Opinion Magazine
Number of visits: 9505870
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભાગલાની દાનવતા વચ્ચે માનવતાની મહાગાથા

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|23 August 2017

ભારતની આઝાદીના સિક્કાની બીજી બાજુ છેઃ દેશના ભાગલા. સવાલ ફક્ત ભૌગોલિક ભાગલાનો હોત તો એ કારુણી કદાચ આટલી ઊંડી ન હોત, પણ ધર્મ આધારિત રાજકારણે કોમી હિંસાને ભડકાવી. તેના કારણે સરહદની બન્ને બાજુ ભયંકર હિંસા થઈ. માણસજાત પરથી અને ખાસ કરીને પુરુષજાત પરથી ભરોસો જ ઊઠી જાય એવા સેંકડો બનાવ બન્યા. ભવિષ્યની પ્રજાએ કોમી ઝેરના રાજકારણથી કેમ બચીને ચાલવું જોઈએ, તેના પૂરતા બોધપાઠ વિભાજન સમયની હિંસામાં પડેલા હતા. 

ભાગલા વખતની કંપાવનારી કથાઓની વાત થાય ત્યારે યોગ્ય રીતે જ સઅાદત હસન મંટોની વાર્તાઓનો ઉલ્લેખ થાય છે, પરંતુ મંટોની વિભાજનકથાઓના પ્રેમીઓમાંથી કેટલા ગુજરાતી વાચકોએ કમળાબહેન પટેલનું નામ સાંભળ્યું હશે? અલબત્ત, તેમાં નામ ન સાંભળનારાનો કશો વાંક નથી. એટલું જ કે તે કમળાબહેનના ઉત્તમ પુસ્તકથી વંચિત રહી ગયા તેનો એક ગુજરાતી વાચક તરીકે અફસોસ થાય છે. અહીં કમળાબહેન અને મંટો વચ્ચે લખાણના વિષય સિવાય બીજી કોઈ બાબતે સરખામણી કરવાનો ઇરાદો નથી. છતાં, માનવમનના અંધારા ઓરડા ખોલી આપતી અને સમભાવના અજવાળે તેનો પરિચય કરાવતી મંટોની કલમની માફક, કમળાબહેનનું લખાણ હચમચાવી મૂકે એવું છે–શૈલીની કે સાહિત્યિકતાની રીતે નહીં, પણ તેની સામગ્રી અને કમળાબહેનના પોતાના અનુભવોને લીધે.

ભાગલા વખતે હિંદુ-શીખો અને મુસ્લિમોમાંથી કોણે હિંસાની શરૂઆત કરી ને કોણે વધુ હિંસા કરી એવા હિસાબો કાઢવાનું વ્યર્થ છે. હકીકત એ હતી કે બન્ને પક્ષે ભાન ભૂલીને હિંસા આચરી અને તેનો સૌથી વધારે પ્રમાણમાં ભોગ બની સ્ત્રીઓ. પુરુષપ્રધાન વિચારસરણીમાં સ્ત્રીને સંપત્તિ ગણવામાં આવતી હોવાથી, પુરુષોને પાઠ ભણાવવા માટે પણ સ્ત્રીઓ પર અત્યાચાર કરવામાં આવે છે. ભાગલા વખતે તેમાં એક ઓર સ્તર ઉમેરાયું. બીજા ધર્મની સેંકડો સ્ત્રીઓને બળજબરીથી ઉપાડી જવાઈ. બાળકોનાં પણ અપહરણ થયાં. ચોતરફ અંધાધૂંધી મચી હોય અને સૌ પોતાનું સંભાળવામાં પડ્યાં હોય, ત્યારે અપહૃત સ્ત્રી-બાળકોની સમસ્યા કોણ હાથમાં લે? અને એ પણ દુશ્માનવટથી છૂટા પડેલા દેશ સાથે?

એ મહાકાર્ય મૃદુલા સારાભાઈએ ઉપાડ્યું. અંબાલાલ સારાભાઈનાં પુત્રી અને ડૉ. વિક્રમ સારાભાઈનાં બહેન મૃદુલા ગાંધીવાદી કાર્યકર્તા અને પંડિત જવાહરલાલ નહેરુના અત્યંત નિકટના વર્તુળમાં ગણાતાં. તેમની નિસબત અને પહેલથી ભારત અને પાકિસ્તાન વચ્ચે અપહૃત સ્ત્રી-બાળકો પાછાં મેળવવા બાબતે સત્તાવાર કરાર થયા. આ કામગીરીમાં મૃદુલાબહેનને કેટલીક પ્રતિબદ્ધ બહેનોનો સાથ મળ્યો. તેમાંના એક એટલે નડિયાદમાં જન્મેલાં અને મૂળ સોજીત્રાનાં કમળાબહેન પટેલ. તેમણે મુખ્યત્વે પાકિસ્તાનમાં, એકંદરે અસહકારી અને વિરોધી વલણ ધરાવતી સરકારની સાથે પનારો પાડીને, સ્ત્રીબાળકોની પુનઃપ્રાપ્તિનું જે કામ કર્યું, તેના અનુભવો તેમણે ‘મૂળસોતાં ઊખડેલાં’ શીર્ષક હેઠળ આલેખ્યા. ગુજરાતી વાચકોના કમભાગ્યે ઝવેરચંદ મેઘાણી આઝાદી પહેલાં અવસાન પામ્યા હતા. બાકી, તેમની કમળાબહેન સાથે મુલાકાત થઈ હોત અને કમળાબહેનના ‘મૂળસોતાં ઊખડેલાં’ સહિતના અનુભવો મેઘાણી જેવા પ્રચંડ સર્જકને મળ્યા હોત તો આપણને ‘માણસાઈના દીવા’ની કક્ષાનું, છતાં સાવ જુદા જ વિષયનું ગુજરાતી પુસ્તક મળ્યું હોત.

એ ભલે શક્ય ન બન્યું, પણ તેનાથી ‘મૂળસોતાં ઊખડેલાં’નું મૂલ્ય જરા ય ઓછું થતું નથી. તેમાં આલેખાયેલા સ્ત્રીઓ-બાળકોના પુનઃપ્રાપ્તિકાર્યમાં સ્ત્રીઓની ભૂમિકા મુખ્ય હતી, તે નોંધપાત્ર છે અને ગાંધીયુગમાં જાહેર જીવનમાં સ્ત્રીઓની સામેલગીરી સૂચવે છે. પાકિસ્તાનમાં સ્થિતિ અલગ હતી. કમળાબહેને લખ્યું હતું, ‘પાકિસ્તાન જોઈતા પ્રમાણમાં સ્ત્રી કાર્યકર્તાઓ મેળવવામાં સફળ રહ્યું નહીં. કોઈ પણ ક્ષેત્રે તેમ જ વહીવટી કામ કરી શકે એવી સ્ત્રી કાર્યકર્તાઓ પાકિસ્તાનમાં તે સમયે આંગળીને વેઢે ગણી શકાય એટલી જ હતી. પાક સ્ત્રી કાર્યકર્તાઓની જવાબદારીઓ નિભાવવાનો ભાર ઘણી વખત અમારા તંત્ર પર આવી પડતો. દેશ, ધર્મ, કોમ ઇત્યાદિના ભેદથી ઉપર જઈ અમારા તંત્રની બહેનોએ આ જવાબદારીઓ સફળતાથી પાર પાડી …’

