સ્ટ્રોક યતીનભાઈએ બતાવ્યા. શિયાળો હોવાથી અંધકારની ચાદર વહેલી પથરાઈ રહી હતી અને અમારી ગાડી અંધકારને ચીરતી અમદાવાદ ભણી પરત આવી રહી હતી …

24 ડિસેમ્બર 2017

છવિ સૌજન્ય : ઈશાન ભાવસાર

https://www.facebook.com/ishan.amdavadi/posts/1578967108818150

Loading

26 December 2017 admin
← પુસ્તક : પ્રકાશનથી પુરસ્કાર સુધીની સફર
વડા પ્રધાનનો વાણીવિલાસ →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved