ગુજરાતીઓ માટેની એક છાપ એવી છે કે તે ગણિતમાં બહુ પાકા. એ સાચી હોય તો પણ એટલી સ્પષ્ટતા જરૂરી છે કે આ ગણિત એટલે ભાસ્કરાચાર્યનું કે બ્રહ્મગુપ્ત કે પાયથાગોરસનું નહીં, સાંસારિક ગણતરીઓનું ગણિત. બાકી, અભ્યાસના વિષય તરીકે ગણિતમાં 100માંથી 100 માર્ક્સ લાવનારા મળી જાય, પણ ગણિતને પ્રેમ કરનારા – તેને સેવનારા કેટલા ને તેમાં સિદ્ધિ પ્રાપ્ત કરનારા કેટલા? અને એવા થોડા લોકો હોય તો પણ તેમનામાં રસ ધરાવનારા બાકીના લોકો કેટલા?
દસેક વર્ષ પહેલાં પ્ર.ચુ. વૈદ્ય(1918—2010)નો ઇન્ટરવ્યૂ કરતી વખતે આ વાત વધુ સારી રીતે સમજાઈ હતી. પ્રહ્્લાદ ચુનીલાલ વૈદ્ય એટલે કે વૈદ્યસાહેબ પ્રખર ગણિતજ્ઞ. ‘સુગણિતમ્’ નામનું તેમણે 1966માં શરૂ કરેલું સામયિક તેમની વિદાય પછી પણ ચાલુ છે. ફક્ત ગુજરાતમાં જ નહીં, રાષ્ટ્રીય સ્તરે તેને આ વિષયનું અનોખું સામયિક ગણી શકાય. ગણિત અને ખગોળનો ગાઢ સંબંધ વૈદ્યસાહેબની વિદ્વત્તામાં પણ દેખાય. તે ઉત્તમ ગણિતજ્ઞ અને આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદના ઊંડા અભ્યાસી. આઇન્સ્ટાઇનને નૉબેલ સન્માન મળ્યા પછી પણ વર્ષો સુધી તેમના સાપેક્ષવાદના સિદ્ધાંતોની વ્યાપક સ્વીકૃતિ થઈ ન હતી. એ વખતે તેનો અભ્યાસ કરનારા અને ‘સાપેક્ષવાદવાળા’ ગણાતા લોકોમાં એક વૈદ્યસાહેબ.
આ વિષયમાં વૈદ્યસાહેબના ગુરુ વી.વી. નારળીકર હતા. (વિખ્યાત વિજ્ઞાની-ભારતના જૂજ વિજ્ઞાનકથા લેખકોમાંના એક એવા જયંત નારળીકરના પિતા)
વૈદ્યસાહેબ પચીસ વર્ષના હતા ત્યારે તેમના એક સંશોધન વિશે ‘કરન્ટ સાયન્સ’માં નોંધ પ્રગટ થઈ. ત્યાર પછી તેનો અહેવાલ ‘ઇન્ડિયન ઍકેડેમી ઑફ સાયન્સીઝ’ની વાર્ષિક કામગીરીમાં આવ્યો અને થોડાં વર્ષ પછી તેના વિશેની નોંધ વિશ્વવિખ્યાત સાયન્સ જર્નલ ‘નેચર’માં પ્રગટ થઈ. નૉબેલ સન્માનિત ભૌતિકશાસ્ત્રી સી.વી. રામનના સૂચનથી 1966માં તેમને ‘ઇન્ડિયન ઍકેડેમી ઑફ સાયન્સીઝ’ના ફેલો બનાવવામાં આવ્યા. ત્યાર પહેલાં વૈદ્યસાહેબ વિક્રમ સારાભાઈ અને હોમી ભાભા સાથે પણ કામ કરી ચૂક્યા હતા. મુલાકાતમાં તેમણે કહ્યું હતું, ‘એ બન્નેમાં સંશોધક અને શિક્ષકના ગુણો હતા. એટલે બન્ને સાથે મારો મેળ જામ્યો.’
આમ, દેશવિદેશનાં વિજ્ઞાનવર્તુળમાં વૈદ્યસાહેબનું નામ થયું, પણ તે શિક્ષક મટ્યા ન હતા. ગુજરાતમાં છેક ઉપરથી નીચે સુધીનો ગણિતનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં તેમનો મહત્ત્વનો ફાળો હતો. સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે ગણિતમાં રસ પડે છે કે નહીં, તેનો ઘણો આધાર પ્રાથમિક શાળામાં ગણિતના શિક્ષક પર હોય છે. પોતાના ગણિતપ્રેમનો યશ વૈદ્યસાહેબ તેમના ચોથા ધોરણના ગણિતશિક્ષક અંબાશંકર માસ્તરને આપતા હતા. વૈદ્યસાહેબના સમકાલીન ગણિતશિક્ષક ફાધર વાલેસ તેમના ગણિતશિક્ષણની સાથોસાથ તેમનાં વિચારાત્મક લખાણ થકી પણ લોકપ્રિય બન્યા. એવી જ રીતે, ગણિતથી દૂર રહેનારા ઘણા લોકો માટે વૈદ્યસાહેબની ઓળખ ‘પસ્તીનાં પાનાં’, ‘ચોક અને ડસ્ટર’ જેવાં પુસ્તકો થકી હતી. તેમની બાહ્ય ઓળખ સાથે સંકળાયેલી બીજી બે ચીજો એટલે તેમનો પોશાક અને તેમની સાઇકલ.
તે ખાદીનાં ધોતી-ઝભ્ભો-ટોપી પહેરે અને છેક જીવનના આઠમા દાયકા સુધી સાઇકલ ચલાવી. તેમને આ સ્વરૂપે જોઈને કોઈને એવો વિચાર આવે તો નવાઈ નહીં કે ‘આ કાકા સાપેક્ષવાદમાં શું સમજવાના હતા’? આપણા મનમાં વિજ્ઞાનીની છબીમાં પાશ્ચાત્ય પહેરવેશ સજ્જડ બેઠેલો છે. વૈદ્યસાહેબને ભારતીય પરંપરાનું વાજબી (ઝનૂની કે રાજકીય નહીં એવું) ગૌરવ અને પશ્ચિમી અનુકરણનો વાંધો. ખાદીધારી ખરા પણ ગાંધીવાદી નહીં. આઇન્સ્ટાઇનવાદી પણ નહીં. તેમણે મુલાકાતમાં કહ્યું હતું, ‘બન્નેની મૂળભૂત વિચારસરણી સરખી હતીઃ પોતાનામાં શ્રદ્ધા અને એ શ્રદ્ધાથી જીવન જીવવું. હું પણ કોઈના પર આધાર રાખતો નથી. મને પોતાને યોગ્ય લાગે તે કરું.’
યુ.પી.એસ.સી.ના સભ્ય અને ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર જેવા શિક્ષણજગતને લગતા સરકારી હોદ્દા તેમણે આ જ, ‘મને પોતાને યોગ્ય લાગે તે કરું’ના મિજાજ સાથે શોભાવ્યા. ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે કોઈનાથી જરા ય દબાય નહીં. ગુંડાગીરી કે દાદાગીરી તો ઠીક, રાજનેતાઓ કે તેમના સાગરીતોનો સાદો અવિવેક પણ સાંખી ન લે. યુનિવર્સિટીના રાજકારણમાં ભાંખોડિયાં ભરતા ને ભવિષ્યમાં મુખ્ય રાજકારણમાં જવા ઉત્સુક રહેતા લોકોને તે જરા ય ભાવ ન આપે અને માપમાં રાખે. (આ સત્ યુગની નહીં, થોડા દાયકા પહેલાંની વાત છે.)
