૩૦મી જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ ગોડસેએ ગાંધીહત્યા કરીને ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર સામે પડકાર ઊભો કર્યો હતો. તે વખતે રાષ્ટ્રપિતાની હત્યાનો ઉત્સવ કેટલાંક સંગઠનોએ ઊજવેલો. હત્યાને ‘ગાંધીવધ’ નામ અપાયું. કંસ અને રાવણનો વધ થાય તેવી જ રીતે રાષ્ટ્રપિતાનો વધ! વળી, પછી સાંપ્રદાયિક તાકાતો કોચલામાં ભરાઈ ગઈ હતી. ઇંદિરા ગાંધીની હત્યા થઈ, એના બદલામાં શીખહત્યાકાંડમાં પુનઃ આ તાકાત સક્રિય થઈ હતી. પરંતુ ’૯૨ ડિસેમ્બર, બાબરીધ્વંસ પછી, ગુજરાતમાં રાજ્યની રહેમનજર તળે ગોધરા અનુગોધરાકાંડમાં કાયદા હાથમાં લઈ હત્યાનો કરવાનો સિલસિલો ચાલુ જ રહ્યો! એમાં ય ભા.જ.પ.ના ગુજરાતના શાસન પછી, કેન્દ્રમાં શાસન સ્થપાતાં ‘સૈયાં ભયે કોટવાલ…’ના રાગ પર આ સાંસ્કૃિતક રાષ્ટ્રવાદીઓની પાશવી લીલાને છુટ્ટો દોર મળ્યો છે. થાનગઢ અને ઉનામાં અનુભવ થયો છે. અખલાક, જૂનૈદ કે નજીબની હત્યા ભીડ કરી નાંખે છે. કેવળ નામ જ પૂરતું છે!
આવા ઝનૂની હિન્દુત્વવાદીઓને અટકાવવા જો કોઈ ગાંધીજીની જેમ પ્રયાસ કરે, તો એમનો અંજામ પણ ગાંધીવધની જેમ જ આવે! અમે ગાંધીજીને, રાષ્ટ્રપિતાને નથી છોડ્યા, તો તમે વળી કઈ વાડીના મૂળા? આજે જે સંગઠનો ગોડસે અમારા નથી, અમારા નથી એવો દાવો કરે છે તે ગોડસેને હત્યારો ગણવા તૈયાર નથી કે નથી ગાંધીજીને શહીદ ગણવા તૈયાર. એવી જ રીતે આજે થતી હત્યાઓમાં ‘દુઃખદ’, ‘RIP’ લખી દેવાનું એકતરફ વલણ હોય અને બીજું જૂથ હવે પછીનાં સંભવિત નામો અને હત્યાની ગૂંથણી કરવામાં લાગી જાય છે.
જે પત્રકારો-લેખકો સાંપ્રદાયિકતા-અંધશ્રદ્ધા સામે લડે છે તેની હત્યાનો આ સિલસિલો નરેન્દ્ર દાભોલકરથી શરૂ થયો! ‘૪૯માં M.Sc. થયેલા, અંધશ્રદ્ધા સામે જંગે ચઢેલા સિત્તેર વટાવી ચૂકેલા લેખકની હત્યા થઈ! ત્યાર બાદ ‘ભૂમિપુત્ર’એ જે પુસ્તકનો અનુવાદ પ્રગટ કર્યો છે તે – ‘શિવજી કોણ હતા?’ તેના લેખક ગોવિંદ પાનસરેની એ પુસ્તક માટે હત્યા થઈ! ત્યાર બાદ મહાન વિદ્વાન કલબર્ગીની. જે રાજ્યોમાં આ હત્યાઓ થઈ, ત્યાં કોઈની પણ સરકાર હોય, હત્યારાઓનું જોડાણ હિંદુસંગઠનો સાથે મળી આવ્યું છે.
આ જ લોહિયાળ સિલસિલો ગૌરી લંકેશ સુધી લંબાયો છે. ગૌરી લંકેશની હત્યાપૂર્વે યુ.આર. અનંતમૂર્તિને મળેલી ધમકીઓ, ગિરીશ કર્નાડને મળેલી ધમકીઓ, મુરુગનનો કિસ્સો, સોની સુરીના મોં પર ઍસિડ ફેંકવો, પી. સાંઈનાથ જેવા વિકલાંગ અધ્યાપક પર નક્સલી હોવાનો કેસ, જેવા તો સેંકડો ઉદાહરણો છે કે જેમાં સ્વતંત્ર વિચારકોની જીવલેણ કનડગત થઈ હોય. ગૌરી લંકેશ દલિત-આદિવાસી અને લઘુમતીના પ્રશ્ને પત્રકારત્વ કરતા હતાં. કહેવાતા ‘વિકાસ’નો પર્દાફાશ કરી એમાં ચાલતાં ભ્રષ્ટાચારની વિગતો બહાર લાવતાં હતાં. એમની એફ.બી. પોસ્ટ પર જિજ્ઞેશ મેવાણી, કન્હૈયાકુમાર, ગિરીશ કર્નાડ વગેરે જોવા મળે છે. એક છબિ તો કુલબર્ગીના હત્યાના વિરોધમાં પોસ્ટર લઈને બેઠેલાં ગૌરી લંકેશની છે! જો એમને ખબર હતી કે એક દિવસ એમની હાલત આવી જ થશે છતાં એ નીડર મહિલા પત્રકારે નમતું જોખ્યું ન હતું. એમની પત્રિકાનું છેલ્લું સંપાદકીય ‘કંડા હાગી’ (જેવું મેં જોયું) હતું, જેમાં ખોટ્ટા સમાચારો (ફેઇક ન્યુઝ) શી રીતે સત્તાતંત્રો તૈયાર કરે છે તે એમણે દાખલાદલીલ સાથે બતાવેલું જે આપણે કન્હૈયાકુમાર કે એખલાકના કિસ્સામાં જોયું જ છે.
શિક્ષકદિનની રાતે બે યુવાનોએ સાત રાઉન્ડ છોડી ગૌરી લંકેશની હત્યા કરી. ત્રણ ગોળી એમને વાગી, ત્યાં જ એમનું મૃત્યુ થયું. હજુ એમની અંતિમક્રિયા પણ નહોતી થઈ, ત્યાં તો વડાપ્રધાન જેને ફોલો કરે છે, ટિ્વટર પર એવા એમના સાઇબરસેનાનીઓ ત્રાટકવા માંડ્યા. નિખિલ દધીચિએ એમને ‘કૂતિયા’ તો આશિષ મિશ્રાએ ‘રાંડ’ અને ‘વેશ્યા’ એવું લખવા માંડ્યું. ગુજરાતના એક પત્રકારે લખ્યું કે ‘ધર્મની રક્ષા કરવા માટે રાક્ષસોની હત્યા કરવી જરૂરી છે.’ એવું નથી કે વડાપ્રધાનનું ટિ્વટર અન્ય કોઈ હૅન્ડલ કરતું હોય કે કોઈ ટીમ હોઈ સ્વયં જ ટિ્વટ કરે છે! તો દેશના આવા યુવાનોએ મારો વડાપ્રધાન ફોલો કરે છે? રાજ્યસભામાં ડેરેક અબ્રાહમે આ મુદ્દો ઉઠાવ્યો હતો. જો કે આ તો વર્ચ્યુલ જગત છે. વાસ્તવિક જગતમાં પણ એ આસારામ કે રામરહીમને ફોલો કરતા જ હતા. એ બેઉની ટીકા કરતી એક પણ ટિ્વટ આજ લગી આવી નથી!
આવા વિકરાળ દિવસોમાં જે રીતે ગૌરી લંકેશ જોખમ ખેડીને લખતાં હતાં એનો આ બદલો? સ્ત્રીઓ પરત્વે ચોવીસ કલાક ‘સંસ્કૃિત’ની દુહાઈ દેનારાની આ દૃષ્ટિ? જો કે છઠ્ઠી સપ્ટેમ્બરે દેશમાં સેંકડો જગ્યાએ શ્રદ્ધાંજલિ અપાઈ હતી. જેમાંથી હજ્જારો કલબુર્ગી અને હજારો ગૌરી લંકેશ પેદા થશે. કેટલી હત્યાઓ તમે કરશો ? કલમની તાકાતનો મુકાબલો બંદૂકની ગોળી નહીં કરી શકે, એવી પ્રતીતિ કરાવે તેવો આ પ્રતિરોધ હતો. પ્રતિક્રિયાશીલ બળો અને પ્રગતિશીલ બળો એક જ સમયે કેવાં સક્રિય હોય છે, તે આ ઘટનામાં આપણે જોયું. તેથી આપણા જેવાને હજુ નિરાશા ઘેરી વળતી નથી.
ગૌરી લંકેશને સાચી શ્રદ્ધાંજલિ તો એ જ હોય કે આપણે જ્યાં પણ હોઈએ, ત્યાં સંયોજિત સંસ્કૃિતને મજબૂત કરીએ, સંકુચિત પરિબળોને ખુલ્લાં પાડીએ અને એમનાં પગલે-પગલે લડતા રહીએ. ‘તમે વ્યક્તિને હણી શકશો, વિચારને નહીં’, વિચારનો મુકાબલો વિચારથી કરો. જેમનું માનસ જ સામંતી છે, એમને પ્રગતિશીલ વિચારો ખપતા નથી. એ રીતે જોવા જઈએ તો ગૌરી લંકેશની હત્યા, લોકતંત્રની હત્યા છે. ભારતમાતાની જય બોલાવનારાઓ જરાક વિચાર કરે તો ખબર પડશે કે ગૌરી લંકેશ ભારતમાતાનું જ એક રૂપ છે. આ ભારતમાતાની જ હત્યા છે.
તા.ક. :
ગૌરી લંકેશની હત્યા પછી ગોકીરો મચાવેલો કે એમની હત્યા નકસલવાદે કરી છે. હવે તો જે પકડાયા તે સનાતન સંસ્થાના સભ્યો છે. જે સંસ્થા દ્રારા જ દાભોલકરની હત્યા થઈ. આમ મુકત વિચારકોની હત્યાની સિલસિલાબંધ હકીકત મળી! મોદીયુગ આ અસહિષ્ણુતા માટે જવાબદાર છે. સરકાર આવા ઝનૂની તત્ત્વો તરફ આંખ આડા કાન કરીને એમને છૂટ્ટો દોર આપે છે. હજુ દાભોલકર, પાનસરે કે કલબુર્ગીના હત્યારાને સજા મળી નથી. આ ફાસીવાદનું લક્ષણ છે. જે ધર્મનિરપેક્ષ લોકતંત્રની કમ્મર તોડી નાંખે છે. વિકાસ ગમે તેટલો હોય પણ જ્યાં નાગરિક રાજકીય મત માટે મુક્ત ન હોય તો એ સામંતશાહી સમાજનો દાખલો છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉક્ટોબર 2017; પૃ. 09