હસમુખભાઈ સાથેની મારી ઓળખાણ ભરત નાટ્યપીઠમાં જ.ઠા.ને કારણે થયેલી. ભરત નાટ્યપીઠ સંસ્થા ત્યારે પૂરબહારમાં હતી. ત્યાં હું જતો આવતો હતો. એક મિટિંગમાં જ.ઠા.એ હસમુખભાઈનો મને પરિચય કરાવ્યો. ત્યારે હું એમનાથી ખાસ પ્રભાવતિ થયો ન હતો. પણ એ મિટિંગમાં મેં એમની દલીલો સાંભળી. તે વેળાએ ચોક્કસ જ પ્રભાવિત થયો હતો. ગુજરાતમાં નાટક છે એવો એમનો વિશ્વાસ, એ સામેની ખોટી કાગારોળો, નટ અને પ્રેક્ષકો વચ્ચે દેખાતો દંભી સંબંધ, કુશળ ડાયરેક્ટર એટલે શું વગેરે અંગેની એમની દલીલો, આક્રોશો ઇત્યાદિ કોઈને પણ પ્રભાવિત કરે એવા હતા. પછી તો પરિચય ઉત્તરોત્તર વધતો ગયો. એક દિવસ મેં જ.ઠા. સમક્ષ હસમુખભાઈનાં વખાણ કર્યા. એમની દલીલોને બિરદાવી. ત્યારે જ.ઠા.એ હસતાં હસતાં કહ્યું : બારાડીને પાછા રશિયા મોકલી દેવાના છે.
જ.ઠા.એ ભલે મજાકમાં ઉપરનું વિધાન કર્યું હતું પણ એમાં જે ગંભીરતા હતી તે મને સમજાવા લાગી. ગંભીરતા એ હતી કે અહીં જે ખ્યાલોથી નાટકનું વાતાવરણ બનેલું છે તે કરતાં હસમુખભાઈના વિચારો જુદા હતા.
માટે ટૂંકમાં કહેવું હોય તો એમ કહું કે એ એક ‘સત્યનિષ્ઠ નાટ્યકર્મી’ હતા. તેઓ માનતા કે નટને પૂરતી સ્વતંત્રતા મળવી જોઈએ – એને રિહર્સલ કે થિયટર હૉલ માટે લાચાર થઈને ઊભા રહેવું ન પડે. નટનું પોતાનું થિયેટર હોય, કોઈ પણ જાતની રોકટોક વગર એ નાટક લખી-ભજવી શકે. એવું એમનાં મનમાં એટલી હદે હતું કે એ માટે જરૂર પડે એમણે લડતો પણ આપી છે. સેન્સર-બોર્ડ સામેની એમની લડતો, ‘બુડ્રેટી’ની સ્થાપના કે ‘નાટક’ નામના સામયિકનું આવવું એ એમના વિચારો તથા એમની લડતો ઇત્યાદિને સાચવવા માટેનાં સ્મારકો છે.
ઉપર કહ્યું ત્યાં સુધી પહોંચતા એમને અપ્રિય પણ થવું પડતું હતું. કદાચ તેથી જ તો તેઓ સંસ્કૃત રંગભૂમિ ઊભી કરવાનું એમનું સ્વપ્ન પૂરું કરી શક્યા ન હતા.
નાટક પ્રત્યેનો એમનો પ્રેમ છૂપો રહી શકે એવો હતો. તક મળે તે ખુલ્લો થયા કરતો. નાટક અંગે કામ કરનારા દરેકે દરેકની સ્વતંત્રતાના એ ચાહક હતા. આ અંગે તેઓ કહે છેઃ “… કામ કરે છે એને કામ કરવા દઈએ, એને કોઈ સાધનસંપત્તિની ખોટ ન પડે એ જોઈએ. એનું કામ અધૂરું કે એના તારતમ્યો ફક્ત સામાયિક હશે તોપણ એણે સાચવ્યું છે અને વાત કરવાની હિંમત દાખવી છે એટલા પૂરતી પણ અમે એની પીઠ થાબડીશું અને ઝઘડો કરવો હશે ત્યારે એને જ સામે બેસાડીને કરી લઈશું, પરંતુ સાહિત્યેતર કે નાટ્યેતર રસહિત ધરાવનારાઓએ આમાં માથું મારીને કામ કરતાં કોઈને રોકવા ન જોઈએ એવું અમારું સ્પષ્ટ માનવું છે.”૧
૧૯૮૨માં મારું પુસ્તક ‘રૂપિત’ પ્રગટ થયું ત્યારે, પુસ્તકના વેસ્ટની પાંખ પર વિશિષ્ટ પ્રકારના આ નાટક વિવેચનની, બારાડીએ ખૂબ પ્રશંસા કરેલી. પણ એ પ્રસંશા કરતાં એમને પોતે જ સ્વીકારતા નથી તેને સહૃદય મિત્રભાવે છુપાવ્યું છે એમ કોઈ ન માને; દા.ત. ‘જસમા : લોકનાટ્ય પ્રયોગ-શિલ્પની દૃષ્ટિએ’ વિશે લખતાં ‘એબ્સર્ડ’ વિશે શોધવું વગેરે વાતો એમને વિચાર કરવા પ્રેરે છે.૨ મારા અભ્યાસની પ્રામાણિકતા તેઓ સ્વીકારે છે.૩ અને મેં વિસ્તૃત નોંધો, તારતમ્યો વગેરે શાત્રીય રીતે પેશ કર્યા છે.’ એમ પણ કહે છે૪ ‘છતાં “બુદ્ધિપ્રકાશ” ૧૯૯૦, મે માં ‘જસમા : લોકનાટ્ય-પ્રયોગો-શિલ્પની દૃષ્ટિએ’ વિશે લખે છે : જે તે શું છે. કેવું છે – એનો દસ્તાવેજ અને એને શાત્ર બનાવી શકાય એવો મસાલો કડકિયાએ આપ્યો છે.૫ એટલું કહે છે. તેઓ એને શાસ્ત્ર તો કહેતા નથી. આ તટસ્થતા એમના અન્ય લેખોમાં પણ વરતાય છે.
એમના ગ્રંથો અંગે હું વિવેચન કે સંશોધન કરું એવો આગ્રહ સતત એઓ રાખતા. અને એ રીતે મેં એમનાં નાટકો અને બીજા ગ્રંથો અંગે ‘સ્વાધ્યાય’ તથા બીજે પણ વખતોવખત લખ્યું હતું. વ્યાખ્યાનો દ્વારા પણ કહેવાનું બન્યું હતું; ‘શકાર મહાઅવતાર : એક સમીક્ષા૬’ એ લેખ મેં “સામીપ્ય” ઑક્ટોબર ’૯૪ – માર્ચ, ‘૯૫માં લખ્યો હતો. ‘રૂપકિત’માં નાટક સરીખો નાદર હુન્નર’ જે ગ્રંથસ્થ છે તે વસ્તુતઃ તો આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર પરથી ‘ગ્રંથનો પંથ’માં પ્રસારિત કરેલ વ્યાખ્યાન પરથી સુધારા વધારા સાથે લખેલ છે૭. મને સમય ન હોય તો તેઓ રાહ પણ જોતા; એક વાર મધુસૂદન પારેખનો મારા પર ફોન આવ્યો : ‘બુડ્રેટી’ના પ્રકાશનો અંગે તમે લેખ કરી આપો. હું એવા કામોમાં અટવાયો હતો કે મેં ના પાડી. મધુસૂદનભાઈએ કહ્યું કે ‘બારાડીનો એવો આગ્રહ છે કે તમે જ લખો.’ મેં કહ્યુંઃ હું છ-એક માસ સુધી તો લખી શકું એમ નથી. મધુસૂદનભાઈઃ અમે લેખની રાહ જોઈશું. છ માસ પછી, આ સંદર્ભે, બારાડીનો ફોન આવ્યો. મને એમ કે બારાડીએ આ વાત છોડી દીધી હશે. પણ એમણે ધીરજ રાખી હતી અને મેં લેખ લખ્યો. ધીરજ અંગેની એમની આવી અસાધારણ શક્તિનો મને વારંવાર અનુભવ થયો છે છતાં આ, ઉપર જે ટાંક્યો છે તે, પૂરતો ગણીને, બાકીના પડતા મૂકું છું.
હસમુખભાઈ પાસેથી સતત નવું શીખવાનું મળતું. ‘નાટક સરીખો નાટક હુન્નર’ તપાસો. જે આ બાબતની નોંધ માગી લે એવો, પુરાવો છે. ‘સીનરી’ વગેરે બાહ્ય પડો વીંધી નાખવા, નટ અને પ્રેક્ષકોની જીવંત ભાગીદારી, નવી દિશા, નવા ઉન્મેષો, તેમ કેટલીક સૈદ્ધાંતિક વાતો એમણે કરી છે. વ્યાખ્યાનો દરમિયાન પણ એમણે ઘણી વાર એ કહ્યું છે. પ્રોસિનિયમ આર્ક સામે તો ઠીક ઠીક આક્રોશ ઠાલવ્યો છે અને આર્ત ચીસો પાડી છે – એમ લાગે કે એ સંદર્ભમાં તેઓ પોતાના વિચારો છોડી શકે એમ નથી. પણ એમ ન હતું. યથાસમયે તેઓ પોતાના વિચારો છોડતા. એમના એવા એક વ્યાખ્યાનમાં પ્રશ્નોત્તરી દરમિયાન મેં કહેલુંઃ પ્રોસિનિયમ આર્ક સામે ગમે તેટલો ઊહાપોહ થાય તો પણ એમાં દૃષ્ટિ ફ્રેમની બહાર ન નીકળે એ લાભ ઓછો નથી. માટે એ ટકશે. ત્યારે તેઓ મારી વાત સાથે સહમત થયા હતા અને કહેલું કે ‘તેથી જ તો બધે, પ્રોસિનિયમ આર્ક ફરી ફરીને આવ્યા કરે છે અને વળી રિયાલિસ્ટિક નાટકો માટે તો એ બહુ અનુકૂળ પણ છે. આમ છતાં એમનો વિરોધ એટલા માટે હતો કે પ્રેક્ષકો માટે તેઓ આંશિક નહીં સર્વાંગી દર્શન માગતા. એમનો પ્રયત્ન નટ દંભ તોડે, જીવતી કલા બચે, લોકકલાઓ ઈજા ન પામે એ તરફનો હતો. એ ત્યારે જ શક્ય બને કે પ્રોસિનિયમ આર્ક તૂટે. માટે જ તો એ આર્ત ચીસ વિસ્તરી હતી એક માર્ગી દૂરનિયંત્રિત સમૂહમાધ્યમો સુધી-ટી.વી. જેવાં માસ મીડિયા સુધી આ એમનો સમાંતરોનો આલેખ આપણને થિયેટર તેમ નાટકને એકાંગી ઘટના તરીકે જોવામાંથી બહાર કાઢે છે. ગુજરાતી નાટ્યક્ષેત્રે બારાડીનું આ એક મહત્ત્વનું પ્રદાન છે.
આમ છતાં કોઈ એમ ન માને કે સમગ્ર ભૂતકાળને તેઓ ઉસેટી દેવા માગતા હતા. એમ ન હતું. વસ્તુતઃ તો એ, ઇતિહાસ માટેની સામગ્રી માટે, સતત સચવાય એવી એમની પ્રવૃત્તિ રહી હતી. તે કારણે જ તો તેઓએ ‘બુડ્રેટી’ Preservation, Reprint, Record of history, preservation and Conservation of archival Photographs etc. સચવાઈ રહે અને ઉપલબ્ધ રહે એ માટેની વ્યવસ્થા ઊભી કરી છે. જેમાં નાટ્ય મહોત્સવો, સમારોહો, નટોના અવાજો, ઇન્ટરવ્યૂ તસ્વીરો, રંગભૂમિનાં ગીતો વગેરે સાચવવાની મથામણ સતત છે.
એક વાર બન્યું એમ કે ‘ગ્રંથગોષ્ઠિ-વડોદરામાં, તા. ૨૬-૧૧-૮૮ના રોજ વ્યાખ્યાન આપવા મારે જવાનું થયું. શ્રીમદ્ ઉપેન્દ્રાચાર્યજી રચિત ‘શ્રીકૃષ્ણ કુંતી સંવાદ’ એ કૃતિના નાટ્ય-સંવાદથી માંડીને સંસ્કૃિત સુધીના વ્યાપારમાં સંરચનાવાદ એ મારા વ્યાખ્યાનનો વિષય હતો. શ્રીમદ્ ઉપેન્દ્રાચાર્યજીનો ત્રિદૃશ્યાત્મક ખુલ્લો મંચ મેં જોયો હતો. તેમાં ભજવતાં નાટકો પણ જોયા હતા. પણ મારી પાસે એ રંગમંચ પર ભજવાતા કોઈ નાટકની એક પણ છબી ન હતી. મારે એની જરૂર હતી. મેં લવકુમાર દેસાઈને વાત કરી. એમણે શ્રીમદ્ ઉપેન્દ્રાચાર્યજી સંદર્ભે મહાપ્રબંધ લખ્યો છે. પણ લવકુમારભાઈ પાસે સુધ્ધાં આવું કોઈ ચિત્ર ન હતું. પછી મેં બારાડીને વાત કરી. ક્ષણેક તો થયુંઃ બારાડી પાસે ક્યાંથી હોય ? ત્યાં જે નાટકો થાય છે એ તો પ્રચાર દૃષ્ટિએ થાય છે. ધર્મ વિવરણ કે ધર્મને નિત્ય વ્યવહારમાં ઉતારાની અગત્ય અથવા ધર્મ અને જીવનનો સમન્વય, આવું કોઈ કાર્ય, ઉપેન્દ્રાચાર્યજી – સંવાદો દ્વારા રજૂ કરવા માટેનું આ થિયેટર છે. બારાડીને એમાં શો રસ હોય ? એની જાણે કે કોઈ કિંમત જ ન હોય તેમ તેઓએ તો એ તરફ કંઈ ધ્યાન ન આપ્યું નહિ હોય એમ મને લાગ્યું. પણ મારા વિચારાયેલા મત ખોટા હતા. અચંબા વચ્ચે એમણે મને એક આલ્બમ આપ્યું. જેમાં શ્રીમદ્ ઉપેન્દ્રાચાર્યજીનો ત્રિદૃશ્યાત્મક ખુલ્લો મંચ અને એમાં ભજવાતાં નાટકોના ફોટા હતા જે તેમને જુદી જુદી વ્યક્તિઓ પાસેથી ઉપલબ્ધ થયા હતા. મારા લેખમાં જે ચિત્ર મેં મૂક્યું છે તે પણ મને ત્યાંથી જ ઉપલબ્ધ થયું. વસ્તુતઃ આ ચિત્ર ઉત્પલ ત્રિવેદીનું હતું અને તેઓએ તે બારાડીને આપ્યું હતું. બારાડીના આ વ્યવહારથી જાણે કે મને એમ સમજાતું હતું કે આવા ઉમદા દૃષ્ટિબિંદુ આગળ, આ તપસ્યા આગળ, સિદ્ધાંતો વિરોધો કે અંગત માન્યતાઓ કંઈ વિસાતમાં નથી.’
બારાડીની સર્જનશક્તિનો લાભ ગુજરાતી સાહિત્ય બહુ ઓછો લીધો છે; જો કે એમની એવી શક્તિ માટે મારો એવો અભિપ્રાય છે કે, જેઓએ એ લાભ લીધો છે એમને પોતાનું લખાણ સરળ, પ્રામાણિક અને શુદ્ધ કર્યું છે. અંગ્રેજી નાટક જ્યારે એ વાંચતા, અનુવાદ કરતા ત્યારે એમ લાગતું કે આપણે ઘણી ભૂલો કરી હોત. ૧૯૮૭નો ડિસેમ્બર માસ મારે યુ.જી.સી. સ્પૉન્સર સેમિનારમાં વડોદરા જવાનું થયું. ‘બ્રેશ્ટ અને ભારતીય નાટ્ય’ એ વિષય સંદર્ભે મારે કહેવાનું હતું. ત્યાં નાટકના અનેક તજ્જ્ઞો પણ આવ્યા હતા. બારાડી પણ હતા. બારાડીએ ત્યાં કહેવાયેલા તમામ ઉચ્ચારો સુધારી પ્રામાણિક કરી આપ્યા હતા. આ એમનું મહત્ત્વનું પ્રદાન હતું. ‘બેટ્રય’ને બદલે આપણે ‘બ્રેશ્ટ’ ઉચ્ચારતા તથા લખતા થયા તે બારાડીને કારણે ચં.ચી. મહેતા ‘બ્રેટ્ચ’ એમ લખતા. નંદકુમાર પાઠક ‘બ્રેટ’ એમ લખતા. ‘બ્રેશ્ટ’ના નાટકોનો આધાર લઈ ‘કાનન’ (પન્નાલાલ પટેલ) અને ‘સગપણ એક ઉખાણું’ (રમેશ પારેખ), એ બે ગ્રંથો જે લખાયા, તેમાં પણ ઉચ્ચારોનું વૈવિધ્ય દેખાય છે. બારાડી દ્વારા આ ઉચ્ચારોમાં એકવાક્યતા આવી છે. આ જર્મન નાટ્યકાર બર્ટોલ્ડ બ્રેશ્ટના થિયેટર બર્લિન એન્સેબલના ઉદ્દેશો માટે બારાડીએ ૧૯૯૪માં એક પરિચય પુસ્તિકા લખી છે. એ પુસ્તિકાએ આ ઉચ્ચારો અને તેની એકવાક્યતા માટે ગતિ પૂરી પાડી છે. વળી તેઓ બ્રેશ્ટનાં નાટકો ‘થ્રી પેની ઑપેરા’ ‘સૅન્ટ જોઆન ઑફ સ્ટૉકયાર યાર્ડ’ ‘ધ મેઝર’ એક્સેપ્સન એન્ડ ધ રૂલ’ ‘ગેલેલિયો ગેલિલે’ તથા બીજા નાટકો પ્રત્યે ઠીક ઠીક આકર્ષાયા હતા. ‘એક્સેપ્સન એક વણઝારની વાત’ એક ત્રાજવું પલ્લાં બે’ ‘ગેલિલિયો ગેલિલે’ એવા નામે એમના દ્વારા ગુજરાતીમાં એ અનુવાદ પણ પામ્યા. જેને મેં પેલી ચાલની વાત કરી તેને ગતિમાન થવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે.૧૧
બારાડી સેન્સરની સામે પડ્યા હતા. એનો અર્થ એ નથી કે નાટક ઊહાપોહ જગાવે એવું લાગે તો પણ એ ભજવવું. ૧૯૭૦માં મારી ‘સ્વરૂપ’૧૨ નવલકથા બહાર પડી હતી. મહિલા મુદ્રણ, ખાનપુરમાં એ છપાતી હતી. કંપોઝ કરેલી આખી ચોપડી ‘આ અસ્લીલ છે.’ એવી દલીલ કરી પ્રેસના સંચાલકોએ અને પ્રકાશકે પણ મને પરત કરી. ત્યારે કે.સી. પરીખ, ઉમાશંકર જોશી, યશોધર મહેતા અને રમણલાલ જોશીના ‘આ અસ્લીલ નથી’ એવા પ્રકારના બચાવ તથા પ્રયત્નોથી કેટલીક શરતો સાથે, એ પ્રગટ થઈ. એક વાર બારાડીએ મને કહ્યું તારી ‘સ્વરૂપ’ નવલકથા મેં વાંચી. ત્યારે મેં એમના ચહેરા પર આનંદ જોયો. એ પળ હું કશું કહી શકું એ માટેની પ્રેરણા આપે તેવી હતી. હું લોભાયો. મને થયું ‘બારાડી અત્યારે નવું નાટક શોધવાના મૂડમાં છે.’ એટલે મેં કહ્યું : તમે આ નવલકથા પરથી નાટક કરો. એ હસ્યા. મને થયું. બારાડી મારી વાત સાથે સહમત થયા છે. પણ એમ ન હતું. એ તો મને તડૂક્યા ‘તારે મને લોકોના માર ખવડાવવો છે?’ મેં જોયું, એમાંથી સેન્સર બોર્ડ કશું કટ કરે તે પહેલાં બારાડીએ પૂરું નાટક જ કટ કરી દીધું.
જ.ઠા. ઘણી વાર કહેતા કે ‘જેને રંગભૂમિ પર પગ મૂકતાં આવડે છે તેને જીવનમાં પણ પગ મૂકતાં આવડે છે.’ આ વાત બારાડીમાં મેં બરાબર સાર્થક થતાં જોઈ છે. આમ કહેવા માટે મારી પાસે એક કરતાં વધારે પ્રમાણો છે જે અત્યારે તો કહી શકાય એમ નથી, પણ હું એક પસંદ કરું છું અને અહીં લખું છું અને તે કારણે જ હું પોતે તો બારાડીને એ રીતથી જ ઓળખું છું. બન્યું એમ કે ૧૯૯૪માં ભારતીય લોક-કલા મંડલે (ઉદયપુર) લોકરંગમંચ ભવાઈ પર કેન્દ્રિય સંગોષ્ઠિનું આયોજન કર્યું હતું. એમાં મુખ્ય તેઓએ મને આમંત્રણ આપ્યું હતું. ત્યાંના સ્થાનિક અખબારો અને રંગાયને પણ વિસ્તૃતરૂપમાં તેની વિગતો પ્રકાશિત કરી હતી. આમંત્રણનો સ્વીકાર કરતાં પહેલાં મારે ભાનુ ભારતી સાથે વાત થઈ હતી. બારાડી, જનકભાઈ અને બીજા પણ વક્તાઓ ત્યાં આવવાના હતા. આ તમામ મારા કરતાં સિનિયર હતા અને નાટ્ય ક્ષેત્રે મારા કરતાં અનુભવી હતા. મેં કહ્યું : ‘આ બધાની સાથે મુખ્ય વક્તા તરીકે હું કઈ રીતે હોઈ શકું ?’ એમની સિનિયોરીટી અને અનુભવને અવગણી શકાય નહિ. માટે બારાડી કે બીજા સિનિયરને એ માટે નિમંત્રણ મોકલો. ભાનુ ભારતીએ કહ્યું : તમને જે નિમંત્રણ આપવામાં આવ્યું છે તે બારાડી અને બીજા સિનિયરોના આગ્રહથી જ આપવામાં આવ્યું છે. મેં બારાડીને ફોન કર્યો. બારાડીએ કહ્યું : નાટકના માણસ તરીકે ‘સ્ટેજ ચોરી’ન થાય તે પણ આપણે જોવું જોઈએ ને ? તમે જે કામ કર્યું છે તે જોતાં, કોઈ પણ નટ દ્વારા, એ સિનિયર હોય તોપણ, ‘સ્ટેજ ચોરી’ તો ન જ થવી જોઈએ ને ? મેં કહ્યું : આ ક્યાં નાટ્યપ્રયોગ છે ? બારાડી : સ્ટેજ હોય કે જીવનનો કોઈ પણ પ્રસંગ હોય, નિયમોને કઈ રીતે અવગણી શકાય ? હું એમની વાત સમજ્યો. કોઈ દિગ્દર્શક આજ્ઞા કરતો હોય એમ મને લાગ્યું અને તેથી હું તે અવગણી ન શક્યો. આ છે હસમુખ બારાડી. મનમાં છાપ પડી ગઈ છે કે ફક્ત રંગભૂમિ પૂરતા જ એ નટ કે દિગ્દર્શક ન હતા, પણ રંગભૂમિ બહાર, જીવન અને જીવનના પ્રસંગોમાં, સુધ્ધાં એ સાચા નટ અને દિગ્દર્શક હતા. જીવનશિક્ષક જેવા – હૃદયસંસ્કાર નટદિગ્દર્શક.
કે.કા. શાસ્ત્રીજીના આદેશથી મારા નામના ટ્રસ્ટ દ્વારા અમે એક અધ્યયન – સંશોધન ગ્રંથાલય ઊભું કર્યું છે. KKTSRLIB — અમારી અપેક્ષા હતી સરકાર અને સમાજ તરફ શાસ્ત્રીજીના અવસાન પછી પણ એ અપેક્ષા ચાલુ રહી હતી. સત્તાધારીઓની, એટલે કે સરકારની રીત પોતાની હતી. થોડું નુકસાન કે ગેરલાભ વેઠીએ તોપણ સરકાર તરફથી અપેક્ષા સંતોષાય એમ ન હતી. રહ્યો સમાજ. અનેક લોકોને, ટ્રસ્ટોને, એ વાતની ખબર પડી કે અમારી પાસે અનેક મૂલ્યવાન ગ્રંથો છે તેમની પાસે મોટા મોટા કૉલ હતા. એઓ એમ કહેતા હતા કે ‘પુસ્તકો અમને આપી દો અમે ચલાવીશું અને તમારી તકતી પણ મૂકીશું.’ અમે પૂછ્યું : તમે કેટલી વખત આવ્યા અધ્યયન – સંશોધન ગ્રંથાલયમાં ગયા છો ? જવાબ હતો : ગયા તો નથી, પણ હવે જઈશું. શું ભણ્યા છો ? જવાબ હતોઃ લખતાં વાંચતાં આવડે છે. વાત રહી તકતીની. તકતી — મને કે અમારા કોઈ ટ્રસ્ટીને એમાં રસ ન હતો. ચાર ખૂણા વાળી તકતી માટે કે વિદ્યાનિષ્ઠ કે ધન-નિસ્પૃહી ન દેખાતા, દુર્ભાગ્યે અમને મળવા આવેલા, અધિકારીઓ માટે તો અમે આ કર્યું ન હતું. અમારે માટે એ, લોકના બધા જીવનને સ્ફૂિર્ત આવી નવું રાખતી. સાહિત્ય અને સંસ્કૃિતની સ્થાપના કરનાર-શક્તિ હતી. એટલું જ નહિ, જીવનને કઠોર કે લૂખું કર્યા વિના ઊંચી ગતિ આપનાર તાકાત હતી – અમારી આ વાતને સમજવા કુદરતે જ જાણે એક વાર બારાડીને મારે ત્યાં મોકલ્યા. ત્રણ માળનું મારું મકાન પુસ્તકોથી ભરેલું જોઈ એ તો છક જ થઈ ગયા પૂછ્યું : કેટલા છે આ ? મેં કહ્યું : સિત્તેર હજાર. બારાડી કોઈ વ્યવસ્થા થઈ ? મેં કહ્યું : ના, અત્યારે તો મારા મકાનમાં એ ચાલી છે. બારાડી : TMCમાં આવી જાવ. નાટ્યગૃહ તો છે જ. છત પણ મોટું છે. એના પર ગ્રંથાલય કરો. એક રૂપિયો ટોકન માત્ર આપજો. આમ તો મેં એ નાટ્યગૃહ અનેક વાર જોયું હતું પણ આ હેતુએ સ્ટ્રક્ચરચ એન્જિનિયર સાથે ગયો. નવની દીવાલ હતી અને છત આટલાં બધાં પુસ્તકો સહી શકે એવું ન હતું. અમે જઈ ન શક્યા. પણ બારાડી આવા અસાધારણ કાર્યની મૂલવણી કરી શકે એવી સહૃદયી અને નવરત્ન વ્યક્તિ છે એવી ઘેરી છાપ મારા પર પડી જે પછી પણ કાયમ રહી છે અથવા જે ગ્રંથાલય કે જ્ઞાન-કેન્દ્રની પાસે આવીને સરકાર, સમાજ કિંવા વિદ્યાની અધિકારી વ્યક્તિ આવીને, કહે કે ‘હેં ગ્રંથાલય, હે જ્ઞાન કેન્દ્ર, હું તારું રક્ષણ કરીશ, તું મારા સુખના સ્થાનરૂપ છે. મારી સાથે ચાલ !’ – એવા કેટલા તમારા પરિચયમાં છે ? તો હું કહીશ કે એવો એક વિદ્યાનિષ્ટ, નટ-કર્મી, નિસ્પૃહી, વિદ્યાનો અધિકારી-બ્રાહ્મણ-મેં જોયો છે : હસમુખ બારાડી
૧. એ માટે ‘જસમાઃલોકનાટક – પ્રયોગો-શિલ્પની દૃષ્ટિએ’ દ્વિ.આ.પ્રકા. ડૉ. કૃષ્ણકાંત કડકિયા ટ્રસ્ટ, ૨૦૧૦, પૃ. ૭૭
૨. એજન પૃ. ૭૬
૩-૪. એજન પૃ. ૭૭
૫. “બુદ્ધિપ્રકાશ” – મે, ૧૯૯૦
૬. (એ) ‘શકાર મહાઅવતાર, બારાડી હસમુખ, ઉપલબ્ધ-સ્ક્રિપ્ટ બેન્ક, બુડ્રેટી’ (બી) ‘ભાવાનુભૂતિ’ ડૉ. કૃષ્ણકાંત કડકિયા ટ્રસ્ટ, અમદાવાદ-૧૫, દ્વિ.આ. ૨૦૦૪
૭. (એ) ‘નાટક સરીખો નાદર હુન્નર’ બારાડી હસમુખ, અક્ષરી, હરિહર સોસાયટી-૧૪ ૧૯૮૩, પ્ર.આ. (બી) ‘રૂપકિત’ ડૉ. કૃષ્ણકાંત કડકિયા ટ્રસ્ટ, અમદાવાદ-૧૫, દ્વિ.આ.૨૦૦૪
૮-૯. (એ) નાટ્ય લેખ માટે – રસદર્શન, દ્વિતીય ગુચ્છ, ગદ્ય પ્ર.આ. ૧૯૮૬, પ્રકા. શ્રેયસાદક અધિકારી વર્ગ, વડોદરા (બી) વ્યાખ્યાન માટે ‘સ્વાધ્યાય’ પૃ. ૨૮, અંક ૧-૨, ૧૯૯૦
૧૦. ચિત્ર માટે ભાવિત, ડૉ. કૃષ્ણકાન્ત કડકિયા ટ્રસ્ટ, અમદાવાદ-૧૯૯૬ પૃ. ૧૩૨ની સામે ૭ (અ) ‘નાટક સરીખો નાદર હુન્નર’ બારાડી હસમુખ, અક્ષરી, હરિહર સોસાયટી-૧૪ ૧૯૮૩ પ્ર.આ. (બી) ‘રૂપકિત’ ડૉ. કૃષ્ણકાંત કડકિયા ટ્રસ્ટ, અમદાવાદ-૧૫, દ્વિ.આ. ૨૦૦૪
૧૧. (એ) આ અનુવાદો છપાયા નથી (એના પ્રયોગો થયા છે.) ટાઈપ કોપી સ્ક્રિપ્ટ બેન્ક, બુડ્રેટીમાં ઉપલબ્ધ છે. (બી) પછીથી પાછલા બે અનુવાદો ‘એક ત્રાજવું પલ્લાં બે’ અને ‘ગેલેલિયો ગેલિલે’ ્સ્ઝ્ર એ પ્રગટ કરેલ છે. એ માટે ્ TMC-GSTChenpur Road, New Ranip, Ahmedabad – 382 470
૧૨. ‘સ્વરૂપ’, કૃષ્ણકાંત કડકિયા, પ્રકા. વાય.પી.શાહ. ૧૯૭૦, પ્ર.આ.
[સહ-સંપાદક, ગુજરાત સંશોધન મંડળનું ત્રૈમાસિક]
સૌજન્ય : “અભિદૃષ્ટિ”, મે-જૂન 2017; પૃ. 11-15