Opinion Magazine
Number of visits: 9449017
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આધુનિક ગુજરાતી સાહિત્ય

સુમન શાહ|Opinion - Literature|25 April 2013

આધુનિક ગુજરાતી સાહિત્ય મોટો વિષય છે. એક વ્યાખ્યાન એના માટે ઓછું કહેવાય. એટલે એને અંગેની કેટલીક પાયાની વાતો જ કરું તો ઠીક થશે.

હું ૧૦ મુદ્દામાં મારા વ્યાખ્યાનને સમ્પન્ન કરવા ધારું છું. સમય ખૂટી પડશે તો છેવાડાના મુદ્દાઓને છોડી દઇશું. એ આ પ્રમાણે છે :

(૧) આધુનિક સાહિત્યસર્જન-વ્યાપારની બે મુખ્ય ધરી

(૨) આધુનિક  સંજ્ઞા સમયવાચક સંજ્ઞા તરીકે : એથી અમુક માહિતી પ્રકાશિત થાય.

(૩) આધુનિક ગુજરાતી સાહિત્ય

(૪) આધુનિક  સંજ્ઞા ગુણવાચક સંજ્ઞા તરીકે : એથી એ સંવેદનને ઓળખી શકાય.

(૫) આધુનિક-તા  એટલે શું ?

(૬) આધુનિક-તા નામની વિભાવનાનો વિકાસ

(૭) આધુનિક ગજરાતી સાહિત્યના કેટલાક પ્રયોગવિશેષો

(૮) રૂપનિર્મિતિ અને ટૅક્નિક આધુનિકતાની અકાટ્ય જરૂરિયાતો

(૯) દુર્બોધતા, આધુનિકતાની જાણે કે આગવી ઓળખ

(૧૦) દુર્બોધતાનો ઇલાજ

(૧) આધુનિક સાહિત્યસર્જન-વ્યાપારની બે મુખ્ય ધરી:

૧– પહેલી ધરી છે, સમય :

માણસ જે જમાનામાં જીવતો હોય એનો એને ઘડીએ ને પલકે સાર અનુભવાતો હોય છે. એક સંવેદન જાગતું હોય છે. જમાનો એને સારો-નરસો કે કડવો-મીઠો લાગે, જીવન એને કાં સાર્થક લાગે, કાં નિરર્થક. જિવાતા યુગનો એક અનુભવ, યુગચેતનાનું એક સ્પન્દન, અને તેથી પ્રગટતું મનુષ્યજીવનને વિશેનું એક વ્યાપક પણ ચોક્ક્સ દર્શન.

ઘરડાંઓ એવું કહે કે આપણે કળિયુગમાં જીવીએ છીએ, ત્યારે પણ જીવનને વિશેની એક ચોક્કસ અસર અનુભવાય છે : એમ કે સંસારમાં દુરાચાર અને પાપ વધી ગયાં છે, બધે અસત્ અને જૂઠાણાં, કાળો કૅર વરતાય છે.

આજે આપણે ઇન્ટરનેટ અને ગ્લોબલિઝેશન, એટલે કે વૈશ્વિકીકરણના જમાનામાં જીવીએ છીએ. એમ બોલીએ કે સાંભળીએ એટલે તરત આજે જિવાતા જીવન વિશે એક ચોક્કસ સંવેદન જાગે છે : એમ કે પૃથ્વી પરનાં અન્તરો અન્તરો નથી રહ્યાં. પૃથ્વી જાણે એક ગામડું. સૌ એટલાં બધાં નજીક. ઇન્ટરનેટે બધું એકાચાર કરી નાખ્યું છે. ક્લિક્ વારમાં એક માણસ બીજા માણસ લગી પહોંચી શકે છે. સમયની રફતાર આટલી તેજ પહેલાં નહોતી અનુભવાતી. આ આધુનિક સમય છે, કેમકે મધ્યકાળમાં કે પ્રાચીનકાળમાં આવું નહોતું. આજના મનુષ્યને જોતાં એવું નથી લાગતું કે એ વાનરમાંથી ઊતરી આવેલો છે કે કોઇ કાળે એ ગુફાવાસી હતો. આવા આધુનિક સમયના મનુષ્યનું સાહિત્ય કે એની કલાઓ પણ આધુનિક ન હોય તો શું હોય !

૨– બીજી ધરી છે, સર્જક :

કેટલાક એવું માને છે કે પહેલાં આધુનિક મનુષ્યનો આવિર્ભાવ થયો ને એ પછી આધુનિક સાહિત્ય જન્મ્યું. સાચું છે. રીનેસાંસ, વૈજ્ઞાનિક ક્રાન્તિ, ઔદ્યોગિક ક્રાન્તિ, નાની મોટી શોધખોળોથી નવી  લાગેલી ૧૯મી સદી, એને અનુસરતી ૨૦મી સદી, એના પૂર્વાર્ધમાં ખેલાઇ ચૂકેલાં બે વિશ્વયુદ્ધો, આજનું યુદ્ધોત્તર વિશ્વ –એ ક્રમને અનુસરીએ તો છેલ્લાં પાંચસો-છસો વર્ષમાં મનુષ્યનું આધુનિક મનુષ્યમાં પરિવર્તન થતું રહ્યું છે.

પણ એ પરિવર્તન દરમ્યાન મોટી ખોટ એ પડી છે કે ઇશ્વર નામની પરમ આસ્થા ઝૂંટવાઇ ગઇ છે, વળી, વિજ્ઞાન ઇશ્વરની જગ્યા લઇ શકે એમ હજી તો નથી થયું. માણસ આજે બધી વાતે આધુનિક ખરો, પણ આમ મૂળ વસ્તુથી કપાયેલો છે, વિચ્છિન્ન છે. પોતે ઊભી કરેલી પ્રગતિ વચ્ચે અંદરથી એ એકલો પડી ગયેલો છે. એ એકલતાનું ઇન્ટરનેટથી નિવારણ નથી થતું. નિકટ હોવાછતાં નિકટતા અનુભવાતી નથી. બધું એકાચાર છતાં આજનો માણસ વેરવિખેર ને છિન્નભિન્ન છે.

પણ જુઓ, આધુનિક હોવાની આ જાતની જુદી કે ઊંડી સંવેદના બધાં મનુષ્યોને નથી થતી. બધા સાહિત્યકારોને પણ નથી થતી. બધાં કંઇ જિવાતા સમયને વિશે એવાં સભાન નથી હોતાં. તેઓ જીવ્યે જાય છે. તેમના પર આધુનિક જમાનાની અસર થતી હોય પણ યુગની ખરી તાસીરને બધાં નથી પામી શકતાં. એમ કરવાનું બધાં પાસે કારણ પણ નહીં, બધાંનું એવું ગજું પણ નહીં.

જિવાતા સમયને પોતાની વૈયક્તિક સત્તાથી ઝીલનારો છે, સર્જક કલાકાર. એ પોતાની સર્જકતા વડે આધુનિક સમયનો સામનો કરે છે, મુકાબલો કરે છે, ઊંડો ઊતરીને અસલિયતને ઓળખી પાડે છે. પરિણામે એનામાં એક નિજી દૃષ્ટિમતિથી રસિત એવું ભાવજગત આકાર લે છે. એવા ભાવજગતની ભૉંય પર એની સાહિત્યસૃષ્ટિ સરજાય છે. એવી સૃષ્ટિનું વાચન અને ભાવન કરવાથી આપણને આપણા યુગની એક જુદી જ છબિ મળે છે. એક યુગધબકાર અનુભવાય છે.

હું એમ પણ માનું છું કે જો સાહિત્યસર્જનવ્યાપાર આ બે ધરી પર ચાલતો હોય, તો તેને અંગેના વિમર્શપરામર્શ-વ્યાપારમાં એ બન્નેને, એટલે કે, સમય અને સર્જકને, અગ્રિમ સ્થાન અપાવું જોઇએ.

માટે, મારા આ વ્યાખ્યાનમાં હું એ બે ધરી પર જ વધારે ધ્યાન આપીશ.

(૨) આધુનિક  સંજ્ઞા સમયવાચક સંજ્ઞા તરીકે : એથી અમુક માહિતી પ્રકાશિત થાય :

જેમ પ્રાચીન / મધ્યકાલીન, અર્વાચીન  છે એમ આધુનિક સંજ્ઞા પણ સમયવાચક  છે. સમયવાચક એટલે કાળ કે તેનો કોઇ સંવિભાગ દર્શાવનારી અને તે સાથે જોડાયેલી અમુક માહિતી આપનારી સંજ્ઞા.

અધુના શબ્દની મદદ મેળવીને આધુનિકતાને મોટાભાગના લોકો સમય સાથે જોડી દે છે. એ સાચું છે. પણ એની થોડી ચોખવટ થવી જરૂરી છે. અધુના એટલે હમણાં. આધુનિક એટલે હમણાંનું. અબઘડીએ લખાયું હોય એ. સવાલ એ થાય કે અબઘડી એટલે કઇ ઘડી, હમણાંનું એટલે ક્યારનું. અત્યારનું ? કે એની થોડીવાર પહેલાંનું ? કે હું બોલું છું એ આ ઘડી પછીની ઘડીઓનું ? વિચારતાં લાગે કે આધુનિક એટલે હમણાંનું ખરું પણ હમણાંનું એટલે અત્યારનું, થોડું અત્યાર અગાઉનું ને થોડું અત્યાર પૂરી થાય એ દરમ્યાનનું. આ પરથી આપણે એમ કહી શકીએ કે આધુનિક એટલે આજનું, થોડું ગઇ કાલનું ને થોડું આજ પૂરી થાય એ દરમ્યાનનું. એક જ શબ્દ વાપરવો હોય તો કહેવાય કે આજકાલનું. પણ આજકાલ એટલે માત્રઆજ કે માત્રકાલ એમ નથી ગણતા, થોડી છૂટ મૂકીએ છીએ. એમ કે આધુનિક એટલે જે સમયમાં આપણે જીવીએ છીએ એ વર્તમાન સમયનું સાહિત્ય –જેમાં આપણા સમયનો ધબકાર અનુભવાય છે એ સાહિત્ય –તાજેતરનું સાહિત્ય.

(૩) આધુનિક ગુજરાતી સાહિત્ય :

મારા વ્યાખ્યાનનો મુખ્ય સંદર્ભ ગુજરાતી સાહિત્ય છે. સૌ જાણે છે કે ગુજરાતી સાહિત્યનો પ્રારમ્ભ હેમચન્દ્રાચાર્યથી થયો છે. ત્યારથી માંડીને દયારામ સુધીના સાહિત્યને પ્રાચીન અને મધ્યકાલીન એવા સંવિભાગોમાં જોઇએ છીએ. એ પણ જાણીતું છે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો પ્રારમ્ભ દલપત-નર્મદથી થયો છે. એ યુગને આપણે સુધારકયુગ  કહીએ છીએ, એ પછીનાને પણ્ડિતયુગ,  ત્યાર પછીનાને ગાંધીયુગ  અને સ્વાતન્ત્ર્ય પછીનાને આધુનિક યુગ.

જાણવું જરૂરી છે કે આધુનિક ગુજરાતી સાહિત્યનો ચોક્કસ સમયગાળો કયો. મેં હમણાં જ કહ્યું એમ આધુનિક એટલે તાજેતરનું અને તાજેતરનું એટલે છેલ્લાં ૪૦-૫૦ વર્ષ દરમ્યાનનું એમ ગણીએ, તો વીસમી સદીના ઉત્તરાર્ધને આધુનિક ગુજરાતી સાહિત્યનો સમયગાળો કહી શકાય. ઘણા એને સુરેશ જોષી યુગ કહે છે. એ વાત સ્વીકારીએ તો ૧૯૬૦થી માંડીને વીસમી સદીના અન્ત લગીના સમયપટને આધુનિક યુગ ગણવો રહે. પણ ઘણા એમ પણ કહે છે કે ના, સદીના છેલ્લા દોઢ-બે દાયકા દરમ્યાન એ યુગ આથમી ગયેલો અને અનુ-આધુનિક યુગ-નાં મંડાણ થઇ ચૂકેલાં. સ્વાભાવિક છે કે ત્યારે આધુનિક-થી કંઇક જુદું બનવા લાગ્યું હશે ! કશાં અનુ-આધુનિક પરિબળો પ્રગટ્યાં હશે. એ વાતને એટલે રાખીને હું  મારા ચાલુ મુદ્દા પર પાછો આવું.

આ વ્યાખ્યાનમાં અર્વાચીન  શબ્દ મેં હમણાં જ  વાપર્યો, પહેલી વાર વાપર્યો. એટલે સવાલ એ થાય કે શું આધુનિક અને અર્વાચીન સંજ્ઞાઓના અર્થસંકેત જુદા છે– ? જુઓ, એ બન્ને માટે અંગ્રેજીમાં સામાન્યપણે એક જ શબ્દ વપરાય છે, મૉડર્ન. કૃ. મો. ઝવેરીએ કે ગોવર્ધનરામે આપણા સાહિત્યની વાત અંગ્રેજીમાં કરતી વખતે મૉડર્ન  શબ્દ પ્રયોજ્યો છે. મારે જ્યારે પણ ઇન્ગ્લૅન્ડ કે અમેરિકામાં આપણા એ સાહિત્યની વાત અંગ્રેજીમાં કરવાની આવેલી, મેં મૉડર્ન  શબ્દ  પ્રયોજેલો. અન્ય વ્યક્તિઓએ પણ એવા સંદર્ભમાં એમ જ કર્યું છે. હવે પછીનાઓ પણ એમ જ કરશે.

જુઓ, આધુનિક અને અર્વાચીન  સંજ્ઞાઓના અર્થસંકેત, ધ્યાનથી સાંભળો, એક દૃષ્ટિએ જુદા નથી; અને બીજી દૃષ્ટિએ જુદા છે. એ સમજવા માટે વળી આપણે આધુનિક  સંજ્ઞા પાસે જઇએ.

(૪) આધુનિક  સંજ્ઞા ગુણવાચક સંજ્ઞા તરીકે : એથી એ સંવેદનને ઓળખી શકાય :

જુઓ, આધુનિક લાગવું એ એક સંવેદન છે. એક અનુભવ છે. કોઇ માણસને કોઇ વસ્તુ, વ્યક્તિ, કલાકૃતિ કે સાહિત્યકૃતિ આધુનિક લાગે છે. એમ લાગવાનું કારણ તે વસ્તુ, વ્યક્તિ કે કૃતિમાં રહેલા અમુક ગુણો છે, ગુણવિશેષો છે.

પ્રાચીન / મધ્યકાલીન  કે અર્વાચીન  સંજ્ઞાઓ માત્રસમય નથી સૂચવતી. ધ્યાનથી વિચારીએ તો સમજાશે કે એ સંજ્ઞાઓ ગુણવાચક બની જાય છે. સૂચનને સાહિત્ય પૂરતું મર્યાદિત રાખીએ તો સમજાશે કે એ જે-તે સમયગાળાની સાહિત્યિક ગુણવત્તાઓ સૂચવે છે. જેમકે, આપણે અનુભવીએ છીએ કે આવા ગુણવિશેષોને લીધે આ સાહિત્ય પ્રાચીન / મધ્યકાલીન  છે; આવા બધાને લીધે અર્વાચીન  છે, કે આવા આવા ગુણવિશેષોને લીધેઆધુનિક  છે.

તો એ જાણવું જરૂરી બને કે પ્રાચીન, મધ્યકાલીન, અર્વાચીન કે આધુનિકના ગુણવિશેષો કયા. બીજી રીતે એમ પુછાય કે પ્રાચીન-તા એટલે શું, મધ્યકાલીન-તા એટલે શું, અર્વાચીન-તા એટલે શું, આધુનિક-તા એટલે શું.

(૫) આધુનિક-તા  એટલે શું ?

મેં હમણાં જ કહ્યું કે આધુનિક એટલે આજકાલમાં લખાયું હોય એ, તાજેતરનું. તાજેતરનું તાજું હોય. તાજા હોવું એ ગુણ છે. એમ ગણી લેવાય કે આધુનિક એટલે તાજું. તાજપના ગુણવાળું સાહિત્ય તે આધુનિક.

પણ થોભો. આ તાજપનો ગુણ તો પ્રાચીન સાહિત્યમાં ય નહીં હોય ? કાલિદાસના મેઘદૂત-માં તાજપ નથી ? હેમચન્દ્રાચાર્યના સિદ્ધહૈમ વ્યાકરણ-માં મુકાયેલું કોઇ મુક્તક પણ તાજું લાગે; પેલા અજ્ઞાત કવિનું વસંતવિલાસ  ફાગુ તો સાવ જ એમ નથી ? નરસિંહના વૈષ્ણવજન તો…પદમાં તાજપ નથી તો શું છે ? નર્મદ યા હોમ કરીને…જે વાત કરે, ગોવર્ધનરામ અને પણ્ડિતયુગના લગભગ બધા સાહિત્યકારો સ્નેહલગ્ન કે લગ્નસ્નેહ–?  જેવી ચર્ચા ઉપાડે, કે ગાંધીયુગના ઉમાશંકર-સુન્દરમ્ જે લખી ગયા, તે બધાંમાં તાજપ નથી એમ નહીં કહેવાય.

જો આધુનિક-ને તાજપના ગુણ સાથે જોડીએ તો સાહિત્યને સમય નહીં પણ ગુણ કે ગુણવત્તાને ધોરણે જોવાનું થાય છે. આધુનિક  સંજ્ઞા માત્ર સમયવાચક સંજ્ઞા નથી રહેતી, એ વધારે તો ગુણવાચક  બની જાય છે. વર્તમાન કાળની સીમાને ઓળંગીને સંજ્ઞા સર્વકાલીન બની રહે છે.

તાજપ-નો આ ગુણતરફી મુદ્દો બિલકુલ બરાબર છે, ધ્યાનમાં લેવો જોઇએ. કેમકે એમ કરીએ કે તરત ગુણવાચકતા વિસ્તરતી જાય છે અને આધુનિક-તા નામની વિભાવનાનો વિકાસ જોવા મળે છે. જુઓ, આ પ્રકારે :

(૬) આધુનિક-તા નામની વિભાવનાનો વિકાસ :

૧–જે જૂનું હોય તેને આપણે તાજું નથી કહેતા; નવાને કહીએ છીએ. નવીન હોય તે તાજું. આધુનિક  એટલે નવીન  –એવું સાહિત્ય, જેમાં નવીનતા હોય છે. હું સ્મરણના ધોરણે કામચલાઉ દાખલા આપતો ચાલું :

કરણઘેલો-ની સરખામણીએ સરસ્વતીચન્દ્ર, તેની સરખામણીમાં ગુજરાતનો નાથ, તેની તુલનામાં આધુનિક યુગની નવલકથાઓ આકાર, અમૃતા  કે છિન્નપત્ર  તપાસો. એ દરેકમાં ઘણી તાજપ અને ઘણું નાવીન્ય છે.

૨–નવું એટલે એવું જે પહેલાં નહોતું. પૂર્વે નથી હોતું એને, અ-પૂર્વને, નવું કહીએ છીએ. આધુનિક  એટલે અ-પૂર્વ  –એવું સાહિત્ય, જેમાં અ-પૂર્વતા હોય છે.

દાખલા તરીકે, કાન્ત કે ન્હાનાલાલની કાવ્યસૃષ્ટિથી નિરંજન ભગતની મુમ્બઇ નગરીને વિષય બનાવતી કાવ્યસૃષ્ટિ અ-પૂર્વ છે, જ્યારે આધુનિક કવિ લાભશંકર ઠાકરની કાવ્યસૃષ્ટિ તેનાથી પણ જુદી અને અ-પૂર્વ છે.

૩–અ-પૂર્વ જે હોય, એ તેમ હોવાને કારણે આકર્ષક હોય છે. આધુનિક  એટલે આકર્ષક  –એવું સાહિત્ય, જેમાં આકર્ષકતા હોય છે.

ઉમાશંકરની ગીત-રચનાઓમાં છે તેથી અધિક આકર્ષકતા રમેશ પારેખ, અનિલ જોશી કે વિનોદ જોશી જેવા આધુનિક ગીતકારોનાં ગીતોમાં છે.

સનમ, સાકી અને સૂરા-ની ગણાતી ગઝલ આદિલ મન્સૂરી, ચિનુ મોદી કે મનહર મોદીની સૃષ્ટિમાં નગરજીવનની કવિતા બની રહે છે. હરીશ મીનાશ્રુ, રાજેન્દ્ર શુક્લ કે મનોજ ખંડેરિયામાં નિજી ભાવજગતને માટેનો કાવ્યકીમિયો બની રહે છે.

આત્માનાં ખંડેર-ની સરખામણીએ પ્રવાલદ્વીપ  અને તેની તુલનાએ ઓડિસ્યૂસનું હલેસું-માં રજૂ થયેલો નગરવાસી કાવ્યનાયક વધારે આધુનિક વ્યક્તિતા ધરાવે છે. તો છિન્નપત્ર-નાં લગભગ બધાં જ પાત્રો એમનાં આન્તર-જીવનમાં અટવાયેલાં-ખોવાયેલાં અને તેથી વ્યથિત છે. જાણે કે ખરાં આધુનિક એ છે !

૪–અ-પૂર્વ આકર્ષે તો ખરું, ઉપરાન્ત, એમાં કંઇક ને કંઇક શબ્દસૌન્દર્ય હોય. એ સૌન્દર્ય પણ આકર્ષે. આધુનિક  એટલે સુન્દર –એવું સાહિત્ય, જેમાં શબ્દસૌન્દર્ય હોય છે.

સુરેશ જોષીનું સમગ્ર સર્જનાત્મક ગદ્ય એનું એક ચોક્કસ દૃષ્ટાન્ત છે. સાહિત્યિક શબ્દશ્રી એમાં એના પૂર્ણ રૂપમાં પ્રકાશે છે. એનું અનુકરણ ન થઇ શકે. એવી મૌલિકતાથી એ સુન્દરતા અનુપ્રાણિત છે.

૫–સૌન્દર્ય કશીક અળવીતરાઇને કારણે પણ હોઇ શકે. આધુનિક એટલે અળવીતરાઇભર્યું –એવું સાહિત્ય, જેમાં અળવીતરાઇ હોય છે.

મધુ રાયે હાર્મોનિકા નામે કરેલી રચનાઓમાં ઘણી રોચક અને મનભાવન અળવીતરાઇ છે. રાધેશ્યામ શર્માના વાર્તાવરણ  સંગ્રહમાં કે સુમન શાહની પ્રારમ્ભકાલીન વાર્તાઓમાં મૂંઝવી શકે એવી અળવીતરાઇ છે.

૬–અળવીતરું એટલે સીધું નહીં, ચાલ્યું આવતું હોય એવું નહીં, એટલે કે, પરમ્પરાથી ચાલતું આવ્યું હોય એવું નહીં. આધુનિક  એટલે પરમ્પરાથી ઊફરું –એવું સાહિત્ય, જેમાં ઊફરાપણું હોય છે.

આમ તો સમગ્ર આધુનિક ગુજરાતી સાહિત્યે પરમ્પરાથી છેડો ફાડેલો છે, બધા બધી વાતે ઊફરા જ ચાલ્યા છે. પણ રે મઠ-ના કવિઓ વડે ઍબ્સર્ડ નાટકો જે લખાયાં એ આ મુદ્દાનું ઉત્તમ દૃષ્ટાન્ત છે.

૭–અળવીતરાઇ કે ઊફરાપણું આ સર્જક માટે અનિવાર્ય બની જાય છે, કેમકે પળે પળે એના માર્ગમાં પૂર્વકાળથી ચાલી આવતી પરમ્પરા અડચણ બને છે. પરમ્પરાએ કલ્પેલા સાહિત્યિક આદર્શો, નીપજાવેલાં ધોરણો, દૃઢ કરેલાં મૂલ્યમાપનો વગેરે સાથે એની વાતનો મેળ નથી પડતો હોતો. એ બધાંથી એ મુક્તિ ઝંખે છે. આપણો રોજબરોજનો અનુભવ શું કહે છે ? એ જ કે કશીપણ આધુનિકતાનો અનુભવ લેવો હોય તો દૂરના કે નજીકના ભૂતકાળથી મુક્ત થવું પડે છે. આધુનિક  એટલે, જેમાં એવી મુક્તતાને માટેની ઝંખના હોય –એવું સાહિત્ય, જેમાં પૂર્વ પરમ્પરાથી મુક્ત થવાયું હોય છે.

હેમચન્દ્રાચાર્યથી શરૂ થયેલા ગુજરાતી સાહિત્યની સમગ્ર પરમ્પરાથી એના આધુનિક યુગને અનેકશ: મુક્ત થયેલો અનેક સુજ્ઞ જનોએ માણ્યો છે, પ્રમાણ્યો છે.

૮–અળવીતરાઇ કે ઊફરાપણા માટે, ચીલાચાલુથી, પરમ્પરાથી કે ભૂતકાલીનથી મુક્ત થવા, કંઇક એવું સાહસ કરવું પડે, કશીક એવી અજમાયશ, એવો નુસખો, એવો પ્રયોગ, જેથી એ પ્રગટે. આ માટે એક જ શબ્દ વાપરવો હોય તો કહેવાય કે એક જાતની પ્રયોગશીલતાનો આધાર લેવો પડે. પ્રયોગશીલતા આધુનિક સાહિત્ય અને અન્ય લલિત કલાઓની ગુરુચાવી છે. આધુનિક એટલે પ્રયોગશીલ –એવું સાહિત્ય, જેમાં મુક્તતાને માટે પ્રયોગો થતા હોય છે.

સુરેશ જોષી-પ્રમુખ આધુનિક યુગમાં અગાઉના તમામ યુગો કરતાં તાજપ, નવીનતા, અ-પૂર્વતા, આકર્ષકતા, સૌન્દર્ય, અળવીતરાઇ, ઊફરાપણું, સાહસ કે પ્રયોગશીલતા સૌથી વધુ માત્રામાં અને વ્યાપક સ્વરૂપે જોવા મળી. લગભગ હરેક આધુનિક સાહિત્યકારે પ્રયોગને માટે નાનીમોટી ઉધમાત કરી છે. આપણે કેટલાક પ્રયોગવિશેષોનો અંદાજ મેળવીએ :

(૭) આધુનિક ગજરાતી સાહિત્યના કેટલાક પ્રયોગવિશેષો :

૧ — સાહિત્યની સાહિત્યકલા તરીકેની સાધના-આરાધના :

જુઓ, આપણું સુધારકયુગનું સાહિત્ય સમાજસુધારાના હેતુથી પ્રગટ્યું હતું અને એ જ હેતુથી વિકસ્યું હતું. પણ્ડિતયુગમાં સાહિત્યની એક સર્વાંગી સ્વરૂપની સંસ્થાપના થઇ. પણ્ડિતો સાહિત્ય સંજ્ઞાને પાત્ર કશોય લેખનપ્રકાર ચૂક્યા નથી. ગાંધીયુગમાં વળી પાછી સમાજ અને તળના પ્રજાજીવનની ચિન્તાએ સાહિત્યને આગવી રીતે પળોટ્યું. પરન્તુ, આધુનિક યુગમાં સાહિત્યની સાહિત્ય તરીકેની સાધના-આરાધના સંકલ્પપૂર્વક શરૂ થઇ. વધારે તો એ વાત પર ભાર મુકાયો કે સાહિત્ય એક લલિત કલા છે, સર્વ લલિત કલાઓમાં શ્રેષ્ઠ છે. નર્મદથી શરૂ થયેલો ગુજરાતી / ભારતીય અર્વાચીનતા સાથેનો સમ્બન્ધ વિસ્તરીને જાગતિક બન્યો.

૨ — વિશ્વસાહિત્ય સાથેનો અનુબન્ધ :

સુરેશ જોષીના એક સામયિકનું નામ હતું, ક્ષિતિજ, અને આપણે જોઇએ છે કે ગુજરાતી સાહિત્યની ક્ષિતિજો વિશ્વસાહિત્ય લગી વસ્તરી. અગાઉના યુગોમાં એ અનુબન્ધ મોટે ભાગે અંગ્રેજી સાહિત્ય સાથે હતો, પણ આધુનિક યુગ દરમ્યાન એ ફ્રૅન્ચ, રશિયન, જપાનીસ કે અમેરિકન સાહિત્ય લગી વિસ્તર્યો. એ વિદેશી સાહિત્ય અનેક અનુવાદો, આસ્વાદો, સમીક્ષાઓ કે અધ્યયનો રૂપે આપણી ભાષામાં સંભવ્યું. એવા અનુવાદકોમાં આ ક્ષણે સુરેશ જોષી, રાજેન્દ્ર શાહ, ચન્દ્રકાન્ત ટોપીવાળા, સુમન શાહ, શિરીષ પંચાલ કે પ્રમોદકુમાર પટેલનાં કામો યાદ આવે છે.

૩ — માધ્યમસભાનતા :

આધુનિકતાને વરેલો સાહિત્યકાર પ્રયોગો કરે એટલે શું કરે ? એ જે કંઇ કરે છે તે શબ્દથી કરે છે. ભાષા એનું સાધન છે. એટલે પ્રયોગો ભાષાથી અને ભાષામાં થવાના. સામાન્ય ભાષકની તુલનાએ આ સાધન વિશે એ જાગ્રત અને સાવધ વધારે હોય છે. પણ એટલે જ એને કેટલાય શબ્દો ઘણી વાર ઘસાઇને બુઠ્ઠા થઇ ગયેલા પણ અનુભવાતા હોય છે. આપણા જમાનામાં એવું ખાસ બની રહ્યું છે. કેમકે શબ્દ અને તેના અર્થ વચ્ચેનો સમ્બન્ધ તૂટતો રહ્યો છે, અર્થો ખોટા પડતા ને ખોવાતા રહ્યા છે. ભાષા જૂઠી અને નાકામયાબ લાગવા માંડી છે. એવી ભાષા સાહિત્યસર્જનમાં કેવી રીતે કામ આવે ? એને સર્વથા સફળ અને લાજવાબ સાધન ગણીને આંધળુકિયાં ન કરાય. એને પણ સાધવી  રહે, સાધન ગણવા ઉપરાન્ત એને સાધ્ય ગણવી રહે. સાહિત્યિક પ્રયોગોની સાર્થકતા માટે માધ્યમને વિશેની આવી સભાનતા અનિવાર્ય ગણાય એ સમજાય એવું છે.

સમગ્ર આધુનિક સાહિત્યસૃષ્ટિમાં જે ભાષા છે એ આવી સભાનતાથી સ્ફુરેલી સાવ જુદી છે. એને કારણે કાવ્યબાની, કથાભાષા અને વૈયક્તિક શૈલીનાં સ્વરૂપ અને કાર્ય પણ બદલાયાં છે. એમાં ભાષા ઉપરઉપરની શોભા નથી હોતી, બલકે, રચના પાછળના કલાપ્રયોજનનો કે સર્જકના સંકલ્પની રમ્ય મૂર્તિ હોય છે.

૪ –જમાનાની તાસીરને રજૂ કરતાં અલંકરણો :

અલંકારમાં ય પ્રયોગશીલતા છે, પણ અલંકારને વિશે શંકા પડે અને એ પછી જે થાય તે પ્રયોગ સંભવ છે કે વધારે કારગત નીવડે. પ્રતિપદાના કે બીજના ચન્દ્રની છટાઓનાં ઘણાં અલંકારરસિત વર્ણનો મળે છે, પણ એ ચન્દ્રને લસણની કળી સાથે જોડનારની આધુનિકતા આકર્ષક બને છે, એટલું જ નહીં, આપણા જમાનાને છાજે એવું ભાવસ્પન્દન પ્રગટાવે છે.

બીજના ચન્દ્રને લસણની કળી કહેનાર સુરેશ જોષીના જનાન્તિકે-થી પ્રારમ્ભાયેલા નિબન્ધવિશ્વમાં તથા ગૃહપ્રવેશ અને છિન્નપત્ર-થી શરૂ થયેલા એમના  કથાસાહિત્યમાં જે અલંકરણો છે તેમાં ભારોભારની આધુનિક સંવેદના અનુભવાય છે.

૫ –પ્રતીકો અને કલ્પનોનો વિનિયોગ :

અલંકારોમાં પ્રસ્તુત અને અપ્રસ્તુત વચ્ચેનો સમ્બન્ધ સુદૃઢ હોય છે, વ્યાખ્યા કરી શકાય એવો. પણ આધુનિકોએ પ્રયોજેલાં પ્રતીક વિસ્તરતાં રહે છે. વિચાર કે ચિન્તન ઘણીવાર રચનાને શુષ્ક કરી મૂકે છે. પણ આધુનિકોએ પ્રયોજેલાં કલ્પનો ભાવ-સંવેદન અને ચિન્તનને એકરૂપ કરી આપે છે, રચનામાં સેન્દ્રિય રસ-સ્થાનો ઊભાં થાય છે.

સુરેશ જોષી મારી દૃષ્ટિએ મોટા કલ્પનનિષ્ઠ સાહિત્યકાર છે. રાવજી પટેલની એક રચનાની પહેલી પંક્તિ મને આમ યાદ છે –વરસાદી પવન મારા છાપરાના નળિયાને ઊંચુંનીચું કર્યા કરે. પવન વરસાદી છે તેથી શીતળ અનુભવાય. એ છાપરું છે તેથી નાયકની સ્થિતિ સૂચવાય. નળિયું ઊંચુંનીચું થાય તેથી છાપરાની બિસ્માર હાલત સૂચવાય. એ ઊંચું અને નીચું થાય છે તે દેખાય તો ખરું, પણ સંભળાય. એક જ પંક્તિમાં સ્પર્શ્ય, દૃશ્ય અને શ્રાવ્ય સમ્પદા ભરી પડી છે. આવી સાર્થક પહેલી પંક્તિ સૂચવી દે છે કે નાયકની વરસાદી રાત કેવી તો કરુણમધુર હશે.

દર્શાવી શકાય કે લાભશંકર ઠાકર, ગુલામ મોહમ્મદ શેખ, હરીશ મીનાશ્રુ, મનહર મોદી, ચિનુ મોદી, રાજેન્દ્ર શુક્લ વગેરે અનેકોની સૃષ્ટિમાં કલ્પનો કાવ્યસૃષ્ટિનાં મહત્તમ ઉપકરણ છે.

કલ્પનોની આવી સાર્થકતા ટૂંકીવાર્તા અને નિબન્ધના સાહિત્યમાં પણ દર્શાવી શકાય છે.

૬ — અછાન્દસ :

છન્દપ્રયોગ બરાબર, પણ છન્દને વિશે શંકા પડ્યા પછી જે અ-છાન્દસ પ્રગટે તે પ્રયોગ સંભવ છે કે વધારે આવકાર્ય લાગે. આપણા જમાનાની સંવેદનાને માપેલાં-ગણેલાં બીબાંમાં ઢાળવા જઇએ તો સફળ ન પણ થવાય. આધુનિકોને એ બન્ધન અને એ કુણ્ઠાથી છૂટવું હોય. આપણા જમાનામાં પળે પળે હરેક સદ્ વસ્તુના વિ-લયનો અનુભવ થતો હોય છે. ત્યારે, સ્વાભાવિક છે કે ગણેલા ૧૭ કે ૨૧, કે જેટલા નક્કી થયા હોય એટલા, અક્ષરો, જેમાં અમુક લઘુ ને અમુક ગુરુ, ક્યાં યતિ ને પાછા એકથી વધુ યતિ –વગેરે નિયત ગોઠવણથી મળનારો છન્દોલય સંભવ છે કે યાન્ત્રિક અને વ્યર્થ લાગે. આધુનિક ભાવસંવેદનો છન્દનાં બંધારણોને ગાંઠે એવાં નથી હોતાં.

આ મુદ્દાના સમર્થનમાં આપણે લાભશંકર ઠાકર જેવા સમર્થ અછાન્દસકારની રચનાઓના રસાનુભવ લેવા જોઇએ.

૭ — સાહિત્યપ્રકારોની સીમાઓનો લોપ :

સાહિત્યપ્રકારોની વ્યાખ્યાઓ સ્પષ્ટ થઇ ગઇ હોય અને બધું એમાં ફિટ બેસે એવું લખાતું હોય એ બરાબર, પણ સાહિત્યપ્રકારો પ્રાણ વિનાના ઢાંચા બની ગયા હોય ત્યારે શું ? એ સંજોગોમાં—

ચાર-પાંચ પાનની જાણીતી મર્યાદામાં નહીં પુરાઇ જનારી, બલકે પોતાની જરૂરિયાતે ઘણાં પાનાં લગી વિસ્તરનારી છતાં એકમેવ અસર આપનારી ટૂંકીવાર્તા યોગ્ય લાગે. કિશોર જાદવ જેવા વાર્તાકારની દીર્ઘ રચનાઓમાં એ યોગ્યતાને પ્રમાણી શકાય. ઘટનાને જોરે ચાલનારી ચીલાચાલુ ઢબથી સામે છેડે જઇ ઘટનાતત્ત્વનો હ્રાસ તાકતી ટૂંકીવાર્તા આકર્ષક નીવડે.

આનું અપ્રતિમ નિદર્શન તો સુરેશ જોષીની વાર્તાસૃષ્ટિ છે. એમની એક મુલાકત  જેવી અનેક રચનાઓમાં ઘટનાને વિશેનું વાર્તાકારનું એ પ્રયોગશીલ મનોવલણ એક આગવા ઉપકરણ રૂપે કામયાબ નીવડતું અનુભવાશે.

ચાર ચાર ભાગમાં વિસ્તરેલી નવલકથા મોટે ભાગે બહારી સંસારમાં જ વિલસી હોય, એને સ્થાને મનુષ્યના આન્તરજગતમાં ઊતરતી અને નાનકડા કદમાં બંધાયેલી લઘુનવલ યોગ્ય કહેવાય.

મારા ચન્દ્રકાન્ત બક્ષીથી ફેરો પુસ્તકમાં મેં અનેક લઘુનવલોની સમીક્ષા આપેલી છે. એ રચનાઓનો અભ્યાસ કરવાથી આ મુદ્દાનું તાત્પર્ય પકડી શકાશે.

રાજવી કે પારિવારિક સંદર્ભોમાં જન્મતી કરુણ પરિસ્થતિઓને લક્ષમાં લઇને લખાયેલી ટ્રેજેડીઝ કે એથી જુદા અભિગમે લખાયેલી કૉમેડીઝને બદલે ટ્રેજિ-કૉમિક જેવી સંમિશ્ર ભાતમાં વિકસતું નાટક આપણા જમાનાને અનુરૂપ ગણાય. એનું અનુત્તમ દૃષ્ટાન્ત છે, બૅકેટનું વેઇટિન્ગ ફોર ગોદો. આપણે ત્યાં લાભશંકર ઠાકર, સુભાષ શાહ, મુકુન્દ પરીખ, ચિનુ મોદી વગેરેએ રચેલાં ઍબ્સર્ડ કહેવાયેલાં નાટકોને યાદ કરી શકાય. આદિલ મન્સૂરીના પૅન્સિલની કબર અને મીણબત્તી નાટકની ભૂરકી આ ક્ષણે યાદ આવે છે.

આધુનિક સાહિત્યકલામાં સાહિત્યપ્રકારોની દૃઢ સીમાઓનો લોપ, બલકે, સાહિત્યપ્રકારોની સમજભરી ભેળસેળ થઇ, તેથી પણ સર્જકતાને વિધ વિધની મૉકળાશો મળી. સુરેશ જોષી અને આપણા અનેક આધુનિકોની લઘુનવલોમાં, ટૂંકીવાર્તાઓમાં કે નિબન્ધોમાં ઘણી બધી કાવ્યાત્મકતા છે.  કાવ્યકૃતિમાં હોય એ જાતનાં કલ્પનોથી ઘડાયેલું વિચાર-દ્રવ્ય છે. કેટલીયે વાર્તાઓ ને કેટલાય નિબન્ધો ગદ્યકાવ્ય લાગે.

જીવન અર્થપૂર્ણ છે, સઘળું પૂર્વનિશ્ચિત અને અફર છે એમ કહેનારા પરમ્પરાગત સાહિત્યને સ્થાને અનિશ્ચિતિ અને ભંગુરતાની વાત માંડનારું સાહિત્ય જ આધુનિક લાગે એમાં શી નવાઇ ? એટલે જ આધુનિક કાવ્યસાહિત્ય અને કથાસાહિત્યમાં રજૂ થયેલો મનુષ્ય જીવનની અર્થશૂન્યતા, હતાશા અને વિસંવાદિતાનો શિકાર બનેલો સવિશેષ જણાય છે. એ એના તમામ બાહ્ય સંદર્ભોથી વિલગ અને પોતાના આન્તરજીવનમાં એટલે જ ખૂંતી ગયેલો દેખાય છે. એની એવી છબિ ગુજરાતી સાહિત્ય-વિશ્વમાં અનોખી હતી ને તેથી, એટલી જ રસપ્રદ નીવડેલી છે.

(૮) રૂપનિર્મિતિ અને ટૅક્નિક આધુનિકતાની અકાટ્ય જરૂરિયાતો :

આ સઘળી પ્રયોગશીલતા, મેં કહ્યું એમ, ભાષામાં થવાની. એટલે પ્રયોગશીલ સર્જકે ભાષા જોડે તો બાથ ભીડવાની જ છે, પણ બરાબર એ જ રીતે, રચનાનાં વિષય, કથયિતવ્ય, આશય અને દર્શનને પોતામાં સમાવીને બેઠેલા વસ્તુ સાથે પણ બાથ ભીડવાની છે. કહો કે પ્રયોગ કરનારે વસ્તુ-નો ઠીકઠીક મુકાબલો કરી બતાવવાનો છે. વસ્તુને વસ્તુસામગ્રી  પણ કહીએ છીએ. વસ્તુસામગ્રી માટે અંગ્રજીમાં શબ્દ પ્રયોજાયો છે, કન્ટેન્ટ.  દાખલા તરીકે, રામ ભગવાનની સોનાની મૂર્તિમાં સોનું કન્ટેન્ટ છે. એ મૂર્તિ માટીની હોય તો માટી કન્ટેન્ટ છે. ઍરિસ્ટોટલે સરસ કહેલું કે મૂર્તિ સોનાની હોવાને કારણે નહીં પણ એને અપાયેલા રૂપને કારણે કલાત્મક છે. ભલેને પછી એ માટીની કેમ નથી. કલાકાર વસ્તુને રૂપ અર્પે છે. કલા રૂપની નિર્મિતિથી પ્રગટે છે. રૂપનિર્મિતિ વિના કલા અસંભવ છે. રૂપ માટે અંગ્રેજીમાં શબ્દ પ્રયોજાયો છે, ફૉર્મ. ઉત્તમ રચનાઓમાં વસ્તુ અને રૂપ જુદાં નથી રહેતાં, એક થઇ જાય છે.

આધુનિક સાહિત્યમાં રૂપનો અનર્ગળ મહિમા થયો કેમકે આધુનિકોએ વસ્તુની સરખામણીએ રૂપને ચડિયાતું લેખેલું. એટલું જ નહીં, સંકલ્પ કરેલા કે પોતાની રચનામાં રૂપ પ્રગટે, પ્રગટે ને પ્રગટે. બધા રૂપનિર્મતિના ભારે આગ્રહી હતા, દુરાગ્રહી પણ ખરા.

ટૅક્નિક એક અર્થમાં રૂપને વિશેની માનસિકતાનું વિકસિત સ્વરૂપ છે. આધુનિક સાહિત્યમાં, મનોવિજ્ઞાન અને ચિત્રકલા કે ચલચિત્રકલા વગેરે અન્ય કલાઓની ટૅક્નિક્સનો વિનિયોગ થયો છે : મનોવિશ્લેષણ, સ્વપ્ન, દુ:સ્વપ્ન, દીવાસ્વપ્ન, આભાસી-વાસ્તવ, આન્તરએકોક્તિ, ચેતનાપ્રવાહ પદ્ધતિ, સન્નિધીકરણ, સંચિત્રણા, સંઘાત, પીઠઝબકાર, વગેરે વગેરે.

(૯) દુર્બોધતા, આધુનિકતાની જાણે કે આગવી ઓળખ :

આ સઘળાં વાનાં પ્રયોજીને આધુનિક સાહિત્યકાર મુક્તતા તો મેળવી લે છે, પણ એના વાચકનું મગજ બગડી જાય છે, એટલે કે એક એવી વસ્તુ સાથે જકડાઇ જાય છે, જેને આપણે દુર્બોધતા  કહેતા આવ્યા છીએ. દુર્બોધતા જાણે કે આધુનિકતાની આગવી ઓળખ બની ગઇ છે. સાહિત્ય દુર્બોધ લાગે એનાં કારણોમાં બે લોકો જવાબદાર હોય છે :

એક તો, જેને દુર્બોધ લાગે છે એ બધા, એના વાચકો. એમાંનાં ઘણા તો રચના દુર્બોધ હશે જ એવું માનસ લઇને પ્રવેશ્યા હોય છે. એમની સાહિત્ય-રુચિ પરમ્પરાગત સાહિત્યથી ટેવાયેલી હોય છે, ટેવજડ, ઠરી ગયેલી. અથવા, એમને ઝટ ગળે ઊતરી જાય એવું સાદું સરળ સાહિત્ય જ ખપે છે. એટલું જ નહીં, એવા શીરા જેવાને જ એઓ સાહિત્ય ગણતા હોય. પરિણામે તેઓ આધુનિકતા માગે એ પ્રકારનો પ્રતિભાવ નથી આપી શકતા. આધુનિકતા માગે એ જાતની મહેનત કરવાને તૈયાર નથી હોતા. એવા વાચકોમાં રાજશેખરે કલ્પેલી ભાવયિત્રી પ્રતિભા તો છાંટો ય ન હોય  એ સમજાય એવું છે. એવાઓ માટે મેં આદાતૃ  શબ્દ વાપર્યો છે –એટલે એવા સુસ્ત અને લાપરવાહ કે સાહિત્યને નામે જે કંઇ મળે તેનાથી રાજી થઇ જનારા.

આધુનિકતા તો વાચકને સહ-સર્જક ગણે છે –સર્જકનો બરોબરિયો. વાચન દરમ્યાન એ પણ પોતાની સર્જકતાને કામે લગાડતો હોય. આધુનિક સાહિત્યયુગમાં વાચકોનું એવું ગૌરવ થયું એ મોટી વાત છે.

દુર્બોધતા માટે બીજા જવાબદાર કોઇ હોય તો તે આધુનિક સાહિત્યકારો –એવા કે જેઓએ પોતે કશી આધુનિક સંવેદના અનુભવી નથી અને દેખાદેખીથી, ફૅશનથી કે યશલાલસાથી લખવા મંડ્યા છે. પ્રયોગો કરવા લાગ્યા છે, પણ જે-તે પ્રયોગ શા માટે કરવો છે તેની એઓને ખબર નથી હોતી. ઉપરાન્ત તેઓ સાહિત્યકલાના પાયાના સિદ્ધાન્તોને પણ ચાતરી ગયા હોય છે, લેખનના નિયમોને પણ વટાવી જતા હોય છે.

દાખલા તરીકે, કોઇ એવો આધુનિક જણ ઍબ્સર્ડ નાટક લખવા નીકળ્યો હોય એટલે એમ માને કે એમાં બધું આડેધડનું હોય –એ એવું સમજતો હોય કે ઍબ્સર્ડ એટલે અર્થ વિનાનું– એટલે, બધું બઝાડી આપે, ઠઠાડી દે ! એને ખબર ન હોય કે ઉમદા ઍબ્સર્ડ પ્લેઝ પૂરી ભાષિક સાવધાનીથી, બલકે ગાણિતિક ચોક્ક્સાઇથી લખાયાં હોય છે. આ વાતના ભારોભાર સમર્થનમાં હું એકમાત્ર નાટ્યકારને સૂચવું, અને તે બૅકેટ. આપણે ત્યાં અછાન્દસ કાવ્યો એવી સૂઝબૂઝ વિના ઘણાં લખાયાં છે. ઘણા વાર્તાકારોએ સુરેશ જોષીના ઘટનાતત્ત્વ હ્રાસ સંકલ્પને પોતાનો કરવાની વગર સમજ્યે ભૂલ કરેલી. કલ્પન અને પ્રતીક જાણે આધુનિકતાનાં અનિવાર્ય સાધનો હોય એમ એનો પણ અતિરેક થયેલો. કલ્પન-પ્રતીકોની ભરમારે એ ગાળાના અનેક લલિત નિબન્ધોમાં બધું સાહિત્યિક સાહિત્યિક કરી મેલેલું. સાહિત્યિક સાહિત્ય નામના મારા એક લેખમાં મેં એ વિશે કેટલીક ચોક્કસ ફરિયાદો કરી છે.

આવા આધુનિકોને કૃતક આધુનિકો કહેવાય –સ્યૂડો મૉડર્ન્સ. આધુનિક સાહિત્યકલા આવા સંજોગોમાં આધુનિકતાવાદી, મૉડર્નિસ્ટ, બની જતી હોય છે. આપણે ત્યાં સવિશેષે એમ થયું છે.

(૧૦) દુર્બોધતાનો ઇલાજ :

હા પણ દુર્બોધતાનો કોઇ ઇલાજ ખરો કે નહીં ? ઇલાજ હમ્મેશનો અને તે છે, સારાસારનો વિવેક કરનારું વિવેચન. આધુનિક સાહિત્ય-યુગ દરમ્યાન વિવેચનને ઘણો અવકાશ મળે છે. એ એમનો હમદર્દ બની શકે. ગુણો પર પ્રકાશ પાડે. પણ ખાસ તો શોધી બતાવે છે કે દુર્બોધતા માટે જવાબદાર વાચકો છે કે સર્જકો. વાચકોની રુચિના વિકાસને સારુ વિવેચન નોંધપાત્ર રચનાઓના આસ્વાદ કરાવે. અને સર્જકોની સામે વિશ્વસાહિત્યની ઉત્તમ રચનાઓના અનુવાદ મૂકીને બતાવે કે શું ખૂટે છે, શી મર્યાદાઓ છે.

અવલોકન, સમીક્ષા, આસ્વાદ, અનુવાદ, સાહિત્યિક પત્રકારત્વ, પરિસંવાદ, કાર્યશિબિર, વ્યાખ્યાન કે વ્યાખ્યાનમાળા વગેરે દિશાઓમાં વિવેચન અને આધુનિકતાપરક વિમર્શ-પરામર્શ વિકસી શકે. કહી શકાય કે આપણા આધુનિક સાહિત્યને આ પ્રકારની બહુમુખી વિવેચનાનો સાથ-સહકાર સાંપડ્યો હતો. એ વિવેચકોમાં નોંધપાત્ર જે મનાયા તેમાંનાં કેટલાંક નામો આ પ્રમાણે છે : સુરેશ જોષી, રાધેશ્યામ શર્મા, પ્રમોદકુમાર પટેલ, ચન્દ્રકાન્ત ટોપીવાળા, સુમન શાહ, શિરીષ પંચાલ, વગરે વગરે.

(આધુનિક ગુજરાતી સાહિત્ય- શીર્ષકથી ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટયૂટ ફૉર સ્પેસ ઍપ્લિકેશન્સ ઍન્ડ જીઓ-ઇન્ફર્મેટિક્સ, ગાંધીનગરના ઉપક્રમે તારીખ ૨૧/૦૧/૨૦૧૩ના રોજ આપેલા ઑનલાઇન વ્યાખ્યાનનું આ લેખ-સ્વરૂપ છે.)

Address : Suman Shah G/730 Shabari Tower Vastrapur Ahmedabad 380015 India

E-mail : suman.g.shah@gmail.com

Loading

25 April 2013 admin
← કચકડાનો ભગવાન
ઈંટની દીવાલ રક્ષક કે ભક્ષક ? →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved