સ્વરાજસિત્તેરીએ
આ અંક સૌના હાથમાં હશે ત્યારે આપણું સ્વરાજ સિત્તેર વરસ વટાવી એકોતેરમે હુલસતું હશે, અને ‘નિરીક્ષક’ (સ્થાપના : ૧૫ ઑગસ્ટ, ૧૯૬૮) પચાસમાં વરસમાં પ્રવેશી ચૂક્યું હશે.
ઓગણપચાસ વરસ પર, ૧૯૬૮માં ઉમાશંકર જોશીના નેતૃત્વમાં ‘નિરીક્ષક’નો આરંભ થયો ત્યારે આપણું સ્વરાજ વીસે વરસે ગાંધીનેહરુપટેલ સહિતના મહાન આરંભકારોવિહોણી સ્થિતિમાં હતું. પણ એશિયા-આફ્રિકામાં લોકશાહીના ઓલવાતા દીવાઓ વચ્ચે એણે નંદાદીપની આબરૂ અવશ્ય રળેલી હતી. માન્ચેસ્ટરના ‘ગાર્ડિયન’ પત્રે છેક ૧૯૫૪માં ૨૬મી જાન્યુઆરીએ તંત્રીસ્થાનેથી નોંધ લીધી હતી કે પેરિક્લીસના શબ્દોમાં ઍથેન્સનું નગરરાજ્ય જો ગ્રીસ આખાની નિશાળ સરખું હતું તો આજે નેહરુ પણ એવો દાવો કરવાની સ્થિતિમાં છે કે નવી દિલ્હી એશિયા-આફ્રિકાને સારુ લોકશાહી રાજવટની નિશાળ સમું છે.
જો કે ૧૯૬૮ આવતે રજની કોઠારીએ જેને એક-પક્ષ-પ્રભાવ-પ્રથા તરીકે ઓળખાવી છે એ કૉંગ્રેસ પ્રથા પડકારમાં મુકાઈ ગઈ હતી, અને દેશ લોકશાહી વિકલ્પખોજના નવા પડકારમાં મુકાઈ ગયો હતો. ૧૯૬૭ ઉતરતે દેશભરમાં બિનકૉંગ્રેસવાદી એવી સંયુક્ત વિધાયક દળની સરકારોનો વાવર ચાલ્યો હતો. ભલે ટૂંકજીવી પણ એ પ્રયોગકોશિશ, તે પછીના દસકામાં જનતા પ્રયોગરૂપે ઠીક કાઠું કાઢવાની હતી.
૧૯૬૭-૬૮થી વિખરાવ અને ભટકાવ છતાં સ્થાપિત બળોને અંગે સંસ્કાર (કરેક્ટિવ) કામગીરી છતાં , જે વિકલ્પખોજની રાજનીતિ શરૂ થઈ એના શોધન, વર્ધન, સંગોપનની નાગરિક મથામણો એ ‘નિરીક્ષક’ને હિસ્સે એક વિચારપત્ર તરીકે આવેલું દાયિત્વ હતું. ‘નિરીક્ષક’ની શરૂઆતનાં વરસો વિશ્વસ્તરના યુવા ઉદ્રેકના હતા. એ જ ગાળો ઇંદિરા ગાંધીના નેતૃત્વે જીતેલી ‘ગરીબી હટાઓ’ ચૂંટણી અને બાંગલાદેશની રચનાનો હતો. એક રીતે, આ શરૂઆતનાં વરસો ૧૯૬૯નાં કોમી રમખાણોને વટીને ૧૯૭૪ના નવનિર્માણ આંદોલનથી નવી શરૂઆતનાં અને વિકલ્પખોજની નાગરિક મથામણના પ્રકર્ષરૂપે જેપી આંદોલનનાં હતાં. સ્વાભાવિક જ, એક વિચારપત્ર તરીકે ‘નિરીક્ષક’ ઘટતાં ટીકાટિપ્પણ, વિશ્લેષણ, નુક્તેચીની સાથે એમાં સંડોવાતું રહ્યું.
જ્યાં સુધી કટોકટીકાળનો સવાલ છે, ‘નિરીક્ષક’ જો કે ‘ભૂમિપુત્ર’ અને ‘સાધના’ની જેમ બધો સમય ચાલુ ન રહી શક્યું; પણ જ્યારે પણ પ્રકાશન શક્ય બન્યું, એણે લોકશાહી મૂલ્યો ને પ્રક્રિયાઓ વિશે લખવાનું અનિરૂદ્ધપણે ચાલુ રાખ્યું. અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય સંદર્ભે એને વિશે સંસદમાં જિકર પણ થઈ હતી. ઉમાશંકર જોશીએ ૧૯૭૬ના ઑગસ્ટની આઠમીએ રાજ્યસભામાં કહ્યું હતું :
“એક સાહિત્યકાર તરીકે હું, ૧૯૪૭ના જાન્યુઆરીથી એટલે કે બ્રિટિશ સમયથી, કૈંક ખોટ કરતું સંસ્કૃિત ચલાવી રહ્યો છું. એ એક માસિક પત્ર છે. હું સેન્સર (લખાણો વગેરેના સરકારી નિયામક) પાસે જાઉં નહીં એમાં ગૌરવહાનિ છે. ભલે અમને ખતમ કરવામાં આવે. સેન્સર પાસે વળી શા માટે જાઉં? પ્રકાશન મારે બંધ કરવું પડેલું. એક સાપ્તાહિક પત્ર – નિરીક્ષકના તંત્રીમંડળમાં હું છું. જાહેર બાબતો (પબ્લિક અફેર્સ)ની મુખ્યત્વે એ ચર્ચા કરે છે – રાજકારણ (પોલિટિક્સ) શબ્દ મને ગમતો નથી. કૉંગ્રેસના લોકો પણ ચાવથી એ વાંચતા હોય છે. શું અમે જવાબદારીથી ચાલ્યા નથી? શા માટે અમે સેન્સર પાસે જઈએ? વડાંપ્રધાનનાં સ્વાતંત્ર્યસંગ્રામની પરંપરાઓમાં મૂળિયાં હોઈ એમણે, મારી સ્મૃિત બરાબર હોય તો, એક ક્રિયાપદ વાપર્યું હતું જે યોગ્ય શબ્દ હતો. તેમણે કહ્યુંઃ ‘હું સેન્સરગીરીની નફરત (ઍબહોર) કરું છું.’ કોઈ શબ્દ આનાથી વધુ ઉચિત ન હોઈ શકે. પણ હવે કાયદાથી સમાજજીવનમાં સેન્સરગીરી સ્થાયી કરી દેવાય છે …”
કટોકટી દરમ્યાન નિરીક્ષક બંધ કરવું પડ્યું હતું. છેવટે ૧ મે ૧૯૭૭થી તે ફરી શરૂ થઈ શક્યું ત્યારે ‘જેવી પ્રજાજાગૃતિ તેવી સરકાર’ એ મથાળે લખતાં ઉમાશંકર વચગાળાની જદ્દોજહદ અને મથામણની વાત કરતે કરતે એક ઝીણી પણ દમદાર નોંધ લેવાનું ચૂક્યા નહોતા કે ‘અમને આનંદ છે અનેે નિરીક્ષકના સૌ ગ્રાહકસમુદાયને પણ એ જાણીને આનંદ થશે કે બંને વાર નિરીક્ષક બંધ રહ્યું તે દરમ્યાન એક પણ ગ્રાહક તરફથી માગણી થઈ નથી કે લવાજમની બાકી રકમ પાછી મોકલી આપો.’ અને છેલ્લે : “નિરીક્ષકના સમગ્ર લેખક પરિવાર અને વાચક પરિવારનું ઉત્તમ કટોકટી દરમ્યાન પ્રગટ થયું છે. એમાંથી પ્રેરણા મેળવી પ્રજાહૃદયનો ધબકાર પ્રગટ કરવા નિરીક્ષકનું આ ‘પુનશ્ચ હરિ : ઓમ’ છે. જેવી પ્રજાજાગૃતિ તેવી સરકાર – એ આ માર્ચ ૧૯૭૭ની બીજી ક્રાંતિના, બોધ હરદમ દરેકેદરેક નાગરિકના ધ્યાનમાં રહો.
