સરસ રીતે બોલાયેલું જૂઠ ક્યારે ય જૂઠ નથી ગણાતું. ઇન ફેક્ટ, એ જૂઠ પણ નથી ગણાતું, માન્યતા અથવા વફા ગણાય છે. આપણે ભલે સત્ય બોલવાનો અને સત્ય સંભાળવાનો આગ્રહ રાખીએ, પણ આપણી રોજિંદી જિંદગીનો અનુભવ કહે છે કે આપણે બહુ સહજતાથી જૂઠ ચલાવી લઈએ છીએ. ધાર્મિક અને રાજકીય અનુમાનો આવી રીતે જ લોકપ્રિય થાય છે. આપણે રાજકીય વચનોને જૂઠ ગણીએ છીએ પણ એમાં માનનારાઓ માટે એ સત્ય વચન હોય છે, અને એટલે જ બંનેમાં સંપ્રદાયોની અને અનુયાયીઓની સંખ્યા વધુ હોય છે. આવું કેમ? કારણ કે જૂઠ ત્યારે જ જૂઠ હોય જ્યારે એમાં ઈરાદો હોય. ઈરાદા વગરનું જૂઠ હકીકતનો અંદેશો બની રહે છે. એટલા માટે જ ગુરુઓ અને નેતાઓ પ્રત્યેની આપણી વફા અડીખમ રહે છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને બહુ મોટા ગપ્પીદાસ તરીકે ઓળખવામાં આવે છે. એમણે ચૂંટણી પ્રચાર દરમિયાન એવા એવા દાવા કર્યા હતા જેને મીડિયામાં ગલત સાબિત કરવામાં આવ્યા છતાં ના તો ટ્રમ્પને કે ના તો એમના ભક્તોના પેટનું પાણી હાલ્યું. ‘તમે કશા પુરાવા વગર સાવ આવું ધુપ્પલ ચલાવે રાખો તે તમને શોભે?’ એવું એક પત્રકારે એમને પૂછ્યું તો એમણે કહ્યું, ‘ના રે, લાખો લોકો મારી સાથે સહમત હોય પછી શું છે?’
મતલબ કે, ટ્રમ્પ એ જ બોલતા હતા જે લોકોને સાંભળવું હતું. એનો બીજો મતલબ એમ પણ થાય કે ટ્રમ્પ જૂઠું બોલતા હતા એટલે બહુ લોકપ્રિય થયા હતા એવું નહીં, ટ્રમ્પ બોલતા હતા એટલે જૂઠ લોકપ્રિય થયું. દરેક રાજકારણીને આ ખબર છે કે એના અનુયાયીઓ એને સવાલ નહીં પૂછે કારણ કે એમની પાસે એની વાત માનવા સિવાય બીજો ચારો પણ નથી. માણસના મન-મગજની આ એક કમજોરી છે કે જ્યારે એની સામે કોઈ નવી વાત આવે ત્યારે એ વાતને બરાબર સમજવા માટે સૌથી પહેલા તો, ભલે એક મિનિટ માટે તો એક મિનિટ, પણ એનો સ્વીકાર કરવો પડે.
ઉદાહરણ તરીકે ભ્રષ્ટાચારીઓએ આ દેશને લૂંટ્યો છે અને નોટબંધી પછી એ બધા ભીખ માંગતા થઈ જશે એવી વાતને તમે આઉટરાઈટ કેવી રીતે રિજેક્ટ કરી શકો? તમારે પહેલાં એ વાતને થોડોક સમય તો અંકે કરવી પડે, અને પછી એનો સ્વીકાર કે અસ્વીકાર કરવાનો વિકલ્પ આવે. રાજકારણમાં આ ‘થોડોક સમય’ બહુ અગત્યનો છે, અને મોટા ભાગે થોડા થોડા સમયે આવી જ રીતે ‘સત્ય વચનો’ આવતાં રહે છે અને ચાલતાં પણ રહે છે.
ઇઝરાયલી ઇતિહાસકાર યુવલ નોહા હરારી કહે છે કે માનવજાતિની સફળતા એ હકીકતમાં છે કે એનામાં ફિક્સન(કલ્પના)માં વિશ્વાસ કરવાની ગજબની તાકાત છે, ચાહે એ કલ્પના ધર્મની હોય કે પછી રાજકીય કે આર્થિક વિચારોની હોય. યુવલ લખે છે, ‘પથ્થરયુગથી લઇને માણસને સંગઠિત થવામાં જાતે માનેલી મીથની બહુ મોટી ભૂમિકા રહી છે. આ જગત ઉપર માણસની પ્રજાતિ રાજ કરે છે એમાં કલ્પનાઓ સર્જવાની અને એનો પ્રસાર કરવાની એની ક્ષમતા બહુ રંગ લાવી છે. સચ્ચાઈ એ છે કે, જીવતા રહેવાની એની જરૂરિયાતમાં સચ્ચાઈની પ્રમુખતા ક્યારે ય રહી નથી.’
બીજા પ્રાણીઓ એમને જે રિયાલિટી મળી છે એમાં જ જીવે છે, માણસજાત એ જ રિયાલિટી ઉપર પોતે કલ્પેલી ‘રિયાલિટી’ થોપે છે. ઉદાહરણ તરીકે, પ્રાકૃતિક રિયાલિટીમાં ઈશ્વરનું અસ્તિત્વ નથી, પણ માણસે કલ્પના કરીને ઈશ્વરની રિયાલિટી ઊભી કરી છે. એવી જ રીતે રૂપિયાની નોટનું પ્રાકૃતિક રીતે કોઈ મહત્ત્વ નથી, પણ માણસે કાગળના ટુકડા ઉપર એક વેલ્યૂની કલ્પના કરી અને એ રૂપિયો ગજબનો ચમત્કાર બની ગયો, જેમાં દરેક માણસ એકસરખી રીતે શ્રદ્ધા રાખે છે.
આ કલ્પના અને આ શ્રદ્ધા કેવી રીતે કામ કરે છે એનું જ્વલંત ઉદાહરણ નોટબંધી છે. ગયા નવેમ્બર મહિનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નોટબંધીની જાહેરાત કરતી વખતે એમ કહ્યું કે ભ્રષ્ટાચારીઓ અને દેશવિરોધીઓનું હવે આવી બન્યું છે અને આજ રાતથી એની શરૂઆત થઈ રહી છે ત્યારે એ વાતમાં આપણને ચમત્કારિક સચ્ચાઈ નજર આવી હતી. એ વાત કેટલી લલચાવનારી અને હકીકતથી સાવ નજીકની હતી કે ઈમાનદાર કરદાતાઓ લાઈનમાં ઊભા રહીને એમની મોટી મોટી નોટો બેંકમાં જમા કરાવી દેશે, અને કાળા બજારીઓ એમનાં ઘરોમાં રોકડ નોટોમાં મોઢું છુપાવીને રડશે! નાણામંત્રી અરુણ જેટલીએ પણ કહ્યું હતું, ‘બહુ સીધી વાત છે કે જે લોકો પાસે ગુનાખોરીના રૂપિયા છે એ લોકો મૂરખ નથી કે એને બેન્કિંગ સિસ્ટમમાં જમા કરાવીને જોખમ માથે લે.’
ગયા સપ્તાહે રિઝર્વ બેન્કે જે આંકડા જાહેર કર્યા એ પ્રમાણે તો ભારતમાં કોઈ વ્યક્તિ બેઈમાન નથી, કારણ કે આંકડા મુજબ તો 500 અને 1000ની 99 પ્રતિશત નોટો બેંકમાં પાછી આવી ગઇ છે. મતલબ કે બજારમાં બધા રૂપિયા ઈમાનદારીના હતા! મોદીના વિરોધીઓ આ અહેવાલથી ‘અમે નો’તા કહેતા’ કહીને ખુશ થઇ ગયા છે પણ એમના ફેન-વર્ગની બે પ્રતિક્રિયા છે: એક, ‘એમણે કમ-સ-કમ એક મોટો પ્રયાસ તો કર્યો’ અને બે, ‘એ થોડા પોતાનું ઘર ભરે છે?’ આ સાબિત કરે છે કે દેશના એક મોટા વર્ગને મોદીના આઈડિયા અને ઈન્ટેનશનમાં કોઈ ખામી નજર નથી આવતી. મોદીની સફળતા એ હકીકતમાં છે કે આ દેશમાં બહુ બધા નેતાઓ અને મંત્રીઓ વ્યક્તિગત ઈમાનદારીમાં નિષ્ફળ નીવડ્યા છે ત્યારે મોદીની છબી હજુ સ્વચ્છ રહી છે. એટલા માટે જ મોદી જ્યારે કોઈ ઈન્ટેનશન વ્યક્ત કરે છે ત્યારે એમાં અવિશ્વાસ રાખનારાઓ કરતાં વિશ્વાસ રાખનારાઓ વધુ હોય છે.
વિજ્ઞાન લેખક અને ઇતિહાસકાર માઈકલ શેરમન કહે છે કે, ‘અવિશ્વાસ રાખવા કરતાં વિશ્વાસ રાખવો એ માણસની મૂળભૂત વૃતિમાં છે.’ રાજકારણમાં કોન્સ્પિરસી થિયરીનું બહુ મહત્ત્વ હોય છે. એટલે ભારતના ધનવાન લોકો ચોર છે અને દેશને લૂંટી રહ્યા છે એવી વાત સામાન્ય માણસને એટલા માટે સાચી લાગે, કારણ કે એમને એક તો એમની ગરીબીનું કારણ કે એના માટે જવાબદારનું નામ જોઈતું હતું અને એમની એ માન્યતાને કોઈકે પાણી આપ્યું. તમે જે માનતા હતા એને કોઈ બળ આપે તો તમે એ માની જ લેવાના છો.
માનવવૃત્તિનું ગણિત એવું હોય છે કે, કોઈ વાત માનવામાં કોઈ નુકસાન નથી, પણ ના માનવમાં નુકસાનની સંભાવનાઓ ચોક્કસ છે. માની લો કે તમને ઘાસમાંથી કોઈક અવાજ આવે. એ અવાજ પવનનો છે કે કોઈ જંગલી પશુનો? વેલ, તમે એમ માનો કે ઘાસમાં કોઈ રાની પશુ છે અને એ ખાલી પવનનો અવાજ જ નીકળે તો તમારો અંદાઝ ખોટો પડ્યો એટલું જ. કોઈ નુકસાન નહીં. તમે સાવધ થઇને આગળ વધી જશો, અને આગળ ઉપર જઈને વધુ સાવચેતીપૂર્વક અવાજ સાંભળશો.
બીજી બાજુ, તમે એમ માનો કે ઘાસમાં ખાલી પવનનો અવાજ છે અને, હકીકતમાં જંગલી શિયાળ બહાર આવે તો તમે એના માટે ‘લંચ’ જ બની જાઓ. પહેલી ભૂલ તમને ભારે નહીં પડે, અને તમને વધુ ચોક્કસ બનાવશે. પણ બીજી ભૂલ, કે ઘાસમાં કોઈ જોખમ નથી, તમારા માટે જીવલેણ સાબિત થઈ શકે. એટલે, આપણા માટે વિશ્વાસ રાખવો એ હિતાવહ રહે છે.
આ દેશના ગરીબ અને સામાન્ય લોકો એમ માને છે કે ધનવાન લોકો જ એમની બધી સમસ્યાનું મૂળ છે, અને જ્યારે એ ધનવાનોને પાઠ ભણાવાની વાત આવે ત્યારે એ નહીં માનવા કરતાં, માનવામાં વધુ સમજદારી દેખાઇ હતી. નોટબંધીમાં ધનિક લોકો બહુ પરેશન થયા અને ‘ગંગા નદીમાં નોટો ફેંકવા લાગ્યા’ એ વાત એટલી પાવરફુલ હતી કે સામાન્યજન પોતાની મુસીબતો ભૂલી ગયો. નોટબંધીમાં જેટલી અંધાધૂંધી મચી, ગરીબોને એમ જ લાગ્યું કે પૈસાવાળા પરેશાન થઈ રહ્યા છે. ભારતમાં જ નહીં, પૂરા જગતમાં ગરીબોને ધનિકો પ્રત્યે તિરસ્કાર છે. એટલે કોઈ નેતા કે રાજકારણી આવીને એ લાગણીનો પડઘો પડે તો સ્વાભાવિક રીતે જ, રાજકારણી પ્રત્યે ઓછો અને ધનિક પ્રત્યે વધુ રોષ હોવાનો. મઝાની વાત એ છે એ રાજકારણી ખુદ ધનવાન હોય તો પણ લોકો પૈસાવાળાને પાઠ ભણાવાની વાત માનવા પ્રેરાવાના જ.
પૈસો આમ પણ બહુ જ પ્રેરણાદાયક બળ છે. દરેક માણસની પાસે પૈસાને લઈને કોઈ ને કોઈ માન્યતા હોય છે. એમાં જ્યારે તમારી માન્યતાને મળતી કોઈક વાત આવે તો એ માન્યતા કરન્સી બની જાય છે જેને ક્યાં ય પણ વાપરી શકાય. આગળ જેની વાત કરી તે હરારી પૈસાને ‘કલેક્ટિવ ફિક્સન’ કહે છે. જેમ તમે એક પથ્થરની મૂર્તિમાં કે સોનાના ટુકડામાં શ્રદ્ધા રાખો છો તેવી જ રીતે રૂપિયો પણ શ્રદ્ધાનું પ્રતીક છે. રૂપિયાનું મૂલ્ય એ નોટમાં નહીં પણ તમારી માન્યતામાં છે. પૈસાની વાત આવે ત્યારે આપણે સાવ અજાણ્યા માણસ સાથે પણ ‘સહકારી પ્રવૃત્તિ’ કરવા તૈયાર થઇ જઇએ છીએ, કારણ કે એ વ્યક્તિ પણ આપણી જેમ પૈસાની ‘કહાની’માં વિશ્વાસ રાખે છે.
હરારી માણસના પૂર્વજ ચિમ્પાન્ઝીનું ઉદાહરણ આપીને કહે છે, તમે ચિમ્પાન્ઝી પાસેથી એનું કેળું એવું કહીને ના મેળવી શકો કે એ જ્યારે મરીને ચિમ્પાન્ઝીના સ્વર્ગમાં જશે ત્યાં એને સાત પેઢી ચાલે એટલાં કેળાંની ભેટ મળશે. ચિમ્પાન્ઝીઓ આવી ‘વાર્તા’ નથી માનતા.
પૈસાના ‘કલેક્ટિવ ફિક્સન’માં વિશ્વાસ રાખવાની ક્ષમતા માત્ર માણસજાતમાં જ છે. એટલે જ માણસ જગત ઉપર રાજ કરે છે અને ચિમ્પાન્ઝીઓ ઝૂ અને લેબોરેટરીઓમાં રિસર્ચનો વિષય બને છે.
સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 10 સપ્ટેમ્બર 2017