ગણિત-ખગોળમાં વૈદ્યસાહેબની સમજ અને તેમનું પ્રદાન એ ક્ષેત્રના લોકો વધારે પ્રમાણી શકે, પણ એક વ્યક્તિ તરીકે તે કેટલા જીવંત, જાગ્રત અને ભાર વગરના હતા, એનો ખ્યાલ તેમનાં વિવિધ વિષયો પરનાં ટૂંકાં લખાણમાંથી આવે છે. ‘કુમાર’માં ચાલેલી તેમની લેખમાળાને ‘પસ્તીનાં પાનાં’ જેવું નામ આપવું, બબ્બે વાર ઘરમાં ચોરી થઈ ત્યારે ‘બિચારા ચોરને અમારા ઘરમાંથી કાગળિયાં સિવાય કશું મળ્યું નહીં’ — એમ કહીને ચોર પિતાપુત્ર વચ્ચેનો કાલ્પનિક સંવાદ લખવો અને તેમાં પોતાના માટે ‘પસ્તીના શેઠિયા’ જેવો શબ્દપ્રયોગ વાપરવો — એ વૈદ્યસાહેબની મઝા. સંતાનોને લખેલા પત્રોસ્વરૂપનાં તેમનાં આ લખાણમાં કોઈ વિષય અગરાજ નહીં. રાજકારણથી માંડીને ફિલ્મસંગીત, અવનવા સામાજિક પ્રવાહો અને સમાચારો તેમની વિશેષ ટીકાટિપ્પણી સહિત આવે. અંધશ્રદ્ધા સામે તેમને ભારે વાંધો. એ વખતે ખેરાળુ બાપુના ફૂંક મારેલા પાણીનું તૂત બહુ ચાલતું હતું, ત્યારે વૈદ્યસાહેબે લખ્યું હતું, આ 1973ના જાન્યુઆરીની વાત છે, 1873ના જાન્યુઆરીની નહીં.’ સત્ય સાંઈબાબાએ ભારતીય વિદ્યા ભવનના એક કાર્યક્રમમાં કનૈયાલાલ મુનશીને હવામાંથી વીંટી કાઢી આપી. એ વિશે વૈદ્યસાહેબની ટિપ્પણી, ‘મારા-તમારા જેવાને રાખ આપે, પણ ક.મા. મુનશી જેવાને રાખ થોડી અપાય?’ તેમના કેટલાક પત્રો કટોકટીના સમયના પણ છે. તેમાં રાજકીય વિષયો પરની પાબંદીના અભાવે છાપાંએ કેટલાક અભ્યાસલક્ષી વિષયોને સ્થાન આપવા માંડ્યું, તેની નોંધ પણ તેમણે લીધી છે. તેમના પત્રોમાંથી આપણને એ પણ જાણવા મળે છે કે 1979-80માં વી.વી. નારળીકર અને આર્થર સી. ક્લાર્ક જેવા ધુરંધરો અમદાવાદમાં પ્રવચન આપી ગયા હતા.
એક વાર તે ભારતભરના વાઇસ ચાન્સેલરોના મંડળની વાર્ષિક મિટિંગમાં ગયા. પછી? ‘મને એમ હતું કે વાઇસ ચાન્સેલરના સમૂહમાં ચર્ચાનું ધોરણ ઊંચું હશે. પણ … અહીં તો 60 કુલપતિઓનું જૂથ તો 60 શિક્ષકોના જૂથ કે 60 ડોશીઓના જૂથ જેવું જ હતું … પાંચ વાઇસ ચાન્સેલરો મળે તો વાઇસ-ચાન્સેલર જેવા લાગે, પણ પચાસ કુલપતિઓ મળે કે પચાસ રામાઓ મળે, બન્ને જૂથનું વર્તન આંકડાશાસ્ત્ર પ્રમાણે લગભગ સરખું જ જોવા મળે …’
આવી વાત આકરી કહેવાય? વૈદ્યસાહેબ હોત તો કદાચ કહી શકત કે ‘એ તો સાપેક્ષ છે.’
e.mail : uakothari@gmail.com
સૌજન્ય : ‘નવાજૂની’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 10 સપ્ટેમ્બર 2017