વહેતા નદીજળમાં એક ગ્રામકન્યા માથાબોળ સ્નાન કરવા બેઠી હતી.
તેના રૂપનાં કિરણો આખા ઘાટ પર છંટાતાં હતાં. એવામાં એક જુવાન નાવિકે પોતાની હોડી લાંગરી, એ તો કન્યા સાથે વાતે વળગ્યો : ‘આ કયા મુલકને કાંઠે હું આવ્યો છું, હેં બાઇ! તારા રૂપનું અજવાળું ઘાટ પર રેલાઇ રહ્યું છે; કહે, કોની તું કન્યકા છો?’
‘એલા નાવિકડા, તારે શી પંચાત ઇ બધી! બહાનાં જવા દે, ને રસ્તે પડ!’
‘હે નારી, મારે ઘરબાર કરવાં છે, પણ સાથી-સંગી ન મળે. રુદિયાની રાણીની ખોજમાં દેશવિદેશે ભટકું છું.'
'તે રુદિયાની રાણીને રસ્તે રેઢી ભાળી ગયો છો? ઠાલી મીઠી વાતું શેની માંડી છે?' '
અરે બાઇ, આજ વાંકાં વેણ કાં કાઢ? મનની વાત બોલ્યો તે મારો મોટો ગુનો?'
કન્યા બોલી : 'મનની વાત મનમાં રાખીએ. ઘરનો મારગ પકડ. તારા જેવો લાજ વિનાનો જણ નથી જોયો.
' દિવસો વીત્યા. છોકરીને થયું, 'એ દા'ડે તો એ જતો રહ્યો. હું તો રોજ ઘાટે આવું છું, પણ મારો વાલીડો દેખાતો નથી.' એવે ટાણે દૂરથી ગાન-લલકાર સંભળાણા. 'ઓલ્યો જ લાગે છે.' '
આવી પૂગ્યો છું, હું પાછો આવ્યો છું, છોકરી! હું જતો હતો ત્યાં હૈયે અજવાળું થયેલું કે તેં મારા રુદિયાને ઝાલી લીધું છે.'
છોકરીએ બનાવટી છણકો કર્યો : 'બોલવાની રીત રાખ. મારે જાણે તારા રુદિયાને ઝાલવા સિવાય કોઇ કામકાજ જ નહીં હોય!'
'બાઇ, તેં નહીં, તારી નજરુંએ મુંને ઝાલ્યો છે. અરે મારા હૈયાની પંખણી! શું ઠાલી મંડી છો મારા વાંક વીંખવા! હવે મારાથી આ મલક નહીં મેલાય.'
'તારાં અરમાન તો આભે આંબે છે, તારી જીભેથી મધ ઝરે છે. હું તો મૂઇ સાવ મામુલી છોકરી : તને મારી કનેથી શું મળવાનું?'
'લે બાઇ! હસતે મોંએ આવતી રે' સંગાથે. આપણે બેય ગાણાં ગાતાં મારે ગામ જાશું.'
કન્યા તો ઊછળી ઊઠી, બોલી : 'તો પછી લાવ, સાથીડા, તારી હોડી અહીં કાઠે લાવ. મનેય દરિયાની મોજુંને માથે પલાણવા દે, પ્રારબ્ધનાં પારખાં કરવા દે.'
[કેતકી કુશારી ડાયસન નામે બંગાળી લેખિકાએ સંભારેલું નાનપણમાં સાંભળેલું બંગાળી નાવિક-ગીત. અંગ્રેજી પરથી.]
સૌજન્ય : જયંતભાઈ મેઘાણીની ફેઇસબૂક વૉલ પરેથી સાભાર