Opinion Magazine
Number of visits: 9449900
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આપણા સમયના સ્પાર્ટેકસની વિદાય

પ્રવીણ પંડ્યા|Opinion - Opinion|21 February 2017

એમને સહુ બારાડીસાહેબ કહેતા. નામ પાછળ સાહેબનું બિરુદ હસમુખ બારાડીને એટલે નહોતું મળ્યું કે એ સત્તા-વર્ચસ્વ કે બીજાને લાભ આપે એવા પદ પર રહ્યા હતા, અથવા આ બધાના સહારે એમણે પોતાની એક એવી મંડળી ઊભી કરી હતી કે જે એમના માટે પુરસ્કારો પ્રાપ્ત કરવાનો માર્ગ પ્રશસ્ત કરે, એમના નામનો કોઈક રસ્તો બનાવે અથવા ચાર રસ્તે એમની પ્રતિમા મૂકાવે. પરંતુ એમની ઊંડી સામાજિક નિસબત અને એમના હુંફાળા સ્વભાવને કારણે એમને રંગકર્મીઓ-માધ્યમધર્મીઓ અને પ્રગતિશીલોએ ‘સાહેબ’ના બિરુદથી નવાજ્યા હતા. આ પૂર્વે જયંતિ દલાલની પણ આ બિરુદથી નવાજેશ થયેલી. બહુ જૂજ લોકોને એ સમજાતું હશે કે પ્રજા પક્ષેથી મળતી આવી નવાજેશ મોટા મોટા સરકારી  પુરસ્કારો, સન્માન અને હોદ્દાઓ કરતાં પણ કેટલી મૂલ્યવાન અને ચિરંજીવી હોય છે. આ નવાજેશનો નશો વ્યક્તિવિશેષ બનવામાં નથી હોતો પણ સાધારણ જનસમાજમાં પોતાની ભીતરના વ્યક્તિવિશેષને ઓગાળવામાં હોય છે. ચાર ફેબ્રુઆરીએ આ જગતમાંથી એગ્ઝિટ લેનાર બારાડીસાહેબ કાયમ માટે ગુજરાતી રંગભૂમિ પર પોતાની આરામ ખુરશી ઢાળીને નિરાંતે પાઈપ પીતા રહેશે. અનેક નવોદિત રંગકર્મીઓને ગેરેજ જેવી જગ્યામાં સામાજિક નિસબતવાળી રંગભૂમિ વિકસાવવાનો વિકલ્પ સૂચવતા રહેશે.  એમનાથી નાની ઉંમરના મિત્ર તરીકે, એમના સહકાર્યકર તરીકે અને એમના વિદ્યાર્થી તરીકે આટલું કહ્યા પછી મારે રૂંધાયેલા સ્વરે એટલું ચોક્કસ કહેવું પડશે કે એક હરતું-ફરતું થિયેટર આપણને અલવિદા કરી ગયું. જ્યાં ખોંખારીને કમિટેડ થિયેટર, થર્ડ થિયેટર કે થિયેટર ઓફ ઓપ્રેસ્ડની ચર્ચા માંડી શકાય એવું સરનામુ તો રહ્યું છે, પણ એ સરનામે મળતો માણસ હવે આપણી વચ્ચે નથી રહ્યો.

હસમુખ બારાડીનો જન્મ ત્રેવીસ ડિસેમ્બર ઓગણીસસો આડત્રીસના રોજ રાજકોટ જિલ્લાના દેવળિયા ખાતે જમનાદાસ અને નર્મદાબહેન ગોકાણીને ત્યાં થયો હતો. આ બરડાના ડુંગરનો વિસ્તાર છે. વિદ્યાર્થી હસમુખ જ્યારે વડોદરા નાટ્યવિદ્યાનો અભ્યાસ કરવા ગયા ત્યારે એમના આ બરડાના ખમીરને પિછાણીને ચં.ચી. મહેતાએ એમને હસમુખ ગોકાણીને બદલે હસમુખ ‘બારાડી’ કહ્યા અને ત્યાર પછી આ બારાડી અટક હસમુખભાઈએ એવી રીતે આત્મસાત્‌ કરી કે ‘બારાડીસાહેબ’ બની ગયા. એમણે સૌરાષ્ટ્ર સંગીત નાટક અકાદમીમાંથી ઓગણીસસો એકસઠની સાલમાં નાટકમાં ડિપ્લોમાનો અભ્યાસ કર્યો. ઓગણીસસો ચોંસઠમાં અંગ્રેજી અને સંસ્કૃત વિષયો સાથે ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ. કર્યું. માસ્ટર ડિગ્રી એમણે થિયેટર અને ટેલિવિઝન પ્રોડક્શનમાં મોસ્કોથી પ્રાપ્ત કરી અને ટેલિવિઝન ટીચર્સની ટ્રેઇનિંગ એમણે મલેશિયામાં લીધી. અભ્યાસ-અધ્યયન અને કર્મશીલતા બારાડીના જીવનમાં સતત ચાલતાં રહ્યાં. એમણે ઓગણીસસો સાઠથી ચોસઠ સુધી આકાશવાણી રાજકોટ અને વડોદરા કેન્દ્રમાં નાટ્યલેખક તરીકે કામ કર્યું. ઓગણીસસો ચોંસઠથી એમનો ઘેઘૂર અવાજ આકાશવાણી દિલ્લીથી સમાચાર ઉદ્દઘોષક તરીકે વહેતો થયો. ઓગણીસો અડસઠથી તોંતેર સુધી એમણે રશિયાના મોસ્કો રેડિયો પર કામ કર્યું. એ અભ્યાસરત હતા ત્યારે જ એમનો પરિચય વડોદરા રેડિયો પર જયોતિ ભટ્ટ સાથે થયો જે પછીથી પ્રેમમાં અને બાદમાં જીવનસાથી તરીકે જીવનપર્યંત રહ્યો. બારાડીસાહેબને મેં હંમેશાં જ્યોતિબહેન અને દીકરી મન્વિતા સાથે જ થિયેટરમાં કામ કરતા જોયા છે. જયોતિબહેન એમનાં કાર્યોનું બળ બન્યાં તો મન્વિતા એમની ઉમ્મીદોને કાર્યનું સ્વરૂપ આપતી રહી.

બારાડીએ ઓગણીસસો તોંતેરથી ઓગણીસસો ત્રાણું સુધી ડેકૂ ઈસરોમાં ટેલિવિઝન કાર્યક્રમોના નિર્માતા તરીકે કામ કર્યું અને એ દરમિયાન એમણે ત્રિભેટે નામના ટેલિવિઝન ધારાવાહિકનું નિર્માણ કર્યું જે પછીથી એમની ઓળખાણ બની ચૂકી. નવમા દાયકામાં સાહિત્યમાં સર્‌રિયાલિઝમ અને એક્ઝિસ્ટેન્શ્યાલિઝમની બોલબાલા હતી. થિયેટર ઑફ એબસર્ડના ‘નાટકો’ જ નાટક ગણાતાં હતાં. આવા સમયે બારાડી નવમાં દાયકામાં વૈક્લ્પિક રંગભૂમિ અને વૈકલ્પિક સમાજના ધ્યેય સાથે રંગભૂમિ પર કાર્યરત થાય છે. મેં એમને જ્યારે ઓગણીસો પંચાશી દરમ્યાન શેરી નાટક કરતા જોયા ત્યારે થયું કે લોકો ટેલિવિઝનના ગ્લેમર તરફ દોડી રહ્યા છે અને આ ટેલિવિઝનના નિર્માતા મિલ્લત નગરની ઝૂંપડપટ્ટીમાં સપરિવાર નાટક લઈને ફરી રહ્યા છે. મારી વિદ્યાર્થી અવસ્થામાં હું એમના કલા તરફના લોકધર્મી ઝુકાવને કારણે એમનો સહ કાર્યકર-પ્રસંશક અને વિદ્યાર્થી બન્યો. આ એ સમય હતો જ્યારે માર્કસવાદનું લેબલ જો માથે લાગી જાય તો ગુજરાતી સાહિત્ય સમાજ તમને અસ્પૃશ્ય બનાવી મૂકે. રોજીરોટીના ફાંંફા પડી જાય. ગાંધીની વહેતી ગંગામાં હાથ ધોનારા અને ધર્મની રાજનીતિ કરનારા બંને ભેગા મળીને તમારો ઉપહાસ કરે.

બારાડી સાહેબને કદાચ ગુજરાતી સાહિત્ય અને રંગભૂમિએ એટલા માટે પણ યાદ રાખવા પડશે કેમ કે જસવંત ઠાકર પછી એમણે પ્રગતિશીલ સાહિત્ય અને પ્રગતિશીલ રંગભૂમિ માટે નિર્ભીકપણે પાયાનું કાર્ય કર્યું. બારાડીએ રંગભૂમિ અને સમૂહમાધ્યમો માટે લગભગ વીસ જેટલાં પુસ્તકો આપ્યાં. નાટકોમાં ગેલેલિયો ગેલિલે (બ્રેખ્તના નાટકનું રૂપાંતર), કાળો કામળો, જર્નાદન જોસેફ, જશુમતી-કંકુવતી, એકલું આકાશ, રાયનો દર્પણરાય, આખું આયખું ફરીથી – જેવાં નાટકોનો પણ સમાવેશ થાય છે. રાઈનો દર્પણરાય રમણભાઈ નીલકંઠ અને મણિયારાના વેશમાંથી ભલે ઊતરી આવ્યું હોય પણ બારાડીસાહેબે એમાં દર્પણપંથીઓના કોરસને દાખલ કરીને લોકશાહી વ્યવસ્થાના નાગરિક સમાજની ભૂમિકા નક્કી કરી આપી. સાથોસાથ ‘તું પ્રકટ થશે પ્રાકટ્યના પરાક્રમ વિના’ જેવું વાક્ય મૂકીને સત્તા છદ્મવેશે અને કપટથી નહીં પણ પોતાના પરાક્રમ અને સિદ્ધાંતોથી જ મેળવાય’ એવું એક વિચારધારાકીય પરિમાણ પણ એમાં ઉપરસાવ્યું. હસમુખ બારાડીએ ચાર દાયકા સુધી અનેક નાટકોનાં નિર્માણ દ્વારા રંગભૂમિને ધબકતી રાખી. રંગભૂમિના ઇતિહાસનું લેખન કે સ્ક્રિપ્ટ બૅંક જેવી એમની પ્રવૃતિનો પણ એમાં સમાવેશ કરી શકાય. એમની થિયેટર અને સમાજ અંગેની ધખનાને ગુજરાત કાયમ યાદ રાખશે.

*  *  *

ચોથી ફેબ્રુઆરીને દિવસે બપોરે જ્યારે હસમુખ બારાડી ખૂબ યાદ આવી રહ્યા હતા ત્યારે ખબર નહોતી કે એ જ સમયે એ પોતાની એગ્ઝિટ માટે થિયેટર મિડિયા સેન્ટર ચેનપુર ખાતે તૈયારી કરી રહ્યા છે. આજે એવું લાગે છે કે પેરેલલ થિયેટરના માણસોની આ પણ એક ખૂબી હોય છે કે એ આવા પેરેલલ રચે. બપોરે ધનસુરાના ગુજરાતીના શિક્ષક બળદેવ પ્રજાપતિ ઘેર આવ્યા હતા. એમના પીએચ.ડી.ના સંશોધનમાં બારાડીનાં નાટકોની પણ ચર્ચા છે અને એટલે અમે સ્વાભાવિક  રીતે નાટકની ચર્ચા કરતા કરતા બારાડીની વાતે ચડી ગયેલા. વાતે ચડી જવાય કે ચડાવી દે એવા તો છે જ હસમુખ બારાડી. પ્રજાપતિએ કહ્યુંઃ ‘હું ફોન કરીને કહું કે મળવા આવીશ, એટલે પૂછે તમારે ધક્કો શું કામ ખાવો છે? હું કહું કે આટલાં પુસ્તકો નથી મળતા તો કહે કે મોકલાવું છું, હું કહું કે તમારો ઇન્ટરવ્યૂ લેવાનો છે, તો કહે કે પ્રશ્નો મોકલી આપો હું જવાબો લખીને મોકલી આપીશ. હું છેલ્લે કહું કે સાહેબ, તમને મળવા જ આવવું છે તો કહે ભલા માણસ, આવી જાવને.’

પ્રજાપતિને પોતાના થીસિસ માટે બારાડી સાહેબ સાથેનો પોતાનો ફોટો મૂકવાનો હતો અને એટલે એમને એ ફોટો પાડવા જવાનું હતું. બે હજાર સોળમાં અમે સાહિત્ય અકાદમી તરફથી યશવંત શુક્લ અને જસવંત ઠાકરની શતાબ્દીનો કાર્યક્રમ નડિયાદમાં યોજ્યો હતો. એમાં એક વક્તા તરીકે બારાડી પણ હતા, એટલે થયેલું કે નડિયાદમાં એમને મળાશે. પણ એમણે પોતાના વક્તવ્યની વિડિયો સીડી મોકલી આપી. અવાજનો રણકો એવો જ હતો પણ હાસ્યનું સ્થાન હવે હાંફે લઈ લીધું હતું. આ બધું યાદ કરીને મેં પ્રજાપતિને તરત કહ્યું કે આજકાલ એમની તબિયત સારી નથી રહેતી એટલે આ કામ તમે સત્વરે પતાવી લો. એમણે ફોન કર્યો અને થિયેટર મિડિયા સેન્ટર પરથી એમને જવાબ મળ્યો કે બે-ત્રણ દિવસ પછી ફોન કરજો. પાંચમી તારીખે પ્રજાપતિએ મને વોટ્‌સઍપ કર્યું :

‘વી લોસ્ટ હીમ ’

*  *  *

ગૅરેજ સ્ટુડિયો થિયેટર (પ્રભાબહેન પાઠક અને અરવિંદ પાઠકના બંગલાનું ગૅરેજ) એક એવું સ્થાન હતું જ્યાં પ્રગતિશીલ વિચારધારાના કલાકારો-નાટ્યકારો-સાહિત્યકારો એકઠા થતા, એટલું જ નહીં પણ પ્રગતિશીલ વિચારધારાને વેગવંતી બનાવતા. એમાં માત્ર ભણેલા બૌદ્ધિકો જ આવતા એવું નહોતું. દલિત અધિકારની ચળવળ સાથે સંકળાયેલા મિત્રો પણ આવતા અને ચાલીઓમાં વસતા કામદારો પણ આવતા. આ સહુ નાટકોમાં ભાગ પણ લેતા. બ્રેખ્તના ‘ગેલિલિયો’ના નિર્માણથી બારાડી સાહેબના ગૅરેજ સ્ટુડિયો થિયેટરને પ્રતિષ્ઠા મળી. પછી તો અનેક નાટકો ગેરેજમાં ભજવ્યા. ઓગણીસસો પંચાશી-છ્યાંશીમાં જ્યારે બારાડીએ ફ્રાંઝ કાફ્કાના ‘ધ ટ્રાયલ’નું નાટ્ય રૂપાંતર કર્યું અને એ નાટકને મંચ પર મૂક્યું ત્યારે ખળભળાટ મચી ગયો. આ નાટકમાં જેના પર મુકદ્દમો ચાલે છે જોસેફની ભૂમિકા જનક રાવલ ભજવતા અને હું વકીલની ભૂમિકા ભજવતો હતો. એક દૃશ્ય એવું હતું જેમાં ન્યાયાધીશ ચાલુ કોર્ટે કાયદાના પુસ્તકમાં બીભત્સ સાહિત્ય સંતાડીને વાચતા હોય છે. આ નાટકમાં વારંવાર એક રૂપાળી ધોબણનું પાત્ર કોર્ટ રૂમમાં આવે છે અને ન્યાયાધીશ એનાથી પ્રભાવિત થાય છે. ગુજરાત રાજ્યના સાંસ્કૃિતક વિભાગના સેન્સર બૉર્ડે આ નાટકને અટકાવ્યું અને બારાડીએ પ્રમાણપત્ર વિના ભજવી કાનૂની લડાઈમાં જવાનો વિકલ્પ પસંદ કર્યો. ઇસરો ડેકૂના નિર્માતા તરીકે બારાડી સાહેબે આ જોખમ ઉઠાવ્યું હતું. આ કાનૂની લડાઈમાં બારાડી જીત્યા. અભિવ્યક્તિ ઉપર શાસન તરફથી ખતરો ન હોય એવો સમય અને સમાજ તો એક સ્વપ્ન છે. નવમા દાયકાની ગુજરાતી રંગભૂમિનો એ સમય શાસન સામેના સંઘર્ષનો સમય હતો. હિરેન ગાંધી અને સરૂપ ધ્રૂવનું ભગતસિંહ પર આધારિત ‘ઇતિહાસની બીજી બાજુ’  ‘રાજપરિવર્તન’ અને બારાડીનું ‘જોસેફ કે નો મુકદમો’ માત્ર નાટકો નહોતાં, પણ રંગભૂમિના માધ્યમ દ્વારા અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની બંધારણે બક્ષેલી આઝાદીને અંકે કરવાનાં આંદોલન હતાં.  આ જ તર્જ પર અમે સહુએ ગુજરાતી લેખક મંડળની સ્થાપના કરી અને બારાડી એના પહેલા પ્રમુખ બન્યા. મંડળે લેખનના ગૌરવ અને લેખકના આધિકારો માટે કૉપીરાઇટ એક્ટ હેઠળ માધ્યમોમાં અને સરકારમાં એવી સભાનતા પેદા કરી કે તમે લેખકનું શોષણ ન કરી શકો.

નવમા દાયકામાં શેરી નાટક એક ચળવળની જેમ આગળ વધતું હતું. આંખ પર દોરીએ ઝૂલતાં ચશ્માં અને મોંમાં પાઈપ લઈ રશિયાથી થિયેટર ભણીને આવેલા બારાડી લગભગ દરરોજ રાતે મજૂર વિસ્તારમાં શેરી નાટક ભજવતા અને ત્યાંના રહીશો સાથે ચર્ચા કરતા દેખાય. ‘ખાડો’ ‘ફલાણાભાઈ ઢીંકણાભાઈ’ કિરણ ત્રિવેદીએ વિકસાવેલ ‘શિક્ષણ ઉર્ફે યાહુ’ આવાં અનેક નાટકો દ્વારા ગેરેજના કલાકારો પ્રજામાં લોકશાહી, શિક્ષણ,ધર્મ, જાતિવાદ જેવા મુદ્દે વિમર્શ રચતા. સાંજ પડે બારાડી, જ્યોતિબહેન અને મન્વિતા સાથે ગૅરેજમાં પાંત્રીસ-ચાલીસ કલાકારો સાથે કામ કરતાં દેખાય. બીજી તરફથી ટેલિવિઝન પર ત્રિભેટે ધારાવાહિક દ્વારા એમણે જુદા જુદા સામાજિક મુદ્દે  જાગૃતિ અને પરિવર્તન માટે કામ શરૂ કર્યું હતું. અઠવાડિયાના પાંચ દિવસ તો એ ભવન્સમાં જર્નલિઝમના વિદ્યાર્થીઓને સમૂહમાધ્યમ ભણાવે. બારાડી સાહેબને હિંમત ખાટસુરિયાનું ‘ચલો ચીતરવા, ચલો ચિતવા, ચલો ચીતરવા રસ્તા’ ગીત ખાસ ગમતું. આજે જ્યારે એ નથી રહ્યા ત્યારે થાય છે કે સમાજની સ્થિતિને લઈને એમનામાં એક ગજબનો અજંપો હતો જે એમને સતત પ્રવૃત્તિશીલ રાખતો. કાળા કામળાનો આ નાટ્યકાર એક કાળું સ્કુટર લઈને અહીંથી ત્યાં સતત અજંપ ભમ્યા કરે એટલું જ નહીં પણ બીજાઓમાં પણ અજંપો જનમાવ્યા કરે.

આજે આ પોસ્ટ મોડર્નિસ્ટ પિરિયડમાં અમદાવાદની સિકલ બદલાઈ ગઈ છે, અને બદલાઈ ગયા  છે ગુજરાત અને ગુજરાતી હોવાના અર્થ. ઓગણીસસો એકાણુ-બાણુના ગ્લોબલાઈઝેશન અને કન્ઝયુમરિઝમે જાણે ઇતિહાસ, સંસ્કૃિત અને સમાજને પોતાના હિતમાં ભૂંસવાનું, બદલવાનું અને પોતાની અનુકૂળતા મુજબ સર્જવાનું શરુ કર્યું છે. આજના ઘણા બધા રંગકર્મીઓ, કટાર લેખકો, કવિ-અધ્યાપકો પેલા ભૂંસાયેલા-ભૂલાયેલા અમદાવાદ અને ગુજરાતના વારસો છે. ગુજરાત યુનિવર્સિટી, ટાઇમ્સ ઓફ ઈંડિયા, ઇન્કમટેક્સ, વાડીલાલ, વિદ્યાપીઠ, ગુજરાત કૉલેજ, લકી,  આ બધા વિસ્તારોમાં ચાની કિટલીઓ ઉપર પ્રગતિશીલ રંગકર્મીઓ, કવિઓ, પત્રકારો, અધ્યાપકો, આંદોલનકારીઓની દિવસ રાત મંડળીઓ જામતી. મનીષી જાની, બારિન મહેતા, પરેશ નાયક, હિરેન ગાંધી, કિરણ ત્રિવેદી, સરૂપ ધ્રૂવ, ગિરીશ રાય, તનુશ્રી ગંગોપાધ્યાય, કર્દમ-રાજુ-નયન, દલપત ચૌહાણ, મૌન બલોલી, દ્વારિકાનાથ રથ, સંજય શ્રીપાદ ભાવે, રાવજી સોંદરવા, ભરત મહેતા, ઘણાં નામો હું ભૂલી પણ ગયો હોઈશ, આવા અસંખ્ય પ્રગતિશીલ મિત્રો સતત કલા-શિક્ષણ-સંસ્કૃિત અને સમાજ અંગે ચાની ચુસ્કીઓ લેતાં લેતાં ચર્ચા કરતાં એટલું જ નહીં પણ સમય આવ્યે આંદોલનના મેદાનમાં પણ ઊતરતાં, સહેજ કોમી છમકલું થાય એટલે તરત જ નહેરુ પુલના એક છેડેથી બીજા છેડા સુધીની માનવ સાંકળ બને. એવું નહીં કે એમાં સહુ એકલા જોડાય, આખો પરિવાર આવ્યો હોય. નાનાં બાળકો પણ હાથમાં પ્લે કાર્ડ લઈને ઊભાં હોય. આ ડેમોન્સ્ટ્રેશનને  યશવંત શુક્લ, ઈલા પાઠક, પ્રકાશ ન. શાહ લીડ કરતાં હોય એવું નહીં પણ સામાજિક ન્યાય અને શાંતિ ઝંખતો એક આખો સમાજ ત્યાં મોજૂદ હોય. આજે તો સરકાર સામેના કોઈ વાજબી આંદોલનના આવેદનપત્રમાં સહી કરતા પણ લોકો ગભરાય છે પણ એ સમયે અનેક સરકારી કર્મચારી કે ગાંધીનગર સચિવાલયમાં બેસતા મિત્રો કે બારાડી સાહેબ જેવા ઇસરો સેન્ટ્રલ ગવર્નમેન્ટના અધિકારી પણ અચૂક આવીને ઊભા હોય એટલું જ નહીં પણ નિઃશંકપણે સૂત્રોચ્ચારો કરતા હોય અને નિર્ભીકતાથી પોતાના વિચારો પણ વ્યક્ત કરતા હોય.

*  *  *

પાંચમી ફેબ્રુઆરીનાં અખબારો, સોશિયલ મીડિયા અને ફોન પર બારાડી સાહેબના જવાની વાતો ચર્ચાતી રહી. આ ચર્ચા કરનારા મારા જેવા અનેકની આંખમાં પેલું વિસરાયેલું અમદાવાદ અને એમાં ચાલતી અનેકવિધ પ્રવૃતિઓ સળવળી ઊઠી હશે. કાળ સાથે બાથ ભીડવી એ મનુષ્યની નિયતિ છે. કેટલાક એ નિયતિને હંફાવતા હોય છે તો કેટલાક હાંફી જતા હોય છે. બારાડી સાહેબ ક્યારેક ગેલિલિયોની જેમ તો ક્યારેક સ્પાર્ટેકસની જેમ લડતા રહ્યા. છેલ્લાં કેટલાંક વર્ષોથી તબિયત સાથ નહોતી આપતી. બે હજાર સાતમાં એક ટેલિફિલ્મના શુટિંગ માટે થિયેટર મીડિયા સેન્ટરના સ્ટુડિયોમાં ત્રણેક દિવસ જવાનું થયેલું. એ લાકડીના ટેકે ટેકે આવતા. હાંફતા સ્વરે બોલતા. એમને જોઈને આપણું મન વ્યથા અનુભવે ન અનુભવે ત્યાં તો એ ખડખડાટ હસે અને પછી એ હાસ્ય લાંબી ખાંસીમાં બદલાઈ જાય.

આપણા સમયના આ સ્પાર્ટેકસે વિદાય લીધી છે. જતાં જતા બારાડી સાહેબ બાદલ સરકારના સ્પાર્ટેકસનું આ વાક્ય બોલ્યા હશેઃ

‘હમ ફિરસે આયેંગે
હજારો લાખો કી તાદાદ મેં.’ 

તા. ૧૧-૦૨-૨૦૧૬

E-mail : pjagjivandas@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2017; પૃ. 02-04

Loading

21 February 2017 admin
← દેશપ્રેમીઓ, આ કોયડાનો જવાબ આપશો?
શિવાજીના ખોટ્ટાડા જન્મદિનની ઉજવણી →

Search by

Opinion

  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved