અમેિરકાના પ્રમુખ ક્લીવલૅન્ડ કોઈ કારણસર એક ટૃેનમાં બેસીને શહેરમાં જઈ રહ્યા હતા.
એ જ ટૃેનમાં અમેરિકાના પ્રસિદ્ધ સાહિત્યકાર રિચર્ડ ગિલ્ડર પ્રવાસ કરી રહ્યા હતા. ટૃેનમાં ગિરદીનો પાર નહોતો. ગાડીમાં જેટલા બેઠા હતા એ કરતાં વધારે ઊભા હતા. સાહિત્યકાર ગિરદીથી હેરાન હેરાન થતા હતા. તેઓ ગિરદીથી બચવા કોઈ ઇલાજ મનમાં વિચારવા લાગ્યા.
અને એમને ઇલાજ જડી આવ્યો કે આ ટૃેનમાં પ્રમુખ ક્લીવલૅન્ડ પણ પ્રવાસ કરી રહ્યા છે, તો એમના ડબ્બામાં હું શા માટે ત્યાં જઈ ના બેસું ?
ક્લીવલૅન્ડને સાહિત્યકાર ગિલ્ડર પ્રત્યે માન હતું આથી ગિલ્ડરને ક્લીવલૅન્ડ પાસે જઈને બેસવામાં કોઈ પણ જાતના સંકોચનો સવાલ ન હતો.
પોતાના ડબ્બામાંથી નીચે ઊતરીને ગિલ્ડરે ડબ્બે ડબ્બે પ્રમુખની શોધ કરવા માંડી.
પણ ભરચક પ્રવાસીઓને લીધે પ્રમુખનો ક્યાં ય પત્તો લાગ્યો નહીં.
આમ પોતાના પ્રયાસો નિષ્ફળ બનતાં તેઓ છેવટે ગાર્ડ પાસે ગયા અને પૂછ્યું કે, ‘પ્રમુખ કયા ડબ્બામાં બેઠા છે ?’
ગાર્ડે સામાન મૂકવાના ડબ્બા પ્રતિ આંગળી ચીંધીને કહ્યું : ‘પેલો ડબ્બો જુઓ !’
ત્યાં જઈને સાહિત્યકાર ગિલ્ડરે જોયું તો પ્રમુખ સામાનની એક પેટી પર બેઠા હતા. કારણ કે એ ડબ્બો પ્રવાસીઓનો સામાન મૂકવા માટેનો હતો.
પછી પ્રમુખ પાસેથી સાચી વાત જાણવા મળી. એક બાઈની પાસે એક નાનું બાળક હતું. એ બાઈ બાળકને તેડી ઊભી હતી. એને અને એનાં બાળકને સીટની વધારે જરૂર છે એમ સમજી લઈને ક્લીવલૅન્ડે એ બાઈને પોતાની સીટ પર બેસાડી દીધી અને પોતે એક સામાનની પેટી પર જગ્યા સાફ કરી બેઠા.
બીજાને સગવડ કરી આપવા પોતે અગવડ વેઠી લેવાના પ્રમુખના સ્વભાવની સાહિત્યકાર ગિલ્ડર મનોમન પ્રશંસા કર્યા વિના રહી શક્યા નહીં.
સૌજન્ય : “અખંડ આનંદ”, જાન્યુઆરી 2017; પૃ. 71