Opinion Magazine
Number of visits: 9483810
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મિશન પર્યાવરણ

સ્વાતિ મેઢ|Opinion - Short Stories|6 March 2017

એક મોટું જંગલ હતું. એમાં બહુ બધાં વાંદરાં રહેતાં હતાં. આમ તો વાંદરાં શહેરો અને ગામોમાં ય રહે પણ જંગલમાં વાંદરાંની વસ્તી વધારે. વાંદરાં ને વળી જાતજાતનાં વાંદરાં. નાનાં, મોટાં, અતિ નાનાં, અતિ મોટાં એમ ઘણી જાતનાં વાંદરાં. આમ બધાં જુદાં ને આમ બધાં એક. કોઈ વાતે અંદરોઅંદર ચડભડ થાય, તો એટલી ધમાલ થાય કે આખું જંગલ હાલી ઊઠે. ને કંઈ હરખની નવાજૂની થાય, તો એવો જ શોરબકોર. કંઈ કેટલાં ય ઝાડવાંનો કચ્ચરઘાણ વળી જાય ને બીજાં પશુપંખીઓ વચ્ચે આવ્યાં તો – બચારાં હતાં ન હતાં થઈ જાય.

આમ કરતાં કરતાં વાંદરાંઓની ઘણી પેઢીઓ વહી ગઈ. વખત જતાં નવી પેઢીનાં વાંદરાંઓને કંઈક સમજાયું. એમને થયું કે આમ લડવામાં ને ઉજવણીઓમાં આપણે જંગલનો ઘાણ વાળીએ એ ઠીક ન કહેવાય. જંગલ તો આપણું જીવન છે. આપણા વડવાઓએ બહુ મોટી ભૂલ કરી છે. આપણે એ સુધારવી જોઈએ.

‘ખરી વાત છે. સુધારીએ આપણા વડવાઓની ભૂલ.’ બધાં વાંદરાં સહમત થયાં. (આમ હસો નહીં, આમ તો વાંદરાં સમજદાર હોય છે. સમજવાની વાત બધાં સમજે.) આપણા વડવાઓએ કરેલી ભૂલ સુધારવાના મુદ્દે બધાં સહમત થયાં.

હવે બે સવાલો આવ્યા. એક તો એ કે ભૂલ સુધારવાના મિશનમાં શહેરો, ગામોનાં વાંદરાને જોડવાં કે નહીં ને બીજો સવાલ એ કે ભૂલ સુધારવી કઈ રીતે?

પહેલી વાતમાં નક્કી થયું કે શહેરો, ગામોનાં વાંદરાંઓને પણ સાથે લેવાં, કારણ કે આખરે એ સૌ પણ વાનરજાત છે. વળી, જંગલનાં વાંદરાંઓને સૌની સાથે હળીમળીને રહેવું ગમે. કોઈ કોઈનું શું લઈ લેવાનું? એટલે એમને પણ સભામાં જોડાવા કહેણ મોકલાયું. એ બધાં હોંશે-હોંશે આવ્યાં. ને પછી એક વાર સમગ્ર વાનરજાતની એક વિશાળ સભા મળી. બધી જ જાતનાં વાનરો ભેગાં થયાં. કેટલી અને કેવી જાતનાં વાનરો એ હું તમને નહીં કહું. એમાં જગ્યા રોકાય પણ સમજોને બધી જાત એટલે બધી જાતનાં. ચર્ચા શરૂ થઈ. એક મુરબ્બી મોટા વાનરે ગંભીર ભાષામાં પૂર્વજોએ કરેલી ભૂલ બાબત વસવસો કર્યો. અને આપણે આ ભૂલ સુધારીશું કઈ રીતે એવા સવાલ વિશે સભાને વિચાર કરવાનું સોંપીને ભાષણ પૂરું કર્યું. એમનું બોલવાનું વેળાસર પૂરું થયું. વડીલ હોવા છતાં ય એમણે વેળાસર પૂરું કર્યું. એટલે બધા બહુ ખુશ થયાં. બહુ જયજયકાર થયો. હવે સવાલ મુકાયો. ‘આપણે ભૂલ સુધારીશું કઈ રીતે ?’

‘એમ કરીએ, આપણે નવી પેઢીને સમજાવીએ કે હવેથી નાનપણથી જંગલને સાચવતાં શીખે’, એક વાનરે કહ્યું.

‘પણ જંગલ સાચવવું હોય, તો આપણે આપણી રમતો, કૂદકા, ધાંધલધમાલ બધું છોડવું પડે અને વાનરજાતનાં સંતાનો એ બધું ન કરે, તો એમનો શારીરિક, માનસિક, બૌદ્ધિક, સામાજિક વિકાસ રૂંધાઈ જાય.’

‘ને આધ્યાત્મિક વિકાસ પણ અટકી જાય એ કઈ રીતે ચાલે ? વ્યક્તિના પૂર્ણ વિકાસ માટે આધ્યાત્મિકતા જરૂરી હોય છે.’ એક અતિ મોટા વાનરે કહ્યું. વાનરજાતમાં એ સૌથી વધારે અક્કલવાળો.

‘ઝાડવાં-ડાળીઓ તોડવામાં આધ્યાત્મિક વિકાસ?’ એક યુવાન બૌદ્ધિક મોટા વાનરે સવાલ કર્યો.

‘તને એ નહીં સમજાય. આજની યુવા પેઢી આ બધાથી અળગી થતી જાય છે. અરેરે, શું થશે?’ પેલા ડાહ્યા વાંદરાએ નિસાસો નાખ્યો.

‘એટલે શું તમે યુવા પેઢી પર આક્ષેપ કરો છો? તેમની તમને ખરેખર ચિંતા છે ?’ બેત્રણ યુવાન વાનરો ઉશ્કેરાઈ ગયા. એકે તો એ જે ડાળી પર બેઠો હતો એ ડાળી તોડી નાંખી. અને પેલા ડાહ્યા વાનરશ્રી તરફ ધસ્યો.

‘હશે જવા દૈ ભૈલા’ ચારપાંચ વાંદરાં વચ્ચે પડ્યાં એટલે એ અટકી ગયો. નહીં તો વળી પંદરવીસ ઝાડવાંનું નિકંદન નીકળી જાત.

‘શાંતિથી વિચારો. આપણે સમગ્ર વાનરજાતની આવતી પેઢીઓને શીખવવાનું છે. કયો માર્ગ ગ્રહણ કરીશું? અતિ મોટાં ડાહ્યાં વાંદરાએ સહેજ પણ વિચલિત થયા વિના વાત આગળ વધારી.

‘માર્ગગ્રહણ એટલે શું ?’ એક યુવાન જંગલવાસી વાંદરાએ બીજાને કાનમાં પૂછ્યું.

‘સવાલ ન પુછાય. વડીલ ડાહ્યા વાનરશ્રી વાત કરે છે.’ બીજાએ પહેલાને ટપલી મારીને કહ્યું. પેલાએ સામી ટપલી મારી. એમ થોડી વાર ટપલાટપલી ચાલી. સભા ય ચાલતી રહી. વાનરોની સભાઓમાં આવું બધું તો થયા કરે.

‘આપણે શિક્ષણનો માર્ગ એટલે કે રસ્તો લઈએ.’ બીજાં બે-ચાર મોટાં વાનરશ્રીઓ બોલ્યાં.

‘અને શિક્ષણ એટલે ખાલી, અમથી, પોકળ, ફોગટ વાતો નહીં. બચ્ચાંને સામે બેસાડીને ભાષણો નહીં ઠોકવાના. વ્યવહારુ રીતે શીખવવાનું. પ્રયોગઅભિમુખ શિક્ષણ આપવાનું જરૂરી છે, ઊગતી પેઢીને.’ વળી થોડાં વાનરો બોલ્યાં.

‘ખરી વાત છે.’ બધાં મોટાં અને અતિ મોટાં વાનરો સહમત થયાં. આમાંનાં મોટાં ભાગનાં વાનરશિક્ષણ વિષે અભ્યાસો અને સંશોધનો કરી ચૂકેલાં અને હવે એ વિશે માર્ગદર્શન કરાવતાં અનુભવી વાનરો હતાં. એમને શિક્ષણ કઈ રીતે અપાય એની બહુ ખબર. કેટલી ય વાર તો શિક્ષણ આપવા વિશેની સર્વજંગલવ્યાપી ચર્ચાઓમાં એમણે વ્યાખ્યાનો આપેલાં. આખરે એ બધાં અનુભવી શિક્ષણકારો હતાં.

આમ, આ અનુભવી વાનર શિક્ષણકારોએ (મોટાં ભાગનાં શહેરનાં હતાં) વાનરોની આવતી પેઢીઓને જંગલનું નિકંદન ન કાઢવા વિશેષ શિક્ષણ આપવાનું નક્કી કર્યું. આ બધા ંતો વ્યાખ્યાનો આપનારાઓ. અમુક વર્ષ શિક્ષણ આપ્યું ને તેઓ હવે માત્ર વ્યાખ્યાનો જ આપતાં હતાં. પણ એમણે જ તૈયાર કરેલા અનુભવમૂલક, પ્રયોગઅભિમુખ શિક્ષણ આપી શકે તેવા  સિનિયર યુવાન વાનરો પણ સભામાં હાજર હતાં. એ બધા આ અભિયાનમાં જોડાવાં આગળ આવ્યાં. કારણ કે જંગલોનું નિકંદન કઈ રીતે વળી શકે એના પ્રયોગપૂર્ણ અનુભવો એમની પાસે હતા. હવે એ અટકાવવાનું હતું. જે થયું તે શું કરીએ તો કર્યું તે ન કર્યું થાય એની ય એમને ખબર હતી. જો કે બગડ્યું સુધારવાનું આમ તો વાનરીઓને સારું આવડે. (બિચારીઓ જન્મોજનમથી એ જ કરતી આવી હોય તે!) પણ એમને કોણ પૂછે? હતી, વાનરીઓ પણ સભામાં હતી. કૌતુક જોવા આવેલી. બેઠેલી એક તરફ બચ્ચાંઓ સાથે.

આમ, વાનરસભામાં નક્કી થઈ ગયું કે આવતી પેઢીને શેનું શિક્ષણ આપવું. હવે સવાલ થતો, કોને આ શિક્ષણ આપવું. ખાસ કયા વર્ગને?

‘કોને આપવું એ સવાલ થવો જ ન જોઈએ. સૌને શિક્ષણ આપવાનું. સૌ સમાન છે. એમાં વર્ગ, જાતિ, પ્રદેશ, કદ, શક્તિ, સામર્થ્ય, સંખ્યા કશાનો ભેદ ન રખાવો જોઈએ.’ જંગલનો એક યુવાન વાનર બોલ્યો. એણે સમાનતાની વિભાવના આપી.

‘બિલકુલ બરાબર.’ ઘણાં બધાં વાનરો સંમત થયાં.

‘હા, એ બરાબર. પણ મને લાગે છે કે જંગલનાં વાનરોને એની વધારે જરૂર છે.’ એક શહેરવાસી વાનરે કહ્યું. યાદ રહે, સભામાં શહેરવાસી વાનરો પણ હતાં. આમ તો એમાંના કોઈકોઈ ક્યારેક જંગલમાં આવે અને જે જુએ તે શહેરમાં જઈને બીજાઓને કહે. શહેરવાસી વાનરોને એટલી ખબર કે જંગલમાં વાનરો બહુ બધાં છે અને એમને શહેર વિશે કંઈ જ ખબર નથી. શહેરવાસીઓ પોતાને બહુ જાણકાર માને.

‘એની તમને કઈ રીતે ખબર?’ એક યુવાન વાનરે પૂછ્યું. એ જંગલવાસી હતો. એને જંગલ માટે ઘણું ગૌરવ હતું.

‘એ મારા અભ્યાસનો વિષય છે. હું એને વિશે પછી વાત કરીશ. પણ એ તો ખરું જ કે અમુક ભેદ તો રાખવો જ પડશે, શિક્ષણ આપવામાં. જેમ કે સંખ્યાબળ, શક્તિ, જાતિ અનુસાર શિક્ષણ વત્તું-ઓછું આપવું.’ શહેરી વાનરના ટેકામાં બીજા એક શહેરવાસીએ કહ્યું.

‘ના, ના, એમ ભેદભાવો ન ચાલે. સૌ સમાનનું સૂત્ર જ અપનાવવું જોઈએ.’ જંગલનાં વાંદરાંઓએ બૂમાબૂમ કરી મૂકી. એમાં નાનાં વાંદરાં વધારે હતાં. શહેરનાં નાનાં વાંદરાં પણ વિરોધમાં જોડાયાં. આમ પણ જંગલમાં નાનાં વાંદરાં વધારે. એમાં વળી શહેરનાં નાનાં વાંદરાંઓ જોડાયાં. સભાની શાંતિ જોખમાઈ. સભા તૂટુંતૂટું થઈ ગઈ. મોટાં સમજદાર વાંદરાઓએ એમના કદનો લાભ લઈને સૌને શાંત તો કર્યાં. સભામાં ચર્ચા આગળ ચાલવાની શરૂઆત થઈ.

એવામાં જરા ગરબડ થઈ ગઈ. થયું એવું કે વડીલવર્ગ જ્યારે ચર્ચા કરતો હતો ત્યારે વાનરબાળવર્ગ રમતગમત કરીને વખત પસાર કરી રહ્યો હતો. મોટાં વાંદરાઓનાં અને નાનાં વાંદરાંઓનાં બચ્ચાં ઘેઘૂર ઘટાદાર વૃક્ષો પર ચડતાંઊતરતાં વૃક્ષોનાં પાંદડાં, ડાળીઓ તોડીને એકબીજાં પર ફેંકતાં હતાં. ઘણો કોલાહલ પણ કરતાં હતાં. શહેરનાં વાંદરાંઓના વડીલો સાથે પિક્નિક કરવા આવેલાં બચ્ચાં લાલચભરી નજરે એ રમત જોઈ રહ્યાં હતાં.

‘જુઓ, જુઓ, તમારાં બાળકો કેટલી વનસમૃદ્ધિનો નાશ કરી રહ્યા છે ?’ એક શહેરી વાંદરાએ ઠપકાના સાદે કહ્યું.

‘એ તો તમારાં બચ્ચાંઓને ઝાડ પર ચડતાં આવડે નહીં એટલે, નહીંતર એ બધાં ય રમતમાં જોડાયાં હોત.’ એક યુવાન વનવાસી વાનર ધીમા સાદે બબડ્યો. પણ સાંભળવાવાળાને જે સાંભળવું હોય તે સંભળાઈ જ જતું હોય છે. શહેરવાસી વાનરોને પણ એ સંભળાયું. એમને એ ન ગમ્યું. ‘વાંક તમારાં બચ્ચાંઓનો છે. એમણે શા માટે રમત કરવી જોઈએ? શિસ્ત પણ નથી એમનામાં. માટે જ કહીએ છીએ, એમને કેળવણીની તાતી જરૂર છે.’

જંગલનાં વાંદરાંઓને કોઈ પણ મુદ્દામાં સામાવાળાનો વાંક કાઢતા ન આવડે. એ શહેરીઓનું કામ. હવે શહેરી વાનરોએ ઠરાવ કરી નાખ્યો કે શહેરનાં મોટાં વાંદરાં સૌ વાનરબાળોને કેળવણી આપશે. એમનો યુવાનવર્ગ બાળવર્ગને જંગલ નષ્ટ ન કરવા વિશે અર્થપૂર્ણ, વ્યવહારુ, સપ્રયોગ શિક્ષણ આપશે. (જુઓ, એમ હસો નહીં. શહેરનાં વાંદરાંઓને પણ જંગલ વિશે જ્ઞાન હોય. એમનાં બધાં સંશોધનો, જંગલની હાલત વિશે જ હોય. નહિતર શહેરોમાં વળી જંગલ ક્યાંથી?) જંગલનાં કેટલાક શહેરમાં જતા-આવતાં યુવાન વાનરોને પણ આ અભિયાનમાં સામેલ કરવામાં આવ્યાં. એમને શહેરની શિક્ષણરીતોની સમજ છે. એ પછી સૂચન થયું કે આ કાર્યને મિશન કહેવું.

વળી, થોડાં જંગલવાસી વાંદરાંઓએ સવાલ કર્યો; મિશન એટલે શું?’

‘અરે આ લોકોને મિશનનો અર્થ પણ ખબર નથી?’ શહેરવાસી વાનરોને નવાઈ લાગી. છેવટે જો કે જંગલવાસી વાનરો સમજ્યાં કે પેલા લોકો જે કહે અને આપણે જે કરીએ એને મિશન કહેવાય. મિશન પર્યાવરણ.

શિક્ષણકાર્ય શરૂ થયું. શહેરની વાનરજાતનો જંગલને જાણનારો (વળી પાછા હસ્યા ? શિસ્ત રાખો અને વાત સાંભળો.) વર્ગ જંગલનાં નાનાંમોટાં વાનર બાળવર્ગને સપ્રયોગ શિખવાડે છે કે ઝાડની ડાળીઓ આમ નહીં આમ તોડવાની. વ્યવહારુ અનુભવ માટે મોટી ડાળીઓ તોડીને બતાવવામાં આવે છે. આ રીતે તોડેલી મોટી ડાળીઓ ઢસડીને શહેરમાં લઈ જવામાં આવે છે, કારણ કે શહેરનાં વાનરોએ કૂદીકૂદીને તોડી નાખેલાં મકાનોનાં છાપરાંઓ પર એ પાથરીને એ ડાળીઓનો ફેરઉપયોગ કરી શકાય. જંગલના સમજદાર મોટા વાનરોને ખબર પડે છે કે આ રીતે જંગલ વધારે નષ્ટ થઈ રહ્યું છે. પણ શું કરે? એમણે જ તો બોલાવેલાં શહેરવાસી વાનરોને સભામાં! ને શહેરમાં? ત્યાં તો વિકાસ જ વિકાસ છે. ઓહોહો! અધધધ!

જે નાનાં વાનરબાળોને મોટી ડાળીઓ તોડતાં નથી ફાવતું તે એ જ રીતે નાની ડાળીઓ તોડે છે. ડાળખાં અને પાંદડાં તોડે છે. હજી તો ઊગીને ઊભાં થતાં નાનકડાં વૃક્ષો જમીનદોસ્ત થઈ જાય છે. પ્રયોગ પછી ઉપજેલો ડાળીઓ-પાંદડાંનો જથ્થો જંગલમાં આમતેમ વેરાય છે. બીજાં પ્રાણીઓને વાગે છે, ઘણા ઘાયલ થઈ જાય છે. તૂટીને વેરાયેલાં ડાળીઓ-પાંદડાં પવનથી ઊડીને જંગલની નદીમાં પડે છે. નદીઓનાં વહેણ રૂંધાય છે. શિક્ષણપ્રયોગ નિમિત્તે કપાતાં ઝાડવાંને લીધે જમીન ખુલ્લી થઈ ગઈ છે. ડુંગરા પર ઝાડ દેખાતાં નથી. ખીણો ખાલીખમ છે. ઠંડા-ગરમ પવનો જંગલમાં ફરી વળે છે. વરસાદ આવે – ન આવે થાય છે. સૌ પશુ-પંખીઓ ત્રસ્ત છે. નાનાં જીવો તો દેખાતાં ય નથી. મોટા જીવો ભટકે છે આશ્રયની શોધમાં. તરસ્યાં છે, ભૂખ્યાં છે. બાળવાનરો હવે મોટાં થયાં છે. એ સૌ એમની શીખેલી રીતે ભાવિ પેઢી માટે જંગલને સુરક્ષિત રાખવામાં વ્યસ્ત છે. સૌ પરસ્પર બૌદ્ધિક, સામાજિક વગેરે-વગેરે પ્રકારનાં શિક્ષણ આપીને વિકાસ સાધવામાં વ્યસ્ત છે. એ વિશે સભાઓ ભરીને નવાનવા ઉકેલો શોધવા અને સૂચવવાની પ્રવૃત્તિ જોરશોરથી ચાલે છે. કાયમી, સર્વસમાવેશી ઉકેલો શોધવાના પ્રયત્નો ચાલે છે. એ મળશે જ, એવી સૌને શ્રદ્ધા છે.

શહેરનાં વાનરો આને જંગલસુરક્ષા અને વિકાસનું લાંબા ગાળાનું મિશન પર્યાવરણ કહે છે. જંગલવાસી વાનરો જંગલમાં એ ચલાવી રહ્યાં છે. મિશન પર્યાવરણ ઘણું જીવો ઘણું જીવો !

(તમે કાં બંધબેસતો ડગલો પહેરી લીધો? ન’તું કીધું આ વાનરોની વાર્તા છે? આ ટેવ ખોટી હોં.)

e.mail : swatejam@yahoo.co.in

સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2017; પૃ. 18-19

Loading

6 March 2017 admin
← ઘર બળે છે, જાણી લેવું જોઈએ!
પ્લીઝ હેલ્પ મી મારે હિન્દુત્વવાદીઓ સાથે સદ્દભાવપૂર્વક ડાયલૉગ કરવો હોય તો કોની સાથે કરવો? →

Search by

Opinion

  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved