Opinion Magazine
Number of visits: 9449305
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નોટબંધી : એક ઈરાદાપૂર્વકનું ક્રૂર અને હિંસક પગલું !

રોહિત શુક્લ|Opinion - Opinion|18 December 2017

2016ના નવેંબરની આઠમી તારીખ માત્ર ભારત માટે જ નહીં, સમગ્ર વિશ્ર્વ માટે ચોંકાવનારું અને આઘાત તથા આંચકા સમાન પગલું નીવડ્યું છે. તેના પક્ષ અને વિપક્ષના વિચાર અને મંથનમાં રાજકીય પક્ષો મોખરે છે. ક્યારેક તેની ચર્ચામાં, આ જ રાજકીય પક્ષો આર્થિક મુદ્દાઓને આગળ કરે છે. પણ આ પગલાને સામાજિક નૈતિકતાની દૃષ્ટિએ-ખાસ તો ગાંધીમૂલ્યના સત્ય અને અહિંસાના સંદર્ભે પણ જોઈ શકાય. નોટબંધી માત્ર આર્થિક કારણોસર થઈ ન હતી પણ તેનાં કેટલાંક છૂપાં અને કેટલાંક ઉઘાડાં એવા રાજકીય પાસાં હતાં. જે ચર્ચા ચાલી છે તેમાં આ બે પાસાં ઉપર ભાર મુકાયો છે; પણ આ પગલાની ક્રૂરતા અને તેના પ્રપંચ તથા હિંસાત્મકતા વિશે વિચાર થયો નથી. આ ત્રણે મુદ્દાને લક્ષમાં લઈને વિચાર કરીએ.

1. આર્થિક ક્ષેત્ર :

આ પગલાની જરૂર હતી એવું પ્રસ્થાપિત કરવા વાસ્તે વડાપ્રધાને ત્રણ તર્ક રજૂ કર્યા હતા. (ક) દેશમાં કાળું નાણું પ્રચુર માત્રામાં છે અને તે બહાર કાઢવાની કે ખતમ કરવાની જરૂર છે. (ખ) ચલણમાં ફરતી રૂ. 500 તથા રૂ. 1000ની નોટો વડે ‘ટેરર ફંડિંગ’ થતું હતું. તેને અટકાવવા માટે આ નોટોને ચલણમાંથી જ રદ્દ કરી દેવાની જરૂર હતી. (ગ) પાકિસ્તાન બનાવટી ચલણી નોટો છાપીને ચલણમાં ઘુસાડતું હતું જેનાથી અર્થતંત્રને ખતરો હતો.

આ એક વર્ષના અનુભવે તો દર્શાવ્યું કે આ ત્રણ પૈકી એક પણ તર્ક સાચો ન હતો અને નોટબંધીના મહાવિનાશક પગલા પછી તેમાંનો એક પણ હેતુ સિદ્ધ થઈ શક્યો નથી. રિઝર્વ બેંકના પોતાના જ આંકડા અનુસાર, રૂ. 500/- અને રૂ. 1000/-ની નોટો પૈકી લગભગ 98.9 ટકા પાછી ફરી ગઈ છે. બાકીની 1.03 ટકા નોટો નેપાળમાં કે સહકારી બેંકોમાં હોવાની સંભાવના પણ વ્યક્ત થઈ છે.

