Opinion Magazine
Number of visits: 9449036
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

છોંતેર વર્ષની છોકરી –

આનંદરાવ લિંગાયત|Opinion - Short Stories|3 November 2017

મારી બાની આ વાત છે….
અમેરિકા મારી સાથે રહેવા એને આવવું નથી. સ્વભાવની બહુ ગરમ છે. એનો અર્થ એવો નહીં કે એ પ્રેમાળ નથી. મારી ઉંમર આજે ચાળીસ વર્ષની છે તો પણ હું ઇન્ડિયા જાઉં છું ત્યારે મને એની પાસે બેસાડીને, હું બે વર્ષની બાળકી હોઉં એ રીતે, મારે માથે હાથ ફેરવીને વ્હાલ કરે છે. વાંધો એટલો જ છે કે એના પ્રેમમાં થોડું વધારે પડતું શિસ્ત, વધારે પડતું ડિસિપ્લિન ભળી ગયું છે એટલે એણે અમને ત્રણે ભાંડરડાંને બહુ કડક રીતે ઉછેર્યાં છે. ભણેલી બહુ થોડું પણ બાળ ઉછેરનું કામ એણે આબાદ કર્યું. બાળકો સાથે ‘ક્વૉલિટી ટાઈમ’ પસાર કરવો જોઈએ એવું કશું ભાન એને ન્હોતું. તો પણ મારા બે ભાઈઓ ડૉક્ટર થયા અને અમેરિકા આવી એમનાં બૈરાં છોકરાં સાથે બહુ સફળતાપૂર્વક સ્થાયી થયા છે. હું પણ એમ.એ. થઈ અને અમેરિકા આવી. અમારા ત્રણેયના ભણતરમાં, અમારી સફળતામાં, બાનો હાથ જબરો છે. નાનપણમાં અમે જો ‘લેસન’ કરવામાં સહેજ પણ આળસ કરીએ તો આ બા અમને માર મારવામાં સહેજે પાછું વાળીને ન્હોતી જોતી. અમને એ વખતે આ ડોશી બહુ ક્રૂર લાગતી. માત્ર પાંચ ફૂટ ઊંચી, એકવડો બાંધો, સાધારણ ગોરો વાન, સહેજ માંજરી આંખો અને આકર્ષક ફિચર્સ ધરાવતી આ મારી બા કંઈક જુદુ જ પાત્ર છે. અલબત્ત, દરેકને પોતાની મા વિશિષ્ટ-સ્પેિશયલ જ લાગે.

મારા વિષયો ગુજરાતી અને સંસ્કૃત. મારા ભાઈઓની જેમ હું એન્જિનિયર કે ડૉક્ટર નહોતી એટલે અમેરિકા આવ્યા પછી મને નોકરી મળતાં મળતાં દમ નીકળી ગયો. ગુજરાતી અને સંસ્કૃત ક્યા બિઝનેસ કે ઉદ્યોગમાં કામ લાગે ? છેવટે બીજા ક્ષેત્રમાં નોકરી મળી ગઈ. હું પરણી નથી અને પરણવાનો કોઈ મોહ પણ હવે નથી … મારું આ કુંવારાપણું મારી બાને બહુ ખટકે છે. એ બાબત મારી સાથે એની ટકટક સતત ચાલુ રહે છે. જિંદગી વિષેનું એનું તત્ત્વજ્ઞાન એની રીતે એ મને સમજાવ્યા કરે છે. એ કહે છે કે ‘સ્ત્રી માટે બાળપણમાં પોતાની મા પાસેથી વ્હાલ મેળવવું અને પછી પોતે મા બનીને પોતાના બાળકને વ્હાલ આપવું – આ બંને પ્રક્રિયાઓ જીવનમાં થવી જોઈએ. બેમાંથી એક પણ જો અધૂરી રહી જાય તો જિંદગીનું વર્તુળ પૂર્ણ થતું નથી. જીવન પૂર્ણ કર્યાનો સંતોષ થતો નથી. તૃપ્તિ થતી નથી. એ તરસ જીવનભર રહી જાય છે.’ એની આ વાત, હું મૂંગે મોઢે સાંભળી લઉં છું. એની વાતમાં તથ્ય પણ હશે. ઈલેક્ટ્રિકનું સર્કિટ પૂર્ણ ના થાય તો દીવો સળગે નહીં એના જેવું આ હોઈ શકે. પણ આ અંગે એની સામે દલીલો કરીને એ ઘરડી વ્યક્તિનું દિલ દુભાવવાથી શું ફાયદો ? હું મૌન રહું છું.


ફુરસદ મળ્યે હું ક્યારેક લેખો-વાર્તાઓ પણ લખું છું. લોકોના સંસારની વાતો સાંભળીને, એમની મૂંઝવણો સાંભળીને એમાંથી લખાણો લખું છું. લોકોના જીવનની વાતો તો લખ્યા કરું છું પણ અજાયબી તો જુઓ … મારા જ ઘરમાં, મારી જ આંખ સામે એક મોટી વાર્તા છોંતેર વર્ષથી ગર્ભિત પડી છે એનો મને ખ્યાલ જ ન્હોતો આવતો. એ વાર્તા તરફ મારું ધ્યાન જ ગયું ન્હોતું …. એ મોટી વાર્તા તે આ મારી બા. મારી બા બહુ ઓછું બોલવાવાળી. કામ સાથે કામ રાખવાવાળી. ફળિયામાં પણ એની છાપ એવી જ – ભારેખમ, કામ સિવાય કોઈની સાથે કશું બોલવાનું નહીં. કોઈ પ્રકારની પંચાત નહીં. કોઈની સાથે બહુ ભળે નહીં. અંગ્રેજીમાં કહું તો કોઈની સાથે socialize થાય નહીં. દિલ ખોલીને વાત કરી શકે એવી એક પણ એની બહેનપણી નહીં. પડોશી બૈરાં કામ કરતાં કરતાં આખા ગામની વાતો કરે પણ મારી બા એ નિંદા-કુથલી કે ગપસપમાં કદી પડે નહીં. કામકાજની વાતથી આગળ કાંઈ લપછપ નહીં. બા આટલી બધી ગંભીર અને લોકોથી આટલી બધી અતડી કેમ રહ્યાં કરે છે એ મને તે વખતે સમજાતું નહોતું. આડોશી પાડોશી શું બધાં જ એનાં દુશ્મન હશે ?

હું સમજણી થઈ, કૉલેજમાં ભણતી થઈ ત્યારથી મને બાની જિંદગી વિષે થોડી થોડી ગંધ તો આવવા લાગી હતી. મને થયું કે આ મારી બા કાંઈક બહુ ભારે રહસ્ય એના હૈયામાં દાબીને વીંઢાળતી ફરે છે. શો ભેદ હોઈ શકે એ મારી કલ્પનામાં આવતો નહોતો. બાપુજી તરફથી તો એને કોઈ પ્રકારનો કશો જ અસંતોષ હતો નહીં. તો પછી બાનો સ્વભાવ આવો અતડો કેમ ! એ લોકોથી દૂર કેમ ભાગ્યાં કરે છે ! ધીમે ધીમે આ સવાલ મારા મનમાંથી નીકળી ગયેલો. પણ હવે રહી રહીને બાની જીવનભરની અંતર્મુખતાનો ભેદ જાણવાની મારી ઈન્તેજારી જોર પકડતી જાય છે. બા આટલી બધી અંતર્મુખ કેમ છે ? શું હશે ? આ વિષે એને સીધો સવાલ પૂછવાની મારી હિંમત હજુ પણ થતી નથી.

બે વર્ષ પહેલાં એક કરુણ ઘટના બની ગઈ … મારા બાપુજી ગુજરી ગયા. એમના ગયા પછી બા બહુ ભાંગી પડી છે. બાપુજીના સાથ વગર જિંદગી હવે એને પગમાં બાંધેલા મોટા લોખંડી ગોળા જેવી ભારેખમ, ત્રાસજનક અને લુખ્ખી લાગે છે. છૂટકો નથી એટલે એ જિંદગીને ઢસડતી ફરે છે. હવે જાણે એને કશાની પડી નથી એવું બેફીકરું એનું વર્તન થઈ ગયું છે. અમારા ઘરમાં બાપુજી જ સત્તાધારી હતા. બાએ પણ એમનું સત્તાધારીપણું, એમનું ઉપરીપણું, એમનું ‘સ્વામીપણું’ … જે કહો તે, બહુ આનંદથી સ્વીકારી લીધું હતું. એને ‘સ્ત્રીના સમાન હક્કો’ વિશે કાંઈ પડી નહોતી. અમેરિકા અમારી પાસે આવી જવા અમે એને બહુ કહીએ છીએ પણ માનતી નથી. બાપુજીએ બંધાવેલું એ નાનું ઘર એને છોડવું નથી. એ ઘરમાં જ એને મરવું છે. એ જાણે એનો તાજમહાલ ના હોય ! અલબત્ત, માણસો રાખીને એની દેખભાળ અમે પૂરેપૂરી કરીએ છીએ. અમેરિકાની કૃપા છે કે પૈસા ખરચીને દેશમાં આ બધું કરવાનું પોસાય છે. હું એને અઠવાડિયામાં ઓછામાં ઓછો બે વખત તો ફોન કરું જ છું. ભાઈઓ પણ કરે છે. કોઈવાર એનો ફોન ઉપડે નહીં ત્યારે મારા પેટમાં ફાળ પડી જાય …. એની સાથે વાત થાય નહીં ત્યાં સુધી દર કલાકે હું ફોન ડાયલ કર્યા જ કરું. ગભરાઈને હું ગુસ્સે પણ થઈ જતી હોઉં છું … ‘બા તું કેમ જલદી ફોન ઉપાડતી નથી ?’

બાપુજી વગરનો બાનો દૈનિક નિત્ય ક્રમ પણ હવે બદલાઈ ગયો છે. ઘરમાં બહુ રહેતી નથી. નજીકમાં આવેલા મંદિરમાં એકાદ આંટો મારી પછી સીધી અમારા ગામથી થોડે દૂર આવેલા અનાથાશ્રમમાં જઈને ત્યાંના બાળકોને મદદ કરવામાં એનો દિવસ પૂરો કરે છે. એ બાળકોને મદદ કરવાથી એના હૈયાને જાણે પરમ શાંતિ મળે છે. બાપુજી હતા ત્યારે એ બન્ને જણાં રોજ ત્યાં નિયમિત જતાં અને પોતાનાથી બનતી મદદ એ બાળકોને કરતાં. મારા મોટાભાઈઓ અમેરિકા આવીને કમાતા થયા ત્યારથી તો બા-બાપુજી અનાથાશ્રમમાં વધારે વખત ગાળતાં અને વધારે મદદ કરતાં. મારા મોટા ભાઈઓ જે પૈસા એમને મોકલતા એમાંથી સારો એવો ભાગ આ બેઉ જણાં અનાથાશ્રમનાં છોકરા માટે ખર્ચી નાખતાં. મારા ભાઈઓને પણ એમાં કાંઈ વાંધો નહોતો. ઉલ્ટાનો એમને પણ આનંદ થતો. બાપુજીના ગુજરી ગયા પછી બાએ મોટાભાઈ પાસે માગણી મૂકી કે અનાથાશ્રમમાં એક મોટો હૉલ બંધાવવો અને એના ઉપર મોટા અક્ષરે બાપુજીનું નામ લખાવવું. મોટાભાઈએ તરત એ વાત સ્વીકારી લીધી અને મજાક કરતી એક શરત બા સામે મૂકી : ‘બા, તને ગમે એવો હૉલ તું ત્યાં બંધાવ. ગમે એટલો ખર્ચ થાય … હું આપીશ. પણ એક શરત કે એ હૉલ બંધાઈને પૂરો ના થાય ત્યાં સુધી તારે મરવાનું નહીં. કારણ કે એ હૉલનું ઉદ્દઘાટન અમારે તારા હાથે કરાવવું છે.’

દોઢેક વર્ષ વીત્યું …
હૉલ બંધાઈને પૂરો થઈ ગયો ….
બાએ એનું દિલ રેડીને એ હૉલના બાંધકામમાં ધ્યાન રાખ્યું હતું. બાપુજીના એક ફોટા ઉપરથી મોટું પેઈન્ટિંગ કરાવીને એવી જગ્યાએ એણે મૂકાવ્યું હતું કે હૉલમાં દાખલ થનારની નજર એના ઉપર પડ્યા વગર રહે જ નહીં. આ ડોશીની એના જીવનસાથી પ્રત્યે કેટલી ભક્તિ હતી ! અંતરના કેટલાં ઊંડાણથી એ એના પતિને ચાહતી હશે ! આમ તો, બાપુજી જીવતા હતા ત્યારે મેં કદી આ બન્ને જણાંને એકાંતમાં બેસીને વાતચીત કરતાં જોયાં નહોતાં. એ બે જણાં વચ્ચે મેં કદી કશી ઉગ્ર બોલાચાલી, ચર્ચા કે મતભેદ પણ જોયાં ન્હોતાં. એ બંને જણાં એકલાં ક્યાં ય ફરવા ગયાં હોય એવું પણ મેં જોયું ન્હોતું. નાનકડા એ ઘરમાં એકાંત હોય જ ક્યાંથી ! અને ફરવા જવાની …. ‘વેકેશન’ ઉપર જવાની તો વાત જ કેવી ! બાપુજી રોટલો કમાવામાંથી ઊંચા ન્હોતા આવતા અને બા એનાં ઘરકામના વૈતરામાંથી ઊંચી ન્હોતી આવતી. છતાં એ બન્ને વચ્ચે લાગણીનું અદશ્ય ઝરણું કેવું વહી રહ્યું હતું ! પરસ્પરની લાગણી વ્યક્ત કરવા એમને કોઈ ‘કમ્યુિનકેશન’ કે ‘ગીફટ એક્સચેંજ’ કે ‘સરપ્રાઈઝ પાર્ટી’ની જરૂર પડતી નહોતી. એ પેઢી જ, એ જનરેશન જ કદાચ જુદી હશે અથવા આ બંન્ને જણાં કદાચ અપવાદરૂપ હશે.

હૉલના ઉદ્દઘાટનનો દિવસ આવ્યો. અમેરિકાથી મારા ભાઈઓ એક અઠવાડિયા માટે આવી પહોંચ્યા. મારી ભાભીઓ અને એમનાં ટીન-એજ છોકરાં પણ સાથે હતાં. હું તો બે મહિનાની રજા લઈને ઇન્ડિયા આવી ગઈ હતી. મારે હવે બા સાથે થોડા દિવસ નિરાંતે રહેવું હતું. બાની તબિયત હવે બહુ સારી ન્હોતી રહેતી. એમાં ય આ ઉદ્દઘાટનનો આનંદ અને પરમ સંતોષ માણ્યા પછી એ કદાચ ઓચિંતી વધારે બિમાર પડી જાય અથવા કાયમ માટે જતી પણ રહે તો ! આ ઉદ્દઘાટન પછી બાનું શું થશે એ મને ખબર પડતી નહોતી. મને સતત પેટમાં ધ્રાસકો રહ્યા કરતો હતો. ઉદ્દઘાટન પ્રસંગે લોકોનાં ટોળાં જોઈને બાના મોઢા ઉપર ગભરાટ અને સાથે સાથે એટલો જ હરખ તરવર્યા કરતો હતો. એને ચેન પડતું નહોતું. બીજા મહેમાનો સાથે મંચ ઉપર બેસવા જ એ તૈયાર થતી નહોતી. એની આંખમાં હર્ષના આંસુ વારંવાર ધસી આવતા હતાં. જિંદગીના શીખરની ટોચે પહોંચીને સફર પૂરી કર્યાનો ઝંડો જાણે એ ફરકાવી રહી હતી. અંતે, ધામધૂમથી હૉલનું ઉદ્દઘાટન થયું. બાના હાથે રિબન કપાઈ અને બાપુજીનો ફોટો ખુલ્લો મુકાયો. ઉદ્દઘાટન પછીના અઠવાડિયે મારા ભાઈઓ અને એમનું ફેમિલી અમેરિકા ભેગું થઈ ગયું. હું તો બે મહિના રોકાવાનું નક્કી કરીને જ આવેલી.

એક રવિવારે થોડી ખરીદી કરીને હું અને બા રિક્સામાં ઘેર આવતાં હતાં. રસ્તામાં અનાથાશ્રમ આવ્યો અને મેં સહજ બાને પૂછ્યું :
‘બા, આશ્રમમાં ઊભા રહેવું છે થોડીવાર ?’
‘તારી ઈચ્છા હોય તો ઊભા રહીએ.’
બાના મોઢા ઉપર નર્યો થાક હતો. શરીર શિથિલ થઈ ગયેલું હતું. તેમ છતાં અનાથાશ્રમમાં રોકાવા એ તરત તૈયાર થઈ ગઈ. એનો બધો થાક જાણે ક્યાં ય ઊતરી ગયો. આશ્રમના દરવાજા પાસે મેં રિક્સાવાળાને થોડી વાર રોકાવા કહ્યું. હાથ પકડીને હું બાને ઊતારતી હતી ત્યાં બીજી એક રિક્સા ત્યાં આવીને ઊભી રહી. એમાંથી બારેક વર્ષની એક છોકરી પોતાની થેલી લઈને ઊતરી. એને ઊતારવા આવેલો પુરુષ રિક્સામાં જ બેસી રહ્યો હતો. એને ‘આવજો’ કહેતો હાથ છોકરીએ આનંદથી હલાવ્યો. ‘આવજો મામા ….. આવતે મહિને મને લેવા પાછા આવશોને, મામા ?’ મામાએ હસીને હકારાત્મક ડોકું ધુણાવ્યું.

‘મામા’ સંબોધન સાંભળીને વર્ષો જૂનું મારું કૂતુહલ ખળભળી ઉઠ્યું. બાએ અમને કદી અમારા ‘મામા’ કે ‘માસી’ વિશે કશી વાત કરી ન્હોતી. બાળપણમાં મારી એક-બે બહેનપણીઓ દર ઉનાળાના વૅકેશનમાં એમના મોસાળ જતી. ત્યાંથી પાછી આવે ત્યારે નવાં નવાં ફરાક અને ઢીંગલીઓ લઈ આવતી. ‘આ મારા મામાએ આપ્યું … આ મારી માસીએ આપી ….’ મામાએ, માસીએ અને દાદાએ આપેલી વસ્તુઓ વિશે વાતો કરતાં એ છોકરીઓ થાકતી ન હતી. એક દિવસ મેં બાને … મારા મામા … અમારા મોસાળ … વિશે જાણવા સવાલ પૂછી નાખેલો. મોટી ભૂલ કરી નાખેલી. શરૂઆતમાં એણે મારો સવાલ ટાળેલો. પણ મેં જીદ્દ પકડી રાખેલી એટલે અકળાઈને એણે મને એવી તો ધમકાવેલી કે તે દિવસથી ફરી મેં એને અમારા ‘મોસાળ’ કે ‘મામા’, ‘દાદા’ વિશે કશું પૂછ્યું નથી. આજે હવે બા જિંદગીના છેલ્લા પગથિયે આવીને બેઠી છે એટલે એ ભેદ વિશે ફરી પૂછતાં કદાચ એ મને નહીં ધમકાવે.
મેં તક ઝડપી.
મારો ખભો પકડીને ટેકે ટેકે બા ચાલતી હતી.
‘બા, તને એક સવાલ પૂછું ?’
‘બોલને ….’
‘બા, તેં જોયું ને … રિક્સામાંથી ઉતરેલી પેલી છોકરી કેવી ‘મામા’ …. ‘મામા’ કરતી હતી ! તેં  અમને કોઈ દિવસ તારાં ભાઈ બહેનો વિશે, તારાં બા-બાપુજી વિશે, કદી કશું કહ્યું નથી. અમારું મોસાળ ક્યાં છે એ હવે તો કહે …’ બા શાંત રહી. અમે આશ્રમના મોટા ગેટમાં પ્રવેશ્યાં. પાંચ-સાત છોકરાંનું ટોળું દોડતું બા તરફ ધસી આવ્યું. એકી સાથે બાને વળગવા બધાં કૂદાકૂદ કરવા લાગ્યાં. બાએ બધાંને માથે બહુ વ્હાલથી હાથ ફેરવ્યો. ‘જાવ … બેટા … રમો ….’ છોકરાં ધીમે ધીમે પાછાં રમવા જતા રહ્યાં. અમે બાપુજીવાળા હૉલ તરફ વળ્યાં. ત્યાં કોઈ હતું નહીં. અમે અંદર પ્રવેશ્યાં.
‘બા, તેં મારા સવાલનો જવાબ ના આપ્યો. હવે તો કહે કે અમારું મોસાળ ક્યાં છે ?’ બા થંભી ગઈ. મારો ટેકો છોડીને એ મારી સામે આવીને ઊભી રહી. મારી આંખમાં આંખ પરોવી.
‘બેટા, તું અત્યારે તારા મોસાળમાં જ ઊભી છું. આ જ મારું પિયર છે … બેટા, હું અનાથ છું. આ જ અનાથાશ્રમમાં હું ઉછરી છું. મારાં માબાપ કોણ છે એ મને ખબર નથી. એટલે તારા કોઈ મામા નથી કે કોઈ દાદા નથી.’ બા એકદમ ચૂપ થઈ ગઈ. એના મોં ઉપર ગુસ્સો હતો કે પારાવાર દુ:ખ હતું એ મને સમજાતું નહોતું. વીજળીનો કડાકો થઈને જાણે સીધો મારા હૈયામાં સોંસરો ઉતરી ગયો. મારો જાણે અવાજ ચાલ્યો ગયો હતો. હું બોલી શકતી નહોતી. આખો હૉલ અને મારી આસપાસની આખી ધરતી જાણે મને કંપતી લાગી. મારી બા અનાથ ! આટલાં વર્ષો સુધી એણે એ છુપાવી રાખ્યું …. !

આ આઘાતમાંથી મને જગાડતાં એ બોલી :
‘બેટા, મને પાછળથી એટલું કહેવામાં આવેલું કે હું કોઈક વિધવા સ્ત્રીના પેટે જન્મી હતી એટલે સમાજ મને ‘પાપ’ ગણતો.’ બાની આંખમાંથી વહેલી વેદના એના કરમાયેલા ગાલ ઉપર થઈને એના સફેદ સાડલા ઉપર ટપકી રહી હતી. પોતે ‘અનાથ’ છે અને સમાજમાં ‘કલંક’ ગણાય છે એ જાણે એનો પોતાનો વાંક હોય એવો ડંખ એને લાગતો હતો. એ બોલ્યે જતી હતી …
‘બેટા, માના પેટમાંથી બહાર પડી ત્યારથી હું અહીં આ જ આશ્રમમાં હતી. માનું વ્હાલ કેવું હોય, પિતાનો પ્રેમ કેવો હોય, કુટુંબની હૂંફ કેવી હોય …. એની મને કશી ખબર નથી. મારાં એ જન્મદાતા કોણ છે એ પણ મને તો ખબર નથી …..’ બાના આ ઓચિંતા ખુલાસાથી મારી વિચાર શક્તિ ઉપર ખાલી ચઢી ગઈ હતી. બધું બહેર મારી ગયું હતું. હું જોરથી એને વળગી પડી. ત્યાગ, નિસ્વાર્થતા અને વાત્સલ્યની મૂર્તિ જેવી આ બા, છોંતેર વર્ષની જર્જરીત ઉંમરે, પોતે જ હજુ નાના બાળકની જેમ, એનાં માબાપના પ્રેમ માટે તલસી રહી છે ! જીવનભર નહીં મળેલા માબાપના પ્રેમની એની તરસ છીપાયા વગરની રહી ગઈ છે ! કોઈ વિધવા સ્ત્રીના ‘પેટનું પાપ’ હોવામાં પોતે જ જાણે ગુનેગાર હોય એટલી એ હજુ ફફડ્યા કરતી હતી. એ કલંક હજુ જાણે પોતાના કપાળે ચોંટેલું હોય એમ એ દુનિયાથી બને એટલી દૂર રહીને, ડરતી ડરતી જીવતી હતી. માબાપના એ પ્રેમાળ સ્પર્શનો, એ હુંફાળા આલિંગનનો અભાવ મૂંગે મોઢે એ જીવનભર વેઠતી રહી હતી. પોતે અનાથ હતી એ રહસ્ય રખેને કોઈ જાણી જાય એની ચિંતામાં, એના ફફડાટમાં, એના ભયમાં એ સતત જીવતી હતી. ફળિયાની સ્ત્રીઓને આ ભેદની રખેને જાણ થઈ જાય … એટલા માટે બધાંથી અળગા રહી એણે આજ સુધી જીવ્યા કર્યું છે. એ કદી કોઈની સાથે ભળી નથી. માબાપની હૂંફ વિનાની જિંદગી કેવી ચીમળાઈ જાય છે, કેવી સૂકા રણ જેવી બની ગયેલી હોય છે એનો એને અનુભવ હતો. માટે જ કદાચ એ અમને બધાંને, એનાં સંતાનોને, અનેક ઘણો પ્રેમ આપીને એનું હાટુ વાળતી હશે …. બધી ખોટ પૂરી કરતી હશે. મને પસ્તાવો થવા લાગ્યો કે આ જૂનો ઘા ઉખેડવાની ભૂલ મેં ક્યાં કરી નાખી !

‘બા, તું આરામથી બેસ. હું તારા માટે ચા મૂકું.’ બાને ઘડીએ ઘડીએ ચા પીવા જોઈએ. ભલે થોડી થોડી પણ જોઈએ. ચા ગાળીને મેં કપ ટેબલ ઉપર મુક્યો. કપમાંથી રકાબીમાં ચા રેડતાં રેડતાં બાએ વાત આગળ ચલાવી.
‘બેટા, વાત નીકળી જ છે તો હવે થોડું આગળ પણ સાંભળી લે ….’ હવે આગળ કોઈ કરુણ વાત સાંભળવાની જીગર મારી છાતીમાં ન્હોતી. પણ બાને હવે અટકાવી શકાય એમ પણ નહોતું. એ બોલી …
‘બેટા, તારા બાપુજી મારે માટે દેવદૂત હતા. એમણે મારી જિંદગી ડૂબતી બચાવી. અનાથાશ્રમમાં ઉછરીને ઉમ્મરલાયક થયેલી છોકરીઓનાં લગ્ન વ્યવસ્થાપકો કરી આપતા. યોગ્ય મૂરતિયો શોધવા એમનાથી બનતા પ્રયત્નો કરતા. પણ એમાં માબાપ જેટલી મમતા કે કાળજી તો ક્યાંથી હોય ? એટલે કઈ છોકરીને કેવો મૂરતિયો મળે એની કોને ખબર ! હું પણ અઢાર-વીસ વર્ષની થઈ એટલે મારે માટે મૂરતિયો શોધવાની વાતો વ્યવસ્થાપકો કરવા લાગ્યા. તારા બાપુજી અઠવાડિયામાં બે વખત આશ્રમમાં દાળ-ચોખા અને એવું સીધું પહોંચતું કરવા આવતા. એ કોઈ કરિયાણાની દુકાનમાં નોકરી કરતા હતા. સાયકલ ઉપર મોટી મોટી થેલીઓ લાદીને એ બધું લાવતા. એ થેલીઓ ઉતારવામાં હું ઘણીવાર એમને મદદ કરતી. એમાંથી અમારી દોસ્તી થઈ અને અમે લગ્ન કરવા તૈયાર થયાં ….’

આ શબ્દો સાંભળીને મારું મ્હો મલક્યું … અરે વાહ ! આ ડોશીમાએ તો લવ-મેરેજ કર્યા છે ! આ ડોહા-ડોશી તો જબરાં પ્રેમી-પંખીડાં નીકળ્યાં ! બાએ ચાનો ઘુંટડો લીધો. આ લવ-સ્ટોરી સાંભળવાની મારી ઈન્તેજારી વધી ગઈ. બાએ ચાનો કપ ખાલી કર્યો અને ટેબલ ઉપર મૂક્યો.
‘બેટા, તારા બાપુજી મારી સાથે પરણ્યા તો ખરા, પણ પછી એ પણ અનાથ બની ગયા. અનાથાશ્રમની ‘ઉતાર’ છોકરી સાથે લગ્ન કરવા બદલ એમનાં માબાપે એમને ઘરમાંથી પહેરેલે કપડે કાઢી મૂક્યા અને એમના શેઠે નોકરીમાંથી કાઢી મૂક્યા. હવે જવું ક્યાં ?

જૂનવાણી જમાનો હતો. લગ્ન થઈ ગયેલાં. નોકરી ક્યાં ય મળતી ન્હોતી … સામે સમાજની મોટી દીવાલ હતી. અમે નિરાધાર અને ગભરાયેલાં હતાં. પાસે પૈસા નહીં. મને અનાથાશ્રમમાંથી થોડી મદદ મળી હતી. વધારાની બીજી કોઈ મદદ તારા બાપુજી અનાથાશ્રમમાંથી લેવા માગતા ન્હોતા. વટનો કટકો હતા … વટનો કટકો. બાજુના ગામડે જઈને એક ધર્મશાળામાં અમે થોડા દિવસ કાઢ્યા. પછી એમને એક નાની નોકરી મળી ગઈ. એક મકાન માલિકે ઓરડી ભાડે આપી …. અને અમારું ગાડું ગબડવા લાગ્યું. કોણ જાણે કેમ પણ લોકો અને આડોશી-પાડોશીઓ સુધ્ધાં અમને હલકી નજરે જોતાં. જેવી ખબર પડી કે હું અનાથાશ્રમની છોકરી છું કે તરત મારા તરફની લોકોની દષ્ટિ ફરી જતી. તમારા ત્રણેના જન્મ પછી હું વધારે સાવધાન બની …. મારા અનાથપણાનાં છાંટા તમારી ઊગતી જિંદગી ઉપર પડી ના જાય એટલા માટે હું સમાજથી બહુ દૂર રહેતી. જેમ તેમ કરીને મેં અને તારા બાપુજીએ … તમને ત્રણેને ઉછેર્યાં અને આખરે સંસાર પાર પાડ્યો …. બેટા, મારી જિંદગીનો આ ટૂંકોસાર છે.’

બાપુજીની યાદ આવતાં બાની આંખો પાછી ભીની થઈ ગઈ. મારું હૈયું પણ ભરાઈ આવ્યું. પણ મેં ડુમો ખાળી રાખ્યો. મેં બાને બાથમાં લીધી. આટલાં વર્ષોથી ગર્ભિત રાખેલું રહસ્ય આજે અચાનક બાએ મારી સામે ખુલ્લું કર્યું હતું. આ કરુણતાનો આઘાત ઝીલવો મારે માટે ભારે થઈ પડ્યો હતો. હું બાને ક્યા શબ્દોમાં આશ્વાસન આપું ? હું ખુદ ગૂંચવાડામાં ડૂબી રહી હતી. મારે થોડો સમય જોઈતો હતો. આખો દિવસ બજારમાં ફરીને બા પણ હવે બહુ થાકી ગઈ હતી.
‘બા, તું બહુ થાકી ગઈ છું. ચાલ, થોડીવાર સૂઈ જા.’ હું એને પલંગમાં લઈ ગઈ. એને સુવાડી એના માથા ઉપર મેં હાથ ફેરવવા માંડ્યો. થાકેલી એની આંખો બંધ થતી હતી. પોતાની મા કોણ છે એ પણ જાણવા ન મળ્યાનો વસવસો હજુ એના શ્વાસે શ્વાસમાં ધડકતો હતો. અત્યારે બા મને એની માના પ્રેમ માટે સતત ઝંખતી, તરસી, છોંતેર વર્ષની બાળકી જેવી લાગતી હતી. હું જેમ એની દીકરી છું …. એમ આ મારી બા પણ એની માની દીકરી તો હતી જ ને ? ફરક એટલો જ કે આ બાએ મને એનું વ્હાલ, એનું વાત્સલ્ય સતત પાયા કરીને ઉછેરી છે. એના પ્યારમાં મને તરબોળ કરી છે. જ્યારે એને એની માના વાત્સલ્યનું એક ટીપું પણ ચાખવા મળ્યું નથી. એણે અમને ધરાઈને પ્રેમ આપ્યો …. પણ એને પોતાને એ ન મળતાં એનું બાળપણ તરસ્યું રહી ગયું હતું. એનું જીવન-વર્તુળ અધૂરું રહી ગયું હતું … પ્રેમનું વર્તુળ પૂર્ણ ન્હોતું થયું.

હવે મને સમજાય છે કે બા શા માટે લગ્ન કરી લેવાનું દબાણ મારા ઉપર સતત લાવ્યા કરે છે. કોઈકનો પ્રેમ મેળવવો અને કોઈકને પ્રેમ આપવો … એ રીતે પ્રેમની ‘આપ-લે’ ના થાય ત્યાં સુધી પ્રેમનું વર્તુળ પૂરું થતું નથી. જીવન તરસ્યું અને અધૂરું રહી જાય છે.

e.mail : gunjan.gujarati@gmail.com

Loading

3 November 2017 admin
← જમ્મુ-કાશ્મીર ભારતનું બંધારણીય અંગ છે, ભારતીય રાષ્ટ્રનું અભિન્ન અંગ તો હજી બનાવવાનું બાકી છે
પરંપરાગત વ્યવસાય પર જીવતા અને રઝળતા લોકોના અધિકારો ચૂંટણી ઢંઢેરાઓમાં આવશે ? →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved