Opinion Magazine
Number of visits: 9446999
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાર્થ ગુજરાતી જોડણીકોશ : પ્રૂફરીડરની નજરે … ‘દૂબળાની રાંધેલી ખીર’

વજેસિંહ પારગી|Opinion - Literature|8 May 2017

“ … હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી.” − ગાંધીજીનું આ વાક્ય પહેલે જ પાને મુકાયું છે; અરે, આરંભથી આવૃત્તિઓમાં ય મુકાતું રહ્યું છે. અહીં તો ગાંધીજીને આ સંવર્ધિત આવૃત્તિ અર્પણ પણ થઈ છે. લખાણ આમ છે : ‘જેમની ઉજ્જવળ પ્રવૃત્તિથી ભાષાનું તેજ પ્રગટ્યું છે અને જેમની પ્રેરણાથી આ કોશ તૈયાર થયો છે, તે પૂજ્ય ગાંધીજીને ચરણે આ કોશ અર્પણ કરીએ છીએ.’

વજેસિંહ પારગી અભ્યાસુ છે. એમને પ્રૂફરીડિંગનો પાયાગત બહોળો અનુભવ છે. વજેસિંહભાઈ ગુજરાતી ભાષાપ્રેમી જ નથી, એ ભાષાનિષ્ઠ છે, એ ભાષાનિપુણ પણ છે. વળી, એ અચ્છા કવિ ય છે. નિસબત ધરાવતા આ લેખકે આ સંશોધિત – સંવર્ધિત આવૃત્તિ માટે ઊંડાણમાં જઈ મીમાંશા કરી છે. ‘સાર્થ જોડણીકોશ’ સાથે સંકળાયેલા દરેક જણને આ  દીર્ઘ લખાણમાંથી માર્ગદર્શન મળે અને હવે પછીની આવૃત્તિ સજ્જબદ્ધ સોજ્જી બને તેમ આસ્થા સેવીએ.

°°°°°°°

અડધા સૈકા પછી સંવર્ધિત સાર્થ જોડણીકોશ હાથમાં આવ્યો. જમાનાને અનુરૂપ લેઆઉટ – રંગરૂપથી સજાવેલો કોશ.

વિમોચનના પ્રાસંગિક પ્રવચનમાં ચંદ્રકાંત શેઠે કોશની કામગીરી દરમિયાન પડેલી મુશ્કેલીમાં સારા પ્રૂફરીડર મળતા ન હોવાની ફરિયાદ કરીને પ્રૂફરીડરોને સારું વળતર આપવું જોઈએ એવી અપીલ કરી. શેઠસાહેબ પ્રત્યે ભારોભાર આદર છે ને એમની ફરિયાદ પણ સોળ અાની સાચી છે. પણ સારા પ્રૂફરીડર મળતા કેમ નથી? આ જાતિ લુપ્ત કેમ થઈ ને કોણે કરી? વગેરે કારણો વધુ મહત્ત્વનાં છે.


પ્રકાશનગૃહો ને કેટલીક સંસ્થાઓ (લેખકો પણ) પ્રૂફરીડરને મજૂર કે સફાઈકામદારથી વિશેષ ગણતાં નથી. પ્રકાશનગૃહોના માલિકો અને સંસ્થાઓના સત્તાધીશોને ભાષા સાથે કોઈ નિસબત નથી. ભાષાનું ગૌરવ કે ભાષાપ્રેમ એમના હૈયે છે જ નહીં. ગમે તે રીતે પુસ્તક છપાવું જોઈએ એટલી જ એમની દાનત હોય છે. એટલે આવી માનસિકતાવાળા શેઠિયાઓ-સત્તાધીશો પ્રૂફરીડરોની કદર કે ગૌરવ ક્યાંથી કરવાના?


2002માં યોજાયેલા પાઠ્યપુસ્તકના એક કાર્યશિબિરમાં ‘નવજીવન’ના તત્કાલીન મૅનેજિંગ ટ્રસ્ટી જિતેન્દ્ર દેસાઈએ કહ્યું હતું કે પ્રૂફરીડરને કમ સે કમ હાઈસ્કૂલના શિક્ષક જેટલો પગાર હોવો જોઈએ. બોલો, પ્રૂફરીડર રાખનાર કઈ સંસ્થા આટલો પગાર ચૂકવે છે? GCERT અત્યારે પાનાદીઠ 20 રૂપિયા આપે છે. કયું પ્રકાશનગૃહ કે સંસ્થા પ્રૂફરીડિંગનો આટલો દર ચૂકવે છે?


ઘણી સંસ્થાઓ માતબર છે. પણ પ્રૂફરીડિંગની વાત આવે ત્યારે – આ તો માતૃભાષાની સેવા છે, એમાં કરવાનું શું, વાંચી નાખો ને! આટલા પૈસા હોતા હશે? એવી એવી સુફિયાણી વાતો કરીને સત્તાધીશો એમની માનસિક કંગાલિયત દાખવે છે. ભર્યે ગાડે સૂપડાનો શું ભાર? સામાન્ય જન આમ માને છે પણ આ મોટા સાહિત્યકારો ને પ્રકાશનગૃહોના માલિકોને સૂપડા(પ્રૂફરીડર)નો ભાર લાગે છે. ઘણાખરા ઠેકાણે તો પ્રૂફરીડરની સજ્જતા નથી જોવાતી એની જાતિ જોવાય છે. કોઈ જાતિવિશેષના હોય તેની પહેલી પસંદગી થાય છે.


શેઠસાહેબ આવા માહોલમાં તમને સારા પ્રૂફરીડરો ક્યાંથી મળવાના? ભાષા સાથે ને ગુણવત્તા સાથે લેખકો-પ્રકાશકો-સંસ્થાઓને પડી જ નથી. પ્રૂફરીડરનું માનસન્માન ન જળવાય કે યોગ્ય વેતન ન મળે તો કોઈ પ્રૂફરીડર શા માટે બને? જો કે તમે શોધ્યા હોત તો મહેણું ભાંગે એવા એકબે પ્રૂફરીડરો તમને મળ્યા હોત!


પ્રૂફરીડરની વાત નીકળી એટલે બળાપો નીકળી ગયો ને આડવાત થઈ ગઈ. બાકી મૂળ વાત તો કોશની છે. કોશનાં પાનાં ઉથલાવતાં કેટલીક ક્ષતિઓ નજરે ચઢી છે. આ ક્ષતિઓ ભાષાપ્રેમીઓના ધ્યાને લાવવાનો ઉપક્રમ છે.


સંવર્ધિત આવૃત્તિને ભાષાપ્રેમી અને સારો પ્રૂફરીડર મળ્યો હોત (જો વિદ્યાપીઠે સારા પૈસા આપીને સારો પ્રૂફરીડર શોધ્યો હોત) તો કદાચ આ દોષ છપાયા ન હોત.
 કોઈ સારસ્વત નાની અમથી ભૂલ બતાવે તો એને ગંભીરતાથી લેવાય છે. પણ આ તો દૂબળાની રાંધેલી ખીર છે. જોઈએ ખીર સ્વીકારાય છે કે ઉકરડે ફેંકાય છે.


••••••••••

(1)

ફોટોમાંનું લખાણ વાંચવા ઝીણી નજર કરવી પડશે.

કોશસમિતિએ સંપાદનનીતિ બનાવી હશે. અેની રૂપરેખા ઘડી હશે. શું શું કરવાનું છે ને કઈ રીતે કરવાનું છે? કોઈ પણ રૂપરેખા ઘડાય ત્યારે અેની વાક્યરચના ભવિષ્યકાળમાં જ હોય. કોશનું કામ સંપન્ન થયે શું કર્યું અેની સૂચના કોશ વાપરનાર માટે લખવાની હોય ત્યારે પૂર્ણવર્તમાનકાળમાં વાક્યરચના લખાય તે સ્વાભાવિક છે.

બહેન નિરંજના વોરાઅે કોશ વાપરનારા માટે જે સૂચના લખી છે તેમાંની ઘણીખરી વાક્યરચનાઅો ભવિષ્યકાળમાં છે. મતલબ અાવી રીતે અેન્ટ્રી કરવી, … અર્થ અાપવો … વગેરે વગેરે. કામ પૂરું થયા પછી વાક્યરચના બદલવાની તસ્દી પણ અા બહેને લીધી નથી. લગભગ અઢારેક વાક્યરચના અેમણે બદલી નથી. રૂપરેખાનું લખાણ અેમ ને અેમ મૂકી દીધું છે.

દા. ત., લ અને ળ બંને રાખવા, જેમ કે કલા(ળા).

અા વાક્ય અામ સુધારવું જોઈતું હતું.

દા. ત., લ અને ળ બંને રાખ્યા છે, જેમ કે કલા(ળા).

બહેનશ્રીઅે મૂળ કોશમાં અાપેલી કોશ વાપરનાર માટેની સૂચના વાંચી હોત તો અાવી હાસ્યાસ્પદ ભૂલો ન છપાત.

અેમના લખાણમાં પાંચ વખત અેન્ટ્રી શબ્દ વપરાયો છે. ચાર વખત અૅન્ટ્રી વિવૃત છે ને અેક વાર અેન્ટ્રી સંવૃત છે. અામાં સાચી જોડણી કઈ ગણવી? 2005ની સાર્થની પુરવણીમાં અૅન્ટ્રી જોડણી વિવૃત હતી, પણ 2016ની સંવર્ધિત અાવૃત્તિમાં અા જોડણી સંવૃત થઈ ગઈ. કોશસમિતિ સાથે સંલગ્ન નિરંજનાબહેને લખાણમાં કમ સે કમ સુધારેલી જોડણી તો લખવી જોઈતી હતી!

વિવૃત્તની જોડણીમાં અેમણે ત્ત લખ્યો છે, જે ખોટી છે. વિવૃત અેક ત અાવે.

(2)

જોડાક્ષરને કોશવટો

ફ્યૂઅલ, ફ્યૂચર, ફ્યૂઝ, ફ્લડલાઇટ, ફ્લશ, ફ્લાવર, ફ્લૂ, ફ્લૅટ, ફ્લૅશબૅક … વગેરે ફવાળા અંગ્રેજી શબ્દો જોડાક્ષરવાળા છે. અા રીતે તમે લખો છો તો તમે સાચા છો. પણ કોઈ અાવીને કહે કે સાહેબ, તમારી જોડણી ખોટી છે તો તમને ગુસ્સો ચઢશે. કહેનારને તમે ખખડાવી નાખશો. પણ કહેનાર સાર્થ જોડણીકોશનો હવાલો ને પુરાવો અાપીને તમારી જોડણી ખોટી છે અેમ કહે તો તમે શું કરો?

જી હા, સાર્થની સંવર્ધિત અાવૃત્તિઅે ઉપરોક્ત શબ્દોની જોડણીમાં ફનો જોડાક્ષર કર્યો નથી. કોશના 702 પાના પરના ચોરસ કરેલા શબ્દો વાંચો. જોડણી જુઅો : ફયૂઅલ, ફયૂચર, ફયૂઝ, ફલાવર, ફલૂ, ફલૅગ, ફલૅટ, ફલૅશબૅક વગેરે વગેરે. મૂળ કોશમાં ફ્યૂઝ જોડક્ષર છે ને પુરવણીમાં તો અા બધા શબ્દો જોડાક્ષરવાળા છે. શું અા જોડણીઅો ખોટી હતી? સવાલ અે છે કોશસમિતિઅે અા જોડણીઅો બદલી છે? બદલી હોય તો પણ બદલેલી જોડણી સાચી નથી. કોશમાં કામ કરનારાઅોની બેદરકારી કે અજ્ઞાનને કારણે જ અા ભૂલો છપાઈ છે. કોઈ નવોસવો કોશ વાપરનારો તો કોશને પ્રમાણ માનીને ખોટું લખે ને સાચું લખનારને તમે ખોટા છો અેમ કહીને અેની બોચી પકડે. (અલબત્ત, ખોટી તો ખોટી પણ અાવી ભાષાદાઝની ગુજરાતીને ખાસી જરૂર છે.)
માન્યું કે પ્રૂફરીડર જોડાક્ષર જોવામાં થાપ ખાઈ ગયો.

(અાટલું બધું ચૂકી જાય અે પ્રૂફરીડર નહીં ગધેડો કહેવાય.) પણ કોશસમિતિના સભ્યોઅે જોયું શું? કોશના વિમોચન પ્રસંગે શાલ અોઢનારાઅો તો ઘણા હતા. 
ટૅક્નિકલ ભૂલનું બહાનું અહીં ટકે અેવું નથી. પાન 454 પર ટ અને યના જોડાક્ષર બરાબર થયા જ છે.


અા ભૂલો માટે ઘોર બેદરકારી સિવાય કોઈ કારણ જણાતું નથી.

(3)

કોર્ટ બદલાય અેમ જોડણી બદલાય!?

સાર્થ જોડણીકોશનાં પાનાં : 256, 260, 1051 ને 1094 પરની ટીકડીઅો જુઅો.

કોર્ટ, ક્રિમિનલ કૉર્ટ, સિવિલ કૉર્ટ, હાઇકોર્ટ
પહેલી અને છેલ્લી કોર્ટમાં કો સંવૃત અેટલે કે સીધી માત્રા છે, જ્યારે વચ્ચેના બે શબ્દોમાં કૉ વિવૃત અેટલે ઊંધી માત્રા છે.
કોશમાં જોડણીની અેકવાક્યતા જળવાઈ નથી. કોર્ટ બદલાય અેમ કંઈ જોડણી ન બદલાય? અહીં કોશકર્તાઅોની અવઢવ કે નરી બેદરકારી દેખાઈ અાવે છે. 
ચારેચાર કોર્ટ જોનારો પ્રૂફરીડર તો કદાચ વિવેકબુદ્ધિ વાપરીને બધે કોર્ટ સંવૃત નક્કી કરશે, પણ કોઈ અેકલો સિવિલ કૉર્ટ શબ્દ જોશે કે કોઈ અેકલો ક્રિમિનલ કૉર્ટ શબ્દ જોશે કે કોઈ અેકલો હાઇકોર્ટ શબ્દ જોશે તે તો ખોટી જોડણી કરવાના જ!


મૂળ કોશમાં હાઈકોર્ટમાં મોટી ઈ છે, જ્યારે નવી અાવૃત્તિમાં હાઇકોર્ટ નાની ઇ છે. કોશકારોઅે ઇ બદલી છે કે પછી ગફલતનું પરિણામ છે અે તો રામ જાણે.

(4)

કોશકારો `કે'નું કંઈક કરો

કૂંડાળામાં અાપ્યાં છે તે વાક્યરચના ને શબ્દો ખોટાં છે. માત્ર બીજી અોળનું અધોરેખિત છેલ્લું વાક્ય – ખૂબ ઘમંડ કે મિજાજ હોવો – વ્યાકરણની રીતે સાચું છે.

કે, વા, અથવા વિકલ્પવાચક છે. `કે' ને, અને, તથા જેવા સમુચ્ચય સંયોજક તરીકે કામ કરતો નથી. જેથી કે સંયોજકવાળાં વાક્યો સમુચ્ચય સંયોજકની જેમ લખાતાં નથી. જુદા જુદા લિંગના શબ્દો હોય ત્યારે ક્રિયાપદ પહેલાના શબ્દના લિંગ અનુસાર વાક્યરચના થાય. દા. ત.,
દારૂ પીધો કે તાડી.
તાડી પીધી કે દારૂ.


પેન કે કાગળ ખરીદ્યા. ( ખરીદ્યાં ખોટું)


કાગળ કે પેન ખરીદી. ( ખરીદ્યા, ખરીદ્યાં ખોટું)


મતલબ કૂંડાળાંવાળાં બધાં વાક્યો વ્યાકરણની રીતે ખોટાં છે. અા વાક્યો અા રીતે લખાય.


નિરંતર ધાક કે ભય રહેવો.


અણસમજ કે ગેરસમજ હોવી.


મિજાજ કે ગુમાન રાખવું.


વડાઈ કે મગરૂરી રાખવી.


અાદર કે ભક્તિ થવી.
અલબત્ત, કેની જગાઅે ને સંયોજક હોત તો અા બધાં વાક્યો ન.બ.વ.માં લખાત.


સાર્થ જોડણીકોશનાં પાનાં ફેંદતાં અાવાં `કે' સંયોજકવાળાં ઘણાં વાક્યો નજરે પડ્યાં છે. અાખા કોશમાં ગણીઅે તો કદાચ સેંકડોની સંખ્યા નીકળે. કોશ બન્યો ત્યારે ભાષાવિજ્ઞાન ને વ્યાકરણ અાજના જેટલાં ખેડાયાં નહોતાં. 50-60 વરસ જૂની વ્યાકરણદોષવાળી અાવી વાક્યરચનાઅો સંવર્ધિત અાવૃત્તિમાં જેમની તેમ સમાવી દેવાઈ છે. અાવી સેંકડો વાક્યરચનાઅો સંવર્ધિત અાવૃત્તિમાં સુધરી જવી જોઈતી હતી. કોશસમિતિના અન્ય સભ્યોની સજ્જતાની ખબર નથી પણ ચંદ્રકાંત શેઠસાહેબના ધ્યાને અા ભૂલો ન ચઢી અે નવાઈ પમાડે છે. અલબત્ત, કોશસમિતિ અા ભૂલો માટે પ્રૂફરીડરને દોષ ન દઈ શકે.

ભાષાશાસ્ત્રીઅો, વ્યાકરણકારો ભેગા થાવ ને નક્કી કરો કે `કે' સંયોજકવાળી કઈ વાક્યરચના સાચી ગણાય? ક્યાં સુધી ગાંધીજી કે મગનભાઈકાળની વ્યાકરણદુષ્ટ વાક્યરચનાઅો કોશમાં ચલાવવાની? ને 60 વરસ પછી પણ અેની અે જ ભૂલો દોહરાયા કરે અે કોશ માટે શોભાસ્પદ નથી જ. 
અલબત્ત, Facebook પર ભાષાશાસ્ત્રી બાબુભાઈ સુથાર, ભાષાપ્રેમી ને જાણતલ અજિતભાઈ અજમેરી અને હું કે સંયોજકની ચર્ચા પહેલેથી કરી બેઠા છીએ.


માથું દુ:ખવું, માથું દુ:ખતુંમાં વિસર્ગ ન અાવે. દુખવું, દુખતું જ અાવે. વરસોથી ચાલી અાવતી અા ભૂલો પણ સુધરી નથી. સમજાતું નથી કોશસમિતિઅે શું સંશોધિત કર્યું ને શું સંવર્ધિત કર્યું?

(5)

કઈ જોડણી સાચી માનવી?

2005માં સાર્થ જોડણીકોશની પુરવણી બહાર પડી હતી. પુરવણીમાં થયેલી ભૂલો અંગે ઘણો ઊહાપોહ થયો હતો. હવે પુરવણીના શબ્દો સંવર્ધિત અાવૃત્તિમાં સમાવી લેવાયા છે, ત્યારે અે શબ્દોમાં શા સુધારા કરાયા છે અે જોવા માટે અેટલા શબ્દોની અાસપાસ કોશ ફંફોસ્યો છે. ફંફોસતાં ફંફોસતાં નજરે ચઢેલી ભૂલો અહીં મૂકી છે.

જોડણી-અર્થ વગેરેમાં વિરોધાભાસ નથી થતોને અે માટે શબ્દોનું ક્રૉસ ચેકિંગ કોશમાં અનિવાર્ય જણાય છે.


પાનાં વગેરે બતાવવાનું હોવાથી ટાઇપ કરવામાં અઘરું લાગવાથી બે હસ્તલિખિત પાનાં મૂક્યાં છે. બીજા પાના પર જોડણીની ભૂલો અાપવામાં અાવી છે.

(6)

અાગળ ઉલાળ નહીં, ધરાળ

અાગળ બેઠે ઉલાળ નથી અને પાછળ બેઠે ધરાળ નથી. – ભગવદ્ગોમંડળ

અાગળ ઉલાળ અને પાછળ ધરાળ. – સાર્થ ગુજરાતી જોડણીકોશ

શ
તાર્કિક રીતે બંને ખોટા છે. કિશોરાવસ્થામાં મેં ગાડું ખેડ્યું છે, અેટલે ધરાળ ઉલાળની પાકી ખબર છે. ગાડાના અાગળના (ધૂંસરીવાળા) ભાગને ધર કહેવાય છે. ત્યાં બળદ જોડાય છે. ધૂંસરીવાળા ભાગમાં અેટલે કે અાગળના ભાગમાં વધુ ભાર ભરાઈ જાય ત્યારે ધરાળ થયું કહેવાય. ધરાળ થઈ જાય ત્યારે બળદની ખાંધ પર વધુ વજન અાવવાથી બળદ ધૂંસરી કાઢી નાખે છે જેને ધર નાખવી કહેવાય છે. અેથી ઊલટું પાછળના ભાગે વધુ વજન ભરાઈ જાય અેને ઉલાળ કહેવાય. ઘણી વાર અેને કારણે ચઢાણમાં ગાડું ઊલળી પણ જતું હોય છે.


અા વાક્યો અામ લખાય : 


અાગળ બેઠે ધરાળ નથી અને પાછળ બેઠે ઉલાળ નથી.


અાગળ ધરાળ અને પાછળ ઉલાળ.


મૂળ સાર્થમાં અાગળ ઉલાળ અને પાછળ ધરાળ છે. પાછું ઉલાળ અને ધરાળ શબ્દોની પ્રવિષ્ટિમાં અેના અર્થ સાચા અાપ્યા છે. કોશની સંવર્ધિત અાવૃત્તિ થઈ તેમાં અા ભૂલ સુધરી જવી જોઈતી હતી.

(7)

અશ્રુના પણ લિંગભેદ હોય!

અશ્રુ – અાંસુ – સુખનાં પણ હોય ને દુખનાં પણ હોય. સુખનાં અાંસુ શીતળ ને દુખનાં અાંસુ ઉષ્ણ હોય અેવું ય સાંભળ્યું છે, પણ અશ્રુનાં લિંગ જુદાં હોય અેની તો સાર્થ કોશ જોયા પછી ખબર પડી.

સાર્થની નવી અાવૃત્તિનાં પાનાં 66, 96ની કાપલીઅો જુઅો.


અશ્રુ પુલ્લિંગ છે તો અાનંદાશ્રુ ને હર્ષાશ્રુ નપુંસકલિંગ છે. સામાન્ય ભાષકને પણ સવાલ થાય કે સાલું, અશ્રુ પું. ને અાનંદાશ્રુ ન. કેવી રીતે?


મૂળ કોશમાં પણ અા શબ્દોનાં અા જ લિંગ અાપેલાં છે. 
કોશસમિતિઅે કોશ સંવર્ધિત કરતી વખતે અશ્રુનાં લિંગ ધ્યાનમાં રાખવાં જોઈતાં હતાં. મૂળમાં જેમ ભૂલવાળું હતું તેમ જવા દેવાને બદલે અશ્રુનું લિંગ ન. સુધારવું જોઈતું હતું.


અશ્રુ સંસ્કૃતમાં ન. છે. ભગવદ્ગોમંડળમાં ન. છે અને કે.કા.ના બૃહદ્દ કોશમાં પણ ન. છે.


અશ્રુ અાવ્યું ને બદલે અશ્રુ અાવ્યો અેમ કોઈ બોલે તો કેવું અસ્વાભાવિક લાગે. 
શબ્દનાં લિંગની વધુ વાત.


કોશ વાપરનારની સૂચનામાં – વ્યાકરણની દ્રષ્ટિઅે ફેરફાર – અેકમ, ઘટક મૂળમાં પું. છે ત્યાં નપું પણ ઉમેર્યું છે. સારો સુધારો છે. વ્યવહારમાં અા શબ્દોનાં લિંગ બદલાયાં છે. પણ માત્ર અા બે શબ્દોનાં જ નહીં બીજા પણ અેવા શબ્દો છે જેનાં લિંગ લોકવ્યવહારમાં બદલાયાં છે, જે સુધારાયાં નથી.


શેર સ્ત્રી. અરબી – ફારસી, ઉર્દૂ, ગુજરાતી જેવી ભાષાઅોમાં રચાતી ગઝલની કડી – હવે ગાલિબની શેર કે મરીઝની શેર કે સારી શેર અેવું બોલાતું કે લખાતું મેં ક્યાં ય સાંભળ્યું કે વાંચ્યું નથી. શેર હમેશાં પુું.માં વપરાય છે. ગાલિબનો શેર, મરીઝનો શેર, સારો શેર, શેરનું લિંગ પુલ્લિંગ કરવું જોઈતું હતું.


અરમાન સ્ત્રી. ફા. અભિલાષા, ઉમેદ, તીવ્ર ઇચ્છા, અાતુરતા – પરંતુ સામાન્ય બોલચાલમાં મારાં અરમાનોનું શું? અેવું ન.બ. વ.માં સાંભળવા મળશે. અલબત્ત, કે.કા. શાસ્ત્રીઅે બૃહદ્દ કોશમાં અને નાયકસાહેબે મોટો કોશમાં અરમાનનું લિંગ સુધારી લીધું છે. નાયકસાહેબે અરમાન ન.બ.વ.માં અાપ્યું છે તો કે.કા.અે નપું અને ન.બ. વ. બંને અાપ્યાં છે.


મતલબ શબ્દ પણ સ્ત્રી. અાપ્યો છે, પણ અત્યારે મારો મતલબ અે નથી. અેમ સામાન્યપણે પું. તરીકે વપરાય છે. મતલબના લિંગમાં પણ પું. ઉમેરવું જોઈતું હતું.

મકસદ પણ ગુજરાતીમાં પું. વપરાતો થયો છે.

ગમ અરબી શબ્દ શોક દુખના અર્થમાં સાર્થ કોશમાં સ્ત્રી. છે પણ હવે હિંદીની અસરમાં પું. તરીકે વપરાતો થયો છે. કદાચ શબ્દના લિંગના અા ફેરફારો હિંદી ફિલ્મો ને સિરિયલોને કારણે અે ભાષામાં વપરાતા લિંગના કારણે થયા હોય.


શાકભાજી સ્ત્રી.અાપેલું છે. પણ દોઢેક દાયકા પહેલાં પાઠ્યપુસ્તકના અેક પુસ્તકમાં લીલાં શાકભાજી અેમ ન.બ.વ.માં વાક્યો હતાં. રતિકાકાઅે ત્યારે કહેલું કે શાકભાજી ન.બ. વ.માં પણ સાચું ગણાય.

કારતૂસ (અં.) સ્ત્રીલિંગ છે. પણ અત્યારે વપરાય છે તો પું.માં. પાંચ કારતૂસ ફોડ્યા અેમ લોક બોલશે, પાંચ કારતૂસ ફોડી અેમ નહીં બોલે. લોકવપરાશમાં બદલાયેલું શબ્દોનું લિંગ સંવર્ધિત અાવૃત્તિમાં ઉમેરાવું જોઈતું હતું, લિંગસુધારણા થવી જોઈતી હતી.

જો કોશસમિતિ અેકમ, ઘટક શબ્દોના વૈકલ્પિક લિંગ ઉમેરી શકતી હોય તો અા બધા શબ્દોના કેમ નહીં?
`શબ્દકથા'માં ભાયાણીસાહેબ લખે છે, `વ્યવહાર અે જ ભાષાનો પાયો : વ્યાકરણ ને કોશ તેને અાધારે જ થાય.’

(8)

પરાશર, શક્તિ, વસિષ્ઠ વચ્ચે સગપણ શું?

2005માં સાર્થ ગુજરાતી જોડણીકોશે પાંચેક હજાર શબ્દોની પુરવણી બહાર પાડી હતી. પુરવણીમાં પૌરાણિક પાત્રપરિચય અાપવામાં અાવ્યો હતો. અા ભાગ 2017ની સંવર્ધિત અાવૃત્તિમાં પણ સમાવાયો છે. પાત્રપરિચયમાં અેક મોટી ભૂલ છપાઈ હતી. જે અંગે અભિયાન મૅગેઝિનમાં સ્ટોરી કરાઈ હતી, જેમાં કોશ સાથે સંકળાયેલા ચંદ્રકાંત શેઠનો ક્વૉટ લેવામાં અાવ્યો હતો. નવાઈની વાત છે કે અે ભૂલ સંવર્ધિત અાવૃત્તિમાં સુધારાઈ નથી.

હવે ભૂલ જોઈઅે.

પરાશર : વસિષ્ઠના પુત્ર અને પરાશરસ્મૃિતના પ્રવર્તક, મહર્ષિ વ્યાસના પિતા

શક્તિ : વસિષ્ઠનો પુત્ર, પરાશરનો પિતા

હવે વાચકને ગૂંચવણ થાય જ કે ખરેખર પરાશરના પિતા કોણ? વસિષ્ઠ કે શક્તિ?

કશી ટિપ્પણી વગર અભિયાનમાં છપાયેલી અને ગૂગલ પરથી મળી અાવેલી સ્ટોરી કૉપી પેસ્ટ કરું છું.

જોડણીકોશ અને પરાશરના પિતાનો વિવાદ

(18 October) ગૂજરાત વિદ્યાપીઠના 'સાર્થ જોડણીકોશ'ની (પુરવણી સહિત) ૨૦૧૨ની આવૃત્તિમાં પૌરાણિક પાત્રોનો પરિચય આપવામાં આવ્યો છે. આ કોશમાં પાના નં. ૯૮૮ પર પરાશર ઋષિના પરિચયમાં 'વસિષ્ઠના પુત્ર અને મહર્ષિ વ્યાસના પિતા' એમ દર્શાવાયું છે, જ્યારે પાના નં. ૯૯૦ પર શક્તિ નામના પૌરાણિક પાત્રનો પરિચય આપતા લખ્યું છે કે, ‘શક્તિ – વસિષ્ઠનો પુત્ર અને પરાશરનો પિતા'. આમ એક જ કોશમાં એક સ્થળે પરાશરના પિતા વસિષ્ઠ છે અને બે પાના આગળ ફેરવતા પરાશરના પિતા શક્તિ છે. પરાશર ઋષિના પિતા ખરેખર કોણ – વસિષ્ઠ કે શક્તિ?

હવે પરાશર ઋષિના ખરા પિતાનો ડખો ઉકેલવા ગૂજરાત વિદ્યાપીઠના જ ગોપાળદાસ પટેલ સંપાદિત સંસ્કૃત-ગુજરાતી 'વિનીત કોશ' જોઈએ. આ કોશમાં પાત્રપરિચય આપવામાં આવ્યાં છે. કોશમાં પૃષ્ઠ ૬૧૧ પર પરાશર ઋષિનાં પરિચયમાં 'પરાશરઃ વસિષ્ઠના પુત્ર, વેદ વ્યાસના પિતા' તથા પૃષ્ઠ ૬૨૪ પર શક્તિના પરિચયમાં 'શક્તિઃ વસિષ્ઠ-અરુંધતીનો પુત્ર, પરાશરનો પિતા' દર્શાવાયું છે. અહીં જ પરાશરના પિતા કોણ, વસિષ્ઠ કે શક્તિ?નો ગૂંચવાડો રહેલો છે.

જૂના 'સાર્થ જોડણીકોશ'માં પાત્રપરિચય નહોતો. ૨૦૦૫ની પુરવણીમાં પાત્રપરિચય સમાવવામાં આવ્યો અને આ પાત્રપરિચય સંસ્કૃત-ગુજરાતી 'વિનીત કોશ'માંથી ઉઠાવવામાં આવ્યો. એટલે 'વિનીત કોશ'ની ભૂલ 'સાર્થ'માં પણ જળવાઈ રહી. અધૂરામાં પૂરું રતિલાલ સાં. નાયકે 'મોટો કોશ'માં પણ આનો આ જ ઉતારો મૂકી દીધો એટલે 'મોટા કોશ' સુધી આ ભૂલની પરંપરા લંબાઈ. ગાંધીજી જેને આધાર તરીકે ટાંકવાની ભલામણ કરતા હતા તે 'સાર્થ જોડણીકોશ' જ આવો ગૂંચવાડો કરે તો ખરાઈ કરવા જવું કોની પાસેે?

એક રસ્તો મળ્યો, બેરિસ્ટર ડાહ્યાભાઈ દેરાસરી રચિત 'પૌરાણિક કથાકોશ' અધિકૃત ગ્રંથ છે અને પાંચ ભાગમાં પ્રકાશિત થયો છે. નકલો અપ્રાપ્ય છે, પરંતુ ગૂજરાત વિદ્યાપીઠની લાઇબ્રેરીના સંદર્ભગ્રંથના વિભાગમાંથી મળી રહે છે. 'પૌરાણિક કથાકોશ'ના પહેલા ખંડમાં પરાશરનો પરિચય 'વસિષ્ઠના પૌત્ર અને શક્તિના પુત્ર' તરીકે આપેલો છે. વિસ્તૃત પરિચય કંઈક આમ છે, 'એમની માતાનું નામ અદૃશ્યંતિ હતું. એક દિવસે એ વસિષ્ઠની આગળ રમતાં હતાં ત્યારે તેમણે 'તાત' કહીને હાક મારી. એ સાંભળીને એની માતાની આંખમાં આંસુ આવ્યાં. પરાશરે એ જોઈ રડવાનું કારણ પૂછ્યું. એણે કહ્યું, 'ભાઈ વસિષ્ઠ ઋષિ તારા પિતા નથી, પિતામહ છે. તારા પિતાને તો રાક્ષસો ખાઈ ગયા છે. પરાશર તપોબળે તેજસ્વી થયા. એમણે રાક્ષસસત્ર કર્યો અને હજારોને બાળી મૂક્યા. આ જોઈને પુલસ્ત્ય ઋષિએ સત્ર બંધ કરવા પ્રાર્થના કરી અને વસિષ્ઠે પરાશરનો કોપ શમાવી સત્ર બંધ કરાવ્યો …'

'પૌરાણિક કથાકોશ'માં શક્તિની પણ સ્થિતિ તપાસી લઈએ તો, ખંડ ૩માં શક્તિનો પરિચય આવો આપ્યો છે, 'શક્તિઃ ત્રીજા વસિષ્ઠનો મોટો મંત્રદ્રષ્ટા પુત્ર. કામાષપાદ રાજા વસિષ્ઠના સો પુત્રો ખાઈ ગયો તેમાં આ પણ મરણ પામ્યો હતો. એની સ્ત્રી અદૃશ્યંતિ એના મરણકાળે ગર્ભિણી હતી. તેને પાછળથી પરાશર નામે પુત્ર પ્રસવ્યો. આ પરાશર તે ચાલુ મન્વંતરનો ૨૬મો વ્યાસ જ એમ કહેવાય નહીં, કારણ કે રામ ૨૪મી ચોકડીમાં થયા અને કલ્માષપાદ રાજા રામનો પૂર્વગામી હોઈ મરણ પામ્યો હતો. તેનો પુત્ર ૨૬મી ચોકડીમાં હોય એ અસંભવિત છે.' 'પૌરાણિક કથાકોશ'નો અછડતો પરિચય આપીએ તો આ અપ્રાપ્ય ગ્રંથમાં આપણા અમર પાત્રોની વિસ્તૃત કથાઓ સહિત ૧૦,૦૦૦ કરતાં વધુ પાત્રો વિશે પરિચય આપ્યો છે.

'સાર્થ જોડણીકોશ'ની ૨૦૧૨ની પુરવણી ઉમેરવા વખતે ચન્દ્રકાંત શેઠ તેના અધ્યક્ષ હતા. તેઓ કહે છે, 'સૌ પહેલાં તો આ ભૂલ બતાવવા બદલ આભાર. આ બહુ મોટી ભૂલ છે. પુરવણીમાં પાત્રપરિચય આપવાનો હોઈ અમે આ કામ માટે સંસ્કૃતના વિદ્વાનની નિમણૂક કરી હતી, પણ ભૂલ એમની નજરે ન ચડી. બહુ ટાંચા સાધનોમાં કામ થયું, આજે સૌથી મોટી સમસ્યા સજ્જ ભાષાશાસ્ત્રીઓની છે.' ગુજરાતી ભાષામાં કોઈ પણ સંદર્ભ ટાંકવા માટે 'સાર્થ જોડણીકોશ' ભાષાપ્રેમીઓ માટે મહત્ત્વનો છે, ત્યારે તેમાં જ ભૂલો નીકળે તે કેટલે અંશે યોગ્ય ગણાય. સાર્થના પ્રકાશકો માટે પણ આ એક વિચારણીય બાબત છે. [હિંમત કાતરિયા]

(9)

જોગ- જોગુંનો જોગ બેસતો નથી.

જોગ- જોગું વિ. [સં. યોગ્ય, પ્રા. જોગ્ગ] જોગું, લાયક, છાજતું ( નામ કે ક્રિયા સાથે નામયોગી અ. પેઠે વપરાય છે, જેમ કે લખવા જોગ, (બાબત), ખાવા જોગ (ફળ), તમારા જોગ (કામ) (2) _ ના તરફનું ( જેમ કે, શાહ જોગ, નામ જોગ (હૂંડી) (3) અ. પ્રતિ, તરફ, ( જેમ કે, …ના તંત્રી જોગ. અંગ્રેજી to પેઠે)

અહીં નામ જોગ, શાહ જોગ જેવા શબ્દોમાં જોગ છૂટું અાપ્યું છે. કોશનાં અન્ય પાનાંઅો 221 પર કામજોગ, 580 પર નામજોગ, 978 પર શાહજોગ – અહીં બધે જોગ ભેગું અાપ્યું છે. 
જોગ શબ્દની પ્રવિષ્ટિ જોઈને કોશ વાપરનાર જોગ છૂટું લખશે તો 221, 580, 978 પરની પ્રવિષ્ટિ જોઈને કોશ વાપરનાર જોગ ભેગું લખશે. મને અે નથી સમજાતું તે જોગ અેક જગાઅે છૂટો હોય તો બીજી જગાઅે ભેગો કેવી રીતે લખાય? અા વિરોધાભાસ કે ગૂંચવાડો મારી સમજમાં ઊતરતો નથી. કોશ વાપરનાર માટે અા બહુ મોટો ગૂંચવાડો છે.
કે. કા. શાસ્ત્રીના `બૃહદ્દ કોશ'માં ને રતિલાલ નાયકના `મોટો કોશ'માં પણ અા શબ્દો સાર્થ જોડણીકોશની જેમ જ છૂટા અને ભેગા અપાયા છે.
`વ્યાકરણવિમર્શ'માં ઊર્મિ ઘનશ્યામ શાહ પૃ. 177 પર પાદટીપ મૂકે છે :


` જોગ-સર-ભેર ( કરવા જોગ, સમય સર, અાબરૂ ભેર ) જેવાને નામયોગી ગણવા કે અંગસાધક પ્રત્યયના જેવું કામ કરતા પરસર્ગો ગણવા તે હજી નક્કી કરી શકાયું નથી.'


ભલે અેમ હોય, જોગ-જોગું બાબતે અેકમતી ન હોય પણ કોશકારો જોગને અેક જગાઅે નામયોગી તરીકે છૂટું અાપે ને બીજી જગાઅે પરસર્ગો ગણીને ભેગું અાપે અે બરાબર નથી. અામ કરવાથી કોશમાં વિરોધાભાસ ઊભો થાય છે ને કોશ વાપરનારના મનમાં ગૂંચવાડો ઊભો થાય છે. અસમંજસમાં પડેલા કોશકારો વપરાશકર્તાને અવઢવમાં નાખે છે. જોગ અંગે અેકમતી ન હોય તો અેને નામયોગી તરીકે છૂટા અાપીને કાં તો પરસર્ગ ગણીને ભેગા અાપીને અેકસૂત્રતા અાણવી જરૂરી છે.


અલબત્ત, સાર્થ અને બીજા જોડણીકોશોમાં જ કામસર, કાયદેસર, સમયસર, નિયમસર, વેળાસર, અગ્રેસર, વખતસર, ન્યાયપુર:સર -માં `સર'ને પરસર્ગ ગણીને ભેગો અાપ્યો જ છે. ઊર્મિબહેને અેમની પાદટીપ અંગે વિચારવું રહ્યું.

(10)

અેકાક્ષરી તિ અને જોડાક્ષરવાળી ક્તિનો ભેદ જળવાયો નથી.

1. નીતિ રીતિ કવિ મતિ ભીતિ મુનિ અરિ અસિ અહિ

2. શંકિત અંકિત ગહિર ખંડિત નળિયું મુદિતા રહિત સહિત મુફલિસ
3. ભક્તિ શક્તિ વ્યક્તિ યુક્તિ મુક્તિ પંક્તિ યાદ્દચ્છિક યત્કિંચિત્ મેદસ્વિતા
4. બૅન્કિંગ સ્પિરિટ સ્કિન પબ્લિક સ્કિલ ઇન્સ્ટિટ્યૂટ વૉલન્ટિયર વેન્ટિલેશન સાઇક્લિસ્ટ સ્ક્રિપ્ટ
અા ચાર ઉદાહરણો ધ્યાનથી જોશો તો ખયાલ અાવશે કે અેક શબ્દવાળીિનું પાંખિયું નાનું છે ને તે માત્ર અેક શબ્દને જ પાંખિયામાં સમાવે છે. જ્યારે જોડાક્ષરવાળીિનું પાંખિયું લાંબું છે ને તે જોડાક્ષરને સમાવી લેતું દેખાય છે. 
અહીં મૂકેલું પાનું જોશો તો અધોરેખિત કરેલા જોડાક્ષરોવાળી મોટા પાંખિયાવાળી િ બરાબર થઈ છે, જ્યારે કૂંડાળાં કરેલા શબ્દોમાં જોડાક્ષરવાળી મોટા પાંખિયાવાળીિ થઈ નથી. માત્ર અેકાક્ષરી શબ્દોમાં થાય છે અેવી નાના પાંખિયાવાળી િથઈ છે. અા ભૂલો માટે વિદ્યાપીઠ ને કોશસમિતિ ફૉન્ટની ભૂલ કાઢી શકે તેમ નથી, કારણ કે અા પાનું જ નહીં કોશમાં પણ અડધી જગાઅે જોડાક્ષરવાળી િ બરાબર થઈ છે, અડધી જગાઅે બરાબર નથી થઈ. અાવી ભૂલો માટે પ્રૂફરીડરની કાચી નજર ને કોશકારોની બેદરકારી જ જવાબદાર છે. અા અેક જ પાનું કોશ સાથે સંકળાયેલાઅોની બેદરકારી કે અણઅાવડત છતી કરવા પૂરતું છે. કોશમાં અાવી ભૂલો સેંકડો નહીં હજારોની સંખ્યામાં હશે. સેંકડો તો હું અાજે ગણાવી શકું તેમ છું.
સહસ્ર સ્ + ર, ને શસ્ત્ર સ્ +ત્+ રના ભેદ જેવી અા ભૂલો છે. અામાં ઘણાને બધું સરખું ને સાચું લાગે છે, તેમ કોશસમિતિને લાગ્યું હોય તો રામ જાણે. કોશસમિતિઅે કોશ સંવર્ધિત કરવાના નામે ડીંડવાણું ચલાવ્યું છે.

(11)

અા તે શબ્દકોશ છે કે ધર્મકોશ

પેઢાલપુત્ર, પોટ્ટિલ, સંવર, સાગરોજિત, સુતેજા, અરનાથ, અનંતવિજય,અભિનંદનસ્વામી …

અાવા શબ્દો તમે લોકવ્યવહારમાં સાંભળ્યા છે? મેં તો નથી સાંભળ્યા. હજુ થોડા શબ્દો જુઅો : મુનિસુવ્રત, મુનિસુવ્રતસ્વામી, શતકીર્તિ, અનંતનાથ, દેવગુપ્ત, શુદ્ધમતિ … વગેરે વગેરે.
સાર્થ જોડણીકોશની 2017ની અાવૃત્તિમાં સમાવાયેલાં અા બધાં નામ જૈન તીર્થંકરોનાં છે. 24 અતીત, 24 વર્તમાન અને 24 અનાગત, અેટલે કે 72 તીર્થંકરોનાં નામ કોશમાં સમાવાયાં છે. મૂળ કોશમાં ચારપાંચ તીર્થંકરોનાં નામ હતાં. ને તે પૂરતાં લાગતાં હતાં. 2005ની પુરવણીમાં રહી ગયેલા બઘા જ તીર્થંકરોનાં નામ સમાવાયાં ને પછી 2017ની અાવૃત્તિમાં સમાવી લીધાં. સવાલ અે છે અામાંનાં મોટા ભાગનાં નામ લોકવ્યવહારમાં ચલણી જ નથી. જૂના વખતમાં ચલણી હોત તો ભગવદ્ગોમંડળ ને બૃહદ્દ કોશમાં અા નામો નોંધાયેલાં મળત. પણ અેમ નથી.


કોશમાં મુખ્યત્વે લોકવ્યવહારમાં ચલણી બનેલા શબ્દો ઉમેરાય. અા નામો ચલણી નથી તો અા કોશમાં અાવ્યાં કેવી રીતે? અા કંઈ જૈન ધર્મનો કોશ નથી. ગુજરાતી શબ્દકોશ છે. હિંદુઅોમાં તેત્રીસ કોટિ દેવતાઅો છે તો શું બધાનાં નામ કોશમાં સમાવાનાં? વિષ્ણુસહસ્રનામનાં હજાર નામ કંઈ કોશમાં અાપવાનાં ના હોય. અાવાં નામોની જેને જરૂર પડે તે ધર્મગ્રંથોમાં કે અન્ય સંદર્ભગ્રંથોમાંથી શોધી લે. શબ્દકોશમાં અા નામોનો ઉમેરો નથી બુદ્ધિગમ્ય લાગતો કે નથી શાસ્ત્રીય લાગતો. ડાહ્યાભાઈ દેરાસરીના પૌરાણિક કથાકોશમાં 10,000 જેટલાં પૌરાણિક પાત્રોનો કથાસહિત વિગતે પરિચય છે. અેમાંથી લોકવ્યવહારમાં ચલણી 275 જેટલાં પાત્રોનો પરિચય સાર્થ કોશના પરિશિષ્ટમાં અપાયો અે યોગ્ય લાગે છે. અેટલે સાર્થ જોડણીકોશમાં ઉમેરેલાં અા 72 તીર્થંકરોનાં નામ કોઈને પણ ગળે ઊતરે તેમ નથી. મૂળ કોશમાં અાપેલાં પ્રચલિત તીર્થંકરોનાં નામ જ પર્યાપ્ત હતાં. કદાચ કોશસમિતિમાં કોઈ જૈન હશે ને બધા તીર્થંકરો માટે કોશમાં દેરાસરો બનાવીને જૈનમ્ જયતિ શાસનમ્ કર્યું હોય અેવી શંકા જાય છે.


અેક બાજુ ઉપરોક્ત લોકવ્યવહારમાં નથી અેવા બિનજરૂરી શબ્દો કોશમાં ઘુસાડ્યા છે તો બીજી બાજુ લોકવ્યવહારમાં ચલણી બનેલા સેંકડો શબ્દો કોશમાં છે જ નહીં. મેં મારા કામ દરમિયાન સાર્થમાં ન મળેલા શબ્દોની યાદી કરી હોત તો સેંકડો શબ્દોની યાદી થઈ હોત. પણ મને મારી અાળસ ને ઉદાસીનતા નડી. અહીં કેટલાક યાદ અાવેલા શબ્દો ટાંકું છું જે જોડણીકોશમાં નથી, પણ રોજબરોજના વપરાશમાં છે :


સ્ક્વોડ, રેટ, વૉરંટી, હિમોગ્લોબિન, હૉર્મોન, નિકોટિન (હું ગુજરાતી શાળામાં ભણ્યો હતો. ચાર દાયકા પછી પણ કોઈ ગુજરાતી કોશમાં નથી.) હાઇવે, ઝમીર, ટેલિકોમ, સગીરા, વીક, વીકલી, સેલ્યુટ, વેટરનરી, અેક્સ્કલૂઝિવ, અેક્ઝિક્યુટિવ, રિક્રૂટમેન્ટ, મુખ્ય મંત્રી, કુડીબંધ, મેરિટાઇમ, પોલિટેક્નિક (ચારપાંચ દાયકાથી ચલણમાં), પોર્ચ, હેલ્મેટ, વેલ્ફેર, ફેન ( પ્રશંસક), મોંફાટ ( મોંફાટ વખાણ) પંગો ( પંગો લેવો) રક્તતુલા, રજતતુલા, સુવર્ણતુલા, ડાબ ( કાચું નારિયેળ), પરપ્રાંત, પરપ્રાંતીય, કૅન્ટોન્મેન્ટ, અોલરાઉન્ડર, અેકપાત્રી ( નાકટ), અૉફબીટ, ગુડવિલ, ડીલ (અં.), પિઠ્ઠુ, બ્લન્ડર, પદૂડી (કાઢવી), રણનીતિ, લક્ષ્મણરેખા, વાણિજ્યિક, અફળાઅફળી, પતંગનૃત્ય
તળપદા શબ્દોની બાબતમાં તો સાર્થ જોડણીકોશ બહુ દરિદ્ર છે.

હમણાં સ્વામી અાનંદનાં પાંચેક પુસ્તકોની પ્રૂફસુધારણા દરમિયાન ઘણા તળપદા શબ્દો કોશમાં મળ્યા જ નહીં. કમ સે કમ, સ્વામી અાનંદ, પન્નાલાલ પટેલ, મેઘાણી, યોસેફ મેકવાન, ચૂનીલાલ મડિયા, રઘુવીર ચૌધરીના કથાસાહિત્યમાં વપરાયેલા તળપદા શબ્દો તો કોશમાં હોવા જ જોઈઅે!


બાબુભાઈ (સુથાર), શબ્દકોશ માટે શબ્દપસંદગી કરવાની કોઈ શાસ્ત્રીય પદ્ધતિ તો હશે ને?

(12)

જોવા જેવું ઘણું બધું ચૂકી જવાયું

* ટા-ટા [અં.] છૂટા પડતી વખતે ઉચ્ચારાતો શબ્દ

અા શબ્દનું લિંગ અાપવાનું કોશકારો ભૂલી ગયા છે.

* રૉબોટ પું. યંત્રમાનવ – અહીં કઈ ભાષાનો શબ્દ છે તે અાપ્યું નથી. ગુજરાતી સિવાયના શબ્દો હોય ત્યારે તે શબ્દ કઈ ભાષાનો છે તે અાપવાનું હોય છે.

* ઢાબા, ધાબા પું. મુસાફરોને જમવા-વિરામ માટેનું સ્થળ – અહીં પણ શબ્દ કઈ ભાષાનો છે તે નથી અાપ્યું.

નવાઈની વાત અે છે કે અા ત્રણેય શબ્દો 2005ની પુરવણીમાં હતા. અે વખતે અા બાબતો ચુકાઈ ગઈ હતી, પરંતુ સંવર્ધિત અાવૃત્તિમાં પણ અેની અે ભૂલો દોહરાવાય ત્યારે કોશસમિતિની નીંભરતા વિશે શું કહેવું? પુરવણીની ભૂલો વિશે કિરીટ પરમારે બ્લૉગ પર લખ્યું હતું ત્યારે અા મુદ્દો પણ ચર્ચ્યો હતો. કોશસમિતિવાળાઅોને અે લખાણની ખબર છે જ, છતાં …!

* શેમ્પેઇન પું. દારૂનો અેક પ્રકાર

નવો ઉમેરેલો અા શબ્દ કઈ ભાષાનો છે તે પણ ચૂકી જવાયું છે.

* મદિરાક્ષી વિ., મોહક અાંખવાળી – પૃ. (778) બોલો અાવો અર્થ ક્યાંથી હોય? મદિરા અેટલે દારૂ. દારૂ પીધેલીની અાંખ કેવી હોય – મોહક કે પછી મદિલ, કેફી, નશીલી – અા શબ્દની જોડણી કે અર્થ કોઈ ખોળે નહીં, કારણ કે લગભગ બધાને ખબર હોય જ.

કેફી અાંખવાળી કે માદક કે મદીલી અાંખવાળી હોવું જોઈઅે.

* ભારઝલું વિ. [ ભાર+ ઝીલવું] ભારેખમ, પુખ્ત, પીઢ – અર્થ બરાબર નથી. ભારઝલું અેટલે ધરખમ – ભાર ખમે, ઝીલે અેવું.

* નહાર ન. વરુ – અા શબ્દોનો અર્થ પણ બરાબર નથી. બધા કોશ અા જ અર્થ અાપે છે પણ અમારી બાજુ વાઘના અર્થમાં અા શબ્દ બોલાય છે. હિંદીમાં નાહર છે ને તેનો અર્થ શેર, વાઘ થાય છે. મારું ગામ ગુજરાતમાં પણ મધ્યપ્રદેશ પાંચ કિલોમીટરના અંતરે. સામાજિક વ્યવહારો ખરા ને બોલીમાં પણ હિંદીના શબ્દો ઘણા. વરુ કદાચ સાચું હોય તો ય વાઘ અર્થ ઉમેરાવો જોઈઅે. મારું નામ નાહર અેમ કહી કોઈ અાદિવાસી છાતી ઠોકીને પડકાર ફેંકે કે ઝીલે ત્યારે વરુનો નહીં પણ વાઘનો જ અર્થ નિહિત હોય.

* બંડલ શબ્દ – ગપગોળો, ગામગપાટાના અર્થમાં છે, તો બંડલબાજ શબ્દ પણ અાપવો જોઈતો હતો. ગપોડીના અર્થમાં અા શબ્દ પણ વપરાય છે જ.

* બળદગાડી અાપ્યું છે તો બળદગાડું કેમ ચૂકી જવાયું છે?

* માઇક્રોસ્કોપ, સ્ટેથોસ્કોપ, બાયોસ્કોપમાં સ્કોપ સંવૃત છે તો કેલિડોસ્કૉપમાં વિવૃત કેવી રીતે અાવે? Scopeનો ઉચ્ચાર બદલાય કેવી રીતે? કેલિડોસ્કોપ સાચું ગણાય.

* અૅનાલિસિસ, પૅરાલિસિસ-માં સિ હૃસ્વ તો ડાયાલિસીસમાં સી દીર્ઘ કેવી રીતે? Lysis તો ત્રણેમાં સરખા જ છે. ડાયાલિસિસમાં પણ સિ હૃસ્વ જ અાવે.

* ઇનડૉરમાં ડૉ વિવૃત તો અાઉટડોરમાં ડો સંવૃત કઈ રીતે? ઇનડોરમાં પણ સંવૃત જ અાવે.

* તૌફીક સ્ત્રી. (અ.) બળ, શક્તિ (2) બળબુદ્ધિ _ બરાબર પણ ઈશ્વરકૃપા, કુદરતી અનુકૂળતા – અર્થ પણ ઉમેરાવો જોઈતો હતો. ઈશ્વરકૃપાના અર્થમાં જ હાલમાં અા શબ્દ વધુ વપરાય છે.

* ગુડબાય [અં] અાવજો, અલવિદા, `બાય’ – અહીં અલવિદા અર્થ ખોટો છે. ગુડબાય વિદાયવેળાઅે શુભેચ્છાવાચક છે, જ્યારે અલવિદા છેલ્લી વિદાય, છેલ્લી સલામ તરીકે વપરાય છે.

* પેશકશ – પેશકશી પું. સ્ત્રી. ખંડણી – પેશકશનો ખંડણી અર્થ પર્યાપ્ત નથી.

હિંદીની અસરમાં પ્રસ્તાવ, નજરાણું-ના અર્થમાં બહુધા અા શબ્દ વપરાય છે. હિંદી ઉર્દૂના જાણતલ અજિતભાઈ અજમેરી શું કહે છે વાંચો :

“ પેશ (ફા. પું)پیش : સંમુખ , સામે , પ્રથમ , પહેલાં , આગલો ભાગ , उर्दू में "उ" की मात्रा 'و'|

પેશકશ (ફા. સ્ત્રી) پیشکش : ભેટ , પુરસ્કાર , નજરાણું , રજૂઆત , પ્રસ્તાવ , સલાહ , અભિપ્રાય , મત , પ્રાર્થના , વિનંતી .

જ્યાં સુધી મારી જાણકારી છે ત્યાં સુધી પેશકશી શબ્દ નથી અલબત્ત પેશી છે پیشی (ફા. સ્ત્રી) : સંમુખ થવાનો ભાવ , મુકદ્દમા કે દાવા સમયે ન્યાયાધીશ કે અધિકારી સામે રજૂ થવાનો ભાવ કે સમય .''

* ગ્રેસફુલ, હોપફુલ અને બ્યૂટીફૂલ શબ્દો અાપ્યા છે. અહીં સવાલ અે છે કે graceful, hopeful અને beautyful ત્રણેમાં ful છે તો ત્રણેમાં ફુ હૃસ્વ અાવે કાં ત્રણેમાં ફૂ દીર્ઘ અાવે. બેમાં હૃસ્વ ઉ ને અેકમાં દીર્ઘ ઊ અેવો સ્વરભાર fulમાં કેવી રીતે બદલાય?

* અર્ધાંગના બરાબર છે, પણ હિંદીની અસરમાં દાયકાથી અર્ધાંગિની વધુ વપરાય છે. અર્ધાંગિની વિકલ્પ પણ ઉમેરાવો જોઈતો હતો.

* બાહુબલિ અાદિ તીર્થંકર ઋષભદેવનો બીજો પુત્ર – એ અર્થમાં અાપ્યો છે. પણ અત્યારે મસલ્સપાવરવાળા – બાહુબળવાળાના અર્થમાં બાહુબલી વધારે વપરાય છે. કોશકારોઅે બજરંગબલીની તરાહ પર બાહુબલી શબ્દ નોંધવો જોઈતો હતો.

કોશમાં ગ્રંથિ છે, પણ ગુરુદ્વારામાં ગ્રંથનો પાઠ કરનાર ગ્રંથી કહેવાય છે. અા શબ્દ પણ નોંધાવો જોઈતો હતો. કોશ વાપરનાર ગ્રંથિમાં ગૂંચવાયેલો ન રહેવો જોઈઅે.

(13)

વિદ્યાપીઠનું મિચ્છા મિ દુક્કડમ?!

મૂળ કોશના પાન 667 પર શબ્દ છે :

મિચ્છા મિ દુક્કડમ શ. પ્ર. ( સં. મિથ્યા મે દુષ્કૃતમ્) ` મારું દુષ્કૃત મિથ્યા થાઅો', મિથ્યા દુક્કડમ્ (દુષ્કૃતને અંગે માફી માગવા જૈનોમાં અા બોલ વપરાય છે.)

અહીં જોડણી કે અર્થનો મુદ્દો નથી. મુદ્દો અે છે કે અા શબ્દ 2017ની અાવૃત્તિમાંથી ગાયબ થઈ ગયો છે. સંવર્ધિત અાવૃત્તિમાં અા શબ્દ છે જ નહીં.

અા શબ્દ કેમ નથી અેનો સાચો જવાબ તો કોશસમિતિ અાપે ત્યારે ખરું, પણ અત્યારે તો બે શક્યતા જણાય છે : શબ્દોની અેન્ટ્રી વખતે અૉપરેટર ચૂકી ગયો હોય, મતલબ ગાબડું માર્યું હોય ને પછી પ્રૂફરીડર પણ ચૂકી ગયો હોય, જેના કારણે અા શબ્દ કોશમાંથી નીકળી ગયો. બીજી શક્યતા અેવી જણાય કે કોશમિતિના વિદ્વાનોને અા શબ્દમાં કંઈ વાંધો જણાયો હોય ને તેને રદ કર્યો હોય. અલબત્ત, અાવું બધું ગળે ઊતરે અેવું નથી. પ્રૂફરીડિંગની કક્ષાઅે રહી ગયો હોય તો અે ગંભીર ભૂલ ગણાય. ને કોશકારોઅે બાતલ કર્યો હોય તો અે પણ તર્કબદ્ધ નથી લાગતું. નૂતન વર્ષાભિનંદનની જેમ ભલે વર્ષદહાડે અેક વખત વપરાતો શબ્દપ્રયોગ હોય, તો પણ જૈનોમાં વપરાય જ છે. `ભગવદ્ગોમંડળ', `બૃહદ્દ કોશ' `મોટો કોશ' બધામાં અા શબ્દપ્રયોગ નોંધાયેલો છે જ. કંઈ વાંધાજનક હોત તો રતિદાદા `મોટો કોશ'માં નોંધ મૂકત જ. અેમણે કેટલા ય શબ્દોમાં અર્થ ઉપરાંત અાવી નોંધો મૂકી જ છે. કાયદાકીય રીતે અમાન્ય કરાયેલા શબ્દો પણ કોશમાં છે જ. ભંગી શબ્દ સાથે નોંધ મૂકીને શબ્દ તો જાળવી જ રાખ્યો છે તો અા શબ્દપ્રયોગમાં અેવું તે શું અનુચિત હતું કે તેને કોશવટો મળ્યો?

* મૂળ કોશમાં હાઇડ્રોજન, હાઇફન, હાઇડ્રોકાર્બન – શબ્દોમાં નાની ઇ અાપેલી છે. તો હાઈ કમિશનર, હાઈકોર્ટ, હાઈસ્કૂલ – શબ્દોમાં મોટી ઈ અાપેલી છે. 2017ની અાવૃત્તિમાં હાઇકોર્ટ, હાઇકમિશનર, હાઇસ્કૂલ – શબ્દોમાં મોટી ઈની જગાઅે નાની ઇ કરી દેવાઈ છે. અહીં નાની ઇ સાચું લાગતું નથી. અલબત્ત, બૃહદ્દ કોશમાં નાની ઇવાળી જ જોડણી છે તો `મોટો કોશ'માં જૂના સાર્થની જેમ મોટી ઈવાળી જોડણી અાપી છે. મૂળ સાર્થમાં hydrogen, hyphen – જેવા hy-વાળી ઇ નાની રાખવાની ને high school, high court, high commisioner જેવા gh-વાળી ઈ મોટી રાખવાની પદ્ધતિ અપનાવાઈ હોય અેમ જોડણી જોતાં જણાઈ અાવે છે.

હાઈકોર્ટ, હાઈસ્કૂલ જેવામાં મોટી ઈ રૂઢ અને સ્વીકૃત થઈ ગઈ છે, અેને બદલવાની કોઈ જરૂર નહોતી. police સ્પેિલંગ પ્રમાણે તો લિ લખાવું જોઈઅે પણ પોલીસ દીર્ઘ રૂઢ થઈ ગયું છે, ને લી દીર્ઘ જ લખાય છે, અેટલે અાવા શબ્દોની જોડણીમાં છેડછાડ કરવાની જરૂર જણાતી નથી.

અામ તો સાર્થમાં અાપેલી પુનિત જોડણી ખોટી હોવાનું બૃહદ્દ કોશ ને મોટો કોશ કહે છે. રતિદાદાઅે તો પુનિત અશુદ્ધ હોવાની નોંધ પણ મૂકી છે. મૂળે સંસ્કૃતમાં પુનીત દીર્ઘ છે, છતાં સાર્થ પ્રમાણે લખનારા પુનિત લખે છે જ. અહીં પણ રૂઢિ કામ કરતી હોય તો હાઈકોર્ટ જેવામાં મોટી ઈની રૂઢિ જળવાવી જોઈતી હતી.

વધુ શોધ માટે હિંદી કોશ પણ ખોળી જોયો. સૌથી વધુ પ્રમાણભૂત ગણાતા જ્ઞાનમંડળ વારાણસીના બૃહત્ હિંદી કોશમાં હાઇડ્રોજન, હાઇફન, હાઇડ્રોકાર્બનમાં નાની ઇ છે. પણ હાઈ (અંગ્રેજી)ના બડા, ઊંચા અેવા અર્થ અાપ્યા છે ને જોડણીમાં મોટી ઈ અાપેલી છે. પછી હાઈકોર્ટ, હાઈસ્કૂલ શબ્દ અાપ્યા છે ને અેમાં મોટી ઈ અાપી છે.

હાઇકોર્ટ, હાઇસ્કૂલ, હાઇકમિશનરમાં કોશસમિતિઅે સમજીવિચારીને નાની ઇ કરી છે કે પછી પ્રૂફસુધારણાના સ્તરે ભૂલ થઈ છે, તે અનુમાનનો વિષય છે. મને અા ત્રણ શબ્દોની નાની ઇવાળી જોડણી ગળે ઊતરતી નથી.

અંગ્રેજી શબ્દોની ગુજરાતી જોડણીમાં મોટી ઈ જૂજ જ વપરાય છે, પણ વપરાય છે તો ખરી.

બાબુભાઈ, hyવાળી ઇ ને high ghવાળી ઈમાં ધ્વનિતંત્ર કેવી રીતે કામ કરે છે?

(બે કાપલીઅો મૂળ કોશની અને અેક સંવર્ધિત અાવૃત્તિની છે.)

(14)

સાર્થમાં સહસ્ર ભૂલો : વિદ્યાપીઠ પ્રાયશ્ચિત્ત કરશે?!

પાંચમી અાવૃત્તિના અડધા સૈકા પછી કોશ માટે વિદ્યાપીઠ જાગી. 2005માં 5,000 શબ્દોની સ્વતંત્ર પુરવણી બહાર પાડી. 2008માં મૂળ કોશની પાછળ પુરવણી જોડી દેવાઈ. 2009માં પુરવણીની ભૂલો અંગે વિવાદ ચગ્યો. કેટલાકે ભૂલો વિશે ધ્યાન દોર્યું તો છાપાંઅોમાં સ્ટોરીઅો છપાઈ. વિદ્યાપીઠ હરકતમાં અાવી. અંદરખાને પુરવણી ખેંચી લેવાની વાતો સંભળાઈ. પણ પછી ઠંડું પડી ગયું, અેટલે વિદ્યાપીઠે 2012માં સાર્થની 3,000 નકલ છાપી તેમાં ભૂલોવાળી પુરવણી પણ જોડીને વેચી ખાધી.

સમજાતું નથી કે વિદ્યાપીઠના કુલસચિવ, કુલનાયક, કોશસમિતિ – બધાને ખબર છે કે પુરવણીમાં ભૂલો છે, તો પછી જાણવા છતાં 2012માં અાવી ભૂલોવાળી પુરવણી જોડીને ગાંડી ગુજરાતના ભાષાદારિદ્ર્ય ગુજરાતીઅો સાથે ભાષાદ્રોહ શા માટે કર્યો?

ગાંધીજીઅે ભૂલોવાળી ચોપડી નરહરિ પરીખ પાસે સળગાવી દેવડાવી હતી. જે ગાંધીજીઅે શબ્દકોશ બનાવડાવ્યો અે જ ગાંધી સંસ્થા કોશની પુરવણીમાં ભૂલો હોવાનું જાણે છતાં છાપીને વેચે ત્યારે સાલું લાગી અાવે. ક્યાં મહાત્મા ગાંધી અને ક્યાં ગાંધી સંસ્થાનોના સત્તાધીશો!

સમજાતું નથી નૈતિક જવાબદારી જેવું કંઈ હોય કે નહીં?

ધારો કે પુરવણીમાં જે ભૂલો બતાવી તે ભૂલો વિદ્યાપીઠના સત્તાધીશો ને કોશસમિતિના મતે ભૂલો નહોતી તો પછી 2017ની સંવર્ધિત અાવૃત્તિમાં પુરવણીમાંની સેંકડો જોડણીઅો કયા કારણસર સુધારાઈ? મતલબ પુરવણીમાં ભૂલો હતી હતી ને હતી.

પુરવણી અને સંવર્ધિત અાવૃત્તિમાંની જોડણીઅો જુઅો :

1.(પુરવણી) ગૂડ, ગૂડબાય, ઈશ્યૂ, હાઈકુ, હાઈજમ્પ, હાઈટ, બૅનિફિટ, બૅઝમૅન્ટ, મૅટલ, ડૅડ, ડૅડી, ડૅડબૉડી, ટૅક્સ્ટબુક્સ, ટ્રીટમૅન્ટ, અૅગ્રીમૅન્ટ, અૅનાઉન્સમૅન્ટ, ટૅન્શન, અેમ્પ્લોયમૅન્ટ, અૅન્લાર્જમૅન્ટ, અૅક્ઝામિનેશન, અૅક્ઝામ્પલ, અૅક્ઝિબિશન, અૅક્ઝિટપોલ, અૅક્સ્ટ્રીમ, અૅક્સાઇઝડ્યૂટી, અૅસાઇન્ટમૅન્ટ, અૅલિમૅન્ટ, ટેનામૅન્ટ, ટૂર્નામૅન્ટ, અૅડિટર, અૅડિટોરિયલ, ફોરેન, બાયૉકૅમિસ્ટ્રી, અૅપાર્ટમૅન્ટ, ડૉક્યુમૅન્ટ, ડૉક્યુમૅન્ટરી, રિટાયરમૅન્ટ, હેન્ડબિલ, સેટલમૅન્ટ, સેન્ટિમૅન્ટલ, સૅન્ટ્રલ

2 (સંવર્ધિત અાવૃત્તિ) ગુડ, ગુડબાય, ઈસ્યૂ, હાઇકુ, હાઇજમ્પ, હાઇટ, બેનિફિટ, બેઝમેન્ટ, મેટલ, ડેડ, ડેડી, ડેડબૉડી, ટેક્સ્ટબુક, ટ્રીટમેન્ટ, અૅગ્રીમેન્ટ, અૅનાઉન્સમેન્ટ, ટેન્શન, અેમ્પ્લૉયમેન્ટ, અેન્લાર્જમેન્ટ, અેક્ઝામિનેશન, અેક્ઝામ્પલ, અેક્ઝિબિશન, અેક્ઝિટપોલ, અેક્સ્ટ્રીમ, અેક્સાઇઝ ડ્યૂટી, અૅસાઇન્ટમેન્ટ, અૅલિમેન્ટ, ટેનામેન્ટ, ટૂર્નામેન્ટ, અેડિટર, અેડિટોરિયલ, ફોરેન, બાયૉકેમિસ્ટ્રી, અૅપાર્ટમેન્ટ, ડૉક્યુમેન્ટ, ડૉક્યુમેન્ટરી, રિટાયરમેન્ટ, હૅન્ડબિલ, સેટલમેન્ટ, સેન્ટિમેન્ટલ, સેન્ટ્રલ

1 અને 2ની જોડણીઅો સરખાવશો તો મોટા ભાગે વિવૃત અૅ,અૉ સંવૃત થઈ ગયા છે. મોટી ઈની નાની ઇ, દીર્ઘ ઊનું હૃસ્વ ઉ થયેલા જણાય છે. વિવૃતના સંવૃત કરાયેલા સુધારા જ બસો-પાંચસો થવા જાય છે.

સવાલ અે છે કે મારા જેવાઅે પુરવણીને માન્ય રાખીને પ્રૂફસુધારણા કરી હોય તે હવે ખોટી ઠરે છે. અા ભૂલોનું પાપ કોના માથે અોઢાડવું?

હમણાં જ નજરે ચઢેલી પુરવણીની ભૂલ સંવર્ધિત અાવૃત્તિમાં સુધરી નથી તે પણ જોઈ લો./રજોનિવૃત્તિ સ્ત્રી. (ઇ.) સ્ત્રીની વધતી ઉંમર સાથે માસિક ધર્મનું બંધ થવું તે, મેન્સ્ટુઅેશન – અહીં રજોનિવૃત્તિને વિદ્વાન કોશકારોઅે અંગ્રેજી શબ્દ બતાવ્યો છે.

વિદ્યાપીઠે 2005માં સેંકડો ભૂલોવાળી પુરવણી ગુજરાતીઅોના માથે મારી તો 2017માં હજારેક ભૂલોવાળો સંવર્ધિત કોશ માથે માર્યો. 2005 પછી સાર્થ જોડણીકોશની પ્રમાણભૂતતા નીચે ને નીચે ઊતરતી ગઈ છે.

પ્રૂફની ચારપાંચ ભૂલોની ફરિયાદ થઈ તો પ્રકાશનગૃહે પુસ્તક પાછું ખેંચી લીધાનો દાખલો બન્યો છે.

(ગુજરાતી પ્રકાશનગૃહની વાત નથી) વાંચીને વિદ્યાપીઠવાળાઅોની નૈતિકતા જાગે તે માટે અે કિસ્સો અહીં જોડું છું.

(સમાપ્ત)

સૌજન્ય : લેખકના ફેઇસબૂકના પાનાંઓ પર, 03 અૅપ્રિલથી 07 મે 2017 દરમિયાન લખાયેલા આ લખાણોને અહીં સંગાથે મુક્યા છે.

Loading

8 May 2017 admin
← VIP કલ્ચર લાલ બત્તી સે આગે જહાં ઔર ભી હૈ
ક્યાંથી ક્યાં આવી ગયા આપણે →

Search by

Opinion

  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?
  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved