ભારત સરકારે કાશ્મીરીઓ સાથે વાતચીત કરવા માટે ઇન્ટરલૉક્યુટર(સંવાદસેતુ)ની નિમણૂક કરી છે ત્યારે કેન્દ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન પી. ચિદમ્બરમને જમ્મુ અને કાશ્મીરના ઉકેલ વિશે પ્રશ્ન પુછાવો સ્વાભાવિક છે.
પ્રશ્નના ઉત્તરમાં તેમણે કહ્યું હતું કે કહેવા માટે ભલે તેઓ આઝાદીની માગણી કરતા, પરંતુ મોટા ભાગના કાશ્મીરીઓ (હું એમ નથી કહેતો કે બધા જ) સ્વાયત્તતા ઇચ્છે છે. એ પછી તેમણે ઉમેર્યું હતું કે કાશ્મીરના લોકો બંધારણના આર્ટિકલ-૩૭૦ માટે આગ્રહ રાખી રહ્યા છે એ જોતાં કાશ્મીરને થોડી વિશેષ છૂટછાટ આપવી જોઈએ. પી. ચિદમ્બરમનો આ જૂનો અભિપ્રાય છે અને તેઓ આ પહેલાં અનેક વખત વ્યક્ત કરી ચૂક્યા છે. ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માંની તેમની કૉલમમાં પણ તેમણે આ અભિપ્રાય વ્યક્ત કર્યો છે.
હવે પ્રતિક્રિયાઓ જુઓ : વડા પ્રધાને બૅન્ગલોરમાં આક્રમક ભાષામાં કહ્યું હતું કે કૉન્ગ્રેસ પાકિસ્તાનની અને કાશ્મીરના અલગતાવાદીઓની ભાષા બોલી રહી છે. કૉન્ગ્રેસે પી. ચિદમ્બરમથી દૂર ખસી જતાં કહ્યું હતું કે કાશ્મીર વિશેનો ચિદમ્બરમનો અભિપ્રાય તેમનો અંગત અભિપ્રાય છે, બાકી જમ્મુ અને કાશ્મીર તો ભારતનું અવિભાજ્ય અંગ છે. મુંબઈમાં કેન્દ્રના નાણાપ્રધાન અરુણ જેટલીએ કહ્યું હતું કે કાશ્મીર વિશેની કૉન્ગ્રેસની નીતિ બે વિરુદ્ધ દિશાની રહી છે એટલે જમ્મુ અને કાશ્મીરનો પ્રશ્ન ગૂંચવાયો છે. કાશ્મીરનો પ્રશ્ન એ કૉન્ગ્રેસ પાસેથી મળેલો જટિલ વારસો છે. પ્રતિક્રિયારૂપે નહીં, પણ સ્વતંત્ર રીતે કાશ્મીરનો હવાલો સંભાળનારા અને BJPના મહામંત્રી તેમ જ PDP સાથે સમજૂતી કરનારા રામ માધવ કહે છે કે કેન્દ્ર સરકારે નીમેલા ઇન્ટરલૉક્યુટર જમ્મુ અને કાશ્મીરમાં દરેક લોકો સાથે વાતચીત કરશે. ભારત સરકારના પ્રતિનિધિ સાથે વાતચીત કરવી કે નહીં એ હુર્રિયતના નેતાઓએ નક્કી કરવાનું છે, બાકી ભારત સરકારના વાતચીત માટેના દરવાજા દરેક લોકો માટે ખુલ્લા છે.
અટલ બિહારી વાજપેયી જ્યારે વડા પ્રધાન હતા ત્યારે તેમણે ઇન્સાનિયત, કાશ્મીરિયત ઔર જંબુરિયત કે દાયરે મેં કાશ્મીરનો પ્રશ્ન ઉકેલવાની હિમાયત કરી હતી. આને વિશે વધુ ફોડ પાડવાનું કહેવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે આઝાદી કે અલાવા કુછ ભી. ગયા અઠવાડિયે કેન્દ્ર સરકારે ઇન્ટરલૉક્યુટરની નિમણૂક કરી એના બે દિવસ પહેલાં શ્રીનગરમાં BJPનું યુવા સંમેલન યોજાયું હતું. એ સંમેલનનો પ્રારંભ વન્દે માતરમ્ અને ભારત માતા કી જય સાથે નહોતો થયો, પરંતુ અલ્લાહુ અકબર સાથે થયો હતો. એ સંમેલનમાં અટલ બિહારી વાજપેયીને યાદ કરવામાં આવ્યા હતા; તેમના ઇન્સાનિયત, કાશ્મીરિયત અને જંબુરિયતના નારાને યાદ કરવામાં આવ્યો હતો અને આર્ટિકલ-૩૭૦ કાશ્મીરની પ્રજાની સંમતિ વિના હટાવવામાં નહીં આવે એવું વચન પણ આપવામાં આવ્યું હતું. બાય ધ વે, જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારા બંધારણના આર્ટિકલ-૩૭૦ને જમ્મુ અને કાશ્મીરના લોકોની સંમતિ વિના હટાવવામાં નહીં આવે એવું વચન ભારતના કયા વડા પ્રધાને નથી આપ્યું? કૉન્ગ્રેસના વડા પ્રધાનોએ સંસદમાં વચન આપ્યાં છે, અન્ય પક્ષોના વડા પ્રધાનોએ વચન આપ્યાં છે, અટલ બિહારી વાજપેયીએ વચન આપ્યું હતું અને જેઓ ૫૬ની છાતી ધરાવનારા આકરા રાષ્ટ્રવાદી હોવાની ખ્યાતિ ધરાવે છે એ નરેન્દ્ર મોદીએ પણ વચન આપ્યું છે.
પ્રારંભમાં કૉન્ગ્રસે ચિદમ્બરમને દૂર હડસેલતું નિવેદન બહાર પાડ્યું એનો ઉલ્લેખ કર્યો છે. એ નિવેદનમાં ચિદમ્બરમનો અભિપ્રાય એ તેમનો અંગત અભિપ્રાય છે અને કૉન્ગ્રેસનો નથી એમ કહ્યા પછી પક્ષપ્રવક્તાએ નિવેદનમાં આગળ કહ્યું છે કે કૉન્ગ્રેસ લોકતાંત્રિક પક્ષ છે એટલે દરેકને પોતાનો અભિપ્રાય ધરાવવાનો અને વ્યક્ત કરવાનો અધિકાર છે. આવા લોકતાંત્રિક અધિકાર આપ્યા પછી દૂર ખસી જનારાં નિવેદનો તમે સેંકડો વાર જોયાં હશે. ભારતીય રાજકારણનું આ અભિન્ન અંગ છે. બીજા અંતિમે દિલ્હીમાં પક્ષના વડામથકે પક્ષના કાર્યકરો સાથે દિવાળી-મિલનમાં બોલતાં વડા પ્રધાને કહ્યું હતું કે પક્ષના નેતાઓ વિરોધાભાસી અભિપ્રાય આપી રહ્યા છે એ બરાબર નથી અને ચેતવણી આપી હતી કે એને ચલાવી લેવામાં નહીં આવે. તેમણે કહ્યું હતું કે જનસંઘના દિવસોમાં ભાષામાં ફરક પડતો હતો, પરંતુ વિસંગત અભિપ્રાયો પક્ષના નેતાઓ વ્યક્ત નહોતા કરતા. હવે પક્ષનો વિસ્તાર થયો છે ત્યારે જુદા-જુદા નેતાઓ જુદી-જુદી ભાષામાં બોલે છે એ યોગ્ય નથી. આવું બધું કહ્યા પછી અને ભિન્ન મત વ્યક્ત કરવા સામે ચેતવણી આપ્યા પછી ખરી મજા હવે આવે છે. તેમણે તેમની અનનુકરણીય શૈલીમાં કહ્યું હતું કે પક્ષઅંતર્ગત લોકતંત્ર કે બિના રાષ્ટ્રીય લોકતંત્ર અધૂરા હૈ. બોલો.
અંગત અભિપ્રાયનો આદર કરવામાં આવે છે એવો અભિપ્રાય વ્યક્ત કરનારને દૂર હડસેલવામાં આવે છે, અંગત અભિપ્રાય વ્યક્ત કરવા સામે ચેતવણી આપવામાં આવે છે અને પાછી પક્ષ અંતર્ગત લોકતંત્રની દુહાઈ આપવામાં આવે છે. કાશ્મીરમાં એક વાત કહેવામાં આવે છે તો કન્યાકુમારીમાં બીજી વાત કહેવામાં આવે છે. લોકસભામાં એક વાત કહેવામાં આવે તો ચૂંટણીપ્રચારમાં જુદી જ વાત કહેવામાં આવે છે. આ રોજનું છે.
એક વાર જવાહરલાલ નેહરુ અને આચાર્ય કૃપલાની જગતમાં લોકતંત્રના સ્વરૂપ અને ગુણવત્તા (ક્વૉલિટી ઑફ ડેમોક્રસી) વિશે ચર્ચા કરતા હતા. આ આઝાદી પછીની વાત છે. વાતવાતમાં નેહરુએ કૃપલાનીને ભારતના લોકતંત્રના સ્વરૂપ અને ગુણવત્તા વિશે પૂછ્યું ત્યારે કૃપલાનીએ કહ્યું હતું કે દુનિયાની દૃષ્ટિએ આપણે સ્વતંત્ર અને પ્રજાસત્તાક છીએ, પરંતુ ઘરઆંગણે આપણે નથી સ્વતંત્ર કે નથી પ્રજાસત્તાક. આપણને ધર્મનો ડર લાગે છે, ધર્મગુરુઓનો ડર લાગે છે, ધર્માનુયાયીઓની સંખ્યાનો ડર લાગે છે, જ્ઞાતિનો ડર લાગે છે, જ્ઞાતિના ઠેકેદારોનો ડર લાગે છે, ચોક્કસ જ્ઞાતિના લોકોની સંખ્યાનો ડર લાગે છે, કેટલાકને હિન્દી ભાષાનો ડર છે તો કેટલાક મુસ્લિમોથી ડરેલા છે. કેન્દ્ર રાજ્યોથી ડરેલું છે અને રાજ્યો કેન્દ્રથી ડરેલાં છે. આપણા રાજકીય પક્ષોને ચૂંટણી હારવાનો ડર લાગે છે. જ્યાં ડર હોય ત્યાં આઝાદી હોય? અને જ્યાં વ્યક્તિની જગ્યાએ સંખ્યા નિર્ણાયક હોય અને શાસકો સંખ્યાથી ડરતા હોય ત્યાં પ્રજાસત્તાક હોય?
ચર્ચા કરનારાઓ મનીષી હતા. ૬ દાયકા પહેલાં આચાર્ય કૃપલાનીએ જે કહ્યું હતું એના પ્રકાશમાં જમ્મુ અને કાશ્મીર વિશે થોડી ચર્ચા … (હવે પછી) કરીશું.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 31 અૉક્ટોબર 2017