ટેરર ફંડિંગ – આતંકવાદીઓને પૂરા પડાતાં નાણાંની બાબતે પણ સરકારની ધારણા સાચી પડી નથી. કદાચ સરકારે એવું ધારી લીધું હશે કે આજે નાણાં મળતાં બંધ થઈ જશે તો કાલે આતંકવાદ અટકી જશે ! કોઈ પણ સામાન્ય નાગરિકને સમજાય એવી વાત એ છે કે આતંકવાદ આવા દૈનિક નાણાં પુરવઠા ઉપર ચાલતો ન હોઈ શકે. આતંકવાદ ઝનૂન, દ્વેષ, હિંસા અને મક્કમતાના આધારે ચાલતો હોય છે. આવી સમજ કેળવવી બહુ અઘરી નથી; તેમાં દિમાગને ખાસ કષ્ટ પણ આપવાની જરૂર નથી. ભારતના કે જગતભરના આતંકવાદને નાણાંની જરૂર હોય જ તે સાવ સાચું; પણ તેનો વ્યવહાર પૈસા વગર અટકી પડે તેમ માનવામાં નર્યું ભોળપણ છે. એક સામાન્ય દુકાનદાર, તેનો ગ્રાહક કે ખેડૂત જો ઉછીનું કરી શકતો હોય તો આતંકવાદના તમામ તબક્કે રોકડની સામે જ લેણદેણનો વ્યવહાર હોય તેવું શા માટે ધારી લેવું પડે ?

આતંકવાદ કે નકસલવાદ અટક્યા તો નહીં; કદાચ કહેવા ખાતર કહીએ કે તેમાં થોડાક સમયનો વિરામ આવ્યો ! જો કે આ પણ સાચું નથી. કાશ્મીરમાં પત્થરબાજોએ ‘પેલેટ ગન’ની સામે પણ હુમલા ચાલુ રાખ્યા હતા અને નોટબંધી પછી પણ સ્થિતિમાં કોઈ આમૂલાગ્ર પરિવર્તન આવ્યું નથી. અલબત્ત સરકાર દાવો કરે છે કે પત્થરબાજીમાં 75 ટકા જેવો મોટો ઘટાડો નોંધાયો છે. પણ આ માટે લશ્કરની કામગીરીને જો શૂન્ય ગણીએ તો જ નોટબંધીને પૂરો જશ આપી શકાય.

આતંકવાદના મુદ્દાને ખાસ કરીને કાશ્મીરમાં, ક્યાં તો ઈરાદાપૂર્વક અથવા પુખ્ત વિચારના અભાવે, નોટબંધી સાથે જોડવામાં આવ્યો છે. કાશ્મીરમાં 2014 પછી જે તોફાનો થતાં રહે છે તેમાં સ્થાનિકોના સમાવેશ અને રોષ માટે મુખ્ય બે કારણો છે :

(1) કાશ્મીરમાં ચૂંટણી પોતે જીતશે જ એટલી ખાતરી કદાચ ન હોવાથી ભા.જ.પ.ના પ્રચારમાં બંધારણની કલમ 370 હટાવવાનો ‘સંકલ્પ’ રજૂ કરાયો હતો. સૌ જાણે છે કે આ કલમ હટાવી શકાય તેમ જ નથી; છતાં, ‘વચનેશુ કિમ દરિદ્રતા !’ના ન્યાયે પહોળા પથારે આ વાત કરાઈ. કાશ્મીરીઓ માટે 370મી કલમ એક અત્યંત સંવેદનશીલ મુદ્દો છે. આ ઓછું હોય તેમ સરકાર રચાયા પછી કાશ્મીરમાં ઉદ્યોગીકરણ વધારવાની વાત પણ જોરશોરથી વહેતી કરાઈ. જો ઉદ્યોગો આવે તો બિનકાશ્મીરી લોકોનો વસવાટ વધે અને કાશ્મીરનું પ્રાકૃતિક સૌંદર્ય પણ નાશ પામે. આ સામે પણ લોકોનો વિરોધ હતો. પણ ભા.જ.પ. સરકારે આ મુદ્દાઓને નજરઅંદાજ કરીને જાણે કે માત્ર પાકિસ્તાની આતંકવાદીઓની ઘૂસપેઠ અને સ્થાનિકોના ટેકાનો મુદ્દો જ ગણી લીધો. સ્પષ્ટ છે કે નોટબંધી સાથે આ પરિસ્થિતિને કોઈ સંબંધ નથી. આમ છતાં, આતંકવાદ, કાશ્મીરમાં પાકિસ્તાની ઘૂસપેઠ અને પત્થરબાજોના ત્રેખડ ઉપર જાણે કે ‘સર્જીકલ સ્ટ્રાઈક’ કરવાની હોય તેવી રૂપરેખામાં આ વાત રજૂ થઈ. આવા પાખંડભર્યા અને હિંસક વિચારોથી દેશનું ભલું થશે કે ?!

જ્યાં મૂળમાંથી જ વાત ખોટી હોય ત્યાં નોટબંધી દ્વારા આ મોરચે સફળતા મેળવવાનો પ્રશ્ર્ન જ રહેતો નથી.

(2) નકસલવાદ અને આતંકવાદ અલગ અલગ બાબતો છે. છતાં, નોટબંધીને કારણે નકસલવાદ પણ અટકી જાય તેવી ધારણા રાખી શકાય નહીં. અલબત્ત, નોટબંધી નકસલવાદ સામે પણ છે તેવું ફોડ પાડીને કહેવાયું નથી, પરંતુ ‘ટેરર ફંડિંગ’ શબ્દ પ્રયોગ થયો છે જરૂર. નકસલવાદને આતંકવાદ નહીં પણ ‘ટેરરિઝમ’ તો ગણાય જ છે. આમ નોટબંધી દ્વારા પરોક્ષ રીતે નકસલવાદને પણ કાબૂમાં લાવવાની ચાલ હતી.

અહીં ખામી વિચાર સમગ્રની છે. નકસલવાદનું મૂળ આર્થિક અસમાનતા અને બળજબરીથી જમીનો પડાવી લેવાની ઉદ્યોગીકરણની નીતિ છે. સરકાર જો નકસલવાદ રોકવા માંગતી હોય તો આદિવાસીઓની જમીનો પડાવી લેવાની પ્રવૃત્તિ બંધ કરવી જોઈએ. નોટબંધીને કારણે નકસલવાદનો પણ ‘ખાતમો’ કરી દેવાનાં દીવાસ્વપ્નો ન તો શાસકોએ જોવાં જોઈએ અને ન તો શહેરી સવર્ણ ધનિકોને આવા રવાડે ચઢાવવા જોઈએ.

નોટબંધીથી અર્થકારણ ઉપર કેવી અસર પડી શકે તે જાણી-સમજી ન શકે તેવા અર્થશાસ્ત્રીઓ જો સરકારમાં સલાહ આપવા બેસતા હોય તો તે વધુ ઊંડી ચિંતાનો વિષય છે. અર્થશાસ્ત્રના સિદ્ધાંતો મૂળ નોટબંધીના મુદ્દાને ‘મેક્રો ઇકોનોમિક્સ’ – સમગ્રતાલક્ષી અર્થશાસ્ત્રના દાયરામાં તપાસી શકાય. અર્થશાસ્ત્રના આ વિભાગમાં રોજગારી, ફુગાવો, નાણાં વ્યવસ્થા વગેરે જેવાં પરિણામોને લક્ષમાં લેવામાં આવે છે. આ ક્ષેત્રોમાં સદીઓથી સારું એવું ખેડાણ થયું છે. તેનાં કેટલાંક મુખ્ય પાસાં જોઈએ :

(1) નાણાંના પુરવઠા અને ભાવો વચ્ચે સપ્રમાણ સંબંધ છે, તેવું ફિશર નામના એક અર્થશાસ્ત્રીનું સમીકરણ કહે છે. તેનો સાદો અર્થ એટલો કે જો નાણાંનો પુરવઠો વધે તો ભાવો વધે અને પુરવઠો ઘટે તો ભાવો ઘટે. આ નાણાંના પુરવઠાને અર્થકારણના ગતિશીલ સંદર્ભમાં વધુ વાસ્તવિક દૃષ્ટિએ સમજવા વાસ્તે ચલણ વેગ – ‘વેલોસિટી ઓફ સરક્યુલેશન ઓફ મની’ને પણ લક્ષમાં લેવાય છે. તેનું ચોથું પરિમાણ ‘સોદા’નું છે. નાણાંના આપેલા પુરવઠાએ અને નિશ્ર્ચિત ચલણ વેગે થતા સોદાઓ દ્વારા ભાવ નિર્ધારિત થતા હોય છે.

આ શાસ્ત્રીયતાની વાતનો સાર નોટબંધીના સંદર્ભે આટલો :

નોટબંધીને લીધે નાણાંનો પુરવઠો તથા ચલણ થોડાં ઘટ્યાં. વળી બજારમાં થતા સોદા પણ ઘટ્યા. આથી ખેડૂતોએ નાંખી દેવાના ભાવે શાકભાજી વેચ્યાં. ગરીબી વધી. વેપાર-ઉદ્યોગ ઘટતાં રોજગારી ઘટી. આથી સમગ્ર અર્થતંત્રમાં સૂનકાર વ્યાપી ગયો.

(2) દુકાળના મારા પોતાના અભ્યાસમાં જોવા મળ્યું હતું કે દુકાળને કારણે અસમાનતા વધે છે. નોટબંધીને કારણે, તેમ જ સરકારની ટેકાના ભાવે કપાસ, મગફળી જેવી ખેત પેદાશો ખરીદવામાં દાખવાતી દોદળાઈને કારણે ખેડૂતોની પાયમાલી વધી. આથી તેમનું દેવું પણ વધ્યું. આ બધાની એકંદર અસર એ પડી કે સંપત્તિનો પ્રવાહ ખેતી ક્ષેત્રમાંથી ઉદ્યોગ અને શહેરી ક્ષેત્ર તરફ ધસી ગયો. એકંદરે, સમગ્ર આર્થિક ક્ષેત્રમાં આ પગલું બહુ મોટી સંખ્યાના ગરીબ, અસંગઠિત અને નિરાધાર વર્ગ માટે એક છૂપી લૂંટ સમાન પુરવાર થયું, કમનસીબે આ મહાવિનાશક પગલાની દૂરગામી અસરોનો સરકારને ખ્યાલ જ ન આવ્યો અને તેને વારવા કે નિવારવાનાં કોઈ જ પગલાં ભરવામાં ન આવ્યાં.

સમગ્રતાલક્ષી અર્થશાસ્ત્રના ક્ષેત્રે કેઇન્સ નામના અર્થશાસ્ત્રીએ રજૂ કરેલા ‘ગુણકના સિદ્ધાંત’નું પણ ઘણું મહત્ત્વ છે. આ ખ્યાલની સરળ સમજૂતી એ છે કે જો વપરાશમાં ઉત્તરોત્તર ઘટાડો થાય તો ઉત્પાદન, રોજગારી અને કૌટુંબિક આવકો પણ ઘટે. આ રીતે, કૌટુંબિક આવકોમાં ઘટાડો શરૂ થાય એટલે તે, હીંચકાને મારેલી ઠેસની જેમ, ઉત્તરોત્તર મંદ પડતા પ્રવાહમાં ભળી જાય.

ભારતીય અર્થતંત્રમાં નોટબંધીને લીધે આમ જ બન્યું. લોકો પાસે પૈસા ન હોવાથી પ્રથમ તબક્કે માંગ ઘટી; આથી નવા ઉત્પાદન માટેના ઓર્ડર ઘટ્યા. આથી ઉત્પાદન અને રોજગારી ઘટ્યાં. આથી વળી આવક ઘટી, બેકારી વધી, માંગ ઘટી અને થોડાક મહિનામાં જ જી.ડી.પી.માં બે ટકા બિંદુનો ઘટાડો થઈ ગયો. તાજેતરમાં સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમિ તથા ભારત સરકારના લેબર બ્યુરો દ્વારા બહાર પડાયેલા આંકડા દર્શાવે છે તેમ આ પગલા (વત્તા જી.એસ.ટી.)ને લીધે નોકરી-ધંધાવાળા વીસ લાખ લોકો બેકાર બની ગયા ! દર વર્ષે નવી બે કરોડ નોકરી ઊભી કરનારાઓએ દેશને આ પ્રકારના ‘અચ્છે દિન’ આપ્યા ! (બાર વર્ષે) બાવો બોલ્યો, ‘જા તેરા સત્યાનાશ હોગા !’ ખાતાદીઠ પંદર લાખની વાત તો હવામાં ઓગળી ગઈ; હતી તે નાનીમોટી નોકરી કે ધંધા પણ ડૂબ્યા. આને હિંસાચાર કહેવાય ?

2. રાજકીય ક્ષેત્ર :

બીજો મુદ્દો રાજકારણી રીતે ચકાસી શકાય. ભારતમાં ચૂંટણીઓ પૈસાના જોરે લડાય છે તે વાત જગજાહેર છે. આ નાણું પણ રોકડમાં હોય છે અને તે પણ રૂ. 500 અને રૂ. 1000ની નોટોના સ્વરૂપે. જો આ નોટોને ચલણમાંથી રદ્દ કરી દેવાય તો માથે તોળાતી ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં માયાવતી-મુલાયમના પક્ષોને સહેલાઈથી મ્હાત કરી શકાય. અને બન્યું પણ એમ જ. અલબત્ત, આ ઉદ્ઘોષિત ઉદ્દેશ ન હતો.

આ સંદર્ભમાં નૈતિકતાનો મુદ્દો પણ ઊઠે છે. ‘યુદ્ધ અને પ્રેમમાં સઘળું જાયજ છે’ એવું એક વિધાન છે પરંતુ ઉત્તર પ્રદેશની ચૂંટણી જીતવા વાસ્તે લોકો આટલી હાડમારી વેઠે તે ઉચિત હતું ? અલબત્ત, નોટબંધી જાહેર કરતી વખતે ગણાવાયેલા ઉદ્દેશોમાં ઉત્તર પ્રદેશની ચૂંટણીના વિજયનો ઉલ્લેખ ન હતો પણ ઘણા રાજકીય નિરીક્ષકોના મતે ચૂંટણીની જાહેરાત અને નોટબંધીના પગલા વચ્ચે ખાસ સમયગાળો ન હતો તે બાબત શંકાસ્પદ ગણાઈ છે.

નોટબંધીની જાહેરાતમાં કેશલેસ વ્યવહાર કે ટેક્સના વધુ રિટર્ન ભરાવા માંડશે તેના પણ ઉલ્લેખો ન હતા. તેનો મતલબ એ છે કે જ્યારે નોટબંધી કરવામાં આવી ત્યારે આ બેને ઉદ્દેશોરૂપે રાખવામાં આવ્યા ન હતા. પણ કાળાં નાણાંને ખતમ કરવાના કે ટેરર ફન્ડિંગ રોકવાના ઉદ્દેશો સધાય તેમ નથી એવું જણાતાં સરકારે કેશલેસ અને ટેક્સ ભરનારની સંખ્યાના મુદ્દા ઉમેરી લીધા. ‘પચ્છમ બુદ્ધિ’ રૂપે કે પોતે કેટકેટલું દૂરનું વિચાર્યું હતું તે લોકોના મનમાં ઠસાવવાના પ્રપંચરૂપે આ મુદ્દા ઉછાળાયા પણ તેમાં પણ વિફળતા સાંપડી. કેશલેસની બાબતમાં ખાસ પ્રગતિ થઈ નહીં અને ટેકસ રિટર્નની બાબતમાં વડાપ્રધાન, નાણાંપ્રધાન અને સરકારી તંત્ર એમ ત્રણેએ પોતપોતાના અલગ અલગ આંકડા ગબડાવ્યા.

બીજી તરફ જૂની નોટોની સામે નવી નોટો આપવા અંગેની વ્યવસ્થામાં પણ પાર વગરની સમસ્યાઓ ઊભી થઈ. રિઝર્વ બેંક પાસે જ પૂરતી છપાયેલી નોટો હતી નહીં. ચોવીસ કલાક અને અઠવાડિયાના સાતે દિવસની છપાઈ, વિમાનો દ્વારા નોટોની હેરફેર, એ.ટી.એમ. મશીનોની અગવડ, બેંકોમાંથી વ્યક્તિદીઠ દૈનિક નોટબદલીની રકમ વગેરે અનેક મુદ્દા બતાવે છે કે સરકારે પૂરતી તૈયારી વગર જ આ પગલું ભર્યું હતું. આ રઘવાટ અને અધકચરાપણાને કારણે પણ તેની પાછળના ઉત્તર પ્રદેશની ચૂંટણી જીતવાના રાજકીય ઈરાદાની શંકા પ્રબળ બને છે.

નોટબંધીથી કાળુંનાણું બહાર ન આવ્યું અને કાળાંનાણાંનાં ઉદ્ભવ સ્થાનો પણ બહુ જ થોડાક સમયમાં ‘પુનશ્ચ હરિઓમ’ કરી ફરી એક વાર નવી પદ્ધતિમાં ગોઠવાઈ પણ ગયાં. આઠમી નવેંબર 2016ની મધરાત પછી દેશમાં કાળાંનાણાંનું સર્જન અટકી ગયું છે ખરું ? એ સુવિદિત હકીકત છે કે કાળુંનાણું સરકારી તંત્ર, ઉદ્યોગ-વેપાર જગત અને ધર્માચાર્યોના મેળાપીપણામાંથી સર્જાય છે. દા.ત. ડેરા સચ્ચા સોદાના રામ રહીમ પાસે આટલી વિશાળ સંપત્તિ ક્યાંથી આવી ? સરકારને જો આ કશી ખબર જ ન હોય તો તેની રાજ કરવાની પાત્રતા સામે જ શંકા પ્રેરે છે.

નોટબંધીની ઉપર વર્ણવેલી મેક્રો-ઈકોનોમિક-સમગ્ર અર્થશાસ્ત્રલક્ષી અસરો એવી વિઘાતક નીવડી કે અર્થતંત્રનો જી.ડી.પી.નો વૃદ્ધિદર (ગણતરીની નવી પદ્ધતિ પ્રમાણે) 7.5 ટકાની આસપાસ હતો તે સીધો જ ઘટીને 5.5 ટકાની આસપાસ આવી ગયો. આથી અર્થતંત્રને લગભગ ત્રણ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું. આ રકમ વડે ગરીબ ખેડૂતોનાં દેવાં માફ કર્યાં હોત તો ? આ રકમ વડે શિક્ષણ અને સ્વાસ્થ્યના ક્ષેત્રે સરકારી ખર્ચ વધાર્યું હોત તો ? આ રકમ વડે અમદાવાદ-મુંબઈ જેવી ચાર બુલેટ ટ્રેન વસાવી શકાત ! નિવૃત્ત સૈનિકોના વન રેન્ક વન પેન્શન માટે લગભગ રૂ. 45,000 કરોડ જરૂરી છે; આ વેડફાયેલી રકમ વડે દેશના સૈનિકો અને શહીદોની વિધવાઓને પણ ટેકો કરી શકાત !

3. નૈતિકતા અને ગાંધી વિચાર :

આ પ્રકારના વિકલ્પો દેશની ગતિ અથવા અધોગતિની દિશા સમજવામાં ઉપયોગી છે. સાવ ભોળાભાવે સવાલ ઉઠાવીએ : ગાંધીજીએ આવા નોટબંધીના પગલાને કઈ રીતે જોયું હોત ?

ગાંધીજીના ‘સત્ય’ અને ‘અહિંસા’ તેમનાં અગિયાર મહાવ્રતોની પ્રથમ પંક્તિના પ્રથમ બે શબ્દો છે. આ બંને શબ્દો વચ્ચે એક શ્વાસ જેટલું પણ અંતર કે ભેદ નથી. આ અગિયાર મહાવ્રત માત્ર વ્યક્તિગત મૂલ્યો કે નિષ્ઠાની પરિપક્વતા વાસ્તે નથી. તે તો એક સમગ્ર સમાજ અને તેથી ય આગળ, માનવમાત્ર માટેનો મેગ્નાકાર્તા છે.

સરકારે લાઈનોમાં ઊભેલાં આબાલવૃદ્ધોના પણ પ્રાણ હર્યા – શા માટે ? ઉત્તર પ્રદેશની ચૂંટણી જીતવા વાસ્તે ? ભારતમાંથી કાળું નાણું આ રીતે દૂર થઈ શકે ?

સરકાર અને ભ્રષ્ટાચારનો ઘરોબો તો ઇન્દ્ર-ઇન્દ્રાણી જેવો છે. ટુજી, કોમનવેલ્થ અને કોલસાને સ્થાને હવે કેટલાં બધાં નવાં નામો બહાર આવ્યાં ! સારી એવી રાજકીય વગ ધરાવનારા પણ હવે કોંગ્રેસ, ડી.એમ.કે., કે તૃણમૂલ કે પછી અન્ય પક્ષોમાંથી ભા.જ.પ.માં જોડાયા છે. ભા.જ.પ.ની છાંટ લેવાથી અપવિત્ર પણ પવિત્ર બની જતા હશે, ખરું કે ?

નોટબંધી દ્વારા ભ્રષ્ટાચાર દૂર ન જ થઈ શકે કારણ કે ભ્રષ્ટાચારનાં મૂળ સત્તામાં છે. સામાન્ય જનતા માટે અછતમાંથી પણ સત્તા જન્મે છે. દા.ત. ટ્રેઈનમાં મુસાફરી કરવી અનિવાર્ય હોય અને બેઠક ન મળે – તેની અછત હોય – તો ટી.સી. કે પછી પ્લેટફાર્મ ઉપરના કુલીના હાથમાં પણ ‘સત્તા’ આવે છે. રસેલ કહે છે તેમ સત્તા એટલે ‘પાવર ટુ સે નો’. કોઈનું ય કામ કરી આપવું – ગાંધીની દૃષ્ટિએ સેવા કરવી – તેમાં સત્તા નથી. ના પાડીને અછત ઊભી કરવી અને તન-મન-ધનનો સોદો કરવો તે તો પ્રચલિત રાજનીતિ છે.

ગાંધીજીના વિચારની આવી નૈતિક બાંધણીનો દૂરદૂરનો એકાદ અંશ પણ આવી નોટબંધી જેવા પગલામાંથી શોધી શકાય તેમ નથી. ખોટું પગલું લીધું, સો એક માણસો મરી ગયા, લોકોએ જીવનનાં સુખચેન ગુમાવ્યાં, ગરીબી અને બેકારી વધી અને આવી હિંસાને છાવરવા ભ્રષ્ટાચાર નાબૂદ થયો, અર્થતંત્ર કેશલેસ થયું કે હવે વધુ લોકો કરવેરાની જાળમાં ઉમેરાયા એ વિધાનો સત્યથી પણ વેગળાં છે.

રાજકીય પેંતરાબાજી માટેનાં ખોટાં અને હિંસાત્મક તથા ક્રૂર પગલાં ભરવાં અને પ્રચાર માધ્યમો દ્વારા તથા પ્રપંચ આદરીને સાચા ઠરાવવાનો પ્રયાસ કરવો તે ગાંધીના વિચાર સાથે સુસંગત નથી.

e.mail : shuklaswayam345@gmail.com

(“ભૂમિપુત્ર”, 01 ડિસેમ્બર 2017; પૃ. 06-08)

Loading

18 December 2017 admin
← ચૂંટણી ચુકાદાની રાહ જોતાં
ડાયસ્પોરા નવલકથાકાર એમ.જી. વસનજીનું સાહિત્ય-વિશ્વ →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved