તમામ પશુઓમાં માનવ સૌથી સમજદાર છે અને મૂર્ખ પણ તે જ છે − ડાયોજિનીસ
આજનો ગ્રીસ દેશ ભલે દેવાદાર થઇ ગયો હોય, પરંતુ પ્રાચીન સમયમાં યુનાન તરીકે ઓળખાતો આ પ્રદેશ તેની ફિલોસોફી અને પૌરાણિક કથાઓથી સમૃદ્ધ હતો. જેમાં, સોક્રેટીસ અને પ્લેટો જેવા વિશ્વભરમાં વિખ્યાત ફિલોસોફરો થઇ ગયા. અને આજ યુનાનમાં ડાયોજિનીસ નામનો એક ઘા અને બે કટકા કરનારો સનકી પરંતુ વાસ્તવવાદી ફિલોસોફર થઇ પણ ગયો. જે માત્ર ડાહી ડાહી સલાહ કે ઉપદેશો આપવામાં માનતો ન હતો. પરંતુ, તે અસલ જિંદગીમાં જીવતો પણ હતો.
ડાયોજિનીસની જિંદગી-જીવન અંગેના અનેક ટુચકાઓ પ્રસિદ્ધ છે, પરંતુ તેના જીવન વિષે વિસ્તારથી માહિતી મળતી નથી.
એકવાર એલેકઝાન્ડર ધી ગ્રેટ (સિકંદર) ડાયોજિનીસ વિષેની વાતો અને તેની ફિલોસોફી વિષે વાત સાંભળીને જંગલમાં તેને મળવા જાય છે. ડાયોજિનીસ શાંતિથી તડકે બઠો હતો. સિકંદરે આવીને કહ્યું, ‘મેં તમારા વિષે ઘણું સાંભળ્યું છે, ગુરુજી. હું તમારી શું મદદ કરી શકું ?’ ડાયોજિનીસે સિકંદર સામે જોઈને કહ્યું, મારે અત્યારે કંઈ જ જોઈતું નથી. બાજુમાં ખસી જાવ. હું આ સૂર્યનો તડકો ખાઉં છું અને તમે અહીં વચ્ચે ઊભા છો. બસ, આટલી મહેરબાની કરો.
એલેકઝાન્ડર ધી ગ્રેટ (સિકંદર) જેવા સમકાલીન મહાન યોદ્ધા અને શાસકે પણ ડાયોજિનીસને મળીને કહેલું કે, જો હું સિકંદર ન હોત તો ડાયોજિનીસ બનવા ઇચ્છત. આ સાંભળીને સામે બેઠેલા ડાયોજિનીસે રોકડું પરખાવ્યું કે જો હું ડાયોજિનીસ ન હોત, તો પણ ડાયોજિનીસ બનવા જ ઇચ્છત. અને એ પણ એક સંયોગ જ કહેવાય કે ડાયોજિનીસ જે દિવસે કોરિન્થમાં મૃત્યુ પામ્યો, તે જ દિવસે સિકંદર ઈજિપ્તનાં બેબિલોનમાં મૃત્યુ પામ્યો.
ડાયોજિનીસનો જન્મ હાલના તુર્કસ્તાનના સિનોરી ગામમાં થયેલો. તેના પિતાનો વ્યવસાય ચલણી સિક્કાઓ બનાવવાનો હતો. જેમાં, ડાયોજિનીસ પણ મદદ કરતો અને પછી આ વ્યવસાય તેણે પણ અપનાવી લીધો હતો. પણ, થોડા સમય બાદ ધાતુના સિક્કામાં ભેળસેળના આરોપમાં તેને તડીપાર કરવામાં આવ્યો, દેશવટો આપવામાં આવ્યો.
ગ્રીસના પૌરાણિક નગર એથેન્સ આવીને તે પછી ત્યાં વસ્યો. ત્યાં તેની સાથે એક નોકર પણ આવેલો. જેને થોડા સમયમાં ડાયોજિનીસનો સાથ છોડી દીધો, અને રમૂજમાં કહેલું કે, એ મારા વગર રહી શકે, તો હું તેના વગર કેમ ના રહી શકું?
અહીં એથેન્સમાં તેને એન્ટીથીસિસ નામે સલાહકાર – ગુરુ મળ્યા. જેમની પાસેથી શીખ મળી કે જીવનમાં દંભ ન કરવો, પ્રમાણિકતા રાખવી અને ખાસ તો જરૂરિયાત પૂરતું પોતાની પાસે રાખવું અને બાકીનું બીજાને વહેંચી દેવું. આથી, એકવાર નદી કિનારે બાળકને ખોબે ખોબે પાણી પીતાં જોઇને પોતાનું એકમાત્ર વાસણ પવાલું પણ ફેકી દીધું અને લંગોટી પણ ભારરૂપ લાગતા ઊતારીને ફેકી દીધી.
ડાયોજિનીસ અત્યંત સાદું જીવન જીવતો. એથેન્સનાં સાઈબેલીનાં મંદિર પાસેના બેરલમાં તે સૂતો અને તેની બહાર જ ભીખ માંગી ખાઈ પણ લેતો. કોઈ તેને ખાવાના શ્રેષ્ઠ સમય વિષે પૂછેલું તો કહ્યુંકે ધનિકો માટે દિવસમાં ગમે ત્યારે્, જ્યારે ગરીબને જ્યારે ખાવાનું મળે ત્યારે.
ડાયોજિનીસ પોતાને ધ સિટીઝન ઓફ કોસ્મોસ કહેતો. એટલે કે હું આખા ય બ્રહ્માંડનો નાગરિક છું. તે કહેતો કે આ દુનિયામાં મને જ્યાં ઠીક પડે ત્યાં રહી શકું, મને રોકનારો કોણ? એકવાર શરાબખાનામાં તેની પસંદગીની વાઈન વિષે કોઇકે પૂછેલું તો કહે કે લોકો મારા વતી જે વાઈનના પૈસા ચૂકવી શકે, તે મને સૌથી વધુ પસંદ છે.
ડાયોજિનીસને સોક્રેટીસ અને તેની ફિલોસોફી માટે આદર હતો. પરંતુ, સોક્રેટીસના શિષ્ય પ્લેટોનો તે સખત ટીકાકાર હતો. અને બંનેને ઊભે પગે ય બનતું ન હતું. એકવાર તે પ્લેટોની તાલીમશાળામાં ગયેલો, જ્યાં બુદ્ધિજીવી ફિલોસોફરોએ કરેલી માનવીની વ્યાખ્યા વિષે ચર્ચા થતી હતી. પ્લેટોએ અગાઉ માનવીની વ્યાખ્યા કરેલી કે માનવી એ ‘પાંખ વિનાનું બે પગું પ્રાણી છે’. ત્યાં જ ડાયોજિનીસ એક મરઘી પકડીને આવ્યો અને બધાને બતાવીને કહ્યું કે જુઓ આ પ્લેટો દ્વારા વ્યાખ્યાયિત માનસ છે.
ડાયોજિનીસ માનવજાત દ્વારા થતાં દેખાડા અને દંભીપણાને ખૂબ વખોડતો અને કહેતો કે ખરી પ્રમાણિકતા તો માનવ કરતાં પશુઓમાં છે. એટલા માટે હંમેશાં તે પોતાની સાથે એક કૂતરો રાખતો. તે કહેતો કે કૂતરો એક એવું પ્રાણી છે જે તમને હંમેશાં કંઈક આપે છે. જ્યારે જ્યારે લોકો ડાયોજિનીસને કંઈક આપતાં તો આપનારને તે વહાલ કરી ચાટતો. જો કોઈ કાંઈ ન આપે, તો તેના પર તે ભસે છે. અને જો કાંઈ નુકસાન કરે તો તેને બચકાં ભરી બદલો પણ લઇ લે છે!
એકવાર ભર બપોરે ડાયોજિનીસ સળગતું ફાનસ લઈને કૂતરા સાથે નીકળેલો અને કોઈએ પૂછ્યું કે શું કરે છે તો જવાબ આપ્યો કે દુનિયાનો સૌથી પ્રમાણિક માણસ શોધું છું.
આજના રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ જે પોતાની જરૂરિયાત કરતાં અનેકગણી ધન સમ્પતિ રાખે છે અને વધુમાં વધુ સુખ સુવિધાની લાલસા રાખે છે, તેને ડાયોજિનીસનની સલાહ માનવા જેવી છે કે જરૂર પૂરતું રાખો અને બાકીનું જરૂરિયાત હોય તેને વહેચી દો.
એથેન્સનાં અમુક લોકો તેની પ્રવૃત્તિઓને મનોરંજક માનતા, તો અમુક લોકો તેને મૂર્ખ ગણી અવગણતા. એક વાર તે એક ભોજન સમારંભમાં ગયેલો. ત્યાં એથેન્સનાં શ્રીમંત લોકો આવેલા. તેમણે ડાયોજિનીસને ચીડવવા કૂતરા જેવો કરી તેના પર હાડકાં ફેકવાં લાગ્યા ત્યારે ડાયોજિનીસે એક પગ ઊઠાવી કૂતરાની જેમ જ તેમના પર પેશાબ કરી જડબાતોડ જવાબ આપેલો.
ડાયોજિનીસ જળમાર્ગે એજીના નગર બાજુ જતો હતો, ત્યારે ચાંચિયાઓએ તેને પકડીને ગુલામ બનાવી દીધો. અને પછી કોરિન્થનાં એક શ્રીમંત વેપારીને વેચી દીધો.
આ શ્રીમંતે તેને વેપાર અંગેની આવડત વિષે પૂછ્યું તો જવાબ આવ્યો કે હું તો પ્રશાસક આદમી છું. પરંતુ પછી તેને તેના છોકરાઓનાં માર્ગદર્શક તરીકે રાખેલો અને ત્યાં તેની સાથે ગુલામ જેવો વર્તાવ થતો ન હતો.
તેના જીવનનાં છેલ્લા દિવસો ત્યાં જ પસાર થયેલા. તેણે જીવનનાં અંત સુધી પોતાની ફિલોસોફી પ્રમાણે અત્યંત ગરીબ જીવનશૈલી રાખી. તેના મૃત્યુ અંગે પણ રહસ્યો છે. અમુકના મતે તેણે શ્વાસ રોકી આપઘાત કરેલો, તો અમુકનાં મતે તે કુદરતી મૃત્યુ પામ્યો. તેણે મૃત્યુ અગાઉ કહેલું કે તેના મૃતદેહને કૂતરાઓ માટે ખાવા નાખી દેવામાં આવે. પણ, તેના નજીકનાઓએ મૃત્યુ બાદ યોગ્ય રીતે દફન કરી તેના પર આરસ જેવો આધારસ્તંભ પણ મૂકેલો.
(www.akshaydarji.wordpress.com)
સૌજન્ય : https://www.facebook.com/akshay.parmar.3914/posts/1292597230832158