પારકી (પાકિસ્તાનની) ભૂમિ પર, અપહરણ કરાયેલી સ્ત્રીઓને પાછી લાવવાની કામગીરી કેવી હતી, તેનાં વિગતવાર ઉદાહરણની વાત કરતાં પહેલાં, તેનો સાધારણ, ઉપરછલ્લો અંદાજ કમળાબહેનના શબ્દોમાં, ‘ઘર, કુટુંબથી દૂર છાવણીજીવનની કઠણાઈઓ વેઠતાં, પોલીસટુકડી સાથે સમય-કસમયે દૂરદૂરનાં ગામોમાં પુનઃપ્રાપ્તિ માટે જવાનું અને મોટે ભાગે 3-4 કિલોમીટર જેટલું અંતર પગે કાપવાનું. (વાહન ગામ સુધી ન લઈ જવાનો ઉદ્દેશ પોલીસ આવવાની ગંધ લાગતાવળગતાઓને જાય એટલે અપહૃત સ્ત્રીઓને આઘીપાછી કરાતી તે ટાળવાનો હતો.) અપહરણકર્તાને ત્યાં જઈ પોલીસ દમદાટી કરે પણ કાર્યકર્તા બહેનો તો ત્યાં હાજર સર્વની સાથે ભારોભાર સભ્યતા દાખવતી. સૌથી કઠિનતમ કાર્ય તો છળી ગયેલી અપહૃતાના સાંત્વન આપી, સમજાવી, મનાવી પોતાની સાથે આવવા તૈયાર કરવાનું રહેતું. અપહરણકર્તા અને તેમના મિત્રો તરફથી વખતોવખત જાન લેવાની ખુલ્લી ધમકીઓ કાર્યકર્તા બહેનોને મળતી. હર પળે તેમને જાનના જોખમના ભય નીચે જીવવાનું રહેતું.’

અને જેમનું અપહરણ થયું હોય એ સ્ત્રીઓની પીડાની શી વાત કરવી? ‘પોતાનાં સ્વજનો, પતિ, પિતા, ભાઈ વગેરેના હત્યારા સાથે ભયભર્યું જીવન એમણે ગુજારવાનું હતું. એટલું જ નહીં, પણ અપહરણકર્તા અને તેનાં કુટુંબીજનોનો ખુલ્લો તિરસ્કાર (વિધર્મી હોવાનો) નતમસ્તકે સહન કરી એ સૌની સેવામાં ખડે પગે રહેવું પડતું. એનું પોતાનું કહી શકાય એવું ત્યાં કોઈ જ ન હતું કે જેની પાસે તે પોતાનું દુઃખ ઠાલવી મન હલકું કરે. ધા નાખવા માટે કાયદો, કચેરી કે સરકાર એને માટે ન હતાં. કારાવાસમાંથી છૂટવાની આશાનું ઝાંખું કિરણ પણ તેની ક્ષિતિજમાં નજરે ન પડતું. પુનઃપ્રાપ્તિની યોજના શરૂ થઈ છે તે સાંભળીને આ કમભાગીઓને લાગેલું કે આ વળી તેમને ઓલામાંથી ચૂલામાં નાખવાને કોઈ તરકટ ઊભું કરવામાં આવ્યું હતું.’

અવિશ્વાસ ફક્ત પુનઃપ્રાપ્તિ યોજના માટે જ નહીં, પોતાનાં અસલી કુટુંબીજનો વિશે પણ રહેતો. સ્ત્રીઓને મોટી ચિંતા એ રહેતી કે એક વાર ‘વિધર્મી પાસે ભ્રષ્ટ થયા પછી’ કુટુંબીજનો જ સ્વીકાર નહીં કરે તો પોતાનું શું થશે? તેના કારણે ઘણી સ્ત્રીઓ માંડ ગોઠવાયેલી નવી પરિસ્થિતિ છોડીને, પોતાનાં કુટુંબીજનો પાસે પાછા જવાનો ઇન્કાર કરતી હતી. ઘણી સ્ત્રીઓને રસ્તામાં બીજા કોઈના હાથે પડીને (પહેલી વાર કે કેટલાક સંજોગોમાં, વધુ એક વાર) વેચાઈ જવાનો પણ ડર લાગતો. ભારત પાછા ફર્યા પછી પોતાના કુટુંબ સાથે મેળમિલાપ થશે કે નહીં તેની અનિશ્ચિતતા રહેતી. ઘણી વાર કુટુંબના સભ્યો માટે વિવિધ છાવણીઓમાં તપાસ ચલાવવી પડતી.

આટલા ભયંકર સંજોગોની વચ્ચે અને પુરુષપ્રધાન માનસિકતાની શયતાની અભિવ્યક્તિ વચ્ચે માનવમનની ઋજુ અને અટપટી લાગણીઓ કેવી રીતે માર્ગ કાઢતી હતી, તેનાં થોડાં ઉદાહરણ જોઇએ :

– 2 –

વિભાજન, સ્ત્રીઓ પર અત્યાચાર અને ‘લવ જેહાદ’

‘લવ જેહાદ’ શબ્દ જેટલી વાર કાને કે આંખે અથડાય છે, એટલી વાર ‘મૂળસોતાં ઊખડેલાં’ પુસ્તકની યાદ આવે છે.  ગયા સપ્તાહે એ પુસ્તક વિશેની થોડી વાત અહીં કરી હતી. લોહિયાળ-અમાનુષી રીતે ભારતના ભાગલા પડ્યા ત્યારે સ્ત્રીઓ પર મહત્તમ અત્યાચાર થયો. બન્ને બાજુએ મોટા પ્રમાણમાં સ્ત્રીઓનું અપહરણ કરવામાં આવ્યું. એવી સ્ત્રીઓને પાછી લાવવાની, માનવ ઇતિહાસમાં અનોખી અને કપરામાં કપરી કામગીરી મૃદુલા સારાભાઈની આગેવાની હેઠળ શરૂ થઈ. એ કામ ઉપાડનારાં બહેનોમાંના એક એટલે નડિયાદમાં જન્મેલાં અને ગાંધી આશ્રમમાં ઉછરેલાં કમળાબહેન પટેલ. તેમણે ‘મૂળસોતાં ઊખડેલાં’ શીર્ષક હેઠળ, મુખ્યત્વે પાકિસ્તાનમાં રહીને સ્ત્રીઓને પાછી આણવાની કામગીરીનું વર્ણન કર્યું. પણ તેને અને ‘લવ જેહાદ’ને શો સંબંધ?

‘મૂળસોતાં ઊખડેલાં’માં ભાગલા જેવા વિશિષ્ટ સમયખંડમાં, મુખ્યત્વે પંજાબના હિંદુ-શીખ અને મુસ્લિમો ભાન ભૂલીને ભયંકર હિંસા પર ઊતરી આવ્યા હતા, ત્યારની ઘટનાઓ આલેખાઈ છે. એવા અંતિમવાદી અને અકલ્પ્ય માહોલમાં પણ ભાગ પાડવા જ હોય તો ‘હિંદુ અને મુસલમાન’ કે ‘શીખ અને મુસલમાન’ એવા નહીં, પણ ‘પુરુષ અને સ્ત્રી’ — એવા જ પાડી શકાય એમ હતા. દરેકે દરેક કિસ્સો એક અલગ કથા હતો, જેને સમજવા માટે બીજા બનાવની ફૂટપટ્ટી ઉપયોગમાં લઈ શકાતી ન હતી. એટલે કે, સ્ત્રીઓ પર અત્યાચારના બધા બનાવોનું સામાન્યીકરણ કરી શકાતું ન હતું. તેનાથી અનેક ગણા સામાન્ય એવા અત્યારના માહોલમાં જ્યારે પણ હિંદુ છોકરી અને મુસ્લિમ છોકરાના સંબંધ કે લગ્નની વાત આવે ત્યારે ઝાઝી પડપૂછ કર્યા વિના, સીધું ‘લવ જેહાદ’નું બુમરાણ ચાલુ થઈ જાય છે. તેની માટે, યુવતીના ભવિષ્યની ચિંતાની કરતાં પણ વધારે બે બાબતો કારણભૂત હોય છેઃ છોકરીને સંપત્તિ અને છોકરીના લગ્નને કુટુંબની આબરૂનો સવાલ ગણવાની માનસિકતા તથા કોમવાદી લાગણીના જોરે ફૂલતુંફાલતું રાજકારણ.

તેની સરખામણીમાં કમળાબહેને, જરા ય લાગણીજડ થયાં વિના છતાં પૂરા સમભાવથી, એ સમયે તેમની સમક્ષ આવેલા અવનવા કિસ્સા મૂક્યા છે. એક પ્રસંગમાં દિલ્હીના પિતા તેમની યુવાન પુત્રીની શોધમાં લાહોર આવ્યા હતા. તેમની પાસે માહિતી હતી કે લાહોરના એક જાણીતા ઘરમાં તેમની દીકરી હતી. પોલીસની મદદ લઈને છોકરીને પાછી લાવવા જતાં જરા પણ ગંધ આવી જાય તો એ છોકરીને એવી રીતે સંતાડી દેવામાં આવે કે પછી તેનો પત્તો જ ન લાગે. પણ છોકરીના પિતાના એક મિત્ર સ્થાનિક પોલીસ અફસર હતા. તેમની મદદને કારણે, સાંજ સુધીમાં પાકિસ્તાનની પોલીસ એ છોકરીને લઈ આવી અને કમળાબહેન પટેલની છાવણી પર મૂકી ગઈ.  સામાન્ય રીતે પાકિસ્તાની પોલીસનું વલણ સહકારભર્યું રહેતું નહીં. હકીકતમાં બન્ને પક્ષો સામેના લોકોનો વાંક કાઢીને પોતાની આડોડાઈ વાજબી ઠરાવતા અને ‘જાઓ, પહેલે ઉનકા સાઈન લેકર આવો’ જેવી માનસિકતામાં રાચતા.

પણ આ કિસ્સામાં પોલીસ છોકરીને મૂકી ગઈ. કમળાબહેને છોકરીને શાંત પાડ્યા પછી તેની વાત જાણી. તે લાહોર કૉલેજમાં ભણતી હતી ત્યારે મુસ્લિમ જમીનદારના દીકરાના પ્રેમમાં પડી. બન્ને લગ્ન કરવાનો નિર્ણય લીધો, પણ એ દિશામાં કંઈ થાય તે પહેલાં હુલ્લડો થયાં. એટલે છોકરીને લાહોર છોડીને પરિવાર સાથે દિલ્હી જવું પડ્યું. પણ છૂટા પડ્યા પછી બન્નેને ચેન પડતું ન હતું. એટલે પત્રથી નક્કી કરીને તેમણે લગ્નનો ફેંસલો કર્યો. નક્કી થયેલા દિવસે છોકરો વિમાનમાં દિલ્હી આવ્યો અને લગ્ન કરીને છોકરીને લાહોર લઈ ગયો.

એ છોકરીના પિતા અને પુત્ર છોકરીને પાછી મેળવવા માટે લાહોર આવ્યા અને તેમની રજૂઆત પછી લાહોર પોલીસ સાંજે છોકરીને છાવણીમાં મૂકી ગઈ. ત્યાર પછી છોકરાના પક્ષે એવી રજૂઆત કરી કે છોકરી સ્વેચ્છાએ પરણીને આવી છે. પણ તે પહેલાં છોકરીની સોંપણી તેના પિતા અને ભાઈનેે થઈ ચૂકી હતી. એ બનાવને કારણે કમળાબહેનને થોડું સાંભળવાનું પણ આવ્યું. પરંતુ ચારેક દિવસ પછી છોકરીનો જ તેમની પર ફોન આવ્યો. તેણે કહ્યું,‘દિલ્હી મેં રહા ન ગયા. માતાપિતા કો ધોખા દેકર વાપસ આ ગઈ હું. અબ મરને તક યહાં રહુંગી.’

એવી બીજી એક પ્રેમકહાનીમાં મુસ્લિમ યુવતી અને તેના હિંદુ પ્રેમીને કારણે ઘણી ખેંચતાણ ચાલી. મુસ્લિમ યુવતીને ભારતમાંથી પાકિસ્તાન મોકલી આપવામાં આવી હતી, પણ હિંદુ પ્રેમી એ નિર્ણય સ્વીકારી લેવા તૈયાર ન હતો. લાંબી કડાકૂટ પછી છોકરાની જીદ સામે નમતું જોખીને કમળાબહેનની સાથે મૃદુલાબહેન પણ છોકરીના ઘરે ગયાં. પરંતુ તેમની હાજરીમાં છોકરીએ બીજો જ સૂર કાઢ્યો. તેણે મૃદુલાબહેન પર આળ નાખતાં કહ્યું, ‘અમ્મા, વહ બાલકટી ઔરત હૈ વહ મુઝે યહાં આને પર રોક રહી થી …’ અને તેના પ્રેમીના તો ટુકડા કરીને કૂતરાને ખવડાવી દેવાની વાત કરી. આ વાત તેના પ્રેમીને કહેવામાં આવી, પણ તે સ્વીકારી શક્યો નહીં અને ‘દેવદાસ’ બની ગયો.

સ્ત્રીઓની પુનઃપ્રાપ્તિનું કામ પોતાને અનુકૂળ હોય ત્યાં સુધી લોકોને ગમતું, પણ પોતાની નીચે રેલો આવે ત્યારે તે કરગરીને, કકળાટ મચાવીને કે ખિજાઈને પોતાનો કક્કો ખરો કરાવવાની કોશિશ કરતા. કેટલાક લોકો તો બેશરમ બનીને એવી માગણી કરતા કે ‘તમારી પાસે બહુ સ્ત્રીઓ આવે છે. અમને તેમાંથી એકાદ સ્ત્રી તો આપો.’ સામે પક્ષે એવા પણ કિસ્સા હતા, જેમાં અપહૃત સ્ત્રી કમળાબહેન કે તેમના સાથીદારો સાથે પાછા ફરવા ઇન્કાર કરતી. તેમાં બીકનું કે ધાકધમકીનું તત્ત્વ તો સમજી શકાય, પણ કેટલીક સ્ત્રીઓ નવી જગ્યાએ ગોઠવાઈ ગઈ છું. હવે ફરી પાછું ક્યાં અનિશ્ચિતતામાં કૂદવું? આ માણસ મને સારું રાખે છે અને પાછી આવ્યા પછી મારા કુટુંબનું ઠેકાણું નહીં પડે- તેમાંથી કોઈ મને નહીં મળે અને મળ્યા પછી નહીં સ્વીકારે તો હું શું કરીશ?’ એવું કારણ પણ આપતી. 

પુસ્તકમાં આપેલા આંકડા પ્રમાણે, પાકિસ્તાન અને પાકિસ્તાને પચાવી પાડેલા જમ્મુ-કાશ્મીરમાંથી પુનઃપ્રાપ્ત કરાયેલાં સ્ત્રી-બાળકોની સંખ્યા 9,032 હતી, જ્યારે ભારતમાંથી પુનઃપ્રાપ્ત કરાયેલાં અને પાકિસ્તાનને સોંપાયેલાં મુસ્લિમ સ્ત્રી-બાળકોની સંખ્યા 20,728 હતી. આ આંકડો 1947થી 1955 સુધીનો હતો. ત્યાર પછી આ કામગીરી બંધ થઈ. એ દરમિયાન અમાનવીય વર્તણૂકના કંપાવનારા કિસ્સાની વચ્ચે વચ્ચે માણસજાત પરનો ભરોસો સાવ ઊઠી ન જાય અને ટકી રહે એવા પણ કિસ્સા નોંધાયા છે. તે આ પુસ્તકને જુદી ઊંચાઈ આપે છે.

e.mail : uakothari@gmail.com

સૌજન્ય : ‘નવાજૂની’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ’રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 14 તેમ જ 20 અૉગસ્ટ 2017

Loading

23 August 2017 admin
← દેશહિતની મુત્સદ્દીના નામ પર કાશ્મીરીઓની સાથે કરવામાં આવી રહેલી છેતરપિંડીમાં ભારતીય જનસંઘે જો નેહરુને સાથ આપ્યો હોત તો પણ ઇતિહાસ જુદો હોત
મરાઠા આંદોલનના સૂચિતાર્થ →

Search by

Opinion

  • Scrapyard – The Theatreની દસમી વર્ષગાંઠની ઉજવણી
  • ચલ મન મુંબઈ નગરી—313 
  • પ્રદૂષણ સૌથી મોટું હત્યારું તો છે સાથે અર્થવ્યવસ્થા માટે ઘાતક છે !
  • અતિશય ગરીબીને નાબૂદ કરનારું પ્રથમ રાજ્ય કેરાલા
  • સહૃદયતાનું ઋણ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ગઝલ
  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved