પોપ્યુલેશન ફર્સ્ટ નામની મુંબઈસ્થિત સ્વૈચ્છિક સંસ્થા દ્વારા દર વર્ષે લિંગભેદ જેવી સામાજિક સમસ્યા પર પ્રિન્ટ, ટીવી કે બ્લોગ જેવાં માધ્યમોમાં અહેવાલ, ફીચર, લેખો, ન્યૂઝ રિપોર્ટ, ઇન્વેિસ્ટગેટિવ સ્ટોરી કરનારા પત્રકારો કે મહિલાકેન્દ્રી વિશેષ ઝુંબેશ ચલાવનારા અખબાર કે મીડિયા જૂથને પ્રોત્સાહન આપવા માટે ‘લાડલી મીડિયા ઍન્ડ ઍડવર્ટાઇઝિંગ ઍવોર્ડસ ફૉર જેન્ડર સેન્સિટિવિટી’ આપે છે. દેશના અલગ અલગ ઝોનમાં જુદી જુદી ભાષામાં કામ કરનારા મીડિયાકર્મીઓને આપવામાં આવતા આ ઍવોર્ડના તાજેતરમાં યશભાગીઓમાં ‘નિરીક્ષક’ને જેમની આત્મીય કુમક યથાપ્રસંગ મળતી રહે છે એ તરુણ સાથી દિવ્યેશ વ્યાસ પણ છે. પ્રત્યાયનના માધ્યમ તરીકે એસ.એમ.એસ.ની અસરકારકતા પરના શોધનિબંધ માટે ડૉક્ટરેટ મેળવનાર દિવ્યેશભાઈને અભિનંદન સાથે અહીં ‘દિવ્ય ભાસ્કર’(૧૬-૧૨-૨૦૧૫)ની કળશ પૂર્તિમાં પ્રકાશિત એમની કૉલમ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષ્યમાં સાભાર ઉતારીએ છીએ.
*
આજે ૧૬મી ડિસેમ્બરનો દિવસ, દિલ્હીમાં નિર્ભયા પર થયેલા પાશવી બળાત્કારની પીડાદાયક સ્મૃિત તાજી કરાવતો દિવસ છે. મહિલાઓ પર થનારા અત્યાચારોમાંથી સૌથી વધારે ઘાતકી અત્યાચાર હોય, તો તે બળજબરીથી થતું શારીરિક શોષણ છે. દેશમાં નિર્ભયા કાંડે એવો માહોલ જરૂર સર્જ્યો કે સમાજ રેપનો ભોગ બનનારી સ્ત્રી પ્રત્યે આજે વધુ સંવેદનશીલ બન્યો છે અને તેના દૃષ્ટિકોણમાં ખાસ્સો બદલાવ આવ્યો છે. કમનસીબે યુવતીઓ-સ્ત્રીઓ ઘરની બહાર અસલામત છે, એવું નથી. ઘરની અંદર પણ તેનું શોષણ અને મારણ થતું રહે છે. પરિવારજનોથી કંટાળેલી અને સામાજિક પ્રથાઓ-પરંપરાઓ સામે હારેલી તેમ જ આર્થિક રીતે પરાવલંબી એવી સ્વમાની સ્ત્રીઓ માટે ઘણી વખત આત્મહત્યા સિવાય કોઈ માર્ગ બચતો નથી. દેશમાં દર વર્ષે હજારો ગૃહિણીઓ આત્મહત્યા કરે છે. જો કે, આપણે ત્યાં ખેડૂતોની આત્મહત્યાના મુદ્દે બહુ ઊહાપોહ થતો હોય છે, અનેક રાજ્યોમાં સત્તાઓ બદલાઈ જતી હોય છે, પરંતુ ગૃહિણીઓની આત્મહત્યાના મામલે ભાગ્યે જ ક્યાં ય ચર્ચા કે ચિંતા જોવા હોય છે.
દેશમાં ખેડૂતોની આત્મહત્યા જેટલો અગત્યનો તેમ જ વધારે ગંભીર મુદ્દો ગૃહિણીઓની આત્મહત્યાનો છે. કદાચ વાત તમારામાં માનવામાં નહીં આવે, પણ નેશનલ ક્રાઇમ રેકૉડ્ર્સ બ્યૂરોના (NCRB) વર્ષ ૨૦૧૪ના આંકડા પુરવાર કરે છે કે દેશમાં થતી કુલ આત્મહત્યાઓમાં ખેડૂતોનું પ્રમાણ ૪.૩ ટકા છે, જ્યારે ગૃહિણીનું પ્રમાણ તેના કરતાં લગભગ ચાર ગણું વધારે, એટલે કે અધધ ૧૫.૩ ટકા છે. ૨૦૧૪માં ૫૬૫૦ ખેડૂતોએ આત્મહત્યા કરી હતી, તેની સામે આત્મહત્યા કરનારી ગૃહિણીઓની સંખ્યા ૨૦,૪૧૨ છે. અલબત્ત, એ વાતનો સંતોષ જરૂર લઈ શકાય કે વર્ષોવર્ષ આંકડામાં ઘટાડો થઈ રહ્યો છે, છતાં આંકડા એ વાતની સાબિતી છે કે પરિણીત મહિલાઓની સ્થિતિ આજે પણ એટલી ખરાબ છે કે તેમણે મોતને વહાલું કરવું પડે છે.
ભારતમાં વર્ષ ૨૦૧૪માં કુલ ૧,૩૧,૬૬૬ લોકોએ આત્મહત્યા કરી જેમાં મહિલાઓની સંખ્યા ૪૨,૫૨૧ છે. તેમાંથી ૨૦,૪૧૨ મહિલા વ્યવસાયે ગૃહિણી હતી. મહિલાઓને આત્મહત્યા કરવા માટે મજબૂર કરનારાં મુખ્ય કારણો જોઈએઃ લગ્નસંબંધિત પ્રશ્નને કારણે ૪૪૧૧ મહિલાઓએ આત્મહત્યા કરી હતી, દહેજના દોઝખને કારણે ૨૨૨૨, લગ્નબાહ્યસંબંધને કારણે ૨૪૯, છૂટાછેડાને કારણે ૧૮૩, અન્ય પારિવારિક પ્રશ્નને કારણે ૯૯૭૭ સ્ત્રીઓએ મોતને મીઠું કર્યું હતું. પરિવાર ઘણી વખત આત્મહત્યાને પણ કુદરતી મોત દર્શાવવાની કોશિશ કરતો હોય છે, તો ક્યારેક હત્યાને આત્મહત્યા દર્શાવતો હોય છે. વાસ્તવિકતા જોતાં ઘણી આત્મહત્યાઓ નોંધાતી ન હોય, એવું માનવાને ચોક્કસ કારણો છે.
એક તરફ આપણે ગૃહિણીને ગૃહલક્ષ્મી કહીએ છીએ અને છતાં તેની સ્થિતિ એટલી વિકટ હોય છે કે તેને જિંદગી કરતાં મોત વધારે મોહક લાગવા માંડે છે. ઘરની ચાર દીવાલોમાં રહેતી ગૃહિણીએ આત્મહત્યા કરવા મજબૂર થવું પડે, તે હકીકત કોઈ પણ પરિવાર અને સમાજ માટે લાંછનરૂપ ગણાય.
છેલ્લાં પાંચ વર્ષથી ગૃહિણીની આત્મહત્યાના આંકડા ઘટી રહ્યા છે, પણ તેનો દર અત્યંત ધીમો છે. કમનસીબે આજે પણ મહિલાઓની-ગૃહિણીની સમસ્યાઓ અંગે આપણા પરિવારો કે સમાજમાં ગંભીરતા જોવા મળતી નથી. દેશ અને દુનિયા અનેક વિકરાળ સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યાં છે એ ખરું, પણ આપણું ઘર બળી રહ્યું છે, જરા જાણી લેવું જોઈએ!
સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2017; પૃ. 15