Opinion Magazine
Number of visits: 9449457
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સૌથી સારો-કે સૌથી ઓછો ખરાબ-ગુજરાતી શબ્દકોશ કયો?

હેમન્ત દવે|Opinion - Literature|2 June 2017

અનન્ય  અર્ધવાર્ષિક ‘સાર્થક જલસો’ના તાજા (આઠમા) અંકમાંથી હેમન્ત દવેનો આ લેખ ઉતારતાં ‘નિરીક્ષક’ આભાર સહ આનંદની લાગણી પ્રગટ કરે છે. હજુ હમણેના મહિનાઓમાં ગૂજરાત વિદ્યાપીઠે, ખાસાં પચાસ વરસના અંતરાલ પછી, સાર્થ જોડણીકોશની નવી (છઠ્ઠી) આવૃત્તિ પ્રકાશિત કરી છે. અનાયાસ એ જ અરસામાં આપણા અઠંગ અભ્યાસી હેમન્તભાઈ મારફતે મળી રહેલ કોશ-સર્વેક્ષણ હજુ આપણે કેવું ને કેટલું અંતર કાપવાનું છે, ભૂલસુધાર ઉપરાંત કેવીક નવી ભોં ભાગવાની છે એની સુપેરે ઝાંખી કરાવે છે. વિદ્યાપીઠે આરંભિક એવું એક મોટું કામ જરૂર પાર પાડ્યું, પણ તે અનેક રીતે પુનર્વિચાર અને નવનિર્માણ માગતું હોય એ પણ સ્વાભાવિક છે. આ પુનર્વિચાર અને નવનિર્માણમાં એક સાથી ગુજરાતી તરીકે ઉપયોગી તેમ સહભાગી થવાની દૃષ્ટિએ અહીં આ લેખ ઉતારવો મુનાસિબ લેખીએ છીએ. અચ્છા પ્રૂફચી વજેસિંહ પારગીની ઓન લાઈન વંચાતી નુક્તેચીની હોય કે હેમન્ત દવેનો અભ્યાસલેખ, આવી સઘળી ટીકાટિપ્પણ સમગ્ર સબબ વિદ્યાપીઠના કુલનાયક અનામિક શાહે વિધાયક પ્રતિસાદ આપ્યો છે ત્યારે પૂરા કદના કોશ કાર્યાલય સાથે વિદ્યાપીઠ આ મહેણું જરૂર ભાંગશે એવી ઉમેદ રહે છે …

જગતનો પ્રાચીનતમ ઉપલબ્ધ શબ્દકોશ નિઘંટુ ભારતે આપ્યો (લગભગ ઈ.પૂ. ૭મી સદી). પર્યાયકોશ કહેતાં થિસોરસની કલ્પના પણ પાશ્ચાત્ય કોશશાસ્ત્રીઓને ભારતના નામલિંગાનુશાસન, એટલે કે અમરકોશ, જેવા કોશ જોઈને આવી. પ્રાચીન અને મધ્યયુગીન ભારતમાં સંસ્કૃતના જેટલા અને જેવા પ્રકારના કોશ તૈયાર થયા. તેવા અને તેટલા કોશ દુનિયાની બીજી કોઈ ભાષામાં એ સમયે થયા નહોતા : અઘરા શબ્દોના કોશ, સમાનાર્થી શબ્દોના કોશ, સમાનાર્થી ક્રિયાપદોના કોશ, નાનાર્થ કે અનેકાર્થ કોશ, એકાક્ષરકોશ, અવ્યય કોશ, શબ્દભેદ કોશ (એવા શબ્દો જેની એક કરતાં વધુ જોડણી પ્રચલિત હોય), દ્વિભાષી કિંવા બહુભાષી કોશ (જેમાં ઈ.સ. ૧૩૬૫માં રચિત ફારસી-સંસ્કૃત કોશનો પણ સમાવેશ થાય), ચિત્રકોશ, વગરે. (૧. સંસ્કૃત ભાષામાં રચાયેલા કોશો વિશે વધારે વિગત જાણવા ઇચ્છતા વાચકે ક્લાઉસ ફોગલનું પુસ્તક જોવું (ફોગલ ૧૯૭૯).

જે શબ્દોનાં મૂળ સંસ્કૃત ધાતુઓમાંથી નિષ્પન્ન કરી શકાયાં. નહીં તેવા, અન્ય ભાષાઓમાંથી આવેલા, શબ્દોના કોશ, એટલે કે દેશ્ય શબ્દસંગ્રહો, પણ આપણે ત્યાં થયા. વિશ્વમાં સૌથી જૂનો અને શાસ્ત્રીય અકારાદિ ક્રમ ભારતમાં શોધાયો હોવા છતાં (સર. દવે ૨૦૧૩-ખ) આ કોશોમાંથી કોઈ કોશમાં એ ક્રમ પ્રમાણે કોશરચના થઈ નથી, એ નોંધીએ.

પ્રસ્તુત નોંધમાં ગુજરાતની કોશપ્રવૃત્તિને જોવાનો ઉપક્રમ છે. કે. કા. શાસ્ત્રીએ એમના બૃહદ્‌ ગુજરાતી કોશના પ્રથમ ખંડની પ્રસ્તાવનામાં બતાવ્યું છે તેમ છેક ઈ.સ. ૧૨૮૦માં ઠક્કુર સંગ્રામસિંહે એમના બાલશિક્ષા ગ્રંથમાં ગ્રંથાંતે તત્કાલે પ્રચલિત કેટલાક અગત્યના ગુજરાતી શબ્દોનો સાર્થકોશ આપેલો. મધ્યયુગમાં પણ આ પરંપરા ચાલુ રહેલી, જે મુગ્ધાવબોધ ઔક્તિક જેવી કૃતિઓ ઉપરથી સ્પષ્ટ છે. ૧૮૦૮માં ડૉ. ડ્રમંડે પ્રકાશિત કરેલી ગુજરાતી શબ્દોની સાર્થસૂચિને જો આપણે કોશરચનાનો અર્વાચીન સમયનો પ્રાથમિક પ્રયત્ન ગણીએ તો આજે એ પ્રયત્નોને બસો દસ જેટલાં વર્ષ થયાં ગણાય. આ દેખીતો જ ઘણો લાંબો સમયગાળો કહેવાય. અપેક્ષા એથી એવી જાગે કે ગુજરાતી ભાષાના અનેકવિધ પ્રકારના ઉત્તમ કોશો આપણી પાસે હશે. કમનસીબે, આ અપેક્ષા સત્યથી બલકે નજીકના ભવિષ્યની સંભાવનાથી પણ ખૂબ વેગળી છે. ગુજરાતી ભાષામાં રચાયેલા કોશો એકભાષી તેમ જ દ્વિ – અને ત્રિભાષી પણ છે; અલબત્ત, અહીં કરાયેલું વિવેચન મુખ્યત્વે ગુજરાતી-ગુજરાતી કોશોને ધ્યાને લઈ કરવામાં આવ્યું છે. વળી, પ્રગટ થયેલા તમામ કોશોનો ચિકિત્સક ઇતિહાસ આલેખવાનો આ નોંધનો ઉદ્દેશ નથી; એ સર્વે કોશ જોયા હોવાનો પણ મારો દાવો નથી. પણ મેં જોયેલા અને જેનો મેં અભ્યાસ કર્યો છે તેવા કોશોને આધારે હું કહી શકું કે ગુજરાતી ભાષાના એ કોશ ધોરણસરના નથી. ૨, આ કોશો વિશે અવારનવાર મેં મારાં લખાણોમાં વાત કરી છે. બે કોશોનાં મેં સવિગત અવલોકનો લખ્યાં છે, તે જિજ્ઞાસુ વાચકે જોવાં (૨૦૦૧, ૨૦૧૩-ક). જહાંગીર સંજાનાએ છેક ૧૯૫૫માં નોંધેલું કે બહુ જ દુર્ભાગ્યની વાત છે કે એક નામ લેવા જેવો કોશ પણ આપણા ગુજરાતી વિદ્વાનો સો વર્ષમાં બનાવી શક્યા નથી (૧૯૫૫ઃ ૯). આજે, સાઠ વર્ષ પછી પણ એ જ કહેવાનું પ્રાપ્ત થાય છે. મેં ન જોયેલા કોશ પ્રમાણભૂત હોય એવી શક્યતા હું કાઢી નાખતો નથી, પણ એ શક્યતા ખૂબ-ખૂબ પાંખી હશે. ૩. મનોજ દરુનો ગુજરાતી-અંગ્રેજી કોશ સારો હોવાનો એક વડીલમિત્રનો અભિપ્રાય છે, પણ એ કોશ મેં જોયો નથી.

આ લખવા છતાં મારે સ્પષ્ટતા કરવી જોઈએ કે આ કોશો એમની પોતાની રીતે ઉપયોગી થાય એવા છેઃ ના મામો કરતાં કહેણો મામો સારો એ ન્યાયે. આ કોશો અંગે એથી કશો ઉતાવળો અભિપ્રાય બાંધતાંપૂર્વે આ કોશોની અહીં કરેલી વિવેચના કોશશાસ્ત્રની પદ્ધતિ અને રચનારીતિની દૃષ્ટિએ છે, એ પણ ધ્યાને રાખવું જરૂરી છે.

જ્યાં સુધી ગુજરાતીના પ્રારંભિક કોશોને લાગવળગે છે, એ કોશો બનાવનાર કાંઈ કોશશાસ્ત્રના જ્ઞાતા નહોતા; એમનો ઉદ્દેશ શબ્દો એકઠા કરી એમની સમજૂતી પૂરી પાડવાનો હતો. એમની પદ્ધતિ, સામાન્ય રીતે, કોઈ એકાદ કે એકાધિક કોશને પ્રતિમાન તરીકે સ્વીકારી ગુજરાતી શબ્દોનો એવો કોશ આપવાની હતી. દેખીતી રીતે જ, એમાં શાસ્ત્રીય ચોકસાઈ અને પદ્ધતિની ઝીણવટ ન હોય. બીજું એ પણ ખરું કે આ કોશો રચાયા, ત્યારે કોશશાસ્ત્રની પદ્ધતિના વિષયમાં ઝાઝો વિચાર થયો નહોતો (સર. દવે ૨૦૦૧ઃ ૫.૦). નર્મદે રચેલો નર્મકોશ અને એ પછી રચાયેલા મોટા ભાગના કોશ આવા પ્રકારના કોશ છે.

ગુજરાતી-ગુજરાતી કોશ બનાવવાનો કદાચ સૌથી મહત્ત્વપૂર્ણ પ્રયત્ન એટલે સાર્થ ગુજરાતી જોડણીકોશ. પ્રારંભે તો એનો ઉદ્દેશ માત્ર જોડણી આપવાનો હતો, અને એ રીતે જોડણીની અરાજકતામાં થોડી વ્યવસ્થા આણવાનો હતો. સરકારે પણ એની જોડણીને માન્યતા આપી, એથી એ સરકારી રીતે પણ માન્ય બન્યો. ત્યાર બાદ એમાં અર્થ ઉમેરીને એને સાર્થ બનાવવામાં આવ્યો. એમાં એ સમયના કેટલાક સાહિત્યિક કર્મશીલોએ કામ કરેલું. પણ જોડણી અને અર્થ વિશે શાસ્ત્રીય રીતે વિચારનારા એ સમયના પંડિતોનો એમાં ગમે તે કારણે સહયોગ લઈ શકાયો નહોતો. વળી, આ કામ સ્વતંત્રતાસંગ્રામ દરમિયાન કરવામાં આવેલું અને એમાં કામ કરનારા કેટલાયે વિદ્વાનો – જેમ કે, મહાદેવ દેસાઈ, કાકા કાલેલકર, નરહરિ પરીખ, વગેરે સ્વાતંત્ર્યસેનાની પણ હોવાથી તેઓ કોશ માટે સંપૂર્ણ સમય કે ધ્યાન ફાળવી શકે તેમ નહોતા; એ કામ એમની માટે ખંડસમયનું હતું. આમ, બધી રીતે જોતાં આ કોશ નબળો બને એમાં નવાઈ નથી. શરમની વાત એ છે કે એ પછી – ભારતદેશ સ્વતંત્ર થયા બાદ, ગુજરાતમાં એક કરતાં વધારે વિશ્વવિદ્યાલયો સ્થપાયાં બાદ અને કોશવિદ્યામાં પદ્ધતિની રીતે મોટાં પરિવર્તનો આવ્યાં પછી – પણ એની જે આવૃત્તિઓ આવી, તે બધી રીતે રેઢિયાળ અને બેજવાબદાર હતી. ૪. અલબત્ત, આપણે સંસ્થાગત મર્યાદાઓ પણ ધ્યાને લેવી રહી. જેમ કે, સાર્થના પ્રકાશકના નિવેદનમાં જણાવાયું હતું કે કોશના કામને અંગે વિદ્યાપીઠમાં કોશવિભાગ ચાલે છે. તેમાં સાધનોની મર્યાદાના કારણે મોટી સંખ્યામાં કાયમી સેવકો રાખી શકાતા નથી. પણ જ્યારે-જ્યારે જરૂર પડે ત્યારે જુદા-જુદા સેવકોને મદદમાં લેવામાં આવે છે. આમ છતાં, બીજી ભાષાઓમાં શાસ્ત્રીય કોશો કેટલાયે વિદ્વાનોએ એકલપંડે તૈયાર કર્યા છે, એ જોતાં કોઈને આ પ્રકારનો બચાવ લૂલો લાગે એ સંભવિત છે.