આજે ઑગસ્ટ ૨૦૧૭માં અનવરત પુરશ્ચરણ પેઠે આ ‘પુનશ્ચ’ ઉતારતાં જેવી પ્રજાજાગૃતિ તેવી સરકાર એ સૂત્ર અને તેમાંથી તંત્રીજોગ અનુકાર્ય બંને સામાં આવે છે. શાસન કટોકટી સુધી જઈ શક્યું એમાં સ્થાપક તંત્રીમંડળના વડા સભ્યે જો રાજકીય અગ્રવર્ગની ખબર લેતાં સંકોચ નહોતો કર્યો તો છેલ્લી જવાબદારી પ્રજાજાગૃતિ પર હોવાનોયે ભાર મૂક્યો હતો. મે ૧૯૭૭ પછીના બધા તબક્કાઓની ચર્ચામાં નહીં જતાં એટલું જ કહીશું કે પ્રજાજાગૃતિ વાસ્તે તંત્રીએ (બેલાશક, સ્વૈચ્છિક લેખકીય સહયોગ જોરે) યથાસંભય, યથાગતિમતિ બનતું કીધું છે. જયન્ત પંડ્યાની પહેલથી દર્શકના અધ્યક્ષપદે નિરીક્ષક ફાઉન્ડેશન અસ્તિત્વમાં આવ્યું એના થોડાંક વરસ પછી (એપ્રિલ ૧૯૯૨થી) ફાઉન્ડેશનના સ્થાપક ટ્રસ્ટીઓ પૈકી એકને નાતે નિરીક્ષક સંભારવાનું આવ્યું ત્યારથી આ તંત્રીએ સ્વરાજ આંદોલન અને બીજા સ્વરાજ આંદોલનની પંરપરામાં પ્રાપ્ત વિશ્વદર્શનને નવસંદર્ભમાં અગ્રતાવિવેકપૂર્વક મૂકવાની કોશિશ કીધી છે. અલબત્ત, જેવી પ્રજાગૃતિ તેવી સરકાર એ ન્યાયે (અને આરંભકાળના વાચક વર્ગની એક પચીસી પછી, જૂનાનવા પૈકી વાચકોનું જે વલણ બન્યું હોય તે ધોરણે) ઠીક ઠીક તંત્રીએ વખતોવખત લઘુમતી તો શું અણુમતીમાં હોવાનો અહેસાસ કર્યો છે. કમનસીબે, આવે વખતે ખરા પડ્યાનો ખેદ સિલકમાં રહેતો હોય છે, પણ એ આશ્વાસન ઓછું પડે છે; કેમ કે તંત્રીને પ્રજાજાગૃતિનો જે મુદ્દો સમજાયો તે એ સંક્રાન્ત કરી શક્યો નહીં.
ગમે તેમ પણ, વીસમી સદીનો છેલ્લો દસકો બેસતે જે બે મોટી ઘટનાઓ આપણે ત્યાં ઘટી તે નરસિંહ રાવ-મનમોહનસિંહ હસ્તક નવી આર્થિક નીતિના પ્રવેશની અને એના સમર્થક અડવાણીના આંદોલન થકી બાબરીધ્વંસની. ઉમાશંકરે મે ૧૯૭૭ની બીજી ક્રાંતિનો ઉલ્લેખ કર્યો એમાં ત્યારના એકંદર મિજાજનો પડઘો જરૂર હતો. પણ વચલાં વરસોમાં જે વાનું સમજાઈ રહ્યું છે તે એ છે કે સ્વરાજ એ સતત ચાલતી પ્રક્રિયા, અનવરત સંઘર્ષ અને રચના છે. જેમ પ્રેમ તેમ તે ક્ષણે ક્ષણે સાધ્ય ને નવસાધ્ય કરવું રહે છે. જે બે મોટાં પરિબળોનો ઉલ્લેખ હાલના વિશ્વદર્શનના નમૂના દાખલ કર્યો તે મે ૨૦૧૪ના જનાદેશ સાથે કદાચ સવિશેષ જ સમજાવા લાગ્યા છે. કથિત સાંસ્કૃિતક રાષ્ટ્રવાદ ‘ધ અધર’ને હાંસિયામાં મૂકે છે તો નવી આર્થિક નીતિની પ્રક્રિયામાં સમુદાયોના સમુદાયો વિકાસનો ભોગ બની હાંસિયામાં મુકાય છે. સ્વતંત્રતા, સમાનતા, બંધુતાનો જે નવયુગી સ્વરાજસાદ તે પેલા બીજા સ્વરાજ પછી ઊલટાનો પાછો તો નથી પડતો ને, એવી આશંકા અસ્થાને નથી.
હમણાં સન બયાલીસની પંચોતેરી લગભગ વણઊજવી ગઈ. એની પચીસી અને પચાસી વખતે થયાં હતાં એવાં વિમર્શ ને મંથન આ વખતે લગભગ ન-જેવાં વરતાયાં. વડાપ્રધાન નમોએ ‘મન કી બાત’માં એની ચર્ચા જરૂર કરી. પણ એમને સારુ એ આખો કિસ્સો તંગ દોર પરની નટચાલ(કે મુખચાલ)નો હતો, કેમ કે તેઓ જે પક્ષપરિવાર અને વિચારધારાની પેદાશ છે એને અને ૧૯૪૨નાં મૂલ્યો, પ્રક્રિયા કે સંઘર્ષને કશો જ સીધો સંબંધ નથી. બલકે, વ્યક્તિગત અને અપવાદો તો વ્યાખ્યાગત રીતે જ નિયમસિદ્ધકર હોય) બાદ કરતાં એક સમૂહ તરીકે સંઘે તે વખતે પરહેજ કરી હતી. જેમ ત્યારના સામ્યવાદી પક્ષને (સીપીઆઈ-સીપીએમ બંનેને) ટોણાની જેમ પૂછવામાં આવે છે કે તમે ક્યાં હતા, એ જ હાલત આ કથિત રાષ્ટ્રદ્રોહીઓ સામે આ કથિત રાષ્ટ્રવાદીઓની પણ છે. સ્વરાજ એટલે સૌનું, રિપીટ, સૌનું સ્વરાજ એ ગાંધીનેહરુપટેલ ભૂમિકાથી હિંદુ મહાસભા, સંઘ અને મુસ્લિમ લીગ પોતપોતાની રીતે સલામત અંતરે અગર સામે હતાં. ૧૯૪૨ સાથે નેતૃત્વની જે નવી હરોળ ઊભરી – જેપી, લોહિયા, અચ્યુત પટવર્ધન આદિ – તે રાષ્ટ્રીય પ્લેટફોર્મ અંતર્ગત સમાજવાદી આંદોલનને વરેલી હતી. રાષ્ટ્રવાદમાં કોઈ વર્ગ કે વર્ણવિશેષની નહીં પણ આર્થિક – સામાજિક ન્યાયની ભૂમિકા એમને ઇષ્ટ હતી. લોકસભામાં અધ્યક્ષ સુમિત્રા મહાજને જે પ્રસંગોચિત નિવેદન સમગ્ર રાહ સમક્ષ મૂક્યું એ સંધ પરિવારમાં ભાગ્યે જ સ્વીકાર્ય કે ગ્રાહ્ય હશે.
એક લાંબા કાળ લગી મુખ્યત્વે કૉંગ્રેસની ટીકા કરવાની (વ્યક્તિગત ઉલ્લેખ બદલ ક્ષમાપ્રાર્થના સહ ઉમેરુ તો જેલ વહોરવા લગીની) નિયતિ આ લખનારની રહી છે. અલબત્ત, ખુશીનો જે સોદો, એની ફરિયાદ તો શું હોય. પણ એક વિગત તરીકે તે દર્જ કરવી જરૂરી છે તે એટલું ઘૂંટવા સારું કે કૉંગ્રેસ સામેનાં ટીકાસ્ત્ર જે વિશ્વદર્શનમાંથી છૂટ્યાં હતાં તે જ ધોરણે ભાજપ સામે છૂટી રહ્યાં છે. કૉંગ્રેસની ટીકા મને ભાજપભિલ્લુ નથી બનાવતી તો ભાજપની ટીકા મને કૉંગ્રેસભિલ્લુ નથી બનાવતી. સ્વરાજસૈનિકે વ્યામોહને વશ વર્ત્યા વિના જે સમજાય તે કહેતા અને કરતા રહેવું એ એક સાદા નિયમને વશ વર્તવા મથતા તંત્રી તરીકે બીજું કરી પણ શું શકું. વડાપ્રધાને ૧૯૪૨ અને ૧૯૪૭ વચ્ચેના ગાળાને અનુક્રમે સંકલ્પ અને સિદ્ધિ પર્વ તરીકે ઓળખાવ્યો, અને ૨૦૧૭-૨૦૨૨ને એની સમાંતરે મૂકી આપ્યા. પણ વિકાસ અને કોમી ફસલનાં એમનાં પૅકેજિંગ જોતાં આપણે સારુ નાગરિક છેડેથી કથિત સંકલ્પ અને સૂચિત સિદ્ધિ તળેઉપર તપાસવાં રહે, કેમ કે આખરે તો જેવી પ્રજાજાગૃતિ તેવી સરકાર.
ઑગસ્ટ ૧૧, ૨૦૧૭
સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉગસ્ટ 2017; પૃ. 01, 02 & 15