આખરે તમિલ સંસ્કૃિત અને અસ્મિતાનો વિજય થયો. દ્વિપગી પશુતા સામે ચોપગો પશુ હારી ગયો. તમિલનાડુમાં આખલા સાથેની અમાનવીય ક્રૂર જલ્લીકટ્ટુ પરંપરા સામે સર્વોચ્ચ અદાલતે ફરમાવેલો પ્રતિબંધ સરકારી વટહૂકમના એક ઝાટકાથી નાબૂદ થઈ ગયો! લોકશાહીમાં લોકલાગણીનો જ્વલંત વિજય થયો. હવે ચેપ બીજા રાજ્યોમાં ફેલાયો છે.
જરા કલ્પના કરીએ. અંગ્રેજોએ સતીપ્રથા નાબૂદ ના કરી હોત તો શું થાત? તો કદાચ આજે પણ સતીપ્રથા ચાલુ રહી હોત! કલ્પનાને થોડી આગળ વધારીએ; સર્વોચ્ચ અદાલતે સતીપ્રથા ઉપર પ્રતિબંધ મૂકી દીધો હોત તો? તો લોક લાગણી ઘવાઈ હોત. જનાક્રોશ ભભૂકી ઊઠ્યો હોત. સભા, સરઘસો હોત! છેવટે સરકારશ્રીએ સતીપ્રથાના સમર્થનમાં વટહૂકમ બહાર પાડ્યો હોત! પ્રજા દ્રોહી-સંસ્કૃિત દ્રોહી બિચારા રાજારામ મોહનરૉય જેલમાં હોત.
શું શાહબાનું, શું તલ્લાક, શું રૂપાલની પલ્લી કે શું જલ્લીકટ્ટુ; ધર્મ અને લોકશાહીનાં નામે અમાનુષી સામાજિક કુપ્રથાઓનો જયઘોષ થઈ રહ્યો છે. આ યુગ ઊલટા યોગનો છે.
આજે અહીં વાત વિગતે જલ્લી કટ્ટુ નિમિત્તે પશુચિંતા-ચિંતનની છે.
લડ નહીં તો લડનાર દે, એ ન્યાયે દુનિયામાં પશુ સાથે લડવાનો ઇતિહાસ છે. યુદ્ધોના અભ્યાસ માટે સ્નાયુબદ્ધ યોદ્ધાઓ બળવાન પશુ સાથે બળાબળ માટે ભીડાતા. હવે આવી હિંસક રમતો અપ્રાસંગિક થઈ ગઈ છે. ભારતીય સંસ્કૃિત વૃષભનું સ્થાન અનેરું છે. તે ગાય માતાનું સંતાન છે. પ્રાચીન સમયમાં વૃષભ સાથે કૃષિનો સીધો સંબંધ હતો. આધ્યાત્મ અર્થ ના કાઢીએ તો સમસ્ત પશુઓના પ્રતીક કે પ્રતિનિધિ તરીકે આ બળવાન પશુને ભગવાન શિવે પોતાનું વાહન હોવાનું ગૌરવ બક્ષ્યું છે. આથી શિવ પશુવત કહેવાયા. મોટરના સંશોધન પછી તેની શક્તિના માપન તરીકે હોર્સ પાવર શબ્દ પ્રયોજાયો છે. બુલોક પાવર નહીં, કારણ બળદ-વૃષભની શક્તિ અતુલનીય છે. એ ધરતી જેટલું સહનશીલ છે. ધરતીમાંથી ઊર્જા, જળ બધું વાપરીને પણ આપણે ધરતી પ્રત્યે નગુણા થઈને તેને વૃક્ષદીન, ગંદી અને પ્રદૂષિત કરીએ છીએ, એ રીતે જ આ ગૌવંશનો અનેક રીતે ઉપયોગ કરીએ છીએ. છેવટે તેની નિયતિ કતલખાનું હોય છે. એક બાજુ ખેડૂત બળદને પ્રેમ કરે છે અને બીજી બાજુ પાક ઉત્સવના નામે તેના બીજા રૂપ આખલાને આંખોમાં મરચું નાંખીને, દારૂ પીવડાવીને, ઈજાઓ પહોંચાડીને, ભડકાવી-ભડકાવીને, માણસો સાથે ભીડાવીને લોહીલુહાણ કરી દઈને વિકૃત આનંદ લે છે. નેતાઓને વૉટબેંક અને અભિનેતાઓને ટિકિટબારી ઉપર સંકટ લાગતા તેઓ પ્રજાની અમાનવીય માગણીના સંમર્થનમાં જોડાઈ ગયા હતા. આવા પ્રસંગોએ સરકારો પાંચ વર્ષનો છેડો જોઈને ફફડી ઊઠે એ સ્વાભાવિક છે. આથી આ ત્રણેયનો દોષ નથી. રાજકારણે નિજ-નિજ સમીકરણોએ તેઓ નિર્દોષ છે. પરંતુ પ્રાણી માત્ર પ્રત્યે દયાનો ઉપદેશ આપતા સાધુ-સંતો મૌન રહ્યાંનો ખેદ છે. અનેકશ્રી વિભૂષિત શ્રી શ્રી રવિશંકર તેમના રાજ્યની પ્રજાના જલ્લીકટુના સમર્થનમાં હતા એવું સાંભળ્યું છે. અંગ્રેજીમાં કથા-પ્રવચન કરનાર એક દક્ષિણ ભારતીય સંતે પણ પ્રજાને સમર્થન આપ્યું. જીવહિંસાનો ઘોર વિરોધ કરનાર, અહિંસાના ઉદ્ષોષક જૈન મુનિઓ મૌન રહ્યા. કોઈક મુનિ પ્રવચનમાં કડવું સત્ય ગળી ગયા! વ્યાસપીઠો મૌન રહી! કથામૃત વરસાવતા કથાકારોએ વ્યાસપીઠ ઉપરથી ‘રમત યોદ્ધાઓ’ને અપીલ કરી હોત તો? કદાચ લોકનો વિરોધ કરીશું તો તમિલનાડુમાં તેમની પધરામણીનું શું થશે? એ બીકે વિખ્યાત સંતો મૌન હતા! ગૌભક્તો, ગૌવંશની ચિંતા કરનાર પ્રેમીઓના અવાજ ક્યાં ય ના સંભળાયો. ભગવાન શિવના નંદી અને ગૌમાતાના સંતાન ઉપરના અત્યાચારોના મૂક દર્શક બની રહેવામાં તેઓનો જીવ કેમ ચાલ્યો હશે! શું ગૌવંશ કતલખાને જાય તેને જ હત્યા કહેવાય?
તમિલ સંસ્કૃિતનું સર્વોચ્ચ ડહાપણ પહેલી સદીમાં થઈ ગયેલા સંત કવિ તિરુવલ્લુરની રચનાઓમાં પ્રગટ થાય છે. તેમના મતે
– જાણીજોઈને તમે કોઈને ક્યારે ય અને કોઈ પણ માત્રામાં હાનિ ન પહોંચાડો.
– પ્રાણ સર્વને પ્રિય છે. એટલે પોતાના પ્રાણને બચાવવા માટે અન્ય જીવોના પ્રાણ હરી ન લેતા.
– મનુષ્યને જ્યારે એકાદ પીડાનો અનુભવ થાય ત્યારે એવી પીડા બીજાને ન કરવાનો સંકલ્પ કરે.
– વિવેકશીલ પુરુષની દૃષ્ટિએ હિંસા કરીને જીવનારા લોકો શબનું માંસ ખાનાર જેવા છે.
ઉપરોક્ત વાક્યોમાં તમિલ સંસ્કૃિતની સાચી અસ્મિતા પ્રગટ થાય છે.
માનવજીવનમાં પશુની ઉપયોગિતા મર્યાદિત સ્વરૂપમાં જ સ્વીકારવી જોઈએ. કદાચ ભૌગોલિક પરિસ્થિતિઓમાં ફેરફારનો અવકાશ રહે. પરંતુ માનવને મળેલ બુદ્ધિના વરદાન થકી કળ, બળ અને છળ માનવેતર જીવો અને સૃષ્ટિનો દાટ વાળ્યો છે. પ્રાણી સંગ્રહાલયો ‘લાચાર સંગ્રાહાલય’ બન્યા. હાથીના ગંડસ્થલ ઉપર ભોંકાતો અંકુશ એ માનવ અહમ્નો વિજય છે. પશુઓનો આ રાજા રસ્તામાં ભીખ માંગતો દેખાય છે તો ક્યાંક સરકારમાં કરતબો કરે છે. આપણા તૃંતક યુદ્ધોમાં પશુઓ નાહકના હાથા બન્યા છે. તેઓ સરકસમાં આપણું મનોરંજન છે અને ભોજનમાં વ્યંજન છે!
ચાંદીનું વરખ ગાયના આંતરડા પર ટીપાય છે ત્યારે તે મીઠાઈનો શણગાર બને છે. આવો વરખ જૈન તિર્થંકરોની મૂર્તિઓ ઉપર બિરાજે છે. આવા વરખમાં કોઈ જૈન મુનિને ગાયની કકડતી આંતરડી ક્યારે સંભળાશે?
મહાનગરોમાં નવી પેઢીના બાળકોને ખબર નહીં હોય કે ‘અમૂલ દૂધ પીતા હૈ ઇન્ડિયા’ ખોટું છે કારણ ડેરીને ચાર આંચળ હોતા નથી. દૂધાળું પશુઓનો માનવજાત ઉપર મોટો ઉપકાર છે. માણસને માત્ર માના ધાવણના દૂધ ઉપર જ અધિકાર છે. ગાયને ધાવતા વાછરડાને એની ગાયમાતાના આંચળથી બળજબરીથી દૂર કરવામાં આવે છે ત્યારે ધમાલ કરી મૂકતું વાછડું અને તેને લાચારીથી જોઈ રહેલી ગાયની પીડાને આપણે ક્યારે જોઈ છે? માનવસમાજમાં દીકરીને ઉપેક્ષા છે પરંતુ માણસ માટે ગાયનો દીકરો (વાછડું), દીકરી (વાછડી) એક સમાન છે. કારણ બંનેનો ખપ છે. પરંતુ ભેંસની બાબતમાં એવું નથી. ભેંસને દીકરી (પાડી) આવે તો ખેડૂતને પેંડા વહેંચવાનું મન થાય! પણ પાડો અવતરે તો વાંસના નેળથી તેને છાશ પીવડાવામાં આવે ત્યારે પોતાના દૂધથી ભરેલા બોઘેણાને ભેંસ લાચારીથી જોઈ રહે છે. પછી ભેંસનો માલિક કહે છે પાડું કાળીચૌદશો અને દીવાળીઓ જોઈ છે તો આ બિચારું કેમ ના જુવે?
માનવજાતનો ‘પશુપ્રયોગ’ પશુ સુધી મર્યાદિત રહ્યો નથી. ખેતીમાં પશુઓનો ઉપયોગ કરતો થયો ત્યારે નિયંત્રણ માટે વિષેશતઃ બળદને તેણે નથ નાંખી. આ અનુભવ પુરુષોને ઘરમાં કામ આવી ગયો. સ્ત્રીને તેણે નથ નાખી. મહારાષ્ટ્રમાં નથ/નમણી નગર લગ્ન થતા નથી. આ નથ સોનાની થઈ એટલે માહીનો શ્રૃંગાર થયો. તેમાં પુરુષની પ્રશંસા ઉમેરાઈ એટલે સ્ત્રી રાજી રાજી. નાથિયો સ્ત્રીનો નાથ બન્યો. નથનો વૈભવ વધ્યો. નથ, નથણી અને ચુની. બિચારી સ્ત્રીને ખબર પણ ના પડી કે તેના નાથે તેને નિયંત્રણમાં રાખવા નાક પર નથ પહેરાવી છે! એ જ રીતે માનવસમાજે સેવા કરનાર માનવ સમુદાયને શુદ્રના ખાતામાં ખતવીને પશુતુલ્ય વ્યવહાર કર્યો. પશુ ઉપરનો તેનો પ્રયોગ કયાં કયાં વિસ્તર્યો!
માનવેતર પ્રાણીઓને આપણે ‘ટેઇકન ફોર ગ્રાન્ટેડ’ ગણી લીધા છે. બધાને બધાનું બધું ભોગવવું છે! વિશ્વમાં પશુ-પક્ષીઓના અધિકારો માટે ‘ઇધર ઉધર થોડીક ચળવળો ચાલે છે. પશુ-પક્ષીઓના અધિકારો માટે, તેમનું સાંભળવા માટે કોઈ વિશેષ અદાલતો નથી. પશુઓએ ક્યારે ય યુદ્ધો નથી કર્યા, આથી તેમના માટે યુ.એન. નથી. તે સ્વધર્મમાં જીવે છે, આથી તેમને પશુતા ઉપર ઉતરવાની જરૂર પડતી નથી. તેમની શ્રેણીમાં આવીને મનુષ્ય ઘણાં પગથિયાં નીચે ઉતરી જાય છે. હા, ક્યારેક પશુનો પ્રેમ, સેવા અને વફાદારીમાં માણસની આગળ નીકળી જાય છે. છતાં તેઓ માણસ હોવાનો દાવો કરતા નથી. મેડલો માટે હરીફાઈ કરતા નથી. માત્ર મૂંગા મોઢે માણસજાતની સેવા કરે જાય છે. બદલામાં મનુષ્ય તેમને કતલખાના અને જલ્લીકટ્ટુ આપે છે.
તા. ૮-૨-૨૦૧૬
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2017; પૃ. 14-15