૧૯૨૯માં સાર્થ ગુજરાતી જોડણીકોશની પ્રથમ આવૃત્તિ આવી અને ૧૯૬૭માં ચોથી સુધારેલી આવૃત્તિ આવી, એ પછી સતત એનાં પુનર્મુદ્રણો જ થયાં કર્યાં, ક્યારેક એમાં શબ્દોની પુરવણી આપવામાં આવી અને ક્યારેક એમાંના વાંધાજનક શબ્દો અને સમજૂતીઓ (વિશેષ કરીને તો જ્ઞાતિઓને લગતી) દૂર કરવામાં આવી. પણ કોશ વધારે ઉપયોગી બને, વધારે ચોકસાઈવાળો અને પદ્ધતિસરનો બને, એવી સ્વાભાવિક દિશાની ગતિને બદલે સમયાંતરે એમાં વધુ ને વધુ છબરડા ઉમેરાતા જ ગયા; ૨૦૧૭માં આવેલી એની નવી આવૃત્તિએ એમાં પોતાનો યથાશક્ય ફાળો આપ્યો છે. કશી જ અતિશયોક્તિ વિના કહી શકાય કે ગુજરાતીના મુખ્ય કોશોમાં સાર્થ. સૌથી નબળા કોશોમાંનો એક છે. ૫. ફરી સંજાનાને ટાંકીએ : શબ્દોની જોડણીની, વ્યુત્પત્તિની, અર્થની સેંકડો એવી ભૂલો આ કોશની ચોથી આવૃત્તિમાં પણ હજી જોવામાં આવે છે. ડ…થ્‌ ગુજરાતી ભાષાની ચિકિત્સક દૃષ્ટિથી વિચારણા કરનારા ભાઈઓને મારી નમ્ર વિનંતી છે કે આ કોશ ઉપર વિશ્વાસ રાખે, તો એક નહીં પણ એકવીસ વાર વિચાર કરીને રાખે (૧૯૫૫ : ૮-૯).

જોડણીના પ્રશ્નો :

આપણે જાણીએ છીએ તેમ સાર્થ.ની કેટલીયે જોડણી પ્રશ્નપ્રેરક, બલકે સદંતર ખોટી છે (જુઓ અંજારિયા ૧૯૯૬). ૬. અહીં જોડણીના અટપટા નિયમોને છેડવાનું મુનાસિબ માનતો નથી. પણ આ કોશ સરકારમાન્ય હોવાથી કે.કા. શાસ્ત્રીના બૃહદ્‌ ગુજરાતી કોશને અને રતિલાલ સાં. નાયકના મોટો કોશને એ જોડણી ખોટી હોવા છતાં અનુસરવાનું થયું છે. રતિલાલ સાં. નાયકે એમના મોટો કોશમાં, એમને પોતાને સાર્થ.ની જોડણી સાથે મતભેદ હોવા છતાં, સાર્થ.નું અનુસરણ કર્યું છે, એ બુદ્ધિગમ્ય પગલું છે. પણ શાસ્ત્રીએ એમ ન કર્યું અને એથી એમને બૃહદ્‌ સાર્થ.નું બીજા ખંડના પ્રાસ્તાવિકમાં લખવું પડ્યું કે, આ કોશમાં સાર્થ જોડણીકોશની માન્ય જોડણીથી કેટલેક સ્થળે જુદી જોડણી અપાઈ છે. આ કોશનો ઉપયોગ કરનાર સૌ કોઈને વિનંતી કે સાર્થ. જોડણીકોશની જોડણી માન્ય ગણે. એનો અર્થ એમ થયો કે બૃહદ્‌.ના વપરાશકર્તાએ સાર્થ. જોડે રાખવો અને જોડણીની ખરાઈ કરી લેવી! ત્યાં જ તેઓ એમ પણ લખે છે કે, અંગ્રેજી શબ્દોના ઉચ્ચાર અને ક્યાંક અર્થ કેટલેક ઠેકાણે શ્રદ્ધેય નથી. એટલે એ ચોકસાઈ કરીને વપરાય એ ઇચ્છવાજોગ છે . અંગ્રેજી શબ્દોના ઉચ્ચાર અને અર્થની ચોકસાઈ સરેરાશ વપરાશકર્તા કરી શકે નહીં એ દીવા જેવું છે, તો એવા વાચકનું શું ? શબ્દકોશની ગણના સૌથી આધારભૂત સંદર્ભગ્રંથોમાં થાય છે, પણ જો એની આધારભૂતતા વિશે એના સંપાદક પોતે શંકા સેવતા હોય, તો એની ઉપયોગિતા મર્યાદિત જ રહેવાની.

સાર્થ ગૂજરાતી જોડણીકોશના મુખપૃષ્ઠમાં ગૂજરાતી અને ગૂજરાત એમ જોડણી છે, છતાં કોશમાં પહેલા જ પાને અ અક્ષરમાં ઉપર મોટા અક્ષરે સાર્થ ગુજરાતી જોડણીકોશ એમ જુદી જોડણી છે. સરેરાશ વપરાશકર્તા આ જોઈને વિચારમાં પડવાનો કે એ જે હંમેશાં જુએ અને લખે છે તે ગુજરાત અને ગુજરાતી સાચી જોડણી કે ગૂજરાત અને ગૂજરાતી ગુજરાત કરતાં ગૂજરાત વધારે સાચી જોડણી એમ એક સમયે ખોટી રીતે પ્રચારમાં આવ્યું અને વિદ્યાપીઠે એ સ્વીકાર્યું; પણ એ સર્વથા માન્ય ન રાખી શકાય એવી જોડણી છે એ ભૃગુરાય અંજારિયાએ બતાવ્યું હોવા છતાં (સર. ૧૯૯૬ઃ ૬૦) એને ધરાર રાખવી એ વિદ્વાનોની આડાઈ જ ગણાય. (શહેર સુરતને બદલે કોઈ સૂરત એવી જોડણી કરે, તો એમાં ગુણપક્ષ એ છે કે સુરત એવી, કોશે માન્યતા આપેલી, જોડણી ખોટી છે અને સૂરત એ શાસ્ત્રીય રીતે સાચી જોડણી છે, પણ અહીં તો એથી ઊલટું  છે!)

અર્થ અને સમજૂતીના પ્રશ્નો :

હવે, આપણા કોશ અર્થ અને સમજૂતી આપવાની દૃષ્ટિએ કેટલા બેજવાબદાર રીતે અશાસ્ત્રીય છે એ જોઈએ. સાર્થ જોડણીકોશની પહેલી જ પ્રવિષ્ટિ લઈએ. એમાં આપેલા અર્થ આ પ્રમાણે છે :

અ પું. (सं.) સંસ્કૃત કુટુંબની વર્ણમાળાનો પહેલો અક્ષર – એક સ્વર (દીર્ઘરૂપ આ) (ર) વિષ્ણુ, બ્રહ્મા, શિવ (…)

પહેલો પ્રશ્ન : સંસ્કૃત કુટુંબ એટલે શું? તમિળ, તેલુગુ, કન્નડ અને મલયાલમ જેવી દ્રાવિડી કુટુંબની ભાષાઓની વર્ણમાળાનો પણ પ્રથમ અક્ષર ‘અ’ જ છે (બલકે સામી ભાષાઓમાં વર્ણમાળાનો પણ પ્રારંભ આલેફ એટલે કે ‘અ’ થી જ થાય છે.) શાસ્ત્રીના બૃહદ્‌.માં વાજબી રીતે સંસ્કૃત કુટુંબ ને બદલે ભારતીય વર્ણમાળા એમ છે, જ્યારે મોટો કોશમાં સાર્થ.નું વગરવિચાર્યું અનુસરણ જોવા મળે છે. એક સ્વર એવી સમજ અપૂરતી અને અધૂરી છે; ત્યાં ઓછામાં ઓછું કંઠ્યસ્વર એટલું તો કહી જ શકાયું હોત. કોશે આપેલો બીજો અર્થ ભયંકર છે. ગુજરાતીમાં ‘અ’ ના અર્થ વિષ્ણુ, બ્રહ્મા અને શિવ એવા થાય છે? થાય છે તો ક્યાં? મોનિયર-વિલ્યમ્ઝના સંસ્કૃત કોશમાં ‘અ’ નો વિષ્ણુ અર્થ આપેલો છે (જે દેખીતી રીતે ઉપજાવી કાઢેલો છે), પણ આપણો કોશ તો કાલ્પનિક અર્થ આપવામાં તો એથીયે આગળ વધ્યો!

સાર્થ.માં અણિમા શબ્દને ‘અણિ(-ણી)’ની પ્રવિષ્ટિમાં મુકાયો છે. યોગની એક સિદ્ધિ તરીકે ‘અણિમા’ એટલે ‘અણુ જેટલું સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરવાની શક્તિ’ એટલું સામાન્ય જ્ઞાન કોશકારમાં અપેક્ષિત ગણાય; અને એ ન હોય, તો કોઈ પણ સંસ્કૃત કોશમાં જોવાથી પણ જાણી શકાયું હોત. આ જોતાં, ‘અણિમા’ની સ્વતંત્ર પ્રવિષ્ટિ હોવી જોઈતી હતી.

મોટો કોશ અર્થ આપવામાં સાર્થ. કરતાં ઘણે અંશે બહેતર છે, છતાં એમાં પણ કેટલાયે શબ્દોના પ્રચલિત અર્થ ન અપાયા હોવાનું જોઈ શકાશે. જેમ કે, ‘અકસ્માત’માં ‘વાહનોનું અથડાઈ પડવું’ એ અર્થ નથી. ‘અથડામણ’નો એક અર્થ ‘સંઘર્ષ’, ‘છમકલું’, વગેરે છે. જેમ કે, બે કોમ વચ્ચે અથડામણ, જૂથ-અથડામણ; ‘અથડાવું’નો તકરાર થવી એવો અર્થ અપાયો હોવા છતાં, આ અર્થ નથી.

‘તાળીમિત્ર’માં ‘માત્ર તાળી પાડી દૂર રહેનાર સ્વાર્થી’ એવી સમજ અપાઈ છે, ત્યાં છેલ્લે મિત્ર શબ્દ મૂકવાની જરૂર હતી. બીજું, ત્યાં ‘તાળી પાડી’ એમ જે સમજૂતી આપી છે, તે ખોટી છે; ત્યાં ‘(વાત વાતમાં) તાળી આપનાર કે મારનાર (અને એથી સદા શારીરિક રીતે સંનિકટ રહેતા છતાં ખરે ટાણે ખસી જતા) મિત્ર’ એમ અર્થ આપવાની જરૂર હતી.

મોટો કોશમાં વનસ્પતિ, પક્ષી, વગેરેની સવિગત સમજૂતી આપવાનો ધ્યાનાર્હ પ્રયત્ન કરાયો છે, દા.ત., જુઓ ‘અગથિયો’ની પ્રવિષ્ટિ. અન્ય કોશમાં આપેલા ‘એક જાતની વનસ્પતિ’ કે ‘એક જાતનું પક્ષી’ એવા અર્થ કશો અર્થ સારતા નથી. છતાં, કેટલીક વાર મોટો કોશમાં પૂરતી, બલકે અપેક્ષિત, ચોખવટ ન થઈ હોવાનું પણ નોંધી શકાશે. ‘પારિજાત(ક)’ની પ્રવિષ્ટિ જુઓ : ‘હારસિંગારનું ઝાડ; તેનું ફૂલ, ખાસ્સું ઊંચું, સમુદ્રમંથન કરતાં નીકળેલાં પાંચ દેવવૃક્ષોમાંનું એક, ઉપરની સપાટી ખરબચડી અને નીચેની સપાટી લીસી હોય એવાં સામસામે જોડમાં ફૂટતાં પર્ણોવાળું, નાનાં સુગંધિત પુષ્પોવાળું, નાના કદનું એક ઝાડ’ … એક જ સમજૂતીમાં ‘ખાસ્સું ઊંચું’ અને ‘નાના કદનું’ એમ પરસ્પરવિરોધી વર્ણન તેમ જ વાક્યનો (દુઃ)અન્વય બન્ને અહીં પ્રશ્નપ્રેરક તો છે જ. વળી, આ વૃક્ષ તે પારિજાત એમ ન જાણનારને આ વર્ણનથી ભાગ્યે જ કાંઈ મદદ મળે; એમાં બીજી કશી સમજૂતી આપ્યા વિના ‘કેસરી દાંડી અને સફેદ પાંદડીવાળાં ખૂબ સુગંધી ફૂલ; એનું ઝાડ’ એટલી જ સમજૂતી આપી હોત તો પણ ચાલત; અથવા એ મતલબનો નાનો ઉમેરો કરવાથી સમજૂતી વિશદ બની હોત.

‘તાબોટો’ની પ્રવિષ્ટિ જુઓઃ ‘ટાબોટો’ (સખત તાપ; તાપોડિયું). આ ‘તાપોડિયું’ પર્યાય ‘તાપોટો’માં પણ છે. ‘તાપોડિયું’ની પ્રવિષ્ટિ કોશમાં નથી. બીજું, ‘ટાબોટો’ એમ પર્યાય આપી કૌંસમાં જે માહિતી આપી છે તેને, ગોળ કૌંસ સામાન્ય રીતે સમજૂતી માટે પ્રયોગમાં લેવામાં આવતો હોવાથી, ‘ટાબોટો’ની સમજૂતી ગણવી કે કેમ એવો પ્રશ્ન થાય. કોશકારે પોતે ગોળ કૌંસ કયા કારણસર પ્રયોજ્યો છે, તેની કશી સ્પષ્ટતા કરી નથી. વળી, એમણે એક નિયમ તરીકે પ્રતિનિર્દેશો કરવાને બદલે સીધા અર્થ આપ્યા હોવાનું જણાવ્યું છે, એ જોતાં અહીં ‘તાબોટો’માં ‘હથેળી અફાળી કરેલો અવાજ’ એવી સમજૂતી આપવાની જરૂર હતી. બીજું, અહીં ‘પંજો પહોળો રાખી’ એટલી વધુ સ્પષ્ટતાની પણ આવશ્યકતા હતી (આંગળીઓ ભેગી રાખી હથેળી અફાળો, તો એ તાબોટો ન કહેવાય).

‘અખંડસૌભાગ્ય’ શબ્દની સમજ ‘સધવાપણું અખંડ રહેવું તે’ અને ‘અખંડસૌભાગ્યવતી’ની સમજ ‘અખંડ સૌભાગ્યવાળી; સધવાપણું (સૌભાગ્ય) ખંડિત ન થયું હોય એવી’ એમ છે. ‘સધવા’નો અર્થ ‘સૌભાગ્યવતી સ્ત્રી’ આપ્યો છે. ‘સૌભાગ્ય’ની પ્રવિષ્ટિમાં ત્રીજો અર્થ ‘સધવાવસ્થા’ આપ્યો છે. હવે, ગુજરાતીમાં આ શબ્દોમાં જે ‘સૌભાગ્ય’ શબ્દનો પ્રયોગ થયો છે, તે કોઈ સામાન્ય સૌભાગ્યનો સૂચક નથી. આ તમામ પ્રવિષ્ટિઓમાંથી પસાર થયા બાદ પણ કોઈને ‘અખંડ સૌભાગ્યવતી’નો અર્થ સમજાશે નહીં. પતિનું જીવંત હોવું એ પત્નીનું સૌભાગ્ય ગણાય છે, એટલે ‘જેનો પતિ જીવંત હોય તેવી સ્ત્રી’ એટલી સમજ પૂરતી હતી. આ અર્થ સાર્થ.માં આપ્યો હોવા છતાં નાયકે એના બદલે વાયવી અર્થ આપ્યા છે એ આશ્ચર્ય!

કોશમાં ‘લેવું’ના ત્રેવીસ અર્થ આપ્યા છે પણ એમાં નર્મદે એમના નર્મકોશમાં સૂચવેલા કેટલાયે અર્થ આમાં આમેજ થઈ શક્યા નથી (દા.ત., ધમકાવવું : સાહેબે પટાવાળાને સખત લીધો). એટલે કલ્પના એમ થાય છે કે કોશ બનાવનાર આપણા વિદ્વાનો જૂના કોશને જોતા નહીં હોય અથવા ઝાઝું મહત્ત્વ આપતા નહીં હોય. જે હોય તે. અહીં ‘લેવું’નો ‘પસંદ કરવું’ એવો અર્થ મુકાયો નથી (‘તું સફેદ ખમીસ લઈશ કે ભૂરું?’ અથવા ‘મેં ગુજરાતી સાહિત્ય લીધું અને રમેશે અર્થશાસ્ત્ર’). અહીં ‘લેવું’ની વ્યુત્પત્તિમાં છાપભૂલ પણ છે.

અજાયબી એ પણ ગણાય કે આપણા કોશ કેટલાયે ગુજરાતી શબ્દોની સમજૂતી અંગ્રેજી પર્યાય દ્વારા આપે છે. જેમ કે, સાર્થ.માં ‘અકરણફલ’ની સમજૂતી ‘રૅશનલ ફંક્શન’ અને ‘અકરણ સમીકરણ’ની સમજૂતી ‘રૅશનલ ઇક્વેશન’ છે! -અને આ એકલદોકલ દાખલો નથી. એનો સાદો અર્થ એ થાય કે કોશ એમ માનીને ચાલે છે કે સાર્થ.નો વપરાશકર્તા અંગ્રેજી જાણે છે અને એના પારિભાષિક શબ્દોથી પરિચિત છે; અથવા સાર્થ.ના વપરાશકર્તાએ કોશ વાપરતી વખતે અંગ્રેજી કોશ પાસે રાખવો અને આવા ‘રૅશનલ ઇક્વેશન’ જેવા શબ્દોના અર્થ એમાંથી જાણી લેવા!

એકવાક્યતાનો અભાવ :

કોઈ પણ શાસ્ત્રીય ઉપક્રમમાં એકવાક્યતા અનિવાર્ય તત્ત્વ ગણાય. પણ એ બાબત સાર્થ જોડણીકોશમાં ઊડીને આંખે વળગે એ રીતે ગેરહાજર છે. કેટલાંક ઉદાહરણો જોઈએ :

સામાન્ય રીતે કોશ સમસંજ્ઞક શબ્દોની વ્યુત્પત્તિ જુદી હોતાં એમની સ્વતંત્ર પ્રવિષ્ટિ આપે છે, જેમ કે, પહેલા જ પાન ઉપર ‘અકલ’ શબ્દની બે સ્વતંત્ર પ્રવિષ્ટિ એમની જુદી વ્યુત્પત્તિને આધારે છે : એક અરબી ‘અકલ’ (બુદ્ધિ) ઉપરથી અને બીજો સંસ્કૃત ‘અકલ’ વિકલ્પે ‘અકળ’ (કળવું, તાગ મેળવવો ઉપરથી). પણ આની સામે એક જ પ્રવિષ્ટિમાં જુદી વ્યુત્પત્તિ ધરાવતા શબ્દો પણ મુકાયા હોવાના અસંખ્ય દાખલા જડશે. જેમ કે, ‘પીઠું’. એમાં (सं.पीठ.) એ વ્યુત્પત્તિનો નિર્દેશ કરી ‘બજાર કે દુકાન (ખાસ કરીને લાકડાંનું કે દારૂતાડીનું)’ એવો અર્થ આપ્યો છે અને ત્યાર બાદ (૨) લખી, એટલે કે બીજો અર્થ સૂચવી (सं. पिष्ठ, प्रा. पिठ्ठा) એવી વ્યુત્પત્તિ આપી એનો અર્થ ‘અડદની વાટેલી દાળનું ખીરું’ એમ આપ્યો છે.

ખરું જોતાં, આવા સમસંજ્ઞક શબ્દોમાં ૧, ૨, ૩ એવો ક્રમ આપવો ઉપયોગી બને. સાર્થ.માં એનો ઉપયોગ થયો પણ છે. જેમ કે, ‘નવ’ની પ્રવિષ્ટિ જુઓ. ત્યાં શાસ્ત્રીય રીતે નવ૧ (= નવું, નવીન) અને નવ૨ (= ૯) એમ છે. પણ ‘પાક’ની ત્રણ જુદી પ્રવિષ્ટિમાં આવા ક્રમ નથી. આવા તો બીજા અનેક દાખલા ઉમેરી શકાય.

બૃહદ્‌માં સરખી જોડણી ધરાવતા શબ્દોને જુદા પાડવા માટે ક્રમની વ્યવસ્થા સ્વીકારવામાં આવી હોવા છતાં એનો અનાદર નાયકના મોટો કોશમાં જોઈ શકાશે. જેમ કે, ત્યાં ‘ભૂતકાલીન’ અને ‘વૈરાગી બાવો’ એવા બે જુદા અર્થ માટે ‘અતીત’ની તેમ જ ‘સુગંધી દ્રવ્ય’ અને ‘અહીં’ એવા અર્થના ‘અત્તર’ શબ્દની બે જુદી-જુદી પ્રવિષ્ટિ છે, પણ એમાં ક્રમનિર્દેશ નથી (સર. ‘અદન’). ખરું જોતાં, શાસ્ત્રીય પદ્ધતિની પરંપરા રચાવી જોઈએ, પણ ગુજરાતના કિસ્સામાં નવી પેઢી કેટલીયે વાર જૂની પેઢીએ સ્થાપેલી સુવ્યવસ્થાની અકારણ ઉપેક્ષા કરે છે અને એથી બિનજરૂરી રીતે, દર વખતે, આપણે એકડેએકથી શરૂઆત કરવાની ફરજ પડે છે.

મોટો કોશ-માં અડધુંનો એક અર્થ ‘અરધુંનો ઘડિયો’ આપ્યો છે. ‘અડધું’ની વૈકલ્પિક જોડણી ‘અરધું’ છે એ ખરું, પણ એક જ પ્રવિષ્ટિમાં બે જુદા-જુદા વિકલ્પોનો પ્રયોગ કરવો એ શાસ્ત્રીયતા નથી. બીજું, ‘અરધુંનો ઘડિયો’ વ્યાકરણીય રીતે ખોટો પ્રયોગ છે, ‘અડધાનો ઘડિયો’ જોઈએ (સર ‘સોનું’ અને ‘સોનાનો દોરો’, પણ *‘સોનુંનો દોરો’ નહીં). ‘અખાડી’નો અર્થ ‘અષાઢ માસની’ અપાયો છે. કોશકારના મનમાં આ પ્રવિષ્ટિ કરતી વખતે ‘અખાડી પૂનમ’ શબ્દ રમતો હશે એમ લાગે છે, અન્યથા વિશેષણ નિયમ પ્રમાણે નાન્યતરમાં – અષાઢ માસનું – એમ હોવું જોઈએ.

પ્રતિનિર્દેશના પ્રશ્નો :

કોશમાં પ્રતિનિર્દેશ સમય અને સ્થળ બન્નેની બચત કરે છે અને કોશ વૈકલ્પિક જોડણીઓમાંથી કઈ જોડણીને પ્રાધાન્ય આપે છે, એ પણ એમાં સ્પષ્ટ થાય છે. આવા પ્રતિનિર્દેશ આપતી વખતે સમસંજ્ઞક શબ્દોને આપેલા ક્રમ ઉપયોગી નીવડે એ ચોખ્ખું સમજાય એવું છે. જેમ કે, સાર્થ.માં ‘નવડો’ અને ‘નવનવું’માં અનુક્રમે નવ૨ (= ૯) અને નવ૧ (= નવીન)નો પ્રતિનિર્દેશ છે. પણ બધે આવું થઈ શક્યું નથી. જેમ કે, ‘અકલી’ શબ્દની પ્રવિષ્ટિમાં ‘અકલ’નો પ્રતિનિર્દેશ આપ્યો છે, ત્યાં એ શબ્દની બે પ્રવિષ્ટિમાંથી ‘જુઓ ‘અકલ’ સ્ત્રીમાં’ એમ લિંગનો નિર્દેશ કરી, અશાસ્ત્રીય રીતે, સ્પષ્ટતા સાધવાનો પ્રયત્ન છે. કોઈ-કોઈ સ્થળે તો સ્પષ્ટતા જ ન કરવાની બેપરવાઈ પણ જોવાશે. ‘અક્ષ’ની બે પ્રવિષ્ટિ છે, વિશેષણ તરીકે (ખૂટે નહીં તેવા; ‘અક્ષય’ના અર્થની) ૭. અહીં ચોરસ કૌંસમાં (૫) એવો નિર્દેશ છે, જેની સમજ પદ્યમાં વપરાતો (શબ્દ) એમ અપાઈ છે. કોશમાં પ્રવિષ્ટિ બાદ તરત ચોરસ કૌંસનો ઉપયોગ વ્યુત્પત્તિ સૂચવવા માટે કરાયો છે, તે જોતાં અહીં આ કૌંસનો ઉપયોગ ચિંત્ય બને છે. અને નામ તરીકે ‘પાસો’, વગેરેના અર્થની આગળ, ‘આંખ’ના અર્થના ‘અક્ષિ’ શબ્દમાં કૌંસમાં સૂચના મુકાઈ છે કે ‘સમાસને અંતે ‘અક્ષ’ રૂપ આવે છે. જુઓ અક્ષ’. પણ અહીં (વિશેષણ કે નામ એ) બે ‘અક્ષ’માંથી કઈ પ્રવિષ્ટિ જોવી એની કશી સ્પષ્ટતા નથી. ૮. એનો સંદર્ભ ‘અક્ષ’ નામની પ્રવિષ્ટિમાં પાંચમા અર્થમાં છે. ત્યાં ‘આંખ [સમાસને અંતે, ઉદા. ‘કમલાક્ષ’. એકલો પ્રાયઃ પદ્યમાં’ એમ સૂચના છે. ‘પ્રાયઃ પદ્ય’ માં તો સમજ્યા પણ ‘એકલો’ એટલે શું તે (મને) સ્પષ્ટ થતું નથી. બીજું, ‘મીનાક્ષી’ કે ‘મૃગાક્ષી’ જેવા શબ્દોમાં ‘અક્ષી’ (सं. अक्षिन) સમાસ રૂપે પ્રયોજાય છે, તેની કશી જ સ્પષ્ટતા નથી.

બીજા ઉદાહરણ રૂપે ‘અગડ’, વગેરે ટાંકી શકાય. આની સામે ‘ધૂનિ’ માં ‘જુઓ ધૂન ૧, ૨, ૩’ એમ સૂચના છે જે ‘ધૂન’ના જુદા-જુદા અર્થો સૂચવે છે!

પ્રતિનિર્દેશ સાર્થ જોડણીકોશનાં સૌથી નબળાં અંગોમાંનું એક છે. દા.ત. ‘અકલમંદ’ની પ્રવિષ્ટિમાં ‘જુઓ ‘અકલ’(સ્ત્રી.)માં’ એમ પ્રતિનિર્દેશ છે. – અને ‘અકલમંદ’ સામે ‘અક્કલમંદ’નો પ્રતિનિર્દેશ છે! બીજું ઉદાહરણઃ ‘અકાલીનતા’માં ‘અકાલીન હોવું તે’ ઉપરાંત ‘કાલવિપર્યાસ’ અને ‘ઍનૅક્રૉનિઝમ’ એમ અર્થ આપેલા છે. (‘અકાલીન’નો અર્થ કવખતનું). ‘કાલવિપર્યાસ’માં ‘કાલક્રમદોષ’નો પ્રતિનિર્દેશ છે, જ્યાં ‘કાળની ક્રમગણનામાં કે સમજમાં દોષ’ અને ‘ઍનૅક્રૉનિઝમ’ એમ અર્થ આપેલા છે. મુદ્દો એ છે કે જે શબ્દમાં સમજૂતી આપવામાં આવી હોય, તે મુખ્ય શબ્દનો જ પ્રતિનિર્દેશ અપાવો જોઈએ. ઘણી વાર પ્રતિનિર્દેશમાં મૂકેલો શબ્દ કોશમાં સમાવિષ્ટ જ ન થયો હોય એમ પણ બન્યું છે. જેમ કે, ‘કાકઋષિ’માં પર્યાય ‘કૂકડિયો કુંભાર’ અને ‘કાચબી,-બો’ મા’ ‘એક જળચળ પ્રાણી’ અર્થ આપેલો છે. કોશમાં ‘કૂકડિયો કુંભાર’ કે ‘જળચળ’ શબ્દ નથી!

આવું થવાનું એક કારણ એ છે કે આ કોશ જુદી-જુદી વ્યક્તિઓના સહયોગથી બન્યો છે. શાસ્ત્રબુદ્ધિ ધરાવતી વ્યક્તિએ શાસ્ત્રીય રીતે કામ કર્યું છે જ્યારે ચીવટ વિનાની વ્યક્તિએ અણઘડ રીતે. અસરકારક સંપાદન દ્વારા આવા છબરડા નિવારી જ શકાયા હોત. કોશનું મુદ્દલ સંપાદન થયું નથી, એવું વિધાન કદાચ કોઈને આત્યંતિક લાગે તો પણ કરવામાં કશું ખોટું નથી. સ્પષ્ટ છે કે કોશ તૈયાર થયા બાદ, અને એની ચાર-ચાર જેટલી આવૃત્તિઓ અને પુનર્મુદ્રણો થયાં હોવા છતાં કોઈ વ્યક્તિ ચોકસાઈથી અને ઝીણવટપૂર્વક આ કોશને સાદ્યંત તપાસી ગઈ નથી.

શાસ્ત્રીયતાના પ્રશ્નો :

કોશમાં અકારાદિ ક્રમની ચુસ્તી હોય એમ કહેવાની પણ આવશ્યકતા ન હોય. છતાં, સાર્થ.માં ‘અગિયારી’ની બે જુદી પ્રવિષ્ટિની વચ્ચે ‘અગિયું’ની પ્રવિષ્ટિ ઘૂસી ગયેલી દેખાય છે. એ જ રીતે, મોટો કોશમાં ‘છરી’ની પ્રવિષ્ટિ પછી ‘ડ’ રી પાલકસંઘ’ની પ્રવિષ્ટિ છે. અંકથી શરૂ થતા શબ્દ અકારાદિ ક્રમ પૂર્વે આવે એ સર્વમાન્ય નિયમ પ્રમાણે આ ‘ડ’રી પાલકસંઘ’ વર્ણમાળાપૂર્વે, એટલે કે અપૂર્વે, આવવો જોઈતો હતો. આશ્ચર્યકારક રીતે, આ કોશોમાંથી એકે કોશમાં ‘૧લું’, ‘૬ઠ્ઠું’ , જેવા લખાણમાં વ્યાપક રીતે પ્રયોજાતા શબ્દો સમાવાયા નથી.

શબ્દોની સમજૂતીમાં જે શબ્દો પ્રયોજાયા હોય, તે શબ્દ કોશમાં હોવા જ જોઈએ. આ અનિવાર્ય શરતનું પાલન આપણા કોશોમાં કેટલીયે વાર થતું નથી. દા.ત., મોટો કોશમાં ‘અદરાવવું’નો અર્થ ‘પારસીઓમાં વેશવાળ કરાવવું’ એમ છે, પણ ‘વેશવાળ’ની પ્રવિષ્ટિ નથી, એટલે કોઈ સમજે તો પણ શું સમજે. કોઈને આ ‘વેવિશાળ’ને બદલે થયેલી છાપભૂલ છે એમ લાગે તો એ અડસટ્ટો ખોટો ન પડે. સાર્થ.માં, અને બૃહદ્‌માં સૌ. એવી સ્પષ્ટતા સાથે ૯ સૌ. એ સૌરાષ્ટ્રીનો ટૂંકાક્ષર લાગે છે. બીજા ખંડમાં સંપૂર્ણ સંકેતાક્ષરી આપવામાં આવશે એવી નોંધ પ્રથમ ખંડમાં કરાઈ છે, પણ એ કામ થયું લાગતું નથી. સૌ. ખંડ ૧માં નથી. એનો ‘વેવિશાળ’ અર્થ આપ્યો છે. ખરું જોતાં પ્રચલિત શબ્દ ‘વેવિશાળ’ (અથવા તો સગાઈ) હોવાથી એ જ શબ્દ સમજૂતીમાં મુકાવો જોઈતો હતો.

સાર્થ.માં ચ વર્ગના અનુનાસિક ‘ઞ’ માં આપેલું ઉદાહરણ ‘વાઙ્‌મય’નું છે, એને પણ સામાન્ય બુદ્ધિની બલિહારી ગણવી.

આપણા કોશકારો કોશમાં શાને સ્થાન હોય અને શાને નહીં તે વિશેનો આવશ્યક વિવેક પણ જાળવતા નથી. દા.ત., મોટો કોશમાં ‘સર્જન’ની પ્રવિષ્ટિમાં કોશકાર નોંધ મૂકે છે : ‘પુરવણીમાં વિદ્યાપીઠે ‘સર્જ્યન’ જોડણી આપી છે. બૃહદ્‌ કોશમાં કે.કા. શાસ્ત્રીએ પણ ‘સર્જન’ સાથે ‘સર્જ્યન’ જોડણી આપી છે’. એ જ પાન ઉપર સામે ‘સર્વતોભદ્ર’ની પ્રવિષ્ટિ જુઓઃ ‘કોઈ સવળે કે અવળે વાંચીએ, તો એમ જ રહે એવા વાક્યને માટે આ શબ્દ વાપરે છે, પણ એને બદલે અનુલોમપ્રતિલોમ યમક શબ્દ વાપરવો યોગ્ય છે. ઉદા. લીમડી ગામે ગાડી મલી.’ આ બન્ને વધારાની ટિપ્પણીઓને કોશમાં સ્થાન ન હોય.

સાર્થ.માં અંગ્રેજી ‘ઠ’ ઍક્સ ને બદલે સાવ ખોટી રીતે ‘ક્ષ’ મુકાયો છે. વાજબી રીતે નાયકના મોટો કોશમાં એને બદલીને ‘ક્સ’ અને ‘ક્શ’ કર્યા છે (અલબત્ત, કોશમાં ‘કસ’ અને ‘કશ’ એમ બન્ને શબ્દમાં ‘ક’ આખા મુદ્રિત થયા છે, સર પૃ.૧૫).

વ્યુત્પત્તિના પ્રશ્નો :

વ્યુત્પત્તિની દૃષ્ટિએ સાર્થ. પ્રથમ મહત્ત્વનો પ્રયત્ન હતો, પણ એમાં કેટલીયે તરંગી વ્યુત્પત્તિઓને સ્થાન આપવામાં આવ્યું છે. વળી, સમયાંતરે નવાં સંશોધનો તરફ બેપરવાઈ દાખવવાને કારણે ચોખ્ખી વ્યુત્પત્તિ એમાં આમેજ થઈ શકી નથી. કે.કા. શાસ્ત્રીના બૃહદ્‌માં વ્યુત્પત્તિઓ વધારે સંઘરાઈ છે, પણ એમાં કાલ્પનિક વ્યુત્પત્તિઓનું પ્રમાણ બેહદ છે. આ બન્નેની સરખામણીએ મોટો કોશમાં પ્રમાણમાં ઓછી વ્યુત્પત્તિઓ હોવા છતાં એ નવાં સંશોધનોને ધ્યાને રાખી સંશોધિત કરાઈ હોવાથી પ્રમાણમાં આધાર રાખી શકાય તેવી છે. રણછોડભાઈ નાયકનો ફારસી શબ્દોનો સાર્થ વ્યુત્પત્તિકોશ સાર્થમાં અરબી-ફારસી મૂળના શબ્દો તરીકે નોંધાયેલા શબ્દોને જ ધ્યાને લેતો હોવાથી સાર્થ.માં એ મૂળના હોવા છતાં ન નોંધાયેલા શબ્દો એમાં આવી શક્યા નથી.

સમગ્ર રીતે જોતાં, રતિલાલ સાં. નાયકનો મોટો કોશ ગુજરાતી ભાષામાં વર્તમાને ઉપલબ્ધ બીજા બધા કોશો કરતાં સારો છે, એમ કહી શકાય. મોટો કોશમાં કોશની સાથે-સાથે અનેક પ્રકારનાં પરિશિષ્ટો આપેલાં છે. તે વિદ્યાર્થીને ખૂબ ઉપયોગી થઈ પડે તેવાં છે.

સંદર્ભસૂચિઃ

• રતિલાલ સાં. નાયકના મોટો કોશની ૨૦૧૨ની આઠમી સંવર્ધિત આવૃત્તિ ઉપયોગમાં લીધી છે. સાર્થ જોડણીકોશની ૧૯૬૭ની ચોથી આવૃત્તિનું ૨૦૦૩નું પાંચમું પુનર્મુદ્રણ અને બૃહદ્‌ ગુજરાતી કોશનું ૨૦૧૬નું પુનર્મુદ્રણ ઉપયોગમાં લીધાં છે.

• આચાર્ય, શાંતિભાઈ. ૧૯૭૫. ગુજરાતી ભાષામાં શબ્દકોશની પ્રવૃત્તિ. સંબોધિ ૪ (૧)ઃ ૧૫-૨૯.

• અંજારિયા, ભૃગુરાય. ૧૯૯૬. જોડણીકોશ વિશે. સંપા. જયંત કોઠારી અને સુધા અંજારિયા.

• દવે, હેમન્ત. ૨૦૦૧. ઘણો ઉપયોગી કોશઃ -અને શાસ્ત્રીયતા. (ભાનુસુખરામ મહેતા અને ભરતરામ મહેતા (સં.) ધ મૉડર્ન ગુજરાતી-ઇંગ્લિશ ડિક્શનરી વિશે સમીક્ષાલેખ.) પ્રત્યક્ષ ૧૦ (૩)ઃ ૨૫-૩૪.

• દવે, હેમન્ત. ૨૦૧૩-ક. એંસી વર્ષે પણ ઠેરના ઠેર! યોગેન્દ્ર વ્યાસ (મુખ્ય સંપાદક), ગુજરાતી શબ્દાર્થકોશનું અવલોકન. પ્રત્યક્ષ ૨૨ (૧)ઃ ૧૮-૨૮.

• દવે, હેમન્ત. ૨૦૧૩-ખ. ગુજરાતી કક્કો શા માટે સર્વોત્તમ છે? સાર્થક જલસો, પુસ્તક ૧, દિવાળી, ૨૦૧૩, પૃ. ૫૧-૫૫.

• વ્યાસ, વિઠ્ઠલરામ ગોવર્ધનપ્રસાદ. ૧૯૩૪. ગુજરાતી ભાષાના શબ્દકોશ. ગ્રંથ અને ગ્રંથકાર ૫ : ૬૫-૧૦૯.

• સંજાના, જ. એ. ૧૯૫૫. ગુજરાતી પર અરબી-ફારસીની અસર, ભાગ-૧લાનું અવલોકન. ફાર્બસ ગુજરાતીસભા ત્રૈમાસિક ૨૦ (૧-૨)ઃ ૧-૧૦.

• Vogel, Claus. 1979. Lexicography. Wiesbaden: Harrossowitz

E-mail : nasatya@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2017; પૃ. 09-13

Loading

2 June 2017 admin
← વર્તમાન પરિસ્થિતિમાં સાહિત્યની સંસ્થાઓ પ્રતિ
નોટબંધીની સત્તાવાર ફળશ્રુતિ; ખાયા પિયા કુછ નહીં, ગિલાસ તોડા બારહ આના →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved