Opinion Magazine
Number of visits: 9450974
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘હળવાં કર્મ’નો હું નાગરિક

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|1 November 2017

વાત અલબત્ત સાચી કે હમણેના દિવસો ગુજરાતમાં મોદી ભા.જ.પ.ને માટે સુનામીઆંચકા શા બની રહ્યા છે. આમ તો, હિમાચલ પ્રદેશની હારોહાર ગુજરાતમાં પણ ચૂંટણીતારીખોની જાહેરાત અપેક્ષિત હતી. પણ એમાં મુદત પડી તે સાથે સમજાઈ રહ્યું હતું કે આચારસંહિતા અમલી બને એ પૂર્વે ભા.જ.પ. ઘડિયા અવસરો ઉકેલી લેવા માગે છે. જે પણ થોડો સમયગાળો એને વધુ મળ્યો એમાં વિક્રમી લોકાર્પણો અને જથ્થાબંધ જાહેરાતો પક્ષ જરૂર કરી શક્યો, પણ અલ્પેશ ઠાકોરના કૉંગ્રેસપ્રવેશ સાથે તે બધું કેમ જાણે હવાઈ ગયા જેવું થઈ ગયું.

એક રીતે, અલ્પેશ ઘટના સાથે એક ચક્ર પૂરું થાય છે એમ પણ તમે કહી શકો, કેમ કે પછીથી વિકાસનો વરખ આવ્યો હોય તો પણ મોદી ઘટના મૂળભૂત રીતે મંદિર અને મંડલના જોડાણની હતી. ૨૦૦૨ના ઘટનાક્રમે એને માંજો પાયો અને બનવા કાળ બનીને રહ્યુંઃ વિશ્વનાથ પ્રતાપસિંહે મંદિર સામે મંડલનો મોરચો ખોલી નાખ્યો અને ઉત્તરપ્રદેશ-બિહારમાં લાલુ, નીતીશ, મુલાયમની તાજપોશી શક્ય બની. ગુજરાતમાં કેશુભાઈ પટેલના નેતૃત્વ સામે ખૂલેલો મોરચો એક અર્થમાં મંડલ પરિબળોનો હતો. કાળક્રમે શંકરસિંહ વાઘેલા અને કાશીરામ રાણાની સત્તા-શક્યતાને વટીને ભા.જ.પ.માં તે મોદીમાં ઠર્યો. આજે અલ્પેશ સાથે ઓ.બી.સી. ઉદ્યુક્તિ કૉંગ્રેસ પાસે જાય છે, અને એ રીતે ચક્ર પૂરું થાય છે.

સોલંકીના ખામ વ્યૂહ સામે ભા.જ.પે. જે ખાસ (કે-ક્ષત્રિય, એચ-હરિજન, એ-આદિવાસી, એસ-સવર્ણ) વ્યૂહ ધુણાવવા તાક્યું તેમાં જે બનીને રહ્યું તે એ કે બધા ભેગા તો થયા પણ હિંદુત્વ રાજનીતિ એમને કોઈક તબક્કે ગોળબંદ કરી શકતી હોય તો પણ નાતજાતગ્રસ્ત વાસ્તવ સામે હિંદુ ઓળખ ઓછી અને પાછી પડે છે.

જે ત્રણ યુવા નેતાઓએ ગુજરાતના રાજકારણને આ ગાળામાં તળેઉપર જેવું કરી નાખ્યું છે તે પૈકી અલ્પેશ સિવાયના બે – હાર્દિક પટેલ, જિજ્ઞેશ મેવાણી – કૉંગ્રેસમાં નથી. હાર્દિક કોઈક ફોર્મ્યુલા ઉપસાવવાની કોશિશમાં હશે. બને કે ચાલુ અઠવાડિયે સુરતની સૂચિત રેલી સાથે આ બાબતે ચિત્ર સ્પષ્ટ થઈ જાય. જિજ્ઞેશ અને હાર્દિક બંને ભા.જ.પ. તો નહીં એ બાબતમાં અસંદિગ્ધ ભૂમિકાએ છે. ચીમનભાઈ-કેશુભાઈ સંક્રાન્તિ સાથે પટેલો અને ભા.જ.પ. એક તબક્કે બિલકુલ સમીકૃત થઈ ગયા હતા. એમ તો બાબુભાઈ જશભાઈ પણ હતા તો પટેલ, પણ હાડના સ્વાતંત્ર્યસૈનિકને નાતે એમણે આવી સીમિત ઓળખમાં સમાવું ને ખોવાવું, ખાસ તો એનું રાજકારણ કરવું પસંદ નહોતું કર્યું. બલકે, નહીં વાજો, નહીં ગાજો એમ લગભગ નિત્યક્રમની સરળતાથી એમણે બક્ષી પંચના અમલની જે કોશિશ કીધી તે પોપ્યુિલસ્ટ પ્રયુક્તિઓ(અને પ્રાયોજિત વધામણાં)ના કુળની નહોતી.

ખેર, ઇતિહાસમાં નહીં અટવાતા એટલું કહીએ કે કૉંગ્રેસને અત્યારના સંજોગોમાં પુનર્જીવન અને નવજીવનનો સુખાનુભવ થાય એ સ્વાભાવિક છે. સૌને ટિકિટફાળવણીમાં ઘરઆંગણેના મુમુક્ષુઓ સહિત કેવી રીતે જોગવવા એ પ્રશ્ન પણ થવાનો. વળી, બધા ઉદ્રેક બધો વખત વાસ્તવિક પરિણામદાયી મતદાનમાં પરિવર્તિત થતા હોય છે એવું પણ નથી. એક રીતે ડિસેમ્બર ૨૦૧૭ની ચૂંટણીમાં ભા.જ.પ. જો એક છેડેથી કટોકટી અને કસોટીની પળોમાં છે તો બીજે છેડેથી કૉંગ્રેસ પણ કસોટીની પળોમાં છે. બને કે, બલકે બનશે કે, ૨૦૧૭માં જ નહીં પણ ૨૦૧૯માં યે પ્રક્રિયા બેઉ માટે પડકારભરી હશે.

ભા.જ.પ.નો ઓસરતો પ્રભાવ, જીતે તો પણ એક વાસ્તવિકતા બની રહેવાનો છે. પણ કૉંગ્રેસ પાસે એક તક છે જે એણે વચગાળામાં ગુમાવ્યા જેવી છે. આ તક, પ્રજાસત્તાક સ્વરાજ અને નાગરિક સમાજને શોભીતી રીતે જુદા જુદા સમુદાયોને એમની ઓળખના સહજ સ્વીકાર છતાં એના ’અતિ’થી ઉગારી નાગરિક ધોરણે વિચારતા કરવાનો છે. જેને મતબૅંકનું રાજકારણ કહેવાય છે એમાં અલાયદી ઓળખના સહજ સ્વીકાર સાથે અને છતાં ’નાગરિક’ ઓળખ ઓજપાઈ જાય છે. નવા નવા સમુદાયો કથિત મુખ્ય પ્રવાહમાં આવશે – અને આવવા જ જોઈએ – પણ સમગ્ર પ્રક્રિયા નાગરિક સમાજ તરીકેની વ્યાપક ભૂમિકામાં ઠરવી જોઈશે. જેમ પક્ષોએ તેમ સૌ સમુદાયોના નેતૃત્વે અને સાથીઓએ પણ આ મુદ્દો ગંભીરતાથી લેવો રહે છે. અન્યથા, ભા.જ.પ.ને લાભમાંથી ખોટમાં જવું કે કૉંગ્રેસને ખોટમાંથી લાભમાં જવું, બધું ચાલ્યા કરશે અને નાગરિક સમાજ તો રાબેતા મુજબ નુકસાનનો નુકસાનમાં રહેશે.

ખરું જોતાં ગુજરાતમાં અત્યારે જે બની રહ્યું છે – બાવીસ વરસ પછી ભા.જ.પ. એન્ટિ-ઇન્કબન્સીનો અનુભવ કરી રહ્યો છે ત્યારે સ્વાભાવિક એવો ઉમંગ થઈ આવે કે ૧૯૭૫માં ગુજરાતમાં કૉંગ્રેસ વિ. જનતા મોરચો એવી જે દ્વિપક્ષવત્ વ્યૂહરચના શક્ય બની હતી તે પ્રમાણે આજે ભા.જ.પ. વિ. બાકી બધા એવું કાંક થવું જોઈએ. પણ કૉંગ્રેસનો લાંબો સત્તાસંસ્કાર જોતાં એ બાકી સૌ બિનભા.જ.પ.બળોને ધોરણસર સમાવી શકે તે શક્ય જણાતું નથી. પાટીદાર, ઓ.બી.સી., દલિત ઉદ્યુક્તિઓ અત્યારે ચર્ચાના કેન્દ્રમાં છે. પણ તે સિવાય કેટલાં બધાં તળ આંદોલનો અપ્રતિનિધિત છે, ન જાણે! સ્થાપિત ડાબેરી પક્ષો ઉપરાંત એસ.યુ.સી.આઈ. જેવા દેખીતા નાના પણ લોકઆંદોલનનો મહિમા કરતા પક્ષો, સદ્ભાવનાના કનુભાઈ કલસરિયા કે સુખદેવ પટેલ જેવા અદના ઝુંબેશકારો, બધા સાથે સંવાદ અને સમાસના અભિગમ વગર વિકલ્પ અંગેની ચર્યા અને ચર્ચા અધૂરાં રહેવાનાં છે. ભા.જ.પ.ની રણનીતિ આપ કે જનવિકલ્પમાં પોતાની સામેના મતો વહેંચાઈ જાય તેવા ઉમેદવારો ઊભા કરવાની જણાય છે તે અંગે  સતર્ક રહેવું એ એક વાત છે, અને હમણાં ચીંધી તે સિનર્જીની તાકીદ એ બીજી વાત છે.

બાવીસ વરસના શાસનને છેડે ભા.જ.પે. જવાબ આપવા જોગ સવાલોનો સુમાર નથી. કૉંગ્રેસ કે બીજા પાસે શો કાર્યક્રમ છે, શું શક્તિ છે, બધી ચર્ચા કરીએ, જરૂર કરીએ. એમની મર્યાદાઓને પણ મૂલવીએ. પણ બધી ઝીણી નુક્તેચીનીમાં જો બાવીસ વરસના સવાલોનો જવાબ પૂછવાનું રહી જશે તો જવાબ-દાર સરકાર અને સવાલ-દાર જનતાની બુનિયાદી લોકશાહી ફોર્મ્યુલાનો એ કમનસીબ ધ્વંસ લેખાશે. સુરેશ મહેતાના દત્તચિત નેતૃત્વમાં અને ગૌતમ ઠાકરના યોજકત્વમાં હેમંત શાહ, મહેશ પંડ્યાએ તથ્યને ધોરણે પૂછવા જોગ દસ્તાવેજી સામગ્રી ગુજરાતવગી કરી જ છે. માત્ર, સવાલની સફાઈની સાથોસાથ જનતા છેડે જાતમાં ઝાંખવું જરૂરી હતું, છે અને રહેશે. જાતમાં ઝાંખવું તે શું એનો સૂત્રાત્મક ઉત્તર કોઈ આપવાનો હોય તો તે એ છે કે રાજકીય જાગૃતિની જોડે સમાજસુધારનું જે સાર્થક સંધાન હોવું જોઈએ તે કે’દીનું અટકી પડેલું છે.

વાત સમેટતાં પહેલાં દેખીતો અળગતનો લાગે એવો એક મુદ્દો પણ ભેગંભેગા લઈ જ લઈએ. ત્રણ યુવા નેતાઓના આંદોલનઉદય સાથે જે નવી હવા બની તે એવી તો ઝલાઈ અને ઝિલાઈ છે કે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદની ચૂંટણીમાં સિતાંશુ યશશ્ચંદ્ર યશસ્વી બન્યા ત્યારે કોઈક અખબારે શીર્ષચીસોટે આ ઘટનાને ‘ભા.જ.પ.નો સફાયો’ એમ વર્ણવી હતી! દેખીતી વાત પણ સાચી કે પ્રતિસ્પર્ધી ઉમેદવારની તરફેણમાં સરકારે અને સંગઠને પ્રત્યક્ષ ને પરોક્ષ બળ તો નાખ્યું હતું. તેમ છતાં સિતાશુ ચૂંટાયા. પણ આ ચૂંટણીને પક્ષોના ખાનામાં ખતવવાને બદલે આપણે વ્યાપક રીતે જોઈએ તો તે એક એન્ટિ-એસ્ટાબ્લિશમેન્ટ ચુકાદો ચોક્કસ છે. સિતાંશુની પોતાની ઓળખ, સર્જક પ્રતિભાને ધોરણે પૂરતી બુલંદ રહી છે. પણ હમણેના ગાળામાં એમની ફરતે જે ભામંડળ બન્યું તેમાં સ્વાયત્તતાના મૂલ્ય માટે પ્રગટપણે ઊભા રહેવાનો સિંહફાળો હતો. સત્તાપક્ષની નીતિરીતિના ટીકાકાર છતાં વિચારધારાની રીતે એની નજીક હશે તેમણે પણ આ મુદ્દે સત્તાવાર ઉમેદવાર જેવા પ્રતિસ્પર્ધીને બદલે સિતાંશુની સાથે રહેવું પસંદ કર્યું. તે અર્થમાં આ એન્ટિ-એસ્ટાબ્લિશમેન્ટ વલણનું ઔચિત્ય જોવાપણું છે. એક રીતે અકાદમી અધ્યક્ષે સિતાંશુમાં જોયેલી ‘પ્રબુધ્ધ’તાને મતદારોએ દાદ આપી એમ જ કહેવું જોઈશે. મુશ્કેલી માત્ર એટલી છે સ્વાયત્તતાને મુદ્દે સિતાંશુભાઈ આ લખનાર સહિતના સંખ્યાબંધ અબુધજનોની સાથે છે. અલબત્ત, સ્વાયત્તતાની ચર્ચાને અપ્રસ્તુત માનતા અકાદમી અધ્યક્ષને પ્રબુદ્ધ મતદાનની કદર અગર રગ ન હોય એ સમજી શકાય એવી વાત છે. જો કે, સ્વાયત્તતા પ્રકારના મુદ્દાઓ ઉઠાવવાની દિલી કોશિશમાં એમને હાસ્યલેખ વંચાય તેને હસનીય કહેવું કે દયનીય, એ સમજાતું નથી.

અહીં ડંકેશ ઓઝાના ૧૬/૧૦ના અંકમાં પ્રકાશિત એ મૈત્રીપૂર્ણ ટીકાવચનોની ચર્ચા લાજિમ છે કે ‘ખિસાવસ્યમ્’ જેવો પ્રયોગ કરવો ઘટારત હતો કે નહીં. મિસાવાસ્યમ્ સાથે આ પ્રયોગનો સંબંધ જોતાં એને કમરપટા નીચેના વાર તરીકે લેખીએ તો જરૂર આ ટીકાવચનો લાજિમ છે. પણ સરકારમાત્રની ગજવેઘાલ માનસિકતા અને સાહિત્ય અકાદમીના અધ્યક્ષસ્થાનેથી એની અનુમોદનાનો સમગ્ર સંદર્ભ જોઈએ તો જે છે તે ખિસાવાસ્યમ્ અને ખિસાવાસ્યમ્ જ છે. સરકારે તો કરતાં કર્યું. પણ એની અનુમોદનાનો એકંદર બૌદ્ધિક ખટાટોપ ઘટાટોપ જોતાં વળી વળીને કહેવાનું બને, કેમ કે આપણે ક્યાંથી ક્યાં પહોંચવામાં છીએ તે સમજાય તો દોહરાવવાનું વરદાન તો વરદાન અને અભિશપ્ત નિયતિ કહો તો નિયતિ છે તે છે જ.

નાગર નરસિંહે પોતાને ‘હળવાં કર્મ’નો કહ્યો હતો, એનો મહિમા ને એનું મહત્ત્વ કાશ, આપણા સૌ ગુર્જર ગિરાનુરાગીઓને (અને માબોલીનાં ઘેલાં કાઢનારાઓને) સમજાય! મહેતાજીના ‘જેવા તમે કહો છો તેવા’ એવા ઉરબોલમાં ખરું જોતાં નવા જમાનાનો ઢંઢેરો છે. આ ક્ષણે લગરીક ફંટાયા જેવું લાગે તો પણ આદિકવિના ઉદ્ગારોને સંભારવાનું નિઃશંક નિમિત્ત પ્રમુખની સાથોસાથ મધ્યસ્થ સમિતિની ચૂંટણીમાં સ્વાયત્તતા સમર્થકોની બહુમતી છતાં એને લાગેલા એક વણછાનું છે. નાતજાતને ધોરણે (સવિશેષ જો કે વર્ણગત) ભેદભાવની  સભાન હોઈ શકતી પ્રક્રિયા(ખરું જોતાં વિક્રિયા)નું આ વાસ્તવ ફરી એકવાર એ વાનું અંકે અને અધોરેખિત કરે છે કે રાજકીય એસ્ટાબ્લિશમેન્ટ સામે લડવાનું સમજાય છે ત્યારે પણ સામાજિક એસ્ટાબ્લિશમેન્ટ સામે લડવાનું સોરવાતું નથી. સ્વતંત્રતા અને સમતાનાં સહીપણાં એ આપણો બાકી ખેંચાતો એજન્ડા છે. અને આ સ્થાનેથી એ આરડી આરડીને પણ કહેવાવું જોઈએ; કેમ કે આપણે ‘હળવાં કર્મ’ના નાગરિક મુઆં છીએ તે મુઆં છીએ.

ગમે તેમ પણ ડિસેમ્બર ૨૦૧૭માં નાતજાતગત ઉદ્રેકના રાજકીય જોડાણથી ઊભી થયેલી પરિવર્તન-શક્યતાએ આ વાનું લક્ષમાં લીધા વિના ચાલવાનું નથી. હાર્દિક, અલ્પેશ અને જિજ્ઞેશ જો લાંબી રેસના ઘોડા હોય તો એમની ઓળખ ને પરખ વસ્તુતઃ આ મુદ્દે થઈ રહેશે, અને સંભવિત રાજકીય વિકલ્પ વિશે પણ આખરે તો આ જ કહેવાનું રહે છે.                                                                

લખ્યા તા. ઑકટો. ૩૦, ૨૦૧૭

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2017; પૃ. 01, 02 અને 04

Loading

1 November 2017 admin
← સરદાર-મોદી તથા ઇન્દિરા-રાહુલની કાલ્પનિક મુલાકાતનો અહેવાલ
આઝાદી, અભય અને ન્યાયની લડત →

Search by

Opinion

  • શ્રીધરાણી(16 સપ્ટેમ્બર 1911 થી 23 જુલાઈ 1960)ની  શબ્દસૃષ્ટિ
  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved