ઉત્તરપ્રદેશ હોય અથવા દેશનું કોઈ અન્ય રાજ્ય હોય, રાજનૈતિક દળની ચૂંટણીમાં એક અપરાધી તરીકેની છબી ધરાવતા ઉમેદવારોની હાજરી જોવા મળે જ છે. વર્ષ ૧૯૬૨માં યોજાયેલી સામાન્ય ચૂંટણી બાદ, પ્રખર રાજનેતા સી. રાજગોપાલાચારીએ આપણા યુવા લોકતંત્રની વિસંગતિઓ પર સૌનું ધ્યાન આકર્ષિત કરે તેવો એક લેખ લખ્યો હતો કે જેને હવે લોકો ભૂલી ગયા છે. રાજાજીનું કહેવું હતું કે, ‘ભારતીય મતદાતાઓ એવી વિસંગતિઓ સામે લડી રહ્યાં છે કે જેનાથી પશ્ચિમનું લોકતંત્ર અપેક્ષાકૃત મુક્ત છે. ભારતીય મતદાતાઓ ગરીબી અને રિશ્વતખોરીનો શિકાર છે. અહીં મોટાભાગનાં લોકો દરરોજ પહેલાં કમાણી કરે છે અને ત્યાર બાદ ભોજન કરે છે.’
રાજાજી બ્રિટિશ ભારત અને ત્યાર બાદ આઝાદ ભારતની ઘણી ચૂંટણીઓના નજીકના કહી શકાય એવા સાક્ષી રહી ચૂક્યા છે. તેઓ વર્ષ ૧૯૬૨માં જે લખી ગયા હતા તેમાંની મોટા ભાગની વાતો આજના સમયમાં એટલી જ સાંપ્રત લાગી રહી છે. રાજાજી એવા લોકો પૈકીની એક વ્યક્તિ હતા કે જેમણે ચૂંટણીમાં પૈસાના બળનો ઉપયોગ કરવો, તે વાત પર ચિંતા વ્યક્ત કરી હતી. લેખક મિલન વૈષ્ણવનું નવું પુસ્તક ‘વ્હેન ક્રાઈમ પેય્ઝ’ / When Crime Pays – Money and Muscle in Indian Politics આ પ્રકારની અને આ સ્થિતિઓ પર ખૂલીને ગંભીર ચર્ચા કરે છે. આ પુસ્તકમાં હાલનાં દાયકામાં ભારતીય રાજનીતિમાં વધી રહેલા ગુનાઓની ઊંડી વ્યાખ્યા અને ગુનાહિત પ્રવૃત્તિના રાજનેતાઓની ચર્ચા કરવામાં આવી છે. તમામ ઉમેદવારો વિરુદ્ધ નોંધાયેલ ગુનાહિત બાબત પર એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ(એ.ડી.આર.)ના આંકડા પણ આ વિષયની વધુ માહિતી આપે છે.
મિલન વૈષ્ણવનું આ ચૂંટણી પ્રકરણ ૧૯૬૦ના દાયકાના ઉત્તરાર્ધથી શરુ થાય છે, જ્યારે કોંગ્રેસ પક્ષ અવસાન તરફ ધકેલાઈ રહ્યો હતો અને એક કરતાં વધારે દળના મોરચાનું કદ દેખાવવા લાગ્યું હતું. સીધી રીતે તો આ લોકતંત્ર માટે સુખદ સંકેત હતો, પણ આ થકી ખૂબ મોટાપાયાના ફેરફારોનો એક રસ્તો ખૂલી ગયો હતો. કોંગ્રેસ વિરોધી ગઠબંધન અને સરકાર રચવાની સ્પર્ધા જોવા મળી રહી હતી. પૈસા માટે પાર્ટીઓ પણ બદલાઈ રહી હતી. આ તમામની વચ્ચે જ ૧૯૬૯માં પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીના કોર્પોરેટ ફંડિંગ પર પ્રતિબંધ લગાડવા માટેનો નિર્ણય આવ્યો, જેના દ્વારા રાજનૈતિક દળોને ‘ચોરી-છૂપું ફંડિંગ’ની એક નવી સ્પર્ધામાં ભાગ લેવા માટેની તક મળી ગઈ. પરંતુ, ૧૯૮૫માં કોર્પોરેટ ફંડિંગને ફરી એક વખત માન્યતા પ્રાપ્ત થઇ, પણ મિલન વૈષ્ણવના મત અનુસાર ત્યાં સુધી ઘણું નુકસાન થઇ ચૂક્યું હતું.
શરૂઆતની કેટલીક ચૂંટણીઓ સુધી તો બાહુબળ પડદા પાછળની ઘટના હતી કે જેમાં મતદાતાને ધમકાવી કોઈ ખાસ દળ અથવા નેતાના પક્ષમાં વોટ નાખવા માટે તૈયાર કરવામાં આવતા હતા, પણ ૧૯૮૦ના દાયકાથી આ વાર્તામાં વળાંક આવ્યો અને પડદા પાછળ કાર્ય કરી રહેલાં આ તત્ત્વ જાતે જ નેતા બનવા માટેના સપનાં સેવવા માંડ્યા. રાજનીતિમાં પોતાનું ભવિષ્ય શોધવાવાળા માટે ગુનાહિત પૃષ્ઠભૂમિ અને રક્ષણ આપવા માટેની ક્ષમતા એક જરૂરી શરત બની ગઈ. રાજનૈતિક દળ પણ આ પ્રકારના લોકોને પ્રાથમિકતા આપવા લાગ્યા, કારણ કે તેઓ પોતાના બાહુબળ અને ધનબળ પર ચૂંટણી જીતવાની ક્ષમતા રાખતા હતા. આવી પરિસ્થિતિઓમાં, ‘સંસ્થાગત દળીય રાજનીતિ નબળી પડી ગઈ અને ચૂંટણીની નાણાંકીય વ્યવસ્થા પર પણ તેની અસર પડી. રાજનીતિક દળોએ પોતાનાં દમ પર ચૂંટણી જીતવાવાળા લોકોને પ્રાથમિકતા આપવાનું શરુ કરી દીધું. આવા લોકો પાર્ટી પર બોજો પણ નહોતા લાગતાં અને ભવિષ્યમાં પણ પાર્ટીને નિયમિત યોગદાન કરવાની ક્ષમતા રાખતા હતા.’
હવે અહીં એક પ્રશ્ન, મતદાતાઓ ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા ઉમેદવારોને કેમ પસંદ કરે છે? આનું એક કારણ એ છે કે આપણી સરકારો જરૂરી સેવાઓ જેવી કે સ્વાસ્થ્ય-શિક્ષણ-સુરક્ષા પૂરી પાડવામાં સતત નિષ્ફળ રહી છે. બીજી બાજુ, જે સરકાર નથી પૂરી પાડી શકી તે જરૂરિયાતો આ બાહુબલીઓ ઘણી વખત પૂરી પાડતાં જોવા મળી રહ્યા છે. મિલન વૈષ્ણવના મુજબ, આ એક પ્રકારે રાજ્યની ભૂમિકાનું બળજબરીથી વૈયક્તિકરણ થઇ રહ્યું હતું. આ પુસ્તકમાં રાજ્યના કલ્યાણકારી કામોમાં થઇ રહેલાં આંશિક વૈયક્તિકરણની વાત પણ છે, જ્યાં નેતા તેને મત આપવા જઈ રહેલા મતદાતાને પૈસાના બળથી ખુશ કરતો હતો. એક વાત સ્પષ્ટ છે કે, આવા કાર્યોની પાછળ જાતીય અને સાંપ્રદાયિક આધારિત સમીકરણ કાર્યરત હતા.
મિલન વૈષ્ણવના આ પુસ્તકમાં ચૂંટણીમાં ટિકિટનો ખરીદી, પેઈડ ન્યૂઝ સહિત ભારતમાં સામાન્ય લાગતાં લોકતંત્રની તમામ વિકૃતિઓની ચર્ચા કરવામાં આવી છે. એક કોંગ્રેસ સંસદ થકી લેખક મિલન વૈષ્ણવ કહે છે કે, ‘પૈસા અને અપરાધી (કરોડ અને ક્રિમિનલ) ભારતીય રાજનીતિક દળોના અનિવાર્ય અંગ છે.’ તેઓ લખે છે કે ‘ભારતમાં મોટાભાગનાં રાજનેતાઓ પ્રાથમિક સેવાઓની ઉપલબ્ધિ નક્કી કરી અને ચૂંટણીમાં જીત મેળવવી એ વાતને યોગ્ય માનતાં નથી, પણ સત્ય તો એ છે કે આજનાં સમયમાં કેટલાક એવા નેતાઓ જોવા મળી રહ્યાં છે કે જેમણે ચૂંટણીમાં પોતાનાં કાર્યને આધાર બનાવ્યો છે. જેઓએ સત્તામાં આવી અને જનતાને વીજળી, રસ્તા અને પાણી અથવા રોટી-મકાન આપવાનું વચન આપ્યું. તેઓએ વચન આપ્યું કે સમાજના સૌથી નીચેના વર્ગની વ્યક્તિને પણ સમાન તકો આપવામાં આવશે અને તેઓનું કલ્યાણ કરવામાં આવશે. છેલ્લા એક દાયકામાં ચૂંટણી લડવા અને જીતવા માટે ‘હમારા હાથ, આમ આદમી કે સાથ’ અને ‘સબકા સાથ, સબકા વિકાસ’ જેવા નારા ખૂબ જોવા મળ્યા.
એ વાત તમામ લોકો જાણે છે કે જ્યારે નરેન્દ્ર મોદી અપરાધથી મુક્ત થવાની વાતો કરી રહ્યા હતા, ત્યારે લોકસભાની ચૂંટણીમાં ગુનાહિત રેકોર્ડ ધરાવતા લોકો ભાજપામાંથી ચૂંટણી લડી રહ્યા હતા અને ત્યાર બાદ પરિણામ આવ્યા બાદ ભાજપાના ૩૫% સાંસદ ગુનાહિત રેકોર્ડ ધરાવતા જોવા મળ્યા. હવે જ્યારે કેન્દ્રમાં ભાજપાના શાસનને ત્રણ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યાં છે તો એ વાત કહેવી જોઈએ નહિ કે પ્રધાનમંત્રીના વચન વિરુદ્ધ કેન્દ્ર અને રાજ્ય એમ બંને જગ્યાઓમાં ગુનાહિત પ્રવૃત્તિની છબી ધરાવતાં ઉમેદવારો પર દળ નિર્ભર છે તેમ જોવા મળી રહ્યું છે. એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ(એ.ડી.આર.)એ ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં પ્રથમ ત્રણ ચરણ માટે જે આંકડા આપ્યા છે તે અનુસાર પ્રથમ ચરણમાં કોંગ્રેસના ૨૭%, સપાના ૨૯%, બસપાના ૩૮% અને સૌથી વધુ ભાજપાના ૪૦% ઉમેદવારો ગુનાહિત છબી ધરાવે છે. બીજા ચરણમાં ૪૧% ગુનાહિત છબી ધરાવતા ઉમેદવારો સાથે સપા પ્રથમ સ્થાન પર છે, તો ત્રીજા ચરણમાં ૩૬% સાથે કોંગ્રેસ ટોચ પર છે.
આ આંકડાઓ ચિંતાગ્રસ્ત છે. એ.ડી.આર.નું વિશ્લેષણ જણાવે છે કે ઉત્તરપ્રદેશ હોય અથવા દેશનું કોઈ અન્ય રાજ્ય હોય, રાજનૈતિક દળની ચૂંટણીમાં એક અપરાધી તરીકેની છબી ધરાવતા ઉમેદવારોની હાજરી જોવા મળે જ છે. આ તેઓના માટે ચૂંટણી જીતવા માટેનું સરળ પગલું છે. ભારતીય લોકતંત્ર ખરેખરમાં અસહજ કરવાવાળા વિરોધાભાસનો શિકાર છે. રાજ્યોની સાથે સામાન્ય ચૂંટણીમાં સંચાલનના સ્તર પર ભલે પારદર્શકતા જોવા મળતી હોય, પણ અંતે જીતીને આવનાર લોકોમાં મોટી સંખ્યા તો ગંદા અને ખતરનાક લોકોની જ હોય છે.
[અનુવાદ – નિલય ભાવસાર]
Email – nbhavsarsafri@gmail.com